This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

મતલબ કે એકસરખી દ્રાક્ષવાળા બંને ઝૂમખાને ખાલી થતાં એકને પાંચ મિનિટ તો બીજાને બે મિનિટ લાગી. એવીજ રીતે આયુષ્ય બાંધતી વખતે જેના આત્માને કર્મ રજકણો શિથિલ ગોઠવાયેલી હોય તેને ઉપક્રમ (કારણ) લાગતાં ઓછા સમયમાં ખરી શકે છે. એટલે કે કાળ આયુષ્ય ઘટી શકે છે તેને સોપક્રમ આયુષ્ય કહેવાય. પરંતુ ગમે તેવો ઉપક્રમ લાગવા છતાં પણ જેના કાળ આયુષ્યમાં કાંઈપણ ફેરફાર થાય નહિ, દ્રવ્ય અને કાળ આયુષ્ય પૂરેપૂરું જ ભોગવાય તેને નિરૂપક્રમ આયુષ્ય કહે છે.

39

 

સ.104 નિરૂપક્રમ આયુષ્ય કોને હોય?

જ.104 દરેકે દરેક પ્રકારના દેવોને નારકોને, તીર્થંકરોને, ચક્રવર્તીઓને, વાસુદેવોને, પ્રતિ વાસુદેવોને, બલદેવોને, યુગલિઆઓને અને ચરમ શરીરીઓને (એજ ભવે મોક્ષે જવાવાળા ચરમ શરીરી કહેવાય.) નિરૂપક્રમ આયુષ્ય હોય. તેમના આત્માને આયુકર્મના દલિકો એટલા ગાઢ મજબૂતાઈથી બંધાયેલા હોય છે તેમને દ્રવ્ય આયુષ્ય ને કાળ આયુષ્ય બંને પૂરેપૂરાં ભોગવવા જ પડે. ગમે તેવા કારણો (ઉપક્રમ) લાગે તો પણ તેમાં અંશમાત્ર ફેરફાર થાય નહિ. જેના આયુકર્મના દલિકોને ઉપક્રમ લાગવાથી ફટાફટ ખરી જાય તેને સોપક્રમ આયુષ્ય કહેવાય. આપણા બધાનું આયુષ્ય સોપક્રમ પ્રકારનું છે.

સ.105 એવા કયા કારણો લાગવાથી સોપક્રમ આયુષ્યવાળાના આયુકર્મના દલિકો જલ્દી ખરી જાય છે?

જ.105 અગ્નિ, પાણી, વિષ, શસ્ત્ર, અતિહર્ષ, શોક તથા ભય આ સાત કારણોથી સોપક્રમ આયુષ્ય તૂટે છે. જરા વિસ્તારથી સમજીએ તો... પત્ની કે પુત્રનું મોત થતાં આઘાત લાગવાથી, ધંધામાં નુકશાન થવાથી આઘાત લાગવો, વધારે પડતો આહાર લેવાથી, બિલકુલ ન ખાવાથી, વધુ પડતું ચાલવાથી, મૈથુન સેવવાથી, રોગ, શૂળ વગેરે વેદનાના કારણે, ફાંસો ખાવો, આપઘાત કરવો, વધુ પડતા ઝડપી શ્વાસોચ્છવાસ લેવા વગેરે ઉપક્રમ લાગવાથી સોપક્રમ આયુષ્યના દલિકો ઝડપથી ખરી જાય છે. એક ઉદાહરણથી આ વાત સમજીએ. ઘારો કે એક વ્યક્તિને 70 વર્ષ સુધી ભોગવાય એટલા આયુકર્મના રજકણો છે. (જો ક્રમશઃ છૂટા પડે તો) પરંતુ 40 મા વર્ષે ધંધામાં નુકશાન આવ્યું જે જોરદાર આઘાત લાગ્યો ને એટેક આવ્યો. તેના કારણે એકી સાથે આયુકર્મની બધી રજકણો ખરી ગઈ અને તે 40 મા વર્ષે મૃત્યુ પામ્યો. હજી 30 વર્ષ ભોગવાય એટલી દલિકો 30

 

મિનિટ કે 30 સેકંડમાં પણ ખરી શકે. કોઈ કેશમાં એવું બન્યું કે તે વ્યક્તિને 40મા વર્ષે એટેક આવ્યો. ઘણી બધી રજકણો ખરી ગઈ પણ થોડીક રહી ગઈ. ધારોકે 10 વર્ષ ભોગવાય એટલી રહી ગઈ ને 20 વર્ષ જેટલી ખરી ગઈ. એટલે હવે તે વ્યક્તિ 40+10 એટલે કે 50 વર્ષ જીવશે.

પણ પાંચ વર્ષ પછી પાછો એટેક આવ્યો તો બાકી રહેલી પાંચ વર્ષ ભોગવાય એટલી બધી કર્મ રજકણો એક સાથે ખરી જાય છે ને તે વ્યક્તિ 45 માં વર્ષે મૃત્યુ પામે છે. સોપક્રમ બાંધેલ આયુષ્ય વચ્ચે તૂટવાનું કારણ 40

 

પણ, નિમિત્ત પણ જીવ પરભવથી સાથે લઈને જ આવે છે, નિર્માણ કરીને જ આવે છે અને તેના ઉદયે શેષ દલિકો શીઘ્ર ભોગવી પૂર્ણ કરે છે. માટે કેવળજ્ઞાનીના જ્ઞાનમાં તો જે કાળે મૃત્યુ થવાનું હતુ તેજ કાળે થયું છે.

નિરૂપક્રમી ને દલિકો શીઘ્ર ભોગવી લેવા પડે તેવું નિમિત્ત હોતું જ નથી.

સ.106 એકભવમાં આગામી કેટલા ભવનું આયુષ્ય બંધાય? આગલા ભવનું જે આયુષ્ય બંધાઈ ગયું હોય તેની સ્થિતિમાં ફેરફાર થઈ શકે?

જ.106 એકભવમાં આગામી એકજ ભવનું આયુષ્ય બંધાય બે ભવનું આયુષ્ય બંધાય નહિ. અત્યારે આપણે જે ભોગવી રહ્યા છીએ તે ભુજ્યમાન આયુષ્ય કહેવાય. અને જે આયુષ્ય બંધાઈ ગયું છે ને જેનો ઉપભોગ આગલા ભવમાં થશે તે બધ્યમાન આયુષ્ય કહેવાય. બધ્યમાન આયુષ્યની સ્થિતિમાં તો બધાનું અપકર્ષણ થઈ શકે. દા.ત. રાજા શ્રેણિકે નરકના આયુષ્યની તેત્રીસ સાગરોપમની સ્થિતિ બાંધી હતી. તે ઓછી થઈને ચોરાશી હજાર વર્ષની સ્થિતિ રહી ગઈ. પણ એ પૂર્વભવમાંજ થયું. નરકના આયુષ્યનો ઉપભોગ શરૂ થયા પછી તેમાં અપકર્ષણ (ઘટાડો) થવો શક્ય નથી.

સ.107 એક જીવ બીજા જીવનો ઘાત કરી શકે? અથવા મૃત્યુથી બચાવી શકે?

જ.107 ના... કારણકે જીવ અને શરીરનો વિયોગ પોતપોતાની યોગ્યતાથી થાય છે. તેમાં આયુકર્મ પુરૂ થયું તે નિમિત્ત છે. આ જગતમાં કોઈ પરને (બીજાને) રક્ષા કરવાવાળો કે વિનાશ કરવાવાળો છે જ નહિ. વ્યવહારમાં એવું દેખાય છે કે આને મારી નાખ્યો. પરંતુ હકીકતમાં એ જીવ પરભવથીજ એ નિમિત્ત નિર્માણ કરીને જ આવે છે.

સ.108 જીવો થોડું જીવવાના કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે?

જ.108 ત્રણ સ્થાનો વડે જીવો થોડું જીવવાના કારણભૂત કર્મ બાંધે છે. (1)

હિંસાવડે (2) અસત્યવાણી વડે (3) સાધુ સંતોને સચિત્ત તથા ન ખપે તેવું અન્નપાનાદિ આપવા વડે.

41

 

સ.109 આગ, ધરતીકંપ, અકસ્માત વગેરે પ્રસંગોમાં એકી સાથે ઘણા માણસો એકજ સમયમાં મૃત્યુ પામે છે તે કેવા કર્મને લીધે તેમ થતું હશે?

જ.109 એક કામ ઘણા જણ મળીને કરે, જેમકે નાટક, ટી.વી. સિનેમા જુએ, રમત ખેલ જુએ, વેશ્યાનો નાચ જોવો, મેળો, જાત્રા મહોત્સવ વગેરે પ્રસંગોમાં સામુદાણિયા ક્રિયા લાગે છે. આવા પ્રસંગોમાં સર્વ મનુષ્યોના એકસરખા વિચાર (પરિણામ) થાય છે. તેથી એક સાથે કર્મના બંધ પડે છે. અને તેના ફળ પણ એક સાથે મરણ પામી ભોગવે છે.

સ.110 એમ કહેવત છે કે ‘ભોગી કરતાં યોગી વધુ જીવે’ એવું શા માટે?

