This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

જૈન વિજ્ઞાન - 447:

દેવલોક - 152: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-54:

વ્યંતર - વાણવ્યંતર દેવી-દેવતાઓની કાય પરિચારણાઃ

પરિચારણા એટલે મૈથુન પ્રવૃત્તિ, વ્યંતર - વાણવ્યંતર દેવલોકના દેવી- દેવતાઓ કાયપરિચારક હોય છે. એટલે કે, દેવી-દેવતાઓ શારીરિક સંબંધો (મૈથુનસેવન, કામવાસના) મનુષ્યોની જેમ જ હોય છે.

પરિચારણા (મૈથુન)ના પાંચ પ્રકાર :

(1) કાયપરિચારણા સ્પર્શ પરિચારણા (ર) (3) રૂપ પરિચારણા (4) શબ્દ પરિચારણા મનપરિચારણા (પ)

વ્યંતર-વાણવ્યંતર દેવલોકના દેવી-દેવતાઓ કાય પરિચારક (શરીરથી વિષયની ઇચ્છા પૂર્તિ કરનારા) છે. પ્રથમ તેઓના મનમાં ઇચ્છા ઉત્પન્ન થાય છે કે અમે અપ્સરાઓની સાથે કાયાથી વિષય ઇચ્છા તૃપ્ત કરીએ. તે દેવો મનથી આ પ્રકારનો વિચાર કરે ત્યારે તે અપ્સરાઓ વૈક્રિયલબ્ધિ દ્વારા શ્રેષ્ઠ શણગાર સાથે મનોજ્ઞ (મનને ગમનારું, સુંદર) , મનોહર (મનને હરનારું) અને મનોરમ (મનને આનંદ આપનારું) ઉત્તરવૈક્રિયરૂપની વિકુર્વણા (સ્વરુપ ધારણ) કરે છે. આ પ્રમાણે વિકુર્વણા કરીને તે અપ્સરાઓ, તે દેવો પાસે આવે છે. ત્યારે તે દેવો તે અપ્સરાઓ સાથે શારીરિક સંબંધ બાંધે છે. જેવી રીતે શીત (ઠંડા) પુદ્ગલો (પરમાણું) શીતયોનિવાળા પ્રાણીને પ્રાપ્ત કરીને અત્યંત શીત અવસ્થાને પામે છે અથવા ઉષ્ણ (ગરમ) પુદ્ગલો, ઉષ્ણ-યોનિવાળા જીવોને પામી અત્યંત ઉષ્ણ અવસ્થાને પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે તે દેવો અપ્સરાઓની સાથે કાયા (શરીર)થી પરિચારણા (મૈથુનસેવન) કરે ત્યારે તેઓનું ઇચ્છામન તરત જ તૃપ્ત થઇ જાય છે.

58

Page 572

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 448:

દેવલોક - 153: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-55:

વ્યંતર - વાણવ્યંતર દેવી-દેવતાઓની કાય પરિચારણાઃ

દેવોના શુક્રાણુ પુદ્ગલો અપ્સરાઓને શ્રોતેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયરૂપે, ઇષ્ટ, કમનીય, મનોજ્ઞ, મનોહર, સુંદર સૌભાગ્યરૂપે, યૌવન-ગુણ- લાવણ્યરૂપે વારંવાર પરિણત થાય છે.

દેવોમાં પણ વેદ મોહનીય કર્મના ઉદયે વિષય ઇચ્છા થાય છે. પરંતું, દેવો વૈક્રિયલબ્ધિના ધારક હોવાથી પોતાની ઇચ્છાપૂર્તિ વિવિધ રીતે કરે છે. (1) કેટલાક દેવો, દેવીઓ સહિત હોય અને દેવીઓ સાથે કાયપરિચારણાથી વિષય ઇચ્છાની તૃપ્તિ કરે છે.

તેમ છતાં તે દેવોને ચારિત્રના પરિણામ ન હોવાથી તે દેવો ત્યાગી કહેવાતા નથી. કાયિક પરિચારણાથી સ્પર્શ પરિચારણામાં દેવો વિશેષ આનંદની અનુભૂતિ કરે છે. તે જ રીતે રૂપ પરિચારણા, શબ્દ પરિચારણા અને મનપરિચારણામાં ક્રમશઃ અધિક આનંદ અને તૃપ્તિનો અનુભવ થાય છે. ઉપર-ઉપરના દેવલોકના દેવોનું પુણ્ય અધિક હોવાથી તે દેવો અલ્પ પુરૂષાર્થે વિશેષ તૃપ્તિને પામે છે.

કાયિક પરિચારણાની જેમ સ્પર્શ પરિચારણા, રૂપ, શબ્દ કે મનપરિચારણામાં પણ દેવતાના શુક્ર પુદ્ગલો દિવ્ય પ્રભાવથી દેવીઓના શરીરમાં પ્રવેશ પામે છે. પરંતુ, તે વૈક્રિય શરીરના પુદ્ગલો હોવાથી ગર્ભાધાન (ગર્ભધારણ)નું નિમિત્ત બનતા નથી.

59

Page 573

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 449:

દેવલોક - 154: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-56:

વ્યંતર - વાણવ્યંતર દેવી-દેવતાઓની કાય પરિચારણાઃ

દેવીઓ શુક્ર પુદ્ગલના સંક્રમણથી પરમ સુખની અનુભૂતિ કરે છે. તે પુદ્ગલો દેવીઓના શરીરમાં પાંચ ઇન્દ્રિયો રૂપે, ઇષ્ટ, કાંત, મનોજ્ઞ અને મનોહર પણે પરિણમન પામે છે. ઉપરના દેવલોકના દેવો મનથી દેવીઓની ઇચ્છા કરે, ત્યારે તે દેવીઓ પોતાના વિશિષ્ટ મતિજ્ઞાનથી તે દેવની ઇચ્છાને જાણે છે, અવધિજ્ઞાનથી નહીં; કારણ કે દેવ-દેવીઓનું અવધિજ્ઞાન પોતાના વિમાનની ધ્વજા સુધીનું જ હોય છે.

વેદનાઃ

વ્યંતર-વાણવ્યંતર દેવો નૈરયિકોની જેમ ઔપક્રમિકી વેદનાનો અનુભવ કરે છે.

આભ્યુપગમિકી વેદનાઃ

જે વેદના સ્વેચ્છાપૂર્વક સ્વીકારવામાં આવે છે, તે આભ્યુપગમિકી વેદના છે. જેમ કે કેશલોચ, તપ, આતપના વગેરે. જે વેદના સ્વયંમેવ ઉદયને પ્રાપ્ત થાય અથવા બીજા દ્વારા દેવામાં આવે, તેને ઔપક્રમિકી વેદના કહેવાય છે. વ્યંતર-વાણવ્યંતર દેવોને ઔપક્રમિકી વેદના હોય છે.

તીર્થંકરોના દેહની અંત્યક્રિયામાં વ્યંતર-વાણવ્યંતર દેવોની કાર્યવાહીઃ

તીર્થંકર દેવની અંતિમ સંસ્કાર વિધિમાં વ્યંતર-વાણવ્યંતર દેવો ચંદનના

લાકડા, ગોશીર્ષ ચંદન વગેરે લાવીને ચિતાનું નિર્માણ કરે છે.

60

Page 574

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 450:

દેવલોક - 155: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-57:

વ્યંતર-વાણવ્યંતર દેવલોકના ઘંટાનું વર્ણન :

તીર્થંકર પરમાત્માના પાંચ કલ્યાણકો પૈકી ચાર કલ્યાણકો (જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક)માં વ્યંતર- વાણવ્યંતર દેવલોકના દેવી-દેવતાઓ કલ્યાણક ઉજવવા તિરછાલોક (મધ્યલોક, મનુષ્યલોક)માં પધારે છે. ત્યારે ઇન્દ્રના આદેશથી દેવી-દેવતાઓને સમૂહમાં એકઠાં થવા માટે ઘંટાઓ વગાડવામાં આવે છે. તદુપરાંત એવા કોઇ વિશેષ કાર્ય હોય ત્યારે પણ તે ઘંટાઓને ઇન્દ્રના આદેશથી વગાડવામાં આવે છે. પ્રત્યેક દેવલોકના ઘંટાઓના નામઃ

દક્ષિણ શ્રેણીના ઇન્દ્ર ઘંટાનું નામ : મંજુસ્વરા ઉત્તર શ્રેણીના ઇન્દ્ર ઘંટાનુ નામ : મંજુધોષ

યાન-વિમાનઃ

વ્યંતર-વાણવ્યંતર દેવલોકના ઇન્દ્રના આદેશથી આભિયોગિક દેવ દ્વારા યાન-વિમાન તૈયાર કરવામાં આવે છે. યાન એટલે વાહન. યાનનો ઉપયોગ જિનેશ્વર દેવના કલ્યાણકો ઉજવવા તેમજ અષ્ટાન્હિકા મહોત્સવ ઉજવવા માટે ઇન્દ્ર પોતાના વિશાળ પરિવારને સાથે લઇ જવા માટે કરે છે.

યાન-વિમાન : વિસ્તાર 1000 યોજન યાન-વિમાન બનાવનાર : આભિયોગિક દેવ મહેન્દ્ર ધ્વજ વિસ્તાર : 1000 યોજન વ્યંતર-વાણવ્યંતર દેવોમાં 23 દ્વારઃ

(1) શરીરઃ

દેવોને ત્રણ શરીર હોય છેઃ વૈક્રિય શરીર, તૈજસ શરીર અને કાર્મણ શરીર.

61

Page 575

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 451:

દેવલોક - 156: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-58:

વ્યંતર-વાણવ્યંતર દેવોમાં 23 દ્વારઃ

(ર) અવગાહનાઃ

અવગાહના એટલે શરીરનું પ્રમાણ. દેવોની અવગાહના બે પ્રકારની છે :

ભવધારણીય અને ઉત્તરવૈક્રિય.

ભવધારણીયઃ

જઘન્ય - અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ - 7 હાથનું હોય છે.

ઉત્તરવૈક્રિયઃ

ઉત્તરવૈક્રિય એટલે પોતાની ઇચ્છાથી શરીરનું પ્રમાણ વધારી શકે છે. પરંતું, તે શરીર કાયમ સ્વરુપે તે પ્રમાણે ન રહે. કેમકે, દેવોને વૈક્રિયલબ્ધિ હોવાથી શરીરને અતિસુક્ષ્મ અને અતિવિશાળ કરી શકે છે. વ્યંતર-વાણવ્યંતર દેવો ઉત્તરવૈક્રિયથી પોતાનું શરીર ઓછામાં ઓછું અંગુલનો અસંખ્યાત ભાગ કરી શકે અને વધુમાં વધુ 1,00,000 યોજન પ્રમાણમાં કરી શકે એટલે કે જંબુદ્વીપ પ્રમાણ.

(3) સંઘયણઃ

6 સંઘયણોમાંથી એકપણ સંઘયણ નથી. દેવોના શરીરમાં હાડકા, શિરા કે સ્નાયુ નથી તેથી તે અસંઘયણી છે. ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનોહર પુદ્ગલ તેના શરીરરૂપે એકત્રિત થાય છે.

(4) સંસ્થાનઃ

છ પ્રકારની શરીરની રચના હોય છે. વ્યંતર-વાણવ્યંતર દેવલોકના દેવોનું ભવધારણીય શરીર પ્રથમ સમચતુરસ્ર સંસ્થાન છે અને ઉતરવૈક્રિય શરીરનું વિવિધ પ્રકારનું સંસ્થાન હોય છે. તે ઇચ્છાનુસાર આકાર બનાવી શકે છે.

62

Page 576

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 452:

દેવલોક - 157: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-59:

વ્યંતર-વાણવ્યંતર દેવોમાં 23 દ્વારઃ

(5) સંજ્ઞાઃ

ચારેય સંજ્ઞાઓ છે.

(6) કષાયઃ

કષાય સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ છે. વ્યંતર-વાણવ્યંતર દેવલોકના દેવોને ચારે કષાય (ક્રોધ, માન, માયા અને લોભ) હોય છે.

