જ.65 હા... ચોક્કસ કરે છે. પવિત્રભૂમિ પર જવાથી. તીર્થક્ષેત્ર જેવી પવિત્ર ભૂમિ પર વિચારોમાં શુદ્ધિ આવે છે. જ્યારે સિનેમા, થિયેટર, હોટલ, બાર જેવી અપવિત્ર ભૂમિ પર જવાથી વિચારોમાં વિકૃતિ આવે છે. દા.ત.
શ્રવણ... માતપિતાનો અનન્ય ભક્ત હતો. પોતાના વૃદ્ધ અંધ માતપિતાને કાવડમાં બેસાડી પોતાના ખભા ઉપર ઉચકી અડસઠ તીર્થોની યાત્રા કરાવા માટે નીકળી પડ્યો. શ્રવણે પોતાના માતપિતાની સાથે દંડક અરણ્યમાં પ્રવેશ કર્યો ને તેના વિચારોમાં પરિવર્તન આવ્યું.
તેણે કાવડ નીચે મૂકી અને માત-પિતાને કહ્યું : ‘‘હું તમારો નોકર નથી, કે તમને ખભા પર લઈને ચાલું, આ જ સુધી તમને મેં ખભા પર ઉંચકી ફેરવ્યા તેનું મહેનતાણું આપો, પછી જ હું આગળ ચાલીશ.’’
અનુભવી માત-પિતાએ ભક્તિવાન પુત્રના વિચારોનું પરિવર્તન જાણીને કહ્યું : ‘‘બેટા તારી વાત સાચી છે. પરંતુ આ દંડક અરણ્યમાં અમે રૂપિયા ક્યાંથી લાવીએ? તું આ જંગલ પાર કરાવી આપ પછી અમે તારા બધા રૂપિયા ચુકવી દેશું.’’ શ્રવણે પિતાની વાત માની જંગલ પાર કરાવ્યું...
ફરીથી તેના વિચારોમાં પરિવર્તન આવ્યું. ‘‘અરે... હું કેવો નાલાયક પુત્ર છું કે અંધ માત-પિતા પાસે રૂપિયા માંગ્યા... તે જ ક્ષણે માત-
પિતાના ચરણોમાં પડીને પોતાના અપરાધની ક્ષમા માંગી.’’ આ બધો પ્રભાવ ભૂમિનો-ક્ષેત્રનો છે. જેમ ભૂમિની અસર છે તેમ તમારી આસપાસ રહેલા લોકોના વિચારો તથા તેમના આભામંડળની અસર પણ તમારા વિચારો પર પડે છે - માટે જ સદ્ભૂમિમાં રહેવું ને સજ્જનનો સંગ કરવો.
સ. 66 આપણા જૈન ધર્મમાં કેમ આટલા પંથ પડી ગયા? કોની વાત સાચી માનવી?
જ. 66 અત્યારે આ કાળમાં કોઈ કેવળજ્ઞાની વિહરમાન ન હોવાથી આ વાત સાચી જ છે કે ખોટી જ છે તેનો નિર્ણય આપણે લઈ શકીએ નહિ. એક નાનકડી વાત દ્વારા આ વાતને સમજો... એક ઘરમાં એક સાસુ હતા.
અને તેને ત્રણ વહુઓ હતી. સાસુએ વહુને કહ્યું કે ‘‘માણસ જોઈને કચરો નાખજે.’’ સાસુ તો સ્વર્ગે સિધાયા. ત્રણે વહુઓ પોતપોતાની રીતે આ વાતને અનુસરવા લાગી. એક વહુ કોઈ માણસ આવતું હોય તે જોઈને કચરો નાખતી...તો બીજી વહુ કોઈ માણસ જતું હોય તે જોઈને કચરો નાખતી... તો ત્રીજી વહુ કોઈ માણસ આવતું-જતું ન હોય તે જોઈને કચરો નાખતી... ત્રણે કહેતી કે હું જ સાચી છું મારી સાસુ કહીને ગયા એમજ હું કરૂં છું. મારી સાસુએ જ કહ્યું છે કે ‘‘માણસ 71
જોઈને કચરો નાખજે.’’ આમ એક જ વાક્યને ત્રણ રીતે લેનારાના ત્રણ જૂથ પડી ગયા. કારણ કે કોણ સાચું ને કોણ ખોટું તે કહેવાવાળી સાસુ તો હયાત હતા નહીં... બસ આમ જ ઉતરતા કાળે મહાવીરના ગણધરોના વાક્ય યથાર્થ રીતે ન સમજાયા... જેને જે રીતે સમજાયા એને એ રીતે અપનાવ્યા. આમ એક જ વસ્તુને અલગ અલગ રીતે માનવાવાળાના અલગ અલગ જૂથ પડી ગયા. દરેક જૂથ એમ માને છે કે
અમે જ સાચા છીએ. હવે કોઈ કેવલી તો છે નહિ કે તમને સમજાવી શકે કે કોણ સાચું છે. એટલે જુદી જુદી માન્યતાવાળા જૂથો વચ્ચે વાદ-
વિવાદ અને ચર્ચાઓ ચાલુ થઈ... ધર્મ એક ચર્ચાનો વિષય બની ગયો.
(જે બિલ્કુલ ન હોવો જોઈએ) પોતાના જૂથ ઉપર રાગ અને બીજાના જૂથ ઉપર દ્વેષ ચાલુ થયા જે રાગ દેષને જીતવા માટે ધર્મ છે તે ધર્મના નામેજ રાગદ્વેષ ચાલુ થયા. (મહાવીરે કહેલું ‘‘આત્મધર્મ’’ ચારણીએ ચળાશે એ વાત સત્યપણે દેખાઈ રહી છે) માટે શાણપણ એમાં જ છે કે
દિગમ્બરની માન્યતા સાચી છે કે, શ્વેતાંબરની કે સ્થાનકવાસીની.. એ પળોજણમાં પડ્યા વગર, આ હેતુ વગરની ચર્ચામાં પડ્યા વગર, આપણા આત્મનો ઉધ્ધાર આપણે કેવી રીતે કરવો... બહુ ટૂંકી જીંદગી મળી છે તેમાં આત્મસાધના કેવી રીતે કરી લેવી... રાગદ્વેષને ચાર કષાયોથી પાછા કેમ હઠવું તે જ આત્મસાત કરી લેવા જેવું છે.
સ. 67 ફક્ત આપણા આત્માનું જ વિચારવું તે સ્વાર્થીપણું નથી?
જ. 67 જરા ઉંડાણથી વિચારો તો ખબર પડશે કે આપણા આત્માનું વિચારીને આપણે પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે કેટલો બધો પરઉપકાર કરીએ છીએ, જ્યારે તમે પોતે પુરૂષાર્થ કરીને રાગદ્વેષમાંથી બહાર નીકળશો તો તમારા નિમિત્તે તમારા પર જેને જેને રાગદ્વેષ થતા હશે કે થવાના હશે, તેના રાગદ્વેષ પણ મોળા પડી જશે. કારણ કે જ્યારે સામેલો દ્વેષ કરશે, ત્યારે સામેથી તમારા તરફથી સહકાર નહી મળે તો તે ક્યાં સુધી તમારા પર દ્વેષ કર્યા કરશે? પાંચ-પચ્ચીસ વરસ કે પાંચ-પચ્ચીસ ભવ... પછી તો તે તમારી સાથેના રાગદ્વેષના સંબંધથી મુક્ત થઇ જશે. આમ તમે પોતે રાગદ્વેષથી મુક્ત થઈને સંબંધથી મુક્ત થઈને કેટલાય જીવોને તમે તમારી સાથેના રાગદ્વેષથી મુક્ત કરો છો. આ શું પ્રત્યક્ષ પરોપકાર નથી? અને અગર તમે સંપૂર્ણ રાગદ્વેષથી મુક્ત થઈ ગયા તો તમારા પછીના કેટલાયને રાગદ્વેષથી મુક્ત થવાનો રાહ બતાવીને શું તમે પરોક્ષ પરોપકાર નથી કરતા? મહાવીરે પણ 72
આતમખોજ પોતે એકલાએજ આરંભી હતી. તો શું તમે મહાવીરને સ્વાર્થી કહેશો? પોતે એકલાએ આરંભેલી સાધના જ્યારે ફળીભૂત થઈ ત્યારે અનેકોને માર્ગ બતાવી એમણે કેટલો બધો પરોપકાર કર્યો!!!
તમારે શિક્ષક બનીને બીજાને શીખવવું હશે તો પહેલાતો તમારે એકલાએ જ ભણવું પડશે ને? હવે સમજાઈ ગયું હશે કે આપણા આત્માનું વિચારવું તે સ્વાર્થીપણું નહી પરંતુ પરંપરાએ પરોપકારપણું છે.
સ. 68 મહાવીરની સામે કોઈ બે માણસ એકબીજાને મારી નાખવાનો પ્રયત્ન કરતા હોય કે કોઈ એક પ્રાણીને મારતું હોય તો મહાવીર બચાવવા જાય કે નહિ?
(ઘણા કહે છે કે જૈનોના ભગવાન તો કેવા કહેવાય એમનામાં આટલીએ જીવદયા નથી?)
જ. 68 આપણે બધા પાંચમા આરાના વક્ર અને જડબુદ્ધિવાળા માણસો, માટે આપણને આવા સવાલ થવાના જ કારણ કે આપણે મહાવીરનું મુલ્યાંકન મહાવીરની આપણી કક્ષા સુધી નીચે ઉતારીને કરીએ છીએ. બે-ત્રણ દૃષ્ટિથી આ સવાલનું સમાધાન કરીએ.
કોઈપણ માનવવિશેષ જ્યારે તીર્થંકરના ભવ સુધી પહોંચે છે, તેના આગળના ત્રીજા ભવે સવિ જીવ કરૂં શાસન રસીની ઉત્કૃષ્ટ ભાવના એમના હૃદયમાં પરિણમે છે. એટલે કે દરેક દરેક જીવ પ્રત્યે અત્યંત કરૂણાને મૈત્રીનો ભાવ. દરેકે દરેકે જીવને સંસાર સાગરથી તારવાનો -
સંપૂર્ણ દુઃખ મુક્ત કરવાનો ભાવ પરિણમે છે. આ ભાવ ઉત્કૃષ્ટ બનતાં બનતાં તીર્થંકરના ભવમાં એ કક્ષાએ આ ભાવનાના તરંગો વિસ્તરે છે, એ કક્ષાએ આ ભાવનું આભામંડળ રચાય છે કે તે યોજનો સુધી વિસ્તરે છે. તે આભામંડળમાં પ્રવેશ પામતાં કોઈપણ જીવ પછી તે મનુષ્ય હોય કે પશુ-પક્ષી હોય સર્વ જીવો પોતાનું વેર ભૂલી જાય છે.
એમની કરૂણાના મૈત્રીના વાઈબ્રેશન તરંગો જ એટલા જોરદાર હોય છે કે એમની સામે આવતા, મનુષ્યો કે પશુ-પક્ષીઓમાં એકબીજાને મારવાની ભાવના જ પેદા થાય નહીં. પણ આપણે તો આપણી કક્ષાએ મહાવીરનું મૂલ્યાંકન કરીએ છીએ. તમારામાં મારામાં કે આપણામાં એવી કોઈ વિશિષ્ટ શક્તિ તો છે નહિ કે આપણી સાનિધ્યમાં આવતાં કોઈ પોતાનું વેર ભૂલી જાય... રાગદ્વેષથી ભરેલા આપણે તો દ્વંદમાં જીવી રહ્યાં છીએ... એક પર દયા કરીએ તો બીજા પર ક્રુરતા કરીએ છીએ. ઉંદરને મોંમા પકડીને લઈ જતી બિલાડી પાસેથી ઉંદર પર દયા કરીતેને બચાવવા માટે બિલાડી પર છૂટ્ટો પથ્થર કે લાકડું ફેંકી ક્રુરતા 73
આચરીએ છીએ. આપણી કક્ષાના જીવો આવું જ કરવાના. કોઈ ભવમાં મહાવીરનો જીવ આપણી કક્ષાએ હશે ત્યારે કદાચ એ પણ એવું જ કરતા હશે... જેવું આપણે આજે કરીએ છીએ... ને પાછું મનમાં હું પદ કરીએ છીએ કે મેં જીવને બચાવ્યો. મેં આ બંનેને ઝગડતા અટકાવ્યા...
અરે ભાઈ...મેં, મેં, ને હું, હું વાળા આપણી કક્ષા ક્યાં અને મહાવીરની કક્ષા ક્યાં? અરે...જેણે જન્મતાં જ પગના અંગૂઠા વડે મેરૂ પર્વતને ધ્રુજવી દીધો હતો. તેને તમારીને મારી જેમ મનુષ્યને પ્રાણીઓની નજીક જઈ તેને છોડાવવા જવું પડે? અરે તેના કરૂણામય, મૈત્રીમય તરંગોમાં પ્રવેશતાં જ મનુષ્યોને પ્રાણીઓ અરે જીવમાત્ર એકબીજાને પ્રેમ કરવા લાગે... મૈત્રીમય બની જાય.
હવે જરા આનાથી આગળ વધીને વિચારીએ કે તમે કે હું કદાચ કોઈને છોડાવશું કે બચાવશું તો ટેમ્પરરી હશે. થોડા સમય માટેનું હશે...
થોડા સમય પછી પાછા એ બે જીવ ક્યાંય મળશે તો પૂર્વના વેર ને કારણે મારવાના કે ઝગડવાના જ છે. એમને પરમેનન્ટ વેરમાંથી મુક્તિ તમે કે હું નથી અપાવી શકાવાના અરે... આપણે પોતે જ પરમેનન્ટ વેરમાંથી મુક્તિ નથી પામ્યા તો બીજાને શું અપાવી શકવાના હતા?
જ્યારે...મહાવીરે તો આ વેરનું મૂળ ક્યાં છે તે શોધવાનો પ્રયત્ન કર્યો.
મનના-અંતરમનના-ચિત્તના કયા ખૂણેથી આ રાગ-દ્વેષનો આરંભ થાય છે. તે પોતાની સાધના દ્વારા શોધી કાઢ્યું. આ આરંભ સ્થાન પર કઈ રીતે રોક લગાવવી, અનાદિના આ રાગદ્વેષ જગાવવાના સ્વભાવને કેવી રીતે પલટવો... તે સાધના દ્વારા શોધી કાઢ્યું. વર્ષોની સાધના દ્વારા જે અનુભવ જ્ઞાન પ્રાપ્ત થયું તે જ્ઞાન લોકોને વહેંચ્યું... લોકોને એ દુઃખમુક્તિનો માર્ગ બતાવ્યો. જે માર્ગ પર ચાલીને લોકો પોતાના ભવોભવના વેર ભૂલી જાય... રાગ-દ્વેષથી મુક્ત થઈ જાય. તો દુઃખથી મુક્તિ મળી જાય... પરમેનન્ટ સુખ મળી જાય. હવે તમે મને કહો કે
કોઈને મારતા-ઝઘડતા છોડાવનાર તમે વધારે કરૂણામય કે કાયમ મારવા ઝઘડવાનું છૂટી જાય એ માર્ગ બતાવનાર મહાવીર વધારે કરૂણામય? કોઈ બેકારને 100-200 રૂ. નું દાન આપી દેનાર વધારે ઉપકારી કે તે બેકારને કાયમી નોકરી અપાવનાર વધારે ઉપકારી? કોઈ વ્યક્તિ મેડિકલમાં અભ્યાસ કરી રહ્યું છે, છેલ્લા વરસમાં છે. છતાં પણ કોઈપણ વ્યક્તિ મરતું હશે તો પણ તે તેનું ઓપરેશન કરશે? ડીગ્રી મેળવ્યા પહેલા ને પ્રેક્ટીશ કર્યા પહેલા તે જાણતો હશે, તો પણ 74
ઓપરેશન કરશે? તો તમે એમ કહેશો કે આ ડોક્ટર કરતાં તો અમે સારા... જરા સમજો સાધનાકાળ દરમ્યાન તીર્થંકરો મૌન હોય છે.
કેવળજ્ઞાન થયા પહેલા, સર્વજ્ઞ બન્યા પહેલા મોઢું નથી ખોલતા...
આપણી હાલત તો ખાલી ચણો વાગે ઘણો, જેવી છે. આપણી કક્ષા સુધી નીચે ઉતારીને મહાવીરનું મુલ્યાંકન ન થાય.
સ. 69 જેમ ભવિતવ્યતા નક્કી થઈ છે ને જેમ જ્ઞાનીના જાણમાં આવ્યું છે તેમજ થવાનું છે તો પુરૂષાર્થ કરીને શું કામ છે?
જ. 69 કાંઈ જ ન કરવું એજ સૌથી મોટો પુરૂષાર્થ છે. જેમ ભવિતવ્યતા હશે તેમજ થશે. મારે આજથી કાંઈ જ પુરૂષાર્થ કરવો નથી. એમ વિચારીને બેસી જાવ, ન ખાવું છે. ન પીવું છે. ન હાલવું છે. ન ચાલવું છે, ન ગાવું છે. ન દેરાસર જવું છે. ન પિક્ચર જોવા જવું છે. મારે કાંઈ જ (પુરૂષાર્થ) નથી કરવો કેમ કે જેમ ભવિતવ્યતા હશે તેમ થશે. જો કોઈ આ પ્રકારે સ્થિર થઈ જાય. તો શું એ સૌથી મોટામાં મોટો પુરૂષાર્થ નથી? શું આ પ્રમાણે કરવું સહેલું છે? પુરૂષાર્થ કરવાની જરૂર નથી.
એમ કહેવાવાળા શું આ રીતે સર્વ પ્રકારે પુરૂષાર્થ છોડવાની ક્ષમતા ધરાવે છે? ના... મેં પહેલા કીધું તેમ આપણે પાંચમા આરાના વક્ર અને જડ બુદ્ધિવાળા માણસો પુરૂષાર્થનો મતલબ એટલો જ સમજીએ છીએ કે ધર્મ માટે, મોક્ષ માટે, કાંઈ કરવું તે જ પુરૂષાર્થ છે... અરે ભાઈ સાંસારિક ક્રિયાઓ જે કાંઈ કરો છો તે પણ પુરૂષાર્થ જ છે... ધર્મ માટે કાંઈ કરવું તે સવળો પુરૂષાર્થ છે તો સંસાર માટે કાંઈ કરવું તે અવળો પુરૂષાર્થ છે. પણ છે તો પુરૂષાર્થ જ. કમાવા જવું તે ય પુરૂષાર્થ તો ભીખ માંગવી તે પણ પુરૂષાર્થ, ઉંઘવું એય પુરૂષાર્થ, જાગવું તેય પુરૂષાર્થ જો તું સર્વ પ્રકારનો પુરૂષાર્થ છોડી શકતો હોય તો આજ ઘડીથી છોડી દે... તો તે તારો સૌથી મહાન પુરૂષાર્થ ગણાશે.