જ.110 અતિ ક્રોધ-લોભ અતિ હર્ષ કે ભય વખતે અંદર આત્માની સ્થિતિ કેવી હોય છે તેનો અનુભવ કર્યો છે કોઈ દિવસ? તેટલો સમય શ્વાસોચ્છ્‌વાસની ગતિ પણ બદલાઈ જાય છે. તેની નોંધ લીધી છે? ક્રોધ કરો ત્યારે, ભય ઉત્પન્ન થઈ જાય ત્યારે, મૈથુન સેવો ત્યારે, શ્વાસોચ્છ્‌વાસની ગતિ એકદમ ઝડપી થઈ જાય છે, ને તેટલો સમય આયુકર્મના દલિકો ઝડપથી ખરી જાય છે. હવે ક્રોધ-લોભ-શોક આવે ત્યારે તમારા આત્મા પરથી ઝડપથી ખરતા આયુ-દલિકોને જોજો. તૂટતા આયુષ્યને જોજો. તમારો ક્રોધ-લોભ-શોક ગાયબ થઈ જશે. યોગીઓનું દિલ દિમાગ શાંત હોય છે. શ્વાસોચ્છ્‌વાસ પણ શાંત અને ઉંડા હોય છે માટે યોગીઓના કર્મદલિકો જલદી ખરતા નથી. તેથી જ યોગીઓ ભોગીઓ કરતાં વધુ જીવે છે એમ કહ્યું હશે.

સ.111 મૃત્યુ સમયે કેવી ભાવના ભાવવી? ( સાચવી રાખવા જેવો લેખ)

જ.111 (1) પરમયોગી એવા શ્રી ૠષભદેવ આદિ પુરૂષો પણ જે દેહને રાખી શક્યા નથી, તેને હું ક્યાંથી રાખી શકવાનો હતો? હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું અને આ દેહ તો જડ છે. હું ચેતન આ દેહ જડ.

ચેતન અને જડ કદીપણ એકબીજાના હોઈ શકે જ નહિ. માટે જડ એવા આ દેહ પર મને કોઈ મોહ રહ્યો નથી.

(2) શરીર પ્રત્યે જેવો વસ્ત્રોનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે શરીરનો સંબંધ છે. મ્યાન પ્રત્યે જેવો તલવારનો સંબંધ છે તેવો દેહ પ્રત્યે આત્માનો સંબંધ છે. વસ્ત્રો બદલાયા કરે છે, શરીર તો એ જ રહે છે, એવી જ રીતે મારૂં શરીર બદલાઈ જશે, આત્માતો એ જ રહેશે, પછી મને શેની ફિકર છે? મારૂં ધ્યેય, મારૂં લક્ષ્ય તો અશરીરી બનવાનું છે... પછી શરીર પ્રત્યે મોહ શેનો? (3) જેમ મેળામાં ભેગા થયેલા લોકો મેળો વીખરાવવાની ફિકર કરતાં નથી તેવી જ રીતે હું (ચૈતન્ય) પણ પ્રેક્ષક છું. મને પણ આ શરીર પર્યાય છૂટવાની ફિકર કરવી ઉચિત નથી.

(4) જગતનો કર્તા-હર્તા કોઈ નથી. સર્વ સંયોગ સ્વભાવથી જ મળે છે અને સ્વભાવથી જ વીખરાય છે. તેવી જ રીતે આ શરીરનો સંયોગપણ સ્વભાવથી જ મળ્યો છે ને સ્વભાવથી જ વીખરાશે. મારો રાખ્યો રહેશે નહિ ને વીખેર્યો વીખરાશે નહિ. તો પછી તેના વિયોગથી ફિકર મારે શા માટે કરવી જોઈએ? જે થવાનું હશે તે થયા કરશે.

(5) આત્મા અમર છે. તે છેદાતો નથી, ભેદાતો નથી. મરતો નથી. બળતો નથી. ખતમ થતો નથી. તો પછી મારે કોના માટે શોક કરવાનો? અને મોહપણ કોના માટે કરવાનો? આ પુદ્‌ગલ માટે? કે જે પુદ્‌ગલ (શરીર)

સડી શકે છે, ગળી શકે છે, બળી શકે છે, કપાઈ શકે છે, દુર્ગંધ મારી શકે

છે. નિત્ય એવો આત્મા મારો કે અનિત્ય એવું આ શરીર મારૂં ? શરીર તો મારા આત્માનો પહેલો પાડોશી છે. પાડોશી તો બદલાતા રહે. પાડોશી બદલાવવાની ઘટના મારા આત્મા માટે કંઈ નવી નથી. પછી શોક શાને? (6) અનંતા જન્મોથી અનંતી વાર આ પુદ્‌ગ્‌લ બદલાયા જ કર્યુ છે. જે શરીરને ખાતર જન્મોજન્મ મેં પાપોના ઢગલા જ ખડકયા છે. પાપ ઝાઝેરૂં કર્યુ ને પુણ્ય આછેરૂં કર્યુ. નિર્જરાની તો વાત જ ક્યાં? વારંવાર મારા અહંકારી પણાને લીધે મારે જન્મ લેવો પડ્‌યો. હું જાણું છું કે આપંચમ આરામાં આ દેહ થકી હું મોક્ષે નથી જઈ શકવાનો... માટે હે પ્રભુ! હું અંતરથી પ્રાર્થના કરૂં છું કે હવે જે શરીર મળે તે શરીર વડે હું અશરીરી બનું, હવે જે જન્મ મળે તે થી હું અજન્મા બનું એવું મને બળ આપજે. હું તારી પાસે એ નથી માંગતો કે મને જન્મોજન્મ આમ કરજે ને મને ભવોભવ તેમ કરજે કારણકે હવે મને તો ન જન્મ જોઈએ છે ન ભવ જોઈએ છે. બસ ફક્ત મોક્ષ જ જોઈએ છે. પછી ભલે એ કોઈપણ માર્ગેે હોય, કોઈપણ રાહે હોય... હવે તો હે નાથ ! મને એવો બનાવ કે મારે માથે કોઈ નાથ ન રહે.

(7) 70-80 વર્ષના આ માનવજીવનની ઢળતી સંધ્યાએ હું સુસ્તીમાં નહિ, આત્મ મસ્તીમાં મસ્ત રહેવા માંગું છું. કારણકે હું જાણું છું કે આ પુદ્‌ગલ તો નાશવંત, વિનાશીને પરિવર્તનશીલ છે, વનસ્પતિના શરીર રૂપે રહેલું ઘાસ જો ગાયના પેટમાં પહોંચે તો દૂધનું સ્વરૂપ ધારણ કરે છે.

દૂધમાં મેળવણ ઉમેરતાં દહીનું સ્વરૂપ - દહીંમાંથી છાસ - છાસ વલોવતા 43

 

માખણનું સ્વરૂપ - માખણમાંથી ઘીનું સ્વરૂપ - ઘી માંથી મીઠાઈનું સ્વરૂપ -

મીઠાઈ માનવ શરીરમાં પહોંચીને વિષ્ઠાનું રૂપ-વિષ્ઠા ખાતરમાં રૂપાંતર પામી ફરી કોક ઘાસના શરીરપણાને પ્રાપ્ત કરે છે. પુદ્‌ગલના આવા પરિવર્તનશીલ સ્વભાવને જાણ્યા પછી એનો શું મોહ કરવો? (8) પરમજ્ઞાની પુરૂષોનું કહેવું છે કે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે માટે હે જીવ ! જ્યાં સુધી આ દેહનો સંબંધ વર્તે છે ત્યાં સુધી અસંગપણું નિર્મોહપણું કરી લઈ, આત્મા અબાધ્ય અનુભવ સ્વરૂપ જાણી બીજા સર્વ ભાવપ્રત્યેથી છૂટો થા.. છૂટો થા...

(9) પહેલા તો હું આ શરીરમાં ઉદ્‌ભવેલા રોગોના ઉદયથી ખૂબ ગભરાઈ ગયો હતો. પરંતુ જ્યારથી એ સમ્યક્‌જ્ઞાન નિશ્ચય રૂપ બન્યું કે, આ રોગ તો કર્મને આધીન છે, જો હું રોગની પીડા સમતાભાવે સહન કરીશ તો કર્મની નિર્જરા કરી શકીશ. ઘેરબેઠા કર્મ ખપાવવા માટેનો આ સુ અવસર આવ્યો છે. કર્મનો બદલો દેવાને સમયે મોઢું શા માટે છુપાવવું જોઈએ? આ પ્રાપ્ત થયેલું જ્ઞાન અનુભવની કેડી પર પાર ઉતરી શકે એવી હે પરમાત્મા ! મને શક્તિ આપો... મને શક્તિ આપો.

(10) જેવી રીતે ગજસુકુમારજીને મસ્તક પર સોમિલ બ્રાહ્મણે અંગારા ભર્યા તેની મહાવેદના સહી, જેવી રીતે ખંધક મુનિના શરીરની સર્વ ચામડી તેમના બનેવીના અનુચરોએ ઉતારી લીધી તેની વેદના સમભાવે સહી, જેવી રીતે સ્કંદજીના 500 શિષ્યોને પાલક પ્રધાને ઘાણીમાં પીલ્યા તેની મહાવેદના તેમણે હસતામુખે સહી તેવી રીતે આ ઉદયમાં આવેલી વેદનામાં હું સમભાવ, સમતાભાવ રાખીશ તો જ મારૂં આત્મ કલ્યાણ થઈ શકશે. આવા અનેક મહાપુરુષોએ તીવ્ર વેદનાના સમયે જેવો સમભાવ રાખ્યો એનો એક અંશ મને ચખાડી દે... હે પરમાત્મા... એક અંશ મને ચખાડી દે.

(11) હું ધર્મ પામ્યો નથી, કે હું ધર્મ કેમ પામીશ? આ બધો ખેદ કરવાનો હવે સમય નથી. હવે તો બસ આ દેહાદિથી હર્ષ કે વિષાદ વૃત્તિ દૂર કરીને આત્મામાં રમણતા કરવી છે. વિતરાગ પુરૂષોની દશાનું સ્મરણ કરી એમના અદ્‌ભુત ચારિત્ર્યપર દૃષ્ટિ કરી વૃત્તિને અપ્રમત્ત કરવી છ.ે હવે આ અંતમુર્ખ થઈ, સ્થિર થઈ, આત્મામાંજ રહેવું છે. અનંત અપાર આત્માનંદનો અનુભવ કરવો છે. આત્માભાવનામાં નિરંતર નિમગ્ન રહેવું છે.