(7) લેશ્યાઃ

વ્યંતર-વાણવ્યંતર દેવોને કુલ છ લેશ્યામાંથી 4 લેશ્યાઓ હોય છે. (કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા અને તેજો લેશ્યા)

(8) ઇન્દ્રિયઃ

વ્યંતર-વાણવ્યંતર દેવોને પાંચ ઇન્દ્રિયો હોય છે અનુક્રમે સ્પર્શ, જીભ, નાક, આંખ અને કાન.

(9) સમુદ્ઘાતઃ

પાંચ સમુદ્ઘાત છે. વેદનીય, કષાય, મારણાંતિક, વૈક્રિય અને તૈજસ સમુદ્ઘાત. દેવોને વૈક્રિય અને તેજોલબ્ધિ હોવાથી તે બંને સમુદ્ઘાત હોય છે.

(10) સંજ્ઞીઃ

દેવો સંજ્ઞી જ હોય છે. પરંતું, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને વ્યંતરમાં ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્ત અવસ્થામાં તેને અસંજ્ઞી કહેવાય છે. તે જીવ પર્યાપ્તાવસ્થાને પ્રાપ્ત કરે ત્યાર પછી સંજ્ઞી કહેવાય છે, તેથી વ્યંતર-વાણવ્યંતર દેવલોકમાં સંજ્ઞી અને અસંજ્ઞી બંને હોય છે.

63

Page 577

જૈનમ્ જયતિ શાસનમ્

(11) વેદઃ

વ્યંતર-વાણવ્યંતર દેવલોકના દેવોને કુલ ત્રણ વેદ (પુરૂષ, સ્ત્રી અને નપુસંક)માંથી બે વેદ હોય છે. 1) પુરુષ વેદ, 2) સ્ત્રી વેદ

(12) દ્રષ્ટિઃ

ત્રણ દ્રષ્ટિ હોય છે.

64

Page 578

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 453:

દેવલોક - 158: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-60:

વ્યંતર-વાણવ્યંતર દેવોમાં 23 દ્વારઃ

(13) પર્યાપ્તિઃ

પાંચ પર્યાપ્તિ અને પાંચ અપર્યાપ્તિ હોય છે. ભાષા અને મનપર્યાપ્તિને એક ગણીને પાંચ પર્યાપ્તિ કહી છે.

(14) દર્શનઃ

ત્રણ દર્શન હોય છે.

(15) જ્ઞાનઃ

તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેમાં જે જ્ઞાની છે, તેને નિયમથી ત્રણ જ્ઞાન હોય છે. જે અજ્ઞાની છે તેમાં બે અથવા ત્રણ અજ્ઞાનની ભજના છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય વ્યંતરમાં ઉત્પન્ન થાય, તેને અપર્યાપ્તાવસ્થામાં વિભંગજ્ઞાન હોતું નથી, તેથી તે દેવોમાં બે અજ્ઞાન હોય છે. મિથ્યાદ્રષ્ટિ સંજ્ઞીપંચેન્દ્રિય દેવગતિમાં ઉત્પન્ન થાય, તેને પર્યાપ્ત કે અપર્યાપ્તાવસ્થામાં વિભંગજ્ઞાન સહિત ત્રણ અજ્ઞાન હોય છે. આ રીતે વ્યંતરમાં બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે.

(16) યોગઃ

મન, વચન અને કાય (શરીર), તે ત્રણે યોગ હોય છે.

(17) ઉપયોગઃ

સાકાર અને અનાકાર બંને પ્રકારના ઉપયોગ હોય છે.

(18) આહારઃ

છ દિશામાંથી 288 પ્રકારે આહાર યોગ્ય પુદગલો ગ્રહણ કરે છે.

65

Page 579

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 454:

દેવલોક - 159: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-61:

વ્યંતર-વાણવ્યંતર દેવોમાં 23 દ્વારઃ

(19) ઉપપાતઃ

ગર્ભજ મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચ, આ બે દંડકના જીવોનો દેવોમાં ઉપપાત થાય છે. અપર્યાપ્તા જીવો તથા એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયો (બે, ત્રણ અને ચાર ઇન્દ્રિયવાળા જીવો) દેવગતિને પ્રાપ્ત કરી શકતા નથી. નારકીઓ કે દેવો પણ તથા પ્રકારના સ્વભાવે દેવગતિમાં જન્મ ધારણ કરી શકતા નથી.

(1) ગર્ભજ મનુષ્યો સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના કોઇપણ સ્થાનમાં ઉત્પન્ન થઇ

શકે છે.

(ર) અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, ભવનપતિ અને વ્યંતરજાતિના દેવોમાં અને

(3) સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય આઠમાં દેવલોક સુધી જઇ શકે છે.

-4

યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્ય વ્યંતર દેવલોકમાં ઉત્પન્ન થઇ શકે છે.

આ રીતે...

(1) ભવનપતિ અને વ્યંતરમાં સંજ્ઞી તિર્યંચ, અસંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યોનો,

(ર) જ્યોતિષીથી વૈમાનિક આઠ દેવલોક સુધી સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યોનો

-3

નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાનમાં માત્ર સંજ્ઞી મનુષ્યોનો જ ઉપપાત થાય છે.

(20) સ્થિતિઃ

સ્થિતિ એટલે આયુષ્ય. વ્યંતર અને વાણવ્યંતર દેવલોકના દેવોનું આયુષ્યઃ

જઘન્ય (ઓછામાં ઓછું આયુષ્ય) 10,000 વર્ષ ઉત્કૃષ્ટ (વધુમાં વધુ આયુષ્ય)1 પલ્યોપમ

66

Page 580

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 455:

દેવલોક - 160: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-62:

વ્યંતર-વાણવ્યંતર દેવોમાં 23 દ્વારઃ

(21) મરણઃ

સમુદ્ઘાત સહિત અને સમુદ્ઘાત રહિત બંને પ્રકારના મરણ હોય છે.

(રર) ઉદ્વર્તનઃ

વ્યંતર-વાણવ્યંતર દેવલોકના દેવી-દેવતાઓના મરણને ઉદ્વર્તન કહેવાય છે. મરણ પછી તેમની ગતિ અવશ્ય ઉપર તરફ થાય છે. દેવ મરીને બીજા ભવમાં દેવ થતાં નથી તેમજ નારકી પણ થતાં નથી. જેના પરિણામે તેમની ગતિ તેમના સ્થાનથી ઉપર તરફ થાય છે. તેઓને તિર્યંચગતિ અથવા મનુષ્યગતિ પ્રાપ્ત થાય છે. તેઓ અધોલોકથી ઉપર તિરછાલોક (મધ્યલોક)માં જન્મ ધારણ કરે છે. એટલે તેમના મરણને ઉદ્વર્તન કહેવાય છે. વ્યંતર-વાણવ્યંતર દેવલોકના દેવો પૃથ્વી, પાણી, વનસ્પતિ, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્ય અને સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ પંચેન્દ્રિય આ પાંચ દંડકમાં જાય છે.

(23) ગતિ – આગતિઃ

ગતિ એટલે આયુષ્ય પૂર્ણ થયા પછી બીજા ભવમાં જન્મ ધારણ કરવો અને આગતિ પૂર્વ ભવનું મરણ અને આ વ્યંતર-વાણવ્યંતર દેવલોકમાં જન્મ ધારણ કરવો.

વ્યંતર-વાણવ્યંતર દેવો મૃત્યુ પામીને મનુષ્ય અને તિર્યંચ આ બે ગતિમાં જાય

છે અને તે જ બે ગતિમાંથી આવે છે.

અહીં વ્યંતર-વાણવ્યંતર દેવલોક અને ભવનપતિ દેવલોક બંને વચ્ચે જે તફાવત રહેલ છે તેનો જ અહીં ઉલ્લેખ કરવામાં આવેલ છે. વિષયની સમાનતા માટે જિજ્ઞાસુઓએ ભવનપતિ દેવલોકના લેખો ફરી વાંચી સમજવાનો પ્રયાસ જરુરથી કરશોજી.

67

Page 581

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 456:

દેવલોક - 161: જ્યોતિષ્ક દેવલોક-1:

પ્રસ્તાવનાઃ

દરેક જીવ સુખ ઇચ્છે છે. કોઇપણ જીવને દુઃખ પ્રિય નથી. દુઃખથી સુખનો ક્રમ 1) નિગોદ - અત્યંત દુઃખ (તેમનો કોઇ જ નિર્ધારિત સમય નથી સુખ પામવાને! જ્યાં સુધી કોઇ એક જીવ સિદ્ધ ભગવંત ન બને ત્યાં સુધી નિગોદનો જીવ વ્યવહાર રાશીમાં ક્યારેય ન આવે! એટલે એકમાત્ર અમર્યાદિત દુઃખ પામવાનું સ્થળ, 2) નરકલોક - અત્યંત દુઃખ અને વેદના પામવાનું એકમાત્ર મર્યાદિત સ્થળ (ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષ અને વધુમાં વધુ 33 સાગરોપમ સમય સુધી) 3) મર્યાદિત દુઃખ ભોગવવા માટે તિર્યંચ ગતિ, 4) મર્યાદિત સુખ અને મર્યાદિત દુઃખ આરા પ્રમાણે મનુષ્ય જીવને માટે જ શક્ય બને, 5) અદ્વિતીય અને મર્યાદિત સુખ પામવા દેવલોક જ શક્ય બને! 6) અદ્વિતીય, અનંત સુખ અને શાશ્વત સુખ પામવા સિદ્ધલોક જ હોય છે. આ ક્રમ દુઃખથી સુખ તરફના ક્રમ છે.

દેવલોકના વર્ણનમાં અધોલોક, તિરછાલોકથી ઉર્ધ્વલોક તરફ વૃદ્ધિ કરતાં સુખનો ક્રમ અનુક્રમે વધતો રહે છે. અત્યાર સુધી ભવનપતિ દેવલોક, વ્યંતર- વાણવ્યંતર દેવલોકને સમજતાં હવે તિરછાલોકમાં જ્યોતિષ્ક દેવલોક વિશેના લેખ આવશે. તિરછાલોક રત્નપ્રભા પૃથ્વીની સમતલભૂમિથી 900 યોજન નીચેનું ક્ષેત્ર અને સમતલભૂમિથી 900 યોજન ઉપરનું ક્ષેત્ર કુલ 1,800 યોજન ક્ષેત્ર તિરછાલોક કહેવાય છે. રત્નપ્રભાપૃથ્વીની સમતલભૂમિથી 900 યોજનથી નીચે જતાં અધોલોક ક્ષેત્ર કહેવાય તે જ પ્રમાણે સમતલભૂમિથી 900 યોજનથી ઉપરનું ક્ષેત્ર ઉર્ધ્વલોક કહેવાય છે.

68

Page 582

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 457:

દેવલોક - 162: જ્યોતિષ્ક દેવલોક-2:

પ્રસ્તાવનાઃ

અહીં આપને થોડુંક પુનરાવર્તન સાથે સ્પષ્ટતા પણ કરું છું કે, ભવનપતિ દેવલોક અધોલોક ક્ષેત્રમાં આવે જ્યારે વ્યંતર-વાણવ્યંતર દેવલોક, જ્યોતિષ્ક દેવલોક તિરછાલોક ક્ષેત્રમાં આવે. આમ સમજવા જોઇએ તો અધોલોક કહી શકાય કેમકે મનુષ્યલોકથી નીચેનું ક્ષેત્ર તેમનું હોય છે. પરંતું, 14 રાજલોકની અપેક્ષાએ તિરછાલોકમાં તેમનું સ્થાન આવે છે. તે જ પ્રમાણે જ્યોતિષ્ક દેવલોકનું ક્ષેત્ર પણ તિરછાલોકમાં જ હોય છે. જ્યારે મનુષ્યલોકથી તેમનું ક્ષેત્ર ઉપર જ હોય છે.

દેવલોક, હંમેશા અદ્વિતીય અને મર્યાદિત સુખ ભોગવવાનું ક્ષેત્ર હોય છે. ત્યાં જીવ દ્વારા શુભ કર્મોથી પ્રાપ્ત થયેલા વિશાળ પુણ્યને જ ભોગવવાના હોય છે. કેમકે મનુષ્ય જીવ તરીકે આટલું લાંબુ સુખ શક્ય જ નથી કારણ કે, તેમનું આટલું વિશાળ આયુષ્ય નથી કે લાંબુ સુખ ભોગવી શકે! મનુષ્ય જીવનું વધુમાં વધુ આયુષ્ય 3 પલ્યોપમનું હોય છે તે પણ યુગલિક મનુષ્યનું જ! તેમજ મનુષ્યોને કોઇ ને કોઇ કારણ, પરિબળો સુખમાં બાધારૂપ કે દુઃખરૂપ અવશ્ય બની જાય છે.

