This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

જ. 204 તીર્થંકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે. તે માત્ર ઈંદ્રિયો ને વશ કરવા માટે. એકલા ઉપવાસ કરવાથી ઈંદ્રિયો વશ થતી નથી પણ તપની સાથે શુદ્ધ ઉપયોગ હોય, વિચાર સહિત થાય તો વશ થાય છે. ઉપવાસ કરીને બીજાની નિંદા ન કરો, ક્રોધ ન કરો, ભોજનનું ચિંતન ન કરો, લોકોમાં દેખાડો ન કરો, જે કાંઈ કર્યુ છે તેનો અહંકાર ન કરો, કોઈ તમારા પ્રત્યે ગમે તેવું વર્તન કરે તમે તે પ્રત્યે હૃદયમાં સમતા ધારણ કરો. જેમ લક્ષ વગરનું બાણ નકામું જાય છે, તેમ ઉપયોગ વિનાનો ઉપવાસ આત્માર્થે થતો નથી.

દુર્બળ દેહને માસ ઉપવાસી, જો છે માયા રંગ રે... તો પણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ રે...

સ. 205 અનસનાદિ તપથી નિર્જરા થાય? (નિર્જરા એટલે કર્મ ખપવા)

જ. 205 નિર્જરા તો શુદ્ધ ઉપયોગથી થાય, પરંતુ શુદ્ધ ઉપયોગ વધારવા માટે ઉપવાસાદિ તપ કરવામાં આવે છે.

સ. 206 તત્વાર્થ સૂત્રમાં તપસા નિર્જરા ચ એમ શા માટે કહ્યું છે?

જ. 206 જ્યાં કષાય, વિષય અને આહારનો ત્યાગ છે તેને જ ઉપવાસ જાણવો. જો કષાય, વિષયનો કોઈ જ ત્યાગ નથી ને ફક્ત આહારનો જ ત્યાગ છે તો શાસ્ત્ર એને લાંઘણ કહે છે. તપ તો જગતમાં ઘણા કરે છે, પણ સમ્યકદૃષ્ટિને જ સકામ નિર્જરા થાય છે. તપથી નિર્જરા થાય છે. એમ કહ્યું તે સમ્યક્‌જ્ઞાન સહિત તપથી સમ્યક્‌જ્ઞાલન સહિત ના તપને જ શુદ્ધ ઉપયોગ કહેવાય. આવા શુદ્ધ ઉપયોગમાં જીવની રમણતા થતાં ઈચ્છાનો નિરોધ (અટકી જવું) થાય છે. શાસ્ત્રમાં ઈચ્છા નિરોધસ્તપ એમ કહ્યું છે. ઈચ્છાને રોકવી એનું નામ તપ છે. શુભ-અશુભ ઈચ્છા મટતાં ઉપયોગ શુદ્ધ થાય છે. ત્યાં નિર્જરા થાય છે. તેથી તપ વડે નિર્જરા કહી છે.

સ. 207 શાસ્ત્રમાં એમ કહ્યું છે કે, તત્વજ્ઞાન વિના કેવળ તપથી મોક્ષ ના થાય તેનું શું કારણ?

જ. 207 કારણકે જે જીવો તત્વજ્ઞાનથી, આત્મજ્ઞાનથી વિમુખ છે. તેમની તેવા તપથી સિદ્ધિ નથી પરંતુ તત્વજ્ઞાન થતાં, રાગ આદિ ભાવો મટાડવા માટે તપ કરવાની ના નથી. જો નિષેધ હોય તો ગણધર વગેરે શા માટે તપ કરે? 92

 

પોતાની શક્તિ અનુસાર તપ કરવું યોગ્ય છે. ‘તપ વિનાનું જ્ઞાન અને જ્ઞાન વિનાનું તપ’ બંને અકાર્ય છે. જેનામાં જ્ઞાન અને તપ સાથે હોય તેનું કલ્યાણ થાય. એકવાર રાગને લાત મારીને અંદર વીતરાગ પર્યાયથી આત્મા જણાય ત્યાં થાય કે ‘અહાહા! આવો આત્મા!’ ને ત્યાર પછી ધર્મની આત્મ કલ્યાણની શરૂઆત થાય.

સ. 208 ઉપવાસથી પુણ્ય બંધાય છે ને પુણ્યને તો પરંપરાએ મોક્ષનું કારણ કહ્યું છે ને?

જ. 208 જો આત્માની દૃષ્ટિ ન થઈ હોય, સમ્યક્‌દર્શન રહિત પુણ્ય બાંધ્યુ હોય, પુણ્ય બાંધતા અભિમાન સેવ્યું હોય, તો પુણ્યના ઉદયે ધારો કે ધનનો સંયોગ મળતાં જ અભિમાન કરશે. ‘અમે અમારા બાહુબળે પૈસા કમાયા...

પિતાજી પાસે તો કંઈ હતું નહિ... અમારી આવડતથી ધન કમાયા...’ વગેરે મદ ચઢશે. કોઈ ધર્માત્મા ગરીબ હશે તો નિંદા કરશે. નિર્ધન હતા એટલે મુનિ થઈને ચાલી નીકળ્યા. આ રીતે વિવેક રહિત થઈને પાપ બાંધશે. કારણ કે પુણ્ય ઉપાર્જન કરતાં પણ અભિમાન કર્યુ છે, માટે પુણ્ય ઉદયમાં આવતાં પણ અભિમાન કરશે. અભિમાનથી પુણ્ય બળી જાય છે. ને દુર્ગતિમાં ચાલ્યો જાય છે. માટે આત્માની દૃષ્ટિ થયા પહેલાં, સમ્યકદર્શન રહિત, અભિમાન સહિત બંધાયેલ પુણ્ય મોક્ષનું કારણ બની શકતું નથી.

માટે મુનિરાજ કહે છે અમને આવા પુણ્ય ન હજો ! પરંતુ જો આત્માની દૃષ્ટિ થયા પછી સમ્યકદર્શન સહિત પુણ્ય બાંધ્યુ હોય તો પુણ્યમાં અભિમાન ન કર્યુ હોય તેથી તેના ફળમાં તેમને અભિમાન થતું નથી. તેથી સમ્યક્‌દર્શીનું પુણ્ય પરંપરાએ મોક્ષનું કારણ કીધું છે. કેમકે ભવિષ્યમાં ધર્મી પુણ્ય છોડીને, પુણ્યનો અભાવ કરીને મોક્ષ કરશે. બાકી પુણ્યથી મોક્ષ થતો નથી.

સ. 209 તપ કરવાથી ભૌતિક સુખ તો મળે છે ને ?

જ. 209 કર્મનો નાશ કરવાનું લક્ષ રાખીને તપ કરવાનો છે. સંપત્તિ, સ્ત્રી, પુત્ર ઈત્યાદિ ભૌતિક વસ્તુઓનું લક્ષ રાખીને તપ કરવાનું નથી. આવી ભૌતિક વસ્તુઓ તો અનેક ભવમાં મૂકીને આવ્યા. આ ભવમાં પણ મૂકીને જવાના. તો તે નાશવંત વસ્તુઓ માટે તપ કરવાનો નિષેધ છે. મહાવીરના નિર્વાણ પછી લગભગ 530 વર્ષે વિમાલાચાર્ય નામના આચાર્ય ભગવંત થઈ ગયા. તે લખે છે, રાવણે અઠ્ઠમ તપ કરીને જે એકાગ્રતા બહુરૂપી વિદ્યા મેળવવા માટે રાખી તેટલો જ તપ કરી તેટલી જ એકાગ્રતા જો કર્મ નિર્જરા માટે રાખી હોત તો કર્મ ખપાવી રાવણ કેવળજ્ઞાન મેળવતે એટલી તાકાત હતી. પરંતુ તેનું લક્ષ્ય બહુરૂપી વિદ્યા હતી. તે મેળવ્યા પછી તેનો ઉપયોગ લોકોને રંજાડવામાં ને ભૌતિક સામગ્રી માટે કર્યો, જેથી તે મરીને નર્કે ગયો.

સ. 210 ઉપવાસ એટલે શારીરિક કસરત જ ને?

જ. 210 જો ઉપવાસ એટલે શારીરિક કસરત જ હોત તો ભગવાન કસરત જ કરવાનું ન કે’ત? એટલી નીચી કક્ષાએ ઉપવાસને ન સરખાવાય. આપણી ઉર્જા ઉર્ધ્વગામિની બને એટલી ઉચ્ચકક્ષાએ ધારો કે ઉપવાસ ન થયા હોય તોપણ ઉપવાસનું ફળ દેવગતિ કહી શકાય. કસરતનું ફળ દેવગતિ ન કહી શકાય. ઉપવાસમાં તમે આહારનો ત્યાગ કરો છો. એટલે જ્યાં સુધી પચ્ચખાણ છે. ત્યાં સુધી તમે આ દુનિયામાં આહાર માટે થતી દરેક પ્રકારની હિંસામાંથી બહાર નીકળી ગયા. એટલે તમારા ભાગે એટલું પુણ્ય જમા થયું. શરીરને ખોરાક નહીં મળે એટલે દિવસે દિવસે બધી ઈંદ્રિય ક્ષીણ થતી જશે. પછી આંખને ટીવી - નાટક - સિનેમા જોવા નહી ગમે. કાનને સાંભળવું નહિ ગમે, જીભને બોલવું નહીં ગમે. મતલબ કે દરેક ઈંદ્રિયની કાર્યશીલતા ઓછી થશે. શરીરની અંદરના અવયવો જેવા કે જઠર, આંતરડા વગેરેનું પણ હલનચલન ઓછું થઈ જશે. મતલબ કે અમુક અંશે કાયા અને વાણી બંને અક્રિય બનશે. જે મનને અક્રિય બનાવવામાં મદદ કરશે. તેથી આત્મા થોડે અંશે નિર્મળ બનશે. આમ જે બાહ્ય દૃષ્ટિએ દેખીને સમજી શકાય છે. તેટલા અંશે પણ ઉપવાસને ફક્ત શારીરિક કસરત સાથે તો ન જ સરખાવી શકાય.

સ. 211 ઉપવાસના પારણા પછી બધી ઈંદ્રિય બમણું જોર કેમ કરે છે?

જ. 211 જો કોઈ બીજ સુકાઈ ગયું હોય તો ફરી પાછું એ બીજ માટી-પાણીનો સંયોગ મળતાં પલ્લવીત થાય છે. પણ જો બીજ બળી જ ગયું હોય તો પછી ગમે તેટલું માટી કે પાણી મળે તે બીજ નવપલ્લવીત થતું નથી. બસ તેવી જ રીતે ઉપવાસ દરમ્યાન ઈંદ્રિયોની વાસના ક્ષીણ થાય છે. પણ ખતમ થઈ જતી નથી. તેથી પારણા પછી પાછા અનુકૂળ સંજોગો મળતાં વાસના ડબ્બલ જોર કરે છે. પરંતુ જે આત્મજ્ઞાની છે. સમ્યક્‌દર્શી છે, તે ઉપવાસ દરમ્યાન ઈંદ્રિયોની વાસનાને જ ખતમ કરવાનો ભગીરથ પ્રયત્ન કરશે. એ ફક્ત ભોજન નહીં છોડે, ભોજનનો સ્વાદ પણ છોડશે.

આ ભોજન બહુ ભાવે, આ ન ભાવે, આ સારૂં, આ ખરાબ આવું જ જોઈએ. આમ જ જોઈએ વગેરે ચિંતન છોડીને ઉર્જાને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરશે. આવી રીતે દરેક ઈંદ્રિયની વાસનાને જ બાળવાનો પ્રયત્ન કરશે. કાનને કર્ણપ્રિય સંગીત હશે કે કર્કશ હશે, નાકને ગમતી સુગંધ હશે કે દુર્ગંધ, આંખને ગમતું દ્રશ્ય હશે કે અણગમતું દરેકમાં સમતા કેળવવાનો પ્રયત્ન કરશે. શરીરને સુગંધીત દ્રવ્ય લગાવીને સુખ મેળવવાનો પ્રયત્ન નહિ કરે પરંતુ શરીરની પરિસ્થિતિથી ઉપર ઉઠીને આત્મા તરફ દૃષ્ટિ સ્થિર કરશે. આમ ભલે જો દરેક ઈંદ્રિયોના વિષયો ઉપવાસ દરમ્યાન ક્ષીણ થશે પણ મનથી તે વિષયોનું ચિંતન કરીને એને બળ આપવાનું ચાલુ રહેશે તો એ વાસનાનું બીજ બળશે નહિ. અને જે ખતમ નથી થયું તે ફરી અનુકૂળ સંજોગો મળતાં ડબ્બલ જોરથી ઉછળવાની શક્યતા છે. કોઈ ખેતર ભલે સાવ ઉજ્જડ દેખાતું હોય, પરંતુ વરસાદ પડતા પાછું ઘાસ ઉગી નીકળે છે. તેથી જ્ઞાની કહે છે કે કોઈ ખેતરને બહારથી ઉજજડ દેખી તે ઉજ્જડ જ હશે તેમ વિધાન કહી શકાય નહિ...

પરંતુ સતત ત્રણ ચોમાસા સુધી વરસાદ પડે તોય ઘાસનું એક તણખલુંય ન ઉગે તો જ અમે કહીએ કે આ ખેતર ઉજજડ છે. માટે જ તો શાસ્ત્રમાં કહ્યું છે કે સ્વાદનો ત્યાગ એજ ખરો તપ છે.

સ. 212 જો ઉપવાસથી કર્મની નિર્જરા નથી તો મહાવીરે શું કામ આટલા ઉપવાસ કર્યા?

જ. 212 ઉપવાસ એટલે પહેલું બાહ્ય તપ થયું. મહાવીરના ઉપવાસમાં બારેબાર પ્રકારના તપનો સમન્વય હતો. મહાવીરને તો છ એ છ બાહ્ય ને છ એ છ અભ્યંતર એમ બારેબાર પ્રકારના તપ એક સાથે એક જ સમયે હતા. માટે એમને કર્મની નિર્જરા હતી. આપણને એમના ફક્ત બાહ્ય તપ દેખાય છે, એની સાથે જે અભ્યંતર તપનો સમન્વય હતો તે ક્યાં દેખાય છે ? માટે જ તો આપણે ફક્ત પહેલા બાહ્ય તપમાં જ અટકી ગયા છીએ, માટે જ ભટકી ગયા છીએ. છ બાહ્ય ને છ અભ્યંતર તપ એ તો એક સિક્કાની બે બાજુ જેવા છે. તેને અલગ પાડી શકાય જ નહિ. જેમ ‘શરીર’ શબ્દથી શરીરના બધા જ અવયવો જેવા કે હાથ, પગ, માથું વગેરેનો એક સાથે જ બોધ થઈ જાય છે.

તેમ ‘તપ’ શબ્દથી બારેબાર પ્રકારના તપનો એક સાથે જ બોધ થવો જોઈએ. હા.. શરીરના અંગ-ઉપાંગોને સમજાવવા હોય તો એક પછી એક, પહેલાં માથું લો તો પછી હાથ, પછી પગ એમ સમજાવવા પડે કારણ કે ભાષાની એ મર્યાદા છે કે બધા જ અવયવ એક સાથે સમજાવી શકાય નહિ. પરંતુ જેમ માથું હોય ને, પગ ન હોય તો શરીર અધૂરૂં છે, પગ હોયને હાથ ન હોય તો શરીર અધૂરું છે તેમ એક અનસન નામનો બાહ્યતપ હોય ને બીજા તપ ન હોય તો તે તપ અધૂરો છે... અધૂરા તપથી કર્મની નિર્જરા સંભવિત નથી. મહાવીરે તો આપણને સમજાવવા માટે તપના ભેદ પાડયા છે, કારણકે એ પણ ભાષાની મર્યાદા હતી. પરંતુ આપણે તો પાંચમાં આરાના વક્ર ને જડ માણસો તેથી ફક્ત પહેલા નંબરના તપમાં અટકી ગયા. બારેબારનો સમન્વય કરવાનું બાજુ પર રહી ગયું. માટે જ ભટકી ગયા. જ્યારે બારેબાર પ્રકારના તપને બરાબર સમજશો ત્યારે તમેજ કહેશો કે હા... બારેબાર પ્રકારના તપના સમન્વય વગર કર્મની નિર્જરા ક્યાંથી થાય?

સ. 213 મહાવીરે જે ક્રમથી બાર પ્રકારના તપ બતાવ્યા તે ક્રમથી પહેલું અનસન તપ બરાબર આત્મસાત થાય પછી બીજા પર જઈએને?

જ. 213 બસ, અહીં જ તો આપણે ભૂલ ખાઈ ગયા કારણકે બાકીના અગિયાર તપ વગર પહેલું તપ આત્મસાત્‌ થવાનું નથી ને પહેલું આત્મસાત થાય પછી બીજા પર જઈએ એમ રાહ જોઈને બેસીએ. તો કદી બીજા પર જઈ શકાશે જ નહિ. બાહ્યતપમાં જ પુરૂં જીવન સમાપ્ત થઈ જશે.

સ. 214 પચ્ચખાણ લઈને તપ ન થાય ને તોડી નાખીએ તો શું થાય?

જ. 214 એકવાર તમે પચ્ચખાણલો, પ્રતિજ્ઞા લો, અને તમારા સંકલ્પ ઉપર તમે દૃઢ રહો કે તમારી ‘ના’ એટલે ‘ના’ ને ‘હા એટલે ‘હા’. તો તમારી ઈંદ્રિય તમારો વિરોધ નહી કરે શકે. પણ જો એકવાર સંકલ્પ લઈને તોડયો તો તમે એટલા નિર્બળ બની જશો કે એનો કોઈ હિસાબ નથી. સંકલ્પ તોડવાથી તમે જ તમારી આંખ સામે દીનહીન દેખાશો.. એકવાર સંકલ્પ કરીને તોડ્યા પછી જ્યારે બીજીવાર તમે કોઈ સંકલ્પ કરશો ત્યારે તમારી ઈંદ્રિય પહેલેથી જ જાણતી હશે કે તમે તમારો સંકલ્પ તોડવાના છો. પછી એના પર તમારૂં જોર નહી ચાલે કારણકે તમારી ઈંદ્રિય તમારી નબળાઈ જાણી લે છે માટે ભલે નાના સંકલ્પથી શરૂઆત કરો... પણ તોડો નહિ.

96

 

સ. 215 મહાવીરે તપમાં ‘દમન’ શબ્દ કેમ વાપર્યો છે? દમન એટલે તો દબાવી દેવું, વૃત્તિઓને દબાવી દેવાથી તો સ્પ્રિંગની જેમ એ ડબ્બલ જોરથી ઉછળશે.

જ. 215 મહાવીરે દમન શબ્દ જરૂર વાપર્યો છે, પરંતુ તે સમયમાં દમનનો અર્થ દબાવી દેવું તે નહીં પણ શાંત થઈ જવું તે થતો હતો. શાંત કરી દેવું તેમ પણ નહી... શાંત થઈ જવું... આ શાંત થઈ જવાની વાત બહુ મોટી વાત છે. ‘દમ’ નો એક અર્થ ‘શ્વાસ’ છે. શ્વાસ સાથે જીવન જોડાયેલું છે. જાગ્રતપણે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ધ્યાનસ્થ થઈને શાંત થવાય છે. કામવાસના જાગે, ક્રોધ આવે કે વેરનો ભાવ જાગે ત્યારે જો શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત થાય તો માણસના આવેગો શાંત થઈ જાય. શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરી ધ્યાનસ્થ થવાની રીત આજે ભલે ‘વિપશ્યના’ કે બીજા કોઈ નામે પ્રચલિત હોય પરંતુ તેના મૂળતો મહાવીરે બતાવેલા માર્ગમાં જ પડયા છે. કાઉસગ્ગ એ પણ શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જ પ્રક્રિયા છે પરંતુ કાળે કરીને આ પદ્ધતિ આપણામાંથી લુપ્ત થઈ ગઈને આજે બીજા નામે પ્રચલિત થઈ રહી છે. ઈંદ્રિયોની વાસનાને પરાણે દબાવવાની નથી પરંતુ તેનો સ્વીકાર કરી, શાંત થવાનું છે.

વાસનાઓ તરફથી ધ્યાન હટાવી લઈ, ધ્યાન સ્વયં પર કેન્દ્રિત કરી વૃત્તિઓથી ઉપર ઉઠવાનું છે. યાદ રાખો... જેના પર પણ તમે ધ્યાન આપો છો તેને તમે શક્તિ આપો છો. વાસનાને પંપાળો કે વાસના ને દબાવવા માટે વાસના સાથે લડો, ધ્યાન તો વાસના પર જ હોય છે માટે એને શક્તિ મળી જાય છે માટે વાસનાને શાંત કરવા માટે તેના પરથી ધ્યાનજ હટાવી લેવાનું છે. ધ્યાન શ્વાસ પર, સ્વયંપર, કેન્દ્રિત કરી ઉર્જાનું ઉર્ધ્વગમન કરવાનું છે. ધ્યાન હટતાની સાથે જ વૃત્તિઓ ભાગવા લાગશે, શાંત થવા લાગશે એ અર્થમાં –દમન– શબ્દ વપરાયો છે.

સ. 216 તપસ્વીને શાતા પુછવાનો રિવાજ કેમ છે?

જ. 216 તમે જાણતા નહી હો કે જેના પર તમે ધ્યાન આપો છો, તેને તમે શક્તિ આપો છો. તમે અનુભવ્યુ હશે કે જ્યારે તમારી તરફ લોકો ધ્યાન આપે છે ત્યારે તમે સ્વસ્થતા અનુભવો છો, અને જ્યારે તમારી તરફ કોઈ ધ્યાન ન આપે ત્યારે તમે અસ્વસ્થ બની જાઓ છો. તપસ્વીને શાતા પૂછવાનો રિવાજ એટલે પડયો છે કે એ બહાને લોકોનું ધ્યાન તપસ્વી પર કેન્દ્રિત થાય છે ને તપસ્વીને શક્તિ પ્રદાન થાય છે.

97

 

સ. 217 તપથી શરીર સાથેનું મારાપણું કેવી રીતે તૂટે છે?

જ. 217 શરીર સાથે આપણો જે સંબંધ છે, તે ભોજનને કારણે છે. જેટલું શરીરમાં ભોજન વધારે હશે એટલું શરીર સાથેનું તાદાત્મ્ય વધશે. શરીરમાં જ્યારે બિલકુલ ભોજન નહી હોય ત્યારે ‘આ ભૌતિક શરીર એ હું નથી’ એ અનુભવવું સહેલું છે. શરીર અને આત્માને જોડનારી કડી ભોજન છે, એનું ભાન થતાં શરીર સાથેનું મારાપણું તૂટતું જશે. ખરેખર તો આપણી ભીતર જે પ્રાણ શરીર છે, જે પ્રાણ ઉર્જાનું બનેલું છે, તેજ આપણે છીએ. પરંતુ ભૌતિક શરીરમાં જ પાણી જાય છે, ભોજન જાય છે, ભૌતિક શરીરને ભૂખ લાગે છે. રાત્રે સૂઈ જાય છે. સવારે ઉઠે છે, એટલે એક ભ્રમ થઈ ગયો છે કે ‘આ ભૌતિક શરીર એટલે જ હું.’ પરંતુ આ ભ્રમને આ તાદાત્મ્યને તોડશું તોજ તપના જગતમાં પ્રવેશ થઈ શકશે. પરંતુ ભૌતિક શરીર સાથેનું મારાપણું તોડવાનો સંકલ્પ કરવો પડશે. શરીર સાથેનું તાદાત્મ્ય પણ જન્મો જન્મનો સંકલ્પ કે ‘આ શરીર જ હું’ એનાથી નિર્મિત થયો છે. તેને તોડવા માટે દૃઢ ભાવ, દૃઢ સંકલ્પ કરવો પડશે કે ‘આ ભૌતિક શરીર એ હું નથી, હું તો ઉર્જા શરીર છું, હું તો શુદ્ધાત્મા છું.’ એ ભાવ દૃઢ થતાં તપની ભૂમિકાનું સર્જન થશે. તપની પ્રક્રિયાઓ ખ્યાલમાં આવી જાય ને સંકલ્પ દૃઢ થઈ જાય તો શરીર સાથેનું મારાપણું તૂટવાની શક્યતા છે.