44

 

(12) અહીંયા દરેક જીવ પોતાના કર્મોના ફળને પોતે એકલો જ ભોગવે છે, એવી સ્થિતિમાં અહીં કોણ પોતીકું છે ને કોણ પારકું છે? હે આત્મા!

તું જાગીને જો! માયાના ફંદમાં શા માટે ફસાણો છે? આ માયા-લક્ષ્મી સાથે તારો કંઈ જ સંબંધ નથી. આ લક્ષ્મી મેળવવા માટે તેં જે પાપ-પ્રપંચ કર્યા, તેં જે જૂઠ-કૂડ-કપટ કર્યા, તેં જે ઝગડા-કંકાસ કર્યા, આ લક્ષ્મી માટે તેં જે મા-બાપ, ભાઈ-બહેનના મન દુભાવ્યા, ભાઈ-ભાઈ સાથે કે શેઠ-

નોકર સાથે જે ઝગડાં કર્યા તે જરૂર સાથે આવશે. હે જીવ! આ ક્ષણથીજ તું ચેતીજા... ઝઘડાળી નાર કોઈને ગમતી નથી. માટે તને આ દુર્ગતિમાં ધકેલનારી લક્ષ્મીમાં રહેલા તારા મોહનો તું ત્યાગ કર... ત્યાગ કર...

(13) મારા પછી મારી પત્ની-પુત્રપુત્રી કે કુટુંબીજનોનું શું થાશે? એ વિચારવા બેસવાનો આ સમય નથી. આવા આર્તધ્યાનથી તો તું તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધીશ. ચેત-ચેત..નર ચેત... આવા કુટુંબ કબીલા તો તું જન્મોજન્મ મૂકીને આવ્યો છે. પેલા કૂતરા-કૂતરીના ભવમાં કેટલા ગલુડીઆ મુકીને આવ્યો હોઈશ? કરી છે કોઈ દિવસ આ બધાની ચિંતા? તો હવે શા માટે? પેલા સાપણના ભવમાં તારાજ સાપોલીયાને તું ખાઈ ગયો હોઈશ... હે આત્મન તું સ્વસ્થ થા... સ્વસ્થ થા... આ સહુ તો એના સ્વાર્થના કારણે તને પ્રેમ કરી રહ્યા છે. તેને જોઈને તું ઢીલો ન પડીશ. તારા બાપદાદાની સાથે તું ગયો નથી કે તારી સાથે તારા પુત્ર-પૌત્ર આવી શકવાના નથી. જન્મોજન્મ આ વાતનું જ પુનરાવર્તન થાય છે. આ પુનરાવર્તનને પૂર્ણવિરામ મુકવા માટેનો આ જન્મ છે. તેથી તું તારા આત્મભાવમાં મસ્ત થઈજા. સ્ટેજ પરના નાટકના પાત્ર તરીકે બધાને નિહાળ અને તું તારા આત્મામાં પેસી જા... તારા આત્મામાં બેસી જા...

(14) ભગવાન મહાવીરે ભર યુવાન વયે નાનકડી પુત્રી અને પત્નીનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો હતો... ધન્નાજી પોતાની આઠેઆઠ પત્નીને એકધડાકે ત્યાગીને અણગાર બન્યા. શાલિભદ્રે તો બત્રીસ પત્નીઓને દોમદોમ સાહ્યબીને ઠુકરાવી... આવા મહાપુરૂષોને યાદકર જેમણે સ્વેચ્છાએ ત્યાગ કર્યો છે. જ્યારે તું ઈચ્છે કે ના ઈચ્છે... જે છોડવાનું જ છે એના મોહમાં શા માટે લપેટાય છે? (15) હે આત્મન્‌! આ એક જન્મમાં આવી પડેલા દુઃખને તું શું રડે છે? ને વળી કર્મસંયેગે મળેલા સુખનો અહંકાર શા માટે કરે છે? આ અહંકાર જ જન્મે છે ને અહંકાર જ મરે છે. અહંકાર તો તારી અને મોક્ષ વચ્ચેની જબરી દીવાલ છે. જો મોક્ષ જોઈતું હશે તો સમ્યક્‌જ્ઞાનના હથોડા વડે આ દીવાલને તોડવી 45

 

પડશે. અને દુઃખ? કયા દુઃખની વાત કરે છે? અરે આ જન્મમાં ભોગવેલા તારા દુઃખતો કાંઈ વિસાતમાં નથી... હે જીવ... જરા વિચાર કર... જયારે તું નિગોદમાં હોઈશ ત્યારે એક શ્વાસ લઈને મુકીએ એટલા સમયમાં 17-18

 

વખત જન્મમરણના કેવા દુઃખ તેં સહ્યા હશે? જ્યારે શુક્ષ્મ નિગોદમાંથી તારો જીવ બાદર નિગોદમાં ગયો હશે (કંદમૂળ વગેરે) ત્યારે જીવ તે જીવ કપાવાનું ને બફાવાનું કેવું મહાભયંકર દુઃખ તેં સહન કર્યુ હશે... અરે... અત્યારે ઉહંકારાને ટહકા કરનારા હે જીવ... જ્યારે તું વનસ્પતિના ભવમાં હોઈશ ત્યારે કોઈએ તને કુહાડાથી કાપી નાખ્યો હશે... અને તું એક ચીસ પણ નહીં પાડી શક્યો હોય. વિચાર કર... ત્યારે તને કેવું દુઃખ થયું હશે? અરે... ક્યારેક તું તડકામાં તપીને સુકાઈ ગયો હોઈશ, એક ટીપું પાણીનું પીવા નહી મળ્યું હોય તો ક્યારેક તું આખોને આખો બરફથી ઢંકાઈ ગયો હોઈશ... ટાઢમાં ઠૂંઠિયું થઈ ગયો હોઈશ ને ત્યારે તું એક ડગલું ચાલીને બીજી જગ્યાએ નહી જઈ શક્યો હોય ને ત્યારે તને જે વેદના થઈ હશે તેની કલ્પના પણ કરી શકે છે તું? જા... જરા તારા આત્મામાં અંદર પેસીને જો... એની પાસે તોં આ બધા જ અનુભવ ધરબાયેલા પડ્‌યા છે. જરા વિચાર કર... પાણી કાયના ભવમાં તારો આત્મા હશે... ને કોઈ એ પાણીમાં સાબુ ભેળવ્યો... અહા... શું બળતરા થઈ હશે? અત્યારે જીવ તે જીવ કોઈ તારી ચામડી કાઢી મરચું ભભરાવે એવી જ સ્તો! ને એ બળતરા સહતાં સહતાં તું મોતને ભેટયો હોઈશ. એ દુઃખ કરતાં તો આજનું દુઃખ ઓછું છે ને? અને હા... તિર્યંચના ભવમાં તો તેં શું દુઃખ સહન નહિ કર્યુ હોય? કીડાના ભવમાં તને કોઈએ જીવ તે જીવ ઉકળતા પાણીમાં નાખી દીધો હશે... કોઈએ પગ નીચે કચડી નાખ્યો હશે. કોઈએ હાથેથી મસળી નાખ્યો હશે. માછલી ના ભવમાં કોઈ તને બાફીને ખાઈ ગયું હશે. સાપના ભવમાં કોઈએ તારી જીવ તે જીવ ચામડી ઉતારી લીધી હશે તો ગાય બકરાના ભવમાં કોઈએ તને કતલખાનામાં કાપી નાખ્યો હશે. અરે...

વિચાર કર... જીવ... કે તેં ક્યા દુઃખ નથી સહ્યા? આજની તારા શરીરમાં ઉપડેલી વેદનાને જોઈને નિશ્ચયમાન કે ‘મારા જીવે પણ અન્ય જીવને આવી વેદના આપી છે... હું મારા જ કર્મફળનો વિપાક ભોગવી રહ્યો છું...’ હવે મારે આ કર્મોનો ગુણાકાર નથી કરવો મારે તો સમભાવે સહન કરી એનો ભાગાકાર કરવો છે. હે મારામાં બિરાજેલ વિશુદ્ધ આત્મન્‌! તું તો શક્તિનો પૂંજ છે. તારામાં રહેલ શક્તિ નો એક અંશ પ્રગટ કર... પ્રગટ કર... મને સમતા જોઈએ... મને મોક્ષ જોઈએ... મને સમતા જોઈએ...

46

 

(16) હે જીવ! આ સમજણના ભવમાં પણ કેટલાય જીવો પર ક્રોધ કરીને તેમના આત્માને દુભાવ્યા હશે..? લોભને વશ થઈ તેં કેટલો પરિગ્રહ કર્યો હશે? માયાને વશ થઈ તેં ઘરમાંને બહાર કેટલીય બાબતમાં રાજરમત રમી હશે? ને માનને વશ થઈને તો તેં કેટલાયનું જીવવું ઝેર કરી દીધું હશે? તટસ્થ બનીને એક એક પ્રસંગને યાદ કરીશ તો પાપોની હારમાળા દેખાશે. હે જીવ... આ શીલશીલો હવે અહીંથી, આ ક્ષણેથી અટકવો જોઈએ. નહિ તો નરક કે નિગોદમાં ફેંકાઈ જતાં વાર નહીં લાગે... શું અનંતા દુઃખ ભોગવી અને જન્મમરણના ચક્કર ચાલુ રાખી પાછા નિગોદમાં જવું છે? ના? તો પછી હે જીવ! હે ભવ્ય! તું તારા આત્માનું મોક્ષમાર્ગમાં સ્થાપન કર... સ્થાપન કર. દુભાવેલા દરેક જીવોની અંતઃકરણપૂર્વક ક્ષમા યાચ.. ક્ષમા યાચ.. આ બધી ભૂલો.. મારા ભવચક્રની છેલ્લી ભૂલો હજો.. હવે હું કોઈને નહિ દૂભવું... કોઈને નહિ દૂભવું...