પુરૂષાર્થ એ શું છે? પ્રારબ્ધ એ શું છે? જે કાંઈ પુરૂષાર્થ ભૂતકાળમાં કર્યો તે આજનું વર્તમાનનું પ્રારબ્ધ છે. જે કાંઈ પુરૂષાર્થ વર્તમાનમાં કરી રહ્યો છે તે જ ભવિષ્યનું પ્રારબ્ધ છે. જ્ઞાનીના જ્ઞાનમાં એજ જણાય છે જે થવાનું જ છે. તારો પુરૂષાર્થ પણ એજ રીતના થશે કે જે કાંઈ થવાનું છે. માટે જ તો કહ્યું છે કે હું કરૂં હું કરૂં એજ અજ્ઞાનતા, શકટનો ભાર જ્યમ શ્વાન તાણે.’’
બીજી એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખૌ કે જ્યારે કાંઈપણ વસ્તુ બને છે તેની પાછળ પાંચ કારણો જવાબદારહોય છે, એક જ નહિ. તેને શાસ્ત્રની 75
ભાષામાં પાંચ સમવાય કહે છે. (1) ભવિતવ્યતા (2) સ્વભાવ (3)
કાળ (4) કર્મ (5) પુરૂષાર્થ. આ પાંચમાંનું કોઈપણ એક કારણ મુખ્ય હોય છે બાકીના ચાર ગૌણ હોય છે. પણ પાંચેય કારણોની હાજરી વગર વિશ્વમાં કોઈપણ કાર્ય બનતું નથી. ધારો કે કોઈ જીવ મોક્ષે જાય છે. તો તે પ્રમાણે તેની ભવિતવ્યતા હતી જ. (જેમકે આદેશ્વરદાદાએ ત્રીજા આરાના અંતમાં કહી દીધું હતું કે મરીચી છેલ્લા તીર્થંકર ચોથા આરાના અંતમાં થશે.) તો બીજું સમવાય પણ હતું કે એ ભવિ જીવ હતો. જો એ જીવનો સ્વભાવ જ અભવિ હોત મોક્ષ જવાનો ન હોત તો ક્યાંથી જાત? એમનો એ માટેનો કાળ-સમય પણ ચોથા આરાના અંતમાં જ પાકવાનો હતો. કાળ પાક્યા પહેલાં મોક્ષે ન જાય. તો તેમણે કર્મ પણ એ જ રીતે બાંધ્યા ને પુરૂષાર્થ કરીને કર્મની નિર્જરા પણ એ જ પ્રમાણે કરી કેતે ચોથા આરાના અંતમાં મોક્ષે ગયા. એમ કોઈ અભવિ જીવ હોય તો એનો પુરૂષાર્થ જ અવળો થાય સવળો થાય જ નહિ.
કારણકે તેનો સ્વભાવ જ મોક્ષે જવાનો નથી. અહીં સ્વભાવ મુખ્ય કારણ બની જાય છે ને બીજા ચારેય ગૌણ બની જાય છે. પણ હાજરી તો પાંચેય કારણની હોય જ. હવે સમજાઈ ગયું હશે કે મુખ્ય કારણ ભલે ભવિતવ્યતા હોય પણ ગૌણ ચાર કારણમાંનો એક પુરૂષાર્થ હોય જ.
પાંચેય કારણોની- સમવાયોની હાજરી વગર વિશ્વમાં કોઈ કાર્ય બને નહિ.
સ. 70 જૈન ધર્મમાં દેવી-દેવતાઓને માનવું મિથ્યાધર્મ છે તો દેરાસરમાં દેવી-દેવતાઓની મૂર્તિ કેમ?
જ. 70 જૈન ધર્મમાં સમ્યક્દૃષ્ટિ, સમભાવી, સમકિત દેવી-દેવોને માનવામાં કોઈ મિથ્યા ધર્મ કહ્યો નથી. હા...મિથ્યાદૃષ્ટિ દેવોને સંસારસુખ ખાતર માનવામાં પૂજવામાં આવે તો જરૂર મિથ્યાધર્મ છે. આ પ્રશ્ન મેં મારૂં પુસ્તક ‘પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ-1’ ના સવાલ નં 240 માં સવિસ્તર સમજાવેલો છે. તે જરૂર વાંચી જવો.
જો દેવ-દેવીને માનવું મિથ્યાત્વ હોય તો દરેક થોયના જોડાની ચોથી ગાથામાં દેવ-દેવીની જ સ્તુતિ છે. તો તો પછી પ્રતિક્રમણમાં થોય બોલવી એ પણ મિથ્યાત્વ થઈ જાય. પણ એવું નથી થોડી સમજફેર છે.
અનાદિકાળથી ચાલ્યા આવતા મહાપૂજન જેવા કે શાંતિસ્નાત્ર, સિદ્ધચક્રજી પૂજન વગેરેમાં પણ અનેક સમ્યક્ દેવ-દેવીના પૂજન -
આહ્વાન વગેરે થાય છે. આચાર્ય ભગવંત જ્યારે સૂરિમંત્ર પિઠિકા 76
જાપ કરે કે અંજન શલાકા પ્રતિષ્ઠામાં પણ દેવ-દેવીના પૂજન થાય છે.
સંતિકરં, તિજયપહુત્ત, મોટી શાંતિ તથા ગણધર ગૌતમ સ્વામીએ રચેલા ૠષિમંડલ સ્તોત્રમાં પણ દેવ-દેવીનું રક્ષણ માંગ્યું છે. મંદિરમાં પણ શાસન માન્ય દેવ-દેવીનું પ્રતિષ્ઠા એટલા માટે કરવામાં આવે છે કે
કોઈ દુષ્ટ મિથ્યાદૃષ્ટિ દેવ-દેવી આપણા દેરાસર, ઉપાશ્રય, સંઘ, આરાધક આદિને હાની ન પહોંચાડે. સમ્યક્ દૃષ્ટિ, સમભાવી દેવ પણ તીર્થંકરના ભક્ત છે અને આપણે પણ તીર્થંકરની ભક્તિ કરતાં હોવાથી એ આપણને એમના સાધર્મિક ગણીને આપણને ધર્મ આરાધનામાં સહાય કરે છે. ધર્મમાં સ્થિર કરે છે. ને આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધારે છે. આમ તો ગમે તેવી તકલીફ ને સમતાભાવે સહન કરવું એ જ નિશ્ચય ધર્મ છે પરંતુ આપણા પાંચમા આરાના માણસોના સંઘયણ જ એટલા નબળા છે કે આપણને અમુક હદ બહારની શારીરિક-માનસિક કે સામાજિક તકલીફ ઊભી થાય છે તો આપણે સમતુલન ગુમાવી દઈએ છીએ. સમતાભાવે સહન નથી કરી શકતા અને આર્તધ્યાનમાં ઉતરી જઈ કર્મ ખપાવવાને બદલે કર્મના પોટલા બાંધી દઈએ છીએ.
આવી પરિસ્થિતિમાં સમ્યક્દૃષ્ટિ-સમભાવી-સમકિતી દેવ-દેવીની મદદ થાય તો કર્મ હળવેથી ભોગવાઈ જાય છે ને આરાધનામાં મક્કમ રહી શકીએ છીએ. ..પરંતુ જો આ દેવ-દેવીની સહાયથી વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળી સંસારના રંગ-રાગમાં જ રંગાઈ જવાનું હોય તો જરૂર મિથ્યાત્વ લાગે. માટે આ બાબતમાં ઊંડી સમજ કેળવવી ખૂબ જરૂરી છે.
સ. 71 આગમમાં સમ્યક્દૃષ્ટિ દેવ-દેવીનું માહાત્મ્ય બતાવાયું હોય એવું કાંઈ ધ્યાનમાં છે?
જ. 71 હા...ચૌદ પૂર્વમાંના એક પૂર્વમાં નીચે પ્રમાણેની ગાથા છે, કે જેનો વંદિત્તુ સૂત્રમાં 47 મી ગાથા તરીકે સમાવેશ થયેલો છે.
મમ મંગલ અરિહંતા, સિધ્ધા સાહુ સુઅં ય ધમ્મો અ, સમ્મ-દિઠ્ઠી દેવા દિંતુ સમાહિં ચ બોહિં ચ’’
આ ગાથા એમ સૂચવે છે કે જીવને સમાધિ અને બોધિની પ્રાપ્તિમાં અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ તથા શ્રુતધર્મ જેટલા સહાયક છે તેટલા જ સમ્યક્દૃષ્ટિ દેવ-દેવીઓ સહાયક છે. એ સમ્યક્દૃષ્ટિ દેવોનું વિશ્વમાં શું સ્થાન છે તે હકીકત એટલા માટે મહત્વની છે કે આ વિશ્વમાં સર્વ જીવોમાં સર્વશ્રેષ્ઠ એવા તીર્થંકર પરમાત્મા તીર્થંકર 77
નામકર્મનો ભોગવટો મુખ્યતયા દેવ નૈમિત્તિક કરે છે. આ રીતે શાસન સ્થાપના, શાસન રક્ષા, અને શાસન પ્રભાવના માટે પણ દેવોનું સ્થાન એટલું જ મહત્વનું છે.
એટલું જ નહિ પણ 150 ગાથાના સ્તવનમાં મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ પણ સમકિતદૃષ્ટિ દેવોનું માહાત્મય વર્ણવ્યું છે.
સમકિત દૃષ્ટિ સુરતણી આશાતના કરશે જેહ લાલ રે...
બોધિ દુર્લભ તે થશે, થાણાંગે ભાખ્યું એહ લાલ રે...’
સ. 72 આપણા પૂર્વજો કે પૂર્વાચાર્યો દેવ-દેવીની સહાય લઈ આગળ વધ્યા હોય એવા એક-બે ઉદાહરણ આપો.
જ. 72 શ્રીપાળ મહારાજાએ ઓળીની પહેલા સાત દિવસ શ્રી ચક્રેશ્વરી દેવીની આરાધના કરી હતી. તેથી દેવી પ્રસન્ન થઈને સિદ્ધચક્રજી પૂજન તથા ઓળીની સાધનાનો માર્ગ બતાવ્યો હતો...જેનું વચનોનું પાલન કરીને શ્રીપાળ મહારાજનો ચેપી રોગ દૂર થયો હતો. તે આરાધનામાં આગળ વધ્યા હતા.
મહાન આચાર્ય હરિભદ્રસૂરિ જેમણે 1444 ગ્રંથોની રચના કરી છે.
તેમણે મહાનિષિથ આગમની મૂળપ્રત (ઓરીજીનલ આગમ) મેળવવા માટે મથુરામાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના સ્તુપ આગળ પંદર દિવસ ચૌવિહાર ઉપવાસ કરી સાધના કરી હતી. શાસનદેવી પ્રસન્ન થઈ હરિભદ્રસૂરિએ કહ્યું કે, ‘મા... મહાનિહિથની મૂળ પ્રત શોધી આપો.’
ત્રણ દિવસની જહેમત બાદ આ પ્રત મળી પણ ખંડ ખંડ હાલતમાં નષ્ટ થયેલી. ઉધઈ દ્વારા સંપૂર્ણ ખવાયેલી. શાસનદેવીએ કહ્યું કે, ‘હરિભદ્ર...
તારા જ્ઞાનના સામર્થ્યના પ્રભાવથી તું જ આ ગ્રંથની ખૂટતી કડી પૂર્ણ કર ત્યાં સુધી હું સરસ્વતી સ્વરૂપે તારી જીભ પર બિરાજીત થઈશ.’
શ્રી હરિભદ્રસૂરિજીએ તેનો અભ્યાસ કરી, સંશોધન કરી સ્વમતિ અનુસાર સંકલન કરી રચના કરેલ કે જેને શ્રુતધર આચાર્યોએ તપાસી માન્યતા આપી. જે વર્તમાનનું મહાનિષિથ આગમ છે.
સ. 73 નારકી અને દેવલોકના દેવો સાથે મનુષ્યોનો કોઈ જ દેખીતો સંબંધ નહિ હોવા છતાં સાત લાખ સૂત્રથી ક્ષમાપના કેમ?
જ. 73 આપણને ચારેય ગતિના જીવો સાથે કાંઈ ને કાંઈ સંબંધ તો છે જ.
ફક્ત આપણને જ્ઞાન ન હોવાથી આપણે જાણી નથી શકતા કે કોની સાથે શું સંબંધ હતો? અને ભવિષ્યમાં શું સંબંધ થશે? આપણી પાંચ-
78
પચ્ચીસ પેઢી પહેલાનાં આપણા બાપ-દાદા શું અત્યારે દેવલોકમાં કે
નરકમાં ન હોઈ શકે? એમનું તો પલ્યોપમ ને સાગરોપમમાં આયુષ્ય હોય, તેમનાં દેવ-નરકના એક ભવમાં આપણા મનુષ્યને તિર્યંચના તો ઘણા બધા ભવ થઈ જાય... અથવા તો આપણે જ્યારે દેવલોક, નરક કે તિર્યંચમાં હોઈશું ત્યારે એ જીવ સાથે શું સંબંધ હશે, આપણે જીવે એમના જીવને શું સુખ દુઃખ પહોંચાડ્યું હશે તે આપણે ક્યાં જાણીએ છીએ? તો આ ભવમાં થોડી સમજ મળી છે, થોડો ધર્મ મળ્યો છે. તો તે જીવની ક્ષમા માંગવાની કે નહિ? પાર્શ્વનાથ ભગવાનના જીવથી, કમઠના જીવને દુઃખ પહોંચ્યું ને તેના મનમાં પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે જે વેર બંધાયું તે દસ-દસ ભવ સુધી જીવંત રહ્યું કે નહીં? એમ આપણે કયા ભવમાં કયા જીવ સાથે શું શું વેરભાવ બાંધીને આવ્યા છીએ તે આપણે ક્યાં જાણીએ છીએ? તો ભલે આપણને અવધિ જ્ઞાનેય નથી કે જાતિસ્મરણ જ્ઞાનેય નથી કે કેવળજ્ઞાનેય નથી...પરંતુ કેવળીના કહેલા વચનોમાં શ્રદ્ધા તો છે ને? કે આ જીવ દ્રવ્યના પર્યાય બદલાય છે પણ જીવ તો ધ્રુવ છે. તો દરેક જીવની ક્ષમા તો માંગવી કે નહીં? માટે સાત લાખ સૂત્રથી નારકી તથા દેવલોકના જીવોની ક્ષમા માંગવી તે યોગ્ય જ છે.
સ. 74 દેવોને સ્વર્ગના દેવી સુખનો થાક લાગતો હશે કે નહીં?
જ. 74 દેવોનું સુખ એ ભૌતિક, ઈન્દ્રિયજન્ય સુખ છે. જે પણ કોઈ ઈન્દ્રિયજન્ય સાંસારિક સુખ છે, તેમાં પરાધિનતા છે. દુઃખ મિશ્રિત હોવાને કારણે અશુદ્ધ સુખ છે. મિથ્યાત્વી દેવો એ તો અતિન્દ્રિય સુખનો એક અંશ પણ ચાખ્યો નથી તો ભૌતિક, સાંસારિક સુખ-દુઃખનો થાક ક્યાંથી ઉતરે? મતલબ કે તેઓ થાકેલા ને કંટાળેલા છે. દેવોમાં પણ સૌથી વધારે સુખ સર્વાર્થ સિદ્ધના દેવોને છે. જેઓ એક અવતારી છે. છતાં પણ તે ઉદાસીન છે કારણકે હજુ મોક્ષ નથી મળ્યો. એમને ભવમાં રહેવાપણું અને મોક્ષનું છેટાપણું એનો થાક છે. બાકી અન્ય ઉતરતી કક્ષના દેવોમાં રાગ-દ્વેષનું પ્રમાણ વધુ છે માટે તેઓને ફક્ત સુખ જ સુખ છે એમ માની લેવાની જરૂર નથી. તેઓમાં પણ સ્વામિ-સેવક ભાવ ઈર્ષ્યા, ઝઘડા, યુદ્ધો, એકબીજાની દેવીઓને ઉપાડી જવી, વગેરે દુઃખદાયક કાર્યો જીવંત જ છે. દેવોના આયુષ્યના છ મહિના બાકી રહે ત્યારે તેમની ફૂલની માળા કરમાવા લાગે છે. (આભામંડળ તિરોહિત્ત થવા લાગે છે) અવધિજ્ઞાનથી જાણીને કે પોતાને હવે ક્યાં જવાનું છે, 79
આ બધું છોડીને જવાનું છે માટે ઘણા દુઃખી થઈ જાય છે. આમ દેવગતિમાં સુખ અને દુઃખ બંને છે, બંને ભૌતિક છે. ભૌતિકનો તો હંમેશ થાક લાગવાનો જ છે. જેમકે કેટલાય અમેરિકનો અતિશય ભૌતિક સુખથી કંટાળીને ભારતમાં આધ્યાત્મિક સુખની શોધ માટે આવે છે.
તેમ દેવોને પણ દૈવી સુખનો થાક લાગે જ છે. પર થકી મળતાં પરાધીન સુખમાં ઈન્દ્રિયજનીત થાક હોય જ.
સ. 75 દેવગતિને નરકગતિને બધું આપણે ક્યાં જોવા ગયા છીએ? આપણે તો અહીં ખાઈ-પીને જલસા ન કરીએ?
જ. 75 અરે...દેવગતિ નરકગતિ ભલે તમે જોવા ન ગયા હો પણ આ તિર્યંચગતિની અવદશા તમને આંખ સામે નથી દેખાતી? જીવતે જીવ જ ચામડી ઉતારે, જીવતે જીવ જ કાપવામાં આવે, જીવતે જીવ જ વેરવામાં આવે, જીવતે જીવજ પારાવાર અખતરા. નહીં કોઈ બચાવનાર, સાંભળનાર કે જોનાર જે પશુ પોતે ખોરાકની શોધમાં નીકળે તે પોતે જ કોઈકનો ખોરાક બની જાય. ન ક્યાંય આશરો, ન ક્યાંય વિસામો, ભૂખ, તરસ, ઠંડી, ગરમી, ડાંસ અને મચ્છર, સતત ઉપદ્રવો ચાલુ, નિરાધાર અસહાય દશા. વરસાદમાં ભીંજાવાનું, પાણીમાં તણાવાનું, કીચ્ચડમાં ખૂંપવાનું, આગમાં બળવાનું, હવા વિના ગૂંગળાવાનું, રિબાઈને મરવાનું, જન્મ થાય ત્યારથી જ મોત એમનો કોળિયો કરવા તૈયાર હોય. કોઈ વાર ભૂખી થયેલી માં પોતે જ પોતાના બચ્ચાને ફાડી ખાય, સર્પ કે વીંછી કરડી ખાય... શરીરમાં જીવાતો પડે, ચાર દિવસના ભૂખ્યા તરસ્યા હોય તો પણ કોઈને કહી ન શકે, કૂતરાના કાનમાં જીવાતો પડે તેતમે જોયું હશે...? સહન થાય કે ન થાય ડંખ માર્યા જ કરે.. એ બધાથી બચવા માટે જાય ક્યાં? તમારા, મારા કે આપણા કોઈને માટે પણ આવી પળ આવી શકે.. અરે... અનંતીવાર આવા દુઃખો પરાધીનપણે ભોગવીને આવ્યા છીએ અને જેમ લુહાર લોઢાને ટીપે એમ આ જીવ અનંતીવાર ટીપાયો છે. ચારેગતિમાં ભ્રમણ કરતાં આ જીવે એટલા આંસુ પાડ્યા છે કે એ એકઠા કરવામાં આવે તો આખો સમુદ્ર ભરાઈ જાય. આ કોઈ અતિશયોક્તિ નથી. ભગવાને કહ્યું છે કે
84 લાખ યોનિમાંથી કોઈ યોનિ બાકી નથી કે ત્યાં તે જન્મ ન લીધો હોય કે એક તસુભાર પણ ક્ષેત્ર-ભૂમિ બાકી નથી કે તું ત્યાં જન્મયો ન હોય.
