This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
શરીર જેવડું જ હોય છે. તૈજશ શરીર ગરમી કરે છે તથા આહાર પચાવવાનું કામ કરે છે. શરીરના અમુક અંગ ઘસવાથી ગરમ જણાય છે, તે તૈજસના કારણથી જણાય છે. કાંતિ, દીપ્તિ, રતાશ, તાવ આવવો એ બધી તૈજસ પરમાણુઓની ક્રિયાઓ છે. સૂક્ષ્મથી બાદર દરેક સજીવને તૈજસ શરીર હોય છે.
સ. 287 કાર્માણ શરીર કોને કહે છે?
જ. 287 આઠ કર્મોના સમૂહને કાર્માણ શરીર કહે છે. જે તૈજસ શરીર કરતાં સૂક્ષ્મ છે. તે પણ સ્થૂળ શરીર જેવડું જ છે. તૈજસની માફકજ રહે છે. સ્થૂળ શરીરની અંદર પીડા થાય છે, અથવા ક્રોધાદિ થાય છે, તેજ કાર્માણ શરીર છે.
વેદનાનો અનુભવ જીવ કરે છે, પરંતુ વેદના થવી તે કાર્માણ શરીરને લઈને થાય છે. કાર્માણ શરીર એ જીવનું અવલંબન છે. તૈજસ અને કાર્માણ એ બંને શરીર ક્યારે પણ અલગ હોતા નથી.
સ. 288 એક જીવને એક સાથે કેટલાં શરીરનો સંયોગ હોઈ શકે?
જ. 288 એક જીવને એક સાથે ઓછામાં ઓછા બે અને વધારેમાં વધારે ચાર શરીર હોય છે. (1) એક દેહત્યાગી બીજો દેહ ધારણ કરતી વખતે જીવ જ્યારે વાટે વહેતો હોય ત્યારે તૈજસ અને કાર્માણ શરીર હોય. (2) મનુષ્યને તિર્યંચને - ઔદારિક, તૈજસને કાર્માણ. (3) દેવ તથા નારકીને વૈક્રિયક, તૈજસ અને કાર્માણ (4) આહારક ૠદ્ધિધારી મુનિઓને ઔદારિક, આહારક, તૈજસ અને કાર્માણ શરીર હોય છે.
સ. 289 આભા મંડળ એ શું છે?
જ. 289 આપણા શરીરની ફરતે રહેલું વિદ્યુત ક્ષેત્ર છે. દરેક સજીવ પોતાની આસપાસ એક આભામંડળ લઈને ફરે છે. આપણે એકલા નથી ચાલતા, આપણું વિદ્યુત ક્ષેત્ર પણ આપણી સાથે ચાલે છે. જેમ લાલટેનમાં દીવો તો અંદર હોય છે પરંતુ તેનો પ્રકાશ કાચમાંથી બહાર નીકળે છે તેમ શરીરની અંદર રહેલ આત્માના પ્રકાશના કિરણો જે બહાર નીકળે છે તે આભામંડળ છે એને ઉર્જા શરીર કહો કે તૈજસ કહો કે વિદ્યુત ક્ષેત્ર કહો. હવે તો એવી હાઈફ્રીકવન્સી ફોટોગ્રાફીનો વિકાસ થયો છે કે આ આભામંડળનો ફોટો જોઈ શકાય છે. જો ફોટો લેતી વખતે તમે નિષેધાત્મભાવથી ભરેલા હો, હત્યાના ક્રુરતાના કે કોઈને નુકસાન પહોંચાડવાના ભાવથી ભરેલા હો તો તમારી આસપાસના વિદ્યુત કિરણોની પ્રતિકૃતિ અત્યંત અસ્વસ્થ, અરાજકને વેરવિખેર આવશે. પરંતુ જો તમે મંગળ ભાવનાઓથી, શુભવિચારથી ભરેલા હો તો ફોટો લયબદ્ધ, સુંદર ને વ્યવસ્થિત દેખાય છે.
ભગવાનના મુખ મંડળની આસપાસ ચિત્રકારો જે આભા મંડળનું ચિત્ર દોરે છે તે માત્ર કલ્પના નથી. આવા આભામંડળ જોઈ શકાય છે. માનવી જેટલો વધુ જીવંત અને જાગ્રત હોય તેટલું વધુ ઘનિષ્ટ એનું આભામંડળ હોય છે.
સ. 290 આભામંડળ ઘનિષ્ઠ કેવી રીતના બને?
જ. 290 આભામંડળને ઘનિષ્ઠ બનાવવાની બે પ્રક્રિયા છે. એક છે સદ્ભાવના.
બીજી છે મંત્રશક્તિ. ક્ષણે ક્ષણે આપણા હૃદયમાંથી સદ્ભાવનાને વહેવા દો. મિત્ર હોય કે દુશ્મન હોય, આપણો શુભ ચિંતક હોય કે અશુભ કરવાવાળો, પશુ હોય, પક્ષી હોય કે ઝાડપાન હોય... દરેકના મંગળની શુભકામના હૃદયપૂર્વક કરો. સવારથી સાંજ સુધીમાં જે જે સજીવ દૃષ્ટિગોચર થાય તેના માટે સદ્ભાવના કરો. સદ્ભાવનાથી આત્મામાં રૂપાંતર કરી શકાય છે. મંગળ ભાવનાઓથી ભરેલું આપણું મન આપણી ચારે તરફ ફેલાયેલા આકાશમાં ગુણાત્મક પરિવર્તન લાવે છે. એવી મંગળ ભાવનાથી ભરેલી વ્યક્તિની આસપાસ એક જુદા જ પ્રકારનું આભામંડળ નિર્મિત થાય છે. એવો માનવી જયારે આપણી પાસેથી પસાર થાય છે ત્યારે તેની અસર આપણામાં પણ થાય છે. જેના માટે સદ્ભાવના કરો તેનું તો જરૂર સારૂ થાય છે. પરંતુ એથી અધિક આપણું કલ્યાણ થાય છે. આપણું આભામંડળ ઘનિષ્ઠ બનતું જાય છે. આપણા હૃદયમાં આપણા આત્માના મૂળભૂત ગુણ રૂપે રહેલી દરેક માટેની કલ્યાણ ભાવનાને જો વહેતી મુકી દઈશું તો ધીમે ધીમે આધ્યાત્મિક જગત તરફ પ્રયાણ કરાવશે.
સ. 291 મંત્રશક્તિ આભામંડળને કેવી રીતે બદલે છે?
જ. 291 મંત્ર આભામંડળને બદલવાની મૂળભૂત પ્રક્રિયા છે. એવો એક ઉત્તમોત્તમ મહાન મંત્ર છે. ‘નવકાર મંત્ર’ નવકાર એ નમનનું સૂત્ર છે. જેઓએ કાંઈ જાણ્યું છે, મેળવ્યું છે. જેઓ જીવનના અંતરતમ ગૂઢ રહસ્યોથી પરિચિત થયા છે, જેમણે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો છે, જેમણે આ ભૌતિક શરીરની પાર શું છે તે જાણ્યું છે તેવી આ જગસમસ્તની પાંચ પ્રકારની વ્યક્તિઓના ચરણમાં નમન કરવાનું સૂત્ર છે. આ નમન માત્ર શાબ્દિક 142
ઉચ્ચાર નથી. પરંતુ એક જાગ્રત ભાવ છે. જેઓ શિખર પર પહોંચી ગયા છે એવા અરિહંતોને સિદ્ધોના ચરણોમાં સમર્પિત થઈ જવાનો ભાવ છે. નમો અરિહંતાણં મંત્ર ભાવપૂર્વક કોઈ વ્યક્તિ ઉચ્ચારે છે ત્યારે એવો ભાવ કરે છે કે જેમણે રાગ-દ્વેષ-મોહ ને જીત્યા છે. તેમના શરણે શ્રદ્ધાપૂર્વક હું મારી જાતને ધરી દઉં છું. આમ બને છે ત્યારે એ મંત્રજાપ કરનાર વ્યક્તિનો અહંકાર ઓગળવા લાગે છે. આકાશમાં ચારેબાજુ અરિહંત ભાવના મંત્રના તરંગોથી જે શક્તિ સંગ્રહિત થયેલી છે તેમાં તમારા ભાવઉર્જાના તરંગ પણ સંમિલિત થઈ જાય છે. જે તમારા આસપાસના આકાશને અને સ્વયંના આભામંડળને બદલી નાખે છે.
સ. 292 નવકાર મંત્ર સવ્વપાવ્વ પણાસણો કેવી રીતે? શું કોઈ ચોર કે હત્યારો પાપ કરતો જાય ને નવકાર બોલતો જાય તો તેના બધા પાપ નાશ પામી જશે?
જ. 292 જ્યારે તમે કોઈપણ પ્રકારનું પાપ કરો છો, ચોરી કરવી, જૂઠું બોલવું વગેરે પાપ કરતાં પહેલાં તમારામાં વિશેષ પ્રકારનું આભામંડળ નિર્મિત થાય છે અને એટલે જ તમે પાપ કરી શકો છો. એવું આભામંડળ તમારામાં હયાત ન હોય તો તમે પાપ કરીજ ન શકો. જ્યારે તમે ચોરી કરવાનો વિચાર કરતા હો છો ત્યારે તમારૂ આભામંડળ કોઈ જૂદાજ પ્રકારનું ઉદાસ, રોગી, ખૂની રંગોથી ભરેલું બની જાય છે. જ્યારે તમે કોઈ ગબડી ગયેલા માણસને ઉઠાવવાની કોશિશ કરતા હો ત્યારે તમારા આભામંડળના રંગતરત જ બદલાઈ જાય છે, એવું ફોટોગ્રાફી બતાવે છે. જ્યારે કોઈ માણસ રાતદિવસ નવકારમંત્રના સ્મરણમાં ડૂબતો રહે તો તેની આસપાસનું આભામંડળ રૂપાંતરિત થાય છે. અને એ પ્રકારનું ઘનિષ્ટ બની જાય છે કે જેને કારણે પાપ કરવાનું અસંભવ બની જાય છે. પાપ કરવા માટે જે પ્રકારનું આભામંડળ જોઈએ તે હયાત જ નથી રહેતું. આમ નવકારમંત્ર તમારા આભામંડળને એવું ઘનિષ્ટ, તંદુરસ્ત બનાવશે કે પાપ તેમાં પ્રવેશી જ નહી શકે. પછી તમારા માટે જૂઠું બોલવું, ચોરી કરવી, હત્યા કરવી એ અસંભવ બની જશે. જો તમે તમારી જાતને અત્યંત શ્રદ્ધાપૂર્વક અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાયને સાધુના શરણમાં છોડી શકો, તમે તમારા અચેતન ઉંડાણમાં ડૂબીને પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરી શકો તો તમે તમારા પોતાનાજ અનુભવથી કહી શકશો કે આ સર્વપાપનો નાશ કરનાર મંત્ર છે.
143
સ. 293 આપણા નમસ્કારથી, પંચપરમેષ્ઠીને કોઈ ફાયદો ખરો?
જ. 293 આપણા નમસ્કારથી એમને કોઈ ફરક નથી પડતો, પરંતુ આપણો નમસ્કાર આપણને જ રૂપાંતરિત કરે છે એ નમસ્કારના જે પરિણામ થશે તે આપણા પર થશે. ખરેખર જો કોઈ આ રીતે પણ નમન કરે તો એનો અહંકાર ટકી શકશે નહિ. અહંકાર ઓગળતાની સાથે હૃદય ખૂલશે.
શ્રદ્ધાપૂર્વક નમન કરતાં આવડશે તો મહાવીરની વાણીને સમજવામાં સરળતા થશે. આપણા નમસ્કારથી અરિહંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુને કોઈ ફાયદો નથી પરંતુ આપણને ફાયદો જ ફાયદો છે.
સ. 294 મા-બાપને પગે શા માટે લાગવું જોઈએ?
જ. 294 સામાન્ય જવાબ તો એજ મળે કે એમના આપણા ઉપર ઘણા ઉપકાર છે માટે. પરંતુ આટલું પૂરતું નથી. હવે એનું કારણ સમજો. કોઈપણ માતાને એનું બાળક જેટલું વહાલું હોય છે એટલું કદાચ દુનિયામાં બીજું કોઈ નથી હોતું. ક્ષણે ક્ષણે માતા પોતાના બાળક માટે મંગલકામના કરતી હોય છે.
બાળક પ્રત્યે વહેતી શુભ કામનાને લીધે માતાનું આભામંડળ અત્યંત સ્વસ્થ અને ઘટ્ટ બને છે. બાળક જ્યારે માતાના ચરણ સ્પર્શ કરે છે ત્યારે ઘનિષ્ટ આભામંડળ એક ધારામાં વહેતું બાળકમાં દાખલ થાય છે. શુભકામનાથી ભરેલું આભામંડળ બાળકનું ખૂબ ખૂબ કલ્યાણ કરે છે. ઘણી વખત આપણું વર્તન આપણા મા-બાપ પ્રત્યે એવું હોય છે કે જેના લીધે મા-
બાપના હૃદયને દુઃખ લાગી જાય છે. દુઃખ પહોંચતાની સાથે આભામંડળ તીરોહીત્ત થવા લાગે છે. મા-બાપને દુઃખ પહોંચાડયા પછી ભલે આપણે એમના ચરણ સ્પર્શ કરીએ પરંતુ આપણને મળે છે એમનું તીરોહીત્ત થયેલું આભામંડળ. કારણકે આપણે જ આપણા વાણી વર્તનથી એમનું આભામંડળ તોડયું છે ને એજ આપણને મળવાનું છે. આવું તીરોહીત્ત થયેલું આભામંડળ આપણું કલ્યાણ કેવી રીતે કરી શકે? અને મા-બાપને બાળકો વચ્ચેનું વિષચક્ર ચાલુ થઈ જાય છે. આપણે હરહંમેશ સજાગ રહીને, સદ્ભાવના દ્વારા, સદ્વર્તનદ્વારા અને મંત્ર સ્મરણ દ્વારા આપણા આભામંડળને તંદુરસ્ત રાખવા પ્રયત્ન કરવો જોઈએ.
સ. 295 પ્રકૃતિએ પહેલેથી જ શુભ કરવા માટે વધારે શક્તિ આપી છે ને અશુભ કરવા માટે ઓછી. પરંતુ જગતમાં વધારે અશુભ જ બનતું દેખાય છે એમ શા માટે? 144
જ. 295 કારણકે આપણે શુભ કરવાની કામનાજ કરતા નથી. ક્યારેક શુભની કામના કરીએ ત્યારે સાથોસાથ એનાથી વિપરીત કામના કરીને એ શુભના ભાવને કાપી નાખીએ છીએ. દા.ત. એક ‘મા’ પોતાના બાળકના લાંબા આયુષ્યની કામના કરતી હોય છે. પરંતુ કોઈ ક્રોધની ક્ષણોમાં એમ પણ કહી દે છે કે ‘તું તો મારા પેટે જન્મતાં જ મરી ગયો હોતતો સારૂં થાત’ શુભ ભાવના ચાર વખત કરી હોય અને એક વખત પણ અશુભ ભાવ પેદા થઈ જાય તો શુભની ભાવનામાં ઝેર ભેળવી દે છે. માટે ચોવીસે કલાક મંગળની ભાવનામાં રહેવાનો પ્રયત્ન કરવો.
સ. 296 આપણે જોઈએ છીએ કે જે માણસ ન્યાય, નીતિ, ધર્મથી ચાલે છે તે દુઃખી થતો દેખાય છે ને અધર્મ, અનીતિ, કાળાબજાર કરવા વાળાને ઘરે સુખસમૃદ્ધિ હોય છે એવું કેમ?
જ. 296 ગામડામાં અનાજ ભરવાની મોટી કોઠીઓ હોય છે. તેમાં ઉપરથી અનાજ નાંખવામાં આવે છે અને કોઠીની નીચે એક બાકોરૂ હોય છે. તેમાંથી જોઈતું અનાજ કાઢવામાં આવે છે. તમારી કોઠીમાં ઘઉં ભરેલા છે ને મારી કોઠીમાં કોદરા ભરેલા છે. હવે હાલમાં તમે તમારી કોઠીમાં કોદરા નાખતા હો તો પણ કોઠીના નીચેના બાકોરામાંથી તો ઘઉંજ નીકળે. ને હું મારી કોઠીમાં ઘઉં નાખતો હોઉં તો પણ નીચેના બાકોરામાંથી તો કોદરાજ નીકળે. પરંતુ જ્યારે મારા કોદરા પૂરેપૂરા ખલાસ થઈ જશે ત્યારે મારી કોઠીમાંથી ઘઉં નીકળશે માટે મારે અકળાવાની જરૂર નથી. ને તમારા ઘઉં પૂરા થશે ત્યારે કોદરાજ નીકળશે. અધર્મ કરવા વાળાનું પૂર્વભવનું પુણ્ય ખતમ થશે એટલે પાપ જ ઉદયમાં આવવાનું છે. ધર્મ કરવાવાળાનો પૂર્વભવનો પાપનો ઉદય પૂરો થશે એટલે પુણ્ય જ ઉદયમાં આવવાનું છે.
માટે કર્મના કાયદામાંથી શ્રદ્ધા ડગાવીને કદીપણ અધર્મનું આચરણ કરવું નહિ.
‘પુણ્ય પૂર્વનું ખાતાં, હમણાં સુઝે છે તોફાન, પણ એ ખર્ચી ખૂટે કે, આગળ વસમું છે મેદાન...’
સ. 297 બે વ્યક્તિ એક સરખું કાર્ય એકજ સમયે કરે છે છતાં એકનું હળવું કર્મ બંધાય છે જ્યારે બીજાનું ભારે કર્મ એવું કઈ રીતે ?
જ. 297 આ સમજીએ એની પહેલાં આપણે એ સમજીએ કે કર્મનું બીજ કઈ રીતના પડે છે. આપણી પાંચ ઈંદ્રિય અને છઠ્ઠુ મન એ કર્મ બંધનના દ્વાર છે.
145
આપણા ચિત્તની ચેતનાના ચાર મોટા મોટા ખંડ, વિભાગ છે એમ વિચારો. આમ તો આપણી પાંચેય ઈંદ્રિય બિલકુલ નિર્જીવ છે. પરંતું ચિત્તની ચેતનાનો પહેલો ખંડ જેવો એના સંપર્કમાં આવે છે કે, કોઈ વસ્તુની, પદાર્થની, ગંધની, રસની, શબ્દની જાણકારી થાય છે. દા.ત.