(17) મારા પરમાત્માએ કહ્યું છે કે અટલ અનુભવ સ્વરૂપ આત્મા જ્યારથી સર્વદ્રવ્યથી જુદો ભાસે છે ત્યારથી મુક્ત દશા વર્તે છે, તે પુરૂષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરૂષ મુક્ત થાય છે. માટે હે ભવ્ય! તું તારામાં રહેલા પરમાત્માનું ધ્યાન કર... આત્મા નો જ અનુભવ કર.. તથા તારા આત્મામાં જ વિહાર કર... બીજા દ્રવ્યોમાં વિહાર કરવો છોડી દે.. જે દેહ ભરયુવાવસ્થામાંને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતા છતાં પણ ક્ષણભંગુર છે તે દેહમાંથી પ્રીતિ છોડી દે... તું તારામાં જ સ્થિર થા... સ્થિર થા...

(18) હું કોણ છું? હું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું, સર્વ પરભાવથી મુક્ત છું. હું કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અચિંત્ય સુખ સ્વરૂપ છું. હું એક છું, અસંગ છું. સચ્ચિદાનંદ પરમાત્મા છું. હું અજન્મા, અજર, અમર શાશ્વત છું. માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. હું અસંખ્ય પ્રદેશાત્મક, નિજ અવગાહના પ્રમાણ છું. હું માત્ર એકાંત શુદ્ધ અનુભવ રૂપ છું. પરમશાંત ચૈતન્ય છું. હું સ્વપર્યાય પરિણામી સમયાત્મ છું. માત્ર નિર્વિકલ્પ છું. હવે હું નિજ સ્વરૂપમય ઉપયોગ કરૂં છું... તન્મય થાઉં છું.

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (આ મૃત્યુ સમયે ભાવવાની ભાવના કહી. પરંતુ મૃત્યુનો સમય તો કોઈ જાણતું નથી. માટે દરરોજ આપણા જ શબનું પાર્થિવ દેહનું આપણે દર્શન કરવું અને એનાથી ભિન્ન પરમાત્મ સ્વરૂપ એવા આપણા આત્માનું દર્શન કરવું ને ઉપરોક્ત ભાવનામાં ભાવિત રહેવું.)

47

 

સ.112 નરકતો ફક્ત બીક બતાવવા માટેની જ વાત છે ને? હકીકતમાં એવું કાંઈ છે જ નહિને?

જ.112 જો ખરેખર નરક કે દેવલોક એવું કાંઈ હોતજ નહીતો કેવળી ભગવંતે આપણને એવુ બધું કહેવાની શું જરૂર હતી? નરક કે દેવલોકની વાત ભગવાને પોતાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી કીધી છે, પહેલા નહિ. હવે પોતે તો વીતરાગ બની ગયા હતા પછી એમને કોના માટે ખોટું બોલવાનું હતું? માણસ કાંતો કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેના રાગથી (પ્રેમથી) ખોટું બોલે કાંતો કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેના દ્વેષથી (વેરથી) ખોટું બોલે. જેને આ જગતના કોઈપણ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે રાગ જ નથી કે દ્વેષ જ નથી. જે અલિપ્ત થઈ ગયા છે એને પછી જગતના લોકોને ખોટું જણાવવાની જરૂર શું હતી કે, ભાઈ આ દેવલોક છે એમાં આવું આવું હોય, આ નરકલોક છે, તેમાં આવી સાત પ્રકારની નારકી હોય. આવું બધું દુઃખ હોય... લોકોને ડરાવી ને એમને લોકો પાસેથી શું લઈ લેવું હતું? મહાવીર એમ શું કામ કે’ત કે ‘હું પણ નરકે જઈ આવ્યો છું’ અને ધારો કે એ ખોટું બોલ્યા હોય તો આપણે એમને ભગવાન તરીકે પૂજવાની જરૂર શું છે? જો ભગવાન જ જૂઠું બોલતા હોય તો એને ભગવાન મનાય જ શી રીતે? જો કોઈ વ્યક્તિ નાની બાબતમાં પણ આપણી સાથે ખોટું બોલે તો આપણને એના પ્રત્યે સારો ભાવ રહેતો નથી. તો પછી જેની તમે પૂજા કરો છો, જેની ભક્તિ કરો છો, એના માટે એમ પણ માનો છો કે એ જુઠું બોલ્યા છે, એ ખોટું બોલ્યા છે, તો એ તિર્થંકરો પ્રત્યે તમારા હૃદયમાં પૂજ્યભાવ રહેશે કેવી રીતે? માટે પહેલા તો એ શ્રદ્ધા જરૂરી છે કે મારા ભગવાનને કેવળજ્ઞાનના પ્રકાશમાં જે દેખાયું તે જ તેમણે કહ્યું છે. એમને સાત નરક દેખાઈ તો સાત જ કીધી છે, આઠ નથી કીધી. એમને જેવું દેખાયું તેવું આબેહૂબ તેમણે વર્ણન કર્યું છે. આપણો જીવ પણ આપણને આંખેથી દેખાતો નથી, આ હવા પણ દેખાતી નથી. દેવ-દેવીઓ પણ આંખેથી દેખાતા નથી છતાં આપણે બધાં, જૈન હોય કે અજૈન દરેક જણ દેવ-દેવીના અસ્તિત્વને સ્વીકારે છે. જીવ તથા હવાના અસ્તિત્વને સ્વીકારે છે. તો પછી જે ભગવાને આપણને દેવલોક બતાવ્યો છે તે જ ભગવાને આપણને નરકલોક બતાવ્યો છે. તો પછી ‘નરક છે’ જ એમ માનવામાં શું હર્જ છે? કોઈપણ પાપીને એના પાપની સજા કરવાની આપણા માનવો પાસે કેટલી શક્તિ છે? ધારો કે કોઈ એક જણે એક હત્યા કરી છે ને કોઈ બીજાએ સો જણની હત્યા કરી છે. આપણે માનવીઓ આ બંનેને વધુમાં વધુ એક વખત મોતની સજા ફટકારી શકીશું. એકના હત્યારાને પણ એક વખત મોત ને સોના હત્યારાને પણ એક વખત મોત? શું આ ન્યાય છે? સોના હત્યારાને એક વખતની હત્યાનું ફળ અહીં મળી શકે છે. પણ બાકીના 99ની હત્યાની સજા ભોગવવા એણે નરકમાં જવું પડે છે. (આ તો ફક્ત સમજવા માટેનું તુચ્છ ઉદાહરણ આપ્યું છે.) માટે એ પૂર્ણ શ્રદ્ધાથી માનજો કે મારા ભગવાને જે ચાર ગતિની વાત કરી છે તેમાં કાંઈજ ખોટું નથી.

સ.113 દેવલોક નરક બધા વિષે બધું જાણવાની આપણે શું જરૂર છે?

જ.113 અરે! આપણે એક ઘર છોડી બીજા ઘરમાં રહેવા જવાનું હોય તો આપણે નવા ઘર વિષે કેટલી બધી જાણકારી મેળવીએ છીએ? એ ઘર કેવું છે? ક્યાં છે? બારી દરવાજા કેટલા છે? બરાબર હવા ઉજાસ આવે છે કે નહિ? એરિયા-લોકેશન કેવું છે? બધું જ જાણીને પછી નવા ઘરમાં જઈએ છીએ કે એમને એમ જે ઘર આવ્યું તેમાં ઘૂસી જઈએ છીએ? જો આ જન્મના એક ઘર વિશે આટલી બધી જાણકારી તો પછી આ દેહ છોડી, જ્યાં બીજો દેહ ધારણ કરવાનો છે એ દેવલોક કેવું છે? એ નરક લોક કેવું છે? તિર્યંચ તથા મનુષ્ય લોક કેવું છે? એના વિશે કાંઈ જ જાણકારી નહી મેળવવાની? અહીંથી આ દેહ છોડી જવાનું છે એતો નક્કી જ છે ને? કે એમાં પણ કોઈને શંકા છે? જે ૠષભદેવ કે

મહાવીર ભગવાન જે દેહને નથી રાખી શક્યા તેને આપણે શું રાખી શકવાના હતા? તો પછી જ્યાં જવાનું નિશ્ચિત છે તેની જાણકારી તમે મેળવશો તો મંઝિલ નિશ્ચિત થશે કે ક્યાં જવા જેવું છે? ને મંઝિલ નિશ્ચિત થશે તો એ માટેનો પ્રયત્ન થશે. જ્યારે દેવલોક વિષેની પૂરેપૂરી જાણકારી મેળવશો ત્યારે દેવલોક એટલે તો સુખ જ સુખ. એ ભ્રમણા મગજમાંથી નીકળી જશે ને એ ભ્રમણા નીકળશે તોજ મોક્ષમાંજ સાચુ સુખ છે એ વાત મગજમાં બેસસે ને તે માટેનો સાચો પ્રયત્ન શરૂ થશે.