આ બધાનો સાર એ છે કે કર્મજન્ય દુઃખદ પરિસ્થિતિનો સમજણપૂર્વક 80
સહજભાવે સ્વીકાર કરવો. ભૂતકાળમાં બાંધેલા કર્મ વહેલા કે મોડા તારે ભોગવવાના તો છે જ. મળેલા મનુષ્ય જન્મનો સદુપયોગ કરીને જૂના કર્મ નહીં ખપાવે ને જલસા કરીને ઓર વધારે કર્મોના ઢગલા કરીશ તો તો છૂટવાની તો કોઈ વાત જ નથી. પરંતુ વધારે ને વધારે લેપાતો જઈશ. Now Choice is yours ભગવાનની જેમ સમતાભાવે સહન કરી મોક્ષાનંદ મેળવવો છે કે દુઃખના ગુણાકાર કરી સંસાર સાગરમાં ડૂબવું છે?
સ. 76 અમારે મહાવીરની જેમ આટલા દુઃખો સહન કરીને મોક્ષે નથી જવું...મને તો મહાવીરની દયા આવે છે.
જ. 76 મહાવીરે જે દુઃખો સહન કર્યા તે તેણે પોતે જ ભૂતકાળમાં આચરેલા કર્મનું ફળ હતું. કોઈ બીજાએ કરેલા કર્મનું ફળ મહાવીરે નથી ભોગવ્યું.
તેમાંય હળવા કર્મો તો તપ-જપ-મૌન-ધ્યાન થી ખપી ગયા ફક્ત નિકાચિત કર્મો (જે કર્મ ભોગવ્યા વગર ન છૂટે તે) જ એમને ભોગવવા પડ્યા. એ એમણે સમતાપૂર્વક સહન ન કર્યા હોત તો એનો ગુણાકાર થઈ અનંતગણા દુઃખો ભોગવવા પડ્યા હોત. યાદ રાખો કર્મના ઉદયથી આવેલ પરિસ્થિતિનો પ્રેમથી સ્વિકાર નહીં કરીએ તો કર્મસત્તા બળાત્કારે પણ પરિસ્થિતિનો સ્વિકાર કરાવશે. જે સ્વેચ્છાએ સહન નહીં કરો તો પરાધીનપણે સહન કરવું પડશે. હસતાં હસતાં સહન નહિ કરો તો રડતાં રડતાં સહન કરવું પડશે.
જીવો પ્રતિકૂળતાથી છૂટવા અને અનુકૂળતા મેળવવા માટે જ તરફડીયાં મારે છે. માટે જ જીવનમાં આર્ત રૌદ્ર ઘર કરી ગયું છે. આર્તધ્યાન અને તેનાં કારણોનું સ્વરૂપ સમજાઈ જાય અને તેનાથી બચવાનો નિર્ધાર થાય તો આવેલ પરિસ્થિતિનો સ્વીકાર કરવાનું શક્ય બને જો આવેલ પરિસ્થિતિનો સ્વીકાર ન કરીએ તો કર્મ સત્તા ફરજીયાત એવી ગતિમાં લઈ જશે અને એવી દુઃખદ વિષમ પરિસ્થિતિનો સ્વીકાર કરવાની ફરજ પાડશે જ્યાં એનાથી બચવાનો કોઈ માર્ગ જ નહિ હોય. મહાવીરતો પોતાના કર્મ ખપાવી બધા દુઃખમાંથી કાયમી મુક્તિ મેળવી લીધી. માટે મહાવીરની દયા ખાવાની જરૂર નથી. દયા ખાવી હોય તો આપણા આત્માની દયા ખાવ. કેમકે આપણા આત્માએ ક્યા ભવમાં કેવાકેવા કર્મ બાંધ્યા હશે ને ક્યા ભવમાં કેવા સ્વરૂપમાં ઉદયમાં આવશે તે ક્યાં ખબર છે?
81
સ. 77 કેવળજ્ઞાન પછી ભગવાન સાથે ઓછામાં ઓછા કેટલા દેવ-દેવી હોય? વધારે ઓછા થાય?
જ. 77 કેવળજ્ઞાન પછી ભગવાન સાથે ઓછામાં ઓછા કરોડ દેવ-દેવીઓ હોય, તેઓ ભક્તિથી આવતા-જતા રહે છે. કોઈ જાય, કોઈ નવા આવે, પણ ઓછામાં ઓછા કરોડ તો રહે જ છે.
સ. 78 દેરાસરમાં પ્રતિમાઓ મુખ્ય બે જ અવસ્થા... કાં તો પદ્માસન કાં કાઉસગ્ગ મુદ્રા જ કેમ?
જ. 78 ભગવાનની પ્રતિમા સિધ્ધ અવસ્થાની હોય છે, અને સિધ્ધ થતી વખતે ભગવાનની આ બે જ મુદ્રા હોય છે માટે. ઉપરાંત આ બે વિતરાગ મુદ્રા છે માટે આ બે મુદ્રામાં જ પ્રતિમા હોય છે. જેમકે ત્રણ અલગ અલગ આકારવાળી બોટલમાં પાણી ભરી બરફ બનવા મુકો. બરફ બન્યા પછી તે બોટલને ફોડી નાખો તો બોટલના આકાર જેવોજ બરફનો આકાર રહેશે. એમ છેલ્લા ભવમાં જે મુદ્રામાં હોય તેજ મુદ્રામાં સિધ્ધશિલા પર સ્થિત થશે.
સ. 79 શ્રી તીર્થંકર પરમાત્માને ઓળખવાની, તેમના આંતર ગુણસ્વરૂપને જાણવાની વાસ્તવિક ઈચ્છા ક્યારે થાય?
જ. 79 આંશિક પણ ભવ વૈરાગ્ય ઉત્પન્ન થાય, ત્યાર પછી જ તીર્થંકર દેવોના સ્વરૂપને જાણવાની ઈચ્છા થાય. પ્રભુના સ્વરૂપની જાણકારીની ઈચ્છા પણ ચરમ યથાપ્રવૃતકરણવાળા અપુનર્બંધક ને થાય છે. બાકી સાચી પરમાત્મ ભક્તિ અને સાચી ઓળખ સમ્યકત્વ થયા પછી જ હોય.
સ. 80 આ લોકમાં આ કાળે કોઈ પ્રદેશમાં તીર્થંકર વિચરે છે?
જ. 80 વર્તમાન કાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં વીશ તીર્થંકરો વિચરે છે. મહાવિદેહ ક્ષેત્ર તીર્થંકર વગર ન હોય ત્યાં સદૈવ ચોથા આરા જેવી રચના હોય છે.
મહાવિદેહમાં વધુમાં એકસો સાઈઠ તીર્થંકરો વિહરમાન હોય. તે સમયે જો ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પણ તીર્થંકર વિહરમાન હોય તો પાંચ ભરતમાં પાંચ, પાંચ ઐરાવતના પાંચ, પાંચ મહાવિદેહમાં 160 એમ થઈને વધુમાં વધુ 170 (ઉત્કૃષ્ટા) તીર્થંકર વિહરમાન હોય. ત્યારે જ્યારે ભરતને ઈરાવતમાં એકપણ તીર્થંકર ન હોય ત્યારે જઘન્યથી (ઓછામાં ઓછા) વીશ તીર્થંકર તો મહાવિદેહમાં હોય જ. આમ અનંતા તીર્થંકર ભૂતકાળમાં થઈ ગયા. 20 વર્તમાનકાળમાં છે અને અનંતા તીર્થંકર ભવિષ્યકાળમાં થશે.
82
સ. 81 મહાવિદેહમાં વિદ્યમાન તીર્થંકરો ક્યારે થયા અને તેમનું આયુષ્ય કેટલું?
જ. 81 અહીં આપણે ભરતક્ષેત્રમાં સત્તરમાં તીર્થંકર શ્રી કુંથુંનાથજીના નિર્વાણ બાદ એક જ સમય ગાળામાં વીશેય તીર્થંકર થયા. અને અહીં આપણે વીશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના નિર્વાણ બાદ વીશે તીર્થંકરોએ એકી સમયે દીક્ષા અંગીકાર કરી. અને વીશેય એક મહિના સુધી છદ્મસ્થ રહીને કેવળજ્ઞાની થયા. અને અહીં આપણે આવતી ચોવીશીના સાતમા તીર્થંકર શ્રી ઉદયનાથજીના મોક્ષે ગયા બાદ મહાવિદેહના વીશેય તીર્થંકર એકીસાથે મોક્ષે જશે. (મતાંતરે અહીંના 13 મા તીર્થંકરના વખતમાં મોક્ષે જશે.) આ વીશેય વિહરમાન તીર્થંકરનું દેહપ્રમાણ 500 ધનુષ્યનું અને આયુષ્ય 84 લાખ પૂર્વનું છે. જેમાં 83 લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા અને એક લાખ પૂર્વ સંયમ પાળી મોક્ષે પધારશે.
સ. 82 કેવળી ભગવંતોને નિર્વાણ ન પામે ત્યાં સુધી હરતાં ફરતાં કર્મનો બંધ પડે કે નહિ? અને પડે તો કર્મનો બંધ ક્યારે ભોગવે?
જ. 82 કેવળી થયા પછી જ્યાં સુધી કેવળીને દેહ હોય છે, ત્યાં સુધી દેહની હાજતોને લઈને કર્મ કરતાં રહે છે. ઉદયાધીન સહજયોગ પ્રવર્તન અઘાતિકર્મની નિર્જરારૂપે હોય છે.પરંતુ તેઓને કષાય ન હોવાથી માત્ર પ્રકૃતિ અને પ્રદેશ બંધ હોય છે. પરંતુ સ્થિતિ અને અનુભાગ એ બે બંધ થતા નથી. આથી વીતરાગને પ્રથમ સમયે લાગેલા શાતા વેદનીય કર્મ પુદ્ગલો બીજે સમયે વેદી ત્રીજે સમયે નિર્જરે છે. અર્થાત્ દૂર કરે છે.
આ ક્રિયાને ઈર્યાપથિકી ક્રિયા કહે છે. માત્ર એક સમયનો અકષાયિક કર્મબંધ હોય છે. અઘાતિ કર્મોની નિર્જરાના હેતુપૂર્વક હોય છે.
ઈર્યાપથિકી ક્રિયા એટલે જેમાં કષાયિક વૃત્તિ ન ભળી હોય એવી માત્ર કાયાની હલન-ચલન વગેરે ક્રિયાઓ. સાંપરાયિકી ક્રિયા એટલે જે પ્રવૃત્તિ ક્રોધ આદિ કષાય પ્રેરિત હોય તે ક્રિયા. (જે સમકિતિ જીવ હોય તે જ કષાયથી મુક્ત હોય છે. તેથી જ સમકિતી જીવ કોઈ મિથ્યાદૃષ્ટિ જીવ જેવા જ આચાર કદાચ કર્મના ઉદયે કરતો હોવા છતાં દોષથી બંધાતો નથી.)
સ. 83 સૌથી ઉત્કૃષ્ટ પૌદ્ગલિક વૈભવ જીવને કઈ ગતિમાં મળે? કેટલા સમય સુધી? તેમાં એ જીવનો કેવો ભાવ રહે?
જ. 83 મનુષ્ય ગતિમાં કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્માને જે ઉત્કૃષ્ટ પૌદ્ગલિક વૈભવ હોય છે તેવો બીજા કોઈને હોતો નતી. તે પછી ઉતરતો અનુત્તર 83
દેવતાઓને 33 સાગરોપમ સુધી હોય છે. આ બધા જીવો પૌદ્ગલિક વૈભવમાં ઉદાસીન ભાવવાળા જ હોય છે.
સ. 84 ભરતક્ષેત્રના બીજા ખંડોમાં તીર્થંકરોનું વિચરણ હોય કે નહીં? બીજા ખંડોમાં ધર્મ છે કે નહિ?
જ. 84 છ ખંડના 32000 દેશો છે. તેમાં મધ્યખંડ દક્ષિણાર્ધમાં પાંચથી સાડા પાંચ હજાર દેશો આવે. તેમાં પણ ફક્ત સાડા પચ્ચીસ દેશોમાં તીર્થંકર વિચરે. બાકીના દેશો અનાર્ય હોય. ત્યાં ધર્મ ન હોય. ત્યાં ભગવાનનો જન્મ કે વિચરણ ન હોય. કેવળજ્ઞાની પણ ત્યાં ન હોય. અને ત્યાં ધર્મ ઉપદેશ પણ ન હોય. હવે વિચાર કરો આપણે કેવા આર્ય દેશમાં જન્મ્યા છીએ કે જ્યાં ભગવાનનું વિચરણ હતું. અહીંની રજકણો એમના પવિત્ર ચરણ કમલથી પવિત્ર થયેલી છે. અહીંના આકાશમાં એમના શુદ્ધ પરમાણુના વાઈબ્રેશન આપણને મળી રહ્યા છે. કેવલીએ પ્રરૂપેલો શુદ્ધ ધર્મ આપણને મળ્યો છે... પાંચમા આરાની વિષમતા વચ્ચે એટલી તો સુંદરતા છે કે આપણને ધર્મ મળ્યો છે....ધર્મ પામી શકાય એવો માનવ દેહ મળ્યો છે. આટઆટલું પ્રાપ્ત થવા છતાં ય જો આપણે એનું મૂલ્ય ન સમજીએ ..ધર્મ માર્ગે આગળ વધી આધ્યાત્મિક વિકાસ ન સાધીએ તો આપણા જેવું અધમ બીજું કોણ હોઈ શકે? હાથમાં આવેલ ચિંતામણી રત્ન કાગડો ઉડાડવા ફેંકી દેવા જેવી મૂર્ખામી છે.
સ. 85 દ્રવ્ય કોને કહેવાય? તે કેટલા છે? કયા કયા?
જ. 85 ગુણોના અને પર્યાયના સમૂહને દ્રવ્ય કહે છે. દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ છ દ્રવ્ય છે.
તેમાંથી કદી ઓછા વધતા થતાં નથી. છ દ્રવ્ય કોઈ ઈશ્વરે બનાવ્યા નથી, સ્વભાવથી જ છે. છ દ્રવ્યમાં જીવ સિવાયના પાંચેય દ્રવ્ય અજીવ છે. છ એ દ્રવ્યમાં ફક્ત પુદ્ગલ દ્રવ્યના બાદર સ્કંધને દેખી શકાય છે.
બાકીના પાંચેય દ્રવ્ય અરૂપી છે. (આંખેથી દેખી ન શકાય એવા)
સ. 86 ગુણ કોને કહે છે? ગુણોના ભેદ કેટલા? કયા કયા?
જ. 86 જે દ્રવ્યના બધા જ ભાગમાં હોય અને દ્રવ્યની બધી જ અવસ્થામાં રહે તેને ગુણ કહેવાય. જેમકે સાકર એ દ્રવ્ય અને ગળપણ એ ગુણ છે. જીવ એ દ્રવ્ય અને જ્ઞાન એ ગુણ છે. તેના બે ભેદ છે. સામાન્ય ગુણ અને વિશેષ ગુણ. જે ગુણ સર્વ દ્રવ્યમાં હોય તે સામાન્ય ગુણ. જે ગુણ પોત-
પોતાના દ્રવ્યમાં જ રહે તે વિશેષ ગુણ. તે દ્રવ્યને ઓળખાવનારો દ્રવ્યનો 84
વિશેષ ભાવ છે. સામાન્ય ગુણ અનેક છે પરંતુ તેમાં મુખ્ય છ છે. (1)
અસ્તિત્વ (2) વસ્તુત્વ (3) દ્રવ્યત્વ (4) પ્રમેયત્વ (5) અગુરૂલઘુત્વ (6) પ્રદેશત્વ.
સ. 87 આકાશ દ્રવ્ય કોને કહે છે?
જ. 87 જે બાકીના પાંચેય દ્રવ્યોને રહેવા માટે જગ્યા આપે તેને આકાશ દ્રવ્ય કહે છે, આકાશ દ્રવ્ય સર્વવ્યાપક છે, સર્વત્ર છે. આકાશ એક જ અખંડ દ્રવ્ય છે. તેના બે ભેદ છે. લોકાકાશ તથા અલોકાકાશ જ્યાં સુધી જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાળ એ સમસ્ત દ્રવ્યો છે ત્યાં સુધીના આકાશને લોકાકાશ કહે છે. તેની બહારના અનંત આકાશને અલોકાકાશ કહે છે. લોક અને અલોક બંને મળીને લોકાલોક કહેવાય છે. લોક એટલે સમસ્ત વિશ્વલોક કરતાં અલોક મોટો છે. લોકમાં છ એ છ દ્રવ્ય છે અને એક આકાશ દ્રવ્ય લોક-અલોક બધે વ્યાપી રહેલ છે. આકાશ એક અખંડ દ્રવ્ય છે.
સ. 88 જીવ દ્રવ્ય કોને કહે છે?
જ. 88 જેમાં ‘‘ચેતના’’ એટલે કે જ્ઞાન-દર્શન રૂપ શક્તિ છે તેને જીવ દ્રવ્ય કહે છે. જીવનો ગુણ ચૈતન્ય ઉપયોગ છે. દેવ, મનુષ્ય, નારક, તિર્યંચ આદિ તેના અનેક પર્યાય છે. પર્યાય ગમે તેટલા બદલાય, જીવભાવ ધ્રુવ (નિશ્ચિત) છે. તે નાશ પામીને કંઈ બીજો થતો નથી. દ્રવ્ય વિના ગુણ ન હોય, ગુણ વિના દ્રવ્ય ન હોય બંનેનો અભિન્ન ભાવ છે. શ્રધ્ધા, ચારિત્ર, સુખ, વીર્ય, ક્રિયવર્તી શક્તિ, વૈભાવિક શક્તિ વગેરે એના વિશેષ ગુણ છે.
સ. 89 પુદ્ગલ દ્રવ્ય કોને કહે છે?
જ. 89 પુદ્ગલ અજીવ દ્રવ્ય છે. છતાં તે ગતિમાન દ્રવ્ય કહેવાય છે કેમકે તેમાં ક્રિયાની શક્તિનો ગુણ છે. તેથી તે પોતાની યોગ્યતા અનુસાર ગતિ-
ક્ષેત્ર અંતર રૂપ પર્યાય થાય છે. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ ગુણો હોય તેને પુદ્ગલ; દ્રવ્ય કહે છે. શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્થુલ, સંસ્થાન, ભેદ, તમ, છાયા, ઉદ્યાંત અને આતપ. આ બધા પુદ્ગલ દ્રવ્યોની પર્યાયના દસ ભેદ છે. પુદ્ગલની પર્યાયનું અસ્તિત્વ સ્વતંત્ર છે. આત્મા માત્ર તેને જાણનારો છે, એવું યથાર્થ શ્રધ્ધા અને જ્ઞાન થવું તે ધર્મ છે.