કાનની ઈંદ્રિય સાથે કોઈ શબ્દ અથડાયો છે એટલી જાણકારી ચિત્તનો પહેલો ખંડ આપે છે, કે આ કોઈ શબ્દ છે. તરતજ ચિત્તનો બીજો ખંડ એટલે કે મુલ્યાંકન વિભાગ એનું કાર્ય શરૂ કરે છે. અત્યાર સુધીના અનુભવ અને યાદશક્તિના આધારે તેનું મુલ્યાંકન થાય છે કે આ શબ્દ પ્રશંશાનો છે કે તિરસ્કારનો? ધારો કે ‘ડફોળ’ શબ્દ છે. તો આ બીજો વિભાગ મુલ્યાંકન કરશે કે આ તિરસ્કારનો શબ્દ છે. બીજા વિભાગનું કાર્ય ફક્ત મુલ્યાંકન કરવાનું, ત્યાં ત્રીજો વિભાગ એનું કાર્ય શરૂ કરે છે. તેનું કાર્ય છે સંવેદનાનું. જો પ્રશંશાનો શબ્દ હશે તો સુખ સંવેદના ઉત્પન્ન કરશે. અને તિરસ્કારનો શબ્દ હશે તો દુઃખદ સંવેદના ઉત્પન્ન કરશે. ત્વરિત ગતિએ ચોથો વિભાગ એના પ્રત્યે પ્રતિક્રિયા કરવાનું ચાલુ કરશે. દુઃખદ હશે તો દ્વેષની પ્રતિક્રિયા, સુખદ હશે તો રાગની પ્રતિક્રિયા. ‘ડફોળ’ શબ્દ સાંભળતા ત્રીજો વિભાગ દુઃખદ સંવેદના ઉત્પન્ન કરશે ને ચોથો વિભાગ પ્રતિક્રિયા ચાલુ કરશે કે ‘એણે મને ડફોળ કહ્યો?’ એ સમજે છે શું એના મનમાં? હવે તો એનેય બતાવી દઉં કે ડફોળ એ છે કે હું? કેટલાય સમય સુધી આ પ્રતિક્રિયા ચાલશે... બે દિવસ પછી, ચાર દિવસ પછી, ચાર વરસ પછી પણ યાદ આવશે કે ‘એણે મને ડફોળ કીધો... જોઈ લઈશ’ આ પ્રતિક્રિયા જેટલી વધુ એટલો ગાઢ રંગ ચઢશે. એટલા ભારે કર્મ બંધાશે. આ પ્રતિક્રિયા જ નહિ કરો તો કર્મનું બીજ જ નહી પડે. ચિત્તના ત્રીજા વિભાગના કાર્ય સુધી કર્મનું બીજ નથી પડતું. સુખદ કે દુઃખદ સંવેદના ઉત્પન્ન થઈ કે સમતામાં સ્થિર થયા તો કર્મનું બીજ નહી પડે... કર્મનું બીજ પડે છે ચોથા વિભાગમાં, પ્રતિક્રિયામાં જેટલી પ્રતિક્રિયા ગાઢ એટલા નિકાચીત કર્મ બંધાય. આજે આપણી પાંચ ઈંદ્રિયને છઠ્ઠા મન સાથે જેવા સંબંધિત વિષયો અથડાય છે કે ત્વરિત ગતિએ ઓળખવાનું, મુલ્યાંકન કરવાનું, સંવેદન ઉત્પન્ન કરવાનું અને પ્રતિક્રિયા કરવાનું કામ એટલું ઝડપી થાય છે કે આપણને ખબર પણ નથી પડતી. પરંતુ જો ચોથા પ્રતિક્રિયાની વિભાગને જાણી શકાય કે સજાગ રહી શકાય તો કર્મના બીજ પડતાં અટકાવી શકાય. જેની પ્રતિક્રિયા ગાઢ તે ભારે કર્મ, નિકાચીત કર્મ બાંધે છે. સુખદસંવેદના, રાગના કર્મ વિષે પણ આમજ સમજવું. એક જ 146
દૃશ્યને જોતી બે વ્યક્તિમાંથી મંદ આશક્તિ પૂર્વક જોનાર કરતાં તીવ્ર આશક્તિપૂર્વક જોનાર વ્યક્તિ કર્મ પણ તીવ્રજ બાંધે છે. ઈરાદાપૂર્વક પ્રવૃત્તિ કરવી તે ‘જ્ઞાતભાવ’ ને ઈરાદા સિવાય કૃત્ય થઈ જાય તે ‘અજ્ઞાતભાવ’ બાહ્ય રીતે કૃત્ય સમાન હોવા છતાં કર્મબંધમાં ફરક પડે.
સ. 298 નિકાચિત કર્મો એટલે શું?
જ. 298 જીવથી જે જે કર્મો બંધાય છે, તેમાં એક પ્રકાર એવો છે કે જ્ઞાનથી, વિચારથી, પશ્ચાતાપથી કેટલાંય કર્મ નિવૃત્ત થાય. બીજો પ્રકાર એવો છે કે
જે જ્ઞાનથી ટળી ન શકે, તે કર્મની જે પ્રકારે કાળાદિ તેની સ્થિતિ છે, તેજ પ્રકારે તેને ભોગવી શકાય, સ્થિતિકાળ પ્રમાણે તે ભોગવ્યે જ છૂટકો એવા કર્મને નિકચિત કર્મ કહે છે.
સ. 299 આત્માના પ્રદેશ કેટલા છે? શરીરમાં ક્યાં છે? કર્મપુદ્ગલો આત્માના કેટલા પ્રદેશો સાથે બંધાઈ જાય છે?
જ. 299 આત્માના પ્રદેશ અસંખ્ય છે ને આખા શરીરમાં વ્યાપીને રહેલો છે. એક કપડામાં જેમ આડાને ઉભા તાર હોય છે તેમ આખા શરીરમાં આડીને ઉભી લાઈનની કલ્પના કરો. આ આડીને ઉભી લાઈન જ્યાં જ્યાં એકબીજાને કાપે છે તે દરેક બિંદુએ આત્મપ્રદેશની કલ્પના કરો. (ફક્ત સમજવા માટે આ ઉદાહરણ આપ્યું છે) જેમ દુધમાં પાણી નાખીએ તે બધા દૂધમાં ભળી જાય છે તેમ કર્મ પુદ્ગ્લો પણ આત્માના સર્વ પ્રદેશો સાથે બંધાઈ જાય છે. ફક્ત આઠ રૂચક પ્રદેશો સાથે કર્મપુદ્ગલો બંધાતા નથી.
(જુઓ સવાલ નં. 257)
સ. 300 જીવ પોતે ચેતન છે અને કર્મ જડ છે, તો પછી જીવને કર્મ વળગ્યા કેવી રીતે?
જ. 300 મન, વચન અને કાયાના હલન ચલનથી એક કષાયના ઉદયથી આત્મપ્રદેશોમાં કંપન થાય છે. તે વખતે આત્માની યોગશક્તિ ચારે તરફથી કર્મપુદ્ગલો ખેંચી લે છે. તેથી આત્મપ્રદેશ સાથે બંધ પડે છે.
ક્રોધાદિ કષાયો વડે તેમાં રસ પડે છે. યોગ તીવ્ર હોય તો કર્મવર્ગણાઓ અધિક આવે અને મંદ હોય તો ઓછી આવે. આખા લોકમાં જેટલા પણ જીવ છે. (સિદ્ધના જીવ સિવાય) તે દરેક જીવ સાથે આ રીતેજ કર્મવર્ગણાઓ ખેંચાઈ આવે છે.
147
સ. 301 કર્મના મુખ્ય ત્રણ તત્વ કયા?
જ. 301 આશ્રવ, સંવર અને નિર્જરા. આત્મામાં કર્મનું પ્રાપ્ત થવું તે આશ્રવ, આવતા કર્મને રોકવા તે સંવર અને પ્રાપ્ત થયેલા કર્મોનું નિવૃત થવું તે નિર્જરા. જેવી રીતે લોહચુંબક લોખંડની કણોને ખેંચે છે તેવી રીતે આત્મામાં રહેલા રાગદ્વેષ કર્મના પરમાણુને ખેંચે છે.
સ. 302 કર્મરૂપે રહેલા પરમાણુ કોઈ જોઈ શકે છે?
જ. 302 કર્મરૂપે રહેલા પરમાણુ કેવળજ્ઞાની ને દૃશ્ય છે. તે સિવાયને ચોક્કસ નિયમ નથી.
સ. 303 જીવ અને કર્મ એકમેક હોય તો શું જીવ તે કર્મથી મુક્ત થઈ શકે
ખરો?
જ. 303 જીવ પોતે ધારે તો કર્મથી મુક્ત થઈ શકે છે. કષાય આદિ ક્ષીણ થઈ શકે છે.
તેમજ જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધનાના બળે કર્મબંધ શિથિલ થઈ ક્ષીણ થાય છે. માટે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષના ઉપાય છે.
‘વિત્યો કાળ અનંતને, કર્મ શુભ-અશુભ ભાવ, તેહ શુભ-અશુભ છેદતાં, ઉપજે મોક્ષ સ્વભાવ.’
શુભ ભાવથી પુણ્ય કર્મ બંધાય છે. અશુભ ભાવથી પાપકર્મ. પુણ્ય કર્મ હોય કે પાપ કર્મ ફળ આપ્યા વગર એકપણ કર્મ શાંત થતું નથી. કે સરવાળા બાદબાકીનો હિસાબ પણ અહીં ચાલતો નથી. ત્રણ પુણ્યકર્મ હોયને પાંચ પાપ કર્મ. પાંચમાંથી ત્રણ કાઢી નાખો હવે બેજ ભોગવવાના રહ્યા એમ નહિ. ત્રણ પુણ્યકર્મ હોય તો એ પણ ભોગવો ને પાંચ પાપકર્મ હોય તો એ પણ ભોગવો. એ પાપકર્મ કે પુણ્યકર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે નવા પાપ-પુણ્ય કર્મના ઢગલા થઈ જાય છે. એમ કરતાં જ્યારે એકપણ પુણ્ય કર્મ સિલકમાં ન રહે અને એકપણ પાપ કર્મ સિલકમાં ન રહે ત્યારે આત્મા કર્મબંધનથી મુક્ત થાય છે. ત્યારે રહી જાય છે સંપૂર્ણ જ્ઞાન-કેવળજ્ઞાન.
સ. 304 શું જીવ ક્ષણે ક્ષણે કર્મ બંધ કરે છે?
જ. 304 હા, એવો કોઈપણ વખત જતો નહીં હોય કે જીવ કર્મનો બંધ કરતો ન હોય.
148
સ. 305 જો આમ બને તો જીવ ઉંચે વીતરાગ માર્ગની સન્મુખ ક્યારે થાય?
જ. 305 જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ જે વધુમાં વધુ ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેમાંથી ઘટીને એક સાગરોપમની સ્થિતિની અંદર આવી જાય ત્યારે જીવ વીતરાગ માર્ગની સન્મુખ થાય છે. છેવટે એક સાગરોપમની સ્થિતિ રહે ત્યાં સુધી પણ જીવને વીતરાગ માર્ગ ગમતો નથી પણ જો એક સાગરોપમમાં કેટલોક ભાગ ઓછો થાય ત્યારે વીતરાગ માર્ગની સન્મુખ થાય છે.
સ. 306 જીવ કાંઈ પણ પ્રવૃત્તિ કરે તે કર્મ બંધનું કારણ છે?
જ. 306 ના, રાગાદિ સહિત જીવ કંઈપણ પ્રવૃત્તિ કરે તો તેનું નામ કર્મ છે.
ઈંદ્રિયોની રાગદ્વેષ રહિત પ્રવૃત્તિ લાંબા કર્મબંધનું કારણ થઈ શકતી નથી.
સ. 307 ઉદીરણા એટલે શું? નિર્જરા કરવી એટલે શું?
જ. 307 સમયથી પહેલાં કર્મને ઉદયમાં લાવવા તેને ‘ઉદીરણા’ કહે છે. અને સમયથી પહેલાં તેને ખેરવી નાખવા તેને નિર્જરા કરવી કહે છે.
સ. 308 કર્મ પરમાણુ ફળ આપીને ખરી જાય કે ફળ આપ્યા વગર ખરી જાય? કેવી રીતે?
જ. 308 જો બાહ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુકૂળ હોય તો ફળ પ્રગટ કરીને ખરી જાય નહિ તો ફળ દીધા વગર ખરી જાય. કર્મનો બંધ થઈ ચૂકે ત્યાર પછી જેટલો સમય તેને પાકતાં લાગે છે તે સમયને અબાધાકાલ કહે છે. કોઈક કર્મોનો અબાધકાલ એક પલકમાત્ર તો કોઈ કર્મોનો અબાધાકાલ વર્ષોના વર્ષો, કેટલાય ભવો પણ હોઈ શકે. સામાન્ય રીતે કોઈ કર્મની એક ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિ પડી તો પાકવામાં એકસો વર્ષ લાગે. એ પ્રમાણે ઓછી સ્થિતિમાં ઓછો સમય પાકવામાં લાગે. ધારો કે કોઈએ ક્રોધ કષાય રૂપી કર્મ 48 મિનિટની સ્થિતિનું બાંધ્યું. સ્થિતિના હિસાબે એને એક મિનિટ પાકવામાં લાગી. એટલે એક મિનિટ પછી તેનો વિપાક કાળ પૂરો થશે. હવે તે કર્મની જેટલી સ્થિતિ હોય તે સ્થિતિના જેટલા સમય થાય તેટલા સમયોમાં તે કર્મનો અમુક અમુક સ્કંધ વહેંચાઈ જશે. હવે ધારો કે 4700 કર્મ છે તો તે 47 મિનિટમાં વહેંચાઈ જશે. વહેંચણીમાં પહેલા અધિક પરમાણુઓ પછી ઓછા. તે હિસાબથી પહેલી મિનીટમાં 500 પછી 400 પછી 300 એ હિસાબથી ઉદયમાં આવી ક્રોધ કષાયનો 149
સ્કંધ ખરી જશે. જો એટલીવાર કોઈ એકાંતમાં બેસીને સામાયિક કરી રહ્યો હોય તો ક્રોધનું નિમિત્ત ન હોવાથી ક્રોધના ફળને પ્રગટ કર્યા વગર એ કર્મ ખરી જાય છે.
સ. 309 એકવાર કર્મનો બંધ પડી ગયા છતાં શું એમા ફેરફાર થઈ શકે?
જ. 309 હા... જે સત્તામાં રહેલા કર્મ છે, જે હજી અબાધકાલમાં છે, જે કર્મો હજી ઉદયમાં નથી આવ્યા તેમાં ફેરફાર થઈ શકે છે. ભાવ અને વિચારથી, પરિણામો દ્વારા પહેલાના પાપ કે પુણ્યકર્મમાં પરિવર્તન થઈ શકે છે. જો ઉદયમાં આવ્યા પહેલાં રસમાં મોળાશ કરી નાખવામાં આવે તો આત્મપ્રદેશથી કર્મ ખરી જઈ નિર્જરા થાય અથવા મંદ રસે ઉદયમાં આવે.
આયુકર્મનો ઉદય આયુષ્યની શરૂઆત થઈ ત્યારથી ગણાય. એટલે હાલ ભોગવી રહેલા આયુકર્મમાં કોઈ વધઘટ ન થાય. પરંતુ આવતા ભવનું આયુકર્મ બંધાઈ ગયું હોય તેમાં ફેરફાર થઈ શકે છે. દા.ત. રાજા શ્રેણિકે
નરકના આયુષ્યની તેત્રીશ સાગરોપમની સ્થિતિ બાંધી હતી. તે ઓછી થઈને 84 હજાર વર્ષની સ્થિતિ રહી. મતલબકે અત્યારે આપણે જે ભોગવી રહ્યા છીએ એ આયુકર્મમાં કે બીજા કોઈ કર્મ જેનો ભોગવટો ચાલુ થઈ ગયો છે. તેમાં ફેરફાર ન થઈ શકે. પરંતુ આગામી ભવનું આયુકર્મ કે બીજા જે કર્મ હજી ઉદયમાં નથી આવ્યા તેમાં ફેરફાર સંભવિત છે.
સ. 310 બધા કર્મોમાં જબરજસ્ત કર્મ કયુ હશે?
જ. 310 બધા કર્મોમાં જબરજસ્ત કર્મ તે મોહનીય કર્મ છે. જીવ તેથી જ રખડે છે.
અને સાચા માર્ગમાં આવતો નથી. તેમજ સંસારની મીઠાશ છૂટતી નથી.
‘કર્મ અનંત પ્રકારના... તેમાં મુખ્યે આઠ, તેમાં મુખ્યે મોહનીય, હણાય તે કહું પાઠ... કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્રનામ... હણેબોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ... ‘
સ. 311 કર્મની વિચિત્રતા જે જગતમાં દેખાઈ રહી છે તે એકાદ ઉદાહરણ સાથે સમજાવો.
જ. 311 રાવણ, લક્ષ્મણ અને સીતાજી ત્રણેય મોક્ષગામી તીર્થંકર ‘ગણધરના જીવ હોવા છતાં કર્મની કેવી વિચિત્રતા છે તે જુઓ. સીતાજી દીક્ષા લઈ ઘોર તપ કરી બારમા દેવલોકમાં પ્રતિન્દ્ર તરીકે ઉત્પન્ન થયા. સંસારની ઈચ્છા અધૂરી માટે મોક્ષ ન પામ્યા. તે વખતે રામ મુનિ થઈ સિદ્ધપદની સાધના કરતા હતા. સીતાજીનો જીવ જે બારમા દેવલોકમાં છે. ‘રામની સાથે રહી ધર્મચર્ચા કરીશું ને તીર્થવંદના કરીશું.’ એ ઈચ્છાથી’ એ રાગથી પ્રેરાઈને રામને ધ્યાનમાંથી ચલિત કરવા સીતાનું રૂપ ધારણ કરી ઉપસર્ગ કર્યા પરંતુ રામ તો ધ્યાનમાં આગળ વધીને કેવળ જ્ઞાન પામ્યા. પોતે કેવળીની આશાતના કરી એ બદલ રામની માફી માંગી રાવણ-લક્ષ્મણ અને પોતાના ભવ વિષે પૂછે છે. લક્ષ્મણ હાલ ચોથી નરકે અને રાવણ ત્રીજી નરકે ગયાનું જાણીને રાવણ પાસે નરકમાં જઈને સમ્યક્જ્ઞાન પમાડે છે. (કોઈપણ દેવ ત્રીજી નરકથી આગળ ન જઈ શકે) હવે રાવણ - લક્ષ્મણ અને સીતાજીના આગળના ભવો જાણો. (1) રાવણ અને લક્ષ્મણના જીવો મનુષ્ય અને તિર્યંચના અનેક ભવો સુધી સીતાજીના જીવને કારણે એકબીજાને મારતા તેજ બંને નરકમાંથી નીકળી મહાપ્રીતિવંત સગા ભાઈઓ થશે. (2) ત્યાંથી દેવલોકમાં સાથે ઉત્પન્ન થશે. (3) ત્યાંથી ભોગભૂમિમાં મનુષ્ય તરીકે સાથે (4) ત્યાંથી પાછા દેવલોકમાં સાથે (5) ત્યાંથી બંને સગાભાઈ-રાજપુત્રો બનશે. દીક્ષા લેશે. (6) સાતમા દેવલોકમાં સાથે (7) હવે સીતાજીનો જીવ જે હાલ દેવલોકમાં પ્રતિન્દ્ર છે તે ત્યાંથી ભરત ક્ષેત્રમાં ચક્રવર્તી રાજા થશે. રાવણ અને લક્ષ્મણના જીવ બંને સીતાજીના જીવના ‘ઈંદ્રરથ’ ને ‘મેઘરથ’ નામના ચક્રીપુત્રો થશે. મહાધર્માત્મા થશે. પિતા-પૂત્રોને ખૂબ સ્નેહ વર્તશે. (8) સીતાજીનો જીવ અનુત્તર વિમાનમાં અહંઈંદ્ર થશે. રાવણ લક્ષ્મણના જીવ પણ અહંઈંદ્રો થશે. (9) ત્યાંથી નીકળી રાવણનો જીવ તીર્થંકર, સીતાજીનો જીવ તેમના પ્રથમ ગણધર અને લક્ષ્મણનો જીવ ઘાતકી ખંડમાં ચક્રવર્તી પદ સાથે તીર્થંકર બનશે. કેવી છે કર્મની વિચિત્રતા. જે રાવણનો જીવ તીર્થંકરે પૂજાવાનો છે તેજ રાવણના પૂતળાને આજે પણ લોકો બાળે છે જે સીતાને રાવણ ઉપાડી ગયો હતો. એ જ બંનેના જીવ પિતા-પુત્ર... !
સ. 312 આત્મા આટલા હિમાલય જેટલા કર્મોના ઢગલા લઈને ફરે છે તે કેવી રીતે ? તે કર્મો ક્યારે ભોગવટામાં આવે ? એકાદ ઉદા. સાથે કહો.
જ. 312 માણસ સવારે ઉઠે ત્યારથી રાત્રે સૂઈ જાય ત્યાં સુધીમાં મન-વચનને કાયાથી જે જે કર્મ કરે છે તેમાંથી અમુક કર્મ એવા છે કે તરત ફળ આપીને શાંત થઈ જાય અને અમુક કર્મને પાકીને ફળ આપતાં સમય લાગે. દા.ત. તમને તરસ લાગી, પાણી પીધું. તમે પાણી પીવાનું કર્મ કર્યું, તરસ મટી ગઈ કર્મ ફળ આપીને શાંત થઈ ગયું. આ સ્થૂળ કર્મ થયું પરંતુ પાણી પીતાં પીતાં રાગદ્વેષના જે ભાવ નાખ્યા, જેવા કે ‘આ પાણી બહુ સરસ છે, મીઠું છે અથવા તો ઠંડુ છે, બહું ભાવ્યું, ના ભાવ્યું, મોઢામાં પેસે તેવું નથી વગેરે...’ આ સૂક્ષ્મ કર્મ આત્મા સાથે ચોંટી જાય છે. કેમકે તેમાં રાગ-દ્વેષનો ભાવ ભળ્યો. કેટલાક કર્મ એવા કરીએ છીએ કે જે બીજા બધા અનુકૂળ સંજોગો ન હોવાને કારણે સંચિતમાં જમા થાય છે. દા.ત. રાજા દશરથે શ્રવણનો વધ કર્યો ત્યારે તેના પુત્રના વિરહથી મરતાં મરતાં તેના મા-બાપે રાજા દશરથને શ્રાપ દીધો કે તારૂં મૃત્યુ પણ પુત્રના વિરહથી થશે. પણ રાજા દશરથનું આ કર્મ તાત્કાલિક ફળ કેવી રીતના આપી શકે? કારણકે ત્યારે તો તેમને એક પણ પુત્ર ન હતો. માટે આ કર્મ સંચિતમાં પડ્યું રહ્યું. કાળે કરીને રાજાને ચાર પુત્રો થયા. મોટા થયા, પરણાવ્યા.