આ એકજ માનવ જન્મ એવો છે કે એમાં તમે દેવલોક-નરક-તિર્યંચને મનુષ્ય ગતિ વિશે રજે રજ માહિતી મેળવી શકશો. (એય આપણા મહાઉપકારી ભગવંત આપણને કહી ગયા છે માટે) ને તોજ નક્કી કરી શકશો કે તમારે જવું છે ક્યાં? ને ક્યાં જવું છે તે નક્કી થશે તો જ તે માટેનો યથાર્થ પુરૂષાર્થ થશે. બાકી કયા સ્ટેશને ઉતરવું છે તે નક્કી કર્યા વગર તમે આખો દિવસ ટ્રેનમાં બેસી રહેશો. તો પણ મંઝિલે નહીં પહોંચી શકો.

49

 

સ.114 મને એમ થાય છે કે ભલે ને ચારેય ગતિમાં આપણો જીવ ભટક્યા જ કરે... જ્યારે સુખ મળશે ત્યારે સુખ ભોગવી લેશું ને દુઃખ મળશે ત્યારે દુઃખ ભોગવી લેશું. મોક્ષમાં જવાની શું જરૂર છે?

જ.114 તમારી વાત બરાબર છે. જો કાયમ માટે એમ જ થયા કરતું હોય તો આપણે કદાચ એમ કરત. પણ ના.. કુદરત ત્યાં પણ આપણને લાલબત્તી બતાવે છે. એ લાલબત્તી છે ટાઈમ લિમિટની. એ ટાઈમ લિમિટ છે બે હજાર. સાગરોપમ વર્ષ. (એક સાગરોપમ એટલે કેટલા વર્ષ તે મેં સવાલ નં. 27 માં સમજાવ્યું છે) જે ઘડીએ, જે ક્ષણે આપણો જીવ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી વ્યવહાર રાશિમાં આવ્યો ત્યારથી બે હજાર સાગરોપમ વર્ષની ટાઈમલિમિટ આપણને મળે છે. તેમાંય સંજ્ઞી પંચેન્દ્રિયપણું તો ફક્ત એક હજાર સાગરોપમ વર્ષ માટે જ મળે છે. એ સમય દરમ્યાન કોઈપણ જીવ જો પુરૂષાર્થ કરીને મોક્ષે ન પહોંચ્યો તો પાછો નિગોદ-એકેન્દ્રિયમાં અનંતા અનંત વર્ષ માટે દુઃખ ભોગવવા માટે ચાલ્યો જાય છે. આ કુદરતનો અટલ નિયમ છે ને જો પાછા ફરીથી નિગોદમાં ચાલ્યા ગયા તો પછી બહાર નીકળવા માટેનો કોઈ નિયમ નથી. પહેલી વખતનો એવો નિયમ હતો કે એક જીવ સિદ્ધપદને પામે એટલે એક જીવ નિગોદમાંથી બહાર નીકળે.

આપણો જીવ પણ ત્યારેજ બહાર નીકળ્યો હશે જ્યારે એકજીવ સિદ્ધપદને પામ્યો હશે. પરંતુ જો ફરીથી નિગોદમાં પહોંચી ગયા તો બહાર નીકળવા માટે કોઈ નિયમ નથી. પછી ભલે અનંતા અનંત વર્ષ નિગોદમાં જન્મ-મરણના દુઃખ ભોગવ્યા જ કરો. એવું નથી કે એકવાર તું રાજા થઈ ગયો એટલે હવે પ્રજા થવાનું જ નથી. માટે હે જીવ! તું નિગોદમાંથી બાહર તો નીકળી ગયો છે, પરંતુ હવે તારા માટે બેજ ચોઈસ છે, કાંતો પુરૂષાર્થ કરી મોક્ષમાં પહોંચ - કાંતો પાછો એકેન્દ્રિય નિગોદમાં પહોંચી જા. (ચોઈસ ઈઝ યોર્સ) પસંદગી તારા હાથમાં છે.

સ.115 સંસાર એટલે જ દુખ એમ દૃઢ પણે માનુ છું. બાહ્ય વસ્તુમાંથી મળતું સુખ એ સાચું સુખ નથી એમ પણ માનુ છું. જન્મ - મરણ એટલે જ દુઃખ એમ પણ માનું છું. પણ એ સમજણ નથી પડતી કે સિદ્ધ પદને પામ્યા પછી તો જીવ નિર્લેપ બની જાય છે. એકજ જગ્યાએ સ્થિર થઇ જાય છે. કોઇ પ્રવૃત્તિ જ નથી તો પછી સુખ શાનું?

જ.115 તમારા સવાલમાં જ આ સવાલનો જવાબ સમાયેલો છે. સંસારમાં રહેલો જીવ અનેક પ્રવૃત્તિ કરે છે. છતાંય તેને સુખ મળતું નથી. માટે પ્રવૃત્તિમાં સુખ નથી એમ નક્કી થઈ ગયું. સંસારમાં સુખ છે જ નહિ એમ તમે દૃઢ પણે માનો છો એટલે એતો સમજાવવાની જરૂર નથી. સંસારમાં આપણે જન્મ્યા ત્યારથી પ્રવૃત્તિમય જ હોય છે. જન્મવું એય પ્રવૃત્તિ, મરવું એય પ્રવૃત્તિ, ખાવું, પીવું, હાલવું, ચાલવું, બોલવું, શ્વાસ લેવો મૂકવો, બધીજ પ્રવૃત્તિ.

અરે વિચારો કર્યા કરવા એય પ્રવૃત્તિ. જીવ નરકમાં જાય કે તિર્યંચ, દેવગતિમાં જાય કે મનુષ્યમાં જાય, સતત પ્રવૃત્તિમય જ હોય છે. સંસાર એટલે ચારેય ગતિ - ચારેય ગતિ એટલે પ્રવૃત્તિ જ પ્રવૃતિ. આટ આટલી પ્રવૃત્તિ કરવા છતાંય આપણને સંસારમાં સુખ નથી એનો અર્થ એ થયો કે પ્રવૃત્તિ રહિત પણું એટલે સુખ જ સુખ મોક્ષમાં પ્રવૃત્તિ રહિતપણું એ જ સુખ છે. તમે મને એમ કહેશો કે.. ખણજ ઉપડયા પછી જે ખણીએ ને ત્યારે સુખ લાગે તે સાચું સુખ કે ખણજ ઉપડે જ નહિ એવી પરિસ્થિતિને સુખ કહેશો? ભૂખ લાગ્યા પછી ભોજન મળે ને તૃપ્તિ થાય તેને સુખ કહેશો કે ભૂખ લાગેજ નહિ સદા તૃપ્ત જ રહેવાય એવી સ્થિતિને સુખ કહેશો? શરીરમાં દર્દ ઉપડે ને દવાથી દર્દનું શમન થાય એને સુખ કહેશો કે દર્દ ઉત્પન્ન જ ન થાય એવી સ્થિતિને સુખ કહેશો? ટેમ્પરરી ભાડેથી મળેલા ઘરમાં વધારે સુખ કે કાયમ માટે પોતાનીજ માલિકીના ઘરમાં રહેવામાં વધુ સુખ? જન્મ-મરણ એજ મોટું દુઃખ છે તો મોક્ષમાં જન્મ-મરણ રહિતપણું એજ મોટુ સુખ છે. એમ માનવામાં શું હર્જ છે? જ્ઞાની તો એમ પણ નથી કહેતાં કે જ્યારે મોક્ષમાં જશો ત્યારે જ ખબર પડશે કે મોક્ષમાં કેવું સુખ છે, જ્ઞાની તો એમ કહે છે કે આ જન્મમાં કે બીજા કોઈપણ જન્મમાં જે ઘડીએ, જે ક્ષણે આત્માને સમકિતની પ્રાપ્તિ થશે ત્યારે જ તે ઘડીએ જ મોક્ષનું સુખ કેવું હશે એનો એક અંશ ચાખી લેશો.

સ.116 દેવલોક એટલે આપણી ઉપર આકાશમાં જ ને?

જ.116 સામાન્ય રીતે આપણા બધાની માન્યતા એવી જ હોય છે કે દેવ એટલે ઉપર. કોઈ મૃત્યુ પામે તો દેવલોક સિધાવ્યા કહીને આંગળી ઉપરજ બતાવીએ છીએ. પરંતુ એવું નથી. દેવો ત્રણેય લોકમાં છે. આપણી નીચે અધોલોકમાં પણ દેવો રહે છે, મધ્યલોકમાં પણ રહે છે ને ઉર્ધ્વલોકમાં પણ રહે છે. પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક દેવ ધરણેન્દ્ર અને દેવી પદ્માવતીના ભવનો પણ આપણી નીચે અધોલોકમાં જ છે.

51

 

સ.117 દેવોના મુખ્ય પ્રકાર કેટલા? કયા પ્રકારના દેવો ક્યાં રહે છે?

જ.117 દેવોના મુખ્ય ચાર પ્રકાર છે. તિજયપહુત્ત સ્તોત્રની 12મી ગાથામાં આવે છે ને... ‘ભવણવઈ વાણવંતર, જોઈસવાસી વિમાણવાસીઅ’ ભવનપતિ દેવો અધોલોકમાં, વ્યંતર અને જ્યોતિષ્ક દેવો મધ્યલોકમાં અને વૈમાનિક દેવો ઉર્ધ્વ લોકમાં રહે છે.

સ.118 ત્રણેય લોક સમજાવો.

જ.118 અત્યારે જેમ આપણે ઉંચાઈ સી-લેવલથી (દરિયાની સપાટીથી) માપીએ છીએ તેમ આપણા શાસ્ત્રમાં ઉંચાઈ મેરૂપર્વતની સપાટીથી (સમભૂતલાથી) જણાવવામાં આવે છે. મેરૂપવર્તની સપાટીથી 900 યોજન ઉપર ને 900 યોજન નીચે તરફ એટલે કે કુલ 1800 યોજનનો વિસ્તાર મધ્યલોક કહેવાય છે. તેનું બીજું નામ તિર્ચ્છા લોકપણ છે. આ મધ્યલોકની ઉપરનો ભાગ ઉર્ધ્વલોકને નીચેનો ભાગ અધોલોક કહેવાય છે.