સ. 90 ધર્મદ્રવ્ય કોને કહે છે? અધર્મદ્રવ્ય કોને કહે છે?
જ. 90 સ્વયં ગતિ કરતાં જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં ઉદાસીન નિમિત્ત 85
હોય તેને ધર્મ દ્રવ્ય કહે છે. જેમ ગતિ કરતી માછલીને ગતિ કરવામાં ઉદાસીન નિમિત્ત પાણી. જીવ અને પુદ્ગલ જેમ સ્વયં ગતિ કરે છે તેમ સ્વયં સ્થિતિરૂપ પરિણમે છે. તેમને સ્થિત કરવામાં જે ઉદાસીન નિમિત્તરૂપ છે તે દ્રવ્યને ‘‘અધર્મ દ્રવ્ય’’ કહે છે. જેમ કે મુસાફિરને સ્થિર થવા માટે ઝાડનો છાંયો. જેમ છાંયો કાંઈ મુસાફિરને સ્થિર કરતો નથી.
પણ છાંયાનું નિમિત્ત પામી મુસાફિર જાતે સ્થિર થાય છે તેમ ‘‘અધર્મ દ્રવ્ય’’ જીવ અને પુદ્ગલને સ્થિર કરવામાં નિમિત્તરૂપ છે.
સ. 91 પર્યાય એટલે શું?
જ. 91 જુદાં જુદાં નિમિત્તને લઈને દ્રવ્યની જુદી જુદી અવસ્થા થતી રહે છે. તેને પર્યાય કહે છે. જેમ કે... જીવ એ દ્રવ્ય અને મનુષ્ય, તિર્યંચ વગેરે પર્યાય.
માટી એ દ્રવ્ય અને ઘડો એ તેની પર્યાય. જૈન દર્શનમાં દ્રવ્યની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે જે ગુણ અને પર્યાયનો આધાર છે તે દ્રવ્ય. દરેક દ્રવ્ય ત્રિકાળ જુદે જુદું સ્વતંત્ર છે. દ્રવ્યની ઉત્પત્તિ કે વિનાશ થતો નથી. ઉત્પત્તિ-
વિનાશ દ્રવ્યના પર્યાયો છે. જેમ સોનાની બંગડીને તોડી તેની માલા બનાવવામાં આવે તો તેમાં સોનાનો નાશ થતો નથી. પરંતુ સોનાની બંગડી તરીકેની અવસ્થા (પર્યાય) છે તેનો નાશ થાય છે તેવી રીતે સોનાની ઉત્પત્તિ પણ થતી નથી પરંતુ માલા તરીકેની અવસ્થા (પર્યાય)
ઉત્પન્ન થાય છે. સોનું (દ્રવ્ય) તો કાયમ રહે છે. આમ દરેક દ્રવ્યમાં પોતપોતાના કારણે પર્યાય અપેક્ષાએ નવી અવસ્થાનું ઉપજવું, પહેલાના પર્યાયનો નાશ થવો, અને દ્રવ્ય અપેક્ષાએ નિત્ય ટકી રહેવું એવી સ્થિતિ ત્રિકાળ થઈ રહી છે.
સ. 92 કાળ દ્રવ્ય કોને કહે છે?
જ. 92 જીવ, પુદ્ગલ આદિ દ્રવ્યો પોતપોતાની અવસ્થા રૂપે જાતે જ પરિણામે છે. આ પરિણમનમાં જે નિમિત્ત હોય તેને કાળદ્રવ્ય કહે છે. જેમકે
કુંભારના ચાકને ફરવા માટે લોઢાનો ખીલો નિમિત્ત છે. પદાર્થમાં ઉત્પાદ અને વ્યય એવા બે પદ વર્તે છે. તેથી પૂર્વ પર્યાયનો વ્યય અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ થયા કરે છે. આ પરિવર્તનથી કાળ જણાય છે. અથવા તે પર્યાયના પરિવર્તન થવામાં કાળ સહાયકારી છે. દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે. તેમાં ઉર્ધ્વપર્યય તિર્યકપર્યય એવા બે ધર્મ છે. ઉર્ધ્વપર્યય એટલે પદાર્થમાં તે ધર્મનું ઉદ્ભવવું ને તિર્યકપર્યય કાળના સમયને તિર્યકપર્યય નથી. એક ઉર્ધ્વપર્યય ધર્મ જ છે. તેથી જે સમય ગયો તે પાછો આવતો 86
નથી. ‘‘કાળદ્રવ્ય’’ એ પાંચ અસ્તિકાયનો વર્તનારૂપ પર્યાય છે. એટલે ઔપચારિક દ્રવ્ય છે. પળ, વિપળથી માંડી, વર્ષ આદિ જે કાળ સૂર્યની ગતિ પરથી સમજાય છે, તે ‘‘વ્યાવહારિક કાળ’’ દિગંબર અભિપ્રાય મુજબ ‘‘કાળદ્રવ્ય’’ના લોકમાં અસંખ્યાત અણુ છે. તે અણુમાં ‘‘રૂક્ષ’’
અથવા ‘‘સ્નિગ્ધ’’ ગુણ નથી અને ક્રિયાવર્તી શક્તિ નથી. તેથી તે દરેક અણુ એકબીજામાં મળતા નથી. અને અલગ-અલગ રહે છે. પરમાણુ પુદ્ગલમાં તે ગુણ હોવાથી મૂળે સત્તા કાયમ રહ્યા છતાં તેનો સ્કંધ થાય છે.
અઢી દ્વીપની બહાર રાત્રિ, દિન વગેરે કાંઈ નથી. અઢી દ્વિપની બહાર જ્યોતિષ બધા સ્થિર છે. વૈમાનિક દેવમાં નિરંતર પ્રકાશ છે અને નરકોમાં નિરંતર અંધારૂ છે. અઢી દ્વીપમાં સૂર્ય, ચંદ્ર વગેરે બાહ્ય નિમિત્તથી કાળ માપી શકાય છે. પરંતુ અઢીદ્વીપની બહાર સર્વસ્થળે કાળનું માપ નથી પરંતુ અવધિજ્ઞાનથી અને આયુષ્યકર્મના દલિકો પરમાણુ પરથી કાળનું જ્ઞાન ત્યાં પણ થાય છે.
સ. 93 છ એ દ્રવ્યમાં રહેલો સામાન્યગુણ ‘‘અસ્તિત્વ ગુણ’’ કોને કહે છે? તે જાણવાથી શો લાભ?
જ. 93 જે શક્તિના કારણે દ્રવ્યોનો કદી પણ નાશ ન થાય, કોઈથી ઉત્પન્ન પણ ન થાય તેને અસ્તિત્વ ગુણ કહે છે. એ જાણવાથી શ્રધ્ધા થાય છે કે ‘‘હું સ્વતંત્ર, અનાદિ અનંત મારાથી ટકી રહેનારો છું કોઈ પરથી અને કોઈ સંયોગથી મારી ઉત્પત્તિ થઈ નથી તથા મારો કદી નાશ થતો નથી.’’ એમ અસ્તિત્વ ગુણને જાણવાથી લાભ થાય છે. અને તેથી મરણનો ભય ટળી જાય છે.
સ. 94 ‘‘વસ્તુત્વ’’ ગુણ કોને કહે છે? પ્રદેશત્વ ગુણ કોને કહે છે?
જ. 94 જે શક્તિના કારણથી દ્રવ્યમાં અર્થક્રિયા કરવાપણું હોય તેને વસ્તુત્વ ગુણ કહે છે. જેમકે ઘડાની અર્થક્રિયા પાણી ધારણ કરવું. આત્માની અર્થક્રિયા જાણવું તે. કોઈ દ્રવ્ય એક સમય પણ પોતાનું કામ કર્યા વિના નકામું રહેતું નથી. એમ વસ્તુત્વ ગુણ બતાવે છે. જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈને કોઈ આકાર જરૂર હોય, કોઈ વસ્તુ પોતાના સ્વ-ક્ષેત્રરૂપ આકાર વિના હોય નહિ એમ પ્રદેશત્વ ગુણ બતાવે છે.
સ. 95 ‘‘દ્રવ્યત્વ’’ ગુણ કોને કહે છે? તેના પરથી શું સમજવું?
જ. 95 જે શક્તિના કારણથી દ્રવ્યની અવસ્થાઓ (પર્યાય) નિરંતર બદલાયા 87
કરે છે, નિરંતર તેના પોતાનાથી પોતામાંથી જ પરિવર્તન થયા કરે છે તેને દ્રવ્યત્વ ગુણ કહે છે. દરેક દ્રવ્યમાં પ્રયોજનભૂત ક્રિયા પોતાનાથી જ થઈ રહી છે, બીજું કોઈ તેની અવસ્થા બદલતું નથી. એના પરથી એ સમજવાનું છે કે જીવમાં જે અજ્ઞાનદશા છે તે સદાય એકસરખી રહેતી નથી. જીવમાં રહેલા દ્રવ્યત્વ ગુણને કારણે કેવળજ્ઞાન સુધી આ અજ્ઞાનદશા પરિવર્તન પામી શકે છે તે શ્રધ્ધા દૃઢ થાય છે. તે તરફનો પ્રયત્ન ચાલુ થાય છે. દરેક દ્રવ્ય નિરંતર પ્રવાહક્રમે પરિણમતી પોતાની નવી નવી અવસ્થાઓને સદાય પોતે જ બદલે છે, એમ દ્રવ્યત્વ ગુણ બતાવે છે.
સ. 96 પ્રમેયત્વ ગુણ એટલે શું? તેનું મહત્વ શું?
જ. 96 જે શક્તિના કારણથી દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનો વિષય હોય, તેને પ્રમેયત્વ ગુણ કહે છે. જગતમાં જેટલાં દ્રવ્ય છે તે બધા જ પ્રમેયત્વ ગુણવાળા છે.
કારણ કે તે ગુણ બધા દ્રવ્યોનો સામાન્ય ગુણ છે. દરેક દ્રવ્યમાં જણાવા યોગ્યપણુંહોવાથી જ્ઞાનથી કાંઈ અજાણ્યું (ગુપ્ત) રહી શકે નહિ એમ પ્રમેયત્વ ગુણ બતાવે છે. આત્મા તો અરૂપી (દેખાય નહિ તેવો) છે, અને આપણું જ્ઞાન ઘણું અલ્પ છે, છતાં પણ આત્મામાં રહેલા પ્રમેયત્વ ગુણને કારણે આત્માનું જ્ઞાન બરાબર થઈ શકે છે, તેમજ સમ્યક્ મતિ અને શ્રુતજ્ઞાનનો વિષય થઈ શકે છે. તે જ તેનું મહત્વ છે. યથાર્થ સમજણનો પુરૂષાર્થ કરવામાં આવે તો આતમાનું જ્ઞાન અવશ્ય થઈ શકે તે પ્રમેયત્વ ગુણ બતાવે છે. જાણવાની જ્ઞાનશક્તિ અને જણાવવાની પ્રમેયત્વ શક્તિ બંને એકી સાથે જીવદ્રવ્યમાં છે.
સ. 97 અગુરુ લઘુત્વ ગુણ કોને કહે છે? તે પરથી વિશેષ શું સમજવું?
જ. 97 જે શક્તિના કારણથી દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે એટલે કે જે ગુણના કારણે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પરિણમે નહીં, એક ગુણ બીજા ગુણ બને નહિ, એક દ્રવ્યના અનેક ગુણ વિખરાઈને જુદા જુદા ન થઈ જાય, એક દ્રવ્યની શક્તિ બીજા દ્રવ્યનું કોઈ કામ કરી શકે નહિ, જે દ્રવ્યો છે તે બીજા દ્રવ્યમાં ભળતા નથી, દ્રવ્યનો એક ગુણ, તે જ દ્રવ્યના બીજા ગુણનું કાંઈ કરી શકે નહિ, તેને અગુરુ લઘુત્વ ગુણ કહે છે. દ્રવ્યમાં અગુરુ લઘુત્વ નામનો ગુણ છે તેથી તેના ગુણોની સંખ્યા કદી વધતી કે ઘટતી નથી. તેથી જ તો જીવ સંસાર દશામાં એકેન્દ્રિયપણાને પામે ત્યારે તેના ગુણો ઘટી જતાં નથી કે પંચેન્દ્રિપણાને પામે ત્યારે તેના ગુણો વધી જતાં નથી. એના પરથી એ સમજવું કે... હું જ્ઞાન સ્વભાવી આત્મા સર્વે 88
દ્રવ્યથી ભિન્ન અને સ્વતંત્ર છું. આ શરીર, તે ‘હું’ નથી. હું સિધ્ધ સ્વરૂપી આત્મા છું.’’ તેવો ભેદજ્ઞાન રૂપી અપૂર્વ ધર્મ પ્રગટ થાય છે.
સ. 98 પુદ્ગલ પરાવર્તન એટલે શું? જીવે કેટલા પુદ્ગલ પરાવર્તન કીધાં?
જ. 98 પુદ્ગલ એટલે ઝીણામાં ઝીણા રજકણથી માંડીને મોટામાં મોટા જે પુદ્ગલ તે સર્વમાં અગર તે સર્વથી જીવે પરાવર્ત કીધું. એટલે કે સમગ્ર પ્રકારે ફરવું કર્યું. સર્વમાં ભ્રમણ કર્યું, તે સર્વને લઈ લઈને મુક્યા છે, મૂકી મૂકીને ફરી ફરીને લીધા છે. તે પણ સૂક્ષ્મપણે ને બાદરપણે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી એમ એક પુદ્ગલ પરાવર્તનમાં લીધા છે ને મુક્યા છે.
એક પુદ્ગલ પરાવર્તનમાં અનંતા કાળચક્ર વહી જાય. અનંતા કાળચક્રે એક પુદ્ગલ પરાવર્તન થાય. આપણા જીવે સંસારમાં ભટકતાં અનંતા પુદ્ગલ પરાવર્તન કીધાં છે. હવે જરા કાળનું માપ તાજું કરીએ. એક યોજન લાંબો, પહોળો અને ઊંડો કૂવો હોય તેમાં યુગલિયાના અત્યંત બારીક વાળના અસંખ્ય ટુકડાથી તે કૂવો સજ્જડ ઠાંસી ઠાંસીને એવો ભર્યો કે તેના પરથી ચક્રવર્તીનું લશ્કર ચાલ્યું જાય, પણ એક વાળ નમે નહિ. તેવા કૂવામાંથી સો સો વર્ષે એકેક ટુકડો કાઢતાં કૂવો ખાલી થતાં જેટલો સમય લાગે તેને એક પલ્યોપમનો સમય કહેવાય. તેવા દશ ક્રોડા ક્રોડ પલ્યોપમે એક સાગરોપમ થાય. એવા વીસ ક્રોડા ક્રોડ સાગરોપમે એક કાલચક્ર થાય. હવે વિચાર કરો. એક કાલચક્ર એટલે કેટલા અનંતા અનંતા વર્ષો થયા. જેની કલ્પના પણ થઈ શકે તેમ નથી.
એવા અનંતા કાળચક્ર વહી જાય ત્યારે એક પુદ્ગલ પરાવર્તન કાળ થાય...એવા અનંતા પુદ્ગલ પરાવર્તન આ જીવે કીધાં છે. ક્ષેત્રથી આ ચૌદ રાજલોકમાં કોઈ એવી જગ્યા રજકણ જેવી પણ છોડી નથી જ્યાં આ જીવે પુદ્ગલ લઈને મૂક્યા ન હોય. મૂકીને પાછા લીધા ન હોય.
જન્મ-મરણના ફેરા ફર્યા ન હોય. 84 લાખ યોનિમાં એવી કોઈ યોનિ નથી જ્યાં જન્મ મરણ ન કર્યા હોય... અનંતા પુદ્ગલ પરાવર્તન કાળ સુધી આવી ભટકણમાં ભટકવા છતાં આ જીવને આ ભટકણનો થાક કેમ નથી લાગતો! ભટકણનો કંટાળો કેમ નથી આવ્યો...! એ આશ્ચર્યની વાત છે. ડુંગરા ને દરિયાને વનરાજી જોઈ જોઈને રાજી થતો ને મનમાં ફૂલાતો હે માનવ...! આ વનરાજીમાં તસુભાર પણ જગ્યા એવી નથી જ્યાં તારા જીવે જન્મ ન લીધો હોય... હે જીવ! આ પુદ્ગલ પરાવર્તનથી 89
વિરામ પામ...વિરામ પામ...પરમાંથી, બાહ્યમાંથી મનને પાછું વાળી સ્વમાં પેસ...સ્વમાં બેસ...પ્રવેશ કર...આત્મામાં લીન થા...ને જન્મ સફળ કર...
સ. 99 મોક્ષ પ્રાપ્તિ માટે ગુરૂ કોને ગણવા? સદ્ગુરૂ સિવાય આત્મસ્વરૂપ થવાતું નથી. સમકિતી તથા સમપરિણામી હોય તેવા ગુરૂ ગોતવા ક્યાં?
જ. 99 તમારી વાત સાચી છે...આ હુંડા અવસર્પિણી કાળમાં સમકિતી-
સમપરિણામી ગુરૂ મળવા બહુ મુશ્કેલ છે. કદાચ એવું પણ બને કે ગુરૂની શોધમાં આખી જીંદગી વહી જાય, તો પણ સદ્ગુરૂની પ્રાપ્તિ ન પણ થાય.
જ્યાં થોડું મન લાગે ત્યાં સહસાનિધ્યમાં રહેતા ખ્યાલ આવે કે, અરે...
આમાં તો હું ભૂલ ખાઈ ગયો ચલો હવે શોધો બીજા ગુરૂ. આમ, સાધના તો સાઈડ પર રહી જાય ને ગુરૂની શોધમાં ને શોધમાં પરલોક સીધાવી જઈએ એવું પણ બને. ગુરૂ શોધવા માટે પુરૂષાર્થ જરૂરથી કરવાનો છતાં અમુક મુદ્દાની વાત સમજી લો તેથી તમારી સાધના સરળ બને.
ગૌતમને મહાવીર મળ્યા, પ્રદેશીરાજાને કેશી ગણધર મળ્યા, શ્રેણિકને અનાથી મુનિ મળ્યા, આ બધા ગુરૂને શોધવા નહોતા નિકળ્યા. અનાયાસે જ મળી ગયા, ને તેમના જીવનનો ઉદ્ધાર થઈ ગયો. તેમ તમારી ઉત્કૃષ્ટ ભાવનાના બળે, તમને પણ કોઈ યોગ્ય ગુરૂ જરૂર મળી જશે. આ ભવે નહિ તો આવતા ભવે, પણ જો મોક્ષ માટેની ઉત્કૃષ્ટ તાલાવેલી લાગી હશે તો મોક્ષમાર્ગ ચીંધનાર, મોક્ષમાર્ગ સહાયક અનાયાસે જરૂર મળી જશે. બાકી આમ જુઓ તો મરીચીના ભવમાં મહાવીરના જીવને ખુદ આદીનાથ દાદા ગુરૂ તરીકે મળ્યા હતા... છતાં તે ભવમાં મરીચીનો ઉદ્ધાર થઈ ગયો? તે પછી પણ મહાવીરના જીવને ત્રેવીશ ભવ મોટા ને એકેન્દ્રિયના અનેક ભવ ભમવા પડ્યાં... માટે કોઈ મારા માથે હાથ મુકી દેશે ને મારો ઉદ્ધાર થઈ જશે. એ વાત ભૂલી જાઓ... તારે તારા પુરૂષાર્થથી જ તારા દુર્ગુણોને મૂળથી નષ્ટ કરવાના છે.