ભવનપતિ દેવલોકથી 12માં વૈમાનિક દેવલોક પર્યંત દરેક દેવલોકમાં રહેઠાણ, ભૌતિક સુખ સુવિધા, દેવલોક સંચાલનની વ્યવસ્થા અવશ્ય હોય છે. દેવલોકની સંપૂર્ણ વ્યવસ્થાનું વર્ણન ભવનપતિ દેવલોકના લેખમાં વિસ્તારપૂર્વક જણાવેલ છે. તેથી જૈનમ જયતિ શાસનમ્ ગ્રુપમાં પાછળથી જોડાનાર વાચકોએ સંપૂર્ણ લેખ વાંચી જવા જરુરી છે. દરેક દેવલોકમાં જે સમાનતા છે તેવા લેખોનું અન્ય દેવલોકના વર્ણનમાં પુનરાવર્તન નથી કરેલ.

69

Page 583

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 458:

દેવલોક - 163: જ્યોતિષ્ક દેવલોક-3:

પ્રસ્તાવનાઃ

દરેક દેવલોકમાં શ્રેષ્ઠ મહેલ, પદાધિકારીઓના મહેલ તેમજ સામાન્ય નાગરિક દેવોના મહેલ, ઉપપાત (જન્મ), દેવલોક રચના, ચૈત્ય (જિનાલય), માણવકસ્તંભ, જિનપ્રતિમા, પ્રેક્ષાગૃહ, સુધર્માસભા, વ્યવસાયસભા, શસ્ત્રાગાર, સ્નાનગૃહ, પુષ્કરિણી, પદ્મવરવેદિકા, દેવલોકના મહેલની વિવિધ સજાવટ, બેઠકની વ્યવસ્થા, ઇન્દ્રનું આસન, ભદ્રાસનો, પર્વત, ઉપવન (બગીચા), વનખંડ, વૃક્ષો, પુષ્પ, મંડપ વગેરે દેવલોકની રચનાનું વર્ણન જૈન વિજ્ઞાન - 296 થી જૈન વિજ્ઞાન - 346 સુધીમાં સમાવેશ થયું છે.

તે જ પ્રમાણે દેવલોક સંચાલનની વ્યવસ્થા તેમજ પદાધિકારીઓ અનુક્રમથી ઇન્દ્ર, ઇન્દ્રાણી, સામાનિક દેવો, લોકપાલ દેવતાઓ, સેનાધિપતિ દેવો, વિવિધ સેનાઓ, ત્રાયસ્ત્રિંશક દેવો, આભ્યંતર પરિષદ, મધ્યમ પરિષદ અને બાહ્ય પરિષદ, આભિયોગિક દેવો, સામાન્ય નાગરિક દેવો વગેરે વ્યવસ્થા દેવલોકમાં હોય છે. દરેક પદાધિકારીઓનું વર્ણન ભવનપતિ દેવલોક અને વ્યંતર-વાણવ્યંતર દેવલોકમાં વિસ્તારપૂર્વક સમજાવેલ છે. તેથી જ્યોતિષ્ક દેવલોકમાં આવી પદવીઓ સમજાવવા લેખનું પુનરાવર્તન નહીં થાય.

જ્યોતિષ્ક દેવલોકમાં તફાવત અથવા જે કંઇ વિશેષતા હશે તેનું વર્ણન વિસ્તારમાં આવશે. જેથી વાંચકોની રૂચિ જળવાઇ રહે. હા! એટલું ચોક્કસ સંખ્યામાં તેમજ પ્રમાણમાં તફાવત જરુર હોય છે. ગતિ, આગતિ, આયુષ્ય, લેશ્યા, આહાર, મૈથુનસેવન, સેના, દ્રષ્ટિ, અવધિજ્ઞાન, વૈક્રિયલબ્ધિ, શરીરનું પ્રમાણ, શરીરનું બંધારણ, જ્ઞાન, પહેરવેશ, વેશભૂષા, આભૂષણ, શસ્ત્ર, ચિન્હ વગેરેમાં તફાવત અવશ્ય હોય છે. તે આપણે પ્રસ્તાવનાબાદ જરુરથી વિસ્તારમાં જાણીશું.

70

Page 584

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 459:

દેવલોક - 164: જ્યોતિષ્ક દેવલોક-4:

પ્રસ્તાવનાઃ

જ્યોતિષ્ક દેવલોક એટલે સામાન્ય વિચારધારાએ સમજાય કે જ્યોતિષને લાગતું જ કોઇક દેવલોક હશે! આ અર્થઘટન ખોટું છે. જ્યોતિષ્ક એટલે જ્યોતિ પ્રકાશનારા વિમાન. જ્યોતિ પ્રકાશનારા વિમાનોમાં વાસ કરનારા દેવી-દેવતાઓને જ્યોતિષ્ક દેવો કહેવાય. તેઓ ભવનપતિ અને વ્યંતર - વાણવ્યંતર દેવી-દેવતાઓની અપેક્ષાએ તેમનો રહેવાસ જ્યોતિ પ્રકાશનારા વિમાનોમાં હોય છે. જેને બીજા અર્થમાં દેવવિમાન કહીએ તો ચાલે! દરેક દેવોના પોતાના વિશિષ્ટ મહેલો હોય છે. તેમનું રહેવાસ સુખપ્રદ અને સુખપૂર્વક જ હોય છે.

ઘણાં લોકો મિથ્યાભ્રમણામાં હોય છે કે મને શનિ નડે છે, સાડાસાતી બેઠી છે, સૂર્ય નબળો છે, શુક્ર અસ્ત છે, બુધ નીચનો છે, ગુરુ ઉપર શનિની કુદ્રષ્ટિ છે વગેરે- વગેરે વાતો જ્યોતિષો દ્વારા જાણી ગ્રહોને દોષ દેતાં હોય કે તે-તે દેવોને બદનામ કરતાં હોય છે. વિશિષ્ટ અનુષ્ઠાન કરીને ગ્રહોને શાંત કરી કૃપા મેળવવાનો ઉપાય સાધી પ્રવૃત્તિ કરી લેતાં હોય છે. આ બધું જ મિથ્યા હોય છે. કોઇ ગ્રહો-દેવતાઓ એટલાં હલકાં કે તૂચ્છ નથી હોતાં કે તમારા હાથની આંગળીઓમાં પહેરેલા રત્નોથી પ્રસન્ન થતાં જ તમને દુઃખ મુક્ત કરી દે અને તમારા ચરણોમાં સુખ મૂકી દે! એવું પણ નથી કે વિશિષ્ટ અનુષ્ઠાન કરો એટલે તમારા બધા દોષો માફ કરી દે! બધું જ મિથ્યા છે અને કોઇક બુદ્ધિશાળીની ઉપજ છે.

71

Page 585

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 460:

દેવલોક - 165: જ્યોતિષ્ક દેવલોક-5:

પ્રસ્તાવનાઃ

મારા દ્વારા તમામ વાચકોને મિથ્યાભ્રમણાંથી બચવાનો એક વિચાર રજૂ કર્યો છે. તો પછી આપને પ્રશ્ન થશે કે, તો જ્યોતિષ્ક ગ્રહો અને તેના વિજ્ઞાન વિશે શું અભિપ્રાય? હા! જ્યોતિષ્ક દેવ વિમાન અને ગ્રહોની ભ્રમણ (ગતિ) વિશે ભવિષ્યવાણી કે તેની વિશિષ્ટ ગણતરી હોય છે. જીવના શુભ-અશુભ સમય અને તેના ફળાદેશ અચૂક જાણી શકાય. તેમની ચાલ નિશ્ચિત હોય છે તેમજ તેમની પરિક્રમા પણ નિશ્ચિત હોય છે. ગ્રહ-નક્ષત્ર વિજ્ઞાનના આધારે વિશેષપણે સંયોગ- પરિસ્થિતિ-સમય અક્ષરસ જાણી શકાય. એનો અર્થ એ નથી કે તેઓ તમને વિશેષ સુખ-વિશેષ દુઃખ આપી શકવા સમર્થ છે!

જ્યોતિષ્ક દેવી-દેવતાઓ તે-તે નામના ચંદ્ર, સૂર્ય, ગ્રહો, નક્ષત્રો, તારા વિમાનમાં વસે છે તેમજ પૂર્વભવમાં ઉપજાવેલા અકામ નિર્જરા, સકામ નિર્જરા, તપ અને સંયમના પ્રભાવે ઉપજેલ મહાન પુણ્યને તેઓ વિશિષ્ટપણે ભોગવે છે. આયુષ્ય પૂર્ણ થતાં તેઓ ત્યાંથી ચ્યવીને (ઉપરના દેવોના મરણને ચ્યવન કહે છે, ચ્યવન એટલે ઉપરથી નીચે તરફ આવવું) ફરી સંસારમાં ભવભ્રમણા કરતાં રહે છે.

જૈન દર્શનમાં જૈનાચાર્યો, સાધુ-સાધ્વી ભગવંતોને કોઇપણ જીવનું ભવિષ્યવાણી કરવાનો નિષેધ છે એટલે કે તેમને જિનાજ્ઞા નથી. જે મહાત્માઓ જિનાજ્ઞામાં નથી રહેતાં તેમજ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાય છે તેમને નિસિત્થસૂત્ર મુજબ વિશેષ પ્રાયશ્ચિત આવે છે તેમજ તેની આલોચના કરવાની હોય છે. હા! વિશેષ દુરંદેશીપૂર્વક તેઓ જીવનું ભવિષ્ય જાણી તેઓ પ્રાયઃ મૌન રહે છે. સવિ જીવ કરું શાસનરસીની ભાવનાથી જીવનું કલ્યાણ સાધવા ગર્ભિત સંદેશો આપી જીવનું કલ્યાણ કરવાનો ઉપાય આપી દે છે.

72

Page 586

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 461:

દેવલોક - 166: જ્યોતિષ્ક દેવલોક-6:

તિરછાલોકમાં રત્નપ્રભા પૃથ્વીની સમભૂતલ ભૂમિ ક્ષેત્રથી 790 યોજન ઉપર જ્યોતિષ્ક દેવલોક શરૂ થાય છે. ઉપર આગળ વધતાં 900 યોજન સુધીમાં એટલે કે કુલ 110 યોજન ઊંચાઇ વિસ્તારમાં જ્યોતિષ્ક દેવલોકનો સમાવેશ થાય છે તેમજ પહોળાઇમાં અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર (1 રાજલોક પ્રમાણ) વિસ્તારમાં સમગ્ર જ્યોતિષ્ક દેવલોકના સમાવેશ થઇ જાય છે. જે વિમાનો જ્યોતિ પ્રકાશે તેવા વિમાનોને જ્યોતિષ્ક વિમાનો કહેવાય. જ્યોતિષ્ક દેવલોકના દેવી- દેવતાઓનું આવાસ (રહેવાસ) જ્યોતિષ્ક વિમાનોમાં જ હોય છે.

જ્યોતિષ્ક દેવલોક એટલે ચંદ્ર વિમાન, સૂર્ય વિમાન, ગ્રહ વિમાન, નક્ષત્ર વિમાન અને તારા વિમાન નામના વિવિધ વિમાનોનું સમૂહ. જ્યોતિષ્ક દેવલોક બે પ્રકારના હોય છેઃ ચર અને અચર. ચર એટલે ફરતાં (ભ્રમણ, ગતિ કરતાં) વિમાનો અને અચર એટલે સ્થિર વિમાનો.