સ.119 મધ્યલોકમાં કોણ કોણ રહે છે?

જ.119 મધ્યલોકમાં આપણે મનુષ્યો, તિર્યંચો અને વ્યંતર, વાણવ્યંતર, જૃંભકા તથા જ્યોતિષ્ક દેવો રહે છે. આપણે રત્ન પ્રભા નામની પૃથ્વીની ઉપરની સપાટી પર રહીએ છીએ. ત્યાંથી ફક્ત 10 યોજન નીચે જાઓ એટલે પછીના 80 યોજનમાં વાણવ્યંતર દેવોનું તથા જૃંભકાદેવોનું નિવાસસ્થાન છે. તેની નીચેનો 10 યોજનનો ભાગ ખાલી છે. તે છોડીને પછીના 800 યોજનમાં વ્યંતર દેવો રહે છે. આમ 8 પ્રકારના વ્યંતરદેવો, 8 પ્રકારના વાણવ્યંતરદેવો અને 10 પ્રકારના જૃંભકા દેવો મળીને કુલ 26 પ્રકારના વ્યંતરનિકાયના દેવો છે. તેમના ઉત્તરના ને દક્ષિણના મળીને કુલ 32 ઈંદ્રો છે. આ દેવોના ભવનો નગર જેવા વિશાળ ને રત્નમય હોય છે. તેઓ પોતાની ઈચ્છાથી તથા બીજાની પ્રેરણાથી ભિન્ન ભિન્ન જગ્યાએ જાય છે. આમાંથી કેટલાંક મનુષ્યની સેવા પણ કરે છે, મનુષ્યના ગુલામ પણ થઈ જાય છે ને તેની આજ્ઞા પ્રમાણે બીજાને દુઃખ ત્રાસ પણ આપે છે.

કેટલાક દેવોને તેવું કરવામાં આનંદ પણ આવે છે. શું આવા વ્યંતરનિકાયના દેવો બનવાનું પસંદ કરશો? 52

 

સ.120 વ્યંતર અને વાણવ્યંતર દેવોના નામ આપો.

જ.120 આઠ પ્રકારના વ્યંતરદેવો (1) પિશાચ (2) ભૂત (3) યક્ષ (4) રાક્ષસ (5) કિન્નર (6) કિંપુરૂષ (7) મહોરગ (8) ગંધર્વ. આઠ પ્રકારના વાણવ્યંતરદેવો (1) આણપન્ની (2) પાણપન્ની (3) ઈસીવાઈ (4) ભૂઈવાઈ (5) કંદીય (6) મહાકંદીય (7) કોહંડ (8) પયંગદેવ.

સ.121 જૃંભકાદેવો વિશે સમજાવો. તેમના નામ અને કામ કહો?

જ.121 એ પણ વ્યંતર નિકાયનાજ દેવો છે. સદા ક્રીડામાં લીન રહે છે. દિવસ તથા રાત્રિના ત્રણેય કાળમાં એટલે કે સંધ્યાવેળાએ, મધ્યરાત્રીએ, સવારે ને બપોરે અસ્તુ, અસ્તુ કરતા ફરે છે. (જે હસતું હોય તે હસતું રહેજો ને જે રોતુ હોય તે રોતું રહેજો એમ કહે છે.) માટે તેવા સમયે જેમ તેમ ન બોલવું. પહાડ, પર્વત, ઝાડ ઉપર, ઝાડ નીચે આદિ મનોહર જગ્યાએ વાણવ્યંતર દેવો આવે છે તથા વસે છે. તિર્ચ્છાલોકમાં આવેલ વૈતાઢય પર્વત પર પણ આ દેવો આવીને વસે છે. તેથી તો તિર્યંગ્‌જૃંભકદેવો કહેવાય છે. પરમાત્મા મહાવીરદેવનો જન્મ થયો ત્યારે સિદ્ધાર્થ રાજાના રાજભવનમાં ધનધાન્ય, વસ્ત્ર, સુવર્ણ, રત્ન વગેરેની વૃદ્ધિ કરવાવાળા આ દેવો છે. પરમાત્માના પ્રચંડ પુણ્યથી ખેંચાયેલા આ દેવો જ્યારે જ્યારે પરમાત્માના પારણા થાય ત્યારે ઓછામાં ઓછા 12.5 લાખ ને વધુમાં વધુ 12.5 કરોડ સોનૈયાની વૃષ્ટિ કરે છે. તેમના નામ અને કામ આ પ્રમાણે છે (1) આણજૃંભકા ઃ ભોજનના પરિમાણને વધારવું, ઘટાડવું, સરસ-નિરસ કરવું (2) પાણજૃંભકા ઃ પાણીને ઘટાડવું, વધારવું (3)લયણજૃંભકા ઃ ઘર આદિની રક્ષા કરવી.

(4) સયણજૃંભકા ઃ શય્યાઆદિની રક્ષા કરવી (5) વત્થજૃંભકા ઃ વસ્ત્રને વધારવા-ઘટાડવા (6) પુષ્પજૃંભકા ઃ ફૂલોની રક્ષા કરવી (7) ફળજૃંભકા ઃ ફલોની રક્ષા કરવી.

(8) બીયજૃંભકા ઃ ફૂલ-ફળ-બીજની રક્ષા કરવી.

(9) વિજ્જુજૃંભકા ઃવિદ્યાઓની રક્ષા કરવી.

(10) અવિયતજૃંભકા ઃ ઘરવખરી વગેરે બધા પદાર્થોની રક્ષા કરવી.

સ.122 વ્યંતર નિકાયના દેવોનું અવધિજ્ઞાન કેટલું? આયુષ્ય કેટલું? વિષયસુખ કેવી રીતે ભોગવે?

જ.122 આયુષ્ય ઓછામાં ઓછું 10,000 વર્ષ ને વધુમાં વધુ બે પલ્યોપમમાં થોડુંક ઓછું હોય છે. જેટલું પણ આયુષ્ય હોય તેટલું પોતાને જીવવું હોય કે ન જીવવું હોય તે ભોગવવું જ પડે. અવધિજ્ઞાન ઓછામાં ઓછું 25 યોજન સુધી જોઈ શકે. વધુમાં વધુ ઉંચે જ્યોતિષદેવલોકના તળા સુધી, નીચે પહેલી નરક સુધી ને ત્રાંસુ (તિર્ચ્છા) સંખ્યાતા દ્વીપ સમુદ્રોસુધી દેખે ને જાણે. વિષયસુખ મનુષ્યની માફક જ કામભોગનો અનુભવ કરે છે.

પ્રત્યેક ઈંદ્રને ચાર-ચાર દેવી એક એક હજારના પરિવાર સહિત બધી દેવીઓ હજાર હજાર વૈક્રિય રૂપ કરી શકે.

સ.123 આ દેવ બનવાની તો મજા પડી જાય? શું કરીએ તો આવા દેવ બનાય?

જ.123 સર્વે જીવો અનંતીવાર વાણવ્યંતરમાં ઉત્પન્ન થઈને આવ્યા પણ એ પૌદ્‌ગલિક સુખથી સિદ્ધિ થઈ નહી. વ્યંતરનિકાયના દેવો પ્રાયઃ કરીને મોટો ભોગ મિથ્યાત્વી દેવો હોય છે. જે મરીને મોટા ભાગે એકેન્દ્રિય - પૃથ્વીકાયમાં ચાલ્યા જાય છે ને અનંતા અનંત વર્ષો સુધી દુઃખ ભોગવે છે.

વળી અકામ નિર્જરા કરતાં કરતાં ક્યારેક પાછા મનુષ્ય ભવ પામે છે. પરંતુ સત્યજ્ઞાન વિના ગરજ સરતી નથી. આત્માનો ઉદ્ધાર થતો નથી. તેઓને એકબીજાની ઈર્ષ્યા સતાવતી હોય છે. તેઓ એકબીજાની દેવીઓને ઉપાડી જતાં હોય છે. મારામારી કરે છે. વર્ષોના વર્ષો સુધી યુદ્ધો કરે છે. દેવી મરી જતાં ઝૂરી ઝૂરીને રડે છે. શું તમે એવા દેવ બનવાનું પસંદ કરશો? શું એવી ઈંદ્રાણી બનવાનું પસંદ કરશો કે જે ઈંદ્રના જીવનમાં એક નહી અનેક ઈંદ્રાણીઓ હોય? આટલા તપ-જપ વગેરે કરીને આવા દેવના ભવ મેળવો ને ત્યાં જઈને પાછા ભોગ-રાગ-ઈર્ષ્યા-નિંદાના ચક્કરમાં ફસાવાનું? હું તારાથી બળવાન છું તે બતાવવા યુદ્ધો કરવાના? ને આ બધું કરીને પાછું એકેન્દ્રિયમાં ફેંકાઈ જવાનું? ધર્મી માણસ હોય પણ જો દ્વેષભાવ રાખીને ધર્મ કરે તો મરીને વ્યંતરદેવ થાય છે. એટલે ધર્મ જરૂર કરો પણ અંદર દ્વેષભાવ રાખીને નહીં... માયાકપટ રાખીને નહીં... રાજરમત રમીને (પોલીટિક્સ) નહિ... આ ખરાબ, આ સારો આને આમ કરી નાખું, અને આમ બતાવી દઉં, આનાથી આમ ચડિયાતો સાબિત થાઉં એવી વેરભાવનાથી નહી... બદલાની ભાવનાથી નહીં. આપણે બુદ્ધિશાળી પ્રજા છીએ એટલે સામેલું તમને ઉલ્લુ બનાવતું હશે તો ક્રોધ આવી જશે. પરંતુ એમાં જો સ્વ-પરનું બહુ અહિત ન થતું હોય તો... અંતરમાં ક્ષમા નામના ગુણને હાજર કરી બુદ્ધિનો ઉપયોગ કરવાને બદલે બુદ્ધુ બની જવામાં વધારે આત્મહિત છે. મૌન સાધવામાં વધારે હિત છે નહિ તો ધર્મ કરીનેય વ્યંતર દેવલોકમાં ચાલ્યા જતાં વાર નહી લાગે. લોકો જાણશે કે ધર્મી જીવ હતો. દેવલોકમાં જ ગયો હશે આવા વ્યંતર દેવલોકમાં ચાલ્યા ગયા તો? વિચારીને વિશુદ્ધ બનવું.