સ. 218 છ બાહ્ય ને છ અભ્યંતર તપના નામ આપો.

જ. 218 છ બાહ્ય તપ (1) અનસન (2) ઉણોદરી (3) વૃત્તિ સંક્ષેપ (4) રસત્યાગ (5) કાયક્લેશ (6) સંલીનતા. છ અભ્યંતર તપ - (1) પ્રાયશ્ચિત (2) વિનય (3) વૈયાવચ્ય (4) સ્વાધ્યાય (5) ધ્યાન (સામાયિક) (6) કાઉસગ્ગ (કાયોત્સર્ગ)

સ. 219 અનસન તપ અઘરૂં કે ઉણોદરી?

જ. 219 દેખીતી રીતે એમ લાગે કે અનસન તપ અઘરૂં છે, જેમાં બિલકુલ ખાવાનું જ નથી. જ્યારે ઉણોદરી સહેલું છે. જેમાં થોડું ઓછું પણ ખાવાનું તો છે ને? પણ ના. હકીકતમાં અણસણ કરતાં ઉણોદરી અઘરૂં વ્રત છે. કેવી રીતે? એ સમજાઉં તમને... કોઈપણ નવલકથાને બિલકુલ ન વાંચવું એ સહેલું છે. પરંતુ એકવાર વાંચવાનું શરૂ કર્યા પછી અંત વાંચ્યા વગર અટકી જવું અઘરું છે. કોઈપણ ફિલ્મ જોવીજ નહી એ સહેલું છે, પરંતુ ફિલ્મનો અંત જોયા વગર ઉઠી જવું અઘરૂં છે. બિલકુલ ન જમવું એ હજી સહેલું છે, 98

 

પરંતુ એકવાર જમવા બેઠા પછી પેટ ભરીને ખાધા વગર ઉભું થઈ જવું મુશ્કેલ છે. કોઈપણ ચીજ પોતાની ચરમ સીમા પર પહોંચે તે પહેલાં પાછા ફરી જવું અત્યંત મુશ્કેલ છે. એવે સમયે આપણે એક વિવશતા અનુભવીએ છીએ, થાય છે કે પૂરૂં થઈ જવા દો... જેમ આપણે બાળકને સહેલી વસ્તુ પહેલા શીખવીએ છીએ પછી એનાથી અઘરી.. તેવી રીતે ભગવાન મહાવીરે આપણને બાળજીવોને પ્રથમ નંબરે સહેલો પછી એનાથી અઘરો, પછી એનાથીયે અઘરો એમ બાર પ્રકારના તપ બતાવ્યા છે. એમ કરતાં 11મું ને 12 મું તપ સૌથી ઉત્કૃષ્ટ ને સૌથી અઘરૂં છે. તમે અનુભવથી પણ જાણ્યું હશે કે એક વખત આઠ ઉપવાસ સરળતાથી થઈ જાય છે. પરંતુ આઠ ઉપવાસના પારણા પછી આઠ દિવસ ઉણોદરી વ્રત કરવું હોય તો થઈ શકતું નથી.

સ. 220 ખરેખર ઉણોદરી વ્રત કેવી રીતે થાય તે સમજાવો.

જ. 220 તમે ચાર રોટલી ખાતા હો ને ત્રણ ખાવ તો કાંઈ ઉણોદરી વ્રત થઈ જાય નહિ. પહેલાં તમારી વાસ્તવિક ભૂખ કેટલી છે તે શોધવું પડે. રોજની આદત પ્રમાણે, ઘડિયાળ પ્રમાણે જે ભૂખ લાગે છે તે સાચી ભૂખ નથી. કોઈ તમારી જાણ બાહર ઘડિયાળને આગળ પાછળ કરી દેશે તો પણ તેજ ઘડિયાળના ટાઈમ પ્રમાણે ભૂખ લાગશે તે માનસિક ભૂખ છે. શારીરિક ભૂખ નથી. જો એ ભૂખ પર તમે ધ્યાન નહી આપો તો તે ભૂખ શમી જશે. એમ કરતાં કરતાં એક સમય એવો આવશે કે તમારૂં આખું શરીર, રોમ રોમ પોકાર કરશે કે ભૂખ લાગી છે. તે જ સાચી ભૂખ છે. આવી સાચી ભૂખ તો બહુ મુશ્કેલીથી લાગે છે. આવી વાસ્તવિક ભૂખ ઉઘડે ત્યારે કરો ઉણોદરી. વાસ્તવિકથી થોડું ઓછું ભોજન લેવું. સંપૂર્ણ પેટ ભરવાની તૃપ્તિ થાય તે પહેલાં જ અટકી જવું તેનું નામ છે ઉણોદરી. ઉણોદરી કરવા માટે વાસ્તવિક ભૂખ શોધવી પડશે. ત્રણ ચાર દિવસના ઉપવાસથી માનસિક ભૂખની વ્યવસ્થા તૂટી જશે. પછી શારીરિક ભૂખ લાગવાની શરૂ થશે. એટલેજ કદાચ અનસન તપને પહેલો મૂક્યો હશે. ઉણોદરી તે જ કરી શકે છે જે અનસન કરી શકે છે. તમને કદાચ ખબર નહી હોય કે ઉપધાન તપ એ અનસન પરથી ઉણોદરી પર જવાની તાલિમ છે. બાકી તો ઘણા લોકો દિવસમાં બે-ત્રણ વાર ખાતા હોય, વચ્ચે ચા-નાસ્તો કરતા હોય, ગમે ત્યારે મોં માં ચટર-પટર નાખ્યા કરતા હોય ને પછી જમવા બેસે ત્યારે એકાદ - બે રોટલી ઓછી ખાઈને માની લે કે ઉણોદરી વ્રત થઈ ગયું તો લએમ કાંઈ ઉણોદરી વ્રત થાય નહિ. સાચી ભૂખ આઠ-દસ કલાકે એકવાર પણલાગી શકે છે, ત્યારે પેટ માંગે એટલું એને નહિ આપો, એના ઉણ પર રોકાઈ જાવ તે છે ઉણોદરી.

સ. 221 થોડી જગ્યા પેટમાં ખાલી રાખવા માટેનું રહસ્ય શું છે?

જ. 221 માનવીના મનનો નિયમ એવો છે કે જ્યારે તે ભૂખની તૃપ્તિમાં લાગેલો હોય છે ત્યારે એક સીમા તે પાર કરી દે છે. સીમા પાર કરી દીધા પછી તમારા મનના તમે માલિક રહેતા નથી. જેમકે તમે એક તપેલીમાં પાણી ગેસ પર ગરમ મૂક્યું છે. ને પાણી 99 સેલ્સિયસ ડીગ્રી સુધી ગરમ થતાં સુધીમાં તમે ગેસબંધ કરી દો તો તે પાણી, પાણીજ રહેશે. પરંતુ જો તે 100 સેલ્સિયસ ડીગ્રીએ પહોંચી ગયું તો પછી તે વરાળ બનીને જ રહેશે.

ફક્ત એકજ ડીગ્રીનું અંતર ને વાત આપણા હાથમાં રહેતી નથી. બસ તેવી જ રીતે તમારી વાસ્તવિક ભૂખ કરતાં પેટ જરાક ખાલી હોય ત્યાં જ રોકાઈ જાવ તો તમે સીમાની અંદર છો. વાત તમારા હાથમાં છે. તમારા મનના તમે માલિક છો. પરંતુ જો તૃપ્તિનો પ્રયત્ન કર્યો તો અંતે તેમાંથી વિષાદ અને હતાશા જ હાથ આવે છે. તૃપ્તિનો આનંદ મળતો નથી. જ્યાં સુધી ખાઈ શકાય ત્યાં સુધી ખાઓ તો ખાવાનો સંતોષ નહી મળે. પરંતુ પરિણામે દુઃખીને પરેશાન થશો. પીડા ભોગવશો. દરેક ઈંદ્રિયને પેટ છે. તેને પણ આજ ઉણોદરીનો નિયમ લાગુ પડે છે. વળી જૈન ધર્મમાં વિજ્ઞાનનો પણ સમાવેશ થઈ જ ગયો છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ 50 ટકા ખોરાક, 25 ટકા પાણીને 25 ટકા જઠર ખાલી હોય તો ખોરાકનું પાચન સારી રીતે થઈ શકે છે. ખોરાક સારી રીતના પચે તો સ્વાસ્થ્ય સારૂં રહે. સ્વાસ્થ્ય સારૂં રહે તો ધર્મ ધ્યાન સારૂં થઈ શકે.

સ. 222 દરેક ઈંદ્રિયને પેટ છે, તેને પણ ઉણોદરી વ્રત લાગુ પડે છે તે કેવી રીતે?

જ. 222 પ્રત્યેક ઈંદ્રિય પોતાની ભૂખ પૂરી કરવાની માંગણી કરે છે, કાન કહે છે સંગીત સાંભળો, આંખ કહે છે સૌંદર્ય જૂઓ, હાથ કહે છે સ્પર્શ કરો. બધી જ ઈંદ્રિય પોતાનું પેટ પૂરેપૂરૂં ભરવાની માંગણી કરે છે. દરેક ઈંદ્રિયના ‘ઉણ’ પર રોકાઈ જવું, અટકી જવું, તે ઉણોદરી છે. તે જ ઈંદ્રિય જીતવાનો માર્ગ છે. મન જ્યારે એકદમ જોર કરે ત્યારે તે સીમાથી પાછા ફરી જવું.

વાસનાની તૃપ્તિમાંને કષાયોમાં પણ આજ નિયમ લાગુ પડે છે. જ્યારે ક્રોધ આવ્યો હોય ત્યારે પણ એક ખાસ માત્રા સુધી તમે એને રોકી શકો છો. જ્યારે તે સીમાની બહાર ચાલ્યો ગયો પછી તે રોકાશે નહિ. પ્રગટ થઈ જ જશે. હાથ ઉઠાવીને કોઈને થપ્પડ મારો તે પહેલાં એને પાછો ખેંચી લો તો તમે હાથના માલિક છો. ઈચ્છાઓના જે ગામમાં આપણે રહીએ છીએ ત્યાં આપણે પુરૂં કામ કરવાં જ લલચાઈએ છીએ. પુરૂં કર્યા પછી વિષાદ અને નિરાશાંજ બચે છે. સભાનતા પૂર્વક દરેક ઈંદ્રિયોની ભૂખ, વાસનાની ભૂખ, કષાયોની ભૂખ પૂર્ણ થયા પહેલાં તેના ‘ઉણ’ પર રોકાઈ જવું, અટકી જવું તે ઉણોદરી છે.

સ. 223 ‘વૃત્તિસંક્ષેપ’ તપ જરા વિસ્તારથી સમજાવો.

જ. 223 વૃત્તિસંક્ષેપનો સામાન્ય અર્થ આપણે એમ કરીએ છીએ કે પરિગ્રહ ઓછો કરવો. વસ્તુઓનો ત્યાગ કરવો. પરંતુ એનાથી કાંઈ વૃત્તિસંક્ષેપ નામનો તપ સધાતો નથી. જો ફક્ત વસ્તુઓનો ત્યાગ કરવાથી જ વૃત્તિસંક્ષેપ થતો હોય તો આ તપ ખૂબ સરળ થઈ જાત. તો તો પછી આ તપને ત્રીજા સ્થાને મૂકવાની જરૂર નહતી. અનસન કરતાં ઉણોદરી અઘરૂં, ઉણોદરી કરતાં વૃત્તિસંક્ષેપ અઘરૂં છે. વૃત્તિ એટલે ઈચ્છા. આપણી વૃત્તિઓ-ઈચ્છાઓ-કામનાઓ જે ચારે બાજુ ફેલાયેલી છે, તેને આપણી અંદર, આપણા આત્મામાં, આપણી અંદર રહેલા દરેક વૃત્તિઓના કેન્દ્રમાં સંક્ષેપી લેવાની છે. બહાર ફેલાયેલી વૃત્તિઓને ઈચ્છાઓને અંદરની તરફ વાળવાની છે.

કોઈ ઘટના બહાર બની રહી છે. વૃત્તિ તરત ત્યાં ભાગશે ને બહારની ઘટનાને અંદરની ઘટના બનાવી દેશે. દાત. કોઈ કાર પસાર થઈ રહી છે. આ બહારની ઘટના છે. આપણી સાથે એને કોઈ સંબંધ નથી. પરંતુ તેને જોતાની સાથે જ ચિત્તવૃત્તિ ત્યાં ભાગશે. ‘આવી ગાડી મારી પાસે હોય તો કેવું સારૂં’ ને બસ આ બહારની ઘટના અંદરની ઘટના બની જશે. બહારની ઘટનાને બહાર જ રાખી વિવેક બુદ્ધિથી ચિત્તવૃત્તિને અંદર પાછી વાળવી એ જ છે વૃત્તિસંક્ષેપ. પદાર્થોનો ત્યાગ કરવાથી તેનું મૂળ ખતમ નહી થાય.

જેમકે એક વૃક્ષનું મૂળ અંદર છે, તેના ફળ, ફૂલ, પાનનો ફેલાવો બહાર છે.

હવે તેના ફળ-ફૂલ-પાન કાપવાથી થોડો ટાઈમ બહાર એવું લાગશે કે વૃક્ષ સંકોચાઈ ગયું. પરંતુ મૂળ તો એટલું જ બળવાન છે, પછી બાહ્ય કેટલીપણ વસ્તુઓનો ત્યાગ કરો ને બાહ્યદૃષ્ટિએ કદાચ ખૂબ ત્યાગી પણ લાગશે, પરંતુ વૃત્તિઓ ભીતર તરફ પાછી નથી વળી ત્યાં સુધી ‘વૃત્તિસંક્ષેપ’ તપ થશે નહિ. જેવી વૃત્તિઓ સંકોચાઈ કે ત્યાગ આપોઆપ થઈ જશે, કરવો પડશે નહિ. પરિગ્રહ આપોઆપ ઓછો થઈ જશે, કરવો પડશે નહિ.

101

 

સ. 224 વૃત્તિઓ કેવી રીતે સંક્ષેપ પામે?

જ. 224 વૃત્તિઓ મનને ઘેરી રાખે છે. કારણકે જે મનના કામ નથી તે પણ આપણે મન દ્વારા કરીએ છીએ. ભોજન મનથી કરીએ છીએ, કપડાં મનથી પહેરીએ છીએ, કાર મનથી ચલાવીએ છીએ, ઓફિસ મનથી જઈએ છીએ. બધાં કામ મનથી લેવાય છે માટે બુદ્ધિ નિર્બળ બની જાય છે. તેથી બુદ્ધિ પોતાનું કામ કરી શકતી નથી. બુદ્ધિનું કામ છે અનુભવમાંથી શીખવાનું કે

‘જે વસ્તુમાંથી જે સુખ મળશે એમ ધાર્યું હતું તે ખરેખર મળ્યું કે નહિ. જો સુખ ન મળ્યું હોય તો એ અનુભવને યાદ રાખી ફરીથી એ વસ્તુની ઈચ્છા ન કરવી જોઈએ’ પ્રત્યેક વૃત્તિનો એની શુદ્ધતામાં અનુભવ થઈ જાય અને સ્પષ્ટ થઈ જાય કે વૃત્તિઓ ને વાસનાઓમાંથી દુઃખ જ મળે છે. આપણી બુદ્ધિ આ અનુભવનો સંગ્રહ કરે... બુદ્ધિના એક એક રૂંવાટામાં આ અનુભવ સમાઈ જાય. તો આપણી ભીતરની વૃત્તિઓથી ઉપર આપણી પ્રજ્ઞાને બુદ્ધિમતા ઉઠશે. જેમ જેમ બુદ્ધિમતા ઉપર ઉઠશે, તેમ તેમ વૃત્તિઓ સંકોચાઈને નષ્ટ થશે. ઈચ્છાઓને સમભાવ પૂર્વક રોકવાથી વૃત્તિઓનો સંસાર ઓછો થઈ જશે. વૃત્તિઓ હંમેશા બર્હિમુખ રહે છે, કારણકે આપણે જે છીએ ને આપણી પાસે જે છે તેનાથી આપણે રાજી નથી. કંઈક વધુ જોઈએ છે, કંઈક વધુ થવુ છે આવી વૃત્તિને કારણે જ આપણે દુઃખી છીએ.

‘પરથી મને સુખદુઃખ નથી’ એવી સમજણ પ્રાપ્ત થાય તોજ દર્શન સમ્યક્‌ બને, જે છે તેને માટે સ્વીકારભાવ કેળવાય તોજ વૃત્તિ અંદર તરફ વળે. હું જે પરિસ્થિતિમાં છું, મને ધન વગેરે જે કાંઈ પદાર્થ મળ્યા છે, જેવું પણ શરીર મળ્યું છે, જેવા પણ સગાસંબંધી મળ્યા છે, જે કાંઈ બની રહ્યું છે, જે છે તે મને સ્વીકાર્ય છે– આવો ભાવ રહે તો ફરીયાદની કે ફેરફાર કરવાની વૃત્તિજ ન રહે. તોજ આકાંક્ષાઓ કે ઈચ્છાઓ ન જાગે. કારણકે ઈચ્છા એટલેજ વર્તમાનનો અસ્વીકાર. ગમે તેટલો સ્વાધ્યાય કે શાસ્ત્રાભ્યાસ કરશો પણ જો સ્વીકારભાવનો અભ્યાસ નહી હોય તો દુઃખ ઓછું નહી થાય. આત્માનો રસ પ્રાપ્ત નહી થાય. આત્મા સિવાય જે જે પદાર્થો છે તે પ્રત્યેથી ઉપયોગ પાછો વાળવો, તે ઉપયોગને અંતર્મુખ કરવો, ચિત્તવૃત્તિનો નિરોધ કરવો તેજ વૃત્તિસંક્ષેપ છે. સંસારનું ક્ષણભંગુરપણું, અનિત્યપણું, અસારપણું, અસરણપણું જાણી પરપદાર્થમાંથી વૃત્તિને પાછી વાળી, ચૈતન્યસ્વરૂપ આત્મામાં રમણતા કરવાનો અભ્યાસ કરવાથી વૃત્તિસંક્ષેપ પામે છે.

102

 

સ. 225 ચોથા નંબરનો બાહ્યતપ રસત્યાગ એટલે ક્યારેક ખટાશ છોડો, ક્યારેક મીઠાશ છોડો, ક્યારેક ઘી છોડો એમજને?

જ. 225 ભગવાને જે અર્થમાં રસત્યાગ શબ્દ વાપર્યો છે તેનો આવો સ્થૂળ અર્થ નથી. રસ કે સ્વાદ વસ્તુમાં છે કે આપણી જીભમાં? કે જીભની પાછળ એનો અનુભવ કરનાર મનમાં? કે પછી મનની સાથે ચેતનાનું જે ઐક્યપણું થઈ ગયું છે તેમાં? વસ્તુ તો નિમિત્તમાત્ર છે. રસ કે સ્વાદ લેનારી આપણી ઈંદ્રિય કામ ના કરતી હોય તો સ્વાદનો અનુભવ કેવી રીતના લેશો? પણ વાત એટલેથી અટકતી નથી. વાત એટલીજ હોય તો જીભને ઈંજેકશન આપીને સંવેદન હીન બનાવી દઈએ તો રસત્યાગ નામનો તપ ઘટિત થઈ જાય? પણ ના. એમ કરવાથી રસ લેવાની મનની આકાંક્ષા મટી જતી નથી. આંખ ફૂટી જાય તો પણ રૂપ જોવાની ઈચ્છા મટી નથી જતી તો શું મનને મારી શકાય? પણ મનનો નિયમ ઉલટો છે. કોઈ ચીજ ન કરવાનું કહીએ તો મન તે ચીજ વધારે માંગે છે. એટલે મનને દબાવવાની, સમજાવવાની, ભૂલાવવાની કોઈપણ વ્યવસ્થા રસપરિત્યાગ બની શકતી નથી. પરંતુ જો મન અને ચેતના વચ્ચેનો સંબંધ તૂટી જાય તોજ રસત્યાગ થઈ શકે. કેમકે જો ચેતનાનો સહયોગ હોય તો જ મન રસ લઈ શકે છે. કોઈ માણસને ફાંસી લાગવાની તૈયારી છે તે સમયે તેને ગમે તેટલી ભાવતી વસ્તુ આપો છતાં પણ તેમાં તેને રસ પડશે નહી. કારણકે તેનો મન અને ચેતના વચ્ચેનો સંબંધ તૂટી રહ્યો છે. રસત્યાગ મન અને ચેતના વચ્ચેનું ઐક્યપણું તૂટવાથી થશે.

સ. 226 મન અને ચેતના વચ્ચેનું ઐક્યપણું કેવી રીતે તોડવું?

જ. 226 મન પ્રતિ સાક્ષીભાવ પેદા કરો. ભોજન લેવાઈ રહ્યું છે. સ્વાદ આવી રહ્યો છે, ભીતરમાં આ આખી પ્રક્રિયા સાક્ષી બનીને જોતા રહો. જાણે કે સ્વાદ લેનાર અલગ છે ને તમે અલગ છો. આવો સાક્ષીભાવ પ્રગાઢ બને તો અચાનક તમને ખ્યાલ આવશે કે ઈંદ્રિયો એજ છે? વાનગીઓ પણ એજ છે, મન પણ એજ છે. પરંતુ જે રસનું આકર્ષણ હતું, ફરી ફરી એ રસ લેવાની ઈચ્છા થતી હતી, તે આકાંક્ષા જ નથી રહી. તમે કહેશો કે ‘જીભ કહે છે કે ભોજન સ્વાદિષ્ટ છે પણ હું સ્વાદથી અલગ છું, રસ અનુભવ વચ્ચે હું સાક્ષી છું’ એકવાર આ રીતે દ્રષ્ટા સાથે સંબંધ બંધાઈ જાય, તો મન સાથેનો સંબંધ શિથિલ થઈ જાય. ત્યારે તમને ખ્યાલ આવશે કે બધા રસ શાંત થઈ ગયા, રસ ત્યાગ થઈ ગયો. રસત્યાગ કરવાનો આ એકજ રસ્તો છે. સાક્ષીભાવ. બહારની વસ્તુ છોડવાથી શરૂ કરીશું તો એ વસ્તુઓ છૂટશે પરંતુ એમાં રસ છે તે કાયમ રહેશે. પરંતુ જો આપણે આપણી જાતને બહારના પદાર્થો જોડે જોડતાં અટકાવીએ અને મનને એ પદાર્થ સાથે જોડાઈને રસનો અનુભવ કરતી વખતે આપણે અલગ રહી તેના સાક્ષી બની જઈએ, દ્રષ્ટા બની જઈએ તોજ ‘રસત્યાગ’ ઘટિત થાય છે.

સ. 227 પાંચમું બાહ્યતપ કાયક્લેશ એટલે કાયાને કષ્ટ આપવું?

જ. 227 કાયાને કષ્ટ આપવું એ તો એનો ફક્ત શબ્દાર્થ છે. ગૂઢાર્થ અલગ છે. ફક્ત શબ્દાર્થથી તપની સાધના થઈ જતી નથી. શું પોતાના શરીર પર કોરડા ફટનારનારનો ‘કાયકલેશ’ નામનો તપ થઈ જશે? કાયા તો ક્લેશ છે જ. શરીરે ક્યારેય સુખ આપ્યું નથી, આપણે માત્ર એવું માન્યુ છે કે એ સુખ આપે છે. આપણે હંમેશા બહિર્મુખી જ જીવીએ છીએ. એટલે કે બેહોશીમાં જીવીએ છીએ. એટલે કાયાના દુઃખની આપણને ખબર ન પડે. ધ્યાનમાં ઉંડા ઉતરવાથી આ ભ્રમ તૂટે છે. ધ્યાનમાં જાગરણ સધાતા બધા દુઃખ પ્રગાઢ થઈને ભોંકાશે. ત્યારે સંપૂર્ણ સમતાભાવે એને સ્વીકારવાથી કાયક્લેશની સાધના થાય છે. તે સાધનાથી જ દુઃખમાંથી મુક્તિ થાય છે.