ચર વિમાનો મેરુપર્વતને કેન્દ્રમાં રાખી તેને ફરતાં પ્રદક્ષિણા કરે છે. ચર વિમાનો અઢીદ્વીપમાં એટલે કે મનુષ્યલોક ક્ષેત્રમાં હોય છે. જંબુદ્વીપ, લવણસમુદ્ર, ઘાતકીખંડ, કાલોદધિસમુદ્ર અને અર્ધ પુષ્કરદ્વીપ મળીને અઢીદ્વીપ ક્ષેત્ર કહેવાય. કુલ 45,00,000 યોજન પ્રમાણમાં અઢીદ્વીપ હોય છે. માત્ર અઢીદ્વીપ ક્ષેત્રમાં જ્યોતિષ્ક દેવી-દેવતાઓના વિમાનો પ્રદક્ષિણા આપતાં હોય છે. જેના પરિણામે સમયની ગણતરી અને દિવસ-રાતનું પરિવર્તન સતત થયા કરે છે.

73

Page 587

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 462:

દેવલોક - 167: જ્યોતિષ્ક દેવલોક-7:

ચંદ્ર-સૂર્ય પરિવારઃ

પ્રત્યેક ચંદ્ર અને સૂર્યના પરિવારમાં 88 ગ્રહ, 28 નક્ષત્ર અને 66,975 ક્રોડાક્રોડી (66,975 1,00,00,000 1,00,00,000) તારાઓ હોય છે. જ્યોતિષી દેવોમાં ચંદ્ર અને સૂર્ય બંને ઇન્દ્ર દેવ છે. તેના પરિવાર રૂપ દેવોની ગણના એક સાથે જ થાય છે. જેમ મનુષ્યોમાં બલદેવ અને વાસુદેવ બંનેની રાજ્યૠદ્વિ એક જ હોય છે, તેમ ચંદ્ર-સૂર્ય, આ બંને ઇન્દ્રોના પરિવાર વગેરેમાં સમજવું. સૌથી નીચેના તારા વિમાનના સમુદાયથી 10 યોજનની ઊંચાઇએ સૂર્ય વિમાન પરિભ્રમણ કરે છે, 90 યોજનની ઊંચાઇએ ચંદ્ર વિમાન અને 110 યોજનની ઊંચાઇએ સૌથી ઉપરના તારાના વિમાનો પરિભ્રમણ કરે છે. સૂર્ય વિમાનથી 80 યોજનની ઊંચાઇએ ચંદ્ર વિમાન પરિભ્રમણ કરે છે અને 100 યોજનની ઊંચાઇએ સૌથી ઉપરના તારાના વિમાનો પરિભ્રમણ કરે છે. ચંદ્ર વિમાનથી 20 યોજનની ઊંચાઇએ સૌથી ઉપરના તારાના વિમાનો પરિભમ્રણ કરે છે. આ પ્રમાણે સર્વ મળીને 110 યોજનની ઊંચાઇમાં અને અસંખ્યાત યોજન તિરછા (લંબાઇ-પહોળાઇ) વિસ્તારમાં જ્યોતિષ્ક દેવોનું પરિભ્રમણ ક્ષેત્ર છે.

તારા વિમાનનું મેરુપર્વતથી અને લોકાંતથી અંતરઃ

મેરુપર્વતથી 1121 યોજન દૂર રહીને જ્યોતિષી વિમાનો પરિભ્રમણ કરે છે એટલે કે મેરુપર્વતથી ચારે દિશામાં 1121 યોજન પ્રમાણ ક્ષેત્ર, જ્યોતિષી વિમાનોથી રહિત છે. ત્યારપછી તારા વિમાનોનો પ્રારંભ થાય છે અને તે તારા વિમાનો આખા તિરછા લોકમાં વ્યાપ્ત છે.

74

Page 588

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 463:

દેવલોક - 168: જ્યોતિષ્ક દેવલોક-8:

તેની અંતિમ પંક્તિ લોકાંતથી 1111 યોજન દૂર સ્થિત છે. ચંદ્ર-સૂર્યના વિમાનો મેરુપર્વતથી 44,820 યોજન દૂર છે. મેરુપર્વતથી જ્યોતિષી વિમાનોના અંતરનું કથન જંબૂદ્વીપના જ્યોતિષી વિમાનોની અપેક્ષાએ છે, કારણ કે લવણ સમુદ્ર વગેરે દ્વીપ-સમુદ્રના જ્યોતિષી વિમાનોનું અંતર મેરુપર્વતથી અધિક દૂર થાય છે અને લોકાંતથી જ્યોતિષી વિમાનોના અંતરનું કથન અંતિમ સ્વયંભૂરમણ સમુદ્રના અંતિમ પંક્તિગત તારા વિમાનોની અપેક્ષાએ છે.

જ્યોતિષ્ક વિમાનોનું પ્રમાણઃ

ચંદ્રના વિમાનનો આકાર ઉપર મુખ (મોઢું) હોય તેવા અર્ધા (અડધા) કોઠાના ફળ જેવો છે. ચંદ્ર વિમાન સંપૂર્ણતઃ સ્ફટિકમય, ઝળહળતા ચારે તરફ ફેલાતા કિરણોવાળું છે. આ પ્રમાણે સૂર્ય વિમાન, ગ્રહ વિમાન, નક્ષત્ર વિમાન અને તારાઓનાં વિમાનો પણ અર્ધા કોઠાના આકારના છે.

ચંદ્ર વિમાનની લંબાઇ-પહોળાઇ એક યોજનના 61 ભાગોમાંથી 56 ભાગ એટલે 56/61 યોજન પ્રમાણ છે. તેનાથી સાધિક ત્રણ ગુણી તેની પરિધિ છે અને તેની જાડાઇ (ઊંચાઈ) એક યોજનના 61 ભાગોમાંથી 28 ભાગ એટલે 28/61 યોજન પ્રમાણ છે.

સૂર્ય વિમાનની લંબાઇ-પહોળાઇ એક યોજનના 61 ભાગોમાંથી 48 ભાગ એટલે 48/61 યોજન પ્રમાણ છે. તેની પરિધિ સાધિક ત્રણ ગુણી અને જાડાઇ એક યોજનના 61 ભાગોમાંથી 24 ભાગ એટલે 24/61 યોજન પ્રમાણ છે.

75

Page 589

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 464:

દેવલોક - 169: જ્યોતિષ્ક દેવલોક-9:

જ્યોતિષ્ક વિમાનોનું પ્રમાણઃ

ગ્રહ વિમાનની લંબાઇ-પહોળાઇ અડધો યોજન (ર ગાઉ) છે. તેની પરિધિ

સાધિક ત્રણ ગુણી અને જાડાઇ એક ગાઉની છે.

નક્ષત્ર વિમાનની લંબાઇ-પહોળાઇ એક ગાઉની છે તેની પરિધિ સાધિક ત્રણ

ગુણી અને જાડાઇ (ઊંચાઈ) અડધા ગાઉની છે.

તારા વિમાનની લંબાઇ-પહોળાઇ અડધા ગાઉની છે. તેની પરિધિ સાધિક

ત્રણ ગુણી અને જાડાઇ પાંચસો ધનુષની છે.

સર્વ જ્યોતિષ્ક દેવોના વિમાનો અડધા કોઠા કે અડધા બિજોરાના આકારે છે. આ જ્યોતિષ્ક વિમાનોની અડધા કોઠાના આકારવાળી પીઠ ઉપર જ્યોતિષ્ક દેવોના પ્રાસાદ (મહેલો) (પીઠની ઉપર વિમાનોના પ્રાસાદો ચઢતા-ઉતરતા ક્રમે ગોઠવાયેલા છે. તે સર્વના શિખર ભાગો મળીને પ્રત્યેક વિમાન પૂર્ણ ગોળાકાર પ્રતીત થાય છે.) સૂર્ય અને ચંદ્રના વિમાન થાળી જેવા ગોળ દેખાય છે.

વિમાનો સ્ફટિક રત્નમય છે. તેના પ્રતરો સુવર્ણમય છે. તેના ગવાક્ષો (ઝરુખા)માં રત્નો જડેલા છે. તે વિવિધ મણિઓથી સુશોભિત છે. તેના શિખર પર વિજય, વૈજયંતી પતાકા, છત્ર ઉપર છત્ર વગેરે શોભે છે. તે વિમાનો શ્રી સંપન્ન, પ્રસન્નતાજનક, દર્શનીય, અતિસુંદર અને પ્રકાશમય છે. તે અસંખ્ય વિમાનોમાં લવણ સમુદ્રની ઉપરના કેટલાક જ્યોતિષી દેવ વિમાનો ઉદક (પાણી) સ્ફટિક રત્નમય છે, તેથી લવણ સમુદ્રની 16000 યોજન ઊંચી જલશિખાના પાણીની વચ્ચેથી પણ તે પસાર થઇ શકે છે.

76

Page 590

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 465:

દેવલોક - 170: જ્યોતિષ્ક દેવલોક-10:

ઉદક (પાણી) સ્ફટિક રત્નના પ્રભાવે તે જલ (પાણી) વિમાનોને બાધક બનતું નથી. અસંખ્ય જ્યોતિષી દેવો પોત-પોતાના વિમાનોમાં પોતાની દિવ્ય ૠદ્ધિ સાથે સુખપૂર્વક રહે છે. તેઓના મુગટમાં પોત-પોતાના નામનું ચિહ્ન હોય છે.

જ્યોતિષ્ક વિમાનોના વાહક દેવોઃ

16,000 દેવો ચંદ્ર વિમાનનું વહન કરે (વિમાનને ગતિ આપે) છે. ચંદ્ર વિમાનને વહન કરવા સિંહ રૂપધારી 4,000 આભિયોગિક (સેવક) દેવો ચંદ્ર વિમાનની પૂર્વ બાજુથી વહન કરે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છેઃ

તે સિંહરૂપધારી દેવો શ્વેતવર્ણી; સૌભાગ્યશાળી, વિલક્ષણ તેજવાળા હોય છે. તેમનો પ્રકાશ શંખના મધ્યભાગ જેવો વિમલ, નિર્મળ; જામેલું દહીં, ગાયના દૂધના ફીણ અને ચાંદીના સમૂહ સમાન હોય છે. તેમનું મુખ સ્થિર (દ્રઢ), લષ્ટ (કાંત), શોભનીય, ગોળ, પુષ્ટ, છિદ્ર રહિત, વિશેષ રૂપથી તીક્ષ્ણ એવી દાઢના કારણે ખુલ્લું (તેઓ ખુલ્લા મુખવાળા) હોય છે. તેમનું તાળવું અને જીભ રક્ત (લાલ) કમળના પત્ર જેવા કોમળ હોય છે. તેમની આંખ મધના પીંડ જેવી પીળી હોય છે. તેઓના નખ પ્રશસ્ત, શસ્ત્ર જેવા તીક્ષ્ણ, વૈડુર્યમણિ જેવા પ્રકાશિત અને કઠોર હોય છે. તેમની બંને જંઘા પુષ્ટ, શ્રેષ્ઠ અને સોહામણી હોય છે. તેમના ખભા માંસલ અને વિશાળ હોય છે. તેમની કેશરાળ (ગર્દન ઉપરના વાળ) મૃદુ, ઉજ્જવળ, પાતળી, પ્રશસ્ત, વિસ્તીર્ણ અને શોભનીય હોય છે.

77

Page 591

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 466:

દેવલોક - 171: જ્યોતિષ્ક દેવલોક-11:

તેઓની ગતિ ચંક્રમિત (ઉછળતી), લલિત (સુંદર), કૂદતી, શ્રેષ્ઠ અને ગર્વિત હોય છે. તેઓનું પૂંછડું ઉપર ઉઠેલું અને તેનો અગ્રભાગ નીચેની બાજુ વળેલું તેમજ સુજાત (સોહામણું) છે. તે પૂંછડુ ઉપર નીચે આસ્ફાલિત (થોડું હલાવતાં) થતું હોવાથી હલન-ચલન સ્વભાવવાળું હોય છે. તેઓના નખ, દાઢ અને દાંત વજ્રમય હોય છે. તેઓની જીભ અને તાળવું તપ્ત સુવર્ણ જેવા લાલ હોય છે. તેઓની લગામ સુવર્ણમયી હોય છે. તેઓની ગતિ સ્વેચ્છાનુસારી, સુખજનક, મન જેવી વેગવંતી, મનોરમ, મનોહર અને અતિ તીવ્ર હોય છે, તેઓનું બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ અમિત હોય છે. તેઓના મહા સિંહનાદના મધુર અવાજથી આકાશ ગાજી ઊઠે છે અને દિશાઓ સુશોભિત થાય છે. તેવા 4,000 સિંહરૂપધારી દેવો ચંદ્રને પૂર્વ બાજુથી વહન કરે છે.