ભગવાને અલગ અલગ નયથી ધર્મ સમજાવ્યો છે તેમાં મુખ્ય બે (1)
વ્યવહારનય (2) નિશ્ચયનય... વ્યવહાર નયથી તો આખું જગત એક ગુરૂ છે. જે જીવ કે પદાર્થ પાસેથી જે કાંઈ સારૂં શીખવા મળે તે આપણો ગુરૂ છે. નિશ્ચયનયથી તારો ગુરૂ તારી અંદર જ છે, તે છે તારો આત્મા...
તારો આત્મા જ તારો સૌથી મોટો ગુરૂ છે. કર્મના આવરણથી ઢંકાયેલા આત્માને આત્મા વડે જ જાગૃત કરવાનો છે. બધુ જ જ્ઞાન આત્મામાં જ પડેલું છે. આત્મા એટલે જ જ્ઞાન. મહાવીરનું જ્ઞાન મહાવીરના 90
આત્મામાંથી જ પ્રગટ થયું હતું. ક્યાંય બહારથી નહોતું આવ્યું. માટે આ પંચમ કાળમાં, જ્યાં કોઈ કેવલી વિચરતા નથી.. અરે ખાસ કોઈ અવધિજ્ઞાની પણ નથી તેવા સમયમાં તારા આત્માને ગુરૂ માની સીમંધરદાદાને ગુરૂ તરીકે સ્થાપના કરી તું તારી સાધના કર. બાકી ૠણાનુબંધ પ્રમાણે જે મળવાનું હશે તે મળી જશે. આ ગુરૂની વાત નીકળી છે. ત્યારે ક્યાંક સાંભળેલી વાત યાદ આવે છે.
એક સદ્ગૃહસ્થને દરરોજ સામાયિકનો નિયમ હતો. બન્યું એવું કે ગૃહસ્થ સામાયિક કરવા બેસતા ને જેવા ધ્યાનમાં સ્થિર થતાં કે કોઈ દિવ્ય વ્યક્તિના એમને દર્શન થતાં. એક દિવસ ધ્યાન પૂર્ણ થતાં શ્રાવક પુછે છે કે આપ કોણ છો? ને દરરોજ શા માટે પધારો છો? જવાબમાં એ દિવ્યશક્તિએ કહ્યું કે હું વૈમાનિક દેવ છું. એક દિવસ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામીદાદાને પૂછ્યું કે હે ભગવાન મારો મોક્ષ ક્યારે થશે?
અને કોના હાથે થશે? ત્યારે સીમંધરદાદાએ આપનું નામ દઈને જણાવ્યું કે આવતી ચોવીસીમાં આપના હાથે મારો મોક્ષ થશે. માટે આપ મારા ગુરૂ છો. તેથી જ હું દરરોજ આપના દર્શન કરવા આવું છું. આ ઉપરથી સમજવાનું કે ક્યારેક પૂર્વજન્મમાં પણ આપણે કોઈકને ગુરૂપદે સ્થાપેલા હોઈ શકે. ક્યારે કોનો ક્યાં મેળાપ થઈ જશે તે આપણે ક્યાં જાણીએ છીએ? લેણ-દેણના સંબંધ પ્રમાણે બધો તખ્તો કુદરતી ગોઠવાયા જ કરે છે. માટે વ્યર્થ સમય બગાડ્યા વગર વધુમાં વધું પ્રયત્ન અશુભભાવમાંથી શુભ ભાવમાં આવવા માટે કરવો.. ને શુભમાંથી શુદ્ધ ભાવમાં રહેવાની સાધના કરવી.
વળી જે જે જીવો સિદ્ધિ પદને પામે છે તે મોક્ષના પંદર ભેદમાંથી કોઈપણ છ ભેદે યુક્ત હોય અને મોક્ષે જાય છે. તે ભેદ આ પ્રમાણે છે. (1)
જિણ સિદ્ધ (2) અજિન સિદ્ધ (3) તીર્થ સિદ્ધ (4) અતીર્થ સિદ્ધ (5)
ગૃહસ્થલિંગ સિદ્ધ (6) અન્ય લિંગ સિદ્ધ (7) સ્વલિંગ સિદ્ધ (8) સ્ત્રીલિંગ સિદ્ધ (9) પુરૂષલિંગ સિદ્ધ (10) નપુંષક લિંગ (11) પ્રત્યેક બુદ્ધ સિદ્ધ (12) સ્વયંબુદ્ધ સિદ્ધ (13) બુદ્ધબોધિત સિદ્ધ (14) એક સિદ્ધ (15) અનેક સિદ્ધ.
આમાંથી ભેદ નં. 11 પ્રત્યેક બુદ્ધ સિદ્ધનો અર્થ એ થાય છે કે જીવ પોતાની જાતે (કોઈ ગુરુની મદદ વિના) કોઈપણ પ્રકારનું નિમિત્ત પામીને (દા.ત. સંધ્યાના રંગ, વૃદ્ધત્વ વગેરે) જે મોક્ષે જાય તે. અને ભેદ નં. 12 - સ્વયં બુદ્ધ સિદ્ધનો અર્થ એ થાય છે કે જે જીવ સ્વયં 91
સ્ફુરણાથી પોતાની મેળે કોઈપણ પ્રકારના નિમિત્ત વિના, કોઈ ગુરૂની મદદ વિના, જાતે વૈરાગ્ય પામીને મોક્ષે જાય તે સ્વયં બુદ્ધ સિદ્ધ કહેવાય.
દા.ત. કપિલ કેવળી.
તો ભાઈશ્રી... આપણે ક્યાં જાણીએ છીએ કે આ પંદર પ્રકારના મોક્ષના ભેદમાંથી આપણો નંબર કયા પ્રકારમાં છે? માટે એક વાત સમજી લો... આપણી પાસે સાધના કરવા માટે બહુ ઓછો સમય બચ્યો છે...
તે વ્યર્થમાં વેડફાઈ ન જાય. સારૂં પુસ્તક પણ સારા ગુરૂ બની શકે છે.
સિમંધરદાદાને ગુરૂપદે સ્થાપિત કરી કહેવું કે ‘‘હે દાદા મારા માટે જે ગુરૂ યોગ્ય હોય તેમને મેળવી આપો.’’
સ. 100 જ્યારે કોઈ એકની પ્રગતિ થાય કે તેનું સારૂં બોલાતું હોય તે બીજાથી સહન થતું નથી અને ઈર્ષ્યા રૂપી આગમાં તે તેને બદનામ કરવા, નિંદા કરવા લાગી જાય છે. આ નિંદા પચાવવી ખૂબ અઘરી છે. તો તે માટે શું કરવું?
જ. 100 નિંદા સાંભળી માનસિક સંતુલન ગુમાવવું નહીં પણ સંતોના વચનો યાદ કરવા તે આ પ્રમાણે.
1) જો ભગવાન મહાવીરની નિંદા કરવાવાળા, ગૌતમ બુદ્ધની નિંદા કરવાવાળા, ઈસુ ખ્રિસ્તની નિંદા કરવાવાળા આ પૃથ્વી પર છે તો હું તો કઈ વિસાતમાં? જેની નિંદા ન થઈ હોય એવો કોઈ સંત આ જગતમાં તમને શોધ્યો જડશે નહીં... જીવતાં એની નિંદા ને મર્યા પછી પ્રશંસા જગતની આજ રીત છે.
2) સંતો કહે છે ‘‘નિંદક નિયરે રાખીએ’’ જો નિંદા કરવાવાળો તમારી બાજુમાં હશે તો તે તમારા માટે અરીસા સમાન છે... નિંદાનું તટસ્થ રહી વિશ્લેષણ કરો. એમાં તમારો જો કોઈ દોષ તમને દેખાઈ આવે તો તેને દુર કરવાનો પ્રયત્ન કરો.... ને મનોમન એનો આભાર માનો કે જે દોષ મને આજ સુધી નહોતો દેખાયો તે દોષ તેં મને દેખાડી દીધો. હવે હું તે દોષમુક્ત થવા પ્રયત્ન કરીશ.
3) જો તમને કોઇ દોષ નથી દેખાતો તો એની વાતોને મનમાં લઈને દુઃખી નહી થાઓ. વિચારો કે સૂર્ય સામે ધુળ ઉડાડવાથી સૂર્યને કોઇ ફરક નથી પડતો, પરંતુ ઉડાડનારની આંખમાં જ ધૂળ પડે છે. હા...
થોડો સમય ધુળના ગોટાને કારણે સૂર્ય થોડો ઝાંખો દેખાય પણ અંતે તો સૂર્યનું તેજ જ ઝળકી ઉઠે છે. તેવી રીતે હાથી પાછળ કૂતરાઓના ભસવાથી હાથીને કોઈ ફરક નથી પડતો પરંતુ ભસી ભસીને અંતે થાકી ને કુતરાઓને જ ચુપ થવું પડે છે.
92
4) વિચારો કે જો તેઓ મારા શરીરની નિંદા કરતા હશે તો લોહી-
માંસને ગંદકીથી ભરેલા નાશવંત એવા શરીરની હું પણ નિંદા કરૂં છું.
અને જો તેઓ મારા આત્માની નિંદા કરતા હશે તો મારો ને તેમનો આત્મા તો એક જ છે. તો મારે ચિંતા કરવાની શું જરૂર છે?
5) કોલસાને ગમે તેટલી વાર ધુઓ છતાં પણ તે તેની કાળાશ છોડતો નથી તેમ નિંદા કરનાર પોતાના દુઃસ્વભાવને છોડી શકતો નથી તેવી જ રીતે ચંદનને ઘસી નાખો કે અગરબત્તીને બાળી નાખો તે તેનો સુગંધ આપવાનો સ્વભાવ છોડતો નથી.. તેમ હે જીવ.. તુ કોલસા જેવો નહી પણ ચંદન જેવો બનજે. વૃક્ષને પથ્થર મારો તોય તે તમને મીઠા ફળ જ આપે છે તેમ તું તારી નિંદા કરનાર પ્રત્યે પણ હૃદયમાંથી પ્રેમની ધારા જ વહેવડાવજે.
6) હે આત્મન! જ્યારે હૃદયમાં અસહ્ય પરિતાપ ઉપજે ને નિંદક પ્રત્યે દુર્ભાવના જાગી ઉઠે ત્યારે વિચારજે કે (જેવું કર્મ કર્યું હોય તેવું જ ફળ મળે) મેં પણ કોઈ જન્મમાં જાણે-અજાણે એની નિંદા કરી તેને પરિતાપ ઉપજાવ્યો હશે. હવે એ કર્મ એનું ફળ આપવા આવ્યું છે ત્યારે સમતા ભાવે વેદી લે. નહી તો એનો ગુણાકાર થઈ જશે. નિંદા કરવાવાળો તો ફક્ત નિમિત્ત છે. નિમિત્તને શું બચકા ભરવા? નિંદક પ્રત્યે દ્વેષ ઉત્પન્ન ન થઈ જાય તે માટે સજાગ થઈ જા. ક્ષણે ક્ષણે એ જીવની અંતરથી ક્ષમાયાચના કર.
7) મારી નિંદા કરવાથી, તિરસ્કાર કરવાથી તેઓને સુખ થાય છે તો ભલે થતું... કારણ કે પ્રેમથી, સમતાથી, દૃષ્ટાભાવે સહન કરવાથી મારા તો કર્મનો ક્ષય થઈ રહ્યો છે. પોતાના માથે જવાબદારી લઈ મારા કર્મક્ષયમાં નિમિત્ત બનનાર, વગર સાબુએ મારો મેલ ધોનાર તેઓ મારા પરમ ઉપકારી છે.
8) જે લોકો કઠોર વચનો દ્વારા, માયા પ્રપંચ દ્વારા મારા દુષ્કર્મોની ગ્રંથીને ભેદવાની ચિકિત્સા કરે છે તે મારા પરમ મિત્રો છે. જેઓ પોતાના પુણ્યનો વ્યય કરીને મારા પાપોને દુર કરે છે એના જેવા હિતચિંતક બીજા કોણ હોય? પણ આ વસ્તુ એમના અનંત સંસારનું કારણ બની જશે એનું મને અત્યંત દુઃખ છે.
9) હે જીવ! જો ખરેખર તને ધર્મ રૂચ્યો છે, ને સાધના પથમાં આગળ વધવું છે તો આવી બધી અડચણો તો આવશે... આવી પરીક્ષાઓમાંથી પાસ થવું જ પડશે. તારે તારી પ્રશંસા સાંભળીને ન 93
ખુશ થવાનું છે, તારી નિંદા સાંભળીને ન દુઃખી થવાનું છે.
નિંદા, સ્તુતિ શ્રવણ સુણીને, હર્ષ શોક નવિ આણેરે, તે જોગીસર જગમેં પૂરા, નિત્ય ચડતે ગુણઠાણે રે..
હવે તું જ નક્કી કર કે તારે તારા આત્માને ઉપર ચઢાવવાનો છે કે ફરી એક મિથ્યાત્વના ગુણઠાણામાં ધકેલી દઈ સંસારના ચક્કર ખાવા છે?
Choice is yours.
સ. 101 યોગ કેટલા? એમાં સૌથી શક્તિશાળી કયો? કેમ?
જ. 101 યોગ ત્રણ છે. મનયોગ, વચનયોગ, અને કાયયોગ. એ ત્રણેયમાં સૌથી વધુ શક્તિ મનયોગની છે.
મન જે દિશામાં જાય ત્યાં એ વચન અને કાયાને ઘસડી જાય છે. માટે જ મનને જીતવાની જરૂર છે. મન જીતાયા પછી વચન અને કાયાને જીતતા વાર નથી લાગતી. મન ચંચળ છે, એ ક્યાંક ને ક્યાંક દોડવાનું અને ક્યાંક ને ક્યાંક સ્થિર થવાનું છે. આપણે આપણા મનની ભૂમિકાને જાણવી હોય તો સતત મનના વિચારોને વાંચતા રહેવું જોઈએ. મન પ્રવૃત્તિશીલ છે તો કયા વિષયમાં પ્રવૃત્તિશીલ છે, ને સ્થિર છે તો કયા વિષયમાં સ્થિર છે? આર્તમાં છે? રૌદ્રમાં છે? ધર્મ કે શુકલમાં છે?
પોતાના મનની સ્થિતીને સુધારવા માટે જાણવું બહુ જ જરૂરી છે એ વિના આત્મિક ઉત્થાન શક્ય બની શકે નહીં. એકવાર ઘરમાં પેઠેલા ચોરને જોઈ જાવ તો તે નિકળવાનો જ છે. નહિ તો એ ઘરમાં રહીને જલસા કરશે. એમ મનનું અવલોકન કરતાં ખબર પડશે કે મન આર્ત તરફ જઈ રહ્યું છે તો તરત જાગૃત થઈ જાવ... મનને રોકો કે હવે મારે તિર્યંચમાં નથી જવું અનંતાભવ તિર્યંચમાં રખડીને આવ્યો છું.. બસ બહુ થઈ ગયું હવે નહીં, તેમ રૌદ્ર તરફ જતાં મનને રોકો મનને ટોકો...
હવે નરકમાં નથી જવું. જીવ તારી તાકાત છે નરકના દુઃખો સમભાવે સહન કરવાની જો નથી તો જીવ આ ચારે ગતિના ભટકણમાંથી બહાર નીકળ.. હવે તો મોક્ષથી ઓછું કાંઈ ન ખપે.. આમ મન પર ચોકી પહેરો લગાવી પળે પળે આર્ત રૌદ્રમાં સરકી જતા મનને રોકો.
મનઃ એવં મનુષ્યાણાં કારણં બંધ મોક્ષયો...
મન એજ કર્મબંધનું કારણ છે, મન એજ મોક્ષનું કારણ છે. દેવગતિમાંથી મોક્ષ નથી પમાતું કારણ જે ઉચ્ચસ્થિતી સુધી મનુષ્યનું મન જઈ શકે છે તે હાઈ લેવલ સુધી દેવોનું મન જઈ શકતું નથી. અને દેવ મરીને નરકમાં જન્મતો નથી. કારણ કે જે નિમ્નકક્ષા (નીચામાં નીચી સ્થિતી) સુધી 94
મનુષ્યનું મન નીચે ઉતરી શકે છે તેટલું દેવોનું ઉતરતું નથી. માટે આપણે જો આપણા મનને ઓળખીએ અને મનને જીતીએ તો કામ થઈ જાય.
મન સાધ્યું એણે સઘળું સાધ્યું. પૂ. ઉપાધ્યાયજી મહારાજે પણ શ્રી વાસુપુજ્ય સ્વામીજીના સ્તવનમાં કહ્યું છે કે ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર’’ તો આવેલી સુખદ કે દુઃખદ પરિસ્થિતીનો સમભાવે સ્વીકાર કરી મનને નિયંત્રિત કરવું તે ધર્મસાધના છે.
સ. 102 આવેલી સુખદ કે દુઃખદ પરિસ્થિતીનો સમભાવે સ્વીકાર થાય તે માટે શું કરવું?
જ. 102 તે માટે કર્મના સિદ્ધાંત પ્રત્યે અવિચળ શ્રદ્ધા હોવી જરૂરી છે. આ શ્રદ્ધામાંથી પરિસ્થિતીનો સ્વીકાર કરવાનું બળ પ્રગટે છે. મને જે કાંઈ થાય છે કે
મારી સાથે જે કાંઈ થઈ રહ્યું છે તે ભૂતકાળમાં કરેલા મારા જ કોઈ કર્મનું ફળ છે. અગર સુખ આવ્યું તો મારા જ કરેલા કોઈ સુકૃતનું ફળ છે. એમાં નાચવાનું શું છે? ખુશ થવાનું શું છે? અહંકાર કરવાનું શું છે? શું આ કાયમ રહેવાવાળું સુખ છે? આ તો અનિત્ય છે. ક્યારે તે દુઃખમાં પલટી ખાશે તે ખબર નથી તો એ સુખમાં રાચીને હું તિર્યંચ ગતિનું આયુષ્ય શા માટે બાંધુ? અગર દુઃખ આવ્યું તો કોઈ વ્યક્તિને કે વસ્તુને જવાબદાર ન ગણતાં એને નિમિત્ત તરીકે જુઓ. આ તો ભૂતકાળમાં કરેલા મારા જ કોઈ કર્મનું કોઈ દુષ્કૃતનું ફળ છે. મારા જ દુષ્કાર્યની રીર્ટન ગીફ્ટ છે. કોઈ વ્યક્તિ તો મારી રીર્ટન ગીફ્ટ આપવા આવનાર દલાલ માત્ર છે. તેને જ તેનું કારણ માની મારે આર્ત-રૌદ્ર ધ્યાનમાં નથી સરકવું. હવે બહુ થયું, આ સમજ આવ્યા પછી હવે નરક-
તિર્યંચ કે કોઈ ગતિ જ ન જોઈએ... હવે તો હે નાથ... એવા બનવું છે કે
મારે માથે કોઈ નાથ ન હોય... પરિસ્થિતી સુખદ હોય કે દુઃખદ તેનો કર્તા હું પોતે જ છું. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે જ નહિ. કર્મના સિદ્ધાંતને સમજે જાણે, તેમાં અવિરત શ્રદ્ધા જાગે, ને અનિત્ય ભાવનામાં સ્થિર થાય તો આવેલ પરિસ્થિતીનો સમભાવે સ્વીકાર કરવાની શક્તિ જાગે.