ભગવાન કહે છે કે તમે દુઃખ નથી વધારી શકતા કે નથી ઘટાડી શકતા જે છે એનો તમે ઈચ્છો તો સ્વીકાર કરો ન ઈચ્છો તો અસ્વીકાર કરો. ત્રીજો કોઈ વિકલ્પ તમારા હાથમાં નથી. સ્વીકારથી દુઃખ શૂન્ય થશે, અસ્વીકારથી દુઃખ વધશે. કાયક્લેશનો અર્થ છે પૂર્ણ સ્વીકૃતિ. જે છે તેની, જેવું છે તેવી સ્વીકૃતિ. કાયક્લેશ એટલે કાયાને કષ્ટ આપવું એમ નહિ, કાયામાં જે કાંઈપણ કષ્ટનો તમને અનુભવ થાય તેનો શાંત પણે સ્વીકાર કરવો, સમતાપૂર્વક સહન કરવું.

સ. 228 છઠ્ઠો બાહ્યતપ ‘સંલીનતા’ વિસ્તારથી સમજાવો.

જ. 228 સામાન્ય અર્થ એવો થાય કે, હાથ, પગ, શરીર, સંકોચી રાખવું. શરીરના અંગોને કારણ વગર હલાવવા નહિ. પરંતુ આટલા સ્થૂળ અર્થથી સંલીનતા જેવું ગૂઢ તપ સધાતું નથી. સંલીનનો અર્થ છે પોતાનામાં લીન થવું. પોતાનામાં જ સંપૂર્ણ પણે લીન. જેની બહારની બાજુ કોઈ ગતિ નથી. ગતિ તો હંમેશા બીજા તરફ જવા માટે જ કરવી પડે છે. પોતાનામાં જવા માટે કોઈ ગતિની જરૂર નથી. આપણે પોતાની પાસેજ તો છીએ. આમ અક્રિયતા, અગતિ, અચલતા આવી જશે. શરીર અને મન સ્થિર થઈ જશે.

પોતાનામાં એટલા લીન થઈ જાઓ કે બીજું કાંઈ બચે નહિ. તો સંલીનતા સધાશે. જ્યારે પહેલાં અંદરની ચેતના કંપાયમાન થાય છે ત્યારેજ શરીર પર હલનચલન વર્તાય છે. હજી એવું બની શકે કે કોઈ પોતાના શરીરને સંલીન કરી બેસી જાય, એક આંગળી પણ ન હલે એ રીતે પછી ભલે ભીતરમાં તોફાન ચાલતું હોય પણ તેથી સંલીનતા કયાં? જ્યારે ભીતરમાં એટલું બધું શાંત થઈ જાય કે કોઈ તરંગ કે કંપન શરીર પર ન દેખાય ત્યારે ખરેખર સંલીનતા સધાય છે. પ્રથમ પાંચેય તપ શરીરની શક્તિના સંરક્ષણ માટે છે. આ છઠ્ઠો બાહ્યતપ સંરક્ષિત શક્તિને ભીતર વાળવા માટેનો છે.

સ. 229 ભીતરમાં જવા માટે શું કરવું પડશે?

જ. 229 ભીતરમાં જવા માટે એવી ચીજોમાં રસ લેવો પડશે કે જેમાં સંલીનતા સ્વાભાવિક છે. ક્રોધ બહાર લઈ જાય છે, કરૂણા અંદર, શત્રુતા બહાર લઈ જાય છે. મિત્રતા અંદર, શાંતિના ભાવમાં, આખા જગત પ્રત્યે કરૂણાના ભાવમાં સંલીનતા સ્વાભાવિક છે. આ ભાવોમાં સ્થિર થવાથી અંદરની યાત્રા શરૂ થાય છે. આપણા મનની બહાર જવાની પ્રત્યેક ક્રિયા પર જાગૃતિથી પહેરો રાખો. મન જ્યાં પણ જાય છે, તેના પર હોશપૂર્વક વિચારો કે આ કેટલું યથાર્થ છે? મનની ગતિ વિધિ પર નજર રાખશો તો એક પછી એક વ્યર્થ ક્રિયાઓ છૂટી જશે. ને જીવનને માટે અનિવાર્ય હશે તેટલી ક્રિયાઓ ટકી રહેશે. નકામી ક્રિયાઓ બંધ થવાથી શક્તિનો વ્યય થતો અટકશે. શરીર ધીમે ધીમે સંલીન થતું જશે. તમે એવી રીતે બેસશો કે જાણે પોતાનામાં સ્થિર થઈ ગયા. મનની જે આદત છે બહાર ભાગી જવાની તેના પ્રત્યે જાગૃત થઈ જવાની જરૂર છે. જે દિવસે શરીર અને મન બંને પ્રત્યે જાગૃત થઈ જવાશે. ત્યારે મન ધીમે ધીમે બહાર જવામાં રસ ગુમાવી દેશે ત્યારે ભીતરમાં જઈ શકાશે.

સ. 230 ઉર્જા એટલે શું? એનું ઉર્ધ્વગમન કેવી રીતે થાય?

જ. 230 ઉર્જા એટલે એનર્જી, અગ્નિ, પ્રાણશક્તિ. આપણી ઉર્જા આપણા સંકલ્પ બળથી હટે છે, ઘટે છે, આગળ, પાછળ, ઉપર નીચે ખસે છે. તમે કામવાસનાથી ઘેરાયેલા હો ત્યારે એ ઉર્જા નીચે તરફ વહે છે, જ્યારે તમે આત્માની શોધમાં હો ત્યારે એ ઉર્જા ઉપર તરફ (ઉર્ધ્વગમન) વહે છે, જે ચીજ પર આપણે ધ્યાન આપીએ છીએ ત્યાં શક્તિનો સંગ્રહ થાય છે.

આપણું ધ્યાન આપણા હાથમાં છે, જેના પર ધ્યાન આપવા માંગીએ તેના પર આપી શકીએ. જ્યારે આપણું ધ્યાન કોઈ વૃત્તિને કેવી રીતે નાશ કરૂં તેના પર હોય છે. એટલે કે વૃત્તિ પર હોય છે. ત્યારે તે વૃત્તિને આપણા ધ્યાનથી શક્તિ મળી જાય છે ને વૃત્તિ વધારે જોર કરે છે. પરંતુ જો આપણું ધ્યાન આપણા સ્વયં પર હોય કે, હું આ વૃત્તિની ઉપર કેવી રીતે ઉઠું. તો ધ્યાન આપણા સ્વયં પર હોવાથી સ્વયંને શક્તિ મળશે ને સ્વયંનું ઉર્ધ્વગમન થશે. વૃત્તિ પર ધ્યાન આપવું એટલે ધ્યાનનું બહિર્મુખ હોવું.

સ્વયં પર ધ્યાન આપવું એટલે કે ધ્યાનનું અંતઃમુખ હોવું. જે વૃત્તિને તમારે શક્તિશાળી ન બનવા દેવી હોય તેના પર ધ્યાન જ ન આપો. ધ્યાનને ત્યાંથી હટાવી કયાંક બીજે આપો એનું ઉર્ધ્વગમન કરો. સૌથી નીચેના કામકેન્દ્ર સાથે આપણે પ્રાકૃતિક રીતે જોડાયેલા છીએ. સૌથી ઉપર મસ્તકમાં શિખા સ્થાને આવેલું સહસ્ત્રારચક્ર આપણું સૌથી ઉંચુ કેન્દ્ર છે.

ત્યાં આપણે પરમાત્મા સાથે જોડાયેલા છીએ. ત્યાં આપણને પરમાત્માની શક્તિ મળે છે. ત્યાં આપણે દિવ્યતા, ભવ્યતા, ભગવત્તા સાથે જોડાયેલા છીએ. જેવું ધ્યાન સહસ્ત્રાર પર પાછું ફેરવીએ છીએ તેવું સહસ્ત્રાર સક્રિય બને છે. આમ ધ્યાનનું પરિવર્તન કરવાથી ઉર્જા શક્તિનું ઉર્ધ્વગમન થવા લાગે છે. તપ દરમ્યાન ભોજન પચાવવાનું કામ ન કરવાનું હોવાથી તે ઉર્જા બચે છે. શરીરના અવયવોનું હલનચલન પણ ઓછું થવાથી શક્તિ બચે છે. આ શક્તિને નીચેની તરફ ધકેલવાનો આપણો જનમો જનમનો અભ્યાસ છે. નિગોદમાંથી નિકળ્યા ત્યારથી આ જ સંસ્કાર છે. સૌથી નીચેના મૂલાધાર ચક્રને સૌથી ઉપરના સહસ્ત્રાર ચક્ર વચ્ચે બીજા પાંચ ચક્રો આવેલા છે. જો આ સંગ્રહિત શક્તિને ધ્યાનમાં રૂપાંતર કરી ઉપરના નવા કેન્દ્રો પર લઈ જાઓ એટલે કે નવા કેન્દ્રો પર ધ્યાન કેન્દ્રિત કરો તો તે ચક્ર જાગૃત થશે. જે તરફ તમારૂં ધ્યાન હશે તે તરફ આ બચેલી શક્તિ દોડી જશે. શક્તિને ખબર નથી ક્યાં જવાનું છે. તમારૂં ધ્યાન એ શક્તિને દિશા સૂચન કરે છે. એ મુજબ એ શક્તિએ દિશામાં ગતિ કરે છે. જેવું ધ્યાન મૂલાધાર ચક્ર છોડીને ઉપર બીજા ચક્રો તરફ જવાનું ચાલુ થયું કે નવા કેન્દ્રો શક્તિશાળી બનશે ને જૂના કેન્દ્ર પરથી મુક્ત થશે. આમ જે સાત ચક્રોની માળા જે આપણા ઉર્જા શરીરના કેન્દ્રો છે. તેનું સહસ્ત્રાર ચક્ર સૌથી ઉપરનો મેરૂ છે. જેમ નવકારવાળીમાં હોય છે તેમ આપણી શક્તિ જે તપ દરમ્યાન ઉર્જાશક્તિ પેદા થાય છે તેને ઉપર ઉપરના ચક્રમાં ધ્યાન કેન્દ્રિત કરવાથી શક્તિનું ઉપર તરફ વહન થાય છે. તે ઉર્જા શક્તિનું ઉર્ધ્વગમન છે.

ઉર્જા એટલે અગ્નિનો સહજ સ્વભાવ જ ઉપર જવાનો છે. તેને નીચે લઈ જવા મહેનત કરવી પડે. પરંતુ આપણો અગ્નિને નીચે લઈ જવાનો અભ્યાસ એટલો લાંબો છે, જનમોજનમનો છે કે નીચે લઈ જવાનું મુશ્કેલ છે તે આપણને સહેલું લાગે છે ને જે ઉપર લઈ જવાનું સહેલું છે તે અઘરૂં લાગે છે. ભોજન મળતાં શરીરમાં રસ પેદા થશે ને કામકેન્દ્ર સક્રિય બનશે. પાછું ધ્યાન કામકેન્દ્ર તરફ દોડવા લાગશે. માટે તપ દરમ્યાન ઉર્જાના ઉર્ધ્વગમનનો અભ્યાસ કરવો સહેલો છે.

સ. 231 ધર્મ એટલે શું? ધર્મ કોને કહેવાય?

જ. 231 જે સંસાર પરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ. પરભાવ વડે કરીને આત્માને દુર્ગતિમાં જવું પડે છે. તે ન જવા દેતાં સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ. આત્મ પરિણામની સહજરૂપે પરિણતી થવી તે ધર્મ. પોતાના આત્માની જ અહિંસા તે ધર્મ. સમ્યક્‌દર્શન, જ્ઞાન, ચારિત્ર તે ધર્મ.

ક્રોધ, માન, માયા, લોભ, દેહાત્મબુદ્ધિ તે કાંઈ આત્માનો સ્વભાવ નથી. પરંતુ અત્યારે આપણા આત્માનું પરિણમન વિભાવમાં ન જવા દેતાં સ્વભાવમાં પકડી રાખે તે ધર્મ છે. ઉત્તમ પ્રકારની ક્ષમા, માન-માયા લોભનો અભાવ, સત્ય, સંતોષ, શરીરમાં આશક્તિ ન રાખવી. મન અને ઈંદ્રિયો પર વિજય, છકાય જીવો પર દયા, ઈચ્છાનો નિરોધ કરી ઉત્તમ તપ કરવું, જ્ઞાનદાન-અભયદાન દેવું, સર્વથી મમતા છોડીને એકાકી સ્વરૂપને જ પોતાનું માનવું, ઉત્તમ બ્રહ્મચર્ય એ લક્ષણરૂપ ધર્મના દસ પ્રકાર છે. જીવરક્ષારૂપ અહિંસા પણ ધર્મનો પ્રકાર છે. નિશ્ચયથી સાધવામાં આવે તો ધર્મનો એકજ પ્રકાર છે. અને તે છે શુદ્ધાત્માનો અનુભવ એટલે કે સમ્યક્‌દર્શન. તેના વિનાની ક્રિયાઓ એકડા વિનાના મીંડા છે. ધાર્મિક ક્રિયા કરવા છતાં કષાય તેમજ મિથ્યાત્વ મંદ ન થાય તો ધર્મ પરિણમન થયો ન કહેવાય. ધર્મ એટલે આંતરિક ક્રાંતિ. આમૂલ પરિવર્તન પોતાનો વિકાસ. ગમે તેટલા વ્રત, નિયમ કે તપ કરે તો પણ નાનપણથી છેક નનામી કાઢે ત્યાં સુધી કષાયો એવાને એવાજ હોય, જરાપણ પાતળા ન પડયા હોય તો ધર્મ થયો ના કહેવાય. ધર્મ પૂરેપૂરો પરિણામ પામે ત્યારે પોતેજ ધર્મસ્વરૂપ બની જાય. કેટલા સામાયિક - પ્રતિક્રમણ કર્યા? કેટલો તપ? કેટલો ત્યાગ? કેટલો સંયમ? આ બધાની ગણત્રી એ ધર્મ નથી.

આ બધું તો ધર્મ કરવાનું સાધન છે. સાધ્ય તો આત્મા છે. ભગવાનનું શાસન કહે છે. તપ-ત્યાગ-સંયમ બધુંજ કરો પણ આત્માનો ભાવ ન બદલો તો કાંઈ કામ ન થાય. આટલું કષ્ટ વેઠતાં છતાં જો અંદર ઉંડે ઉંડે પણ એ ભાવ પડેલો છે કે ‘અનુકૂળતા જોઈએ, પ્રતિકૂળતા ન જોઈએ’ તો ફક્ત ચણાના ફોતરા જેટલું જ કામ થાય. ધર્મે તો મનોભાવને તોળી તોળીને ફળ બતાવ્યું છે. બાહ્ય ક્રિયા એ સાધન છે, આત્મ પરિણતિએ સાધ્ય છે. સાધ્ય માટે સાધન જરૂરી છે પણ સાધનમાંજ અટકી ગયા, સાધનનેજ સાધ્ય માની લીધું તો ધર્મની પરિણતિ કેવી રીતે થશે? ક્રોધાદિમાં આત્માનું પરિણમન થવા દેવું તે પોતાના જ આત્માની હિંસા છે. ચિંતન દ્વારા, દૃઢ સંકલ્પ દ્વારા તે ન થવા દેવું, કષાયોથી આત્માનો છૂંદેછૂંદો થતાં એને બચાવવો તે પોતાનાજ આત્માની અહિંસા છે, તે ધર્મ છે. અનાદિકાળથી એટલે કે નિગોદમાં હતા ત્યારથી અહીં સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં આપણા જીવે જે કાંઈ જાણ્યું છે તે બધુંય અજ્ઞાનજ છે.

તેનું વિસ્મરણ કરવું. તેની જગ્યાએ યથાર્થ જ્ઞાનને સ્થાપિત કરવાનો પુરૂષાર્થ કરવો તે ધર્મ છે. આજસુધી તો ‘આ દેહ તે જ હું’ એમ માનીને જીવે મન સાથે ભળીને બેજ કાર્ય કર્યા છે. નવાકર્મનો કર્તા અને જૂના કર્મોનો ભોક્તા. બસ આ સાયકલ ચાલ્યાજ કરે છે. આ સાયકલને તોડવીને આત્માનું આત્માકારે પરિણમન થવું તે ધર્મ છે.

છૂટે દેહાધ્યાસતો... નહિ કર્તા તું કર્મ નહિ ભોક્તા તું દેહનો... એજ ધર્મનો મર્મ.

સ. 232 જૈન ધર્મનું વાસ્તવિક સ્વરૂપ શું?

જ. 232 જૈન ધર્મ કોઈ સંપ્રદાય નથી. તેતો આત્મ ધર્મ છે. જૈન ધર્મતો રાગ-દ્વેષ-

અજ્ઞાનને જીતનાર આત્મ સ્વભાવ છે. અજ્ઞાનનો અભાવ થતાં અને થોડે ઘણે અંશે રાગદ્વેષનો અભાવ થતાં જૈનપણાની શરૂઆત થાય છે. જેટલે જેટલે અંશે રાગદ્વેષનો અભાવ થાય તેટલે અંશે જૈનપણું વધતું જાય છે.

રાગદ્વેષનો પૂર્ણ અભાવ થતાં, કેવળજ્ઞાન થતાં, પૂર્ણ જૈન પણું પ્રગટ થાય છે. પરિણમતા રાગથી ભિન્ન થઈ જિનસ્વરૂપ આત્માનો અનુભવ કરે તે જૈન. જિનપણું ને જૈનપણું બંને અંદર આત્મામાં વસે છે. આત્મા સ્વભાવથીજ જ્ઞાન-આનંદના સામર્થ્યથી ભરેલો છે. તેનો આશ્રય લેતાં હૃદયમાં જૈન ધર્મ, વિતરાગ દશા પ્રગટ થાય છે.

‘ઘટ ઘટ અંતર જિન બસે, ઘટ ઘટ અંતર જૈન મત મદિરા કે પાનસે, મતવાલા સમઝે ન કાંઈ‘ વસ્તુતઃ એ સહજસુખ આત્મામાંજ છે. આત્મામાં રમણ કરવાથી તે પ્રાપ્ત થાય છે. ભૂત અને વર્તમાનમાં જે જે મહાત્મા થયા, એમણે એજ ગુપ્ત આધ્યાત્મ વિદ્યાનો અનુભવ કર્યો છે. અને એનોજ ઉપદેશ કર્યો છે. તેનેજ અવ્યક્તવ્ય કહો, સમ્યક્‌દર્શન જ્ઞાન કહો. ધર્મ-શુક્લ ધ્યાન કહો કે સહજ સુખ સાધના કહો. સર્વનો આ એકજ અર્થ છે. નિશ્ચય ચારિત્ર ધર્મ છે. જે સમભાવ છે તેનેજ ધર્મ કહ્યો છે.

‘ત્રણ અક્ષરને ઓળખો, બે ગુરૂ લધુ એક...

સીધી લેતા મોક્ષ છે, ઉલટી દુર્ગતિ દેત.’

આ ત્રણ અક્ષર છે - સમતા. જો શબ્દને સીધો વાંચો ‘સમતા’ તો સમતાથી મોક્ષ છે. તેનેજ ઉંધેથી વાંચો ‘તામસ’ તો તામસ એટલે ક્રોધથી દુર્ગતિ છે.

જ્યાં સુધી મૃષા (જૂઠ) અને પરસ્ત્રી ગમનનો ત્યાગ કરવામાં આવે નહી, ત્યાં સુધી આત્મામાં છળકપટ હોવાથી ધર્મ પરિણમતો નથી. ધર્મતત્વના સર્વજ્ઞ ભગવાને બે ભેદ કહ્યા છે. (1) વ્યવહાર ધર્મ (2) નિશ્ચય ધર્મ.

વ્યવહાર ધર્મમાં દયા મુખ્ય છે. ચાર મહાવ્રતો પણ દયાની રક્ષા માટે છે.

આત્માને આત્માભાવે ઓળખવો, પોતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી, આ સંસાર તે મારો નથી, હું એથી ભિન્ન પરમ અસંગ સિદ્ધ જેવો શુદ્ધાત્મા છું.

એવી આત્મસ્વભાવમાં વર્તના તે ‘નિશ્ચય’ ધર્મ છે. આનંદ ધનજી મહારાજ કહે છે, ‘નિશ્ચયની અપેક્ષા વિનાનો વ્યવહાર ધર્મ સંસારરૂપી ફળ આપનારો છે. વ્યવહાર ધર્મ જ્યારે નિશ્ચયધર્મને સાપેક્ષ બને ત્યારે મોક્ષ અપાવી શકે’ ધર્મ આત્મામાં છે, આત્માનો છે, આત્મા માટે છે અને આત્માથી છે. જો તમારે સુખ-શાંતિ જોતા હોય તો ધર્મ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જ્યાં જ્યાં સંતાપ દેખાય છે. ત્યાં અધર્મ જ છે. દા.ત. સવારથી સાંજ સુધીની કોઈપણ પ્રવૃત્તિ લો. બજારમાં ગયા - ઘરાકે તમારી મરજી મુજબનો વ્યવહાર ન કર્યો એટલે ગુસ્સે થયા તો અશાંતિ થઈ. ક્રોધરૂપી અધર્મ આવ્યો એટલે દુઃખ થયું. જમવામાં અણગમતી વસ્તુ આવી.

અશાંતિ થઈ. દ્વેષ રૂપી અધર્મ આવ્યો એટલે અશાંતિ થઈ. દીકરો માંદો પડ્‌યો. બેબાકળા થઈ ગયા, કેમ? દુનિયામાં ઘણાય માંદા પડતા હશે ટેન્શન થાય છે? અહીં મમતારૂપી - રાગરૂપી અધર્મ આવ્યો, અશાંતિ થઈ.

જો મમત્વ ન હોય, પછી ભલે ગમે તેટલી માવજત કરો શાંતિ હણાય ખરી? અશાંતી શેનાથી આવી? ધર્મથી કે અધર્મથી? ધર્મ એવી વસ્તુ છે કે

એને સમજતાં થઈ જાઓ તો આખું જીવન બદલાઈ જાય. ‘આ દેહ તે હું નથી. હું આત્મા છું.’ આ 50-60 વર્ષની જીંદગી જ મારૂં અસ્તિત્વ નથી.

મારે મરીને ક્યાંક જવાનું છે. આ જીવનની બે-ચાર અપેક્ષાઓ પૂરી થાય એટલે કામ પતી ગયું એમ થતું હોય અને પરલોકનો વિચાર પણ ન આવતો હોય તો સમજવાનું કે ધર્મના સત્યો હજી હૃદયમાં બેઠા નથી.

109

 

સ. 233 જૈનોના દેવોએ કહેલો તેજ ધર્મ અને બીજા દેવોએ કહેલો તે ધર્મ નહીં તેવું કેમ? અથવા જૈન ધર્મ સર્વોપરિ કેમ?

જ. 233 કેવળજ્ઞાનની ક્ષણોમાં, કેવલીના સ્વમુખેથી ઝરેલો જે ધર્મ છે તેના સિદ્ધાંતો અને અન્ય ધર્મના સિદ્ધાંતોનું તમે સમાલોચન કરશો તો ખબર પડશે કે કોઈ ધર્મ 300 ડીગ્રી પર આવીને અટકી ગયો છે, તો કોઈ પર, જ્યારે મહાવીર કથિત જૈન ધર્મ સંપૂર્ણ 360 ડીગ્રી પર છે. અન્ય ધર્મના સિદ્ધાંતો જોતાં એમ લાગે છે કે તે ધર્મના પ્રણેતા સંપૂર્ણ કેવળજ્ઞાન સુધી પહોંચ્યા નથી. તેઓ ખોટા છે તેમ કહેવાનો અર્થ નથી. પરંતુ તેઓ સંપૂર્ણ નથી, અધૂરા છે, તેમ લાગ્યા વગર રહેતું નથી. જૈન ધર્મે આપેલા સિદ્ધાંતો અખંડ છે, સૂક્ષ્માતિસૂક્ષ્મ છે અને સંપૂર્ણ છે, તે સમજાવવાનો પ્રયત્ન કરીશ.