રામના રાજ્યાભિષેકનો દિવસ આવ્યો ત્યારે પેલું સંચિત કર્મ ફળ આપવા હાજર થયું અને રાજાને મૃત્યુનું ફળ અપાવીને શાંત થયું. આમ સંચિત થયેલા કર્મ 50 વર્ષે કે પચાસ ભવે કે લાખો ભવે પણ ઉદયમાં આવે.
આવા અનેક સંચિત કર્મ જીવની પાછળ પડયા છે. દાત. આજે આખા દિવસમાં 1000 કર્મ કર્યા જેમાં 900 કર્મ એવા છે જે ફળ આપીને શાંત થઈ ગયા પણ 100 કર્મ એવા છે જે સંચિતમાં જમા થાય. એમાં દરરોજ થોડા કાંઈ ભોગવાતા જાય, બીજા ઉમેરાતા જાય એમ આખા જન્મમાં કેટલાયે કર્મ આત્માની સાથે જમા થઈ જાય આવા અનેક જન્મોના અસંખ્ય કર્મોના ઢગલા જીવ સાથે લઈને ફરે છે જેની ગંભીરતાથી વિચારણા કરશો તો ધ્રુજી ઉઠશો.
સ. 313 પ્રારબ્ધ કર્મ કોને કહે છે?
જ. 313 અનાદિકાળથી જન્મજન્માંતરના કરોડો સંચિત કર્મમાંથી જે કર્મો પાકીને ફળ આપવા તૈયાર થાય તેવા પ્રારબ્ધ કર્મોને ભોગવવાને અનુરૂપ જ દેહ, આરોગ્ય, સ્ત્રી, પુત્રાદિક, સુખ, દુઃખ વગેરે આ જન્મમાં આવીને મળે છે.
અને તે પ્રારબ્ધ કર્મ પૂરેપૂરા ભોગવ્યા સિવાય દેહ છૂટતો નથી. પાછો જે બીજા સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થયા હોય તે પ્રારબ્ધકર્મના ફળ ભોગવવા બીજો જન્મ મળે છે. આમ જીવ વારંવાર જન્મ મરણના ચકકરમાં ભમ્યા કરે છે. આમ ગત જન્મોનો પુરૂષાર્થ આ જન્મનું પ્રારબ્ધ બને છે. આ જન્મોનો પુરૂષાર્થ ભાવિ જન્મોનું પ્રારબ્ધ બને છે.
152
સ. 314 પ્રારબ્ધમાં હોય તેમ થાય છે, તો પછી પુરૂષાર્થની શું જરૂર ?
જ. 314 પુરૂષાર્થ કર્યા વિના પ્રારબ્ધની ખબર ન પડી શકે. મનુષ્યભવ મળ્યો છે તે પ્રારબ્ધ છે. જીવે પુરૂષાર્થ કરેલો, પુણ્યાદિ બાંધેલા તે અત્યારે પ્રારબ્ધના નામથી ઓળખાય છે. તે તે ભવમાં તેનું નામ પુરૂષાર્થ હતું. માત્ર કાળભેદ છે. પહેલાના પુરૂષાર્થના ફળને અહીં પ્રારબ્ધ કહે છે. માટે નિષ્કામ પુરૂષાર્થ કરવો. પ્રારબ્ધને સમતા ભાવે ભોગવવું (વેદવું) એ મોટો પુરૂષાર્થ છે.
સ. 315 એક આત્મા મોક્ષે ગયો ત્યારે બીજો કોઈ નહિ પણ આપણો જ આત્મા નિગોદમાંથી બહાર નીકળ્યો તેનું કારણ ફક્ત ભવિતવ્યતા (નિયતિ, હોનહાર) જ ને?
જ. 315 વિશ્વમાં કોઈપણ કાર્ય કારણ વિના થતું નથી. દરેક કાર્યમાં પાંચ કારણો ભાગ ભજવે છે. જેમાં એક મુખ્ય હોય તો બીજા ચાર ગૌણ પણે હોય છે.
પરંતુ પાંચેય સાથેજ હોય. તેને પાંચ સમવાય પણ કહે છે. (1) નિયતિ (2) સ્વભાવ (3) કાળ (4) કર્મ (5) પુરૂષાર્થ. નિગોદમાંથી જીવનું બહાર નિકળવાનું મુખ્ય કારણ ભવિતવ્યતા છે. પરંતુ બાકીના ચાર ગૌણ પણે છે જ. નિગોદના જીવને ભલે મન ન હોય પરંતુ જ્યાં જ્યાં જીવદ્રવ્ય છે. ત્યાં ત્યાં શુભ-અશુભ ભાવનું પરિણમન ચાલુ જ છે. (સિવાય કે
સિદ્ધના જીવ). નિગોદમાં પણ એક શરીરમાં અનંતા જીવોને જે એકી સાથે રહેવાનું છે તેમાં સહન કરવાનું તો છે જ. તેમાં ન અકળાય તે વધારે કર્મો ખપાવી શકે. એજ નિગોદના જીવનો પુરૂષાર્થ છે. આમ ભવિતવ્યતા મુખ્ય કારણ અને બાકીના ચારગૌણ કારણ બને છે. પાંચે સમવાય સિવાય કોઈ કાર્ય બની શકતું નથી.
સ. 316 આપણો મોક્ષ કયારે છે તે તો કેવળીના જ્ઞાનમાં આવી ગયેલું જ છે પછી પુરૂષાર્થ કરવાની શું જરૂર છે?
જ. 316 જિનેશ્વરના ઉપદેશ અનુસાર જે યથાર્થ પુરૂષાર્થ કરે છે તેને સર્વકારણો આવી મળે છે. જીવને કાળલબ્ધિ, ભવિતવ્ય, કર્મના ઉપશમ આદિ મેળવવાના હોતા નથી, પણ જ્યારે જીવ સ્વભાવ સન્મુખ પુરૂષાર્થ કરે છે.
ત્યારે તે કારણો આવી મળે છે. એનો અર્થ એ થયો કે પાંચેય કારણના સમન્વય વગર કોઈ કાર્ય થતું નથી. પાંચેય કારણનો સમન્વય એ રીતના પરિણમતા, પરિણમતા.. એજ રીતના આપણો મોક્ષ થશે જે કેવળીના જ્ઞાનમાં આવ્યું છે. મતલબ કે પાંચેય કારણો અને કેવળીના જ્ઞાનમાં જોવાયેલું બંને એક સિક્કાની બે બાજુ જ છે.
153
સ. 317 સંઘયણ એટલે શું? તે કેટલા છે? કયા કયા?
જ. 317 સંઘયણ એટલે શરીરનો બાંધો. શરીરમાં હાડકાની વિશિષ્ટ રચના દ્વારા પેદા થયેલી શારીરિક મજબુતાઈ - તે છ પ્રકારના છે. (1) વજ્રૠષભ નારાચ સંઘયણ (2) ૠષભનારાચ (3) નારાચ (4) અર્ધ નારાચ (5)
કીલિકા (6) છેદ-સ્પૃષ્ટ (છેવઠ્ઠું). સંઘયણ મનુષ્ય અને તિર્યંચને જ હોય.
નારક અને દેવોને ન હોય. મોક્ષે ફક્ત પહેલા સંઘયણ વાળાજ જઈ શકે, તે સિવાયના સંઘયણ વાળા નહિ. કારણકે તેમની પાસે જરૂરી બળ કે
માનસિક ધૃતિ નથી. ઉપર પાંચ અનુત્તર વિમાન કે નીચે સાતમી નરકમાં ફક્ત પહેલા સંઘયણ વાળાજ જઈ શકે. પહેલા કરતાં બીજુ ઉતરતું, બીજા કરતાં ત્રીજું એમ ઉતરતી શક્તિ વાળું આપણને બધાને છઠ્ઠુ સંઘયણ છે.
માટે આ પાંચમાં આરામાં જન્મેલો કોઈ આ શરીરદ્વારા, આ સંઘયણ દ્વારા મોક્ષમાં જઈ શકે નહિ. દરેક તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બલદેવને પહેલું સંઘયણજ હોય. 1 થી 3 આરામાં પહેલું જ સંઘયણ, ચોથા આરામાં ને પાંચમો બેસતા આરામાં છ એ છ સંઘયણ, તે પછીનો પાંચમો ને છઠ્ઠા આરામાં છેવઠ્ઠું જ સંઘયણ હોય. પહેલા સંઘયણવાળા નીચે 1 થી 7 નરક સુધી, બીજાવાળા છઠ્ઠી નરક સુધી, ત્રીજાવાળા પાંચમી નરક સુધી, ચોથાવાળા ચાર નરક સુધી, પાંચમાવાળા ત્રણ નરક સુધી અને છેલ્લા સંઘયણવાળા બીજી નરક સુધી જ જાય. એટલે આપણે પાંચમા આરાવાળા પહેલી કે બીજી નરક સુધી જાય. તેવી રીતે આપણે છેલ્લા સંઘયણવાળા ઉપર ચોથા દેવલોક સુધીજ, પાંચમા સંઘયણવાળા છઠ્ઠું દેવલોક, ચોથાવાળા આઠ દેવલોક, ત્રીજાવાળા બાર દેવલોક, બીજાવાળા નવગ્રૈવેયક સુધી અને પહેલા સંઘયણવાળા અનુત્તર વિમાન તથા મોક્ષ સુધી જઈ શકે છે.
સ. 318 દરેક સંઘયણ કેવું હોય તે જણાવો.
જ. 318 (1) વજ્રૠષભ નારાચ સંઘયણ ઃ જ્યાં બંને હાડકાનું જોડાણ હોય ત્યાં જેમ આપણે અદબ વાળીએ ત્યારે હાથ એકબીજા ઉપર ચડેલા હોય તેમ બંને હાડકા એકબીજાની ઉપર ચડેલા હોય. વચ્ચે હાડકાનો જ પાટો ને પાટાની વચ્ચે હાડકાનો જ ખીલો એવી મજબુતાઈ બે હાડકાના જોડાણમાં હોય. કહે છે, છ મહિના સુધી આ હાડકાને પથ્થરથી કચડો ત્યાંરે આ હાડકા તૂટે.
(2) ૠષભનારાચ ઃ ખીલા સિવાયની ઉપર જણાવેલી મજબૂતાઈ
(3) નારાચ ઃ ખીલા અને પાટા સિવાયની મજબૂતાઈ
(4)અર્ધનારાય ઃ ખીલો નહિ, પાટો નહિ, બંને હાડકા એકબીજા પર ચડેલા નહિ. ફક્ત એકજ બાજુનું હાડકું બીજા પર ચઢેલું હોય (અડધી અદબ જેવું)
(5) કીલિકા ઃ બે હાડકાના છેડા અડાડીને ખીલી લગાડીને જે મજબૂતાઈ થાય તે
(6) બંને છેડા માત્ર સ્પર્શેલા હોય તેવી મજબૂતાઈ. જરા હાથ ખેંચોને ઉતરી જાય. પડો તો તરત ફેક્ચર થઈ જાય તેવું નબળું સંઘયણ આપણને બધાને આ છેલ્લું-છેવઠ્ઠું-સંઘયણ છે. વારંવાર સેવા કરવી પડે તેથી સેવાર્ત પણ કહેવાય છે. ઉપશમ શ્રેણી ફક્ત પહેલા ત્રણ સંઘયણવાળા જ માંડી શકે. ક્ષપકશ્રેણી માંડીને મોક્ષ માત્ર પહેલા સંઘયણવાળા જ જઈ શકે.
સ. 319 સંસ્થાન એટલે શું? તેના દરેક પ્રકાર સમજાવો.
જ. 319 સંસ્થાન એટલે શરીરનો બાહ્ય આકાર, દેખાવ. અસંખ્ય સંસ્થાનોને છ ગ્રુપમાં ગોઠવી દીધા છે.
(1) સમચતુરસ સંસ્થાન ઃ જે શરીરના બધા જ અવયવો પ્રમાણસર હોય તે પ્રથમ સમચતુરસ સંસ્થાન કહેવાય. પદ્માસન અવસ્થામાં એક ઢીંચણથી બીજા ઢીંચણનું માપ, ડાબા ઢીંચણથી જમણા ખભાનું, જમણા ઢીંચણથી ડાબો ખભો અને વચ્ચેથી લલાટ સુધીના ચાર છેડા જેના શરીરમાં સરખા હોય તે પ્રથમ સંસ્થાન કહેવાય. બધાજ દેવો, તીર્થંકરો, ચક્રવર્તી વગેરેને આ સંસ્થાન જ હોય.
(2) ન્યગ્રાધે્ા પરિમંડળ સંસ્થાન ઃ જે શરીરનો નાભીથી ઉપરનો ભાગ પ્રમાણસર સુંદર હોય પણ નીચેના અવયવો પ્રમાણ વિનાના નાના મોટા હોય
(3) શાચી સંસ્થાન ઃ નાભિથી નીચેના અવયવો પ્રમાણસર હોય ને ઉપરના અવયવો પ્રમાણ વિનાના હોય તે
(4) વામન સંસ્થાન ઃ હાથ, પગ, માથું, પેટ પ્રમાણસર હોય પણ બાકીના અવયવો બેડોળ હોય
(5) કુબ્જ સંસ્થાન ઃ જેના છાતી પીઠ કમ્મર વગેરે પ્રમાણસર હોય અને પગ, હાથ, માથું વગેરે બેડોળ હોય
(6) હુંડક સંસ્થાન ઃ હુંડક એ ભુંડુ. જેના એકેય અવયવોના ઠેકાણા ન હોય તેવું આ હુંડક સંસ્થાન આપણને બધાને છે. સાવ કદરૂપું શરીર મળ્યું છે પછી રૂપનો અહંકાર શી રીતે કરી શકાય? તેમાં પાગલ શું થવાનું? સંસ્થાન જાણ્યા પછી કોઈનું રૂપ-દેખાવ સારો ન હોય તો મેણાટોણા ન મારવા, તેના પ્રત્યે દુર્ભાવ ન કરવો, કે પોતાને રૂપ સારૂં ન મળ્યું હોય તો લઘુતા ગ્રંથિથી પીડાવું નહિ, સંસ્થાન કર્મને નજરમાં લાવી, સમાધિ, પ્રસન્નતા અને સ્વસ્થતા ધારણ કરવી. છ એ છ સંસ્થાનવાળા મોક્ષ પામી શકે છે. મોક્ષમેળવવા શારીરિક-માનસિક બળની જરૂર છે, આત્માનાગુણની જરૂર છે નહિ કે દેખાવની.
સ. 320 ઉત્સર્પિણીકાળ અને અવસર્પિણી કાળના છ એ છ આરાના નામ કહો.
જ. 320
ઉત્સર્પિણી કાળ |
અવસર્પિણી કાળ |
આરાના નામ |
આરાના કાળ |
6ઠ્ઠો |
1લો |
સુષમ-સુષમ |
4 ક્રોડાક્રોડી સાગરોપમ |
5મો |
2જો |
સુષમ |
3 ક્રોડાક્રોડી સાગરોપમ |
4થી |
3જો |
સુષમ- દુષમ |
2 ક્રોડાક્રોડી સાગરોપમ |
3જો |
4થો |
દુઃષમ-સુષમ |
1 ક્રોડાક્રોડી સાગરોપમમાં 42,000 વર્ષ ઓછા |
2જો |
5મો |
દુઃષમ |
21 હજાર વર્ષ |
1લો |
છઠ્ઠો |
દુઃષમ–દુઃષમ |
21 હજાર વર્ષ |
|
|
|
કુલ 10 ક્રોડાક્રોડી સાગરોપમ |
સ. 321 અવસર્પિણી તથા ઉત્સર્પિણી એટલે શું?
જ. 321 અવસર્પિણી એટલે આરાની ઘટતી દશા. અવસર્પિણી કાળમાં દિવસે દિવસે શુભ ભાવોની હાનિ થાય છે. ઉત્સર્પિણી કાળમાં દિવસે દિવસે શુભ ભાવોની વૃદ્ધિ થાય છે. દસ ક્રોડાક્રોડી સાગરોપમનો એક અવસર્પિણી કાળ અને દસ ક્રોડાક્રોડી સાગરોપમનો એક ઉત્સર્પિણી કાળ હોય છે. બંને મળીને વીસ ક્રોડાક્રોડી સાગરનું એક ‘કાળચક્ર’ કહેવાય. આપણે અત્યારે અવસર્પિણી કાળના પાંચમાં આરામાં છીએ.
સ. 322 ક્રોડાક્રોડી સાગરોપમ એટલે કેટલા વર્ષ ?
જ. 322 ચોરાશી લાખ વર્ષે એક પૂર્વાંગ થાય. ચોરાશી લાખ પૂર્વાંગે એક પૂર્વ થાય.
(7056000 કરોડ વર્ષ) એવા અસંખ્યાતા પૂર્વનો એક પલ્યોપમ, દસ ક્રોડાક્રોડી પલ્યોપમનો એક સાગરોપમ. (ક્રોડને ક્રોડ ગુણા કરીએ ત્યારે ક્રોડાક્રોડ થાય) હવે વિચાર કરો એક ક્રોડાક્રોડ સાગરોપમ એટલે કેટલા અનંતા વર્ષ. જેવી રીતે સાગરમાં જળના બિંદુઓ અપાર હોય છે. તેવી રીતે સાગરોપમના વર્ષ પણ અપાર હોય છે.
156
સ. 323 અવસર્પિણીનો પહેલો અને બીજો આરો સમજાવો.
જ. 323 પહેલો આરો 4 ક્રોડાક્રોડ સાગર તથા બીજો 3 ક્રોડાક્રોડ સાગરનો જાણવો. પહેલો આરો અતિસુંદર અને બીજો સુંદર જાણવો. પહેલો આરો બેસતાં 3 ગાઉનું શરીર અને 3 પલ્યોપમનું આયુષ્ય જાણવું. પહેલો આરો ઉતરતાને બીજો આરો બેસતા 2 ગાઉનું શરીરને 2 પલ્યોપમનું આયુષ્ય તથા બીજો આરો ઉતરતા એક 5લ્યોપમનું આયુષ્ય અને 1 ગાઉનું શરીર જાણવું. બંને આરામાં પહેલું સંઘયણ અને પહેલું સંસ્થાન જાણવું. પહેલા આરામાં શરીરમાં 256 પાંસળીને ઉતરતા 128 પાંસળીઓ, બીજા આરામાં 128 પાંસળીઓને ઉતરતા 64 પાંસળીઓ જાણવી. પહેલા આરામાં ત્રણ દિવસને બીજામાં બે દિવસે આહારની ઈચ્છા થાય. જમીનની સરસાઈ પહેલો આરો બેસતા સાકર જેવી ઉતરતા ખાંડ જેવી, બીજો આરો બેસતા ખાંડ જેવીને ઉતરતા ગોળ જેવી જાણવી. બંને આરામાં દસ પ્રકારના ક્લ્પવૃક્ષ મનવાંછિત સુખ આપે - બંને આરામાં જુગલીયા જ જન્મે, જુગલીઆના આયુષ્યના છ માસ બાકી રહે તે વખતે પરભવનું આયુષ્ય બાંધે. ત્યારે જુગલાણી એક જોડું પ્રસવે. તે જોડાની લાલના પાલના પહેલા આરામાં 49 દિવસ અને બીજા આરામાં 64 દિવસ કરે. જુગલ-જુગલાણીને ક્ષણ માત્રનો વિયોગ ન પડે. તેમને છીંક, બગાસુ કે ઓડકાર આવે ત્યારે મરીને દેવગતિમાં જ જાય. બીજી કોઈ ગતિમાં જાય જ નહિ. ગતિ એક દેવની જ. આ બંને આરાને વિશે, વેરઝેર નહિ, ઈર્ષ્યા નહિ, ઘડપણ નહિ, રોગ નહિ, કુરૂપ નહિ, પરિપૂર્ણ અંગ-ઉપાંગ હોય. આ આરામાં ધર્મ ન હોય. પૂર્વભવનું દાનપુણ્યના ફળ ભોગવીને પૂરા કરે.
સ. 324 ત્રીજો આરો ‘સુષમ-દુઃષમ’ વિષે સમજાવો.
જ. 324 સુષમ-દુઃષમ એટલે સુંદરતા ઘણી, વિષમતા થોડી. આ આરો બે ક્રોડાક્રોડી સાગરોપમનો 1 ગાઉનું શરીર અને 1 પલ્યોપમનું આયુષ્ય, ઉતરતા આરે પાંચસો ધનુષ્યનું શરીર અને ક્રોડપૂર્વનું આયુષ્ય આ આરામાં 64 પાંસળી અને ઉતરતે આરે 32 પાંસળી હોય. આ આરામાં બધાને પહેલું સંઘયણને પહેલું સંસ્થાન હોય. ઉતરતે આરે છ એ છ સંઘયણ ને છ સંસ્થાન જાણવા. બાકી બધુ બીજા આરા જેવું જાણવું.