ગજરૂપધારી (હાથી) 4,000 આભિયોગિક દેવો ચંદ્ર વિમાનને દક્ષિણ બાજુથી વહન કરે છે. તે ગજરૂપધારી દેવો શ્વેતવર્ણી, સૌભાગ્યશાળી, પ્રભાવાન હોય છે. તેમનો પ્રકાશ શંખના મધ્યભાગ જેવો નિર્મળ, દહીં, ગાયના દૂધના ફીણ અને ચાંદીના સમૂહ જેવો શુભ હોય છે. તેઓનું કુંભસ્થલ (ગંડસ્થલ) વજ્રમય હોય છે. તેઓની સૂંઢ સુંદર આકારવાળી, પુષ્ટ, વજ્રમયી, ગોળ, સ્પષ્ટ દેખાતા એક પ્રકારના જલબિંદુ રૂપ કમળોથી યુક્ત હોય છે.

78

Page 592

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 467:

દેવલોક - 172: જ્યોતિષ્ક દેવલોક-12:

તેઓનું મુખ આગળથી ઉન્નત હોય છે. તેઓના બંને કાન તપેલા સુવર્ણ જેવા લાલ, વિશાળ, ચંચળ, વિમળ, ઉજ્જવલ, બહારની બાજુ શ્વેતવર્ણવાળા હોય છે. તેઓની આંખો પીતવર્ણની ચમકવાળી, સ્નિગ્ધ, પલક યુક્ત, નિર્મળ, ત્રિવર્ણી-રક્ત, પીત, શ્વેત આ ત્રણ વર્ણથી યુક્ત એવા મણિરત્ન જેવી હોય છે. તેઓના બંને દંતશૂળ ઉન્નત્ત, મલ્લિકાના વિકસિત પુષ્પ જેવા ધવલ, એક સરખા આકારવાળા, વ્રણ (ઘાવ) રહિત, દ્રઢ, સંપૂર્ણપણે સ્ફટિકમય, સુજાત (ઉત્પત્તિ સમયથી દોષ રહિત હોય છે). તે દંતશૂળની કાંચનકોશી (દંતશૂળ પરનું સોનાનું ખોભળું) વિમલ, મણિરત્ન જડિત અને ચિત્રિત હોય છે.

તેઓના મુખ આભરણો તપનીય (સુવર્ણના) વિશાળ હોય છે અને તિલક આદિ મુખ આભરણોથી તેઓ ઉપશોભિત હોય છે. તેઓના મસ્તક મણિ અને રત્નોથી સુસજ્જિત હોય છે. તેઓના કંઠ આભરણ ઘંટાથી યુક્ત હોય છે અને તેઓના ગળામાં તે પહેરાવેલા હોય છે. તેઓના કુંભસ્થળોની વચ્ચે રહેલું અંકુશ વૈડુર્યરત્નથી નિર્મિત હોય છે અને અંકુશદંડ વિચિત્ર, નિર્મળ, વજ્ર જેવો કઠોર, મનોહર હોય છે. તેમના પેટ પર બાંધેલું દોરડું રક્ત સુવર્ણનું હોય છે. આ ગજરૂપધારી દેવો દર્પ (અભિમાની) અને બળવાન હોય છે. તેઓનું મંડળ (સમુદાય) વિમળ અને ઘનરૂપે હોય છે (તેઓ ભિન્ન-ભિન્ન રૂપમાં હોતા નથી.) વજ્રમય અંકુશનું તાડન તેઓને સુખપ્રદ લાગે છે. મણિમય નાની ઘંટડીઓ તેની આસપાસ છે, રજતમય રજ્જૂ (દોરી) કટિભાગ પર બાંધેલી ઘંટા યુગલ (બે ઘંટ)થી ઉત્પન્ન રણકારથી તેઓ મનોહર લાગે છે.

79

Page 593

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન િજ્ઞાન - 468:

દેવલોક - 173: જ્યોતિષ્ક દેવલોક-13:

તેઓની પૂંછડી કેશયુક્ત હોવાથી સુશ્લિષ્ટ (ઘાટીલી), પાછળના ચરણ સુધી લટકતી હોવાથી પ્રમાણોપેત, ગોળ, સુજાત લક્ષણોપેત, પ્રશસ્ત (પ્રશંસનીય), રમણીય, મનોહર અને ગાત્ર (શરીર)ને સાફ રાખનારી હોય છે. (ખાસ કરીને પશુઓ પોતાની પૂંછડીથી જ શરીરને સાફ કરે છે.) માંસલ, પૂર્ણ અવયવવાળા, કાચબાની જેમ ઉન્નત્ત ચરણો શીઘ્રન્યાસવાળા હોય છે. તેમના પગના નખ અંકરત્નના હોય છે. તેમના જીભ અને તાળવું તપ્ત સુવર્ણ જેવા લાલ હોય છે. તેઓની લગામ (નથ) સુવર્ણમયી હોય છે.

તેઓની ગતિ સ્વેચ્છા અનુસારી, સુખજનક, મન જેવી વેગવંતી, મનોરમ, મનોહર અને અતિ તીવ્ર હોય છે. તેઓનું બળ, વીર્ય, પુરુષાકાર, પરાક્રમ અપરિમિત હોય છે. તેઓ મોટી ચિંઘાડ (બૂમ) કરતાં ચાલતા હોવાથી, તેમની ચિંઘાડના મધુર સ્વરથી આકાશ ગાજી ઊઠે છે, દિશાઓ સુશોભિત થાય છે. તેવા ગજરૂપધારી 4000 દેવો ચંદ્રને દક્ષિણ બાજુથી વહન કરે છે.

વૃષભ રૂપધારી 4,000 આભિયોગિક દેવો ચંદ્ર વિમાનને પશ્ચિમ બાજુથી વહન કરે છે. તે વૃષભ રૂપધારી દેવો શ્વેતવર્ણી; સૌભાગ્યશાળી તથા વિલક્ષણ તેજવાળા હોય છે. તેઓની કકુદ (ગળાની નીચેનો ગોદડી જેવો ભાગ) ચલચપલ (ડોલતો) હોય છે અને તેના કારણે તે વૃષભ રૂપધારી દેવો સોહામણા લાગે છે. તેઓના હોઠ લોઢાના હથોડાના જેવા મજબૂત, સુબદ્ધ (શિથિલ ન હોય તેવા), પ્રશસ્ત લક્ષણયુક્ત અને કંઇક અંશે નીચે તરફ નમેલા હોય છે.

80

Page 594

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 469:

દેવલોક - 174: જ્યોતિષ્ક દેવલોક-14:

તેઓની ગતિ કુટિલ, વિલાસયુક્ત, ગર્વિત અને ચંચળ હોય છે. તેઓના બંને પાર્શ્વર્ભાગ (પડખા) નીચે તરફ નમેલા, દેહ ઉચિત પ્રમાણવાળા અને સુજાત (જન્મથી ખોડરહિત હોય છે). તેમનો કટીભાગ (કમરનો ભાગ) પુષ્ટ, ગોળ અને સુંદર આકારવાળો હોય છે. તેમના લટકતા ચામર (પૂંછડીના વાળ) લાંબા, લક્ષણોપેત, યથા ઉચિત પ્રમાણવાળા અને રમણીય હોય છે. તેમની બંને ખરી (પગના નખવાળો ભાગ) તથા પૂંછના વાળો પરસ્પર સમાન હોય છે. તેઓના શિંગડા સાથે જ ઘડાયા હોય તેમ એક સરખા, અણિયાળા અને પ્રમાણોપેત હોય છે. તેમની રૂંવાટી પાતળી, સુજાત, સ્નિગ્ધ, સુંવાળી અને મોહક ચમકવાળી હોય છે.

તેઓનો સ્કંધ પ્રદેશ (ખૂંધ) પુષ્ટ, માંસલ, વિશાળ-ભાર વહન (લઇ જવામાં)માં સમર્થ, પરિપૂર્ણ હોય છે. તેના દ્વારા દેવરૂપ વૃષભો (બળદો) સુંદર દેખાય છે. તેમના લોચન વૈડુર્યમણિમય અને અતિશય શોભનીય હોય છે. તેમનું ગળું યથા ઉચિત પ્રમાણથી યુક્ત, પ્રધાન લક્ષણોથી સંપન્ન, પ્રશસ્ત અને રમણીય ઝારક નામના આભરણ વિશેષથી સુશોભિત હોય છે. તેમનું શબ્દાયમાન (રણકતું ઘરઘરક નામનું) કંઠનું આભૂષણ તેઓના કંઠને સુશોભિત કરે છે. અનેક પ્રકારના મણિ, સુવર્ણ, રત્નોથી સુનિર્મિત ઘંટડીઓની માળા તેઓના વક્ષઃસ્થળ (છાતી) પર બાંધવામાં આવે છે. શ્રેષ્ઠ ઘંટાઓની માળાથી તેઓનું ગળું ઉજ્જવલ લાગે છે.

81

Page 595

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 470:

દેવલોક - 175: જ્યોતિષ્ક દેવલોક-15:

તેઓની શોભા અખંડિત, અનુપમ ગંધયુક્ત પદ્મ અને ઉત્પલોની માળાથી વધુ શોભાયમાન બને છે. તેમની ખરી (પગના નખનો ભાગ) વજ્રમયી હોય છે, તેમની વિચખરી (ખરીની ઉપરનો ભાગ) મણિ, કનક આદિ અનેક પ્રકારનો હોય છે. તેઓના દાંત સ્ફટિકમય હોય છે. તેઓના જીભ અને તાળવા તપનીય સુવર્ણ જેવા લાલ હોય છે. તેઓનું જોતરું (નથ) તપનીય સુવર્ણમયી હોય છે. તેઓની ગતિ સ્વેચ્છાનુસારી, સુખજનક, મન જેવી વેગવંતી, મનોરમ, મનોહર અને અતિ તીવ્ર હોય છે. તેઓનું બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ અપરિમિત હોય છે. તેઓના મહા ગંભીર, મનોહર અવાજથી આકાશ ગાજી ઊઠે છે અને દિશા સુશોભિત થાય છે. એવા 4,000 વૃષભ રૂપધારી દેવો ચંદ્રને પશ્ચિમ બાજુથી વહન કરે છે.

અશ્વ રૂપધારી 4,000 આભિયોગિક દેવો ચંદ્રવિમાનને ઉત્તર બાજુથી વહન કરે છે. તે અશ્વરૂપધારી દેવો શ્વેતવર્ણી, જનપ્રિય અને વિલક્ષણ તેજવાળા હોય છે. તેઓ યૌવનશાળી હોય છે. તેઓની આંખ હરિમેલ નામક વનસ્પતિની ખીલેલી કળીઓ જેવી હોય છે. તેઓની ગતિ કુટિલ (વાંકી) અથવા પોપટની ચાંચ જેવી વક્ર (પગ ઊંચો કરી નીચે મૂકે ત્યારે પગ વાંકા થાય છે, તેથી તેમની ગતિ ક્રિયાને વક્ર કહી છે), લલિત (વિલાસ)યુક્ત, પુલકિત (આનંદ) ઉપજાવનારી તથા ચલ (વાયુ) જેવી અતિ ચંચળ હોય છે.