(1) વિશ્વના મોટાભાગના ધર્મો પાંચ મહાવ્રતોની જેમ, પાંચ યમ-

નિયમ-પંચશીલની વાત કરે છે. હિંસા નહીં કરવી, જુઠું ન બોલવું, ચોરી ન કરવી, મૈથુન ન સેવવું, પરિગ્રહ ન કરવો વગેરે. પરંતુ આ પાંચેય નિયમોનું આચરણ સ્થૂળતાથી છે. સૂક્ષ્મતાથી નહીં. કોઈધર્મ ફક્ત માનવીની હિંસાને જ હિંસા માને છે, તેથી આગળ વધીને કોઈ ધર્મ પશુ પક્ષીની હિંસાને હિંસા માને છે... પરંતુ જૈન ધર્મ તેથી આગળ વધીને પૃથ્વીકાય, પાણીકાય, તેઉકાયને વાયુકાયના જીવને હણવા, વનસ્પતિને કાપવું, તેને દુઃખ પહોંચાડવું એને પણ એટલીજ હિંસા માને છે. અરે અન્ય ધર્મતો એ પણ નથી જાણતા કે માટીમાં પણ જીવ છે, પાણી પોતે જ અપકાયના જીવોનો સમૂહ છે, હવા પોતે જ વાયુકાયના જીવોનો સમૂહ છે. અગ્નિ પોતેજ તેઉકાયના જીવોનો સમૂહ છે. પછી એની રક્ષા કરવાની કે હિંસા નહી કરવાની વાત જ કયાં આવી? જૈન ધર્મે તો, આજના માઈક્રોસ્કોપ કરતાં કરોડગણી શક્તિવાળા માઈક્રોસ્કોપથી પણ ન દેખી શકાય તેવા સૂક્ષ્માતિસૂક્ષ્મ નિગોદના જીવથી માંડીને મોટામાં મોટા મહાકાયમાં રહેલા જીવને એકસરખી મહત્તા આપી છે. એવા કોઈપણ જીવને લેશમાત્ર દુઃખ પહોંચાડો કે દુઃખ પહોંચાડવાનો વિચાર શુદ્ધાં કરો તો તેને હિંસા કીધી છે. તેમાંથી કેમ બચવું તેના ઉપાય પણ બતાવ્યા છે.

હવે તમે કહો કે બીજા ધર્મમાંય અહિંસા છે. ને આપણા ધર્મમાંય અહિંસા છે. માટે બેઉ સરખા તો કેમ ચાલે? જે સૂક્ષ્મતા આમાં જોવા મળે છે તે બીજે ક્યાંય નથી મળતાં માટેજ તે પ્રધાન છે.

110

 

(2) સૌથી મોટી વાતતો એ છે કે મહાવીરે જેટલી પ્રતિષ્ઠા આત્માને આપી છે. તેટલી કોઈએ નથી આપી. મહાવીરે એમ નથી કહ્યું કે, હું જ ભગવાન બની શકું, બાકી તમે બધા મારા અનુયાયી. નહી, કોઈપણ તીર્થંકરોની એવી મોનોપોલી નથી. મહાવીર તો કહે છે ત્રણેય લોકનો કોઈપણ આત્મા, કોઈપણ ચેતન શક્તિ પોતે પુરૂષાર્થ કરીને, રાગદ્વેષ રહિત બનીને, કર્મો ખપાવીને ભગવાન બની શકે છે. નિગોદથી માંડી મહાકાય સુધીનો કોઈપણ આત્મા ભગવત્‌ બનવાની ક્ષમતા ધરાવે છે. મહાવીર કહે છે, ‘મેં પ્રયત્ન કર્યો મને મોક્ષ મળ્યું, મને કેવળજ્ઞાન મળ્યું, તું પુરૂષાર્થ કર – તું પણ અનંત સુખનો ધણી બન.’ જૂઓ કેટલી વિશાળતા છે આ ધર્મમા? એકજ વ્યક્તિ ભગવાન બની શકે એવો અન્ય ધર્મ જેવો ખ્યાલ છે, આમાં? માટે જ આની પ્રધાનતા છે.

(3) આપણો નવકાર મંત્રજ જૂઓ.. ક્યાંય વ્યક્તિગત નમસ્કાર આવે છે? ક્યાંય એવું પદ આવે છે કે નમો મહાવીરાય, નમો પાર્શ્વનાથાય, ૐ નમો શિવાય... જેવો કોઈ વ્યક્તિગત ખ્યાલ છે આમા? અહીંતો ત્રણેયકાળના - ત્રણેયલોકના સર્વ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાયને સાધુને નમસ્કાર છે. આટલી વિશાળતા વાળો મંત્ર મેં તો કોઈ ધર્મમાં જાણ્યો નથી, સાંભળ્યો પણ નથી.

(4) પરમાત્માએ વિશ્વના જે પદાર્થો કેવળજ્ઞાનમાં જોયા તેને નવવિભાગમાં વહેંચી નવ તત્ત્વોની સમજણ વિશ્વના જીવોને આપી નવતત્ત્વને સમજી જીવો છોડવા જેવું છોડી શકે, અને આચરવા જેવું આચરી શકે, ને પોતાના સુખને પામી શકે એ માર્ગ જીનેશ્વરે બતાવ્યો.

કોઈ ધર્મમાં નવતત્વને આટલા સ્પષ્ટતાથી સમજાવવામાં આવ્યા નથી.

ભગવાને જે 18 પાપસ્થાનક બતાવ્યા છે તે આજ સુધી કોઈ 18 ને બદલે 19 પાપસ્થાનક બતાવી શક્યું નથી. દુનિયાના તમામે તમામ પાપ આ અઢાર પાપસ્થાનકમાં આવી જાય છે. પાછો જૈન ધર્મ દરેક પાપોમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બતાવે છે, એજ આ ધર્મની સર્વોત્કૃષ્ટતા છે.

(5) કોઈ કહેશે કે મારે પાંચેય વ્રતોનું, યમ નિયમોનું જીવનમાં પાલન કરવું છે કઈ રીતે કરી શકાય? બીજા ધર્મો આદર્શો બતાવે છે પણ આદર્શોનું અમલ કરવાનું સચોટ માર્ગદર્શન કોઈ ધર્મો પાસે નથી. જૈન ધર્મ કહેશે કે દીક્ષા લઈને આ પાંચેય નિયમોનું પાલન તું અખંડ રીતે કાયમ માટે કરી શકીશ. તે પણ ન થઈ શકે તેમ હોય તો એક દિવસનો પૌષધ કરીને મહાવ્રતોનું પાલન કરી લે. અરે એ પણ ન થાય તેમ હોય તો ફક્ત 111

 

48 મિનિટનું સામાયિક કરીલે ને પાપોથી 48 મિનિટ માટે સર્વથા મુક્ત થા. મને કહો આ સામાયિક જેવી અમૂલ્ય ભેટ કયા ધર્મે આપી છે? પછી આ ધર્મને સર્વોપરી નહીં કહોતો કોને કહેશો? (6) તમે ત્યાગને મહાન કહેશો કે ભોગને? પંચયામી મુનિઓની સામે જૈનમુનિઓની સરખામણી કરી જુઓ. પંચયામી કંદમૂળ આદિ અભક્ષ્ય ખાય છે, સુખ શય્યામાં પોઢે છે, વાહનો, પુષ્પોનો ઉપભોગ લે છે, શીતળ જળથી વ્યવહાર કરે છે, રાત્રિ ભોજન કરે છે, અસંખ્યાતા જંતુઓનો નાશ, બ્રહ્મચર્યનો ભંગ, શું આને તમે સાધુપણું કહેશો? જૈન ધર્મ જેવું વિશુદ્ધ જ્ઞાન બીજે ક્યાંય નથી. સર્વમતો એ જે જ્ઞાન બતાવ્યું છે તે મહાવીરના તત્વજ્ઞાનના એક ભાગમાં આવી જાય છે. તેમનું કથન સ્યાદ્વાદ છે, એકપક્ષી નથી માટે સંપૂર્ણ છે, સર્વોપરી છે.

(7) અન્ય ધર્મીએ જાણે છે કે આપણે ચોર્યાશી લાખ ફેરા ફરીને પછી મનુષ્ય જન્મ મળ્યો છે. પરંતુ 84 લાખ યોનિ કઈ? નિગોદ એટલે શું ? આત્મા ક્યાં હતો ? શું કરવાથી જન્મ મરણના ચક્કર ફરવા પડે છે? તેમાંથી મુક્ત કઈ રીતના થવાય? આ બધા ગૂઢ રહસ્યો કેવળી ભગવાન સિવાય કોણ જણાવી શક્યું છે? (8) અન્ય ધર્મોએ ચોરીને પાપ કહ્યું પરંતુ કોઈને બે શબ્દ વધારીને કે

ઘટાડીને કહેવા એ પણ ચોરી છે એવું કહેનાર ફક્ત જૈન ધર્મ છે. મૈથુન સેવવું એને પાપ કહ્યું, પરંતુ કોઈના દિલમાં વિકાર ઉત્પન્ન થાય તેવું વર્તન કરવું કે તેવા વસ્ત્ર પરિધાન કરવા તે પણ પાપ છે. એવું બીજા કોણે કહ્યું? માણસને મારવો એ હિંસા છે પરંતુ તેના દિલને દુઃખ પહોંચે તેવા બે શબ્દ બોલવા એ પણ હિંસા છે. એવું ફક્ત જૈન ધર્મે બતાવ્યું. અન્ય ધર્મે ફક્ત પાપ કાર્યમાં પાપ માન્યું. પરંતુ પાપ કાર્ય કરવું, કરાવવું, અનુમોદવું. અરે ફક્ત પાપ કાર્યનું મનથી ચિંતવન કરવામાં પણ કર્યા જેટલું જ પાપ છે તેવું કહેનાર ફક્ત જૈન ધર્મ છે. જગતને સૌથી મોટી વાત મહાવીરે એ કરીકે, આત્મા અને દેહ બંને અલગ છે. એટલું જ નહી દરેકે દરેકના આત્મા અલગ છે, આત્મા એક નહી અનેક છે ને મુક્તિ પામ્યા પછી પણ એક નથી થઈ જતા, અલગ જ રહે છે. આ મહાન વાત જે આપણને જૈન ધર્મે કરી છે તે અન્ય ધર્મી અમુક ડીગ્રી સુધી આવીને અટકી જાય છે. જગતના છ મુખ્ય દર્શનમાં બૌધ, નૈયાયિક, સાંખ્ય, જૈન અને મીમાંશા એ પાંચ બંધ-

મોક્ષાદિ ભાવને સ્વીકારનારા દર્શનો છે. છઠ્ઠુ ચાર્વાક નામનું દર્શન આત્માદિ પદાર્થને સ્વીકારતું નથી. બૌદ્ધે કહ્યું, આત્મા નિત્ય નથી ક્ષણિક 112

 

છે. જો આત્માને ક્ષણિક માનો તો મોટો વિરોધાભાસ ઉભો થાય કે કર્મ કર્યું એક આત્માએ ને એનું ફળ ભોગવે બીજો આત્મા? વેદાંતે આત્માને કુટસ્થ માન્યો, પરંતુ વિશેષ પર્યાયને ન માન્યા. મહાવીરે કહ્યું આત્મા નિત્ય અનિત્ય છે. આ સ્યાદ્વાદ વાણી છે. આત્મા દ્રવ્ય ને સ્વભાવ રૂપે નિત્ય છે.

પરંતુ દેવ-મનુષ્ય-તિર્યંચ આદિ પર્યાય રૂપે અનિત્ય છે. ઉપનિષદમાં ઈશ્વર જગતનો કર્તા છે, જૈન ધર્મ કહે છે જો ઈશ્વર જગતનો કર્તા હોય તો પછી એણે ભોક્તા પણ બનવું પડે તો પછી એ ભગવાન કેમ કહેવાય? ભગવાનને પણ જગત બનાવવાની ઈચ્છા થતી હોય તો માણસ ઈચ્છા વગર કેમ રહી શકે? ભગવાને જગત બનાવ્યું તો કોઈ અપંગ કોઈ પૂર્ણ કેમ? મહાવીર કહે છે આ જગત કોઈએ બનાવ્યું નથી. તે અનાદિ છે. તેનો વિસ્તાર કર્મજન્ય છે, પુદ્‌ગલ જન્ય છે, ભગવાને જે કર્મવાદ સમજાવ્યો છે તે અદ્‌ભૂત છે, જગતમાં બેજોડ છે. તર્ક સિદ્ધ છે, પ્રમાણ સિદ્ધ છે માટે જ જિનેશ્વરે પ્રરૂપેલા ધર્મનું પ્રાધાન્ય છે.

(9) અન્ય દર્શન કહે છે આત્મા એક છે અને સર્વવ્યાપક છે. જૈન ધર્મ કહે છે આત્મા જો વ્યાપક હોય તો સંવેદના શરીર બહાર કેમ થતી નથી? એની અનુભવની મર્યાદા શરીર સિમિત છે. માટે જૈન ધર્મ કહે છે આત્મા જ્ઞાનથી વ્યાપક છે. આત્મા અસંખ્ય પ્રદેશી છે, જ્યારે સમુદ્‌ઘાત કરે છે ત્યારે એ લોકવ્યાપી બની જાય છે એ દૃષ્ટિએ વ્યાપક પણ છે. જૈન દર્શન સિવાય કોઈપણ મતે આત્માને અસંખ્ય પ્રદેશી નથી કહ્યો. અન્ય દર્શને કહ્યું, આત્મા કુટસ્થ છે અને બંધ મોક્ષ પ્રકૃતિના છે. ફક્ત પ્રકૃતિ પરિણામી છે.

મહાવીર કહે છે આત્મા અને પ્રકૃતિ બંને પરિણામી છે. મોક્ષ અને બંધ બંને આત્માના છે. આમ અનેક તર્કથી તમે સિદ્ધ કરી શકશો કે જૈનધર્મના સિદ્ધાંતો એકદમ પ્રેકટીકલ, વૈજ્ઞાનિક અને અખંડ છે, સર્વોત્તમ છે. માટે જ પ્રાધાન્ય છે.

(10) વિજ્ઞાન પણ આજે જે વાત કરે છે તેનું પોતે જ કાલે ખંડન કરે છે.

વિજ્ઞાન પોતે પહેલા વનસ્પતિને જડ માનતું હતું. જગદીશચંદ્રે વન માં જીવ છે એમ શોધ્યા પછી કહ્યું કે ના અત્યારસુધી અમે ખોટા હતા. વૈજ્ઞાનિકો પાણીમાં રહેલા ત્રસ જીવોને જોઈ શકે છે. પણ પાણી પોતેજ જીવોનો સમૂહ છે, જેમ વન-ચેતન છે તેમ પાણી પણ ચેતન છે એ વાત વિજ્ઞાન જાણતું નથી. આપણી સાત વરસની છોકરી એ જાણે છે, કારણકે સાત લાખ એને શિખવાડવામાં આવ્યા છે. ભગવાને તો 2500 વર્ષ પહેલા કેવળજ્ઞાનમાં જોઈને આ બધું જણાવી દીધેલું છે. ભગવાને જે પ્રમાણે ધર્મ 113

 

બતાવ્યો છે, ને જે પ્રમાણે ક્રિયાઓ કરવાની કહેવામાં આવી છે, તેમાં યોગ ‘પ્રાણાયામ’ શારીરિક કસરત, માનસિક ટ્રીટમેંટ બધાનો સમાવેશ થઈ ગયો છે. જો શરૂઆતથી તે પ્રમાણે જ વ્યક્તિ જીવે તો કદી જીંદગીમાં રોગનો ભોગ બને નહિ. આમ ભૌતિક દૃષ્ટિ એ ઉત્તમ, તંદુરસ્તીની દૃષ્ટિએ ઉત્તમને આધ્યાત્મિક દૃષ્ટિએ ઉત્તમોત્તમ ધર્મ છે. જો ન્યાયપૂર્વક વેદ વગેરે અન્યધર્મના અને જૈનદર્શનના મૂળતત્વો આપ જોઈ જશો તો ખબર પડશે કે જૈન જેવું એકે પૂર્ણ પવિત્ર દર્શન નથી. એમનું કથન સ્યાદવાદ છે. એક પક્ષી નથી. વિતરાગ જેવો એકેય દેવ નથી. તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તો તે સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સેવો.

સ. 234 દુનિયાના બીજા ધર્મનાયકોને મનાય કે નહી ? તેમનામાં શું ખામી હોય?

જ. 234 અન્ય ધર્મનાયકોએ કહેલું કથન એમને એમ સ્વીકારી લેવું જોખમી છે. પરંતુ વિચાર વિમર્શ કરતાં બીજાના કહેલા વચન અર્થથી જીનાજ્ઞા સાથે જો સંગત જણાય તો તે વચન પ્રત્યે દ્વેષ અરૂચિ રાખવા નહિ. ‘મારું એજ સાચું નહિ પણ સાચુ એ મારુ’ પણ એ તમે કઈ કક્ષાએ કરી શકો? જ્યારે તમને તમારા જીનેશ્વરે પ્રરૂપેલા ધર્મનું ઉંડુ જ્ઞાન હોય, બધાજ સિદ્ધાંતોને તત્વથી વાકેફ હો, ફક્ત ગોખેલું નહિ. અંતરમાં એની ઉંડી સમજ હોય ત્યારે તમે બીજાના કથન જીનાજ્ઞા સાથે તર્ક સંગત છે કે નહી તે જાણી શકશો ને? જે જાણતો જ નથી કે

મારી પાસે તો મહાસાગર છે, તે બીજાનું ખાબોચિયું જોઈને ખુશ થઈ જશે.

જેણે પોતાનું બધું જ જાણી લીધું છે, સમજી લીધું છે, તે બીજાની વાતો સાંભળીને આર્કષાઈ નહી જાય. તેતો તુલના કરશે કે. અહો... આનાથી તો અનેકગણું મારી પાસે છે. એટલે જ તો અન્ય પાસે જવામાં જોખમ છે. જેણે પોતાના રત્નને ઓળખ્યું નથી તે બીજાનો કાચનો ટૂકડો ગ્રહણ કરીને પોતાનું રત્ન ખોઈ નાખશે. આમ જેને પોતાનું પુરૂં જ્ઞાન નથી તેને અન્ય પાસે જવામાં જોખમ છે. ને તેનાથી ઉલટું જેને પોતાનું પુરૂ જ્ઞાન છે તે અન્ય શાસ્ત્રોનો અભ્યાસ ન કરે તો દોષ છે. કેમકે તે અન્યના શાસ્ત્રોને જાણશે તો પોતાનામાં શું વધારે ઉત્તમ છે તેનો વિવેક કરી શકશે. એનું પોતાનામાં શ્રદ્ધાન વધશે તે અન્યને પણ માર્ગ ચીંધી શકશે. જૈનના એકેક પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થઈ જાય તો પણ પાર પામીએ નહિ તેવું છે. બાકી સત્ય માર્ગ, મોક્ષ માર્ગ એકજ હોય છે, ત્રણ લોકને ત્રણકાળમાં પણ સત્યમાર્ગ બે ન હોય.

માટે માણસે વિવેકથી વર્તવું.

114

 

સ. 235 મોક્ષનું સ્વરૂપ શું ?

જ. 235 મોક્ષ એ કોઈ વસ્તુ નથી કે કોઈ તમને હાથમાં આપી દેવાનું છે. આત્માની મુક્ત દશાનું નામ મોક્ષ છે. હવે આત્માને કોઈ કર્મ ભોગવવાના બાકી નથી રહ્યા, એટલે જન્મ મરણના ચક્કર પણ નથી રહ્યા. જેમ પાંજરામાં પુરાયેલા પક્ષીને છોડી મુકવામાં આવે તો તે કેવો મુક્તતાનો આનંદ અનુભવે ? એનાથી અનંત ગણો આનંદ જેનું કેવલી ભગવંત પણ શબ્દમાં વર્ણન નથી કરી શક્યા એવો અનુભવ આત્મા કરે છે. જીવ નિરંતર પોતાના સ્વરૂપમાં જ રહે, એક સમય માટે પણ પરદ્રવ્યમાં તેનો ઉપયોગ ન જાય એવી દશાને આત્મા પામે તેજ મોક્ષનું સ્વરૂપ છે. મોક્ષ એટલે આત્માની સહજાનંદ દશા. આઠેય કર્મોનો નાશ કરી, જન્મ, જરા મરણનો નાશ કરી સિદ્ધક્ષેત્રે બિરાજમાન થાય છે. જ્યારે સંપૂર્ણ આત્મ પ્રદેશો કર્મ વર્ગણાથી મુક્ત થાય છે, જ્યારે એકપણ પુણ્યકર્મ બચતું નથી કે એક પણ પાપ કર્મ બચતું નથી ત્યારે આત્મા કર્મથી નિરાવરણ થાય છે. અહીં પાપ-પુણ્ય કર્મની સરવાળા બાદબાકીનો હિસાબ નથી. પુણ્ય કર્મ પણ તેનું ફળ આપે ત્યારે ભોગવવું પડે છે ને પાપ કર્મનું ફળ પણ ભોગવવું પડે છે.

ભોગવતાં ભોગવતાં બીજા એટલા કર્મોના ઢગલા ખડકી દઈએ છીએ કે

જન્મ-મરણના ચકકરમાંથી બહારજ નથી અવાતું. જે ક્ષણે એકપણ કર્મ સિલકમાં નથી રહેતું તે જ ક્ષણે આવરણ હટી જવાથી આત્માનો પોતાનો સ્વભાવ, પ્રકાશ પ્રગટ થાય છે. એ છે કેવળ જ્ઞાન. અત્યંત શુદ્ધ અવસ્થામાં રહેલ આત્માને મોક્ષ સ્વરૂપ જાણવો.

રાગ, દ્વેષ, અજ્ઞાન એ... મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી... તેજ મોક્ષનો પંથ, જાતિ વેષનો ભેદ નહી... કહ્યો માર્ગ જો હોય, સાધે તે મુક્તિ લહે... એમાં ભેદ ન કોય.

હવે એ મુક્ત આત્મા નિષ્કંપ છે, માટે એ આત્માને ફરીથી કર્મ ચોંટતા નથી. ફરી જન્મ મરણ કરવાના નથી. એ આત્મા અનંતજ્ઞાનનો, અનંત સુખનો ધણી છે. ઓછામાં ઓછા નવ વર્ષ અને વધુમાં વધુ ક્રોડપૂર્વના આયુષ્યવાળા અને પ્રથમ સંઘયણવાળા, કર્મભૂમિના મનુષ્યોમાંથી જ જેઓને કેવળ જ્ઞાન ઉપજે છે તેજ મોક્ષમાં જાય છે. છ માસ આઠ સમયમાં 608 જીવો અનાદિકાળથી મોક્ષે જાય છે ને કાયમ એટલા જીવો મોક્ષે જશે. મોક્ષમાર્ગમાં આત્માના અનુભવની પ્રાપ્તિનો પ્રયત્ન કરવો, તેજ પુરૂષાર્થ છે. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગમોક્ષ કહે છે.

115

 

જેમાં આત્મા નિર્મળ, શરીર રહિત, ક્ષોભ રહિત, શાંત સ્વરૂપ, સિદ્ધરૂપ, અત્યંત અવિનાશી, સુખરૂપ, કૃતકૃત્ય તથા સમ્યક્‌ જ્ઞાન સ્વરૂપ થઈ જાય તે સ્થિતિને મોક્ષ કહેવાય.

સ. 236 અ જૈનો મોક્ષમાં જઈ શકે કે નહિ ? ના જઈ શકે તો તેનું કારણ શું?

જ. 236 જેણે પાંચેય ઈંદ્રિય અને મનને જીત્યું, રાગ દ્વેષને જીત્યા તે જિન કહેવાયા.