આયુષ્ય પુરૂ થવાને છ માસ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે. ત્યારે જુગલાણી એક જોડું પ્રસવે. તે જોડાની લાલન પાલન 79 દિવસ કરે.
ત્રીજો આરો પૂરો થવાને 84 લાખ પૂર્વ, 3 વર્ષ અને 8ાા મહિના બાકી રહ્યા. ત્યારે ૠષભદેવ દાદાનો જન્મ. ૠષભદેવ સ્વામી એ જુગલીઆ ધર્મ નિવારીને અસિ, મસી, કૃષિ આદિ બોંતેર કળા પુરૂષને શીખવી અને સ્ત્રીઓને 64 કળા શીખવી. ભગવાન વીસ લાખ પૂર્વ સુધી કુંવારા રહ્યા. 63 લાખ પૂર્વ રાજ્ય પાળ્યું. પછી પુત્ર ભરતને રાજ્ય સોંપી 4000 પુરૂષ સાથે દીક્ષા લીધી. પછી એક હજાર વર્ષે કેવળજ્ઞાન ઉપજ્યું. કુલ એક લાખ પૂર્વનો સંયમ પાળીને મોક્ષે પધાર્યા. જુગલીઆ ધર્મ નિવાર્યા પછી પાંચમી ગતિ જાણવી.
સ. 325 ચોથા આરા વિષે જણાવો.
જ. 325 ચોથો આરો દુઃષમ-સુષમ એટલે વિષમતા ઘણી અને સુંદરતા ઓછી. આરાની શરૂઆતમાં 500 ધનુષ્યનું શરીર અને ક્રોડપૂર્વનું આયુષ્ય, ઉતરતા આરે સાત હાથનું શરીર અને બસોમાં થોડું ઉણું આયુષ્ય. શરીરમાં 32 પાંસળીઓ અને ઉતરતા આરે 16 પાંસળીઓ જાણવી. આ આરામાં છ એ છ સંઘયણ અને છ એ છ સંસ્થાન જાણવા. દરરોજ આહારની ઈચ્છા થાય. જમીનની સરસાઈ સારી જાણવી. ઉતરતે આરે ઓછી જાણવી. આ આરાને વિષે પંચોતેર વરસ અને સાડા આઠ મહિના બાકી રહે ત્યારે 24મા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ. ત્રીસ વર્ષ સંસારમાં રહ્યા.
સાડાબાર વર્ષને એક પખવાડીયા લગી સખત જપ, તપ, ધ્યાન ધરીને કેવળ પ્રાપ્ત કર્યું. 29 વર્ષને સાડા પાંચ મહિના કેવળપણે વિચર્યા. 72 વર્ષે મોક્ષે પધાર્યા તે પછી 12 વર્ષે ગૌતમસ્વામી, તે પછી 8 વર્ષે સુધર્મા સ્વામી તે પછી 44 વર્ષે જંબૂસ્વામી મોક્ષે પધાર્યા. આમા મહાવીરસ્વામી પછી પાંચમાં આરામાં 64 વર્ષ સુધી કેવળ જ્ઞાન રહ્યું પછી વિચ્છેદ ગયું.
ચોથા આરામાં જન્મેલ હોય તે પાંચમાં આરામાં મોક્ષે જાય પણ પાંચમાં આરામાં જન્મેલ હોય તે પાંચમા આરામાં મોક્ષે જાય નહિ. ચોથા આરાને વિષે પણ પાંચ ગતિ જાણવી.
સ. 326 પાંચમા આરા વિષે જણાવો. આપણે અત્યારે કયા આરામાં છીએ?
જ. 326 ચોથો ઉતરીને પાંચમો બેસે ત્યારે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યવ અનંત અનંત હીણા થાય. 21000 વર્ષનો આરો દુઃષમ એટલે એકલી વિષમતા. આરાની શરૂઆતમાં સાત હાથનું શરીર અને 200 વર્ષમાં ઉણુ આયુષ્ય, ઉતરતા આરે એક હાથનું શરીર અને 20 વર્ષનું આયુષ્ય જાણવું. શરીરમાં 16 પાંસળીઓ અને ઉતરતા આરે 8 પાંસળીઓ જાણવી. આરાની શરૂઆતમાં છ સંઘયણ, છ સંસ્થાન ઉતરતે આરે છેવટુ (સેવાર્ત) સંઘયણને હૂંડ સંસ્થાન જાણવું. આ આરાને વિષે ચાર ગતિ જાણવી. (પાંચમી મોક્ષ ગતિમાં ન જાય) પાંચમા આરાને અંતે ચાર જીવ એકાવતારી થશે. (આ વાત સિદ્ધાંતમાં નથી, ગ્રંથની છે ને ચર્ચાસ્પદ છે.) તે ચાર જીવમાં (1) દુપ્પસહ નામે આચાર્ય (2) ફાલ્ગુની નામે સાધ્વી (3) જિનદાસ નામે શ્રવક (4) નાગશ્રી નામે શ્રાવિકા. પાંચમા આરાના અંતિમ દિવસે આ ચારેય જીવ સર્વને ખમાવી નિઃશલ્ય થઈ અનસન કરશે. સમાધિ પરિણામે કાળ કરીને પહેલા દેવલોક જશે. ત્યારે ચાર વસ્તુ વિચ્છેદ જશે (1) જૈન ધર્મ (2) મિથ્યાત્વીનો ધર્મ (3) રાજનીતિ (4) બાદર અગ્નિ.
સ. 327 છઠ્ઠો આરો બેસતા શું થશે?
જ. 327 તે વખતે સંવર્તકને મહાસંવર્તક નામે વાયરો થશે. તેને લીધે પર્વત, ગઢ, વાવ, કુવા સર્વ સ્થાનક નષ્ટ થશે. માત્ર (1) વૈતાઢય પર્વત (2) ગંગાનદી (3) સિંધુનદી (4) ૠષભકૂટ (5) લવણની ખાડી એ પાંચ સ્થાનક રહેશે.
સ. 328 છઠ્ઠા આરા વિષે જણાવો.
જ. 328 છઠ્ઠો આરો 21000 વર્ષનો દુઃષમ દુઃષમ એટલે ઘણો ભયંકર, ઘણો ત્રાસ દાયક. આરાની શરૂઆતમાં એક હાથનું શરીર, 20 વર્ષનું આયુષ્ય, ઉતરતે આરે મૂંઢા હાથનું શરીર, 16 વર્ષનું આયુષ્ય, બેસતા આરે આંઠ પાંસળી ઉતરતે આરે ચાર પાંસળી, છેવટું સંઘયણ, હૂંડક સંસ્થાન. છ વર્ષની સ્ત્રી ગર્ભધારણ કરશે. તે કાળા, કુદર્શની, રોગી, રિસાળ, નખ અને કેશ ઘણાં એવા છોકરા પ્રસવશે, પરિવાર સાથે ફેરવશે. ગંગા અને સિંધુ નદીમાં વૈતાઢય પર્વના મૂળે 72 બીલ્લ હશે. તેમાં મનુષ્ય, તિર્યંચ, પક્ષી દિવસે ભરાઈ રહેશે. નદીનો પટ રથના ચીલા જેટલો પહોળો અને ગાડાની ધરી ડૂબે એટલું જ ઉંડું પાણી હશે. તેમાં મચ્છ, કચ્છ ઘણા થશે. તે બોત્તેર બીલના મનુષ્યો સાંજેને સવારે મચ્છ, કચ્છ કાઢીને રેતીમાં ભારશે. સૂર્ય અતિશય તપશે. ટાઢ ઘણી પડશે. તેથી સીઝવાઈ જશે અને તેનો મનુષ્ય આહાર કરશે. તેના હાડકા, ચામડા, તિર્યંચ ચાટીને રહેશે.મનુષ્યના માથાની ખોપરીમાં પાણી લાવીને પીશે. એ રીતે એકવીસ હજાર વર્ષ પૂરા કરશે.
સ. 329 આ જે આરા વિષે જણાવ્યું તે અવસર્પિણી કાળના, પણ ઉત્સર્પિણી કાળના આરા કેવા હશે?
જ. 329 અવસર્પિણીના છઠ્ઠા આરા જેવો ઉત્સર્પિણીનો પહેલો, તે પ્રમાણે પાંચમાં જેવો બીજો, ચોથા જેવો ત્રીજો, ત્રીજા જેવો ચોથો, બીજા જેવો પાંચમો ને પહેલા જેવો ઉત્સર્પિણીનો છઠ્ઠો આરો જાણવો. વિશેષતા એટલી કે ઉત્સર્પિણી કાળના (1) બીજા આરાની શરૂઆતમાં 7 દિવસ પુષ્કર વરસાદ પડે છે. પછી 7 દિવસ વર્ષા બંધ રહે છે. એમ અનુક્રમે 7-7 દિવસ દૂધ, ઘી, અમૃત રસનો વરસાદ વરસે છે. જેનાથી પૃથ્વી રસકસ વાળી બની ફળફૂલ, વૃક્ષોથી છવાઈ જાય છે. ત્યારે બિલમાં રહેલ માનવો બહાર નીકળી વનસ્પતિ જોઈ માંસાહાર ન જ કરવાનો નિયમ કરે છે. (2) ઉત્સર્પિણીના ત્રીજા આરામાં 3 વર્ષને સાડા આઠ મહિના વીત્યા બાદ પહેલા તીર્થંકરનો જન્મ થશે તેમનું આયુષ્ય વગેરે બધું ભગવાન મહાવીર જેટલું હશે. ત્યારબાદ 22 તીર્થંકરો ક્રમથી થશે. (3) ચોથા આરાના 3 વર્ષને સાડાઆઠ મહિના વીત્યાબાદ. 24મા તીર્થંકરનો જન્મ થશે તેમનું આયુષ્ય વગેરે બધું દાદાૠષભદેવ જેવું હશે. પરંતુ તે શિલ્પકળા આદિ શિક્ષા આપશે નહી. કારણકે તે શિક્ષા આગળથી ચાલી આવતી હશે. તેમના મોક્ષગયા પછી રાજધર્મને ચરિત્ર ધર્મ વિચ્છેદ થશે. પછી અકર્મભૂમિ જેવો જુગલીયા કાળ રહેશે.
સ. 330 30 અકર્મભૂમિ, 56 અંતરદ્વીપ તથા મહાવિદેહ ક્ષેત્રમાં કેવા આરા હોય છે?
જ. 330 દેવકુરૂ - ઉત્તરકુરૂમાં સદાકાળ અવસર્પિણીના શરૂઆતના પહેલા આરા જેવા ભાવ, હરિવાસ, રમ્યક્વાસમાં બેસતા બીજા આરા જેવો, હેમવય, હિરણ્યવયમાં બેસતા ત્રીજા આરા જેવા ભાવો, છપ્પન અંતર દ્વીપમાં ઉતરતા ત્રીજા આરા જેવા (જુગલ કાળ જેવા કર્મભૂમિ જેવા નહિ) ભાવો વર્તે છે. મહાવિદેહ ક્ષેત્રમાં સદાકાળ ચોથા આરા જેવા ભાવો વર્તે છે. એટલે તે ક્ષેત્રોમાં છ આરા, કાળચક્ર નથી.
સ. 331 દરેક આરાના ભોજન સમય કહો. (અવસર્પિણીના)
જ. 331 પહેલા આરામાં ત્રણ દિવસને આંતરે, બીજા આરામાં બે દિવસને આંતરે, ત્રીજા આરામાં એક દિવસને આંતરે ને ચોથા આરામાં એક દિવસમાં એક વખત ભોજનની ઈચ્છા થતી. ચોથા આરામાં એક ઘરમાં 28 પુરૂષ અને 32 સ્ત્રી હોય તો તે ઘર ગણતરીમાં લેવાતું અને સાઠ માણસોની રસોઈની તૈયારી કરતાં સહેજે બે પહોર દિવસ વીતી જતો. માણસો એકજ વખત ભોજન લેતા. સાધુઓ ત્રીજા પહોરે ભિક્ષા લેવા જતા.
સ. 332 અત્યારે આ પાંચમા આરામાં કેવું વર્તન હશે તે બાબત સત્પુરૂષોએ શું કહ્યું છે?
જ. 332 નિર્ગ્રંથ પ્રવચન પરથી મનુષ્યની શ્રદ્ધા ઓછી થતી જશે. ધર્મના મૂળ તત્ત્વોમાં મતમતાંતર વધશે. દંભી અને પાપિષ્ટ ગુરૂઓ પૂજ્ય થશે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. આત્મિક જ્ઞાનના ભેદો હણાતા જશે. હેતુ વગરની અજ્ઞાન ક્રિયા વધતી જશે. એકાંતિક પક્ષો સત્તાધિસ થશે. શૃંગારથી ધર્મ મનાશે. સંસારી સાધનોને ધર્મ ઠરાવશે. માનવોની સદ્વૃત્તિઓ ઘટતી જશે. રાજનેતાઓ કર્મ અને ખરી રાજનીતિ ભૂલી જશે. જેમ લુંટાશે તેમ પ્રજાને લૂંટશે. નિર્માલ્ય રાજાઓને મંત્રીઓ વેશ્યામાં મોહ પામી અકૃત અને ભયંકર કૃત્યો કરતાં અટકશે નહિ. માતા કરતાં પત્નીમાં ને પિતા કરતાં પુત્રમાં પ્રેમ વધશે. સ્નાનથી પવિત્રતા ગણાશે.
ધનથી ઉત્તમકુળ ગણાશે. ગુરૂથી શિષ્યો આગળ ચાલશે. મનુષ્ય શુદ્ધ ધર્મત્વમાં શ્રદ્ધાવાન નહી થઈ શકે, સંપૂર્ણ તત્વજ્ઞાન નહી પામી શકે. સારા કૂળની સ્ત્રી લજ્જા રહિત, વેશ્યા સરખી થશે. દુર્જન લોકો સુખી થશે, સજ્જન લોકો દુઃખી થશે. શિષ્ય ગુરૂના અને સંતાનો મા-બાપના અપવાદ બોલશે. આચાર્યો પોતાના ગચ્છની પરંપરા, સમાચારી જુદી પ્રવર્તવશે તેમાં જ રાચશે. અન્યાય, અધર્મને કુવ્યસનમાં ઘણા રાચશે. આ આરાને વિષે જેમ જેમ કાળ વીતતા ધન સર્વ વિચ્છેદ જશે. ફક્ત લોઢાની ધાતુ રહેશે. ચામડાની મહોરો ચાલશે, તે ધનવંત કહેવાશે. એક ઉપવાસ માસક્ષમણ સરખો લાગશે. ઉતરતે આરે મહદ્ અંશે જ્ઞાન વિચ્છેદ થશે.
સ. 333 જ્ઞાનના પ્રકાર કહો. બે પરોક્ષ જ્ઞાન વિષે સમજાવો.
જ. 333 જ્ઞાનના પાંચ પ્રકાર છે. (1) મતિજ્ઞાન (2) શ્રુતજ્ઞાન (3) અવધિજ્ઞાન (4) મનઃપર્યવજ્ઞાન (5) કેવળજ્ઞાન. મતિ અને શ્રુતજ્ઞાન પરોક્ષ છે કેમકે તે ઈન્દ્રિય અને મનથી થાય છે. પાંચ ઈંદ્રિય અને છઠ્ઠું મન એ છ વડે કરીને જે જાણવું થાય છે તે મતિજ્ઞાન છે. જિન ભગવંતના વચનોરૂપી શાસ્ત્ર ભણવાથી કે સાંભળવાથી જે જ્ઞાન થાય તે શ્રુત જ્ઞાન કહેવાય. તેના બે ભેદ છે. (1) અક્ષરાત્મક શ્રુત જ્ઞાન - જે અક્ષરો દ્વારા અર્થ વિચારવાથી થાય તે. જેમકે શાસ્ત્ર દ્વારા જ્ઞાન (2) અનઅક્ષરાત્મક શ્રુતજ્ઞાન - જે ઈંદ્રિયોથી મતિજ્ઞાન દ્વારા પાદાર્થોને જાણવા પછી તે પદાર્થમાં હિતરૂપ કે અહિતરૂપ બુદ્ધિ થવી તે અનઅક્ષરાત્મક શ્રુતજ્ઞાન. દાત. કીડીને દૂરથી સુગંધ આવવી તે મતિજ્ઞાન પછી તે સુગંધિત પદાર્થની નજીક આવવાની બુદ્ધિ થવી તે શ્રુતજ્ઞાન. કાનથી આત્મા શબ્દ સાંભળ્યો તે મતિજ્ઞાન. આત્મા શબ્દથી આત્માના ગુણનો બોધ થવો તે શ્રુતજ્ઞાન. મતિ-શ્રુતજ્ઞાન બધાજ પ્રાણીઓને સામાન્ય રીતે હોય છે.
સ. 334 ત્રણેય પ્રત્યક્ષ જ્ઞાન વિષે સમજાવો.
જ. 334 અવધિ, મનઃપર્યવને કેવળજ્ઞાન તે ત્રણેય પ્રત્યક્ષ છે. કેમકે તે આત્માથી થાય છે. અવધિજ્ઞાન એટલે મર્યાદામાં રહેલ દેખી શકાય તેવી વસ્તુઓ (રૂપીદ્રવ્ય) તેને ઈંદ્રિયોની અપેક્ષા વિના જાણવું તે જ્ઞાન (1) અવધિ એટલે લિમિટ. દરેકની અવધિજ્ઞાનની મર્યાદા અલગ અલગ હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રહેલ પુદ્ગલોનું અથવા પુદ્ગલ સહિત અશુદ્ધ જીવોનું વર્ણન જાણવું. એટલે કે ક્ષેત્ર એટલે ઉપર-નીચે-
આજુબાજુનું અમુક ક્ષેત્ર સુધીનું જ્ઞાન હોવું. ભૂત-ભવિષ્ય-વર્તમાનકાળનું અમુક વર્ષો સુધીનું જ્ઞાન હોવું. બધાજ દેવ-નારકીને અવધિજ્ઞાન જન્મથીજ હોય તે ભવપ્રત્યય અવધિજ્ઞાન કહેવાય. પશુઓને કે માનવીને સમ્યક્ત્વ કે તપના પ્રભાવથી થાય તે ગુણપ્રત્યય અવધિજ્ઞાન કહેવાય.
(2) મનઃપર્યવજ્ઞાન એટલે અઢી દ્વીપની અંદર રહેલા પર્યાપ્તા સંજ્ઞી.
પંચેન્દ્રિય જીવોના મનના ભાવને જાણવું. બીજાઓના મનમાં પુદ્ગલ સંબંધી કે અશુદ્ધ જીવ સંબંધી શું શું વિચાર થઈ ચૂક્યા છે. શું વિચાર ચાલી રહ્યા છે ને કયા કયા વિચાર થશે તે જાણવું (3) કેવળજ્ઞાન ઃ સર્વ જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થવાથી અનંત જ્ઞાનનો પ્રકાશ થવો તે કેવળજ્ઞાન છે. એક વખત પ્રકાશ થયા પછી ફરી તે મલિન થતું નથી. જે ત્રણેય લોકના ત્રણેય કાળના, સર્વ પદાર્થોને (સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત) ભિન્ન ભિન્ન પ્રત્યેક સમયમાં જેમ છે તેમજ પરિપૂર્ણ સ્વરૂપે સ્પષ્ટ અને એક સાથે એક કાળમાં દેખે અને જાણે તે કેવળજ્ઞાન છે. આ વ્યાખ્યા વ્યવહાર નયથી છે.
નિશ્ચય નયથી તો કેવળજ્ઞાન થયા પછી ઉપયોગ ચંચળ ન રહે, આત્મામાં સ્થિર રહે આત્મા અત્યંત શુદ્ધ સ્વરૂપમાં નિરંતર રહે તે કેવળજ્ઞાન છે.
સ. 335 કેવળીનો ૐ કાર ધ્વનિ શું છે?