સ. 103 એનેસ્થેસિયાનું ઈંજેક્શન કરોડરજ્જુમાં આપ્યા પછી પગને કાપી નાખીએ તો પણ ખબર પડતી નથી તો શું ત્યાં આત્માની હાજરી નથી? જો આત્મા છે તો ખબર કેમ પડતી નથી?
જ. 103 આત્મા તો ત્યાં ને ત્યાં જ છે. ક્યાંય જતો રહેતો નથી. શરીરના બધા જ 95
ભાગમાં લોહીનું ભ્રમણ ચાલુ છે, શ્વાસોશ્વાસ ચાલુ છે, તેજ બતાવે છે કે આત્માની હાજરી ત્યાં છે. જો આત્મા ક્યાંક જતો રહે તો લોહી ફરતું બંધ થઈ જાય. પરંતુ જડ એવી દવા કે ઈંજેક્શનની અસર ચેતન એવા આત્મા પર થાય છે. આત્મા એટલે ચેતન-ચેતન એટલે જ્ઞાન જડ એવી દવા જ્ઞાનતંતુની જાણવાની શક્તિને થોડા સમય માટે બુઠ્ઠી કરી નાખે છે. માટે આત્માની ત્યાં હાજરી હોવા છતાં કાપી નાખે છતાં ખબર પડતી નથી. જડની અસર ચેતન પર થાય જ છે, એમાં આશ્ચર્ય પામવા જેવું કશુંય નથી?
જડ એવો દારૂ ચેતનને નશો પેદા ન કરે? જડ એવો ખોરાક શરીરને શક્તિ ન આપે? જડ એવા અપશબ્દો ચેતનને ગુસ્સો ન કરાવે? અરે...
જડ એવા કર્મ આત્માને ભવના ચક્કર નથી ફેરવતા? અરે... આખો સંસાર એના પર ઉભો છે કે જડની અસર ચેતન પર થાય છે. સંસારમાં આટલી વિચિત્રતા જોવા મળે છે. એનું કારણ જ એ છે કે જડ એવા કર્મોની અસર ચેતન પર થાય છે. હા.. એક વસ્તુ મગજમાં લખી રાખજો કે... ચેતન અને જડ બંને સ્વતંત્ર દ્રવ્ય છે. ચેતન મટીને ક્યારેય જડ નથી બની જતો કે જડ મટીને ક્યારેય ચેતન બની જતું નથી. જડ એવા પુદ્ગલમાં કાયમ વાસ કરવા છતાં પણ ચેતનનો એક અંશમાત્ર પણ ક્યારેય જડ બનતો નથી. જડ એવું ઝેર જો કોઈ ગટગટાવી જાય તો ચેતન, જડ એવા શરીરને છોડીને ચાલ્યો જાય છે, પણ ચેતન જડ બની જતો નથી. હવે વાચકને એટલી તો ખાતરી થઈ જ હશે કે જડની અસર તો ચેતન પર જરૂર થાય છે. એમ જડ એવા એનેસ્થેસિયાની અસર ચેતન (આત્મા) પર થવાથી આત્માની (જ્ઞાનતંતુ)ની શક્તિ થોડા સમય માટે શિથિલ થઈ જાય છે. માટે પગ કાપી નાખીએ તો ય ખબર પડતી નથી. પરંતુ જડ એવી દવાની અસર ચેતન પર ઓછી થતાં ફરી દુઃખાવા વગેરેની જાણ થાય છે. આમાં આત્મા ક્યાંય જતો નથી રહ્યો, આત્મા ત્યાં ને ત્યાં જ છે. ફક્ત જડ એવી દવા-ઈંજેક્શનને લીધે ચેતનની જાણવાની શક્તિ બુઠ્ઠી થઈ જાય છે. તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ જ નથી.
સ. 104 આરંભ પરિગ્રહ આત્માને આગળ જતાં અટકાવે છે. તો તે માટે શું કરવું? પરિગ્રહ ન હોય તો અત્યારે વીલ પાવર ખતમ થઈ જાય.
જ. 104 આરંભ શબ્દનો જે અર્થ તમે સમજો છો તે વ્યવહારથી છે. નિશ્ચયનયથી આરંભ એટલે કે, જીવને અનાદિકાળથી એવી ટેવ પડી ગઈ છે કે જે કાંઈ 96
ઘટના બને છે તેના પ્રતિ ત્વરિત ગતિએ રાગ-દ્વેષ કરવાનું આરંભ કરવું. ચેતનને અર્ધચેતન મનમાં આ રાગ દ્વેષ જન્માવવાનો આરંભ જે થાય છે તેને અટકાવવાનો, ભગીરથ પુરૂષાર્થ આ માનવ જન્મમાં કરવાનો છે. એજ સાધના.
બાહ્ય પરિગ્રહ ઓછો કરવાથી પણ આંતરિક પરિગ્રહ ઘટાડવા માટેનું બળ મળે છે. માટે જેટલો પરિગ્રહ ઓછો થાય તેટલો કરવો. વીસ જોડી કપડાંથી ચાલતું હોય તો એકવીસમી લેવી નહિં. તમે સવારે ઉઠો ત્યારથી સૂઈ જાવ ત્યાં સુધીમાં જે જે વસ્તુઓ વાપરો છો તેનો વિચાર કરી વસ્તુમાં લીમીટ મૂકી શકો. તમારી જરૂરીયાત કરતાં ભલે તમે ડબલ છૂટ રાખો છતાં પણ કરોડોમાંથી બચી જશો. દુનિયામાં કરોડો વસ્તુ બને છે પરંતુ તમારે 25-50 દ્રવ્ય જ છૂટ હશે તો બાકીની વસ્તુઓ (વેજ હોય કે નોનવેજ) સાથે તમારે લેવા દેવા નહિ. આમ બને તેટલી વસ્તુઓનો ત્યાગ કરી બાહ્ય પરિગ્રહમાંથી બહાર નીકળવું. ભરપૂર પરિગ્રહના પાપમાં બેઠેલો વ્યક્તિ આત્માની સાધના કેવી રીતે કરી શકશે? પરંતુ એ યાદ રાખવું કે... મેં આટલું છોડ્યું છે, મારે તો આટલી બાધા છે, આવું મેં પણું, મારાપણું, હું પદ, અહંકારપણું, લોકોને દેખાડવાની ભાવના, આવું કદી પણ આપણામાં પ્રવેશવું જોઈએ નહિ.
નહિ તો પ્લસને બદલે માઈનસ થઈ જશે. બીજું ખાસ એ યાદ રાખવાનું કે આત્માની જાગરૂકતા ખૂબ જ મહત્વની છે. જેટલો પરિગ્રહ છોડ્યો છે તે પ્રત્યેની જાગરૂકતા જરૂરી છે... જે નથી છોડ્યું તેના પ્રત્યેના મોહને છોડવો અત્યંત જરૂરી છે.
પરિગ્રહ ન હોય તો વીલપાવર ખતમ થઈ જાય. આ મિથ્યા માન્યતા છે.
એને મગજમાંથી - મનમાંથી કાઢી નાખો. મહાવીર પાસે કેટલો પરિગ્રહ હતો? તેનો વિલપાવર ખતમ થઈ ગયો કે વધ્યો? આ પંચમ કાળને અને આ સંઘયણને ધ્યાનમાં રાખી આપણાથી જેટલો ત્યાગ થઈ શકે
તેટલો કરો... પરંતુ આ મિથ્યામાન્યતાને મક્કમતાથી વિદાય કરો નહિ તો ભવસંસાર રખડાવશે. ધર્મનો માર્ગ છે, શૂરાનો નહિ કાયરનું કામ જો ને...’’ તમે એમ વિચારો કે મારાથી ભલે પરિગ્રહનો ત્યાગ નથી થઈ શકતો... પણ જો થઈ જાય તો મારો વિલપાવર વધી જાય. અહીં એ પણ એક વાત કહી દઉં કે કોઈપણ ત્યાગ વિલપાવર વધારવા કે ઘટાડવા માટે નથી કરવાનો... ફક્ત મોક્ષલક્ષિતાથી જ કરવાનો છે.
સ. 105 આ દુષમ કાળને ‘‘હુંડા અવસર્પિણી કાળ’’ કેમ કહ્યો છે?
97
જ. 105 આ કાળમાં પરમાર્થમાર્ગનું (આત્માર્થ માર્ગ, મોક્ષમાર્ગ) વિશેષ કરીને દુર્લભપણું છે. પરમાર્થ માર્ગને યોગ્ય પુણ્યવાળા બહુ ઓછા જીવો હોવાથી આ કાળને દુષમ કહ્યો છે. સારા નિમિત્તો ન મળે એવો કાળનો પ્રભાવ જીવના કર્મને લઈને બને જીવોના કર્મને લઈને કાળને પણ કલંક લાગ્યું છે.મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધનો પરમ દુર્લભ જાણી, આ દુષમ કાળને હુંડા અવસર્પિણી કાળ કહ્યો છે.
સ. 106 ઉત્પત્તિ-સ્થિતી-લયની વૈદિક દર્શનની માન્યતા અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની જૈન દર્શનની માન્યતામાં શું તાત્વિક ભેદ છે?
જ. 106 વૈદિક દર્શનમાં ચાર યુગ કહ્યા છે. સત્યુગ, દ્વાપર, ત્રેતા અને કળીયુગ.
અને દરેક ચાર યુગો પૂરા થાય ત્યારે પૃથ્વીનો સંહાર થાય એમ વૈદિકદર્શન માને છે. મતલબ કે પદાર્થ નવાનવા ઉત્પન્ન થાય છે, અમુક સમય સ્થિતી રહે છે, અને પછી તેનો લય, પ્રલય કે વિનાશ થાય છે. જ્યારે જૈન મત અનુસાર દ્રવ્ય કદીપણ નાશ પામતું નથી. તે ત્રણેય કાળ ધ્રુવ જ રહે છે. તે ત્રિકાળ સત્ છે. અને ઉત્પાદ-વ્યયરૂપ પર્યાય ક્ષણિક સત છે. જે સમયે નવો પર્યાય ઉત્પન્ન થાય છે, તેજ સમયે જુના પર્યાયનો (નાશ) વ્યય થાય છે, તેજ સમયે દ્રવ્યનું દ્રવ્યપણું તો ધ્રુવ (નિશ્ચે-કાયમ)
જ છે. અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણેય સમકાળ છે. જ્યારે ઉત્પત્તિ-
સ્થિતી-લયમાં સમયાંતરપણું છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાં નિરંતર ટકીને બદલવાપણું છે પણ નાશ નથી. જો પદાર્થ કેવળ નાશ પામતો હોત તો આજ કાંઈપણ હોત નહીં. દ્રવ્યની ઉત્પત્તિ કે વિનાશ થતો નથી તેનો અસ્તિ સ્વભાવ જ છે. કાળ પદાર્થને માત્ર રૂપાંતર આપે છે. તેવી રીતે એક જીવ બીજા જીવનો ઘાત કરી ન શકે અથવા મૃત્યુંથી બચાવી ન શકે કારણ કે જીવ અને શરીરનો વિયોગ પોતપોતાની યોગ્યતાથી થાય છે, તેમાં આયુકર્મ પુરું થયું તે નિમિત્ત છે આ જગતમાં કોઈ બીજાને (પરને) રક્ષા કરવાવાળો કે વિનાશ કરવાવાળો છે જ નહિં.
સ. 107 પરિવારની સૌતેલી વ્યક્તિને જીવનમાં આગળ લાવવા માટે નૈતિક ફરજ સમજીને મદદ કરેલી હોય, અને તે વ્યક્તિ કરેલી મદદ ભૂલી જાયને આપણી સાથે દુશ્મન જેવો વ્યવહાર કરે તો શું કરવું?
જ. 107 (1) ‘‘મેં એનું કંઈક કર્યું છે’’ એ વિચાર જ મનમાંથી કાઢી નાખવો.
મેં તો ફક્ત કોઈક જન્મનો એનો હિસાબ ચૂકવ્યો છે’’ એટલું જ વિચારી... ‘‘એ વ્યક્તિએ મને ૠણ ફેડવાનો અવસર આપ્યો’’ એમ 98
સમજીને મનોમન તેનો ખૂબ ખૂબ આભાર માનજો. આમ કરવાથી મેં એનું કંઈક કર્યું છે’’ એવો એવો મનમાં રહેલો સુક્ષ્મ અહંકારભાવ ઓગળી જશે ને અપૂર્વ શાંતિનો અનુભવ થશે. (2) જ્યારે કોઈ વ્યક્તિ તમારી સાથે વેર રાખતી હોય ત્યારે નિશ્ચિતપણે માનવું કે ભલે આ જનમના નહિ તો કોઈપણ જન્મના મારે એની સાથે વેર છે, છે ને છે જ. આપણે ફક્ત આ જન્મનું જ જાણી શકીએ છીએ કે ‘‘મેં તો આનું સારૂં કર્યું ને એણે મને આમ કર્યું’’ પરંતુ આગળના કેટલાય જન્મોમાં આપણે એને કેવું કેવું કર્યું હશે, એ આપણે ક્યાં જાણીએ છીએ? માટે ભગવાનના વચનો પર શ્રધ્ધા રાખી ‘‘કારણ વગર કાંઈ બનતું જ નથી’’
એનો સ્વીકાર કરી સમતાભાવે રહેવું. (3) સામેલી વ્યક્તિનો વાંક ન જોતા... ‘‘મારી કર્મસત્તા જ એને મારી સાથે આવો વ્યવહાર કરવા પ્રેરે છે’’ એમ સમજવું (એજ સત્ય છે) માટે નિમિત્ત બનનાર એ જીવની મનોમન ખૂબ જ ક્ષમા માંગવી ને ક્ષમા આપવી તે આ રીતે... ‘‘હે -
વ્યક્તિમાં બિરાજમાન સિધ્ધ સ્વરૂપી આત્મા (દરેક જીવમાત્રમાં નાભિની આસપાસના આઠ રૂચક પ્રદેશો સંપૂર્ણ શુધ્ધ હોય છે, તેને ધ્યાનમાં રાખી ક્ષમા માંગવી) હું મારામાં રહેલા સિધ્ધ સ્વરૂપી આત્માની સાક્ષીએ આપની ક્ષમા ચાહું છું ને આપને ક્ષમા આપું છુ.’’ દરરોજ મનોમન આવી પચાસ વખત માફી માગશોતો એક દિવસ આ વેર કપાઈ જશે અને તમને કલ્પના નહિ હોય એટલો સારો વ્યવહાર એ વ્યક્તિ કરશે.
(4) સામેની વ્યક્તિ તમારી સાથે વેર રાખૈ છે ને તમે પણ રાખશો તો બંને બાજુનું ખેંચાણ સરખું થશે... પણ તમે જો મનોમન ક્ષમા માંગતા જશો તો તમારી બાજુનું ખેંચાણ ઢીલું પડશે પછી સામેની વ્યક્તિ ક્યાં સુધી ખેંચી શકશે...? વરસે નહિ તો પાંચ વરસે, પચ્ચીસ વરસે, એકભવે... બે ભવે ક્યારેક તો એનો અંત આવશે... બાકી તો આનો અંત જ નથી... ગુણાકાર જ છે. યાદ રાખજો ‘‘એક વ્યક્તિની સાથે પણ વેર સંબંધ હશે કે પ્રેમ (રાગ) સંબંધ હશે ત્યાં સુધી તમે મોક્ષ નહી પામી શકો...’’ મનથી પણ ખાલી એ વ્યક્તિ સાથેની અપેક્ષા છોડી દેવાથી મનને કેટલી શાંતિ મળે છે તેનો અનુભવ કરજો (5) સામેલી વ્યક્તિની દુષ્ટ હરકતથી આપણી જાતને બચાવવા સમ્યક્ પ્રયત્ન કરવો પરંતુ કાદવ સામે કાદવ ઉછાળવો નહિ (6) વિચારજો કે ‘‘આ જીવ અત્યારે અજ્ઞાન દશામાં મારી સાથે વેર રાખી કેવા કેવા કર્મ બાંધે છે...’’
હે ભગવાન આ આત્માનું પણ કલ્યાણ થાય... આમ વિચારોને પલટવાથી 99
ધીમે ધીમે આખી બાજી પલટાઈ જશે... મન શાંતિનો અનુભવ કરશે...
યાદ રાખજો ‘‘રાતોરાત કોઈ ચમત્કાર થવાનો નથી, પરંતુ દરરોજ આ રીતના ભાવના ભાવવાથી તમારા આત્માનો સંદેશ તેના આત્માને પહોંચી જશે.’’
સ. 108 આપણે તિથિ શા માટે પાળવી જોઈએ?
જ. 108 જ્ઞાની પુરૂષોએ ખૂબજ સમજી વિચારીને તિથિની મર્યાદા કરી છે. તિથિ પાળવા પાછળ વૈજ્ઞાનિક, આધ્યાત્મિક અને સામાજિક કારણો રહેલા છે. અત્યારે તો આપણે મહિનાની પાંચ જ તિથિ માંડ માંડ પાળીએ છીએ. પણ ખરેખર તો દસ તિથિ પાળવી જોઈએ. તિથિનું નિરીક્ષણ કરશો તો માલુમ પડશે કે દર ત્રીજા દિવસે તિથિ આવે છે. ત્રીજ-ચોથ છોડો પાંચમની તિથિ, છઠ-સાતમ છોડો આઠમની તિથિ, નુમ-દસમ છોડો અગિયારસની તિથિ, બારસ-તેરસ છોડો ચૌદસની તિથિ અને અમાસ-એકમ છોડો બીજની તિથિ. આમ મહિનાના દર ત્રીજા દિવસે તિથિ આવે છે. હવે તમે જુઓ આપણા આયુષ્યનો બંધ (આગામી ભવનું) પણ આ જન્મના કુલ આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે છે ત્યારે જો પર્વ તિથિ હોય, આત્મા ત્રીજું ગુણસ્થાનક છોડી 1 થી 7
ગુણસ્થાનકમાં હોય, અને ભાવ સતત ચડતા જતાં ન હોય કે સતત પડતા જતા ન હોય... ચડ ઉતર થતાં હોય એવા સમયે આગામી આયુષ્યનો બંધ પડે છે. જો પહેલી વાર આયુષ્યબંધ ન પડે તો બાકી રહેતા આયુષ્યના બે તૃતિયાંશ ભાગ વીત્યા પછી આયુષ્યબંધનો અવસર આવે છે. આમ આઠ વખત એવો અવસર આવે છે. દા.ત. કોઈનું આયુષ્ય લગભગ 90 વર્ષનું છે તો પહેલો અવસર 60 મા વર્ષે - બીજો અવસર બાકીના ત્રીસ વર્ષનો બે તૃતિયાંશ ભાગ એટલે તેના 20 વર્ષ પછી એટલે કે 80 મા વર્ષે... આમ ગણતા આઠ વખત ગણતા જવું. એટલે તિથિ ના દિવસે આયુષ્યબંધ પડવાની ઘણી સંભાવના છે. માટે તિથિના દિવસે અન્ય આરંભ-સમારંભ બંધ કરી અથવા ઓછા કરી પૌષધમાં અથવા વધુમાં વધુ સમય સામાયિકમાં રહીએ તો આગામી આયુષ્યનો બંધ સારો પડે.