82

Page 596

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 471:

દેવલોક - 176: જ્યોતિષ્ક દેવલોક-16:

તેઓની ચાલ ખાડાનું ઉલ્લંઘન (ઓળંગવા) કરવામાં, કૂદવામાં, દોડવામાં, ગતિની ચતુરાઇમાં, ત્રણ પગ પર ઊભા રહેવામાં જયશાળી અને અભ્યસ્ત (ટેવ) હોય છે. તેઓ ગળામાં ડોલતા, સુરમ્ય આભૂષણો ધારણ કરી રાખે છે. તેઓના બંને પાર્શ્વભાગ (પડખા) નીચે તરફ નમેલા, દેહ (શરીર) ઉચિત પ્રમાણવાળા તથા સુજાત (જાતિવાન) હોય છે. તેઓનો કટિભાગ (કમર) પુષ્ટ, ગોળ અને સુંદર આકારવાળો હોય છે. તેઓના લટકતા ચામર (પૂંછડા)ના વાળ લાંબા, લક્ષણોયુક્ત, યથા ઉચિત પ્રમાણવાળા અને રમણીય હોય છે. તેઓની રૂંવાટી અતિસૂક્ષ્મ (પાતળી), સુજાત (દોષ રહિત), સ્નિગ્ધ (સુંવાળી) અને ચમકતી હોય છે. તેઓની કેશરાળ મૃદુ (નરમ), વિશદ્, ઉજ્જવળ, પાતળી, પ્રશસ્ત (પ્રશંસનીય), શ્રેષ્ઠ વર્ણવાળી અને શોભનીય હોય છે. તેઓ કપાળ પર આભલાયુક્ત આભરણ (ઘરેણાં) ધારણ કરે છે. તેઓ મુખ આભરણ (લાંબા ગુચ્છા) શરીર પર યોગ્યસ્થાને ધારણ કરે છે અને સ્થાસક (દર્પણ આકાર) આભરણ (ઘરેણાં) કટિપ્રદેશ ઉપર ધારણ કરે છે, તેથી કટિપ્રદેશ સુશોભિત લાગે છે. તેઓની ખરી (પગના નખ) , જીભ અને તાળવું તપાવેલા સુવર્ણ જેવા લાલ હોય છે. તેઓની લગામ તપનીય સુવર્ણની હોય છે. તેઓની ગતિ સ્વેચ્છાનુસારી, સુખજનક, મન જેવી વેગવંતી, મનોરમ, મનોહર અને અતિતીવ્ર હોય છે. તેઓનું બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ અપરિમિત હોય છે.

83

Page 597

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 472:

દેવલોક - 177: જ્યોતિષ્ક દેવલોક-17:

તેઓના હણહણાટના મધુર અવાજથી આકાશ ગાજી ઉઠે છે તથા દિશાઓ સુશોભિત થાય છે. તેવા 4,000 અશ્વરૂપધારી દેવો ચંદ્રને ઉત્તર બાજુથી વહન કરે છે. સૂર્ય વિમાન, ગ્રહ વિમાન, નક્ષત્ર વિમાન અને તારા વિમાનના વિષયમાં પણ આ જ રીતે સમજવું. તફાવત માત્ર વિમાન વહન કરનારા દેવોની સંખ્યાનો છે.

ચંદ્ર વિમાનઃ 16,000 દેવો

પૂર્વ દિશાથી - 4,000 સિંહરૂપધારી દેવો વહન કરે દક્ષિણ દિશાથી - 4,000 ગજરૂપધારી દેવો વહન કરે પશ્ચિમ દિશાથી - 4,000 વૃષભરૂપધારી દેવો વહન કરે ઉત્તર દિશાથી - 4,000 અશ્વરૂપધારી દેવો વહન કરે

સૂર્ય વિમાનઃ 16,000 દેવો

પૂર્વ દિશાથી - 4,000 સિંહરૂપધારી દેવો વહન કરે દક્ષિણ દિશાથી - 4,000 ગજરૂપધારી દેવો વહન કરે પશ્ચિમ દિશાથી - 4,000 વૃષભરૂપધારી દેવો વહન કરે ઉત્તર દિશાથી - 4,000 અશ્વરૂપધારી દેવો વહન કરે

ગ્રહ વિમાનઃ 8,000 દેવો

પૂર્વ દિશાથી - 2,000 સિંહરૂપધારી દેવો વહન કરે દક્ષિણ દિશાથી - 2,000 ગજરૂપધારી દેવો વહન કરે પશ્ચિમ દિશાથી - 2,000 વૃષભરૂપધારી દેવો વહન કરે ઉત્તર દિશાથી - 2,000 અશ્વરૂપધારી દેવો વહન કરે

84

Page 598

જૈન વિજ્ઞાન

નક્ષત્ર વિમાનઃ 4,000 દેવો

પૂર્વ દિશાથી - 1,000 સિંહરૂપધારી દેવો વહન કરે દક્ષિણ દિશાથી - 1,000 ગજરૂપધારી દેવો વહન કરે પશ્ચિમ દિશાથી - 1,000 વૃષભરૂપધારી દેવો વહન કરે ઉત્તર દિશાથી - 1,000 અશ્વરૂપધારી દેવો વહન કરે

તારા વિમાનઃ 2,000 દેવો

પૂર્વ દિશાથી - 500 સિંહરૂપધારી દેવો વહન કરે દક્ષિણ દિશાથી - 500 ગજરૂપધારી દેવો વહન કરે પશ્ચિમ દિશાથી - 500 વૃષભરૂપધારી દેવો વહન કરે ઉત્તર દિશાથી - 500 અશ્વરૂપધારી દેવો વહન કરે

85

Page 599

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 473:

દેવલોક - 178: જ્યોતિષ્ક દેવલોક-18:

વિમાનનું ભ્રમણઃ

ચંદ્ર વગેરે જ્યોતિષી દેવો શક્તિ સંપન્ન હોય છે. તેઓ અન્યના આલંબન (સહારા) વિના જ પોતાના વિમાનોનું વહન કરી શકે છે. તેઓને વિમાનવાહક દેવોની જરૂર નથી પરંતું, તેઓના આભિયોગિક (સેવક દેવો) તથા પ્રકારના નામ કર્મના ઉદયે આભિયોગિક (દાસપણું) પ્રાપ્ત કરે છે, તેથી તે ઉત્તમ, તુલ્ય (સમાન) કે હીન (હલકી) જાતિવાળા આભિયોગિક દેવો વિમાનોનું વહન કરે છે. તે દેવો પોતાનો મહિમા લોક સમક્ષ પ્રગટ કરવા તે વિમાનોની નીચે રહે છે. મહર્દ્ધિક દેવોના સેવક (નોકર) થવામાં તે દેવો ગૌરવ અનુભવે છે. તેઓ સિંહ, વૃષભ (બળદ), ગજ (હાથી) અને અશ્વનું રૂપ ધારણ કરી, વિમાનની ચારે દિશામાં રહીને વિમાનોનું વહન કરે છે.

જ્યોતિષી દેવોની ગતિઃ

ચંદ્ર વિમાન કરતાં સૂર્ય વિમાન શીઘ્ર ગતિવાળા છે. સૂર્ય વિમાન કરતાં ગ્રહ વિમાન શીઘ્ર ગતિવાળા છે. ગ્રહ વિમાન કરતાં નક્ષત્ર વિમાન શીઘ્ર ગતિવાળા છે અને નક્ષત્ર વિમાન કરતાં તારા વિમાન શીઘ્રગતિવાળા છે. ચંદ્રની ગતિ સર્વથી મંદ (ધીમી) છે અને તારાઓની ગતિ સર્વથી તીવ્ર (ઝડપી) છે.

તારા દેવો કરતાં નક્ષત્રના દેવો મહાૠદ્ધિવાળા છે. નક્ષત્રના દેવો કરતાં ગ્રહ દેવો મહાૠદ્ધિવાળા છે. ગ્રહના દેવો કરતાં સૂર્યના દેવો મહાૠદ્ધિવાળા છે અને સૂર્યના દેવો કરતાં ચંદ્રના દેવો મહાૠદ્ધિવાળા છે. સર્વથી અલ્પ (ઓછી) ૠદ્ધિવાળા તારારૂપ દેવો છે અને સર્વથી મહાૠદ્ધિવાળા ચંદ્રના દેવો છે.

86

Page 600

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 474:

દેવલોક - 179: જ્યોતિષ્ક દેવલોક-19:

પાંચે પ્રકારના (ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા) જ્યોતિષી દેવોમાં ચંદ્ર વિમાન સર્વથી મોટું છે, ત્યાર પછી ક્રમશઃ સૂર્ય વિમાન, ગ્રહ વિમાન, નક્ષત્ર વિમાન અને તારા વિમાનો નાના-નાના છે.

જંબૂદ્વીપમાં એક તારાથી બીજા તારા વચ્ચે કેટલું અંતરઃ અંતર બે પ્રકારના છેઃ

(1) વ્યાઘાતિક અંતર - બે તારાઓ વચ્ચે પર્વત વગેરેનું વ્યાઘાત (અડચણ) હોય તેવું અંતર

(ર) નિર્વ્યાઘાતિક અંતર - બે તારાઓ વચ્ચે કોઇપણ પ્રકારનો વ્યાઘાત (અડચણ) ન હોય તેવું અંતર.

બે તારાઓ વચ્ચેનું વ્યાઘાતિક અંતર :

જઘન્ય (ઓછામાં ઓછું) - 266 યોજન ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) - 12,242 યોજન

બે તારાઓ વચ્ચેનું નિર્વ્યાઘાતિક અંતર :

જઘન્ય - 500 ધનુષ્ય ઉત્કૃષ્ટ - બે ગાઉ

તારાઓ વચ્ચેનું વ્યાઘાતિક અંતરઃ

સમપૃથ્વી (સમતલ ભૂમિ)થી 790 યોજન ઊંચે તારામંડળ મેરુપર્વતને કેન્દ્રમાં રાખીને પરિભ્રમણ કરે છે. જંબૂદ્વીપના નિષધ પર્વત અને નીલવાન પર્વત 400 યોજન ઊંચા છે અને તેના કૂટ (શિખર) 500-500 યોજન ઊંચા છે. આ રીતે કુલ ઊંચાઇ બંને પર્વતની 900 યોજનની થાય છે. તારાઓની વચ્ચે તે પર્વત આવે છે તેથી તે અંતર વ્યાઘાતિક કહેવાય છે. નિષધ પર્વત અને નીલવાન પર્વતના

87

Page 601

જૈનમ્ જયતિ શાસનમ્

કૂટની બંને બાજુ 8-8 યોજન છોડીને પછી તારા વિમાન હોય છે. કૂટો ઉપર 250 યોજન પહોળા હોય છે. તેથી 250 યોજન 8 યોજન પર્વતથી તારાનું એક બાજુનું અંતર 8 યોજન પર્વતથી બીજી બાજુનું તારાનું અંતર 266 યોજનનું જઘન્ય વ્યાઘાતિક અંતર તારાઓ વચ્ચે હોય છે.

88

Page 602

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 475:

દેવલોક - 180: જ્યોતિષ્ક દેવલોક-20:

જંબૂદ્વીપની મધ્યમાં મેરૂપર્વત સ્થિત છે. તે સમભૂમિભાગથી 99,000 યોજન ઊંચો છે. 790 યોજન ઊંચે તારા મંડળ પરિભ્રમણ કરે છે. સામસામી દિશામાં રહેલા તારાઓની વચ્ચે મેરુપર્વતનું વ્યવધાન (અડચણ, નડતર) આવે છે. 790 યોજનની ઊંચાઇએ મેરુપર્વતના વ્યાસમાં, લંબાઈમાં અને પહોળાઇમાં ખાસ ફેર હોતો નથી. તેથી 790 યોજનની ઊંચાઇએ મેરુપર્વત 10,000 યોજનની પહોળાઇ ધરાવે છે. તારાઓ મેરુપર્વતથી 1,121 યોજન દૂર રહી ભ્રમણ કરે છે, તેથી મેરુપર્વતથી એક દિશામાં 1121 યોજન દૂર તારામંડળનું ભ્રમણ છે. તેવી જ રીતે સામી દિશામાં પણ 1121 યોજન દૂર તારામંડળ ભ્રમણ કરે છે. વચ્ચે મેરુપર્વતની પહોળાઇ 10,000 યોજન અને એક બાજુનું અંતર 1121 યોજન બીજી બાજુનું અંતર 1121 યોજન 12,242 યોજનનું મેરુપર્વતથી વ્યાઘાતિક ઉત્કૃષ્ટ અંતર હોય છે.

જ્યોતિષી ઇન્દ્ર :

જ્યોતિષી વિમાનાવાસોમાં જ્યોતિષ ઇન્દ્ર-2, જ્યોતિષરાજ ચંદ્ર અને સૂર્ય નિવાસ કરે છે, તેઓ મહાઋદ્ધિવાન છે. તેઓ દશે દિશાને પ્રકાશિત અને પ્રભાસિત કરતાં પરિભ્રમણ કરે છે. તે દેવો પોતપોતાના લાખો જ્યોતિષી વિમાનાવાસોનું, 4,000 સામાનિક દેવોનું, સપરિવાર 4-અગ્રમહિષી (ઇન્દ્રાણી)ઓનું, 3- પરિષદોનું, 7-સેનાઓનું, 7-સેનાધિપતિ દેવોનું, 16 હજાર આત્મરક્ષક દેવોનું તથા અન્ય ઘણા જ્યોતિષી દેવો અને દેવીઓનું આધિપત્ય, અગ્રેસરપણું કરતાં વિચરણ કરે છે.