જ. 335 ૐકાર ધ્વનિ કહે છે. તે તીર્થંકર દેવના મૂર્ધન્ય સ્વરમાં, આર્ય-અનાર્ય, દેવ, મનુષ્ય, તિર્યંચ સર્વે જીવો પોતપોતાની ભાષામાં પોતાના જ્ઞાનની યોગ્યતા અનુસાર સમજે છે. તે વાણી અખંડ, અમૃત સ્વરૂપ, અતિશયયુક્ત, મોક્ષમાર્ગનો પ્રકાશ કરતી કોઈપણ ઈચ્છા વગર છુટે જેમકે પૂનમના ચંદ્રને ઈચ્છા નથી કે હું દરિયાના પાણીમાં ભરતી લાવું પણ સહેજે ચંદ્ર ઉગે એટલે દરિયામાં ભરતી આવે તેમ તીર્થંકરને ઈચ્છા નથી પણ પુણ્યવંત પ્રાણી આવે ત્યાં તેમની ૐ કાર ધ્વનિ પ્રગટ થાય તેને સાંભળી ગણધરો શાસ્ત્ર રચે. ચૌદ પૂર્વની ને બાર અંગની રચના ગણધર ભગવંતો ફક્ત એક મૂહુર્તમાં કરે. આ ધ્વનિ સાંભળી લાયક જીવો સંશય -
મિથ્યાત્વ નિવારે. ભગવાનને જાણવામાં જે આવ્યું છે તેના અનંતમાં ભાગે વાણીમાં આવે છે ને વાણીમાં જે આવ્યું તે સમજનારને અનંતમા ભાગે જણાય. સર્વાર્થ સિદ્ધના દેવો અવધિજ્ઞાનથી તીર્થંકરના સમવસરણને પોતાના વિમાનમાં રહ્યા રહ્યા દેખે છે, ઉપદેશ સાંભળે છે, પ્રશ્ન પૂછે છે અને કેવળી ભગવાન તેમને ઉત્તર આપે છે. ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયા પછી પ્રથમ દેશના નિષ્ફળ ગઇ તેનું કારણ તે સમયે સભામાં ભગવાનની વાણી ઝીલી શકે તેવો મહાનપાત્ર, યોગ્ય જીવ કોઈ ઉપસ્થિત નહતો. ઉત્કૃષ્ટ ધર્મ સમજવાવાળો પાત્ર જીવ હોય ત્યારે તેને નિમિત્તભૂત વાણી મળ્યા વગર રહેતી નથી. ઝાડ ઉગવાનું હોય ને પાણી ન મળે એવું બનતું નથી.
અરિહંત દેવની જે ઉપદેશાત્મક ભાષા વર્ગણા નીકળે છે તેને
સ. 336 કયા અક્ષરો મળીને ૐ શબ્દ થાય છે?
જ. 336 અરિહંત, અશરીરી (સિદ્ધ), આચાર્ય, ઉપાધ્યાય, મુનિ (સાધુ) આ પાંચેય પરમેષ્ઠિના પહેલા અક્ષર લેતાં અ–અ–આ–ઉ–મ– ઓમ શબ્દ થાય છે.
અઢી અક્ષરનો આ શબ્દ બધા મંત્રોનો રાજા છે. ‘અ’ નો અર્થ અધોલોક, ‘ઉ’ નો અર્થ ઉર્ધ્વલોક ‘મ’ નો અર્થ મધ્યલોક આમ તેના ગર્ભમાં ત્રણ લોક આવી જાય છે. ૐકારનો અર્થ છે નાદ, કંઠ, તાળૂ, જીભ, હોઠ આદિમાં કંઈપણ કંપન ઉત્પન્ન કર્યા વગર ઉત્પન્ન થવાવાળી સામાન્ય ધ્વનિ એના ધ્યાનથી, ક્રમે કરી, પરમાત્મદશાને પ્રગટાવી જીવ કૃતાર્થ થાય છે.
સ. 337 અરિહંતે તો ચાર જ કર્મ ખપાવ્યા છે ને સિદ્ધ ભગવંતોએ આઠ કર્મ ખપાવીને મોક્ષે ગયા છે તો નવકાર મંત્રમાં અરિહંતનું સ્થાન પ્રથમ કેમ?
જ. 337 અરિહંત ભગવંત કરૂણા ભાવથી જીવોના કલ્યાણ અર્થે દિવ્યધ્વનિ વાટે ઉપદેશ આપે છે, અને તે સાંભળીને જીવો ધર્મ પામે છે. અને ગણધરો આગમગૂંથે છે. અને ભવિક જીવ પોતાની શંકાનું નિવારણ કરે છે. આમ અરિહંત ભગવંતનો ઉપકાર અમાપ અને અસિમ છે. તે ગુરૂદેવ છે અને ગુરૂદેવનું સ્થાન હંમેશા પ્રથમ હોય, ઉંચું હોય તેથી નવકાર મંત્રમાં તેમનું સ્થાન પહેલું છે.
સ. 338 વર્તમાનકાળે આ ક્ષેત્રે કોઈ વિહરમાન તિર્થંકર નથી તો ‘નમો અરિહંતાણં’ પદથી કોને નમસ્કાર કરીએ છીએ?
જ. 338 ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીના તીર્થંકરો મોક્ષ પામી સિદ્ધ થઈ ગયા છે પણ કર્મભૂમિના કુલ 15 ક્ષેત્રોમાંથી પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશ માટે ઓછામાં ઓછા વીસ તીર્થંકર સદેહે વિહરમાન છે. ‘નમો અરિહંતાણં’ પદથી આપણે તેમને જ વંદના કરીએ છીએ.
સ. 339 નવકારવાળીમાં 108 પારા કેમ હોય છે?
જ. 339 અરિહંતના 12 ગુણ સિદ્ધ ભગવંતના 8 ગુણ, આચાર્યના 36 ગુણ, ઉપાધ્યાયના 25 ગુણ અને સાધુના 27 ગુણ મળીને કુલ 108 ગુણ થયા. તેના પ્રતિક રૂપે નવકારવાળીમાં 108 પારા છે. એક એક પારે એક એક ગુણનું ચિંતવન કરીએ ને આત્મામાં એ ગુણ પ્રગટ કરવાનો સંકલ્પ કરીએ.
સ. 340 અનુબંધ એટલે શું?
જ. 340 વર્તમાનમાં બંધાતા કર્મ (શુભ કે અશુભ) તે જ્યારે ભવિષ્યમાં ઉદયમાં આવશે તે વખતે તેમાં નવાકર્મ બંધાવાની જે શક્તિ પડી છે તેને અનુબંધ કહેવાય. બીજી રીતે સમજો. સમજીલોકે અત્યારે આપણને જે કર્મ ઉદયમાં આવ્યું છે, જે કર્મ આપણે ભોગવી રહ્યા છીએ એ કર્મમાં નવું કર્મ કયું બંધાવવું તેની તાકાત પડેલી છે. તે તાકાત ક્યાંથી આવી? તો કહે ભાઈ આ કર્મ ભૂતકાળમાં જ્યારે પણ તેં બાંધ્યું હશે ત્યારે તારી અંદરના જે ભાવ હશે, જે વૃત્તિ હશે તે પ્રમાણેના અનુબંધ પડયો હશે. ધારો કે તે ભૂતકાળમાં કોઈ સારું એવું તપ કર્યું હશે એટલે બંધ તો પુણ્યનો પડયો. પરંતુ તે તપની પ્રવૃત્તિ દરમ્યાન તારી વૃત્તિ સાંસારિક પડી હશે કે આ તપથી મને માન મળશે. સમાજમાં સન્માન મળશે. પારણા વખતે સરસ તૈયાર થશું. આ સારું લાગશે કે પેલું? આ બધી જ સાંસારિક વૃત્તિને આધારે તેનો અનુબંધ પડશે. એટલે કે પ્રવૃત્તિ સારી એટલે બંધ પુણ્યનો પરંતુ વૃત્તિ સાંસારિક એટલે અનુબંધ પાપનો. હવે આ ભવમાં જ્યારે પુણ્ય ઉદયમાં આવ્યું ત્યારે તે બંધની સાથે સાથે જ ચોકીદારની જેમ અનુબંધ હાજર થઈ જશે. બંધ સારો હતો માટે અત્યારે રૂપ-યૌવનને ધન મળ્યું. પરંતુ અનુબંધ ખોટો હતો માટે એ રૂપ-યૌવન-ધન તમને દારૂ-જુગાર કે વેશ્યાગમનમાં ધકેલી દેશે. આમ બંધની સાથે અનુબંધ સાથે જ આવીને ઉભું રહેશે ને તેજ પ્રમાણે નવા કર્મ કરાવશે. આમ બંધ ભલે પાપનો પડ્યો હોય કે પુણ્યનો પણ જો અનુબંધ શુભ હશે તો જીવ બાજી જીતી જાય છે ને અનુબંધ અશુભ હોય તો પાપની લીંક ચાલુ થઈ જાય છે. કારણકે તેના ઉદયવખતે દુર્બુદ્ધિ મળશે. સંસારની ચારગતીની પરિભ્રમણાથી જો ઉદ્વેગ થયો હોય ને મોક્ષની તીવ્ર અભિલાષા જાગી હોય તો જ શુભ અનુબંધ પડી શકે. આ બે ગુણ સિવાયના બધા ગુણ ભેગા કરો તોય મોક્ષ નહીં થાય. જે ધર્મ ક્રિયા મોક્ષરૂપી ફળ આપતી નથી તે ધર્મક્રિયા તત્વથી નિષ્ફળ છે. ‘જિન મંદિર બંધાવું તો દેવગતિ મળે.’ જિન મંદિર બંધાવવું તે કર્મ પુણ્યનો બંધ પાડે પરંતુ તેની પાછળની ભાવના દેવગતિ મેળવવાની - સુખ મેળવવાની -
સાંસારિક ભાવના થઈ માટે અનુબંધ ખોટો - ધારો કે આ પ્રવૃત્તિથી 21 સાગરોપમનું દેવગતિનું સુખ મળ્યું. પણ પછી શું? અનુબંધ અશુભ હોવાને કારણે તે એકેન્દ્રિયમાં જીવને ધકેલી દેશે. ‘રોજ ભગવાનના દર્શન કરીને જાઉં છું એટલે ધંધો સારો ચાલે’ પ્રવૃત્તિ શુભ-વૃત્તિ સાંસારિક - અનુબંધ અશુભ - ‘રાત્રીભોજન કરીએ તો નરક ગતિ મળે’ ભાઈ તને નરકગતિ શું કામ નથી જોઈતી? તેમાં દુઃખ છે માટે? તો જેમાં સુખ હોય તેવી ગતિનો જોઈએ જ છે. એટલે ભાવના સાંસારિક - બંધ પુણ્યનો અનુબંધ પાપ તો ભૌતિક અનુકૂળતા પ્રત્યે રાગ-પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ. તે આપણું વલણ બની ગયું છે, તેમાંજ ઉપાદેય બુદ્ધિ એજ મિથ્યાત્વની ગાંઠ છે જેને તોડવાની છે. કદાચ દ્વેષ કરવા માટે પદાર્થ કે વ્યક્તિ બદલાય પણ આ વલણ બદલાતું નથી. આની ઉપરજ સંસારનું પરિભ્રમણ ચાલુ છે.
કોઈપણ પ્રવૃત્તિમાં મોક્ષ સિવાય કોઈ સાંસારિક ભાવ ભળશે નહિ તોજ શુભ અનુબંધ પડી શકાશે જે મોક્ષનું કારણ બનશે.
સ. 341 પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ કોણે બતાવી છે? તે કોને ઉપયોગી છે? મેં એવું સાંભળ્યું છે કે તે બધાને ઉપયોગી નથી.
જ. 341 શ્રુતકેવલી, ચૌદપૂર્વધર મહાપુરૂષોએ આ ક્રિયાઓ બતાવી છે. જેઓનું મન આત્મભાવનામાં સ્થિર થયું નથી તેથી ચંચળ મન વારંવાર વિષયોમાં ચાલી જાય છે. તેવા તે ચંચળ મનને સ્થિર કરવા આવશ્યકાદિ ક્રિયાઓ ખૂબજ ઉપયોગી છે. જેઓ નિશ્ચયધર્મમાં લીન બની ચૂક્યા છે. જેઓનું મન આત્મભાવમાં અત્યંત સ્થિર થઈ ગયું છે. તેઓને ક્રિયા અત્યંત ઉપયોગી નથી. પરંતુ આ સંઘયણ અને પંચમ કાળને પ્રભાવે બહુ જૂજ - આંગળીના વેઢે ગણી શકાય એટલી જ એવી પ્રતિભા છે કે જેનું મન આત્મભાવમાં અત્યંત સ્થિર થયું હોય... માટે આપણને બધાને તો આ આવશ્ય ક્રિયાઓ અત્યંત ઉપયોગી છે.
સ. 342 આજે કેટલાક વર્ગ ક્રિયાઓ જડ છે તેમ કહીને તેની ઉપેક્ષા કરે છે તે યોગ્ય છે?
જ. 342 જેને તળાવમાં તરતાંય નથી આવડતું તે સાગરમાં તરવાની ઈચ્છા કરે તે શું યોગ્ય છે? જેણે વ્યવહારનયથી બતાવેલી ક્રિયાઓ જીવનમાં આચરીને પચાવી નથી અને નિશ્ચયનય મુજબની આત્મામાં લીન થવાની વાતને અપનાવે તે શું યોગ્ય છે? જ્ઞાની પુરૂષોએ મનની વૃત્તિઓને ઓળખી દિર્ઘદૃષ્ટિથી ભવ્ય આત્માઓના કલ્યાણ માટે આ બધી ક્રિયાઓની રચના કરી છે. અનંતા વર્ષોથી આપણો આત્મા અશુભ ક્રિયાઓથી અશુભ કર્મ બાંધી રખડયો છે. તેથી શુભભાવો પેદા કરવા ને મનને સ્થિર કરવા માટે ક્રિયાઓ છે, તેને જડ કહી ઉપેક્ષા કરાય નહિ.
સ. 343 પ્રતિક્રમણ કયા સમયે કરવું જોઈએ? સાંવત્સરિક પ્રતિક્રમણ આટલું જલ્દી કેમ કરી લેવામાં આવે છે? ખોટું કરવું એના કરતાં તો ન કરવું સારૂં ને?
જ. 343 દેવસી પ્રતિક્રમણ સૂર્ય અડધો ડૂબે ત્યારે વંદિતુ આવે એ રીતે શરૂ કરવું અને રાઈપ્રતિક્રમણ પૂરૂ થાય ત્યારે લગભગ સૂર્યોદય થાય એ રીતે કરવું. પરંતુ 166
ખરેખરા કારણોને આશ્રયીને અપવાદ માર્ગ પણ કહ્યો છે. તે હિસાબે બપોરના બારથી રાતના બાર સુધીમાં દેવસી પ્રતિક્રમણ અને રાતના બારથી બપોરના બાર સુધીમાં રાઈ પ્રતિક્રમણ થઈ શકે. સાંવત્સરિક પ્રતિક્રમણ અમુક ખાસ કારણોને લઈને આચાર્યમહારાજ વહેલા કરાવે છે તે યોગ્ય જ છે એમાં કાંઈ ખોટું નથી. માટે આવા કરતાં તો ન કરવું સારૂં એવી નકારાત્મક વાતતો કદી કરવી જ નહીં. ન કરવું સારૂં કહીને જો ક્રિયાઓજ છોડી દેશો તો કદાચ આજથી બસો પાંચસો વર્ષ પછીની પેઢીને કોઈ ક્રિયાઓજ નહી મળે. ક્રિયાઓ શું હતી ? એ પણ ખબર નહિ હોય.
આપણા પૂર્વજોએ જે ક્રિયાઓ આપણા સુધી પહોંચાડી છે તે ભવિષ્યની પેઢીઓ સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે. જો આપણા બાપદાદાએ ‘આનાથી ન કરવું સારૂં’ એમ કરીને સામાયિક પ્રતિક્રમણ છોડી દીધા હોત તો આજે આપણે જાણતા પણ નહોત કે સામાયિક શું? પ્રતિક્રમણ શું? જેમકે જૈન ધર્મના પ્રાણસમું ધ્યાન નામનું તપ આજે લગભગ વિસરાઈ ગયું છે. ભગવાને 12 પ્રકારે તપ બતાવ્યો છે. તેમાં પાંચમું અભ્યંતર તપ ને ધ્યાન છે. બાહ્ય તપ કરતાં અભ્યંતર તપ ઉત્કૃષ્ટ છે ને તેમાંય પેલા બીજા કરતાં પાંચમું ઉત્કૃષ્ટ તપ ધ્યાન કે જેનાથી અનંતા કર્મની નિર્જરા થાય તે ધ્યાન શબ્દ આજે લોકોને પોતાનો નહી બીજા ધર્મનો લાગે છે. આવું કેમ? કેમકે મહાવીરના નિર્વાણ પછી અમુક વર્ષો પછી ઉત્તરોત્તર લોકોની ક્ષમતા ઓછી થવા લાગી તેથી ધ્યાન બરોબર થતું નહી તેથી આપણા જેવા લોકોએ ‘આનાથી તો ન કરવું સારૂં’ કહીને ધ્યાન કરવાનું છોડી દીધું. પરિણામે આજની પેઢી ધ્યાન નામના ઉત્કૃષ્ટ તપથી વંચિત રહી ગઈ. આવું ભવિષ્યમાં પ્રતિક્રમણાદિ ક્રિયાઓ માટે ન બને તે માટે વધુને વધુ વિશુદ્ધ કરવા પ્રયત્ન કરવો પણ છોડી દેવું નહી.
સ. 344 પ્રતિક્રમણમાં કોઈ કાઉસગ્ગ ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધી નો તો કોઈ ‘સાગરવર ગંભીરાસુધી’ તો કોઈ પૂર્ણ કેમ? કાઉસગ્ગને શ્વાસોચ્છ્વાસ સાથે શું સંબંધ ?
જ. 344 જે રોગીને બે ગોળીની જરૂર હોય તેને બે અપાય ને પાંચની જરૂર હોય તેને પાંચ અપાય. એ ન્યાયે જ્ઞાનીઓએ પ્રતિક્રમણમાં કયા પદ સુધી કાઉસગ્ગ કરવો તેની રચના કરેલી છે. રાઈપ્રતિક્રમણમાં સવારે કુસુમિણ, દુસુમિણનો 4 લોગસ્સનો કાઉસગ્ગ જો કામભોગાદિના રાત્રે દુઃસ્વપ્ન આવ્યા હોય તો 108 શ્વાસોચ્છ્વાસ પ્રમાણ એટલે કે ‘સાગરવરગંભીરા’ સુધી અને બીજા દુઃસ્વપ્ન આવ્યા હોય તો 100 શ્વાસોશ્વાસ પ્રમાણ એટલે કે ચંદેસુનિમ્મલચરા સુધી કાઉસગ્ગ કરવાનું જ્ઞાનીનું વિધાન છે કેમકે તેની વિશુદ્ધિ માટે એટલી જ જરૂર છે. હવે શ્વાસોશ્વાસ પ્રમાણ એટલે તમારે શ્વાસોશ્વાસ ગણવાના નથી... નહિ તો લોગસ્સ એક બાજુ રહી જશે ને શ્વાસોશ્વાસ ગણવામાં લાગી જશો.
આપણે પ્રેકિટશ જ એવી પાડવાની છે કે એક પદ એક શ્વાસોશ્વાસની સાથે જ ચાલે. એ પણ એટલા માટે કે તમારૂં ધ્યાન લોગસ્સમાં જ રહે ક્યાંય આડું અવળું ચાલ્યું ન જાય. આપણો શ્વાસ એ આપણો વર્તમાન છે. માટે શ્વાસોશ્વાસ પર ધ્યાન રાખી ગણવાથી તમે વર્તમાનમાંજ રહો.
જ્ઞાનીઓએ ખૂબ વિચારી આ વિધી બતાવી છે કે ન તમારૂં મન ભૂતકાળમાં ચાલી જાય કે ન ભવિષ્યમાં ચાલી જાય. તેજ પ્રમાણે કરવાથી ઘણું સારૂં પરિણામ મળી શકે છે.
સ. 345 આપણા નજદીકના વ્યક્તિઓજ આપણને વધુ દુઃખ આપતા હોય છે તેનું કારણ શું ? તેવે વખતે શું કરવું?