સ.124 આપણી નીચે અધોલોકમાં બીજા કયાં દેવો રહે છે? કયાં રહે છે?

જ.124 અધોલોકમાં ભવનપતિ દેવો રહે છે. આપણે જે રત્ન પ્રભા નામની પૃથ્વીની સપાટી પર રહીએ છીએ તે એકલાખ એંશી હજાર જોજન જાડી છે. જેમાં ઉપર નીચેના એકેક હજાર છોડી દો તો બાકીના વચ્ચેના એક લાખ અઠ્યોતેર હજાર યોજનમાં ભવનપતિ દેવો ને પહેલી નારકીના જીવો રહે છે. આ એકલાખ અઠયોતેર હજાર યોજનના એક ઉપર એક એમ પચ્ચીશ ભાગ કરો તો એકી સંખ્યાવાળા ભાગમાં (1,3,5..) નારકના જીવો રહે છે જેને પ્રતર કહે છે. અને બેકી સંખ્યા વાળા ભાગમાં (2,4,6) ભવનપતિ દેવો રહે છે જેને અંતર કહેવાય છે. આમ કુલ 12 અંતરને તેર પ્રતર છે. પ્રતર 1 અને 13 ખાલી છે.

સ.125 ભવનપતિ દેવોના નામ કહો?

જ.125 (1) અસુરકુમાર (2) નાગકુમાર (3) સુવર્ણકુમાર (4) વિદ્યુતકુમાર (5) અગ્નિકુમાર (6) ઉદધિકુમાર (7) દ્વીપકુમાર (8) દિસિકુમાર (9)

વાયુકુમાર (10) સ્તનિતકુમાર (મેઘકુમાર)

સ. 126 આ દેવો ભવનપતિ દેવ તરીકે કેમ ઓળખાય છે? તેઓને કુમાર કેમ કહેવામાં આવે છે.

જ. 126 તેઓ મોટે ભાગે આવાસોમાં ને ભવનોમાં રહે છે. આવાસ મંડપ જેવા ને ભવનો નગર જેવા હોય છે. એટલે તેમને ભવનપતિ કહેવાય છે. કુલ સાત ક્રોડને બહોંતેર લાખ ભવનો છે. દરેક ભવનમાં દેરાસર છે. તેઓ કુમારની માફક દેખાવમાં મનોહર, સુકુમાર તથા મૃદુ મધુર ગતિવાળા, ક્રિડાશીલ હોય છે. આ દેવો હસે છે, રમે છે, કિલ્લોલ કરે છે. છેલબટાઉ કુમાર જેવા છે માટે કુમાર કહેવાય છે.

સ. 127 પરમાધામી કોને કહેવાય? તેઓના નામ આપો.

જ. 127 તે પણ એક પ્રકારના દેવ જ છે. ભવનપતિ દેવોમાં અસુરકુમાર નામના જે દેવ કહ્યા તેમાંનાજ કેટલાક વિચિત્ર સ્વભાવવાળા દેવ છે. જેમ આપણે ત્યાં 55

 

કેટલાક મનુષ્યો વિચિત્ર સ્વભાવના હોય કે જેઓને પશુ-પંખી કે અન્ય માનવોને હેરાન કરવાનો, ત્રાસ આપવાનો શોખ હોય છે તેમ પરમાધામી દેવોને પણ બીજાને ત્રાસ આપવામાં મજા આવે છે. બીજાના દુઃખ જોઈને સુખી બને છે. બીજાની હેરાનગતિમાં આનંદ અનુભવે છે.

આ પરમાધામી દેવો પહેલી બીજી ત્રીજી નરક સુધી જઈને ત્યાંના જીવોને હેરાન પરેશાન કરે છે. નરકના જીવોને ત્રાસ આપવાનું આ કાર્ય તેમને કોઈએ સોંપ્યુ નથી પણ પોતાના તેવા અટકચાળા, તોફાની સ્વભાવને કારણે તેઓ પોતાની રીતે જ નરકીને જુદા જુદા પંદર પ્રકારની પીડા આપે છે. તેથી તેઓ પંદર પ્રકારના છે. (1) અંબ (2) અંબરિસ (3) સામ (4)

સંબલ (5) રૂદ્ર (6) વૈરૂદ્ર (7) કાળ (8) મહાકાળ (9) અસિપત્ર (10)

ધનુષ્ય (11) કુંભ (12) વાલુ (13) વૈતરણી (14) ખરસ્વર (15)

મહાઘોષ. દેવગતિ એટલે સદ્‌ગતિ, સદ્‌ગતિ કરીને, દેવગતિ મેળવવાની ઈચ્છાઓ કર્યા કરીને અંતે આવા પરમાધામી દેવ બની ગયા તો? શું આવા પરમાધામી દેવ બનવા ઈચ્છશો?

સ.128 કેવા જીવો પરમાધામી દેવ બને?

જ.128 જે જીવો બીજાને ત્રાસ આપતા હોય, હેરાન કરવાના સ્વભાવવાળા હોય, તેમાં જ તેને આનંદ આવતો હોય તેઓ પરમાધામી દેવ બની શકે. એવું માની લેવાની જરૂર નથી કે મેં આ જન્મમાં તો કાંઈ પાપ કર્યુ નથી એટલે હું પરમાધામી દેવ તો નહી જ બનું. ભલે આ જન્મમાં આપણે એવું કાંઈ કાર્ય ન કર્યું હોય, પરંતુ આગલા અનંત જન્મોમાં શું કરી આવ્યા છીએ તે આપણને કયાં ખબર છે? સમજીલો કે આગલા કોઈક જન્મમાં એવું ક્રૂર, પર ને ત્રાસદાયક કર્મ કર્યુ. એટલે પરમાધામી બનવા યોગ્ય પાપ કર્મ જમા કર્યુ. પરંતુ પરમાધામી એ પણ દેવ છે. દેવોને હજારો વર્ષનું આયુષ્ય હોય, સુખશીલતા વાળું વૈક્રિય શરીર હોય, અવધિ જ્ઞાન હોય... હવે પરમાધામી દેવ બનવા માટે આ બધું પુણ્યકર્મ પણ જમા કરવું પડે કે નહિ? કોઈ પણ દેવ બનવા માટે આ બધું પુણ્ય કર્મ તો જોઈએ કે નહિ? જ્યાં સુધી એટલું પુણ્યકર્મ જમા ન થાય ત્યાં સુધી પેલું પાપ કર્મ (પરમાધામી બનવા યોગ્ય) સત્તામાં પડ્યું રહેશે, જે ઘડીએ એટલું પુણ્યકર્મ જમા થઈ ગયું, તે ઘડીએ પેલું પાપ કર્મ ફળ આપવા માટે હાજર થઈ જશે ને પરમાધામી દેવની ગતિમાં જીવને લઈ જશે. આ તો એવું છે ને કે કઢી બનાવવી છે, તે માટે ચણાનો લોટ, ગેસ, તેલ, મસાલો બધું છે પણ જ્યાં સુધી છાસ નથી ત્યાં સુધી બધું એમને એમ પડ્યું રહેશે જેવી છાસ મળી કે કઢી બની જશે. એક ઉદાહરણથી આ વાત સમજીએ. રાજા ધૃતરાષ્ટ્રને પચાસ જન્મો પહેલાં એવું બન્યું કે તે પોતે એક પારધી હતો અને વૃક્ષ પર બેઠેલા પક્ષીઓને પકડવા સળગતી જાળ એણે વૃક્ષ પર નાખી તેમાંથી બચવા કેટલાક પક્ષીઓ ઉડી ગયા પરંતુ તે આંધળા થઈ ગયા, ને બાકીના નાના એકસો પંખીઓ બળીને ખાક થઈ ગયા. એને લીધે એણે એવું કર્મ બાંધ્યું કે પોતે આખો જન્મ અંધાપો વેઠે ને તેના 100 પુત્રો એક સાથે હણાય. કર્મ તો બાંધી લીધું પણ સામે સો પુત્રો પ્રાપ્ત થાય એવું પુણ્યકર્મતો જોઈએ કે નહીં? પુણ્ય વગર તો એક પુત્ર પણ પ્રાપ્ત થતો નથી. ફરીથી માનવજન્મ ને સો પુત્રો પ્રાપ્ત કરવા જેટલું પુણ્ય ભેગું કરતાં કરતાં બીજા પચાસ ભવ નીકળી ગયા. અને જ્યારે એટલું પૂણ્ય જમા થયું. ત્યારે 50 જન્મ પહેલાં કરેલું પાપ ફળ આપવા હાજર થઈ ગયું. પોતે આખો જન્મ અંધાપો વેઠ્‌યોને તેના સો પુત્રો એકસાથે હણાયા. માટે એવું પણ બની શકે કે કોઈ જન્મમાં તીવ્ર પાપકર્મ કરીને આવ્યા હો... પરંતુ દેવ બનવા યોગ્ય પૂણ્યકર્મ જમા ન હોય... તો આ જન્મમાં બાકીનું પુણ્યકર્મ કરીને પરમાધામી દેવના ભવમાં પણ પહોંચી જઈએ. માટે કોઈ ગતિ ઈચ્છવા જેવી નથી, ઈચ્છા કરવી એજ અધર્મ છે. જેટલી ઈચ્છાઓ કર્યા કરશો, ભવમાં વધારો થતો જ જશે. માટે નિશ્ચય માનજો કે મોક્ષ સિવાય કાંઈ મેળવવા જેવું નથી.