સામાન્ય રીતે આપણે તિથિના દિવસે શાકભાજી કરતાં નથી તેથી મહિનામાં દસેક દિવસ પર્યાવરણની રક્ષા થાય. તિથિ પાળવા પાછળનું આ એક વૈજ્ઞાનિક કારણ પણ સમાયેલું છે. જો બારેમાસ બે હાથે લીલોતરીનો ઉપયોગ કરવામાં આવે તો લીલોતરીની અછત થાય. આજે 100
આપણે આંખ સામે જોઈએ છીએ કે વૃક્ષ આદિ લીલોતરીનું નિકંદન કાઢી નાખી આપણે કેવા તાપમાં તપીએ છીએ ને પાણી વગર ટળવળીએ છીએ. તો કેવળજ્ઞાનીના જ્ઞાનમાં તો દરેક વસ્તુ આવી જ ગઈ હોય.
આજે વૈજ્ઞાનિકો સફાળા જાગીને કહે છે કે વૃક્ષ બચાવો. ભગવાને તો 2500 વર્ષ પહેલાં કીધું કે મહિનામાં 10 તિથિ પાળો ને લીલોતરીનું રક્ષણ કરો.
તિથિ પાળવા પાછળનો ભગવાનનો મૂળ ઉદ્દેશ તો એ હતો કે તમારા આત્માને કર્મોથી મુક્ત કરો. તો વિચારો... આત્મા કર્મોથી મુક્ત ક્યારે થાય? જ્યારે નવા કર્મો બાંધે નહિ ને જૂનામાંથી એક એક નિર્જરતો જાય... તો ભાઈ આત્મા નવા કર્મોની ગાંઠો કેવી રીતે બાંધે છે તે ખબર પડી જાય તો જૂની ગાંઠો ખોલતા આવડે... મહાવીર કહે છે કે કર્મને આવવાના ત્રણ ધોરી માર્ગ છે. મન - વચન ને કાયા... મનનું, વચનનું કે કાયાનું સહેજપણ હલન ચલન થયું કે આત્માનું કંપન થશે... ને જેવું આત્માનું કંપન થશે કે કર્મોનો આશ્રવ થશે. તો નવા કર્મ આવવા દેવા ન હોય તો મન - વચન ને કાયાને સ્થિર કરો... સામાયિક કરો, પૌષધ કરો ને સમતામાં સ્થિર થાવ. હવે વચન અને કાયા તો પ્રયત્ન કરવાથી સ્થિર થઈ શકશે. પણ મનને સ્થિર કરવું, આત્માનો ઉપયોગ આત્મામાં જ રાખવો ખૂબ જ કઠીન છે. આપણા શરીરમાં 70 ટકા જેટલું પાણી તો છે જ. હવે લીલોતરી ખાવ એટલે શરીરમાં પાણીનું પ્રમાણ વધે... જેમ શરીરમાં પાણીનું પ્રમાણ વધે તેમ મનની ચંચલતા વધે... તો ચિત્ત એકાગ્ર કરવાની સાધના વધુ કઠીન બની જાય... માટે તિથિના દિવસે લીલોતરી ત્યાગવાનું આધ્યાત્મિક કારણ આ છે કે મનની સ્થિરતા વધારી શકાય. ને જો મન - વચન ને કાયા ત્રણેયથી સ્થિર થવાય તો નવા કર્મોનો આશ્રવ ન થાય, ને સમતામાં રમણતા કરી જૂના કર્મો નિર્જરી શકાય. માટે તિથિના દિવસે વધુમાં વધુ સામાયિક અથવા પૌષધ દ્વારા સમતામાં સ્થિર થવાની સાધના કરવાની છે.
ચોથા આરામાં ઘરમાં 28 પુરૂષો ને 32 સ્ત્રી હોય તો તે ઘર ગણત્રીમાં લેવાતું અને 60 માણસોની રસોઈ કરતાં દિવસના બે પહોર વીતી જતા. પુરૂષો પણ ખેતરમાં, વેપારમાં ને પશુ પાલનમાં વ્યસ્ત રહેતા તેથી ધર્મસાધના માટે બહુ સમય કાઢી શકતા નહીં. માટે જ્ઞાનીપુરૂષોએ તિથિના નિયમ એવા બનાવ્યા કે મહિનામાં દસ દિવસ સાંસારિક, આરંભ-સમારંભ ઓછું કરી વધુમાં વધુ સમય આત્મ સાધનામાં લાગી 101
જાય. જેથી આત્માની મુક્તિનો મારગ બને ને કદાચ આયુષ્યનો બંધ પડે તો સારો પડે. આમા જ્ઞાનીપુરૂષોએ તિથિની મર્યાદા આત્માર્થે કરી છે. જો ચોક્કસ દિવસ નિશ્ચિત ન કર્યો હોત તો આવશ્યક વિધિઓનો નિયમ રહેત નહિ. આત્માર્થે તિથિની મર્યાદાનો લાભ લેવો.
હવે જરા આજની પરિસ્થિતિ પર નજર નાખીએ. આજે દસના બદલે પાંચ જ તિથિ પળાતી થઈ. તિથિ આવી એટલે લીલું શાક નહિ ખાવાનું (મોઢું બગાડીને) એટલું જ સમજીએ છીએ. ફક્ત શાક નહિ ખાવાથી તિથિ પળાઈ જાય? લીલોતરીના રક્ષણાર્થે અને આત્માની સ્થિરતા કાજે લીલોતરી નથી ખાવાની એ વાત ભૂલાઈ ગઈ... સાપ ચાલ્યો ગયો ને કાંચળી હાથમાં રહી ગઈ. પાછા લીલોતરીના વિકલ્પ કેવા શોધી કાઢ્યા?
સુકવણી... કોના ભેજામાંથી આ નીકળ્યું હશે? સુકવણી એટલે તો રીબાવી... રીબાવીને મારવાનો ધંધો થયો. ને એમાં લીલોતરીનું રક્ષણ ક્યાં રહ્યું? વળી આપણી માનસિકતા જુઓ... આજે તિથિ છે...
રાંધવામાં થોડી રાહત છે, ચલો આજે પીક્ચર જોઈ આવીએ. માર્કેટીંગનું પતાવી દઈએ... કીટીપાર્ટી ગોઠવી દઈએ. વળી, આજે તિથિ છે.. તો શાક તો નહિ ખવાય પણ બ્રેડ-બટર તો ખવાય ને? પીઝા વીથ ચીઝનો તો વાંધો નહિ ને? એ ક્યાં લીલોતરી છે? અરે ભાઈ.. આ તો લીલોતરી કરતાંય અતિ ભયંકર છે.. જેમાં સતત બે ઈંદ્રિય જીવોની ઉત્પત્તિ થઈ રહી છે.. જે વાસી છે.. જે અભક્ષ્ય છે.. જેમાં માંસાહાર છે.. એવું બધું આ આત્માના ઘરમાં પધરાવીને શું આત્મસાધના કરવાના હતા?
જ્ઞાનીઓએ જે હેતુસર તિથિની મર્યાદા કરી તે હેતુ તો ક્યાંયનો ક્યાંય દૂર ચાલી ગયો. તેના બદલે તિથિઓનો વાંધો કાઢી જુદા પડી ‘હું જ સાચો છું’ એમ સિદ્ધ કરવા તકરાર કરે છે. તે મોક્ષ જવાનો રસ્તો નથી.
જ્ઞાનીના વિરહ પછી ઘણો કાળ જાય એટલે અંધકાર છવાઈ જાય.
અજ્ઞાનની પ્રવૃત્તિ થાય, જ્ઞાની પુરૂષોના વચનો ન સમજાય એટલે ભેદ પાડે. સંવત્સરીના દિવસ સંબંધી એક પક્ષ ચોથની તિથિનો આગ્રહ કરે તો બીજો પક્ષ પાંચમની. તિથિ-બિથિનો ભેદ મૂકી દેવો. ભાંગજડમાં પડવું નહીં. રાગ-દ્વેષ કરી નવા કર્મોના ઢગલા જમા કરવા નહિ. ઝાડને ભાન વગર કર્મો ભોગવવા પડે છે તો મનુષ્યને નહીં ભોગવવા પડે?
જ્ઞાનીઓએ તિથિની મર્યાદા આત્માર્થે કરી છે. જો ચોક્કસ દિવસ નિશ્ચિત ન કર્યો હોત તો આવશ્યક વિધિઓનો નિયમ રહેત નહીં. સુજ્ઞ તો એ છે કે આત્માર્થે તિથિની મર્યાદાનો લાભ લે છે. કદાગ્રહમાં કાંઈ જ હિત 102
નથી. કદાગ્રહથી દૂર રહેવું.
છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ.
કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ.’
સ. 109 ધર્મ એટલે શું? ધર્મ થયો ક્યારે કહેવાય?
જ. 109 જે આપણા આત્માને દુર્ગતિમાં પડતો ધરી રાખે તે ધર્મ. આપણા આત્માને દુર્ગતિમાં પાડવાવાળા છે....? ક્રોધ, માન, માયા, લોભ, આગ્રહ, દુરાગ્રહ, હઠાગ્રહ, રાગ, દ્વેષ વગેરે આપણા મનની અંદર ઘર કરી ગયેલા અને પોલ ભાળી ગયેલા આપણા વિકારો જે આપણને દુર્ગતિમાં પાડે છે. આપણા આત્માને નીચે ધકેલીને આપણને અનંત દુઃખની ગર્તામાં ફેંકનાર દુશ્મનો તો આપણી અંદરજ બેઠેલા છે. જે ક્રિયાથી, જે સાધનાથી, જે ધ્યાનથી, જે તપથી, જે જ્ઞાનથી, જે દર્શનથી, જે ચારિત્રથી જો આપણા આ કષાયો પાતળા પડવા લાગે, તો સમજવું કે ધર્મ થઈ રહ્યો છે. અને ગમે તેટલી ક્રિયા કરો, ધ્યાન કરો, તપ કરો, સાધના કરો, પરંતુ એકેય વિકાર ઓછો થતો, પાતળો થતોના જણાતો હોય તો સમજવું કે ધર્મ થયો નથી. વિકારો તો અંદર બેઠા ફૂલી ફલી રહ્યા છે, તો ધર્મ થયો ક્યાંથી કહેવાય?
સ.110 મને તો મારો ક્રોધ વિકાર, લોભ વિકાર એકદમ ઓછો થઈ ગયો હોય એવું લાગે છે?
જ.110 એવું માની લેવાની જરૂર નથી - તમારી જાતને ચેક કરતા રહો. આમ તો આપણે બધા આપણને પોતાને બહુ ડાહ્યા ડમરા ને શાંત લાગતા હોઈએ છીએ. પણ ‘‘સળી કરોને છંછેડાઈ જાય’’ ત્યારે ખબર પડે કે
અહો... આ કષાય તો એના પગ જમાવીને એમને એમજ બેઠા છે. અને લોભ વિકાર? ફલાણો બહુ લોભી છે, કંજુસીઓ છે એટલે એનામાં લોભ વિકાર છે ને મારામાં નથી એવું માની લેવાની જરૂર નથી....
તારા 50,000 કોઈએ દાબી દીધા ને હૃદયમાં જે વલોપાત થાય છે ને, એય લોભ વિકારનુંજ કામ છે. અને ક્યાંકથી પચાસ હજારનો અણધાર્યો ફાયદો થઈ જાય ને હૃદયમાં જે આનંદ આનંદ વ્યાપી જાયને એય લોભ વિકારજ. જે પગ જમાવીને અંદર બેઠો છે.
જ્યારે જ્યારે કોઈ વિકાર જાગે છે ને ત્યારે ત્યારે તું નિમિત્તને જ બચકા ભરે છે. ‘‘તું આમ બોલી, તેં આમ કર્યું, એટલે મને ક્રોધ આવ્યો. બાકી હું કાંઈ ગુસ્સો કરૂં એવો નથી.’’ અરે ભાઈ....તને ક્રોધ વિકાર 103
આવ્યો...ક્યાંથી? તારી અંદરથીજ ને? તારા ક્રોધરૂપી કુવામાં પેલીએ તો ફક્ત અપશબ્દ રૂપી બાલદીજ નાખી છે. તે બાલદી ભરાઈને બાર આવી કેમ? કેમકે તારા કુવામાં ક્રોધ રૂપી પાણી ભરેલું જ છે. જો તારામાં ક્રોધ રૂપી પાણી હોત જ નહી તો પેલી એકશું ત્રણ બાલદી નાખતને તોય ખાલી જ આવત. તો નિમિત્તને બચકા ભર્યા વગર સ્વીકાર કરકે ‘‘મેં ક્રોધ વિકારને ખતમ કર્યો જ નથી મારામાં જે ભરેલો છે તેજ બાર આવ્યો છે.’’ મહાવીરે એનો ક્રોધ વિકારનો કુવો જ ખાલી કરી નાખેલો.... પછી એને જૂતાનો હાર પહેરાવોને...અંદર ક્રોધ છેજ નહિ તો બહાર શું આવશે? ક્ષમા જ ને? અનંતા જન્મોથી આ આત્મા કર્મોના ભારથી લદાયેલો છે. ઉદયમાં આવતા કર્મોને નવા રાગ-દ્વેષનો ટેકો આપ્યા વગર સમતામાં સ્થિર થઈ નિર્જરવામાં આવે, અને નવા કર્મ આત્મા પર જમા ન થવા દઈએ, એવી જાગૃતિ કેળવીએ તોજ કર્મોના ભારથી હળવા થવાય. જેમ જેમ કર્મોના ભારથી હળવા થવાય તેમતેમ દુર્ગુણો પાતળા પડતા જાય.
સ.111 પર્યુષણમાં બધાને મિચ્છામિ દુક્કડમ્ આપી દઈએ એટલે આપણામાં ક્ષમા નામનો ગુણ કેળવાયને?
જ.111 આપણા મિચ્છામિદુક્કડમ્ મોટાભાગે ફક્ત શબ્દોથી જ હોય છે.
મિચ્છામિદુક્કડમ્ આપ્યા પછી જો આપણા વર્તનમાં કોઈ ફરકજ ન પડે તો મિચ્છામિ દુક્કડમ્થી ક્ષમા નામનો ગુણ કેળવવાને બદલે...‘‘મેં તો મિચ્છામિદુક્કડમ્’’ આપી દીધા કહીને અહંમ્ નામનો દુર્ગુણ કેળવાય છે. તમારાથી એકવાર કોઈને ભૂલથી લાત વાગી ગઈ. તમે કહેશો કે
સોરી’ તો સામેવાલો કહેશેકે કાંઈ વાંધો નહિ. બીજીવાર લાત મારસો ને કહેશો કે ‘સોરી’, ત્રીજીવાર, ચોથીવાર, પાંચમીવાર.... પછી તમારૂં સોરી કોણ સાંભળશે? કહેશે કે જૂઠો છે. આપણે આવાજ મિચ્છામિ દુક્કડમ્ આપીએ છીએ. વળી આપણે એવા લોકોને જોરશોરથી મિચ્છામિદુક્કડમ્ આપીએ છીએ જેની સાથે અત્યારે આપણો વ્યવહાર સુમેળ છે. પણ જેની સાથે અંતરમાં ઉંડે ઉંડે પણ ગાંઠો પડેલી છે, તેને મિચ્છામિદુક્કડમ્ આપતા નથી. આજકાલ મિચ્છામિ દુક્કડમ્ હાય-હલ્લો જેવું થઈ ગયું છે. ન એમાંથી કોઈ સંસાર રસિકતા તૂટી છે, કે ન એમાં કોઈ મોક્ષલક્ષિતા ગુંથાણી છે. આવા મિચ્છામિદુક્કડમ્થી ક્ષમા નામનો ગુણ કેળવાવો દુર્લભ છે.
જેની જોડે અંતરમનમાં ગાંઠો ગુંથાણી છે તેને યાદ કરીને દરરોજ એકસો 104
વખત તમારા શુધ્ધ આત્માની સાક્ષીએ મનોમન મિચ્છામિ દુક્કડમ્ આપો.
અને જ્યારે તમને લાગે કે હવે એ વ્યક્તિ મારી સાથે કેટલો પણ દુર્વ્યવહાર કરશે તોય દિલમાં એના પ્રત્યે દ્વેષ તો નહિ જ જાગે :- હું એને નિમિત્ત સમજીને મારોજ દોષ જોઈશ. ત્યારે સમજવું કે કંઈક અંશે મિચ્છામિ દુક્કડમ્ પહોંચ્યા છે. જેથી મારામાં ક્ષમા નામનો ગુણ અવિર્ભાવ પામશે.
સ. 112 અષ્ટપ્રકારી પુજાની રચના શા માટે કરી?
જ. 112 જ્ઞાની પુરૂષોને જે જ્ઞાન મળ્યું હતું તે દૂર દૂરના ભવિષ્યકાળ સુધી મળતું રહે તે આશયથી પૂજાની રચના કરવામાં આવી છે. પહેલાનાં સમયમાં ગ્રહણશક્તિ ઘણી હતી માટે મુખપાઠ દ્વારા જ્ઞાનનું રક્ષણ કરવામાં આવતું. ત્યારબાદ ભોજ પત્ર કે કાગળ આદિમાં લિપી બદ્ધ કરવામાં આવતું. પરંતુ ધીમે ધીમે કાળક્રમે જ્ઞાન વિસ્મૃત કે વિકૃત થવાની શક્યતાઓનો વિચાર કરીને જ્ઞાનને સાંકેતિક ભાષામાં આપણી ધાર્મિક ક્રિયાઓમાં એવી રીતે વણી લેવામાં આવ્યું કે જ્યાં સુધી સંઘનું અસ્તિત્વ હશે ત્યાં સુધી આ જ્ઞાનનું અસ્તિત્વ રહેશે. પૂજાની ક્રિયાએ આત્મસાધનાનું પ્રતીક છે. આઠે આઠ પૂજા એ આત્મસાધકને કેવો કેવો અનુભવ થાય છે તે બતાવે છે. પ્રક્ષાલ પૂજા કરતાં આપણે બોલીએ છીએ કે ‘મેરૂશિખર નવરાવે હો સૂરપતિ મેરૂ શિખરે નવરાવે’ આ મેરૂ એ કરોડરજ્જુનું પ્રતિક છે. અને શિખર એટલે બ્રહ્મરંધ્ર. જે સાધકને આત્મદર્શન (આત્માનો અનુભવ) થાય છે તેને બ્રહ્મરંધ્રમાંથી અમૃતરૂપી ક્ષીરરસ ઝરે છે. તેનાથી થતાં અભિષેક દ્વારા આત્મા ઉપરના કર્મરૂપી મળ ધોવાય છે. આમ આત્મદર્શન થયા પછી સમ્યક્ દર્શન થયા પછી જે સુધારસનો સ્ત્રાવ સાધકને થાય છે તેને મેરૂશિખર ઉપરના ભગવાનના મસ્તક પર થતાં અભિષેક રૂપે વર્ણવ્યો છે. આમ આત્મદર્શનનો અધિકારી કોણ બને?