જીનના બતાવેલા માર્ગે ચાલવાવાળા એટલે કે કેવલી ભગવંતે પ્રરૂપેલા ધર્મને અનુસરવાવાળા જૈન કહેવાયા. જૈન શબ્દ તો મહાવીરના નિર્વાણ પછી ઘણા વર્ષે આવ્યો. બધા જ તીર્થંકર ક્ષત્રિય હતા. કોઈ તીર્થંકરનો જન્મ જૈન કુળમાં થયો હોય એવું ક્યાંય શાસ્ત્રમાં લખ્યું નથી. ભગવાન મહાવીરના અગિયારે ગણધરો બ્રાહ્મણ હતા. મહાવીરના સમયમાં જાતિના ચાર જ વિભાગ હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. કેટલીય પેઢી પહેલાના આપણા બાપદાદાએ કેવલીએ પ્રરૂપેલા (ઉપદેશેલા) ધર્મનો અંગિકાર કર્યો હશે. એટલે તેઓ જૈન કહેવાયા. પરંતુ પેઢી-દરપેઢી આપણે જૈન ધર્મના આદર્શોને ભૂલતા ગયા. ઈંદ્રિયો અને મનને જીતવાનું કામ, આત્માને જાણવાનું કામ (સમ્યક્‌જ્ઞાન), આત્માને ઓળખવાનું અનુભવવાનું કામ (સમ્યક્‌દર્શન), આત્મામાં સ્થિર થવાનું (સમ્યક્‌ ચારિત્ર) સમસ્ત પરદ્રવ્યોનો ત્યાગ કરી (ઘર, પૈસા, સ્ત્રી, પુત્રાદિ, શરીર, રાગભાવ વગેરે) નિજદ્રવ્યમાં (આત્મસ્વરૂપમાં) લીન થવાનું વગેરે જે જૈનોના લક્ષણ છે. તે ભૂસાતાં ગયા. પરંતુ બાપદાદા જેમણે આ ધર્મ સ્વીકાર્યો તેમણે આજ કાર્ય કર્યુ. માટે તેઓ કર્મથી જૈન બન્યા. પરંતુ આપણે એમના વારસદાર ફક્ત કુળથી જૈન રહી ગયા. જે પણ ભલે જૈન કુળમાં જનમ્યા છે, પરંતુ જેનો મોક્ષમાટેનો પુરૂષાર્થ નથી તે ફક્ત કુળથી જૈન રહી ગયા. જેમને મોક્ષ સુધી પહોંચવું છે તે ભલે કુળથી જૈન ન હોય, પરંતુ જીનેશ્વર ભગવંતે પ્રરૂપેલા ધર્મ પ્રમાણે જ જેમનો પુરૂષાર્થ ચાલુ છે તે કર્મથી જૈન જ છે. પછી ભલે તે કોઈપણ કુળમાં હોય, તે મોક્ષે જઈ શકે છે.

જેમ કેટલીય પેઢી પહેલા કોઈના બાપદાદાએ સંઘ કાઢ્‌યો હોય તે સંઘવી કહેવાયા. હવે એ કુળમાં છેલ્લી ચાર - પાંચ પેઢીથી ભલેને કોઈએ સંઘ ન કાઢ્‌યો હોય છતાં તે સંઘવી જ કહેવાય. તે કુળથી સંઘવી છે. કર્મથી નહી.

એવી જ રીતે ભલે જે કુળથી સંઘવી નથી પરંતુ હવે સંઘ કાઢશે તો સંઘવી કહેવાશે. તેમ જે પણ ભલે આજે જૈન નથી પરંતુ મોક્ષ માટેનો યથાર્થ 116

 

પુરૂષાર્થ કરશે તે કર્મથી તો જૈન જ બની જશે. કુળથી ભલે તે ગમે તે હોય તેનો મોક્ષ થશે. મહાવીરે જેટલી પ્રતિષ્ઠા આત્માને આપી છે. એટલી આ લોકમાં પૃથ્વી પર કોઈએ નથી આપી. મહાવીરના હિસાબે આ લોકમાં જેટલી પણ ચેતના છે, પછી ભલે તે માનવીના પર્યાયમાં હોય કે વૃક્ષના પર્યાયમાં હોય કે, દેવ-નારકી-તિર્યંચના પર્યાયમાં હોય, દરેક ચેતના આધ્યાત્મિક વિકાસ સાધી છેલ્લે માનવ ભવ પ્રાપ્ત કરી મોક્ષે જઈ શકે છે.

દૃઢ પ્રહારી જેવો હત્યારો (કયા કુળનો હશે?) જો આત્મસાધના કરી તેજ ભવે મોક્ષે જઈ શકે તો બીજો કોઈ આત્મસાધના કરવા વાળો કેમ ન જઈ શકે? જે કુળનો અહંકાર કરે તેને માટે મોક્ષમાર્ગ બંધ જ છે, કેમકે

અહંકારી મોક્ષમાં જઈજ ન શકે... જે મોક્ષ તરફ પ્રયાણ કરશે તેનો કુળનો અહંકાર ઓગળી ગયો હશે ભલે પછી તે કોઈપણ કુળનો હોય.

સ. 237 ધારોકે ઈશ્વરને આ જગતનો કર્તા ના માનીએ - જગત અનાદિ-અનંત છે તો તેની દેખરેખ માટે કોઈ નિયામક ખરો?

જ. 237 હા... આ જગતની દેખરેખ માટે એનો નિયામક આખા ત્રણેય લોકમાં સર્વ વ્યાપી છે. અને તે છે... ‘કર્મવર્ગણા’, ‘કર્મસત્તા’. આ કર્મવર્ગણાઓ એક એક આત્મા એક એક ચેતના, પછી તે ભલે નિગોદની હોય કે વનસ્પતિની હોય કે એકેન્દ્રિયથી પંચેન્દ્રિયની ચેતના હોય એક એક ચેતનાની આસપાસ જે અવકાશ છે, જે આકાશ છે, તે કર્મ વર્ગણાથી ભરેલો છે...

તેજ તેનો વોચમેન છે. જીવ દ્રવ્ય જેવું, જે ક્ષણે સારું કે ખરાબ મન-વચન કે

કાયાથી કરતાની સાથે જ એજ ક્ષણે તેની આસપાસ રહેલ કર્મવર્ગણાઓ, લોહચુંબકને લોખંડની રજકણો વળગે તેમ તે આત્માને ચોંટી જાય છે. ને તે આત્માને તેનું ફળ આપ્યા પછી જ છૂટી થાય છે. દરેકે દરેક આત્માના કાર્યનો ક્ષણેક્ષણનો હિસાબ દરેકે દરેક આત્માને ચોંટેલી આ કર્મવર્ગણાઓ રાખે છે. જ્યાં સુધી આત્માનો મોક્ષ ન થાય ત્યાં સુધી આ કર્માણ શરીર એની સાથે ને સાથે જ રહે છે. જેમ ત્રણેય લોકમાં જીવદ્રવ્ય ઠાંસીઠાંસીને ભરેલું છે તેમ ત્રણેયલોકમાં કર્મવર્ગણાઓ પણ ભરેલી છે.

એટલે બીજા કોઈએ કાંઈ નિયમન કરવાની જરૂર જ નથી. દરેક દરેક આત્મા તેના નિયામકને સાથે લઈને જ ફરે છે. એક એક ચેતનાને પોતાના કરેલા કાર્ય અનુસાર સજા દેવી કે મજા દેવી એ કામ આ કર્મવર્ગણાઓ કરે છે. આત્માની જેમ એ પણ એટલી સૂક્ષ્મ છે કે નરી આંખે જોઈ શકાતી નથી. પરંતુ કેવળીને દૃષ્ટિ ગમ્ય છે. એટલે જ એમણે આ કર્મવર્ગણાની લીલા જોઈને કહ્યું કે, આ જગતનો નિયામક કોઈ એક વ્યક્તિ નથી, કે જે તમને સુખ કે દુઃખ આપે છે. જગતનો નિયામક જગતમાં વ્યાપેલી કર્મ રજકણો છે. જેવું આત્મા દેહાકારે કાંઈ કરવા જાય છે કે તેનો નિયામક (કર્મ) તેની સાથે લાગી જાય છે. જેમકે સાગરની સામે સૂર્ય આવી ગયો. હવે એ બંને એનું કામ કર્યા કરશે. સૂર્ય એના સ્વભાવ પ્રમાણે ગરમી આપશે. પાણી એના સ્વભાવ પ્રમાણે તપીને વરાળ થશે. વરાળના વાદળા થશે. વાદળા એના સ્વભાવ પ્રમાણે ઠંડા પડીને સમુદ્રને પાણી પાછું આપશે. હવે આ સૂરજને સમુદ્રની ગોઠવણ જ એવી થઈ ગઈ કે વચ્ચે કોઈ વરાળ બનાવવા વાળાની કે વાદળા બનાવવાવાળાની જરૂરજ નથી. એજ એમનું નિયમન કર્યા કરે. એવી રીતે એક એક ચેતનાની આસપાસના આકાશમાં કર્મ રજકણો એવી રીતે ગોઠવાઈ ગઈ કે એક એક ચેતનાની ચોવીશે કલાક વોચમેનગીરી કર્યા કરશે. એમાં એક ક્ષણ માત્રનો વિલંબ નહી પડે. એક એક ચેતના મળીને તો આ જગત બન્યું છે. એક એક ચેતનાનો નિયામક આ કર્મવર્ગણા છે, માટે આખા જગતનો નિયામક એ થઈ ગયો. હવે મહાવીર કહે છે જો તારે નિયામકના તાબામાં ન રહેવું હોય, એ નચાવે તેમ ન નાચવું હોય તો બે જ કામ કર. નવી વર્ગણા લાગવા ન દે અને જૂનીનું વિસર્જન કરતો જા. જે ઘડીએ જે ક્ષણે એકપણ વર્ગણા તારી પાસે બચશે નહિ, તે ઘડીએ તે ક્ષણે તું મુક્ત થઈ જઈશ.

સ. 238 મનુષ્ય જન્મનું ફળ શું ગણાય ? આત્માનું કલ્યાણ કેવી રીતે થાય?

જ. 238 મોંઘેરો મનુષ્યજન્મ પામીને આત્માનું કલ્યાણ કરો તો મનુષ્ય જન્મનું ફળ-સફળ નહિ તો નિષ્ફળ. જીવ મોહનીય કર્મથી, રસરંગથી એટલો બધો રંગાઈ ગયો છે કે તેને વીતરાગનો માર્ગ રૂચતો જ નથી. પણ આવા ભવ-

ભવના દુઃખોથી છૂટવા માટે પોતાના એકત્વ સ્વભાવની ભાવના ભાવવાથી આત્માનું કલ્યાણ થાય છે. શુદ્ધાત્માના ધ્યાનથી કર્મની નિર્જરા કરીએ તો આત્માનું કલ્યાણ થાય. કરોડો ઉપાય કરીને પણ પહેલા સ્વ-પરનું ભેદજ્ઞાન કરવું. ભેદજ્ઞાન વડે અંતરમાં આત્માને કર્મથી-શરીરથી જુદો જાણવો. ‘મારો આત્માતે જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનસ્વરૂપથી જુદા જે કાંઈ શુભાશુભ રાગ કે ધન કુટુંબ વગેરે સંયોગ તે હું નથી.’ ક્ષણે, ક્ષણે વિભાવમાં જતા આત્માને રોકવો - જ્ઞાનથી સમજાવવો તો આત્માનું કલ્યાણ થાય. પ્રથમ તો સત્‌સમાગમથી સત્ય વસ્તુનુ સ્વરૂપ જાણવું, શ્રવણ કરવું, જે શ્રવણ કર્યું તેને ગ્રહણ કરવું પછી ધારણા કરવી પછી અંતરમાં પરિણમન કરવું. ખાવું-પીવું-મોજ મજા કરવી- રાત-દિવસ પૈસા કમાવા માટે જ પુરૂષાર્થ કરવો. સંસાર ઉભો કરવો એ આ માનવ જન્મનું ફળ નથી.

આ તો આત્માને અધોગતિમાં ધકેલવાનું બળ છે. સંસાર વધારવાનું કામ તો પશુ પણ કરે છે, પછી આપણામાં ને એમનામાં ફરક શું? મોક્ષ મેળવવા માટે જરૂરી સંયોગો આપણને પ્રાપ્ત થયા છે તેનો ઉપયોગ કરી મનુષ્ય જન્મ સફળ કરવો એજ મનુષ્ય જન્મનું ફળ છે. અઢારે પ્રકારના પાપથી પાછા હટવાનો દૃઢ સંકલ્પ કરવો. આખા દિવસમાં (ન્યાયપૂર્વક તટસ્થ રહીને) થયેલા જે જે પાપ છે તેનું સ્મરણ કરવું, પ્રાયશ્ચિત કરવું, ફરી તેવું નહી કરવાની પરમાત્મા પાસે શક્તિ માંગવી. તીર્થંકરના ગુણોને યાદ કરવા, તેમાંથી એક રજકણ જેટલા પણ ગુણની માંગણી કરવી. ક્ષણે ક્ષણે જાગૃત રહેવું કે હું શું કરી રહ્યો છું? ક્રોધ કરી રહ્યા છો તો ક્રોધને જોવો, ખાઈ રહ્યા છો તો જોવું કે ‘આ શરીર ખાઈ રહ્યું છે’ માયા-છળ-

કપટ આવે તો આત્મા તેને જુએ જોતાં શીખી જાય તો આ બધા ચોર ભાગવા લાગશે. બેહોશીમાં તો આ બધા આવીને જાય છે તોય તોય ખબર નથી પડતી. હોશ પૂર્ણ થઈ જાઓ, જાગૃત બની જાઓ. આત્મા પોતે કર્તા મટીને, ભોક્તા મટીને દ્રષ્ટા બની જાય. પોતાના શરીરને પોતાનો પહેલો પાડોશી સમજીને વર્તતા શીખે તો આત્માનું કલ્યાણ થાય. કોઈ તમારી સાથે સારૂં વર્તન કરે છે કે ખરાબ, સારૂં બોલે છે કે ખરાબ, એ દરેકને નિમિત્ત તરીકે જોઈ પોતાના પૂર્વકૃત કર્મનો જ દોષ છે એમ સમજી...

નિમિત્તને બચકા ન ભરો તો આત્માનું કલ્યાણ થાય. દરેકે દરેક જીવ આપણા જીવ સાથેનો હિસાબ પૂરો કરે છે. તેને સમભાવે સ્વીકારો, કોઈ પ્રતિ ક્રિયા ન કરો તો તેનો ગુણાકાર નહી થાય ને આત્માનું કલ્યાણ થશે.

નિગોદમાંથી નીકળ્યા ત્યારથી આજ સુધી જીવે વેરઝેરને ઈર્ષ્યાના જ સંસ્કાર નાખ્યા છે. તે ઘડી ઘડી માથું ઉચકશે.. ત્યારે આત્માને જ્ઞાનથી ને ધ્યાનથી સમજાવવો. તેમાંથી પાછા હટવું, પ્રતિક્રિયા કરવી નહી... આ એક માનવ જન્મ જ એવો છે કે તેમાં તમે આત્માના ઉર્ધ્વગમન માટે યથાર્થ પુરૂષાર્થ કરી શકશો. બાકી તો અનંતા વર્ષોથી આત્મા રખડયો છે, થોડું ભૌતિકસુખ મળી ગયું તેમાં છકી જવું નહી, કારણ પછી પાછું દુઃખ નથી જ મળવાનું તેની કોઈ ગેરંટી નથી. કરોડો જન્મોથી ‘આ દેહ તેજ હું’ એમ આત્મા દેહ સાથે એકાકાર થઈ ગયો છે. આ એક માનવ જન્મ જ એવો છે જેમાં દેહ અને આત્માને અલગ કરવાનો પુરૂષાર્થ કરી શકાય છે. જેમને 119

 

ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને અશાતાવેદની વેદતા નિર્જરા થાય છે. બીજા હજાર કામ પડતા મૂકીને આત્માને જાણવો-ઓળખવો, અનુભવવો, ધ્યાન દ્વારા આત્મામાં સ્થિર થવું, આ પુરૂષાર્થ થાય તો આત્માનું કલ્યાણ થાય, માનવજન્મ સફળ થાય.

સ. 239 જીનેશ્વર ભગવંત કોને કહેવાય? કેટલા પ્રકારના ને કેવા? સ્વરૂપે હોય? પંચ પરમેષ્ઠિ ભગવંત કોને કહેવાય ?

જ. 239 સકલજિન અને દેશજિન એ બે પ્રકારે જિન છે. જેમણે ઘાતિયા કર્મોનો ક્ષય કર્યો છે તે સકલ જિન કહેવાય છે. તેઓ અરિહંત અને સિદ્ધ છે. જે કેવળી ભગવંતે ચાર ઘાતિયા કર્મનો ક્ષય કર્યો છે તેવા સદેહે વિચારનાર તીર્થંકરને અરિહંત કહેવાય છે. તે નિર્વાણ પામીને સિદ્ધભગવંત થાય છે.

સિદ્ધભગવંતોએ આઠેય કર્મોનો નાશ કરી, જન્મ જરા મરણનો નાશ કરી સિદ્ધક્ષેત્રે સ્થિત છે, તે સિદ્ધ ભગવંત છે. આ અરિહંત અને સિદ્ધ બંને સકલ જિન છે. જેને અંતરમાં આત્મજ્ઞાન સહિત, ત્રણ કષાયોનો અભાવ પરિણમતો હોય, સંપૂર્ણ પરિગ્રહ રહિત હોય, નિર્વિકાર દશા હોય, જેને અંતરંગ શુદ્ધ ભાવલીંગ હોય, જેણે તીવ્ર કષાય, ઈંદ્રિયોને મોહને જીતી લીધો હોય, તેવા આચાર્ય, ઉપાધ્યાયને સાધુ એ ત્રણ દેશજિન કહેવાય.

અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાયને સાધુ એજ પંચ પરમેષ્ઠિ ભગવાન છે. અરિહંત સદેહે વિચરનાર કેવળી સ્વરૂપમાં છે. સિદ્ધ ભગવંતો સિદ્ધક્ષેત્ર પર સ્થિત છે. આચાર્ય, ઉપાધ્યાયને સાધુ રત્નત્રયીની આરાધના કરતાં થકાં સદેહે વિહરમાન સ્વરૂપે છે.

સ. 240 દેવ-દેવી કોને કહેવાય? તેમની પૂજા થાય કે નહિ?

જ. 240 આ સંસારમાં આપણો આત્મા મુખ્યત્વે ચારગતિમાં ભ્રમણ કરી રહ્યો છે.

મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારક. જેમ આપણે અત્યારે મનુષ્ય ગતિમાં છીએ તેમ દેવ-દેવી પણ એક ગતિ છે. દેવોનું વૈક્રિય શરીર હોવાથી આપણે એમને જોઈ શકતા નથી. દરેક પ્રકારના દેવદેવી વિષે આ પુસ્તકમાં ઘણું ઉંડાણથી સમજાવેલું છે. ચોવીસે તિર્થંકરના અધિષ્ઠાયક દેવ-દેવી હોય છે. સંતિકરં, તિજ્યપહુત્ત, મોટી શાંતિ વગેરે સ્તોત્રમાં દેવ-

દેવીઓનું રક્ષણ માંગેલું છે. દેવ-દેવીઓની પૂજા થાય કે નહિ, તે બાબત ઘણા મત મતાંતર છે. છતાં હું મારી સમજ પ્રમાણે કહું છું.

(1) કોઈપણ પ્રકારની ભૌતિક સુખની ઈચ્છાથી કે સાંસારિક ભાવનાથી 120

 

દેવ-દેવીની પૂજા કરો તો મિથ્યાત્વ લાગે.

(2) દેવ-દેવી બે પ્રકારના છે. સમકિ્તિ અને મિથ્યાત્વી. મિથ્યાત્વી દેવની તો પૂજા થાય જ નહિ. કેમકે તે પોતે જ મિથ્યાત્વી છે તો તે તમને શું આપી શકશે? (3) મિથ્યાત્વી દેવો પણ આપણી જેમ રાગીને દ્વેષી છે. જો એમને આપણા પર કોઈપણ કારણસર દ્વેષ આવ્યો તો આપણને તકલીફ કરી શકે છે. ધર્મ માર્ગમાં આગળ વધવા માટે રૂકાવટ પણ કરી શકે છે. એટલે જ તો કહેવત પડી છે કે ‘દેવને દૂરથી નમસ્કાર સારા’

(4) જે સમકિતિ દેવ-દેવી છે તેના રાગ દ્વેષ પાતળા પડી ગયા છે. તે શાસનની રક્ષા કરવાવાળા છે. જો આપણને એવી કોઈ તકલીફ હોય કે

જેના કારણે આપણે ધર્મમાં આપણી શક્તિ ફોરવી ન શકતાં હોય તો અથવા તો બીજી રીતે કહીએ તો - પરમ સત્‌ રીબાતું હોય તો સમકિતિ દેવ-દેવી જરૂર મદદ કરે છે.

(5) સમકિતિ દેવ-દેવીને પૂજતાં પહેલા ખૂબજ સમજ હોવી જરૂરી છે.

‘વિતરાગ પરમાત્મા જેમણે કેવળજ્ઞાન મેળવી લીધું છે. તેજ આપણા માટે સર્વસ્વ છે, તેજ આપણને મોક્ષ મર્ગ બતાવીને ગયા છે. પરંતુ અત્યારે તેઓ સિદ્ધ અવસ્થામાં છે. નિરંજન નિરાકાર છે. અત્યારે કોઈ વિચરંતા તીર્થંકર ભરતક્ષેત્રમાં નથી. માટે હે સમકિતિ દેવો! અમને મોક્ષ માર્ગ બતાવવામાં સહાય કરો’ એ ભાવનાથી સમકિતિ દેવ-દેવીને પૂજી શકાય.

બાકી ઘણા તો દેવ-દેવીને જ સર્વસ્વ માનતા હોય છે, તો તે મિથ્યાત્વ છે.

(6) સમકિતિ દેવ-દેવી પોતે જ તિર્થંકરને સર્વસ્વ માને છે. તેઓ પોતેજ તેમની પૂજા ભક્તિ કરે છે... તો તમે દેવદેવીને સર્વસ્વ કેવી રીતે માની શકો? અને માનશો તો શું એ સમાભાવી દેવ-દેવીઓને ગમશે? તમારા બાપની અવગણના કરીને કોઈ તમારા પગ પૂજશે તો તમને ગમશે? તમે તમારા હૃદયમાં તીર્થંકર કરતાં દેવદેવીને ઉંચુ સ્થાન આપશો તો તે એમને ગમશે? શું એ તમારો અવિનય નથી? ધર્મ તો વિનયથી શોભે છે. હા...

આપણો અને સમકિતિ દેવદેવીઓનો બાપ એક જ છે (તિર્થંકર). માટે એ આપણા સાધર્મિક થયા - આપણા વડિલ, આપણા મા-બાપ થયા. જેમ આપણા વડિલોનું આપણે માર્ગદર્શન લઈએ છીએ તેમ તેમનું માર્ગદર્શન લેવાનું છે. જેમ મા-બાપ આપણી સંભાળ રાખે છે તેમ એ પણ આપણી સંભાળ રાખે છે. આપણને મોક્ષ માર્ગ બતાવે છે. સમ્યકત્વની પ્રાપ્તિ કરવામાં મદદ કરી શકે છે. મોક્ષમાર્ગમાં આગળ વધી શકીએ તે માટે 121

 

સંજોગોને અનુકૂળ બનાવી શકે છે. એ ભાવનાથી પૂજીએ તો વાંધો નથી.

પરંતુ એમની સહાયથી સાંસારિક તકલીફ દૂર કરીને તમે સંસારમાં મોજમજામાં ડૂબી જાવ તો એ ભયંકર ખોટું છે.

(7) પૂજા-આરતી વગેરે પહેલા જીનેશ્વર ભગવંતની જ થાય, પછી જ દેવદેવીની થાય.