89

Page 603

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 476:

દેવલોક - 181: જ્યોતિષ્ક દેવલોક-21:

જ્યોતિષી વિમાનોની શ્રેણીઃ

અઢીદ્વીપ (જંબુદ્વીપ, ઘાતકીખંડ અને અર્ધ પુષ્કરદ્વીપ)માં કુલ 132 ચંદ્ર અને 132 સૂર્ય પોત-પોતાના પરિવાર સહિત પરિભ્રમણ કરી રહ્યા છે. અઢીદ્વીપની બહારના જ્યોતિષી દેવોના અસંખ્યાત વિમાનો છે, તેઓ એક જ સ્થાને સ્થિત (સ્થિર) છે.

જંબૂદ્વીપમાં 2-ચંદ્ર અને 2-સૂર્ય સામ-સામે દિશામાં હોય છે. તે જ શ્રેણીમાં લવણસમુદ્રના 4-ચંદ્ર અને 4-સૂર્ય છે. ધાતકીખંડમાં 12-ચંદ્ર અને 12-સૂર્ય, કાલોદધિસમુદ્રમાં 42-ચંદ્ર અને 42-સૂર્ય, પુષ્કરાર્દ્ધદ્વીપમાં 72-ચંદ્ર અને 72- સૂર્ય છે. આ રીતે અઢી દ્વીપ ક્ષેત્રમાં ર 12 42 72 132 ચંદ્ર અને 132 સૂર્ય છે. આ રીતે અઢીદ્વીપના ચંદ્ર-સૂર્ય શ્રેણીબદ્ધ પોતાના ગ્રહ, નક્ષત્ર અને તારારૂપ પરિવાર સાથે પરિભ્રમણ કરે છે અને અઢીદ્વીપની બહારના ચંદ્ર-સૂર્ય વલય આકારે 1-ચંદ્ર અને 1-સૂર્ય તે રીતે સ્થિત છે.

તે સર્વ (ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા) વિમાનો અડધા કોઠા કે બિજોરાના આકારે છે. તેની અડધા કોઠાના આકારની પીઠ ઉપર જ્યોતિષી દેવોના પ્રાસાદો (મહેલ) ચઢતા-ઉતરતા ક્રમથી એવી રીતે ગોઠવાયેલા છે કે તેના શિખરના ભાગો ભેગા થવાથી લગભગ ગોળાકાર બની જાય છે. તેથી જ ઉદય-અસ્ત સમયે તે વિમાનો ગોળાકાર રૂપે જ પ્રતીત થાય (જણાય) છે અને મધ્યાહ્ન સમયે તે વિમાનો મસ્તક ઉપર હોવાથી તેનું ગોળાકાર તળિયું દેખાય છે.

90

Page 604

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 477:

દેવલોક - 182: જ્યોતિષ્ક દેવલોક-22:

અઢીદ્વીપની અંદરના 132 ચંદ્ર અને 132 સૂર્યના વિમાનો પોતાના પરિવાર સહિત અવિરતપણે મેરૂપર્વતની પ્રદક્ષિણા કરે છે. અઢીદ્વીપની બહારના જ્યોતિષીદેવોના વિમાનો સ્થિર છે.

ઇન્દ્રની ગણનાઃ

પાંચ પ્રકારના જ્યોતિષી દેવોમા ચંદ્ર અને સૂર્ય બે ઇન્દ્રો છે. અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્રો મળીને અસંખ્યાત ચંદ્રો અને અસંખ્યાત સૂર્યો છે. આમ જ્યોતિષી દેવોમાં અસંખ્યાત ઇન્દ્રો થાય છે. પરંતું, ચંદ્રરૂપ અને સૂર્યરૂપ જાતિની ગણતરી કરીને જ્યોતિષી દેવોમાં માત્ર બે ઇન્દ્રની જ ગણના પ્રચલિત છે. એક-એક ચંદ્ર અને સૂર્ય ઇન્દ્રને 28-નક્ષત્રો, 88-ગ્રહો અને 66,975 ક્રોડા-ક્રોડી તારાઓનો પરિવાર હોય છે.

ચિહ્નઃ

પ્રત્યેક જ્યોતિષીદેવોને પોત-પોતાના આકારનું ચિહ્ન તેમના મુકુટમાં હોય છે. ચંદ્રદેવના મુગટમાં ચંદ્રના આકારનું ચિહ્ન હોય છે, તે જ રીતે પાંચે પ્રકારના દેવોમાં પોત-પોતાના આકારના ચિહ્ન હોય છે. જ્યોતિષી દેવોના વિમાનો ભ્રમણશીલ છે પરંતું, તે પ્રત્યેક વિમાનનું ચારે તરફનું પ્રકાશક્ષેત્ર અવસ્થિત (રહેલું) છે, તે પરિવર્તન પામતું નથી.

91

Page 605

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 478:

દેવલોક - 183: જ્યોતિષ્ક દેવલોક-23:

જ્યોતિષી દેવોની અગ્રમહિષીઓ તથા ભોગ મર્યાદાઃ

જ્યોતિષ્કેન્દ્ર, જ્યોતિષરાજ ચંદ્રઃ

અગ્રમહિષી (ઇન્દ્રાણીઃ)

અગ્રમહિષી - 4 1) ચંદ્રપ્રભા, 2) જ્યોત્સનાભા, 3) અર્ચિમાલી અને 4) પ્રભંકરા

તે દરેક અગ્રમહિષીઓને બીજી ચાર-ચાર હજાર દેવીઓનો પરિવાર છે અને તે પ્રત્યેક દેવીઓ અન્ય ચાર-ચાર હજાર દેવીઓની વિકુર્વણા કરી શકે છે. આ પ્રમાણે સર્વમળીને 16 હજાર દેવીઓનો પરિવાર થઇ જાય છે. આ ચંદ્ર દેવનું ત્રુટિત અંતઃપુર (દેવીઓનું પરિવાર) છે.

જ્યોતિષ્કેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર, ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્માસભામાં ચંદ્ર નામના સિંહાસન ઉપર અંતઃપુરની સાથે દિવ્ય ભોગોપભોગનું સેવન કરતા નથી. માણવક ચૈત્યસ્તંભ પર વજ્રમય ગોળ ડબ્બીઓમાં ઘણી જિન (જિનેશ્વર દેવોની) અસ્થિઓ છે. તે જ્યોતિષ્કેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર અને બીજા ઘણાં જ્યોતિષી દેવો અને દેવીઓને માટે પૂજનીય છે તેમજ જ્યોતિષ્કેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર, ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્માસભામાં ચંદ્ર સિંહાસન ઉપર પોતાના 4 હજાર સામાનિક દેવો, 16 હજાર આત્મરક્ષક દેવો તથા બીજા ઘણા જ્યોતિષી દેવો અને દેવીઓ સાથે ઘણા નૃત્ય, ઉચ્ચ સ્વરથી ગવાતા ગીત, વાજિંત્રોના નાદ, તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ઘન, મૃદંગ વગેરેને વગાડવાથી ઉત્પન્ન થયેલા શબ્દ આદિ દિવ્ય ભોગ-ઉપભોગ કરી શકે છે, પરંતું, મૈથુન સેવન ક્રિયા કરતા નથી.

92

Page 606

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 479:

દેવલોક - 184: જ્યોતિષ્ક દેવલોક-24:

જ્યોતિષ્કેન્દ્ર, જ્યોતિષરાજ સૂર્યઃ

અગ્રમહિષી (ઇન્દ્રાણીઃ)

અગ્રમહિષી - 4 1) સૂર્યપ્રભા, 2) આતપ્રભા, 3) અર્ચિમાલી અને 4) પ્રભંકરા

તે દરેક અગ્રમહિષીઓને બીજી ચાર-ચાર હજાર દેવીઓનો પરિવાર છે અને તે પ્રત્યેક દેવીઓ અન્ય ચાર-ચાર હજાર દેવીઓની વિકુર્વણા કરી શકે છે. આ પ્રમાણે સર્વમળીને 16 હજાર દેવીઓનો પરિવાર થઇ જાય છે. આ સૂર્યદેવનું ત્રુટિત અંતઃપુર (દેવીઓનો પરિવાર) છે.

જ્યોતિષ્કેન્દ્ર જ્યોતિષરાજ સૂર્ય, સૂર્યવતંસક વિમાનમાં સુધર્માસભામાં સૂર્ય નામના સિંહાસન ઉપર અંતઃપુરની સાથે દિવ્ય ભોગોપભોગનું સેવન (મૈથુનસેવન) કરતા નથી. માણવક ચૈત્યસ્તંભ પર વજ્રમય ગોળ ડબ્બીઓમાં ઘણી જિન (જિનેશ્વર દેવોની) અસ્થિઓ છે. તે જ્યોતિષ્કેન્દ્ર જ્યોતિષરાજ સૂર્ય અને બીજા ઘણાં જ્યોતિષી દેવો અને દેવીઓને માટે પૂજનીય છે તેમજ જ્યોતિષ્કેન્દ્ર જ્યોતિષરાજ સૂર્ય, સૂર્યાવતંસક વિમાનમાં સુધર્માસભામાં સૂર્ય સિંહાસન ઉપર પોતાના 4 હજાર સામાનિક દેવો, 16 હજાર આત્મરક્ષક દેવો તથા બીજા ઘણા જ્યોતિષી દેવો અને દેવીઓ સાથે ઘણા નૃત્ય, ઉચ્ચ સ્વરથી ગવાતા ગીત, વાજિંત્રોના નાદ, તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ઘન, મૃદંગ આદિને વગાડવાથી ઉત્પન્ન થયેલા શબ્દ આદિ દિવ્ય ભોગ ઉપભોગ કરી શકે છે, પરંતું, મૈથુન સેવન ક્રિયા કરતા નથી.

93

Page 607

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 480:

દેવલોક - 185: જ્યોતિષ્ક દેવલોક-25:

ગ્રહદેવ, નક્ષત્રદેવ અને તારાદેવની અગ્રમિહિષીઓઃ

અગ્રમહિષીઓ (મુખ્ય રાણી) : 4 1) વિજયા, 2) વૈજયંતિ, 3) જયંતિ અને 4) અપરાજિતા.

બાકી બધા જ ભોગ-ઉપભોગ વગેરે દેવોની વ્યવસ્થા અને મર્યાદા ચંદ્ર ઇન્દ્ર અને સૂર્ય ઇન્દ્રની સમાન હોય છે. તફાવત માત્ર ઇન્દ્રના સ્થાને ગ્રહ વિમાન, નક્ષત્ર વિમાન અને તારા વિમાનના અધિપતિ હોય છે. તેઓ સંપૂર્ણ વ્યવસ્થાનું સંચાલન કરે છે.

ચંદ્ર અને સૂર્યનાં ગુણનિષ્પન્ન નામઃ

જ્યોતિષીઓના ઇન્દ્ર, અને જ્યોતિષીઓના રાજા ચંદ્રનું મૃગાંક (મૃગ (હરણ)ના ચિહ્નવાળું) વિમાન છે. તેમાં કાન્ત (સુંદર) દેવો, સુંદર દેવીઓ અને સુંદર આસન, શયન, સ્તંભ, પાત્ર આદિ (વગેરે) ઉપકરણ છે તથા જ્યોતિષીઓના ઇન્દ્ર, જ્યોતિષીઓના રાજા ચંદ્ર સ્વયં પણ સૌમ્ય, કાન્ત, સુભગ, પ્રિયદર્શનીય અને સુરૂપ છે. તેથી ચંદ્રને શશી (સશ્રી-શોભાસહિત) કહે છે.

સમય, આવલિકા, ઉત્સર્પિણી અને અવસર્પિણી સુધીના કાલનું કારણ સૂર્ય છે. તેથી તેને આદિત્ય કહે છે. સમય, મુહૂર્ત, દિવસ, માસ વગેરેની આદિ (શરુઆત) સૂર્યથી થાય છે. તેથી તેને આદિત્ય કહે છે.