કોને થઈ શકે? તો તે જલપૂજા ના દુહામાં વર્ણવ્યું છે. આપણે બોલીએ છીએ કે ‘જ્ઞાન કળશભરી આત્મા સમતા રસ ભરપૂર, શ્રી જિનને નવરાવતાં કર્મ થાયે ચકચૂર...’ આ બોલતાં કોઈ દિવસ વિચાર્યું છે કે
આપણે બોલીએ છીએ અલગ ને કરીએ છીએ કંઈક અલગ... બોલીએ તો છીએ કે આત્મારૂપી જ્ઞાનનો કળશ ભરવાનો છે. ને હાથમાં તો સોના-ચાંદીનો કળશ લઈએ છીએ. આત્મારૂપી જ્ઞાનન કળશમાં સમતારૂપી રસ ભરવાનો એમ બોલીએ છીએ ને ભરીએ તો છે પાણી.
તો આ પાણી એ હૃદયમાં રહેલી સમતાનું પ્રતિક છે. સોના-રૂપાના કળશ એ આત્મારૂપી જ્ઞાનનું કળશનું પ્રતિક છે. જે સાધક પોતાના 105
સુખના કે દુઃખના પ્રસંગમાં આત્મારૂપી કળશમાં એ જ્ઞાન હાજર કરે છે કે સુખ હોય કે દુઃખ કાંઈજ કાયમ નથી રહેવાનું. મારા જ કરેલા કર્મના વિપાક રૂપે આજે મને એ પ્રાપ્ત થયું છે. પણ એ બધું જ વિનાશી છે. દેર-સબેર ચાલી જવાનું છે. અનિત્ય છે. આવા જ્ઞાન સાથે જે સાધક, સુખમાં નાચી ઉઠતો નથી કે દુઃખમાં આક્રંદ કરતો નથી એ સાધક સંપૂર્ણ સમતામાં સ્થિર થાય છે. અને જે આવા સમતા રસથી પોતાના જિનને એટલે કે અંદર રહેલા આત્માને નવરાવે છે. તે સાધકના કર્મમલ ચકચૂર થાય છે. તમારા પોતાના આત્માનું પ્રતિક છે, પરમાત્માની મૂર્તિ. જેને આટલું સમજમાં આવ્યું હશે તેને તરત ખ્યાલ આવશે કે આ અભિષેક પૂજા શેનું પ્રતિક છે ને તેના દ્વારા જ્ઞાનીઓ આપણને શું સમજાવવા માંગે છે. જે વ્યક્તિ, જે સાધક, આ રીતે પોતાના આત્માને સમતા રસમાં રાખે છે. ઘટના પ્રિય હોય કે અપ્રિય, રાગ કે દ્વેષમાં ખેંચાતો નથી. તે જ સાધક એક પછી એક કર્મ ને ચકચૂર કરતાં કરતાં આત્મદર્શનની પ્રાપ્તિ થાય છે. અહીં ફક્ત પ્રક્ષાલપૂજા વર્ણવી છે. ને તેમાં પ્રતિકરૂપે જ્ઞાનીઓએ કેવું જ્ઞાનને જીવંત રાખ્યું છે તે જુઓ. અને જરા પોતાના તરફ દૃષ્ટિ કરો....પ્રક્ષાલપૂજા કરતાં પણ મન કેટલું સમતામાં સ્થિર હોય છે? વિચાર તો કરો જરા કોઈએ ક્રિયા બરાબર ન કરી તો મનમાં તરત દ્વેષ જાગે છે. કોઈ ઓળખીતું આવી ગયું તો મનમાં રાગ જાગે છે. તમે આવ્યા ને પ્રક્ષાલપૂજા કરવા ન મળી તો દ્વેષ જાગે છે...કોઈ તમારી રાહ જોઈને ઊભું રહ્યું હોય તો તેના માટે રાગ જાગે છે...અરે જરા મનને ચેક તો કરો ...ભલે તમે કાંઈ બોલો કે ન બોલો મનમાં સૂક્ષ્મપણે કેટલા રાગ-દ્વેષને જન્મ આપો છો... ને પાછા મોઢેથી બોલો તો છો...‘સમતા રસ ભરપૂર..’ પણ હૃદયમાં સમતાનો છાંટો હોતો નથી... જે સ્થાન, જે મંદિર રાગ-દ્વેષ છોડવા માટેનું સ્થાન છે તે સ્થાન પર તમે રાગ-દ્વેષ જગાવીને ચિકણા કર્મ બાંધો છો. ..જેને ખરેખર આ પ્રતિક રૂપે મૂકાયેલી પ્રક્ષાલ પૂજાનું રહસ્ય સમજાયું હશે તેના ભાવ ચોક્કસ ફરી જશે. આત્માને ભૂલી ને બધી જ ક્રિયાઓ કરી રહ્યા છીએ. માટે જ ક્રિયાઓ નિષ્ફળ જાય છે. આજે આપણા માટે પુજાને પ્રતિમા મુખ્ય બની ગયા છે. તેના કેન્દ્રમાં રહેલ આત્મા ભૂલાઈ ગયો છે. દેરાસર, મંદિરો, પ્રતિમા, પૂજા એ બધું જ આત્માને ભૂલી ન જાવ તેના માટેનું પ્રતિક છે.
સ. 113 દેરાસર, મંદિર, પ્રતિમા એ પણ પ્રતિકરૂપે છે...સમજાવો...
106
જ. 113 પ્રતિમા એ દેહમાં રહેલ શુદ્ધ આત્મતત્ત્વનું પ્રતિક છે. દેરાસરમાં પ્રતિમા ગભારામાં હોય છે કેમ? કેમકે દરેક નો આત્મા કાર્મણ અને તૈજસ શરીરથી પરે મહાતત્ત્વરૂપી ગભારામાં બિરાજે છે. (શરીર કુલ પાંચ પ્રકારના છે.
દેવ અને નારકીને વૈક્રિય શરીર હોય છે. લબ્ધિધારી મુનિ પોતાની ઈચ્છા અનુસાર આહારક શરીર ઉત્પન્ન કરી શકે છે. મનુષ્ય અને તિર્યંચનું ઔદારિક શરીર છે. આ સિવાયના બે, તૈજસ અને કાર્મણ શરીર દરેકે દરેક જીવમાત્રને હોય છે.) આ રીતે જોતાં આપણને અત્યારે ત્રણ પ્રકારના શરીર છે.
ઔદારિક, તૈજસ ને કાર્મણ. દેરાસરમાં જેમ પહેલાં પ્રવેશતાં મંડપ-
રંગમંડપ હોય છે. તે આ દેહાલયના ઔદારિક શરીરનું પ્રતિક છે. ઔદારિક શરીરથી સૂક્ષ્મ તૈજસ શરીર હોય છે. ને કાર્મણ શરીર તેનાથી પણ સૂક્ષ્મ છે. આત્માનું જ્ઞાન કાર્મણ શરીરથી ઢંકાયેલું છે. કર્મની નિર્જરા કરતાં કરતાં આત્મા કર્મથી હળવો થતાં આત્મદર્શન થઈ શકે છે. રંગમંડપ પછી અંદર જઈએ એટલે પ્રાર્થના હોલ. જે તૈજસ શરીરનું પ્રતિક છે. તેની અંદર ગભારો હોય તે કાર્મણ શરીરનું પ્રતિક છે ને ગભારામાં બિરાજમાન પ્રતિમા તે શુધ્ધ આત્મસ્વરૂપનું પ્રતિક છે. તમે શંખેશ્વરનું દેરાસર નજર સમક્ષ લાવો એટલે આ ચારેય વસ્તુ સમજાઈ જશે... પહેલાં મંડપ-રંગમંડપ, પછી પ્રાર્થના હોલ, પછી ગભારો ને પછી તેમાં મૂર્તિ. તેવી જ રીતે જે બાહ્ય દેખાય છે તે (અનુક્રમે) આપણું ઔદારિક શરીર, તેમાં તૈજસ શરીર તેમાં કાર્મણ શરીર તેમાં બિરાજમાન આત્મા. હવે ખ્યાલ આવી ગયો હશે કે આ મંદિર શેનું પ્રતિક છે? પ્રતિમા શેનું પ્રતિક છે? માટે જ્યારે પ્રતિમાના દર્શન કરીએ છીએ ત્યારે ‘હું મારામાં ને ઘટમાં વ્યાપેલા શુદ્ધ આત્મતત્ત્વનું દર્શન કરૂં છું. એ આત્માને હું જ્યારે મારા અનુભવથી પ્રાપ્ત કરીશ તેના માટે હું ધ્યાન સાધના દ્વારા મારા કર્મ ને ચકચૂર કરીશ ત્યારે જ સાચા અર્થમાં મને સમ્યગ્ દર્શન થશે..’ એ વાત ભૂલાવી ન જોઈએ.
સ. 114 ગભારામાં અત્યંત અંધકાર હોય છે ને ત્યાં ધી ના દીવાની અખંડ જ્યોત જલતી હોય છે તે શેનું પ્રતિક છે?
જ. 114 ગભારામાં રહેલ અત્યંત અંધકાર એ આપણી અંદર રહેલ અજ્ઞાન રૂપી અંધકારનું પ્રતિક છે. આત્મા પોતે તો દેદિપ્યમાન છે. પરંતુ તેના ઉપર લાગેલા કર્મપડને લીધે અજ્ઞાન છવાયું છે. એ અજ્ઞાન એ જ અંધકાર જેમકે ફાનસમાં જ્યોત જલતી હોય પણ ફાનસના કાચ પર જામી ગયેલી કાળાશને લીધે જ્યોતિનો પ્રકાશ બાર આવતો નથી. તેમ આત્મા પર જામેલ કર્મને કારણે જ્ઞાનનો પ્રકાશ બહાર આવતો નથી. અને અજ્ઞાનનો 107
અંધકાર છવાઈ જાય છે. પરંતુ ગભારામાં ભલે ગમે તેટલો અંધકાર હોય પણ દિપક પ્રગટાવવાથી પ્રતિમાના, ભગવાનના દર્શન થાય છે.
ગભારામાં રહેલ દીપક એ જ્ઞાનનું પ્રતિક છે. અને પ્રતિમાજી એ આપણી અંદર રહેલ શુદ્ધ આત્મ તત્ત્વનું પ્રતિક છે. ગભારામાં રહેલ દિપક બતાવે છે કે જો આપણામાં જ્ઞાન રૂપી દિપક પ્રગટે તો તેના પ્રકાશમાં અને ચિત્તશુદ્ધિની અવસ્થામાં જ આત્માના દર્શન થાય છે. આત્મદર્શન એટલે સમ્યક્ દર્શન.
સ.115 પૂજાની ક્રિયા શેનું પ્રતિક છે?
જ. 115 પૂજાની ક્રિયા આત્મસાધનાનું પ્રતિક છે. આત્મસાધનામાં પ્રગતિ થતાં કેવા કેવા પ્રકારના અનુભવો સાધકને ક્રમવાર થાય છે તે દર્શાવવા ક્રમબદ્ધ કરીને પૂજા દર્શાવી છે. દા.ત. ચંદનપૂજા... આ પહેલાં પ્રક્ષાલ પૂજા સમજાવ્યું કે સાધકને આત્મદર્શન થાય છે જે સ્રાવ થાય છે ત્યારે બ્રહ્મરંધ્રમાંથી તેનું આ પ્રતિક છે. ચંદન પૂજાનો ગુણ શીતલતા આપવાનો છે. જે સાધક આ રીતે સુધારસનું પાન કરે છે તે વ્યક્તિની મુખમુદ્રા પર દરેક જાતના કઠોર ભાવો અદૃશ્ય થઈને શાંત-શીતલ ભાવ રહે છે. અને એનો સ્વભાવ પણ શીતલ બની જાય છે... જે સાધક આત્મસાધના, ધ્યાનસાધનામાં આગળ વધ્યા છે ને થોડો પણ અનુભવ થયો છે તે સાધક આ વાત, આ અનુભવ ઘણો સારી રીતે સમજી શકશે... પરંતુ જેણે આ તરફ પગલું જ નથી ભર્યું તેને કઈ રીતે સમજાવવું?
સ. 116 : અષ્ટ પ્રકારી પૂજાના રહસ્ય જણાવો. ધૂપ પૂજા શેનું પ્રતીક છે?
જ. 116 : ધ્યાન સાધનામાં આગળ વધતાં સાધકને કેવા કેવા પ્રકારના અનુભવ થાય છે. તેના પ્રતીકરૂપે અષ્ટપ્રકારી પૂજા ક્રમવાર મૂકી છે. દરેક પૂજાના ગૂઢ રહસ્યો છે. પણ અમુક રહસ્યો તો જે સાધકે ધ્યાનસાધનામાં પ્રગતિ કરી છે તેજ સમજી શકે છે એમ છે... જેટલું સમજાવી શકાય તેટલું સમજાવવા પ્રયત્ન કરીશ... ધૂપપૂજામાં આપણે બોલીએ છીએ ને, ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામ નયન જીન ધૂપ’
મિચ્છિત દુર્ગંધ દૂરે ટળે, પ્રગટે આત્મ સ્વરૂપ.’
ક્યારેય વિચાર કર્યો છે કે પ્રગટાવીએ છીએ તો ધૂપ, ઘટા તો ધૂપના ધૂમાડાની થાય છે પણ બોલીએ છીએ ધ્યાન ઘટા પ્રગટાવીએ. આ બોલવાને કરવા વચ્ચેનો તફાવત સમજમાં આવી જશે તોય એટલી તો ખાતરી થઈ જશે કે આ ક્રિયા તો કાંઈક બીજી ક્રિયા સમજાવવાના 108
પ્રતિકરૂપે મુકી લાગે છે!!! એમાં એમ કહેવા માંગે છે કે જો આપણા અંતરમનમાં ધ્યાનની ઘટા પ્રગટે... મૂર્તિનું ધ્યાનસ્થ સ્વરૂપ જોઈને, આપણે આપણા સ્વસ્વરૂપમાં ધ્યાનસ્થ થઈએ. મન વચન કાયાના વ્યાપાર બંધ કરી, આત્માનો ઉપયોગ આત્મામાં જ રાખીને સ્થિર થઈએ, મનને પ્રમાદમાં ન જવા દઈએ. તો જેવી ધૂપની ઘટા બાર પ્રગટી છે તેવી ધ્યાનની ઘટા અંદર પ્રગટે. પહેલી તો વાત એ છે કે... આપણા એક એક સૂત્રમાં એકેક દુહામાં... એકેક સજઝાયમાં ધ્યાનની વાત આવે છે... પણ જ્યારે કોઈ ધ્યાનની વાત કરે છે, ત્યારે આપણને લાગે છે કે... આ કંઈ આપણા ધરમનું નહીં બીજાના ધરમની વાત છે... આમ આપણું ઉત્કૃષ્ટ અગ્યારમું તપ ‘ઝાણં’ એટલે કે ધ્યાન તદ્દન વિસરાઈ ગયું છે. તે ખૂબજ દુઃખની વાત છે. પહેલા તો એ સમજો કે પ્રમાદ કોને કહેવાય?
આપણે એટલું જ સમજીએ છીએ ને કે, આળસ કરવી, ઊંઘી જવું એ બધું પ્રમાદ છે... પણ ના... તમે એટલું તો વિચારો કે ગૌતમ જેવા ગણધરને ભગવાને એમ કહેવું પડે કે ‘હે ગૌતમ તું એક ક્ષણ માટે પણ આળસ ન કરતો, એક સમય માટે પણ ઊંઘી ન જાતો.’ તો ભગવાને એમ કેમ કહ્યું કે, ‘સમયં મા પમાયં ગોયમ્’ હે ગૌતમ તું એક સમય માટે પણ પ્રમાદ ના કરતો??? સમય જતાં શબ્દોનાં અર્થ બદલાઈ જાય છે. ત્યારે પ્રમાદનો અર્થ એ હતો કે ‘આત્માનો ઉપયોગ આત્મામાં જ રાખવો, આત્માની બહાર ન જવા દેવો’ ‘પર’ માં ઉપયોગ જવા દેવો એનું નામ જ પ્રમાદ. તારૂં શરીર પણ તારા માટે ‘પર’ છે. તમારા શરીરમાં કે બીજા કોઈમાં કે બીજી કોઈ ચીજ-વસ્તુમાં તમારૂં મન ગયું હોય તો તેટલા સમય માટેનો પ્રમાદ થયો કહેવાય. ગૌતમનું મન તો તેના શરીરમાંય નતું જતું તો ક્યાં જતું હતું?? ખુદ મહાવીરમાં... કેમકે
મહાવીર પર તેને રાગ રહી ગયો હતો... તમે ક્યાંય કોઈ પણ દેરાસરમાં એવી મૂર્તિ જોઈ કે તે અહીં તહીં ડાફોળિયા મારતી હોય કે એમના મોઢા પર પણ એવા કોઈ હાવભાવ જોયા કે જેથી એમ લાગે કે આ મૂર્તિનું મન બીજે ક્યાંય ચોંટ્યું છે? તો ધૂપ પૂજા એમ કહે છે કે...
આ મૂર્તિનું અવલંબન લઈને, તું તારા આત્માનો ઉપયોગ તારી અંદર રાખીને તારામાં જ સ્થિર થા... તારી જ અંદર તું જો, તો જ આવી ધ્યાનની ઘટા પ્રગટશે..’ જેમ સુગંધી ધૂપ પ્રગટાવવાથી અન્ય નહીં ગમતી દુર્ગંધ દૂર થાય છે ને વાતાવરણ સુગંધમય બને છે તેમ અંતરમનની 109
અંદર ધ્યાનઘટા પ્રગટાવવાથી ‘મિચ્છત દુર્ગંધ દૂરે ટળે’ એટલે કે નહી ઈચ્છવા યોગ્ય દુર્ગંધ જેવા કર્મો નિર્જરાપામી દૂરે ટળે છે. ને આ કર્મોરૂપી કાળાશ દૂર થાય, તો જ તે આત્માનું સ્વરૂપ છે તે પ્રગટ થાય... કર્મો શુભ હોય કે અશુભ હોય, કચરાના મોટા ઢગલા જેવા છે. ને આત્મા એ કચરામાં છુપાયેલ રત્ન સમાન છે. જો ધ્યાનની ઘટા પ્રગટે તો કર્મરૂપી કચરો દૂર થતાં થતાં ક્યાંકથી જરાક પણ આત્મરૂપી રત્નનું દર્શન થઈ જાય. આત્માનો પ્રકાશ બહાર આવે, આત્મદર્શન, સમ્યક દર્શન થઈ જાય. ‘મિચ્છત દુર્ગંધ દૂરે ટળે તો પ્રગટે આત્મસ્વરૂપ’
સ. 117 : હવે દિપક પૂજા સમજાવો. તે શેનું પ્રતીક છે? શું કહે છે?
જ. 117 : દ્રવ્ય દિપક સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક...
ભાવ પ્રદિપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક...’’