જ. 345 જેની સાથે સૌથી વધુ પ્રેમ સંબંધ ને સૌથી વધુ દ્વેષ સંબંધ ભોગવવાના બાકી હોય તેજ વ્યક્તિઓ આપણી સૌથી નજદીક આવે છે. બાકી તો દુનિયામાં કરોડો લોકો છે, લેણ દેણના સંબંધ વગર કોઈની આંખેય મળતી નથી. કોણ આપણા મા-બાપ બનશે? કોણ સાથીદાર? કોણ ભાઈ-બહેન? કોણ પુત્ર-પુત્ર વધુ? કોણ દિકરી જમાઈ? કોણ પાડોશી? કોણ સગાવહાલાં? આ બધું જ આપણે આ સૃષ્ટિમાં જન્મ લેતાં પહેલાં પૂર્વકૃત કર્મ પ્રમાણે નક્કી થઈ જાય છે. જ્યારે કોઈ આપણા જ નજદીકના વ્યક્તિઓ આપણને દુઃખ આપતા હોય ત્યારે વિચારવું કે ‘આ મારા સગા બન્યા છે, તે પણ મારાજ કોઈ પૂર્વજન્મના લેણ-દેણને કારણે, તે આજે મારી સાથે વેર રાખી રહ્યા છે, તેનું કારણ મારા જીવે પૂર્વજન્મમાં ક્યારેક એ જીવ સાથે વેર બાંધ્યુ હશે. ભલે આજે હું મારી જાતને નિર્દોષ માનતો હોઉં પણ હું ક્યાં જાણું છું કે પૂર્વજન્મમાં મેં આનાથી અનેકગણું દુઃખ એ જીવને આપ્યું હશે. આજે જ્યારે એ જીવ મારી સાથે હિસાબ પૂરો કરવા આવ્યો છે કે મારાજ કૃત્યની મને ભેટ પરત કરવા આવ્યો છે ત્યારે હું સમતાભાવે, સહર્ષ સ્વીકાર કરૂં, તોજ આ વેરની ગાંઠ ભેદાશે, નહિ તો જનમો જનમ ચાલી આવેશે... ના... ના... મહાવીરનો કર્મવાદ સમજ્યા પછી મારે એનો ગુણાકાર નથી કરવો. મને આ દુઃખ સમતા ભાવે 168
વેદવાની. હે પ્રભુ શક્તિ આપ... શક્તિ આપ... ‘ ક્યારેક કોઈ વ્યક્તિ સાથે થોડો વખત સારો સંબંધ રહે છે, પછી એજ વ્યક્તિ દુશ્મન જેવી બની જાય છે. ત્યારે સમજવું કે એની સાથે રાગના સંબંધ હતા તે પૂરા થયા. હવે વેરના સંબંધ ચાલુ થયા લાગે છે. આવે વખતે બે વસ્તુ ધ્યાનમાં રાખવી.
(1) રાગના સંબંધ ઉદયમાં હોય ત્યારે ખૂબ ખુશ ન થઈ જવું, અહંકાર ન કરવો, રાગને ટકાવી રાખવા કાવા-દાવા ન કરવા નહિ તો રાગના કર્મોનો ગુણાકાર થઈ જશે. (2) જ્યારે દ્વેષના કર્મો ઉદયમાં હોય ત્યારે અત્યંત દુઃખી દુઃખી ન થઈ જવું, રો-કકળ ન કરવી. બંને સંબંધો સમતા ભાવે વેદવા. વિચારવું કે, રાગ પણ કાયમ રહેવાનો નથી, દ્વેષ પણ કાયમ રહેવાનો નથી. કાચના વાસણ જેવા માનવીના મનનો શું ભરોશો? દ્વેષના સંબંધ ઉદયમાં હોય ત્યારે વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિએજ આમ કરાવ્યું. એમ વિચારી કોઈના પણ પ્રત્યે દ્વેષના સંસ્કાર નાખશો નહિ. ત્રીજી વ્યક્તિને તો હંમેશા નિમિત્ત તરીકે જ જોજો. નિમિત્તને બચકા ભરવા નહી જતા. ‘મારા નસીબમાં આમ બનવાનું જ હતું માટે જ આ વ્યક્તિઆમાં નિમિત્ત બની છે.’ એમ વિચારીને જે બન્યું છે તે બધુંજ સ્વીકાર.. હસતે મોઢે સ્વીકાર.. આવે વખતે મહાપુરૂષોનું જીવન યાદ કરવું... ખુદ મહાવીર ભગવાનને એમના દિકરીને જમાઈ જ તેમની વિરૂદ્ધમાં હતા. તો શું મહાવીરે તેમના પર રોષ કર્યો? જો રોષ કર્યો હોત તો તે મહાવીર બની શકત? તમારા નજદીકના સગાને જ તમને ખરાબ ચીતરવામાં વધુ રસ હોય છે, દૂરનાને તો શું પડી હોય? પાર્શ્વનાથ ભગવનને એમનો સગો ભાઈનો જીવ આઠ-આઠ ભવ સુધી તેમને મારવાવાળો બન્યો. એક નાની સરખી વેરની ગાંઠ કેટલું મોટું વૃક્ષ બન્યું? ગાંધીજીને આખી દુનિયા માન આપે છે તેમનો ખુદનો દિકરોજ એમની વિરૂદ્ધમાં હતો. ઈસુ ખ્રિસ્તને ખીલા ઠોકવાવાળા એમના જ માણસો હતા. આ બધાનો વિચાર કરી મનને સમજાવવું કે, ‘કસોટી તો સોનાની જ હોય, પિત્તળની ન હોય’
અગર હું પિત્તળની કક્ષામાં છું તો મારે મારી ભૂલો સુધારી સોનાની કક્ષામાં આવવું, અગર હું સોનાની કક્ષામાં છું, તો જાતને ભગવાનને ભરોસે છોડી દેવી. મહાવીરનો કર્મવાદ સમજ્યા પછી દરેકે દરેક જીવ આપણી સાથે હિસાબ જ પૂરો કરવા આવે છે તેમ સમજી હૃદયમાં સમતા ધારણ કરવી. છતાં પણ આજીવ કરોડો વર્ષોના સંસ્કાર સાથે લઈને આવ્યો છે તે કારણે કદાચ તે વ્યક્તિ ઉપર કે નિમિત્ત ઉપર ખૂબ દુઃખ કે દ્વેષ પણ થઈ જાય... છતાં બને તેટલા જલ્દી ભાનમાં આવી જઈ હૃદયથી 169
દુશ્મનની પણ ક્ષમા માંગી લેવી. બને તેટલું આત્મભાવમાં લીન થવું તેથી કર્મ વેદાશે.
સ. 346 હૃદયમાં ખરેખર ક્ષમાધર્મ જાગૃત થયો હોય, ને સામેલાની ક્ષમા માંગવા જાઓ તો ઘણીવાર સામેલો ઉલટો ચગે છે કે ‘જોયું, તે ખોટો હતો એટલે માફી માંગવા આવ્યો ‘ તો શું કરવું?
જ. 346 આ પંચમ કાળને ધ્યાનમાં રાખીને વ્યવહારથી ખરેખર એવું જણાતું હોય તો આપણે વીતરાગ દેવની સાક્ષીએ અથવા તો શાસન દેવની સાક્ષીએ મનોમન માફી માંગ્યાજ કરવી. તે આ રીતે... ‘ હું મારા વીતરાગ દેવની સાક્ષીએ, મારી અંદર બિરાજેલા શુદ્ધ આત્માની સાક્ષીએ ફલાણા વ્યક્તિની અંદર બીરાજેલા શુદ્ધ આત્માની ક્ષમા માંગું છું. હે, વિશુદ્ધ આત્મન્ મને ક્ષમા કરો. ક્ષમા કરો. મારાથી આપના હૃદયને કાંઈ દુઃખ પહોંચ્યું હોય તો ક્ષમા કરો ને આપનાથી મને કાંઈ તકલીફ થઈ હોય તો હું ક્ષમા આપું છું.’
આમ એકવાર નહી, બેવાર નહિ, પાંચ-પચ્ચીસ-સો વાર તે જીવની મનોમન માફી માંગવી, જ્યાં સુધી આત્મા શાંત ન પડે ત્યાં સુધી માફી માંગ્યા કરવી. તમારી અંદર આત્મ પ્રદેશના જે આંઠ રૂચક પ્રદેશ રહેલા છે, તે તમારી અંદર રહેલો શુદ્ધાત્મા છે. એવો જ શુદ્ધાત્મા, આઠ રૂચક પ્રદેશ સામેલામાં પણ છે. તે બંને શુદ્ધાત્મા એકબીજાને સંદેશો પહોંચાડી દેશે. ને તમારા દ્વેષની ગાંઠો ખૂલતી જશે. કોઈ જીવ સાથે ભલે વ્યવહારથી ઘણો સારો સંબંધ હોય પરંતુ એનું કાંઈ ખરાબ થાય, નુકશાન થાય કે કોઈ એનું ખરાબ બોલે ત્યારે હૃદયમાં ઉંડે ઉંડે પણ આનંદની લાગણી થતી હોય.
(ભલે તમે એ વ્યક્ત ન કરો) ને જ્યારે તે વ્યક્તિનું કાંઈ સારૂં થાય કે કોઈ સારૂં બોલે ત્યારે હૃદયમાં ઉંડે ઉંડે પણ દુઃખની ઈર્ષ્યાની લાગણી થતી હોય તો સમજી લેવું કે આ વ્યક્તિ સાથે વેરના સંબંધ છે. એ જીવની પણ મનોમન ક્ષમા માંગી લેવી. હૃદયથી પ્રતિક્રમણ કરી લેવું. હૃદયથી જો તમે ચોથા આરાના માણસ જેવા બની જાઓ તો જ્યાં ચોથો આરો ચાલતો હોય તે ક્ષેત્ર તમને ખેંચી લે.
સ. 347 બધા કહે છે કષાયો દૂર કરો. ક્રોધ ઓછો કરો. પણ કેવી રીતે કરવું તે કોઈ કહેતું નથી.
જ. 347 તે માટે પાંચ છ મુદ્દાનું વિશ્લેષણ કરૂં છું.
(1) કષાયોને જોતાં શીખવું ઃ હું શું કરી રહ્યો છું, તેનાથી પોતે વાકેફ હોવો જોઈએ. ઘણીવાર... રાગ આવીને જાય, ક્રોધ આવીને જાય... લોભ આવીને જાય... અહંકાર આવીને જાય છતાં ખબર પણ નથી હોતી કે મેં અહંકાર કર્યો... માટે સૌ પ્રથમ તો આપણે આપણી જે પ્રતિમા બનાવી રાખી છે કે ‘હું બહુ ગુણીયલ, બહુ સારો’ એ પ્રતિમાને આપણે પોતેજ તોડવી પડશેને.. ઉત્પન્ન થતાં કષાયોને જોવા પડશે... ચોરને જોશો જ નહીં તો કાઢશો કોને? (2) દૃઢ સંકલ્પ ઃ કષાયોને કાઢવા માટે દૃઢ સંકલ્પ કરવો પડશે. દૃઢ સંકલ્પ વગર એક ઉપવાસ પણ નથી થતો તો કષાયો તો ક્યાંથી નીકળે? દૃઢ સંકલ્પ કરો કે મારે ક્રોધ કરવો જ નથી, ઈર્ષ્યા કરવી જ નથી. અહંકાર કરવો જ નથી. ‘ હે જીવ તેં જન્મોજન્મ આજ કર્યું છે... હવે તો એનાથી વિમુખ થા... જેવો સંકલ્પ દૃઢ થયો કે તમારી ઉર્જા, તમારી પ્રાણશક્તિનું તે તરફ ગમન થશે.’
(3) સીમંધર દાદાને પ્રાર્થના ઃ હે અરિહંત પરમાત્મા તેં તો આ કષાયો રૂપી શત્રુને જીતી લીધા છે. મેં પણ એને જીતવાનો સંકલ્પ કર્યો છે. પણ હું નિર્બળ છું, કાયર છું, હે સીમંધરદાદા ! મારા સંકલ્પબળ પર ટકી રહેવાની મને શક્તિ આપો.
(4) સામેલી વ્યક્તિને નિર્દોષ જોવાની આદત પાડો ઃ જ્યારે કોઈ વ્યક્તિ આપણને અનુકુળ નથી વર્તતી ત્યારે આપણા અહંકારને ઠેસ લાગે છે ને તે વ્યક્તિ પર ક્રોધ આવે છે. મહાવીરની કર્મની થીયરી જાણ્યા પછી વિચારો કે ‘એ વ્યક્તિ તો નિમિત્ત માત્ર છે... દોષ મારા કર્મનો જ છે. ક્રોધ-
માન-ઈર્ષ્યા કરવાથી સૌથી વધારે તકલીફ તો મને પોતાને જ પહોંચે છે તેથી હું પોતેજ દોષિત છું.’ જેવા પોતાને દોષિત જોવા લાગશો કે સામેની વ્યક્તિ પરથી ક્રોધ ઓગળવા લાગશે.
(5) આવેગ આવે કે પ્રાયશ્ચિત કરો ઃ જુઓ અનંતા જન્મોના આ સંસ્કાર આત્મા સાથે વણાઈ ગયા છે. એટલે ગમે તેટલું કરશો તોય આ કષાયોના આવેગ આવી જ જશે. પરંતુ જ્યારે જ્યારે આવેગ આવે ત્યારે બને તેટલું જલ્દી હોશમાં આવી જાવ... વિચારોની દિશા બદલો... ‘ અરે!
આ મેં શું કર્યું? આ ક્રોધ કર્યો, આ કપટ કર્યું... તે ખોટું કર્યું...’ ભલે અત્યારે મને સામેલાનો જ 100 ટકા વાંક દેખાતો હોય છતાં પણ મેં જે વાણી-વર્તન કર્યું તે ખોટું કર્યું .. પરમાત્મા મને માફ કર. હવે બીજીવાર આવું ન થાય તેવું બળ આપ.
(6) હારીને પ્રયત્ન છોડવો નહિ ઃ અનંત ભવોથી આપણે કષાયોને પાળ્યા છે, પોષ્યા છે, તેથી તેને કાઢતાં કદાચ કેટલાય ભવ પણ નીકળી જાય, પરંતુ એક દિવસ એને જવું જ પડશે એ સંકલ્પ તૂટે નહી... ગમે તેટલું કરો તોય ક્રોધ આવી જ જાય છે એમ કહીને પ્રયત્ન છોડવો નહિ... જેવો આવ્યો કે ભાનમાં આવો... ખોટું થયું. પ્રાયશ્ચિત કરો. ફરી ન થાય તેવો સંકલ્પ કરીને શક્તિ માંગો... આ પ્રક્રિયા ચાલુ રાખો તો એને આ ભવમાં પાતળા તો પડવું જ પડશે.
(7) ચિત્તની પ્રસન્નતા ઃ સામાન્ય, સામાન્ય બાબતોની તો ગણના જ કરવાની નહિ. વિચારવાનું કે આવું તો સંસારમાં ચાલ્યા જ કરે. તેમ કરતાં કરતાં તમારી શક્તિ વધતી જાય. કષાયના સંયોગો ઉભા થાય ત્યારે પણ જો અંદરથી ચિત્તની પ્રસન્નતા બરાબર જાળવી શકો તો કષાયને કાબુમાં લઈ શકાય. જો ચિત્તની પ્રસન્નતા ન જાળવી શકાય તો પણ તેને અંદરના ભાવો સુધી સિમિત રાખો. વાણી અને કાયાનો ટેકો ન આપો. ગાળ ન બોલો, કુ વચન ન બોલો, હાથ કે હથિયાર ન ઉગામો. ફક્ત મોઢાના હાવભાવ આપીને શમી જાઓ. કષાયના પરિણામો અંદર જ ઉપશમાવી દો. તો પણ ઘણા કર્મો સાફ થઈ જાય (8) આત્મ વિશ્લેષણ કરો ઃ તમારી પથારી આગળ એક મોટો ચાર્ટ દીવાલ પર ટીંગાડી રાખો. તેમાં (1) એક ખાનું તારીખનું બનાવો (2)
બીજું આજે કેટલીવાર ક્રોધ કર્યો (3) આજે કેટલી વાર ઈર્ષ્યા કરી (4) કેટલીવાર અહંકાર કર્યો (5) કેટલીવાર કોઈને દુઃખ પહોંચાડયું વગેરે જેજે દોષો યાદ આવે તેનું ખાનું બનાવો. દરરોજ સૂતા પહેલાં તટસ્થ ભાવે વિચાર કરો. આજે કેટલીવાર ક્રોધ કર્યો ? જો બે વાર કર્યો હોય તો ક્રોધના ખાનામાં આજની તારીખમાં –ર– લખો. આમ દરેક ખાના દરરોજ ભરો. પછી વિચારો કે આમ ન કર્યું હોત તો ચાલત કે નહી? આમ દરરોજ આત્મવિશ્લેષણ કરો. મહિનાને અંતે જુઓ કાંઈ ફરક પડ્યો કે નહી? બીજા મહિને બીજો ચાર્ટ બનાવો.
(9) આત્મામાં સ્થિર થવાનો અભ્યાસ ઃ જ્યારે જ્યારે કષાય જાગે છે ત્યારે ત્યારે શ્વાસોશ્વાસની ગતિમાં ફરક પડી જાય છે. માટે કષાયો સુધી પહોંચવા માટે શ્વાસનું અવલંબન સૌથી ઉત્તમ છે. દરરોજ એક કલાક શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરી આત્મામાં સ્થિર થવાનોને વર્તમાનમાંજ રહેવાનો અભ્યાસ કરો. જો સંકલ્પ દૃઢ હશે તો મંજિલે જરૂર પહોંચી શકશો.
172
સ. 348 મોટા મોટા આચાર્યોને ઉપદેશકોનેય ક્રોધ આવતો હોય તો આપણને તો આવેજને?
જ. 348 આ બચાવ, આ મૂલ્યાંકન ખોટું છે. જેને થોડું પણ જ્ઞાન લાધ્યું છે કે સાચી સમજણ પ્રાપ્ત થઈ છે તે પોતાની રીતના પોતાના આત્માપરનો કાટ દૂર કરવાનો પ્રયત્ન કરતાં જ હોય છે. પરંતુ અનંતા અનંત જન્મોના જે ક્રોધ-
માન-માયાના સંસ્કાર આત્મા પર ચોટેંલા છે. તે કાંઈ રાતોરાત દૂર નથી થઈ જવાના. કોઈ ચમત્કાર નથી થવાનો. જેના આત્મા પરનો કાટ વધુ હશે તેને કાઢતાં વાર લાગશે. તેને જન્મોની આદત પ્રમાણે ક્રોધનો આવેગ આવી પણ જાય. પ્રગટ પણ થાય.. પાછો તેને પાતળો કરવાનો પ્રયત્ન તેમનો ચાલુ જ હોય... પરંતુ એ જોઈને આપણે કોઈ ઉપદેશક પર અભાવ કરવાની જરૂર નથી કે ‘જુઓને બીજાને ઉપદેશ આપે છે ને પોતે તો ક્રોધ કરે છે...’ ઉપદેશક પણ કદાચ હમણાં હમણાં જ માર્ગ પર ચઢયો હોય.
પોતાને સાચો માર્ગ મળ્યો હોય તો બીજાને બતાવવાનો પ્રયત્ન કરતો હોય કે ભાઈ ‘મને આ માર્ગ મળ્યો છે.. તને સારો લાગે તો તું પણ આ માર્ગ પર ચાલ...’ કદાચ એવું બને કે ઉપદેશક પાછળ રહી જાય ને તમે આગળ નીકળી જાઓ. પરંતુ આપણી દૃષ્ટિ હંમેશા બાહ્ય જ રહી છે.
આપણે આચાર્ય, સાધુ કે ઉપદેશકને બાહ્ય દૃષ્ટિથી જોઈને એની એક સફેદ પ્રતિમા આપણા મનમાં ગોઠવી દઈએ છીએ. પછી એને ક્રોધ કરતો જોઈને અભાવ ઉત્પન્ન કરીએ છીએ. તેની નીંદામાં લાગી જઈએ છીએ ને આપણા જ આત્માનું નુકશાન કરીએ છીએ. એવી રીતે કોઈને કુકર્મ કરતાં જોઈને એની કાળી પ્રતિમા મનમાં સ્થાપી દઈએ છીએ. પછી સંજોગ વસાત એ સુધરી જાય તો પણ આપણે એને સ્વીકારી શકતા નથી. ભાઈ ! તારે દૃષ્ટિ બાહ્ય જ રાખવી હોય તો બધાની એકજ ‘ગ્રે’ પ્રતિમા જ રાખને. ધોળીયે નહિ ને કાળીયે નહિ પછી તને કોઈ પ્રત્યે અભાવજ પેદા નહિ થાય. માટે આચાર્ય કે ઉપદેશકને ક્રોધ કરતાં જોઈને વિચારવાનું કે એમને પણ આવેગ આવી શકે છે. હજી તે કાંઈ સંપૂર્ણ વિતરાગી નથી થઈ ગયા. જેમ હું પ્રયત્ન કરૂં છું. તેમ તે પણ કરી રહ્યા છે. ‘સાચી દિશામાં વિચારવાનું ચાલુ થશે તો આ પ્રશ્નજ ઉભો નહી થાય. દૃષ્ટિ જો આપણા આત્મા સન્મુખ હશે તોજ આપણું કલ્યાણ થશે.’
173
સ. 349 સમકિતી દેવી ‘નાંણદેવીમાં’ આરાધના કરતાં પણ કયો ઉત્તમ માર્ગ બતાવે છે?