સૂર્યઃ

સૂર્ય વિમાનના પૃથ્વીકાયિક જીવોને આતપ નામકર્મરૂપ પુણ્ય પ્રકૃતિનો ઉદય હોય છે, તે ઉપરાંત સૂર્ય લોકમાં પણ ઉત્તમ છે, જ્યોતિષીદેવોના ઇન્દ્ર છે. તે સર્વ પ્રકારે શુભ હોવાથી તેનું સાર્થક નામ સૂર્ય છે.

94

Page 608

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 481:

દેવલોક - 186: જ્યોતિષ્ક દેવલોક-26:

સૂર્યઃ

સૂર્ય શબ્દનો અર્થ છે શુભ વસ્તુ. કારણ કે સૂર્ય વિમાનવર્તી પૃથ્વીકાયિક જીવોને આતપ નામ કર્મ રૂપ પુણ્ય પ્રકૃતિનો ઉદય છે. લોકમાં પણ સૂર્યને પ્રશસ્ત (ઉત્તમ) માન્યો છે. તે વિમાનમાં રહેનાર જ્યોતિષી દેવોનો ઇન્દ્ર છે તેથી સૂર્યને શુભ કહેવાય છે. સૂર્યની પ્રભા, કાંતિ અને તેજોલેશ્યા પણ શુભ અને પ્રશસ્ત છે. એક માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ (સાધુ) વાણવ્યંતર દેવોની તેજો લેશ્યા (સુખ)નું ઉલ્લંઘન કરે છે એટલે કે, તે વાણવ્યંતર દેવથી અધિક સુખી છે. બે માસની દીક્ષાપર્યાયવાળા શ્રમણ નિર્ગ્રંથ અસુરેન્દ્ર (ચમરેન્દ્ર અને બલીન્દ્ર) સિવાય અન્ય ભવનવાસી દેવોના સુખનું ઉલ્લંઘન કરે છે. ત્રણ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ (નિર્ગ્રંથ) અસુરકુમાર દેવોના સુખનું ઉલ્લંઘન કરે છે. ચાર માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ગ્રંથ ગ્રહગણ, નક્ષત્ર, અને તારારૂપ જ્યોતિષી દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે. પાંચ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ગ્રંથ જ્યોતિષીઓના રાજા જ્યોતિષીઓના ઇન્દ્ર ચંદ્ર અને સૂર્યના સુખોનું ઉલ્લંઘન કરે છે. છ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ગ્રંથ સૌધર્મ અને ઇશાનવાસી દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે. સાત માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ગ્રંથ સનત્કુમાર અને માહેન્દ્ર દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે.

95

Page 609

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 482:

દેવલોક - 187: જ્યોતિષ્ક દેવલોક-27:

આઠ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ગ્રંથ બ્રહ્મલોક અને લાન્તક વિમાનવાસી દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે. નવ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ગ્રંથ મહાશુક્ર અને સહસ્ત્રાર દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે. દશ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ગ્રંથ આનત, પ્રાણત, આરણ અને અચ્યુત દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે. અગિયાર માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ગ્રંથ ગ્રૈવેયક દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે અને બાર માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ગ્રંથ અનુત્તરૌપપાતિક દેવોના સુખોનું ઉલ્લંઘન (સુખને ઓળંગી જાય છે એટલે કે તેનાથી વિશેષ સુખના અધિકારી હોય છે) કરે છે એટલે કે તેનાથી વધુ સુખી છે. ત્યાર પછી શુદ્ધ, શુદ્ધતર પરિણામવાળા થઇને સિદ્ધ થાય છે, સર્વ દુઃખોનો અંત કરે છે.

નામકર્મઃ

ચંદ્રની પ્રભા એટલે પ્રકાશ. ચંદ્રના પ્રકાશને ઉદ્યોત કહે છે. ચંદ્ર વિમાનના પૃથ્વીકાયિક જીવોને ઉદ્યોત નામકર્મનો ઉદય હોય છે તેથી તેઓ શીત સ્પર્શ અને પ્રકાશિત શરીરવાળા હોય છે.

સૂર્યનો તાપ એટલે આતાપ, સૂર્ય વિમાનના પૃથ્વીકાયિક જીવોને આતપ

નામકર્મનો ઉદય હોય છે તેથી તેઓ ઉષ્ણ સ્પર્શ અને પ્રકાશિત શરીરવાળા હોય છે.

96

Page 610

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 483:

દેવલોક - 188: જ્યોતિષ્ક દેવલોક-28:

જ્યોતિષી દેવોઃ

ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા. તેમાં ચંદ્ર અને સૂર્ય ઇન્દ્ર રૂપ છે અને તે બંનેના પરિવાર રૂપ 28 નક્ષત્ર, 88 ગ્રહ અને 66,975 ક્રોડાક્રોડી તારાઓ હોય છે. તિરછાલોકમાં અસંખ્ય ચંદ્ર અને અસંખ્ય સૂર્ય જ્યોતિષ્ક ઇન્દ્ર છે. તે સર્વે ઇન્દ્રોના પરિવાર રૂપ ગ્રહ આદિ દેવો સમાન છે. તેમાં અઢીદ્વીપની અંદર ચંદ્ર-સૂર્ય આદિ સર્વે જ્યોતિષ્ક વિમાનો પરિભ્રમણ કરે છે, તેથી તે ચર વિમાન કહેવાય છે. જંબૂદ્વીપમાં સામસામી દિશામાં એક-એક, એમ બે ચંદ્ર અને બે સૂર્ય છે, લવણ સમુદ્રમાં 4 ચંદ્ર અને 4 સૂર્ય છે, ધાતકીખંડમાં 12 ચંદ્ર, 12 સૂર્ય છે, કાલોદધિ સમુદ્રમાં 42 ચંદ્ર, 42 સૂર્ય છે અને અર્ધપુષ્કર દ્વીપમાં 72 ચંદ્ર, 72 સૂર્ય છે. તે સર્વે ચંદ્ર-સૂર્ય લાઇનમાં (સમશ્રેણીમાં) હોય છે. અઢીદ્વીપની બહારના ચંદ્ર-સૂર્ય વગેરે પરિભ્રમણ કરતા નથી, તે સ્થિર છે. અઢીદ્વીપના બહારના ચંદ્ર-સૂર્ય વલયાકારે એક ચંદ્ર અને એક સૂર્ય, એમ વલય શ્રેણીએ સ્થિત છે.

લવણ સમુદ્રમાં 4 ચંદ્ર પ્રકાશ કરતા હતા, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે; 4 સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે; 112 નક્ષત્ર ચંદ્ર સાથે યોગ કરતાં હતા, યોગ કરે છે અને યોગ કરશે; 352 મહાગ્રહો પરિભ્રમણ કરતા હતા, કરે છે અને કરશે; ર,67,900 ક્રોડાક્રોડી તારાઓ શોભતા હતા, શોભે છે, શોભશે.

97

Page 611

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 484:

દેવલોક - 189: જ્યોતિષ્ક દેવલોક-29:

જ્યોતિષી દેવોના વિમાનો સ્ફટિક રત્નના હોય છે. જ્યારે લવણ સમુદ્રના જ્યોતિષી વિમાનો ઉદક (પાણી) સ્ફટિક રત્નના હોય છે. અન્ય દ્વીપ સમુદ્રોના જ્યોતિષી વિમાનોનું તેજ નીચેની તરફ પડે છે જ્યારે લવણ સમુદ્રના જ્યોતિષી વિમાનોનું તેજ સ્વભાવથી જ ઉપરની તરફ જાય છે. તેથી લવણ સમુદ્રની શિખા પણ પ્રકાશિત લાગે છે. મનષ્યક્ષેત્રમાં કુલ 132 ચંદ્ર અને 132 સૂર્ય પોતાના પરિવાર સહિત નિરંતર ગતિ કરી રહ્યા છે.

ધાતકીખંડમાં જ્યોતિષી દેવોઃ

ધાતકીખંડ માં 12 ચંદ્ર અને 12 સૂર્ય છે. તેમાં 6 ચંદ્ર અને 6 સૂર્ય એક દિશામાં પંક્તિ બદ્ધ છે અને 6 ચંદ્ર અને 6 સૂર્ય સામેની દિશામાં પંક્તિબદ્ધ છે. આ સૂર્ય પંક્તિ સામસામી પૂર્વ-પશ્ચિમ દિશામાં હોય ત્યારે પૂર્વ-પશ્ચિમ ધાતકીખંડમાં દિવસ હોય છે અને તે સમયે ઉત્તર-દક્ષિણ દિશામાં ચંદ્ર પંક્તિ હોય છે અને ત્યાં રાત્રિ હોય છે. એક ચંદ્ર-સૂર્યના પરિવારમાં 28 નક્ષત્ર, 88 ગ્રહ અને 66,975 ક્રોડાક્રોડી તારાઓ હોય છે. ધાતકીખંડમાં 12 ચંદ્ર અને 12 સૂર્ય હોવાથી 28 × 12 336 નક્ષત્રો, 88 × 12 1,056 ગ્રહો અને 66,975 × 12 8,03,700 ક્રોડાક્રોડી (1,00,00,000 1,00,00,000) તારાઓનો સમૂહ છે. તે જ્યોતિષી દેવોના વિમાનો જંબુદ્વીપના મેરુપર્વતને કેન્દ્રમાં રાખીને પરિભ્રમણ કરે છે. એક સૂર્ય-ચંદ્રના પરિવારમાં 66,975 કરોડ તારાઓનો સમૂહ છે, આ રીતે સર્વત્ર સમજવું.

98

Page 612

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 485:

દેવલોક - 190: જ્યોતિષ્ક દેવલોક-30:

આભ્યંતર (અંદર) પુષ્કરદ્વીપમાં જ્યોતિષી દેવોઃ

પુષ્કર દ્વીપમાં સપરિવાર 144 ચંદ્ર અને 144 સૂર્ય છે. આભ્યંતર (અંદરના) પુષ્કર દ્વીપમાં તેના અડધા એટલે કે 72 ચંદ્ર અને 72 સૂર્ય તેના પરિવાર સહિત પરિભ્રમણ કરે છે. તેમાંથી 36-36 ચંદ્ર-સૂર્ય એક દિશામાં અને 36-36 ચંદ્ર-સૂર્ય તેની સામેની દિશામાં પંક્તિબદ્ધ રહી જંબૂદ્વીપના મેરુપર્વતને કેન્દ્રમાં રાખીને પરિભ્રમણ કરે છે. 72 ચંદ્ર સૂર્યના પરિવાર રૂપે 72 × 28 ર,016 નક્ષત્રો, 72 × 88 6,336 ગ્રહો અને 66,975 × 72 48,રર,200 ક્રોડાક્રોડી તારાઓનો સમૂહ છે.

અઢીદ્વીપમાં ચંદ્ર-સૂર્ય આદિ જ્યોતિષી દેવો ગતિશીલ છે. સૂર્યની ગતિના આધારે રાત્રિ, દિવસ, પક્ષ (પખવાડિયું), માસ, ૠતુ, સંવત્સર (વર્ષ) વગેરે કાલની નિષ્પત્તિ (પરિણામ) અને ગણના થાય છે. ગણનાકાલની પ્રવૃત્તિ અઢીદ્વીપમાં જ થાય છે તેથી તે ક્ષેત્રને સમયક્ષેત્ર કહે છે. મનુષ્ય ક્ષેત્રની બહાર તારાઓના સમૂહની સંખ્યા અસંખ્યાત છે. (અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર હોવાથી દરેક દ્વીપમાં યથાયોગ્ય સંખ્યાત-અસંખ્યાત તારાગણ છે.) મનુષ્ય લોકમાં જે પૂર્વોક્ત તારાગણોનું પ્રમાણ કહ્યું છે તે સર્વ જ્યોતિષદેવોના વિમાન રૂપ છે. તેના ચાર ક્ષેત્રનું એટલે પ્રકાશ ક્ષેત્રનું સંસ્થાન કદંબ પુષ્પ સમાન છે.

99

Page 613

જૈનમ્ જયતિ શાસનમ્