(8) જે કેસરથી દેવદેવીની પૂજા કરી હોય, તેજ કેસરથી વીતરાગ દેવની પૂજા ન કરાય. જો કરો તો આપણો અવિનય ગણાય.

(9) જે આંગળીથી ભગવંતની પૂજા કરો તે આંગળીથી દેવદેવીની પૂજા ન થાય. અંગૂઠાની બાજુની આંગળીથી પૂજા કરવી. દેવ-દેવીની નવ અંગે પૂજા કરાય નહિ.

(10) તમને કોઈ કહે કે માનવોની પૂજા થાય કે નહી? તેને તમે શું કહેશો? બધા માનવોની પૂજા ન થાય. પરંતુ આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ પદમાં રહેલા માનવોની પૂજા થાય. બસ... દેવદેવી માટે પણ એમજ સમજવું. બધા દેવદેવી-મિથ્યાત્વી દેવ-દેવીની પૂજા ન થાય. જે સમકિતિ છે, અધિષ્ઠાયક છે. શાસન દેવ દેવી છે. તેમની પૂજા થાય. સાંસારિક સુખની માંગણી ન થાય. પરંતુ ધર્મમાર્ગમાં આગળ વધવા માટે વચ્ચે કોઈ અડચણ નડતી હોય ને સહન શક્તિ ખૂટી ગઈ હોય, પરિણામે આર્તધ્યાન થતું હોય તો માર્ગદર્શન લઈ શકાય પરંતુ સર્વોચ્ચ તો મારા અરિહંત-સિદ્ધ ભગવંત જ છે તે ભાવના જડબેસલાક બેઠેલી હોવી જોઈએ.

સ. 241 શ્રાવક પણું કોને કહેવાય?

જ. 241 જેના કષાય પાતળા પડયા હોય, સંતોષ આવ્યો હોય, માંહીથી ગુણ આવ્યા હોય, સાચો સંગ મળ્યો હોય, તે શ્રાવક કહેવાય. જે દારૂ, માંસ, મધનું સેવન કરતા હોય, સાત વ્યસનોનો ત્યાગ ન હોય, અભક્ષ્યને અનંતકાયનું ભક્ષણ કરતાં હોય, તે નામમાત્રનો પણ શ્રાવક નથી. જે નવતત્વ, વીતરાગ દર્શનના વિચારો સાંભળી ભણી યાદ રાખે પણ એક નાનું પણ વ્રત અંગિકાર કરે નહિ તે ફક્ત શ્રુત શ્રાવક છે. જે નિશ્ચય કરી નાનામાં નાનું વ્રત નવકારશીથી વધતાં સ્થૂલ અહિંસા, સત્ય વગેરે ગુણવ્રત, શિક્ષાવ્રતને લાયક થાય તે વ્રત શ્રાવક છે. પાંચમા ગુણસ્થાન વર્તી શ્રાવકને અનંતાનુબંધી અને અપ્રત્યાખાની ક્રોધ, માન, માયા, લોભ થતાં જ નથી. સર્વાર્થ સિદ્ધના દેવ કરતાં પાંચમાં ગુણસ્થાનવર્તી શ્રાવકનાં (ભલે તે તિર્યંચ ગતિમાં હોય તો પણ) પરિણામ વધુ ઉજ્જવળ છે.

122

 

સ. 242 આવા તિર્યંચ શ્રાવકો કયાં છે?

જ. 242 છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રમાં કર્મભૂમી જેવી રચના છે, એટલે ત્યાં ઉપજેલા જીવોમાં તિર્યંચોને પંચમ ગુણ સ્થાનનું શ્રાવક પણું હોઈ શકે છે.

સ્વયંભૂરમણ સમુદ્રમાં તિર્યંચોના ઉત્કૃષ્ટ શરીર ચાર હજાર જોજનનાં હોય છે. મનુષ્યોનું ગમન અઢીદ્વીપની બહાર હોતું નથી. પરંતુ અઢીદ્વીપની બહાર અસંખ્યાતા સમ્યક્‌દૃષ્ટિ શ્રાવક છે. તેમાં મગરમચ્છ, વાંદરા, હાથી, વાઘ, સિંહ આદિ અસંખ્ય જીવ સમ્યક્‌દૃષ્ટિ છે. અસંખ્યાતા મિથ્યાદૃષ્ટિ વચ્ચે એક સમ્યક્‌દૃષ્ટિ છતાં એવા સમ્યકદૃષ્ટિ વ્રતી શ્રાવક અસંખ્યાતા છે.

પંચમગુણવર્તી તિર્યંચને પણ શ્રાવક કહેવાય છે. મનુષ્ય કરતાં તિર્યંચોમાં ઝાઝા શ્રાવકો છે. સ્વયંભૂરમણ સમુદ્રના તળિયે રેતી નથી હોતી પણ મણિરત્ન હોય છે. તિર્યંચ પણ સમકિતિ ને વ્રતી થઈ ગયા પછી, માંસનો આહાર કરતાં નથી. નિર્દોષ આહાર જ લે છે.

સ. 243 કેટલી પ્રકારના પ્રાણીઓ છે? કેટલી ઈંદ્રિયવાળા સ્થાવર જીવો કહેવાય?

જ. 243 પ્રાણીઓ બે પ્રકારના છે. એક ત્રસ પ્રકારના એટલે કે હાલવા ચાલવાની શક્તિવાળા. બીજા સ્થાવર ઃ જે જગ્યાએ દેહ ધારણ કર્યો હોય તે સ્થળે સ્થિતિમાન. જો કે સ્થાવર અને ત્રસમાં ચાલી શકે ને ન ચાલી શકે. એ અપેક્ષાથી અંતર બતાવવું ઠીક નથી. કારણકે તેમ કરવાથી ગમન વિનાના અયોગી કેવળીમાં સ્થાવરનું લક્ષણ અને અલ્પ યોગવાળા અગ્નિકાયને વાયુકાયમાં ત્રસનું લક્ષણ મળવાથી અતિવ્યાપ્તિ દોષ આવે છે. ખરેખર આ બે માં જે અંતર છે એ કે ત્રસોને ત્રસનામકર્મનો ઉદય હોય છે અને સ્થાવરોને સ્થાવરનામકર્મનો ઉદય હોય છે. એકેન્દ્રિય પ્રાણીઓ સ્થાવર કહેવાય અને બે ઈંદ્રિયથી પાંચ ઈંદ્રિયવાળા પ્રાણીત્રસ કહેવાય.

સ. 244 એકેન્દ્રિય જરા ઉંડાણથી સમજાવો.

જ. 244 એકેન્દ્રિય ઃ જેને ફક્ત સ્પર્શ ઈંદ્રિયના વિષયનું જ્ઞાન છે તે એકેન્દ્રિય જીવો છે. તેના પાંચ ભેદ છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને વનસ્પતિ.

વનસ્પતિના બે ભેદ છે. આખા ઝાડમાં એકજીવ હોય, અથવા એક પાનમાં એક જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિકાય અને એકપાન વગેરેમાં અનંત જીવો સાથે હોય તે સાધારણ વનસ્પતિકાય છે. નિગોદના જીવ પણ વનસ્પતિકાય એકેન્દ્રિય જીવો છે. એકેન્દ્રિય જીવોને મોહનું પ્રબળપણું છે.

એ પાંચેય પ્રકારનો જીવ સમૂહ મનપરિણામથી રહિત છે. એકેન્દ્રિય જીવને પણ અનુકૂળ સ્પર્શાદિની પ્રિયતા અવ્યક્ત પણે છે, તે મૈથુનસંજ્ઞા છે.

એકેન્દ્રિય જીવને દેહ અને દેહના નિર્વાહ આદિ સાધનમાં ‘પરિગ્રહ સંજ્ઞા’

અવ્યક્ત મૂર્ચ્છારૂપે છે. વનસ્પતિ એકેન્દ્રિય જીવમાં આ સંજ્ઞા કંઈક વિશેષ વ્યક્ત છે.

સ. 245 બે ઈન્દ્રિયથી પંચેન્દ્રિય જીવો ઉદાહરણ સાથે સમજાવો.

જ. 245 બે ઈંદ્રિય ઃ જેને સ્પર્શ અને રસ (જીભ અને ચામડી) બે વિષયનું જ્ઞાન છે તે બે ઈંદ્રિય જીવ કહેવાય. શંખ, છીપ, કૃમિ, કરમીયા, કીડા, ગાડર, ગંડોલા, ઈયળ, પોરા, અળશીયાં, વાળાજળો, વિચલિત રસવાળા અથાણામાં બે ઈંદ્રિય જીવો છે.

તેઈંદ્રિય ઃ જેને સ્પર્શ, રસ અને ગંધ એટલે કે જીભ, ચામડી ને નાક એ ત્રણ ઈંદ્રિયનું જ્ઞાન છે તે ત્રણ ઈંદ્રિયવાળા જીવો છે. જૂ, માકડ, કીડી, વીંછી, ઉધેહી, મંકોડા, ચાંચડ, કુંથુઆ, કાનખજૂરા, ધનેરા વગેરે તેઈંદ્રિય જીવો કહેવાય.

ચૌરેન્દ્રિય ઃ જેને રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એટલે કે જીભ, ચામડી, આંખ, નાક એ ચાર ઈંદ્રિયોનું જ્ઞાન છે તે ચૌરિન્દ્રિય જીવો છે. ડાંસ, મચ્છર, માખી, ભમરી, ભમરા, પતંગિયા, કંસારી, ઢીંકણ, વીંછુ, તીડ, બગ, ખડમાંકડી વગેરે ચૌરિન્દ્રિય જીવો કહેવાય.

પંચેન્દ્રિય ઃ જેને રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ (જીભ, ચામડી, આંખ, નાક કાન) એ પાંચ ઈંદ્રિયોનું જ્ઞાન છે તે પંચેન્દ્રિય જીવો છે. દેવ, મનુષ્ય, નારક, તિર્યંચ-પંચેન્દ્રિય જેવા કે પશુ-પક્ષી, માછલી વગેરે પંચેન્દ્રિય જીવો છે. તેમાં પણ બે ભેદ છે. જે પંચેન્દ્રિયને મન છે તે સંજ્ઞી પંચેન્દ્રિય અને જેને મન નથી તે અસંજ્ઞીપંચેન્દ્રિય છે.

સ. 246 ઈંડુ શું છે? શું શાકાહારી ઈંડા હોઈ શકે ?

જ. 246 તે ત્રસ પંચેન્દ્રિય જીવ છે. તેનો ખોરાક તે માંસાહર જ છે.જે પોલ્ટ્રીફાર્મમાં ફક્ત મરઘીઓ જ હોય અને એકપણ મરઘો ન હોય તો તે વાડામાં ઉત્પન્ન થતાં ઈંડાને શાકાહારી ઈંડા કહેવામાં આવે છે. પણ તે સાચું નથી. પ્રત્યેક ઈંડામાં જીવ હોય છે. માટે કોઈપણ પ્રકારનું ઈંડુ શાકાહારી હોઈ શકે જ નહિ. વળી ઈંડાને ફોડતાં તરત જ તેમાં બીજા બે ઈંદ્રિય જીવો અસંખ્યાતા ઉત્પન્ન થઈ જાય છે. માટે ઈંડુ એટલે જ માંસાહાર તે ખવાય જ નહિ.

124

 

સ. 247 પૃથ્વી, પાણી, તેઉ, વાયુ, વનસ્પતિ એ પાંચ એકેન્દ્રિય સ્થાવર જીવોમાં સૌથી સૂક્ષ્મ કોણ?

જ. 247 પાંચેયમાં વનસ્પતિ કાય સૌથી સૂક્ષ્મ છે. બાકી નાચારમાં વાયુકાય સૌથી સૂક્ષ્મ. બાકીના ત્રણમાં અગ્નિકાય સૌથી સૂક્ષ્મ બાકીના બેમાં અપકાયના જીવો પૃથ્વીકાયના જીવો કરતાં સૂક્ષ્મ છે.

સ. 248 કેવી પ્રવૃત્તિ કરવાથી જીવો નરક કે તિર્યંચ ગતિમાં જાય છે?

જ. 248 જીવો ઘણી હિંસા કરે, બહુજ પરિગ્રહ વધારે, તૃષ્ણા રાખે, ત્રસ જીવોનો માંસાહાર કરે, પંચેન્દ્રિય જીવોનો નાશ કરે, રૌદ્ર ધ્યાન ધ્યાવે તો જીવ નરકમાં જાય. જીવો માયા-કપટ કરે, જૂઠું બોલે, ખોટા તોલ-માપ રાખે, આર્તધ્યાન કરે તેવા જીવો તિર્યંચમાં જાય.

સ. 249 દેવગતિ કે મનુષ્ય ગતિમાં શું કરવાથી જાય ?

જ. 249 જેઓ પ્રકૃતિના ભદ્રિક હોય, વિનયી અને નમ્ર હોય, જેનામાં અનુકંપા ને દયા હોય, જેઓ અભિમાનીને ગર્વિષ્ઠ ન હોય તેઓ મનુષ્ય ગતિનું આયુષ્ય બાંધે. જે જીવો સંયમ પાળે છે પરંતુ રાગ-મોહ છે, જેઓ ગૃહસ્થ છે પણ શ્રાવક વ્રત પાળે છે, જેઓ અજ્ઞાન પણ બાલ તપશ્ચર્યા અગાધ કરણી કરે છે અને સહે છે, જેઓ નિર્જરાને જાણતા નથી પણ પરવશપણે ભૂખ, તરસ, ઠંડી, ગરમી વગેરે સહન કરે છે તેઓ દેવગતિમાં જાય છે.

સ. 250 મનુષ્યના મુખ્ય બે ભેદ કયા?

જ. 250 મનુષ્યના મુખ્ય બે ભેદ, ગર્ભજ અને સમૂર્ચ્છિમ. ગર્ભજના પાછા બે ભેદ -

પર્યાપ્તાને અપર્યાપ્તા. 15 કર્મભૂમિના મનુષ્યો + 30 અકર્મભૂમિના + 56 અંતરદ્વીપવાસી એમ 101 પ્રકારના ગર્ભજ મનુષ્ય થયા. તેમાં 101

 

પ્રકારના પર્યાપ્તાને 101 પ્રકારના અપર્યાપ્તા એમ ગણતાં 202

 

પ્રકારના ગર્ભજ મનુષ્ય થયા. હવે 101 પ્રકારના ગર્ભજ મનુષ્યમાંથી નીકળતા મળમૂત્ર, લીંટ, બળખા, ઉલટી, પિત્ત, પરૂ, લોહી, લાળ, વિર્ય, મરેલા માણસનું કલેવર વગેરે ચૌદ પ્રકારની વસ્તુમાં જે જીવ ઉપજે છે તેને સંમૂર્ચ્છિમ મનુષ્ય કહે છે તે અપર્યાપ્તા જ મરે છે. તેને મન સિવાયની પાંચેય પર્યાપ્તિ હોય છે. સમૂર્ચ્છિમ મનુષ્યના 101 ભેદ થાય છે.

સંમૂર્ચ્છિમ મનુષ્ય વિષે જાણ્યા પછી એંઠી થાળીમાં કેટલા સંમૂર્ચ્છિમ મનુષ્ય જન્મે ને મરે તે સમજી શકાય છે. માટે એંઠુ નહિ મુકવામાંને થાળી ધોઈને પીવામાં કેટકેટલી હિંસામાંથી બચી જવાય તે સમજ હોવી જરૂરી છે.

આજની આપણી જીવનશૈલી એવી છે કે મળમૂત્ર-લીંટ વગેરે સીધું ગટરમાં જ જાય છે ને સંમૂર્ચ્છિમ મનુષ્યની ઉત્પત્તિની પરંપરા ચાલુ રહે છે. તે પણ છૂટામાં સુકાઈ જાય તો સારૂં. જેટલું પણ શક્ય હોય તેટલું આચરવું જોઈએ ને જે નજ આચરી શકાય તેમ હોય તેના માટે હૃદયમાં દુઃખ હોવું જોઈએ. પણ દુઃખ ત્યારે થશે જ્યારે સાચી વસ્તુ જાણશો માટે જ્ઞાન મેળવવું ખૂબ જરૂરી છે.

સ. 251 પર્યાપ્તાને અપર્યાપ્તા જીવ કોને કહે છે?

જ. 251 જ્યારે કોઈજીવ કોઈ યોનિમાં પહોંચે છે ત્યારે ત્યાં જે પુદ્‌ગલોને ગ્રહણ કરે છે તેમાં આહાર, શરીર, ઈંદ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન બનાવવાની શક્તિ અડતાલીસ મિનિટની અંદર થઈ જાય છે. તેને પર્યાપ્ત કહે છે. આ છ પર્યાપ્તમાંથી પહેલી ત્રણ પર્યાપ્તિ બધાજ જીવ બાંધે છે.

બાકીની પર્યાપ્તિમાંથી જે ગતિમાં શરીર બનાવવા માટે જેટલી બાંધવાની હોય તેટલી પૂરેપૂરી ન બંધાઈ રહે ત્યાં સુધી અપર્યાપ્તો કહેવાય. ને જેટલી બાંધવાની છે તેટલી બાંધી લે ત્યારે પર્યાપ્તો કહેવાય. જ્યાં સુધી શરીર બનાવવાની શક્તિ પૂર્ણ થઈ શકતી નથી ત્યાં સુધી તે જીવ નિવૃત્ત્યપર્યાપ્ત કહે છે અને જે જીવ પર્યાપ્તિ પૂર્ણ કરી શકતા નથી અને તરત જ મરી જાય છે તેને લબ્ધ પર્યાપ્ત કહે છે.

સ. 252 મનુષ્યપણું મોંઘું કેમ કહ્યું છે? આવું મોંધું મનુષ્યપણું પામીને શું કરવું?

જ. 252 કોઈનો પણ જીવ ફક્ત બે હજાર સાગરોપમ વર્ષ માટે નિગોદમાંથી બાહર નીકળે છે. તેમાંય તે સમયગાળા દરમ્યાન વધુમાં વધુ 48 ભવ મનુષ્યના મળે છે. તેમાં જો અકર્મભૂમિમાં મનુષ્ય તરીકે ઉત્પન્ન થયા હોઈએ તો ત્યાં કાંઈ ધર્મ હોતો નથી. એટલે તેમાં જેટલા પણ મનુષ્યના ભવ મળ્યા હશે તે અધ્યાત્મિક દૃષ્ટિ એ નકામા ગયા. વળી કર્મભૂમિમાં પણ છ એ છ આરામાં અમૂકજ સમય એવો છે કે જે સમય દરમ્યાન ધર્મકરણી છે. બાકીના સમયમાં કેટલા પણ મનુષ્યભવ મળ્યા હશે તો તે પણ આધ્યાત્મિક દૃષ્ટિએ નિષ્ફળ ગયા. હવે સમજી લો કે કર્મભૂમિ પણ છે અને સમયગાળો પણ ધર્મકરણીનો છે. પરંતુ આપણો જીવ ધર્મપામી શકે તેવી પરિસ્થિતિ પામ્યો કે નહિ? જન્મતાંજ મૃત્યુ થઈ ગયુ? ગર્ભમાંજ મૃત્યુ થયું? સમૂર્ચ્છિમ 126

 

મનુષ્ય તરીકે જન્મીને મર્યા? અપર્યાપ્તા મર્યા? એવી કુળ-જાતિ મળી કે

કેવલી ભગવાનનો ધર્મ જ ન મળ્યો? કોને ખબર છે શું થયું? 48

 

ભવમાંથી આવા કેટલા ભવ ચાલ્યા ગયા ને કેટલા બાકી છે તેની પણ કોને ખબર છે? વળી દેવ-નારકી કે તિર્યંચમાં તો જીવનો આધ્યાત્મિક વિકાસ શક્ય જ નથી. તો હવે સમજાય છે કે આ ભવમાં ધર્મ કરવા યોગ્ય બધાજ સંજોગોને સમજણ પ્રાપ્ત થઈ છે તો આ માનવજન્મ કેટલો મોંઘો છે? આવું મોંઘુ મનુષ્યપણું પામીને બીજા હજાર કામ પડતાં મૂકીને આત્માને ઓળખવો. કોઈ એમ કહે કે આત્મહિત માટે સમય નથી તો સમજવું કે

એને એનો આત્મા વહાલો નથી એને એના આત્માના હિતની દરકાર નથી.

જે જીવ ખાવા, પીવા, કમાવા આદિ અનેક કાર્યોમાં પુરૂષાર્થ કરે છે અને ધર્મની વાતમાં ભાવિ, હોનહાર, નસીબ કહીને સ્વભાવ સન્મુખ થવાનો પુરૂષાર્થ કરતો નથી તે મોંઘેરા માનવ જન્મની કિંમત સમજતો નથી.

સ. 253 પંચાશક ગ્રંથમાં કહ્યું છે કે, ‘જત્થ આસત્તિ તત્થ ઉત્પત્તિ’ આ વાક્ય ઉદા. સાથે સમજાવો.

જ. 253 જેમાં આશક્ત થયા તેમાં ઉત્પન્ન થવું પડે. રાણીના લાંબાલચક વાળમાં આશક્ત બનનાર રાજા મરીને તેજ વાળમાં જૂ તરીકે ઉત્પન્ન થયો. બોરમાં આશક્ત બનનાર અનસની શ્રાવક તેજ બોરમાં કીડા તરીકે ઉત્પન્ન થયો.

રૂપિયાની નોટોમાં આશક્ત બનનારને તેજ નોટોની થપ્પીમાં ઉધઈ તરીકે

કદાચ ઉત્પન્ન થવું પડે. ખાઉં ખાઉં કરનારો કદાચ વિષ્ઠા ખાનારો ભૂંડ બને.

માટે સદ્‌ગુરૂ કહે છે કે એક વખત વસ્તુ નહી છૂટે તો ચાલશે પણ એમાં આશક્તિ - મોહતો ન જ જોઈએ. મોહનીય કર્મ ઉત્કૃષ્ટ સિત્તેર ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિવાળું છે. હવે વિચાર કરો, ત્રસપણું આપણને મળે છે. બે હજાર સાગરોપમ માટે, મોહનીય કર્મ ઉત્કૃષ્ટે 70 ક્રોડાક્રોડી સાગરોપમનું, જો એને નહી તોડતા જાવ તો બાકીનું એકેન્દ્રિયમાં જઈને ભોગવવું પડશે. છે તૈયારી આટલા વર્ષો સુધી ત્યાં પડયા રહેવાની? માટે જ મનથી અળગા થઈ જાવ. ‘આ બહુ સારૂ, આ બહુ ખરાબ. આ બહુ ગમ્યુ... આ બહુ ના ગમ્યુ.’ બધુ જેટલું છોડતા જશો ને માધ્યસ્થ ભાવ લાવતા જશો એટલા રાગ દ્વેષ ઓછા થશે. ને આશક્તિ ઘટશે તો મોહનીય કર્મ તૂટતું જશે. ઘોડિયામાં બાળકને ઝુલાવતી માતા પોતાના તાજા જન્મેલા બાળકને કહી રહી છે. ‘હે બાળક, આ ઘોડિયું પણ તું જ છે, આ ખોયુ પણ તું જ છે. આ ઘૂઘરો પણ તું જ છે. શું આ જાણ્યા પછી તને ફરી ફરી જનમ લેવાનું મન થશે? માટે આ માનવ જન્મનો ઉપયોગ અજન્મા બનવા માટે કરજે.’ કેટલો વૈરાગ્ય ગર્ભિત સંદેશ છે આ ! મા કહે છે, ‘હે બાળક આ ઘોડિયું લાકડાનું બન્યુ છે, કદાચ કોઈ જન્મમાં તારો જીવ વૃક્ષ રૂપે હશે. તારૂંજ થડ કપાઈને કદાચ આ ઘોડિયું બન્યું હશે. કદાચ કોઈ જન્મમાં તું કપાસનું વૃક્ષ હોઈશ. તારાજ કપાસમાંથી કદાચ આ ખોયું બન્યું હશે. હે બાળક ! તારો જીવ પૃથ્વીકાયમાં હશે. તારાજ ચાંદીના કલેવરમાંથી આ ઘૂઘરો બન્યો હશે. હવે આ સમજ મળ્યા પછી આ ભૌતિકમાં તું લપેટાઈશ નહિ. નહી તો પાછો ત્યાંજ પહોંચી જઈશ. આ જન્મનો ઉપયોગ એવો કરજે કે આ ચાર ગતિના ચક્કરમાંથી છૂટીને તું મોક્ષમાં પહોંચી જાય. જ્યાંથી ફરી જન્મ લેવો જ ન પડે. કરોડોના કરોડો વર્ષ સુધી એકેન્દ્રિયમાં પડયા હતા. માંડ મહેતન કરી કરીને અહીં મનુષ્યભવ સુધી પહોંચ્યા. પરમ ઉપકારી પરમાત્મા આપણને ચેતવે છે કે

ભાઈ સાંભળ... શેમાં પણ આશક્ત નહી બનતો... છતાંય આપણે ન ચેતીએ તો વાંક કોનો?