જ. 349 આરાધના જરૂર કરો. આરાધનાથી ધર્મનો પાયો મજબૂત થાય છે. એ ભગવંતનો માર્ગ છે, ગુરૂ મહારાજની આજ્ઞા છે. આરાધના કરો પણ પછી ઘરે આવીને કાળ, ક્રોધ, માન, માયા, મમતામાં ફસાઈ જાવ છો અને આરાધના પર પાણી ફરી વળે છે. એ પાણીના રેલાની જેમ વહી જાય છે.
આરાધના કરતાં ઉત્તમ માર્ગ છે. (1) ચિંતન (2) આત્માની સ્થિરતા (3)
મનની વિચારણા. આરાધના કરી શકો કે ના કરી શકો પણ આત્માની સ્થિરતા રાખો. મારે ઉત્પાત નથી કરવો એટલે નથી જ કરવો. ભલે ગમે તે થાય. ભલે કષાયરૂપી ઘોડાઓ પીઠ પર ચઢી બેસે. ધબ્બા મારે પણ મારે નથી કરવું એટલે નથી જ કરવું, આત્માની સ્થિરતા રાખો. આત્માની કષાયો સામે યુદ્ધ કરવાની પૂરેપૂરી તૈયારી રાખો. ચિંતન કરો... આહ ! શું મારા પ્રભુની દેશના છે, શું એમના મુખ પર તેજ છે. આ બધું તમારા ભાવથી કરી જુઓ. ભલે આ પુદ્ગલ હરતું ફરતું હોય પણ ચોવીસ કલાક તમે ચિંતન કરો. તમારા આત્મા વિષે વિચારો, આત્માની સ્થિરતા રાખો.
મનની વિચારણા રાખો કે આજે સવારથી રાત સુધી મેં શું શું કર્યું. આ નહોંતું કરવું જોઈતું. એનો પશ્ચાતાપ કરો તો જરૂર તમે આગળ વધશો.
આત્મા જાગૃત રહે છે. સવારથી સાંજ સુધી વિચારતા રહો કે મારાથી હિંસા તો નથી થઈને, ઈર્ષ્યા તો નથી થઈને? મારૂં, મરીશ અને મારીશ એવી ભાવના તો નથી થઈને? કોઈની હાંસી મશ્કરી તો નથી કરીને? રોજ એટલું વિચારો કે મેં આજે કેટલા પાપો કર્યા? કયા કયા કર્મોના બંધ બાંધ્યા? કર્મોને યાદ કરો તો પણ કર્મોના બંધ હળવા પડશે. આત્માની વિચારણા રહેશે. પ્રભુને પંથે જવાનો, પ્રભુના પગલે જવાનો, પ્રભુની શ્રેણીએ પહોંચવાનો વિચાર કરો. સારી વિચારણા કરવાથી જ ક્યાંક બારી, કયાંક બાકોરૂં થશે અને તરી જવાશે. બે વાર, ત્રણવાર, દસવાર નીચે પડો. પણ જો ભગવંતનો દોર પકડી રાખેલો હશે તો જરૂર પહોંચાશે.
તમારા આત્માને તોફાને ચઢવા ન દેશો. કામ, ક્રોધ જાગી ઉઠવાથી તુરંતજ આત્મા તોફાને ચઢી જાય. માટે આંખેથી ભલે આંસુ વહેતા હોય પણ આત્માને તોફાન કરવા ન દેશો. એને બેસાડી રાખજો. આ આંસુ પણ તમને ડગાવવા, કષાયો ઉત્પન્ન કરવા, વાદ-વિવાદ કરવા માટે હોય છે.
માટે આત્માને કાબુમાં રાખશો એને તોફાને ચડવા ન દેશો. આરાધના પણ કરો પરંતુ સ્થિરતા, ચિંતન અને વિચારણા જરૂર કરો. આ બધા પ્રભુ 174
પાસે જવાના અલગ અલગ ફાંટા છે. પણ બધામાંથી જો આ ત્રણ નહીં હોય તો વાવેલું હશે પણ લણી નહીં શકો. જો આખી જીંદગી ધર્મ કર્યો પણ આત્મા વિષે વિચાર ન કર્યો. આત્માને જાગૃત ન કર્યો તો એ વાવેલું બધું વેરાઈ જશે અને તમે લણી નહીં શકો. જૈન ધર્મ આત્માને જાગૃત કરવાનો માર્ગ બતાવે છે. આત્માને જાગૃત રાખવા ધર્મ છે. ધર્મને જાગૃત રાખવા આત્મા નથી. સામાયિક કર્યા પહેલાં એક કલાક વિચારણા કરો કે આજે કેટલી અથડામણો થઈ, કેટલા વિચારોના ખેલ ખેલાયા, મારા કયા કૃત્યોથી કર્મ બંધાયા, આ વિચારણાથી આત્મા જાગૃત રહેશે. તમે કહેશો કે એક સામાયિક તો માંડ માંડ થાય છે. પણ એ માંડ માંડ ક્યાંય કામ નહી લાગે એ તમને ક્યાંય નહી પહોંચાડે. આત્મા જાગૃત હશે તો ઉપદ્રવનો જરૂર નાશ થશે. રાગ-દ્વેષ-ઈર્ષ્યા-વેરઝેર આ શત્રુઓથી બચો. તમારામાં ‘હા’ ની ‘ના’ થતાં જ એક મિનિટની અંદર આ શત્રુઓ તમારામાં આવી જાય છે. માટે ઘણું ભણ્યાને ઘણું ભૂલ્યા.
સ. 350 સમભાવી દેવી ‘નાંણદેવી’ ક્રોધ વિષે શું કહે છે?
જ. 350 ક્રોધ એ કતલખાનું છે. એ તમારા આત્માનો છુંદેછુંદો કરી નાંખે છે. ગમે તેટલું આત્માને નિર્મળ કરવાની કોશિશ કરો પણ ક્રોધથી આત્મા છુંદાઈ જાય છે. કોઈ પોતાનો પાવર બતાવે. ભલે ગમે તેમ કહે પણ તમે શાંત રહો, ક્રોધ ન કરો. ભલે એ વિચારે કે એના પાવરની જીત થઈ પણ ખરેખરી તો તમારા આત્માની શક્તિની તમારી ભક્તિની જીત થઈ છે.
અપરંપાર ક્રોધ, જે ચંડકોશીયાના ઝેર કરતાં પણ વધારે હોય, એક શબ્દ બોલતાં અનેક શબ્દ સામસામા બોલાતા હોય ત્યાં આત્મા ક્યાંથી છૂટે? તપની સાથે પણ ક્રોધ હાજર જ હોય. જૈન મંદિરમાં ગયા હોય અને ઘરે આવીને કોઈ વસ્તુ તૈયાર ન હોય તો કાળ-ક્રોધ કેટલો થાય છે? તો પછી જૈન મંદિર જઈ આવવાનો કોઈ અર્થ નથી. તપનું ફળ વિરાધના થાય.
આત્મા વ્યંતર ગતિમાં ચાલ્યો જાય. વ્યંતર ગતિના જીવો ખૂબજ અતૃપ્ત, દુઃખીને પિડિત છે. એવી અવસ્થામાં સાગરોપમના આયુષ્ય પસાર કરવા પડે છે. જો અરિહંતની વાણીનો અંશ જેટલો પાવર લો. તો ઉદ્ધાર થાય.
ગમે તે થશે નહિ જ બોલું, કષાયખાનાનો પાવર નહિ, સહનશક્તિનો પાવર ત્યાં તમને પ્રકાશ આપશે. આપણે કહીએ જીતી ગયો પણ જીંદગી હારી ગયો. કષાયોથી જીત્યો તોજ જીંદગી જીત્યો કહેવાય. જે સહન શીલતાનું અમૃત ઘૂંટડો પીવાનો છે તે પીઓ, કષાયો આગળ પાગલ ન થાઓ. જો નાથની અંદર લીન રહી પાવરથી રોકો તો નાથ ને કહી શકાય.
‘ક્રોધરૂપી શત્રુઓ કરવતો લઈને આવ્યા હતા. હે નાથ! શું તારી શીતળતા કે મને એક ડાઘ ક્યાંય લાગ્યો નથી એવી તારી દયા છે’ સમભાવ, દુશ્મનને પ્રેમ, માથું ઉડાડે તો પણ શીતળતા, ભગવંતની વાણીને યાદ કરો. પ્રભુ પારસ નાથને યાદ કરો, આઠ આઠ ભવ પોતાના સગાભાઈએ દુશ્મન બની માર્યા છતાં સમભાવ, મહાવીરને કાનમાં ખીલા ઠોકાણા છતાં ધ્યાનમાં લીન, ભગવાનનો જમાઈ ભગવાનની વિરૂદ્ધ, ભગવાનને લંગોટિયો કહ્યું છતાંય ભગવાન નાથની અંદર લીન... સમભાવ... ત્યારે કતલખાનાની ચાવી બંધ કરવાનું મન થશે. કોના માટે? શાને માટે ક્રોધ કરવાનો? કષાયના કતલખાનાની ચાવી મારે ખોલવાની શું જરૂર? શીતળતા, નિર્મળતાની અંદર કેરોસીનની ટીપા પડે તોય કાંડીનો ઉપયોગ ન કરો. તમે સંસારને છોડો એટલે દીક્ષા નહિ. વૈરાગ્ય નહિ. પણ ક્રોધ, માન, માયાથી મુક્ત રહો. ક્રોધ આવતાં આત્માને બુઝવો. જીવવું બે ઘડી આ કોના માટે કાળક્રોધ? આત્માને કહો તારે શું જરૂર છે? તું તારૂં કામ કર, પુદ્ગલ એનું કામ કરે ભલે વેદના થાય. પરમાત્માને શરણે જા.
અમૃતનો કુપો ભરાતા વાર લાગે, વિચારતા વિચારતા કર્મના બંધ તૂટે.
પંથ મળે. ક્રોધ આવે ત્યારે ધક્કો મારો. ક્રોધ નથી જ કરવો.
પ્રશન્ન શક્તિ, પ્રગટ શાસન દેવીના મુખેથી ઝરેલી અમૃતવાણી માનવસેવા સૌથી મહાન છે. ગરીબ અને દુઃખીને જોઈને તમારો આત્મા દુઃખી થાય, તેનું દુઃખ સમજવાની કોશિશ કરો. તમારાથી બને એટલી સહાય કરો, નહીં તો એને આશ્વાસન આપો એથી દુઃખીયાને શાંતિ થશે.
નામની ઈચ્છા નહીં રાખો, ગુપ્તદાન, તમારા આત્મા માટે દાન કરો છો, એનું પ્રદર્શન કરવાથી આત્માનું કલ્યાણ નહીં થાય. નામ માટે સંઘપતિ બનેતો પડતી થાય.
ઘરે આવેલા અતિથિને ભૂખ્યા નહીં મોકલતા એને જરૂર જમાડવા જોઈએ. એમ નહિ કે આજે તો અમારૂં રસોડું થઈ ગયું છે, તમે બીજી વાર આવો તો જરૂર જમીને જજો. જમવાની ના પાડવાથી કે કમને જમાડવાથી બરકત જાય છે.
જે મળે તેનો ભાગ કરીને ખાવું જોઈએ. જ્યાં સુધી અડધા રોટલાથી પેટ ભરાય જાય તો આખા માટે નહીં દોડવું જોઈએ. તમે કોઈને બનાવીને લૂંટીને રાજી થાઓ કે કેવો બનાવ્યો, પણ એમાં રાજી શું થવાનું છે? એમાં તમે તમારી હોંશિયારી સમજો પણ આત્મા ક્યાં પડ્યો એની ખબર છે? તમે કેટલા પાપો કર્યા એની કલ્પના છે? ખાશે દસ અને અધોગતિ તો તમારા એકનીજ થવાની છે.
‘હું પદ છોડો’ મેં આમ કર્યું, મેં આજે પ્રભુને મુગટ ચઢાવ્યો, હું બે હજાર મણ ઘી બોલ્યો, મેં દેરાસર બાંધ્યું. આ બધું ‘હું પદ’ છે. અરે! તેં શું કર્યું ? આ બધું તારા પહેલાના પૂણ્યથીને આભવે શાસન દેવદેવીઓની સહાયથી તેં આ કર્યું છે. તું કરવાવાળો કોણ? તમે ‘દેવદ્રવ્યમાં પૈસા વાપરવા છે’ એમ કહો છો તેના બદલે ‘મારે ભગવંતના દરબારમાં એટલો લાભ લેવો છે’ એમ કહો.
આપણે બીજા કોઈપણ માનવીના અવગુણ ન જોવા કારણકે કોઈ માનવી ખરાબ નથી હોતો. આપણે બીજામાં અવગુણ જોઈએ છીએ ત્યારે રાગ-દ્વેષ કરીએ છીએ. તેથી અવગુણ આપણામાં છે. જો માનવી એમ માને કે અવગુણ બધા મારામાં છે તો આપણામાંથી હું પદ જતું રહે છે તેથી આપણે કર્મ બાંધવાના ઘટે છે.
મોહ, માયા, લોભ, ક્રોધ, કામવાસના, ઘમંડ, લાલચ, નિંદા, વ્યસન, અભક્ષ્ય, પરસ્ત્રીગમન, હું પદ વગેરે ખોટી વસ્તુ કાંટા સમાન છે. જે મોક્ષે જવાના માર્ગેે આડા ઉભા રહી જાય છે.
અમીર હોય કે ગરીબ બધાએ એકજ રસ્તે જવાનું છે એમ તમે કહો છો પણ એ બરાબર નથી. એક રસ્તે જવાનું છે. તમારા ખોળિયાને, પણ આત્માના રસ્તા અલગ છે. આત્માએ તો પોતાના કર્મપ્રમાણે એ રસ્તા પર જવાનું છે.
ઈર્ષ્યા, નિંદા, કામ, ક્રોધથી તેમજ સહનશક્તિ નથી તેથીજ કર્મના પોટલા આપણે જાતેજ બાંધીએ છીએ.
જન્મ દિવસ કે લગ્નતિથીની વર્ષગાંઠના તમે પીકચર-પાર્ટી હોટલોમાં ગયા, પૈસાનો ધૂમાડો કર્યો, પ્રેઝન્ટો મળી પણ એનો શું ફાયદો? એમાં તમે કરમ બાંધોને બીજાઓને પણ બંધાવો છો. એના કરતાં એ પૈસા કોઈ ગરીબ વિદ્યાર્થી ને ફી ભરવા માટે કે ભૂખ્યાને જમાડવા, વૃદ્ધાશ્રમ કે અન્ય કોઈ સારા કામ માટે ઉપયોગ કરો.
જરા વિચારો... ‘જન્મ દિવસે મેં કર્મ ખપાવવા જન્મ લીધો છે, તો પ્રભુની ભક્તિ કરી આ નવા વર્ષમાં મારા કર્મ ખપાવું. પ્રભુની આંગી રચાવું. જે કર્મો પહેલાં કર્યા છે એ ખપાવું અને નવાં ન બાંધુ.’
મનની સ્વચ્છતા હોય અને તમે એક ધ્યાનમાં મંત્ર બોલતા હો તો રણમેદાનમાં પણ પાણીના ફૂવારા છૂટે. અધિષ્ઠાયક દેવ-દેવીઓને રણમાં પણ પાણીના ફુવારા છોડવાજ પડે.
દયા, ભાવ, પ્રેમ, અહિંસા આ ચાર દાગિનાનો ઘડો ભરીને તમારા હૃદયકમળમાં સાચવીને રાખો. થોડા થોડા સમયે જોઈ લ્યો કે દાગીનો ઓછો તો નથી થયોને? એમાં કષાય રૂપી ખાબોચીયું તો નથી ભરાઈ ગયું ને? એટલે કે કાળ, ક્રોધ, રાગ, દ્વેષ આ કષાયોને એકજ ઘડામાં ભરીને એનું મોઢું બંધ કરી ફેંકી દો.
ચાર કષાય સાથે સતત યુદ્ધ કરવાની તૈયારી રાખો અને આત્માને નિર્મળ બનાવો.
આરાધના જરૂર કરો, પણ પછી કાળ-ક્રોધ નહી કરો. નહીં તો આરાધના પર પાણી ફરી વળે છે.
આ પુદ્ગલ ભલે ઘસાય, ભલે ખરાબ થાય, પણ એના માટે આત્માને દુઃખ શું કામ? 178
જો કોઈ વ્યક્તિ સાથે તમને નથી બનતું એ બીજા સાથે સારી રીતે રહે છે, તો એને અને બીજાને આગલા ભવના પુણ્યનો પ્રકાશ છે અને આપણી સાથે નથી બનતું તો આ ભવમાં સહન કરી લ્યો. આવતા ભવમાં ભોગવવું નથી.
ભગવાન ભાખી ગયા છે, એ સમયે આવી રહ્યો છે. કુટુંબમાં લાગણી જેવું કાંઈ જ નહીં રહે, ત્યારે તમારા આત્માને પડવા ન દેશો. કંઈપણ થાય આત્માનું ગુમાવતા નહિ.
શ્રદ્ધા અપરંપાર છે પણ જો ભગવંતનો દોર ન હોય તો એનો કાંઈ અર્થ નથી.
જો ભગવંતે બતાવેલા માર્ગનું આચરણ ન કરતા હો તો એ શ્રદ્ધાનો કોઈ અર્થ નથી. ભગવંતની પૂજા કર્યા પછી જો રાગ-દ્વેષમાં, ઈર્ષ્યા-વેર-ઝેરમાં ફસાઈ જતા હો તો તમારી શ્રદ્ધાનો શો અર્થ? કાળ એવો છે એમ કહીને અનંતા ભવના દુઃખ શું કામ લેવા? ભગવંત ભાખી ગયા છે એવો કાળ આવશે, ધર્મ, વેર-વિખેર થઈ જશે. પણ જો ભગવંતે બતાવેલા માર્ગને આચરણમાં મુકીએ તો ચોથો આરો વર્તાય. જો તમારા આત્માને માટે કરવું હોય તો લોકો ભલે મૂર્ખા કહે પણ ભગવંતો નહીં કહે માટે લોખંડી બીજની વાવણી કરો.
વિચારવાની શક્તિ નથી, સમજવાની શક્તિ નથી માટે કાળ એવો છે એમ કહેવું પડે છે.
વિચારણા કરો તો જરૂર વેર-ઝેરથી બચી શકાય નહીં તો એનો કોઈ અંતજ નથી.
સૂરજના સતત તાપ છતાં સમુદ્રનું પાણી શીતળ રહે છે. સમુદ્રના કાંઠે બેસવાથી મીઠો-મધુરો પવનજ વાય છે. પણ જો એમાં એક નાની કાંકરી નાખી હોય તો સમુદ્રનું પાણી ડહોળાઈ જાય છે, કુંડાળા વળી જાય છે. માટે કાંકરીની જેમ એક શબ્દ બોલીને કોઈને દુઃખ પહોંચાડવા કરતાં સૂરજની જેમ સતત ચોવીસ કલાક પ્રવૃત્તિમાં રહેવું સારૂં.
હિંસા થતી જોવી અને સાંભળવામાં પણ દોષ છે. દુશ્મનને કોઈ મારતું હોય અને તમે કહો કે, ‘મારો.. એને તો મારવો જ જોઈએ’ તો એમાં દોષ છે.
રાત્રે સૂતા પછી કંઈ વસ્તુનો ખપ છે? છતાં પણ ત્યાગ નથી કરી શકતા. રાત્રે સૂતી વખતે વોસિરાવી દેવાથી એટલા કર્મના બંધ નથી પડતાં.
જે ભગવંતને પંથે ચાલનારા, ચારિત્રનું પાલન કરનારા મહામુનિ છે એમની નિંદા નહી કરતા. કદાચ નારકીનો કીડો છૂટી શકે પણ મહારાજ સાહેબની નીંદા કરવાથી કયારેય નહી છૂટી શકો.
179
મહારાજ સાહેબને ગોચરી વહોરાવી એમ કહેવાય. તમેજે સુપાત્રદાન કહો છો એ બરાબર નથી. મહામુનિ દાન લેવા તૈયાર નથી અને તમે કોણ એમને દાન આપનારા? જો દિવસ રાત નિદ્રા નથી આવતી, વિચારો આવે છે. વેદના થાય છે. જો અત્યારે આટલું સહન કરવું પડતું હોય તો ખોળિયું છોડ્યા પછી કેટલું ભોગવવું પડશે? હાલતાં ચાલતાં ભગવંતના વિચારો, સારા વિચારો, સારા કર્તવ્યો કરો. આત્માનું ભાથું તૈયાર રાખો જ્યારે જરૂર પડે, ભૂખ લાગે ત્યારે વાપરી શકો. કઈ ઘડીએ મૃત્યુ આવે એ ખબર નથી પણ ભાથું તૈયાર હોય તો સદ્ગતિ મળી જાય.