સ. 254 એકેન્દ્રિયમાંથી બહાર કેવી રીતના આવ્યા?

જ. 254 ભૂખ-દુઃખ-ટાઢ-તડકો-તરસ બધું જ દુઃખ સહન કરતાં જ ગયા, કરતાં જ ગયા... એ પણ અકળાયા વગર... આમ અકામ નિર્જરા કરતાં કરતાં અહીં સુધી પહોંચ્યા. જે રસ્તો નિગોદમાંથી અહીં સુધી પહોંચવાનો છે. ‘સમતા ભાવે સહેવુ’ એજ રસ્તો અહીંથી મોક્ષ સુધી પહોંચવાનો છે. છતી શક્તિ એ પ્રતિકાર કર્યા વગર સહેવું ‘મધ્યસ્થ ભાવે રહેવું’ જે કાંઈ દુઃખ આવી પડે છે, અણગમતું મળે છે, અણગમતી વ્યક્તિ હોય કે વસ્તુ કે શારીરિક દુઃખ હોય... હૃદયમાં ક્લેશ નહિ કરો. અકળાયા વગર સમતા ભાવમાં રહેવાનો પ્રયત્ન કરો. અણગમતી વ્યક્તિ કે વસ્તુને નિમિત્ત તરીકે જુઓ. દોષિત તરીકે નહીં... ‘મારે સહન કરવું પડે છે તો દોષ તો મારો જ છે, ભલે આ જન્મનો નહિ હોય તો કોઈ પૂર્વ જન્મનો હશે... પૂર્વ જન્મમાં દ્વેષનું બીજ મેં જ વાવ્યું હશે... એ આજે વૃક્ષ બનીને મને કડવાં ફળ આપી રહ્યું છે... એમાં વૃક્ષનો શું વાક? વાંક તો બીજ વાવનારનો જ છે.’ આવી ભાવના મનમાં દૃઢ કરી સમતામાં સ્થાપિત થવાથી કર્મ ખપશે ને ઉપર જવાનો માર્ગ તૈયાર થશે. સુખના સમયે પણ આનંદમાં - રાગમાં ખેંચાઈ ન જતાં... મધ્યસ્થ ભાવે રહેવું જેથી સકામ નિર્જરા થશે. જો દૃઢ પ્રહારી નામનો ડાકૂ, એક ઝાટકે બે કટકા કરનારો બ્રાહ્મણ, ગાય, સ્ત્રી અને ગર્ભની એક સાથે ચાર 128

 

હત્યા કરનારો, જો અકળાયા વગર સ્વેચ્છાએ દુઃખ સહન કરીને એજ ભવમાં મોક્ષસુધી પહોંચી જાય તો આપણે કેમ નહી? ફરક ફક્ત એટલો જ છે કે એકેન્દ્રિય વગેરે ભવમાં અનિચ્છાએ દુઃખ સહન કર્યું. આ માનવ ભવમાં સમજણ સાથે ઈચ્છાપૂર્વક સહન કરવાનું છે તો ફટાફટ સીડીઓ ચડી જવાશે.

સ. 255 આપણે સાચા હોઈએ તો અન્યાય કેમ સહન થાય?

જ. 255 એમ કહેવાવાળાને માટે કહેવું છે કે તમે સવારથી સાંજ સુધીમાં કેટલાય જીવોને કેટલોય અન્યાય કરો છો? ને પાછા ન્યાય લેવા નીકળ્યા છો? વિચાર તો કરો... કેટલાય એકેન્દ્રિય જીવોને રહેંસી નાખો છો, કચડી નાખો છો, કાપી નાખો છો, આખાને આખા પતાવી દો છો - ઠંડે કલેજે..

ને તમને જરાક આમથી આમ થયું તો ન્યાય લેવા નીકળો છો? ભૂલી જાવ કે તમે નિર્દોષ છો. એ ભ્રમમાંથી બહાર નીકળી જાવ કે હું કોઈને દુઃખ કે

તકલીફ નથી આપતો. એક બાજુ સવારથી સાંજ સુધીમાં બીજા કોઈ જીવે તમને કેટલું દુઃખ આપ્યુ તેનું લિસ્ટ તૈયાર કરો, ને તમે કેટલા જીવોને રહેંસી નાખ્યા, કેટલા જીવોને તમારી વાણી અને વર્તન દ્વારા દુઃખ પહોંચાડયું તે તટસ્થ ભાવે લિસ્ટ તૈયાર કરો તો ખબર પડશે કે ન્યાય માંગવા નીકળેલા તમે બીજા જીવોને કેટલો અન્યાય કર્યો છે... ને કુદરતની કોર્ટમાં એનો કેસ ચાલશે ત્યારે શું પરિણામ આવશે.

સ. 256 આત્મા અરૂપી છે તો આત્માનું જ્ઞાન કેમ થઈ શકે?

જ. 256 આત્મા અરૂપી છે. એટલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત વસ્તુ છે, કાંઈ અવસ્તુ નથી. માટે તે જાણી અને અનુભવી શકાય તેવો છે. જો જીવ યથાર્થ પ્રયત્ન કરે તો આત્માનું જ્ઞાન અવશ્ય થાય. ને અનુભવવામાં આવે તે જ્ઞાન અને અનુભવને સમ્યક્‌દર્શન થયું કહેવાય.

સ. 257 આત્મ પ્રદેશ એટલે શું? આત્મામાં રૂચક પ્રદેશ એટલે શું? તે કેટલા?

જ. 257 આત્માના નાનામાં નાના, નાનામાં નાના હિસ્સાને આત્મપ્રદેશ કહેવાય.

શરીરમાં રહેલા અસંખ્યાત પ્રદેશી આત્મામાં આઠ જ પ્રદેશ એવા છે કે જેને કર્મવળગણા નથી. આને રૂચક પ્રદેશ કહેવાય. સામાન્ય રીતે સ્થૂલનયથી એ આઠ પ્રદેશ નાભીના કહેવાય. આ આઠ રૂચક પ્રદેશો પોતાનું સ્થાન 129

 

બદલતા નથી. સૂક્ષ્મપણે ત્યાં અસંખ્યાતા પ્રદેશ કહેવાય. સ્થૂળપણે આ આઠ પ્રદેશ કર્મરહિત જ રહે છે. આ આઠ પ્રદેશ એટલા શુદ્ધ છે જેટલા સિદ્ધાત્માના હોય. દરેકે દરેક સજીવમાં રહેલા આ શુદ્ધાત્માને પ્રણામ કરી તેનું બહુમાન કરવું.

સ. 258 જીવના કેટલા ભેદ? ચાર ગતિમાં ભમતા જીવોના પ્રકાર કહો.

જ. 258 જીવના બે ભેદ ‘સિદ્ધ અને સંસારી. સંસારી જીવોના પાછા બે ભેદ’ ભવ્ય અને અભવ્ય. ભેદ દૃષ્ટિએ આત્મા 563 પ્રકારે છે. જેમકે 303 ભેદ મનુષ્યના, 198 ભેદ દેવતાના, 48 ભેદ તિર્યંચના, 14 ભેદ નારકીના કુલ 563 પ્રકાર છે. પરંતુ અભેદ દૃષ્ટિથી આત્મામાં કોઈ ભેદ જ નથી. તે શુદ્ધ જ છે.

સ. 259 આત્મા કોણે અનુભવ્યો કહેવાય?

જ. 259 તલવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જુદી માલૂમ પડે છે, તેમ દેહથી આત્મા સ્પષ્ટ જુદો બતાવે તેણે આત્મા અનુભવ્યો કહેવાય. આત્મા જાણ્યો હોય પછી એક પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની ભ્રાંતિ થાય નહિ. હર્ષ-

શોક આદિ પ્રસંગમાં એકાકાર થાય નહિ. રાજ્ય મળે આનંદ થાય તો તે અજ્ઞાન. અજ્ઞાન ઉભું થાય કે તરત દાબી દે. ખૂબ જ જાગૃતિ હોય. જ્ઞાનીની દશા ખૂબજ અદ્‌ભૂત છે. અંતરમાં પોતાના આત્મઅનુભવ રૂપે દેહ અને આત્મા જુદા લાગે ત્યારે પરમાત્મપણું પ્રાપ્ત થાય. આત્મા જેને સ્વપ્નમાં પણ જુદો જ લાગે.

સ. 260 મન એ શું છે? મન જીવ છે? અજીવ છે? રૂપી છે? અરૂપી છે?

જ. 260 મન જીવ નથી. અજીવ છે. રૂપી છે. અરૂપી નથી. મન બે પ્રકારે છે. એક દ્રવ્યમન. બીજું ભાવમન. દ્રવ્યમન એ પુદ્‌ગલની રચના છે. જેમ ઈંદ્રિયોની રચના છે તેમ દ્રવ્ય મનની પણ છે. તેમાં જે ઉપયોગ છે તે ભાવમન છે.

ખરી રીતે તો ભાવમન એજ આત્મા છે. આત્મા દ્રવ્યમનમાં જોડાય ત્યારે સંકલ્પ, વિકલ્પ, વિચારો થાય છે.

સ. 261 પાંચ ઈન્દ્રિયો શી રીતે વશ થાય?

જ. 261 દરેક પદાર્થમાં તુચ્છ પણું વિચારી વૃત્તિ બહાર જતી અટકાવવી અને ક્ષય કરવી. વૃત્તિને ગમેતેમ કરી રોકવી. ઉપયોગથી રોકવી, જ્ઞાન વિચારથી 130

 

રોકવી, લોકલાજથી રોકવી. ગમે તેમ કરી રોકવી. કોઈ પદાર્થ વિના ચાલે નહિ એવું રાખવું નહિ. શરીરમાં બધી ઈંદ્રિય બે છે ને કામ એકજ છે. ફક્ત જીભ જ એક એવી ઈંદ્રિય છે કે જે એક છે પણ કામ બે છે - સ્વાદ અને વાદ.

જીભને વશ કરવાથી બીજી ઈંદ્રિયો સહેજે વશ થાય છે.

સ. 262 કયા કયા ક્ષેત્રમાંથી ક્યારે જીવો સિદ્ધ થઈ શકે?

જ. 262 મહાવિદેહ ક્ષેત્રમાંથી જીવો સર્વકાળે સિદ્ધ થઈ શકે છે. જ્યારે ભરત અને ઐરાવત ક્ષેત્રના જીવો આખા કાળચક્રમાંથી અમુક કાળમાં જ સિદ્ધ અવસ્થાને પામી શકે છે. એકજ સમયમાં વધુમાં વધુ 108 જીવો સિદ્ધાવસ્થાને પામી શકે છે તથા વધુમાં વધુ છ માસનો ગાળો પસાર થયા પછી બીજો એક જીવ અવશ્ય સિદ્ધિપદને પામે છે. એટલે કે બે સિદ્ધના જીવો વચ્ચેનો વિરહકાળ વધુમાં વધુ છ માસનો રહે છે.

સ. 263 સિદ્ધશિલા 45 લાખ યોજન જ કેમ?

જ. 263 કારણકે ફક્ત અઢી દ્વિપમાં જ મનુષ્યની ઉત્પત્તિ કહી છે. તે અઢી દ્વિપ ફક્ત 45 લાખ યોજનમાં છે. હવે મનુષ્ય સિવાયતો કોઈ ગતિમાંથી સિદ્ધ થવાતું જ નથી. વળી નિયમ પ્રમાણે આ અઢી દ્વિપમાં જે જગ્યાએ મનુષ્ય નિર્વાણ પામે છે તેજ જગ્યાએથી બરાબર સીધી રેખામાં તે જીવ સિદ્ધશિલા પર તેજ જગ્યાએ સ્થિત થાય છે. હવે 45 લાખ યોજનમાંજ મનુષ્ય છે તેથી સિદ્ધશિલા પણ 45 લાખ યોજનજ છે.

સ. 264 ચૌદ રાજલોક શું છે? લોકાલોક સમજાવો.

જ. 264 જેમાં સમસ્ત જીવરાશીનો સમાવેશ થાય છે એ સમગ્ર બ્રહ્માંડનું માપ ચૌદ રજ્જુ પ્રમાણ છે. માટે એને ચૌદ રાજલોક કહેવાય છે. એક રજ્જુ પ્રમાણ એટલે અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર-પર્વત જેમાં સમાઈ જાય. તો વિચાર કરો ચૌદ રજ્જુ પ્રમાણ એટલે કેટલું મોટું થયું. એક રજ્જુ પ્રમાણની પણ કલ્પના થઈ શકે તેમ નથી તો ચૌદની તો ક્યાંથી થાય? સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે અનંતા અનંત સર્વ તરફનું આકાશ ચારે બાજુ છે. તે પોતે પોતાને આધારે જ રહેલું છે. તે અલોકાકાશ છે. તેમાં કોઈપણ જીવરાશિ છે નહી. તે ચારેબાજુ અનંતાઅનંત છે તેથી તેનો કોઈ આકાર પણ છે નહિ. તેની મધ્યમાં આ ‘લોક’ રહેલો છે. સમસ્ત જીવરાશિ તેમાંજ છે. કોઈ પુરૂષ કમ્મર પર બે હાથ રાખી પગ પહોળા કરીને ઉભો રહે તેવો આકાર 131

 

‘લોક’ નો છે. ‘લોક’ છ દ્રવ્યથી યુક્ત છે. જ્યારે ‘અલોક’ માં ફક્ત આકાશદ્રવ્ય છે.

સ. 265 ‘લોક’ કોના આધારે રહેલું છે?

જ. 265 વાતવલય એટલે એક પ્રકારનો પવન પુંજ જે સમસ્ત ‘લોક’ ને ઘેરીને રહ્યો છે, જેના આધારે ‘લોક’ આકાશમાં સ્થિત છે. આખો લોક પહેલા ઘનોદધિ વાતવલયથી વિંટાયેલો છે. જેમાં પાણી મિશ્રિત હવા છે. આ વાતવલયને બીજા ઘનવાતવલયે ઘેરી રાખ્યો છે. એમાં સઘનવાયુ છે તેને ત્રીજા તનુવાત વલયે ઘેરી રાખ્યો છે કે જે હલકા વાયુનો પુંજ છે.

સ. 266 ‘મધ્યલોક’, ઉર્ધ્વલોકને અધોલોક ક્યાં છે? કેવડા છે? તેમાં કોણ રહે છે?

જ. 266 આ ત્રણેય લોક ચૌદરાજ લોકમાં જ છે. કોઈ પુરૂષ કમ્મર પર બંને હાથ રાખીને પગ પહોળા કરીને ઉભો છે એવું ચિત્ર નજર સામે ખડું કરો. તેની બરોબર વચમાં, કમ્મરના ભાગમાં મધ્યલોક છે. તેની ઉપર લગભગ સાત રજ્જુ પ્રમાણ ઉર્ધ્વલોક છે ને મધ્યલોકની નીચે લગભગ સાત રજ્જુ પ્રમાણ અધોલોક છે. પહોળાઈની દૃષ્ટિએ વચમાં મધ્યલોક બરાબર એક રાજુ પ્રમાણ પહોળું છે. ત્યાંથી ઉપર ઉર્ધ્વલોકની પહોળાઈ વધીને પાંચ રજ્જુ પ્રમાણ થાય. પાછી ઘટીને એક રાજુ પ્રમાણ રહે છે. (કમ્મરે મુકેલા બે હાથની બંને કોણી વચ્ચેનું અંતર એટલે પાંચ રજ્જુ પ્રમાણ ત્યાંથી ઉપર ઘટીને મસ્તક સુધી પહોંચો ત્યાં એક રજ્જુ પ્રમાણ) ત્યાં સિદ્ધશિલા આવેલી છે. ત્યાં તેની ઉપર મુક્ત જીવો સાદિઅનંતકાળ સુધી સ્થિરતા કરે છે.

મધ્યલોકથી (કમ્મરનો ભાગ) જેમ નીચે જતા જાવ તેમ અધોલોકની પહોળાઈ એક રજ્જુથી વધીને સાત રજ્જુ પ્રમાણ થાય. (એકદમ નીચે બે પગ વચ્ચેનું અંતર સાત રજ્જુ.) મધ્યલોકની બરાબર મધ્યમાં મેરૂપર્વત આવેલો છે. મેરૂપર્વતથી અઢીદ્વીપ સુધી જ મનુષ્યોનો નિવાસ છે. અઢીદ્વિપ એટલે કે 45 લાખ યોજનમાંજ મનુષ્યો છે. મધ્યલોકમાં મનુષ્ય, તિર્યંચ અને વ્યંતરદેવો રહે છે. ઉર્ધ્વલોકમાં વૈમાનિક દેવોના વિમાનોની રચના, મધ્યલોકમાં જ્યોતિષ્ક દેવોના વિમાનોની રચના તથા ઓધોલોકમાં નરકભૂમિની રચના તથા ભવનપતિ દેવોના આવાસ છે.

132

 

સ. 267 અઢી દ્વીપમાં જ મનુષ્ય વસે છે તે અઢી દ્વીપ કયા કયા?

જ. 267 આખો જંબુ દ્વીપ, એક ઘાતકીખંડ દ્વીપને અર્ધ પુષ્કર દ્વીપ એમ મળીને અઢી દ્વીપ થાય. અઢી દ્વીપમાં 101 મનુષ્યના ક્ષેત્ર છે. તેમાં ફક્ત પંદર ક્ષેત્રમાંજ કર્મભૂમિના મનુષ્ય છે. બાકીના 86 ક્ષેત્રમાં અકર્મભૂમિના મનુષ્યો છે.

86માં 30ક્ષેત્ર અઢી દ્વીપમાં છે અને 56 ક્ષેત્ર અંતર દ્વીપમાં છે. અંતર દ્વીપ ફક્ત લવણ સમુદ્રમાં છે.

સ. 268 કર્મભૂમિને અકર્મભૂમિ એટલે શું?

જ. 268 કર્મભૂમિ એટલે અસિ, મસિ (વ્યાપાર) અને કૃષિ જ્યાં થતી હોય તે.

અકર્મભૂમિના મનુષ્યો ધર્મકર્મમાં બિલકુલ સમજતાં નથી. એ મનુષ્યો તો પોતાના પૂર્વે કરેલા પુણ્યના ફળો દેવતાઓની પેઠે સુખે ભોગવે છે. ધર્મ કરણી તો ફક્ત પંદર કર્મક્ષેત્રમાં જ છે. એ પંદર ક્ષેત્રમાં પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે. ત્યાં તો સદાકાળ જૈન ધર્મ પ્રવર્તે છે. બાકીના પાંચ ભરતક્ષેત્રને પાંત ઐરાવત ક્ષેત્રમાં છ આરામાંથી ત્રીજા આરાના અંતથી પાંચમા આરાના અંત સુધી જ (એક ક્રોડાક્રોડ સાગરથી સહેજ વધારે વખત) ધર્મ કર્મ કરવાનો રહે છે. પાંચ ભરતને પાંચ ઐરાવત એ દસ ક્ષેત્રમાંના એક એક ક્ષેત્રમાં બત્રીસ હજાર દેશ છે. બત્રીસ હજાર દેશમાંથી પણ ધર્મકર્મ કરવાના તો માત્ર સાડા પચ્ચીસ જ આર્ય દેશ છે. આ જાણ્યા પછી તો ખ્યાલ આવ્યો જ હશે કે કાળ અને ક્ષેત્રની દૃષ્ટિએ પણ ધર્મ કરવાનો આપણને કેટલો મહામૂલો અવસર મળ્યો છે. પણ આપણને એની કિંમત છેલ્લો શ્વાસ બાકી રહ્યો હોય ત્યારેજ સમજાય છે.

સ. 269 અઢીદ્વીપના કર્મભૂમીના 15 ક્ષેત્રને અકર્મભૂમિના 30 ક્ષેત્રના નામ આપો.

જ. 269 જંબુદ્વીપમાં 1 ભરતક્ષેત્ર 1 ઐરાવત અને 1 મહાવિદેહક્ષેત્ર. ઘાતકી ખંડમાં 2 ભરત, 2 ઐરાવત અને 2 મહાવિદેહક્ષેત્ર. અર્ધ પુષ્કરદ્વીપમાં 2 ભરત, 2 ઐરાવત અને 2 મહાવિદેહક્ષેત્ર. એમ કુલ મળીને 15 કર્મભૂમિના મનુષ્યો. ત્રીસ અકર્મભૂમિમાં પાંચ હેમવય, પાંચ ઐરણ્યવય, પાંચ હરિવાસ, પાંચ રમ્યકવાસ, પાંચ દેવકુરૂ અને પાંચ ઉત્તરકુરૂ એમ ત્રીસ અકર્મભૂમિના ક્ષેત્રો છે.

સ. 270 પુષ્કરદ્વીપમાં આવેલા પર્વતનું નામ ‘માનુષોત્તર’ કેમ પાડયું?

જ. 270 કેમકે એની બહાર કોઈ મનુષ્ય જન્મ લેતો નથી અને કોઈ મરતો નથી.

ફક્ત વિદ્યાસંપન્ન મુનિ અથવા વૈક્રિયલબ્ધિધારી કોઈ મનુષ્ય અઢીદ્વીપની બહાર જઈ શકે છે, પરંતુ એના પણ જન્મ મરણ માનુષોત્તરની અંદરજ થાય છે. જંબુદ્વીપ, ઘાતકીખંડ અને અર્ધપુષ્કરદ્વીપ એ અઢીદ્વીપ તથા લવણ અને કાલોદધિ એ બે સમુદ્ર એટલો જ ભાગ મનુષ્યલોક કહેવાય છે.

સ. 271 મનુષ્યલોક સમજાઈ ગયા પછી આપણી જાત માટે આપણે શું વિચારવાનું?

જ. 271 હવે વિચારો ઃ એક રજ્જુ એટલે અસંખ્યાતા દ્વીપ ને સમુદ્રો એવા 14 રજ્જુ પ્રમાણ આ લોક. તેમાં એક રજ્જુ પ્રમાણ મધ્ય લોક. તેમાં 45 યોજન પ્રમાણ અઢી દ્વીપ. તેમાં સૌથી નાનો દ્વીપ જંબુ દ્વીપ. તેમાં એક ભરત ક્ષેત્રને ભરત ક્ષેત્રમાં આપણે. તો આપણે ક્યાં? આપણે શું? આપણો અહંકાર ક્યાં? હવે બીજી રીતના વિચારો ઃ આટલું મોટું ચૌદ રાજલોક. તેમાં ફક્ત અઢીદ્વીપમાં જ મનુષ્યો. તેમાં 86 ક્ષેત્રના મનુષ્યો અકર્મભૂમિના. તેઓ ધર્મકર્મમાં કાંઈજ સમજે નહિ. એમાં આપણો નંબર નથી લાગ્યો. બાકીના 15 ક્ષેત્રો કર્મભૂમિના છે તેમાં આપણો નંબર લાગી ગયો. જે ક્ષેત્ર ધર્મકર્મના છે. આ 15 ક્ષેત્ર સિવાય આખા ચૌદ રાજલોકમાં કોઈ ક્ષેત્ર એવું નથી જ્યાં તમે ધર્મ કરી શકો. હવે સમજાય છે કે જે ધર્મ તમને મળ્યો છે તે કેટલો મહામુલો છે. અકર્મભૂમિમાં જેટલા પણ જન્મ કર્યા હશે, ભલે તે મનુષ્યભવ હોય. આખો જન્મ સુખ ભોગવવામાં ખોઈ નાખ્યો. કારણકે

ત્યાં ધર્મકર્મ છે જ નહિ. તે સિવાય દેવના ભવ જેટલા પણ મળ્યા હશે.

ભોગ ભોગવવામાં પૂરા કર્યા. તિર્યંચને નારકીના ભવભૂખને દુઃખ ભોગવવામાં પૂરા કર્યા. આ એકેય ભવ એવા નથી કે જેમાં આપણા આત્માએ જન્મ લીધા નથી. ચૌદરાજ લોકનું એકપણ સુખ એવું નથી કે જે આપણા જીવે ભોગવ્યું નથી. ને ચૌદરાજ લોકનું એકપણ દુઃખ એવું નથી કે જે આપણા જીવે ભોગવ્યું નથી. ફક્ત આપણને જ્ઞાન નથી. માટે આ બધા ભવ આપણે જોઈ જાણી શકતા નથી. હા... કોઈ આવીને ચમત્કાર કરે ને તમને પાછળના ભવ જોવાની દૃષ્ટિ આપી દે તો પીકચરના રીલની જેમ બધા ભવો તમને દેખાઈ જાય. અને તોજ ખબર પડે કે આ જે મનુષ્યભવ અને સાથે કેવલીએ પ્રરૂપેલો ધર્મ મળ્યો છે તે કેટલો કિંમતી છે.

ને જો રીલ દેખાય તો જ ખબર પડે કે હવે કયા સુખ ભોગવવાના બાકી રહી 134

 

ગયા છે? ને આટઆટલા ભવોમાં દુઃખના આંસુ તો એટલા પાડ્‌યા છે કે

તે બધા જન્મોના આંસુ ભેગા કરોને તો આખો સમુદ્ર ભરાઈ જાય. આમાં કોઈ અતિશયોક્તિ નથી. આ જ્ઞાનીએ કહેલું વાક્ય છે. હવે આ ચૌદરાજલોકનું સ્વરૂપ જાણ્યા પછી આપણને મળેલો આ ભવ કેટલો કિંમતી છે તે ખ્યાલ જરાપણ ભૂલાવો જોઈએ નહિ.

સ. 272 મહાવિદેહમાં કોઈ નરકે ન જાયને? ત્યાં તો સદાકાળ ચોથો આરો પ્રવર્તે છે ને? સદાકાળ તીર્થંકર પરમાત્માની હાજરી હોય છે ને?

જ. 272 મહાવિદેહ ક્ષેત્રમાં પણ મિથ્યાદૃષ્ટિ પડયા છે. સાતમી નરકે જવાવાળા અહીં ભરત ક્ષેત્રમાં નથી પણ મહાવિદેહ ક્ષેત્રમાં છે. ક્ષેત્ર શું કરે? ભગવાન શું કરે? જો જીવ પોતે પુરૂષાર્થ ન કરે તો ત્રણ લોકના નાથ ભગવાન પણ શું કરી શકે? તેને નરકે જતાં રોકી ન શકે.

સ. 273 ઘેર બેસીને સીમંધર સ્વામીને યાદ કરીએ કે દેરાસરમાં જઈને યાદ કરીએ એમાં ફરક ખરો?

જ. 273 હા. ચોક્કસ ફરક પડે. કારણકે પેલી પ્રતિષ્ઠા કરેલી છે. પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. એટલે ત્યાં દેવલોકનું વધુ રક્ષણ હોય. એક કરોડ દેવી-દેવતા સીમંધર દાદાની સેવામાં છે. સીમંધર દાદા અત્યારે દેહધારી છે, પ્રત્યક્ષ હાજરા હજૂર છે, માટે એ પ્રગટ કહેવાય. દેરાસરમાં વાતાવરણ હોય એટલે ત્યાં વધારે અસર થાય. સવારના સાડાચારથી છ એ બ્રહ્મમુર્હૂત કહેવાય. અપૂર્વ કાળ કહેવાય. તેમાં જેમણે તીર્થંકરોને સંભાર્યા, શાસન દેવ-દેવીઓને સંભાર્યા એ બધુંજ ડાયરેક્ટ પહોંચી જાય. ભગવાનના દેરાસરમાં જઈને કહેવું કે, ‘હે વીતરાગ ભગવાન! તમે મારી અંદર જ બેઠા છો, પણ મને તેની ઓળખાણ નથી. તો મને મારી પોતાની ઓળખાણ થાય એવી આપ કૃપા કરો.’ અહીં હૃદય ચોખ્ખું થાય તો શ્રી સીમંધર સ્વામીની કૃપા જરૂર ઉતરે. જેને આત્માનું લક્ષ બેઠેલું હોય તે આ દુષમ કાળમાં રહી શકે જ નહી.

પહેલા કયારેય ઉત્પન્ન થયું નહોતું. એવું શ્રી સીમંધર સ્વામી પ્રત્યેનું જબરજસ્ત આકર્ષણ ઉત્પન્ન થાય તો જાણી લેવું કે પ્રભુના ચરણોમાં સ્થાન પામવાના નગારા વાગવા માંડયા છે.

135

 

સ. 274 નમસ્કાર વિધિ કેવી હોવી જોઈએ?

જ. 274 મંત્ર બોલતા એક એક અક્ષર વંચાવો જોઈએ. સંપૂર્ણ ચિત્તશુદ્ધિ પૂર્વક નમસ્કાર થવો જોઈએ. પ્રત્યેક નમસ્કારે પોતાની જાતને દાદાને નમસ્કાર કરતી, સાષ્ટાંગ દંડવત્‌ વંદના કરતી દેખાવી જોઈએ. આત્માનો ઉપયોગ નમસ્કારમાં જ રાખવો.

સ. 275 અહીં ત્રીજા ચોથા આરામાં તીર્થંકર થાય છે તે હિન્દુસ્તાનમાં જ થાય કે બીજે ક્યાંય ?

જ. 275 આજ ભૂમિકામાં, હિન્દુસ્તાનમાંજ તીર્થંકરો થાય. બીજી જગ્યાએ ઉત્પન્ન ન થાય. ચક્રવર્તીને ત્રેસઠશલાકા પુરૂષો બધા અહીં જ થાય. આ ભૂમિ બહુ ઉંચી ગણાય.

સ. 276 શલાકા પુરૂષો કોને કહેવાય? કેટલા હોય? કયા કયા?

જ. 276 શલાકા એટલે શ્લાધ્ય, પ્રખ્યાત, અમુક વિશિષ્ટ શક્તિ અને પ્રભાવવાળા પુરૂષોને શલાકા પુરૂષો કહેવાય. પ્રત્યેક ચોવીશીમાં ત્રેસઠ શલાકા પુરૂષોત્તમ થાય. તેમાં ચોવીસ તીર્થંકર, બાર ચક્રવર્તીરાજા, નવ અર્ધચક્રી અથવા વાસુદેવ, નવ બળદેવ (વાસુદેવના મોટાભાઈ), નવ પ્રતિવાસુદેવ એમ ત્રેસઠ શલાકા પુરૂષો થાય.

સ. 277 બાર ચક્રવર્તીના નામ આપો અને તેઓનો વૈભવ કહો.

જ. 277 (1) ભરત (2) સાગર (3) મધવ (4) સનત કુમાર (5) શાંતિનાથ (6)

કુંથુનાથ (7) અરનાથ (8) સુભૂમ (9) મહાપધ (10) હરિષેણ (11)

જય (12) બ્રહ્મદત્ત. આ પૈકી શાંતિનાથ, કુંથનાથ અને અરનાથ તીર્થંકર હતા. ચક્રવર્તી એટલે છ ખંડના અધિપતિ, 96 કરોડ પાયદળના સ્વામી 8 લાખ હાથીઓના માલિક 96,000 રાણીઓ અને ચૌદ રત્નો તથા નવ નિધાનના ભોક્તા. દેવ નિર્મિત રત્નમણિના પાંચ મોટા મહેલ હોય છે. પાછા વૈક્રિય શરીર રચવાની ૠદ્ધિવાળા એટલે કે ધારે તેવું રૂપ કરી શકે તેવા હોય છે.

સ. 278 ચક્રવર્તી મરીને કઈ ગતિમાં જાય? આટલો બધો ભોગ ભોગવનાર તો નરકેજ જવો જોઈએ.

જ. 278 જો ચક્રવર્તી આયુષ્યનો બંધ પડયા પહેલા દીક્ષા લે તો મોક્ષે જાય અને આયુષ્યનો બંધ પડયા પછી દીક્ષિત થાય તો દેવલોકે જાય અને જો દીક્ષિત ન જ થાય તો નરકમાં જાય. ભરત ખંડના આ ચોવીશીના બાર ચક્રવર્તી પૈકી દસ ત્યાગી થઈ મોક્ષે ગયા હતા અને આઠમા સુભૂમ અને બારમા બ્રહ્મદત્ત એ બંને ભોગો ભોગવી નરકગતિ પામ્યા હતા. છ ખંડ એના એજ છે. તેઓ છ ખંડને કારણે નરકે ગયા નથી પણ મમત્વના કારણે ગયા છે.

ચક્રવર્તીઓ પંચેન્દ્રિય પ્રાણીઓનો વધ કેટલો બધો કરે? એમનો પરિગ્રહ કેટલો મોટો? એમના છ ખંડના રાજયમાં મહાઆરંભના કાર્યો કેટલા બધા? આ બધું હોવા છતા તેઓ જ્ઞાનને પ્રમાણ બનાવીને ત્યાગી બને તો નરકે ન જ જાય. મહાપરિગ્રહ હોવા છતાં અંદરમાં મૂર્ચ્છા ભાવ, આશક્તિ નહી, ધણીપણું નહી હોવાથી નરકે જતાં બચી શક્યા છે. એટલા માટે તો કહ્યું છે કે એક વખત વસ્તુ નહી છોડાય તો ચાલશે પરંતુ તેની અંદરની આશક્તિ છોડો. ‘ આ ખૂબ જ ગમે, આ નજ ગમે, આવું જ જોઈએ, આમજ જોઈએ, આજ જોઈએ, આના જેવું બીજું એકેય નહિ, આના વગરતો ચાલેજ નહિ’ આ બધા આશક્તિના સંતાનો છે. ચક્રવર્તીના ભોજનનો એક કોળિયો. 96 કરોડ પાયદળ પણ પાચન ન કરી શકે તેવી ઉંચી ઉંચી કરોડો રૂપિયાની રત્નોની ભસ્મ નાખીને ભોજન બનાવવામાં આવે, તેવા બત્રીસ કોળિયા ચક્રવર્તી લે છતાં સમ્યક્‌દૃષ્ટિ ચક્રવર્તી માટે શું કહે છે કે ‘તે જમતો નથી. તેને તેમાં રસ આનંદ આવતો નથી. સમકિતી ચક્રવર્તી તો આત્માના આનંદના ભોજન કરે છે. તેમાં તેને વધુ રસ આનંદ આવે છે.’ એક વખત અંતરમાં ચૈતન્ય રસ ચાખ્યા પછી ચિત્ત બીજે ક્યાંય લાગે નહી, ચૈતન્યરસ પાસે આખું જગત નીરસ લાગે. આવા આનંદસ્વરૂપ આત્માનું અજ્ઞાનીને કાંઈ મહાત્મ્ય આવતું નથી.

સ. 279 વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બળદેવ મરીને કઈ ગતિમાં જાય?

જ. 279 વાસુદેવ મરીને નરકેજ જાય. તેને તીર્થંકરનો યોગ હોવા છતાં નરકે જાય અને ત્યાં પસ્તાય તેથી જાતિસ્મરણ જ્ઞાન થાય. કૃષ્ણ પોતે વાસુદેવ હતા.

વાસુદેવના મરણથી વૈરાગ્ય પામી બળદેવ અવશ્ય દીક્ષા લઈ મોક્ષે અથવા દેવલોક જાય છે. વાસુદેવ અને પ્રતિવાસુદેવ વચ્ચે અવશ્ય યુદ્ધ થાય અને પ્રતિવાસુદેવને મારી વાસુદેવ તેણે જીતેલા ત્રણે ખંડ જીતી લે. વાસુદેવ અને પ્રતિવાસુદેવ સમ્યક્‌ત્યાગી બની શકે જ નહિ. મરીે તેઓ નરકેજ જાય, કારણકે નિયાણાનું એવું બંધન લઈને આવ્યા હોય છે. પૂર્વે સમકિત હતું.

પરંતુ જ્ઞાન-દર્શન-ચારિત્રનું ફળ માંગી લીધું. પ્રાપ્ત થયેલ વસ્તુને સંસાર 137

 

લક્ષે ખોઈ નાખે અને સંસાર ભોગવવા માટે એવું બળ માગે કે તેથી પૂર્વ પૂણ્ય યોગે તેવી સામગ્રી મળી જાય. પણ તે સામગ્રી અને તેને ભોગવવાનું મન એ સામગ્રીમાં એવું એકાકાર થઈ જાય કે મરીને જીવને નરકેજ લઈ જાય. પરિગ્રહની મૂર્છા એ પાપનું મૂળ છે. જે ચારેગતિના ચક્કરમાં જીવને રખડાવ્યાજ કરે છે.

સ. 280 જે જીવો દીક્ષા અંગીકાર કરે છે તે સંસાર ભ્રમણથી છૂટી જશે?

જ. 280 મહાવીરનો ઉપદેશ હતો કે ફક્ત સાધુના કપડાં પહેરવાથી આત્મ કલ્યાણ નથી થતું. આત્માની આત્મામાં શોધ કરવાથી મોક્ષપદની અવશ્ય પ્રાપ્તિ થાય છે. આત્માને જાણવો તે સમ્યક્‌ જ્ઞાન. આત્માને જોવો એટલે કે

અનુભવવો તે સમ્યક્‌ દર્શન અને આત્મામાં સ્થિર થવું તે સમ્યક્‌ચારિત્ર.

આ પ્રકારના સમ્યક્‌ જ્ઞાન-દર્શન-ચારિત્ર સિવાય મોક્ષ નથી. મહાનિશીથ સૂત્રમાં નામધારી સાધુ વિશે કહ્યું છે કે 55555 આચાર્ય, 666666 સાધુ, 7777777 સાધ્વીજીઓ, 88888888 શ્રાવકો અને 999999999 શ્રાવિકાઓ નામધારણ કરીને નરકમાં જશે. જેના રાગ, દ્વેષ અને અજ્ઞાન ક્ષીણ પામી ગયાથી સંસારત્યાગ રૂપ દીક્ષા લીધી છે તેના જન્મો અલ્પ છે. તે સિવાય બીજા પ્રકારે દીક્ષા લેવાઈ હોય તો સફળતા પ્રાપ્ત થતી નથી. દીક્ષિતમાં પણ ભદ્રિકતાને લીધે અથવા તો કાં દીક્ષા કાં ભિક્ષા માંગ્યા જેવી પરિસ્થિતિથી મૂંઝાઈને અથવા તો સ્મશાન વૈરાગ્યમાં લેવાઈ ગયેલી દીક્ષા હોય છે. તેવી દીક્ષા જીવનું કલ્યાણ સાધી શકતી નથી.

સમભાવ એજ સાધુત્વ છે. સળી કરોને છંછેડાય નહી તે સાધુ છે. સાધુને નિગ્રઁથ પણ કહેવાય. જેના મનમાં કોઈનાય પ્રત્યે ગાંઠ કે બંધન નથી તે સાધુ છે. જેમ કાંચળીનો ત્યાગ કરવાથી સાપ ઝેર વિનાનો થતો નથી તેવીજ રીતે સાધુનો વેશ પહેરવા માત્રથી કોઈ સાધુ થતા નથી.

સ. 281 ‘નમોલોએ સવ્વ સાહૂણ’ માં ‘સવ્વ’ ના અર્થમાં તો બધા જ સાધુઓ આવી ગયાને? પછી ભલે તે વેશધારી જૈન સાધુ હોય કે સાચો સાધુ હોય કે જૈનેત્તર સાધુ હોય?

જ. 281 ના... એવું નથી. ગણધરના નમસ્કાર જેને પહોંચે, તે સાધુની ગણના પંચ પરમેષ્ઠીમાં હોય છે. મિથ્યાદૃષ્ટિ કે વેશધારી સાધુને ગણધરના નમસ્કાર નથી પહોંચતા. તેથી તે પંચ પરમેષ્ઠીમાં નથી ગણાતા. કોઈ સાધુ બે ઘડી પહેલાં નવા ભાવલિંગી સાધુ થયા હોય, ત્રણ કષાયોનો નાશ કરીને 138

 

આત્મ રમણતા પ્રગટ કરી હોય, તે સાધુને ગણધરદેવ કે જેણે લાખો વર્ષ પહેલાં મુનિ દશા પ્રગટ કરી છે. તે પણ ભાવથી નમસ્કાર કરે છે. ગણધર મહારાજ બહારથી વંદન ન કરે, તે બાહ્ય વ્યવહાર છે. અંદર ભાવમાં પંચપદને નમસ્કાર કરતી વખતે સાધુને નમસ્કાર આવી જ જાય છે. જેને અંદરમાં આત્મજ્ઞાન સહિત, ત્રણ કષાયોનો અભાવ પરિણમતો હોય, સંપૂર્ણ પરિગ્રહ રહિત હોય, નિર્વિકાર દશા હોય તેજ ફક્ત ‘સહૂણં’ ના પદમાં આવે છે. જે પરિગ્રહ સહિત છે તે વીતરાગના માર્ગમાં સાધુ કહેવાતો નથી. ધન્ય છે ભાવલિંગી સાધુની દશાને કે જેને ‘નમોલોએ સવ્વસાહૂણં’ બોલતાં સમયે ગણધરદેવના પણ નમસ્કાર પહોંચે છે.

સ. 282 શરીર કેટલા પ્રકારના? ક્યા કયા? આપણું શરીર કયા પ્રકારનું?

જ. 282 શરીર પાંચ પ્રકારના છે. ઔદારિક, વૈક્રિયક, આહારક, તૈજસ અને કાર્માણ. તૈજસ અને કાર્માણ શરીર દરેકે દરેક સંસારી જીવને હોય છે પછી ભલે તે દેવ હોય, નારક હોય, મનુષ્ય હોય કે તિર્યંચ. કાર્માણ શરીર એ જીવનું અવલંબન છે. તૈજસ અને કાર્માણ એ બંને શરીર ક્યારે પણ અલગ હોતા નથી. તે બંને શરીર, જીવથી ત્યારેજ છૂટા પડે છે જ્યારે જીવનો મોક્ષ થાય. જીવ સિદ્ધગતિ પામે. આપણને પણ તૈજસ અને કાર્માણ શરીર તો છે જ પરંતુ જે આ સ્થૂળ શરીર આપણને દેખાઈ રહ્યું છે તે ઔદારિક શરીર છે.

પાંચેય શરીરમાં ઔદારિક શરીર સૌથી સ્થૂળ છે, વૈક્રિયક એનાથી સૂક્ષ્મ, આહારક વૈક્રિયથી સૂક્ષ્મ છે. તૈજસ આહારકથી સૂક્ષ્મ અને કાર્માણ તૈજસથી પણ સૂક્ષ્મ છે. દરેકે દરેક મનુષ્ય તથા તિર્યંચને ઔદારિક શરીર હોય. મનુષ્ય એટલે બધાજ 303 પ્રકારના મનુષ્યો અને તિર્યંચ એટલે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચોની 62 લાખ યોનિ આવી ગઈ. આ બધાને ઔદારિક, તૈજસ અને કાર્મણ શરીર હોય. ઔદારિક એટલે એવું શરીર જે સ્થૂળ પુદ્‌ગલોથી બનેલું છે. જે સડે છે, વિણસે છે, બગડે છે, કપાય છે, મર્યા પછી કલેવર પડ્યું રહે છે.

સ. 283 વૈક્રિય શરીર કેવું હોય? કોને હોય?

જ. 283 બધાજ પ્રકારના દેવો તથા બધાજ પ્રકારના નારકોનું વૈક્રિય શરીર હોય. તે શરીર સડે, પડે, બગડે નહી. કપાય તો પાછું પારાની જેમ ભેગું થઈ જાય.

મર્યા પછી ક્લેવર વિસરાલ થાય. (કપુરની ગોટીની માફક) નાનું મોટું 139

 

થાય. અલગ - અલગ અનેક સ્વરૂપ ધારણ કરી શકે. દૃશ્ય-અદૃશ્ય થઈ શકે.

આકાશ કે ભૂમિ પર ચાલવા યોગ્ય હોય. આમ બધાજ દેવ તથા નારકોને ત્રણ શરીર - વૈક્રિય - તૈજસ -કાર્માણ.

સ. 284 આહારક શરીર કોને કહે છે?

જ. 284 ચૌદ પૂર્વઘર મહાત્માને તપશ્ચર્યાદિક યોગે કરી લબ્ધિ ઉપજે અથવા પરમ ૠદ્ધિધારી છઠ્ઠા ગુણસ્થાન વર્તી મુનિને તત્વોમાં કોઈ શંકા થતાં અથવા તો અરિહંત કેવળી કે શ્રુત કેવળીના દર્શન કરવા માટે યોગબળથી પોતાના મૂળ શરીર (તૈજશ અને કાર્મણરૂપ) ને છોડયા વિના પુરૂષાકારનું, એક હાથનું, શુદ્ધ સ્ફટિક જેવું સફેદ, બહુ સુંદર પૂતળું મસ્તકના મધ્યમાંથી નીકળે છે અને એક અંતમૂર્હુત સુધી બનેલું રહે છે, પછી બીજું બની શકે છે, તેને આહારક શરીર કહે છે. કાર્ય પૂરૂં થતાં આ શરીર ફરીથી પોતાના સ્થાનમાં પ્રવેશ કરે છે અને વિલય થઈ જાય છે. આવું શરીર ફોરવ્યા પછી આલોયણ લે તો આરાધક, ન લે તો વિરાધક બને છે. આહારક શરીર એક ભવમાં બે વાર તથા આખા સંસારચક્રમાં એટલે કે નિગોદથી મોક્ષ સુધીની યાત્રામાં ચાર વખત પ્રાપ્ત કરી શકે છે. વર્તમાનકાળમાં આ ક્ષેત્રમાં જંબુસ્વામીના નિર્વાણ પછી આહારક લબ્ધિ વિચ્છેદ ગઈ છે. એટલે કોઈપણ મહાત્મા વર્તમાનકાળે, આ ક્ષેત્રમાં આવું શરીર બનાવી શકે નહિ.

સ. 285 વર્તમાનકાળમાં આ ક્ષેત્રોથી બીજી કઈ કઈ વસ્તુઓ વિચ્છેદ ગઈ છે?

જ. 285 પ્રવચન સારોદ્વારમાં કહ્યું છે કે જંબુ સ્વામીના નિર્વાણ પછી નીચે પ્રમાણે દશ વસ્તુઓ વિચ્છેદ ગઈ. (1) કેવળજ્ઞાન (2) મનઃપર્યવજ્ઞાન (3)પરમાવધિજ્ઞાન (4) આહારક શરીર (5) ત્રણ સંયમ - પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મસાંપરાય, યથાખ્યાત (6) ક્ષપક શ્રેણી (7) ઉપશમ શ્રેણી (8)પુલાક લબ્ધિ (ચક્રવર્તીના લશ્કરનો પણ નાશ કરી શકે તેવી લબ્ધિ) (9)

જિનકલ્પ (10) મોક્ષગમન.

સ. 286 તૈજસ શરીર કોને કહે છે?

જ. 286 વીજળી સમાન શક્તિને ધારણ કરવાવાળી તૈજસ વર્ગણારૂપી સૂક્ષ્મ સ્કંધોથી તૈજસ શરીર બનેલું હોય છે. તૈજસ શરીર પ્રવાહરૂપે અનાદિકાળથી સંસારી જીવોની સાથે ચાલ્યું આવે છે. તૈજસ શરીર સ્થૂળ 140