અસત્ય કામમાં શક્તિ બેવાર-ચારવાર તમને બચાવે પણ છતાં તમે કરતાં રહો તો અસત્ય કામમાં શક્તિ સહાય ન આપે.
જો સામાયિક-પ્રતિક્રમણમાં બેસવાથી ઘરમાં અથડામણ થતી હોય તો મનની અંદર ધારી લો અને આંગળીના વેઢે નવકાર ગણીલો પણ અથડામણને રોકો.
તમે કહેશો કે રસ્તામાં એણે મને સામેથી ન બોલાવ્યો, અરે પણ ન બોલાવ્યો તો કાંઈ નહિ, પણ તારી અંદરતો કાંઈ ઈર્ષ્યા નથી જાગીને એનો વિચાર કરવાનો અને ભગવાન એનું ભલું કરે.
પાંચમો આરો તો કઠીન છે છતાં સુંદરતાવાળો છે, એમાં ધર્મ આરાધના, પ્રભુભક્તિ કરી શકો છો, પણ પાંચમાં આરાનો અંત અને છઠ્ઠા આરાની શરૂઆત એવા લોહી પરૂની નદીઓ અને વરસતા અંગારા એમાં જન્મ લેવો છે? ક્રોધ કરીને પશ્ચાતાપ કરો એના કરતાં એ કરતા પહેલાંજ વિચાર કરો.
ઉપરથી અંગારા પડતા દેખાય છતાં માથું હલાવવાની જગ્યા નહોય. એ સહન કરવાની શક્તિ હોય તો આત્માનો વિચાર નહીં કરતા.
ભવ સાગર તરવો છે પણ હજી તો ખારસાગરમાં છો. ખારો સાગર એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, માયામાં ઉભા છો. આ ખારૂં પાણી પીવાની ઈચ્છા છે? પીવાની તાકાત છે. પણ પચાવવાની તાકાત નથી. જો આ ખાર સાગરમાંથી બહાર નીકળશો, ભવસાગરમાં જશો તો અરિહંત શરણું લઈને તો કયારેક જરૂર તરી જશો. સામાયિક કરીને બહાર નીકળતાં તમારી નિંદા ચાલુ થઈ જાય તો તમારૂં હથિયાર ક્યાં છે? તમે ત્યાં પણ તમારા શત્રુને સાથે જ રાખો છો તો ક્યાંથી તરશો? 180
ધંધામાં 1 ના 4 કરો ત્યાં સુધી વાંધો નથી કે 1 ખર્ચો, 2 જમવા, 1 બચત પણ એકનું દસ-પંદર કે પચીસ ગણું કરો તો એને લૂંટ કહેવાય. પુણ્ય હોય તો ભલે રોજ લાખો કમાવો પણ છેતરપીંડીં નહીં.
અહમ્ નહી રાખો. કષાયોમાં આવીને કોઈ ચાર કહે તો એને આઠ ગણું કહીને એને ચૂપ કરૂં એમ નહીં કરતા આ જીભ આપણો શત્રુ છે. આ જીભનો ચટકો, જેટલી વાનગી સ્વાદિષ્ટ એટલા આપણા કર્મ બંધાય છે. અને આ તો એક ઘડી માટેનો સ્વાદ છે. પણ એના વખાણ કરતાં તમે છ મહિના સુધી થાકતા નથી. તો કેટલા કર્મો બંધાય છે? જરૂર પૂરતું ખાવું પડે છે ત્યારે પણ ખાઈને એટલું વિચારો કે આ ખાઉં તો છું પણ આ કર્મોમાંથી ક્યારે છૂટીશ? તો પણ ઘણું છે.
ભલે ચોવીસ કલાક ક્રિયા વિધિ ન કરો પણ આત્માને ઓળખો. સામાયિક, પ્રતિક્રમણ ન કરી શકતા હોતો કાંઈ નહી (અનીવાર્ય કારણસર) પણ આત્માને ઓળખો. સામાયિક કરવાની ના નથી એતો ભાગવંતનો પંથ છે. પણ જો કષાયોમાં રહીને, કામ, ક્રોધ કરીને અનેક જીવોને દુભાવીને પ્રભુ ભક્તિ કરતા હો તો એનું ફળ ક્યાંથી મળે? ભગવંતની પૂજા કરતાં જો જીવ વેપારીને આપેલા સમયમાં હોય તો શું ભગવાન સાથે પણ છેતરપીંડી કરો છો? જો તપ કરીને કષાયો કરે તો એનો કોઈ અર્થ નથી. જમવામાં અમુક વસ્તુનો ત્યાગ કરીને રોટલો ખવાય જેથી શાંતિથી ભક્તિ, પ્રતિક્રમણ, કાઉસગ્ગ થઈ શકે અને કષાયોથી મુક્ત રહે.
આત્મધ્યાન કરો. ફક્ત એકજ પદ ‘ૐ નમો અરિહંતાણં’ ગણવામાં ધ્યાન ચલિત ન થાય અને એકજ પદનું ધ્યાન કરવાથી આત્મધ્યાન થઈ શકે.
તમે કહેશો કે મોક્ષની બારી બંધ છે, મોક્ષની બારી બંધ છે. મોક્ષની બારી તો ખુલ્લી છે, જે બંધ છે એ તમારા આત્માની બારી બંધ છે.
તમારી આત્માની વિચારણા ક્યાં છે? ભગવંતને ક્યાં ઓળખો છો? એમના માર્ગેે એમણે બતાવેલ પંથે ચાલો નહીં તો છેલ્લી ઘડીએ ભગવાનને તમે એક ચિઠ્ઠી પણ લખી નથી તો એ તમને કયાંથી ઓળખશે? સંસારી કપડા પહેરીને પણ જો રાગ, દ્વેષ, મોહ, માયા છોડીને ચોવીસે કલાક આત્માની વિચારણા અને એક કલાક આત્મધ્યાન ધરો તો જરૂરથી પામી શકાય.
સજીવ હોય કે નિર્જીવ દરેકનો આભાર માનો.
દરેકને ક્ષમાપના આપો. દરેકનું કલ્યાણ ઈચ્છો.
સવારે ઉઠીને શાંત ચિત્તે બેઠા હોય, ત્યારે, અથવા તો સવારે કે સાંજે ચાલવા જતા હોય ત્યારે, અથવા કામ કરતાં અથવા તો રાતના ઉંઘ ન આવે ત્યાં સુધી નીચેની ભાવના જરૂર ભાવો, જેનાથી આત્મા પર લાગેલા કર્મો ઓછા થશે, આત્મા નિર્મળ થશે અને સદ્ગુણોનો અવિર્ભાવ થશે. આ બધી ભાવના મનમાં ભાવવાની છે.
(1) હે સિદ્ધ પરમાત્મા ! આપના અનંત ઉપકારને કારણે મારો જીવ નિગોદમાંથી નીકળી વ્યવહાર રાશિમાં આવ્યો નહિ તો હજી હું એક શ્વાસમાં સાડાસત્તર વખત જન્મ-મરણના દુઃખ સહતો હોત ! માટે હે સિદ્ધમાતા હું તમારો ખૂબ જ આભાર માનું છું.
(2) હે કુદરત ! ધર્મ આરાધના કરવા માટે મને આટલો સુંદર દિવસ આપ્યા બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.
(3) હે માતા-પિતા ! આપે દુઃખ વેઠી મને જન્મ આપ્યો, પાળી પોષી મોટો કર્યો તથા દેવ-ગુરૂ ને ધર્મ પમાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. હે માતા પિતા મેં ઘણી વખત આપની આજ્ઞા નહી પાળી હોય, આપને સામો થયો હોઈશ, આપના હૃદયને ઘણું ઘણું દુઃખ પહોંચાડયું હશે, તો હે માતા-
પિતા આપનો આત્મા જ્યાં પણ હોય... હું મારા શુદ્ધાત્માની સાક્ષીએ આપના શુદ્ધાત્માની ક્ષમા માંગુ છું. મને જરૂર ક્ષમા કરશો.
(4) હે કુળદેવી માતા ! આપ અમારા કુળની રક્ષા કરો છો.તે માટે અમે આપનો ઘણો ઘણો આભાર માનીએ છીએ. અમારાથી આજ દિન સુધી જાણતા અજાણતા જે કાંઈપણ ભૂલચૂક - દોષ થયો હોય તો સહપરિવાર આપની ખરા અંતરથી માફી માંગીએ છીએ.
(5) હે પતિદેવ (પત્ની) ! આપ મારા જીવનસાથી બની મને જીવન જીવવામાં સહાયતા કરી તે બદલ આપનો ઘણો જ ઘણો આભાર માનું છું. આજદિન સુધી આપના હૃદયને દુઃખ લાગે તેવું મારા વાણી તથા વર્તન દ્વારા કાંઈપણ બન્યું હોય તો મારા શુદ્ધાત્માની સાક્ષીએ આપના શુદ્ધાત્માની મન-વચનને કાયાથી ક્ષમા માગું છું. આપ મને જરૂર ક્ષમા કરશો.
(6) હે પુત્ર, પુત્રી, પૌત્ર, પૌત્રીઓ ! (દરેકનું નામ દઈ અલગ અલગ પણ માફી માંગી શકાય છે) જેની જોડે વેરના સંબંધ વધારે હોય અને પ્રેમના સંબંધ વધારે હોય તેજ આત્મા આપણી વધુ નજીક આવે છે. આપ દરેકને મોટા કરતાં ક્યારેક મારવું પાડયું. હશે તો ક્યારેક લડવું પડ્યું હશે. મારા શુદ્ધાત્માની સાક્ષીએ આપના શુદ્ધાત્માની મન-વચનને કાયાથી ક્ષમા ઈચ્છું છું.
આ રીતે ભાઈ-બહેન-દેરાણી-જેઠાણી-સાસુ-કાકા-મામા-માસી-ફઈ-
બાળપણના મિત્રો - અત્યારના મિત્રો - જૂના પાડોશી - નવા પાડોશી -
દરેકનું વ્યક્તિગત નામ દઈને અથવા સમૂહમાં દરેકનો આભાર માનવો તથા દરેકના શુદ્ધાત્માનો આપણા શુદ્ધાત્માની સાક્ષીએ મન-વચન-કાયાથી ક્ષમા માંગવી.
નિર્જીવ વસ્તુ જેવી કે ઘર છે કે જેણે આપણને ટાઢ-તડકા તથા વરસાદથી બચાવ્યા છે, તેવી રીતે ઓફીસ, દુકાન તથા ગાડી - મોટર - સ્કુટર જેણે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં સહાય કરી છે એવી જે જે નિર્જીવ વસ્તુ પણ યાદ આવે તે દરેકનો ખૂબ ખૂબ આભાર માનવો. જેનાથી નિર્જીવ વસ્તુઓ પણ આપણને ખૂબ સહાય કરે છે. દાત. તમારી ગાડી બગડશે તો એવી જગ્યાએ ખોટવાશે કે જ્યાં તમને સહેલાઈથી મીકેનીક મળી જાય.
તેવી રીતે સવારે ઉઠો ત્યારથી સુઈ જાવ ત્યાં સુધી જે જે વ્યક્તિ કે વસ્તુ સામે આવે તે દરેકનું ખૂબ ખૂબ કલ્યાણ ઈચ્છો. દાત. સવારે ઉઠતાં પતિ-પત્ની-
મા-બાપ કે બાળકોને જોતા ભગવાન તેઓનું ખૂબ ખૂબ કલ્યાણ કરો તેવી ભાવના ભાવવી. સવારે દૂધ લેવા જાઓ તો આ દૂધવાળાનું ખૂબ ખૂબ કલ્યાણ થાઓ. તેમ વિચારવું. તેમ સવારે વોક લેવા જાઓ. ત્યારે આજુબાજુ રહેલા ઝાડ-પાન-પશુ-પક્ષી-માણસો દરેકનું ભગવાન ખૂબ ખૂબ ક્લ્યાણ કરો. એવી ભાવના ભાવવી. આ રીતના જગતના સર્વ પ્રાણીનું ખૂબ ખૂબ કલ્યાણ ઈચ્છવું.
આખરે નીચેની બે ભાવના સતત ભાવતા રહેવું.
(1) ખામેમી સવ્વજીવે સવ્વે જીવા ખમતું મે.
મિત્તીમે સવ્વ ભુએસું. વેરં મઝ ન કેણઈ.
(2) અણુ-પરમાણુ શીવ બની જાઓ. આખા વિશ્વનું મંગળ થાઓ.
સર્વે જીવો મોક્ષે જાઓ. અર્હં મૈયા અમર તપો.
Book Unicode and EPUB Converted by Parth Shah.
You can contact parthdjshah@gmail.com for further details.
આભાર વંદના ‘પ્રશ્નોત્તર રત્નમાલા’ પુસ્તકમાં મેં છેલ્લા બે સવાલ અને ‘રત્નકણિકા’ એ ‘શ્રી શારદા મંદિર ટ્રસ્ટ’ દ્વારા પ્રકાશિત ‘મહેર મળજો માની’ એ પુસ્તકમાંથી અવતરીત કરી છે. ‘મહેર મળજો માની’ એ પુસ્તકમાં પૂજ્ય સમભાવી દેવી શ્રી નાણદેવીમા જેમના પર પ્રસન્ન થયા છે તેવા પરમ પૂજ્ય શ્રી શારદામાએ કહેલી દિવ્ય વાણી, સામાન્ય લોકજનને થયેલા ઘણા શારીરિક તથા માનસિક શાંતિ આપનારા અનુભવો તેમજ આધ્યાત્મિક શાંતિ આપનારા વચનોનો સમાવેશ કરતું દિવ્ય પુસ્તક છે. આ પુસ્તકમાં ઘણા ભક્તજનોને થયેલા ચમત્કારિક અનુભવોનું વર્ણન પણ છે. એવા આ દૈવીશક્તિ, કષ્ટહણનાર, પ્રસન્ન શક્તિ શ્રી નાણદેવીમાના આશીર્વાદથીજ આ ‘પ્રશ્નોત્તર રત્નમાલા’
પુસ્તકનું લેખન શક્ય બન્યુ છે, એમ હું દૃઢ પણે માનું છું. આ પુસ્તક નીચેના એડ્રેસ પરથી મળી શકશે. શ્રી નાણદેવીમા મંદિર, શારદાગ્રામ, પિયુષાણી તીર્થની બાજુમાં, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે નં. 8, વરસાવા, જી. થાણા.
નાણદેવી માનું મૂળ સ્થાનક ડીશા પાસે આવેલ થરાદ ગામ ખાતે વર્ષો જૂના મંદિરમાં આવેલ છે. મુંબઈ નગરીમાં પિયુષપાણી તીર્થધામની પાસે આવેલા શારદા ગ્રામમાંં પૂજય શ્રી નાણદેવીમાના ભવ્ય મંદિર નિર્માણનું કાર્ય ચાલુ છે. આ મંદિર લગભગ 5000 ચો. ફૂટ ના વિશાળ પરિસરમાં ભવ્ય રંગમંડપ સાથે આકાર લઈ રહ્યું છે. ઘણા ભાવિક ભક્તો ત્યાં આવેલા હાલમાં સ્થાપિત થયેલા નાના-સુંદર રમણિય મંદિરના દર્શનનો લાભ લઈ રહ્યા છે.
પૂજ્ય મા ના ફોટા પાસે બે ફુલવાટનો દીવો કરી નીચે મુજબની પ્રાર્થના કરવી.
હે નાણદેવી મા... સહાય કરો, રક્ષા કરો, મારી ઈચ્છા પરિપૂર્ણ કરો, મારા ખોટા કાર્યનો નાશ કરો, હું તમારા આશરે છું.
આ ગુજરાતી સરળ શબ્દોથી ગુફીત મંત્રાક્ષરો છે. દરરોજ માનું સ્મરણ કરી, મંત્રાક્ષર બોલવાથી મનોકામના પૂર્ણ થાય છે. પછી માના મંદિરે દર્શન કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે. એવો અનેક ભાવિકજનોનો અનુભવ છે. પરમ સત્ રીબાતું હોય તો દૈવીશક્તિ જરૂર મદદ કરે છે ને જ્ઞાનમાર્ગમાં, ધર્મમાર્ગમાં આગળ વધવાની સહાય કરે છે તેવો મારો અનુભવ છે. છેલ્લા છત્રીસ વર્ષથી સમકિત દેવી શ્રી નાણદેવી માં શ્રી શારદામાં માં શક્તિ સ્વરૂપ પ્રસન્ન છે. શારદામા ભક્તોના કલ્યાણના જે કાર્ય કરી રહ્યા છે ,તે સંપૂર્ણ જૈન વિધિ, જૈન સિધ્ધાંત અનુસાર કરી રહ્યા છે. કેમકે જૈન સંસ્કારોથી એમનું જીવન ઘડતર થયુંછે. નાતજાતના કોઈપણ ભેદભાવ વગર ભકતોના ભૌતિક 185
દુઃખ દૂર કરી આધ્યાત્મિક માર્ગે વાળી ભવોભવના ફેરાના દુઃખ માંથી ઉગારવા આત્માને જગાડે છે. દરરોજ હજારો ભક્તોનું ઘરમાં આવવું-જવું ,કોઇનો એકપણ પૈસો લીધા વગર હજારો ભક્તો માટે કાર્ય કરવું, એના માટે પ.પૂ.શ્રી છોટુભાઇ,પૂ શારદામાં અને એમના પરિવારજનોએ જે બલિદાન આપ્યું તે અકલ્પ્યછે, અલૌક્કિ છે.
“નાંણ શારદા માં ટ્રસ્ટ ” નામે એક રજીસ્ટર્ડ ટ્રસ્ટ પણ ચાલે છે જેમાં મેડીકલ,એજ્યુકેશન,અનાજ, તથા જરૂરિયાત વાળાને સહાય પણ આપવામાં આવે છે. આ બધા ઉમદા કાર્યોને ધ્યાનમાં લઇને મુંબઇ મ્યુનિસિપાલિટીએ ચિનાઇકોલેજ (અંધેરી ઇસ્ટ)ના સામેના રસ્તાને“શ્રી નાણ શારદામાં માર્ગ” એવું નામ આપ્યું છે જે આપ બાજુના ફોટામાં જોઇ શકો છે.
શ્રીપાલ મહારાજએ પણ નવપદની આરાધના કરતાં પહેલાં શ્રી ચકેશ્વરી દેવીની ઉપાસના કરી હતી. આજ પણ સમક્તિ દેવી નાંણ દેવી મા ની શક્તિનો લાભ કેટલાયે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ લઇ રહ્યા છે અને ધર્મ આરાધનામાં આગળ વધી રહ્યા છે આવા શ્રી નાણં શારદામાએ મને આ અમૂલ્ય પુસ્તક “પ્રશ્નોત્તર રત્નમાલા” લખવામાં જે સહાયતા કરીછે તે બદલ હું એમને અત્યધિક આભાર સહ વંદન કરૂ છું.
સુબોધી સતીશ મસાલીઆ જયજીનેન્દ્ર ખાસનોંધ ઃ- આ પુસ્તકની હિન્દીમાં પણ અત્યંત માંગને કારણે આ પુસ્તકનું હિન્દી રૂપાંતર પણ થયું છે. જે તમને નીચેના નંબર પર કોન્ટેકટ કરવાથી વિનામુલ્ય પ્રાપ્ત થઇ શકશે.
શ્રીમતી મીનાબેન દશરડા - 2 8 9 1 8 3 5 0 , 9 8 2 1 1 1 6 2 5 0 , 186
પ. પૂ. હંસરત્ન વિજયજી ગણિના 77 ઉપવાસની ઉગ્રતપશ્ચર્યા ના પારણાના પ્રસંગપર ગચ્છાધિપતિ આચાર્ય શ્રી જયઘોષ સૂરિશ્વરજી મહારાજ શ્રી નાંણ શારદામાં ને આશીર્વાદના રૂપમાં નવકારવાલી અર્પણ કરતાં દેખાય છે.
શ્રી નાંણ શારદામાં માર્ગ ના ઉદ્ઘાટન પ્રસંગપર પધારેલા અગ્રણી જૈન રત્ન શ્રેષ્ઠી શ્રી દિપચંદભાઈ ગાર્ડી, એસીપી. શ્રી અરવિંદ મહાબદી ની ઉપસ્થિતિમાં શ્રી નાંણશારદામાં ના હાથેથી સન્માન ચિન્હ સ્વીકારતા દેખાય છે.
RAJESH PRINTERY 9867540524 / 40032496
Book Unicode and EPUB Converted by Parth Shah.
You can contact parthdjshah@gmail.com for further details.