સ.129 શું પરમાધામી દેવો પોતે પાપ કર્મ ન બાંધે? તે કેવી રીતે ભોગવે?

જ.129 પરમાધામી દેવો પણ બીજાને દુઃખ આપવાને કારણે પાપકર્મ બાંધે.

મરીને તેઓ તે કર્મને ભોગવવા અંડગોલિક મનુષ્ય તરીકે ઉત્પન્ન થાય. તે મનુષ્યો ઉંચી કદાવર કાયાવાળા માંસાહારી તથા જમીન પર પણ ચાલી શકે ને પાણીમાં તરી શકે એવા હોય છે. રત્ન દ્વિપના વેપારીઓને દરિયામાંથી રત્નો લેવા હોય છે. જળચર પ્રાણીઓ પોતાને ગળી ન જાય, દૂર રહે ને દરિયામાં ડૂબી ન જવાય તે માટે તેમને આ અંડગોલિક મનુષ્યોના અંડકોશમાં રહેલી ગોળીઓની જરૂર પડે છે. તે મેળવવા માટે આ વેપારીઓ મોટા વહાણમાં મોટી ઘંટીના એક પડ ઉપર ખૂબ બધા માંસના ટૂકડા ગોઠવીને ઘંટીના બીજા પડની પાછળ છૂપાઈ જાય છે. વચ્ચે દરિયામાં માંસના પેકેટ ફેંકે છે. તેની સુગંધથી આકર્ષાઈને અંડગોલિક મનુષ્યો (પરમાધામીના જીવ) માંસ ખાવા માટે છેક ઘંટીના પડ પર આવીને બેસી જાય છે. તક જોઈને વેપારીઓ ઘંટીનું બીજું પડ તેમની ઉપર ગોઠવે છે ને લગાતાર છ મહિના સુધી તેમને પીલવાનું ચાલુ રાખે છે છેવટે ભયાનક પીડા સહન કર્યા બાદ છ મહિને તેઓ મરે છે. વેપારીઓ તેમનું શરીર પીલાયા બાદ રહી ગયેલી ગોળીઓ મેળવે છે. ચમરી ગાયની પૂંછડીના સુંવાળા વાળના બે છેડે આ ગોળીઓ લગાડી ને કાન ઉપર લટકાવી તેઓ દરિયામાં ડૂબકી મારે છે. અંડગોલિક બનેલા પૂર્વભવના આ પરમાધામી દેવો મરીને પોતાના કર્મો પ્રમાણે દુઃખો ભોગવવા નરકના જીવ તરીકે નરકમાં પહોંચી જાય છે. હજી પણ લાગે છે કે સદ્ગતિ માંગવા જેવી છે? અંડગોલિક મનુષ્ય કે પરમાધામી દેવ જેવા ભવમાં પહોંચી ગયા તો? જ્યાં સુધી ‘મોક્ષથી ઓછું કાંઈ માંગવા જેવું જ નથી’ એ ભાવના હૃદયમાં ફીટ નહી બેસે ત્યાં સુધી રખડવાનું નક્કી જ છે. જો સ્ટેશન નક્કી થઈ જાય તો જ મંઝિલે પહોંચી શકાય.

સ.130 ભવનપતિ દેવોની ઉંચાઈ, આયુષ્ય તથા શ્વાસોશ્વાસ વિશે જણાવો.

જ.130 ભવનપતિ દેવોની ઉંચાઈ સાત હાથની છે. ભવનપતિ દેવોનું ઓછામાં ઓછું આયુષ્ય દસ હજાર વર્ષનું છે. કોઈપણ પ્રકારના દેવ હોય તેનું ઓછામાં ઓછું આયુષ્ય દસ હજાર વર્ષ તો હોય જ. આ આયુષ્ય પાછું નિરૂપક્રમ હોય એટલે કે વચ્ચેથી તૂટે નહી. એટલે વ્યંતર કે પરમાધામી દેવ જેવી ગતિમાં ચાલ્યા ગયા એટલે ઓછામાં ઓછું દસ હજાર વર્ષ તો ત્યાં કૂટાવાનું જ. પરમાધામી એટલે ભવનપતિમાં અસુર નિકાયના દેવો. આ અસુરકુમાર નિકાયના દેવોનું આયુષ્ય તો એક સાગરોપમથી અધિક હોય છે. બોલો હવે ઈચ્છાએ કે અનિચ્છાએ એક સાગરોપમ સુધી આ ગતિમાં ઠોકાયા કરવાનું છે. છે ઈચ્છા દેવ બનવાની? ભવનપતિના દસ પ્રકારમાંથી અસુર કુમારની જાતિ છોડીને બાકીના નવ પ્રકારના દેવોનું આયુષ્ય બે પલ્યોપમથી કંઈક ઓછું હોય છે. જેમ જેમ દેવોની આયુષ્યની સ્થિતિ વધતી જાય છે, તેમ તેમ ઉચ્છવાસ વચ્ચેના સમયનું અંતર પણ વધતું જાય છે. એક પલ્યોપમના આયુષ્યવાળા દેવોનો ઉચ્છવાસ એક દિવસમાં એકજ હોય છે. બે પલ્યોપમવાળા દેવોનો બે દિવસમાં એકજ હોય છે. એક સાગરોપમના આયુષ્યવાળા દેવોના એક ઉચ્છવાસ એક પખવાડિયે થાય છે એટલે કે એક પખવાડિએ શ્વાસ ઉંચો લે ને એક પખવાડિએ શ્વાસ નીચો મૂકે.

58

 

સ.131 દેવોનું શરીર કેવું હોય છે?

જ.131 દરેક દેવોનું શરીર વૈક્રિય શરીર હોય છે એટલે જેવું ધારે તેવું રૂપ ધારણ કરી શકે છે. દેવનું શરીર મનુષ્યના જેવા આકારવાળુ, સાત કુધાતુથી રહિત હોય છે. સાત કુધાતુ એટલે પરૂ, લોહી, વીર્ય, મળ, ચરબી, માંસ અને હાડકા રહિત હોય છે. સુંદર શરીર હોય છે. તેઓ અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ એ આઠ સિદ્ધિ વાળા હોય છે.

સ.132 ભવનપતિ દેવોનું અવધિજ્ઞાન કેટલું?

જ.132 ભવનપતિમાં અસુરકુમાર પ્રકારના દેવોનું ઓછામાં ઓછું 25 યોજન વધુમાં વધુ ઉંચે સૌધર્મ દેવલોકસુધી નીચે ત્રીજી નરક સુધી અને ત્રાંસુ અસંખ્ય દ્વીપ સમુદ્ર સુધી જાણે દેખે. જ્યારે બાકીના નવ પ્રકારમાં ઓછામાં ઓછું પચ્ચીશ યોજન સુધી ને વધુમાં વધુ ઉંચે જ્યોતિષનું ઉપરનું તળું, નીચે પહેલી નરક ને તિર્ચ્છા સંખ્યાતા દ્વીપ સમુદ્રો સુધી દેખે ને જાણે.

સ. 133 દેવો આહાર લે છે? ભવનપતિ દેવો વિષયસુખ કેવી રીતે ભોગવે?

જ. 133 દસ હજાર આયુષ્યવાળા દેવો એક દિવસ છોડીને એક દિવસ આહાર લે છે.

પલ્યોપમના આયુષ્યવાળા દેવો કોઈ બે દિવસ છોડીને, કોઈ ત્રણ દિવસ છોડીને તો કોઈ નવ દિવસ છોડીને આહાર લે છે. સાગરોપમના આયુષ્યવાળા દેવોનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેટલા હજાર વર્ષ પછી આહાર લે છે. એટલે કે એક સાગરોપમના આયુષ્યવાળા દેવો એક હજાર વર્ષે એકવાર આહાર લે છે. ભવનપતિ તથા વ્યંતરદેવો મનુષ્યની માફકજ કામસુખ ભોગવે છે.

સ. 134 દેવોને વેદના થાય છે?

જ. 134 સામાન્ય રીતે દેવોને સાતા-સુખ વેદના જ હોય છે. ક્યારેક અશાતા દુઃખ વેદના થઈ જાય તો તે અંતર્મુહૂર્તથી વધારે સમય રહેતી નથી.

સાતા વેદના પણ લાગલગાટ છ મહિના સુધી એકસરખી રહી પછી બદલાઈ જાય છે.

59

 

સ. 135 ભવનપતિ દેવોમાં કુલ કેટલા ઈંદ્રો છે ? કયા ?

જ. 135 ભવનપતિ દેવોમાં ઉત્તર-દક્ષિણ દિશાને આશ્રયીને બે વિભાગ છે. દરેકમાં દસ ઈંદ્ર છે. એટલે કે ઉત્તરના દસ ઈંદ્રને દક્ષિણના દસ ઈંદ્ર એમ કુલ વીસ ઈંદ્રો છે. ભવનપતિની રાજધાની તિર્ચ્છાલોકના અરૂણવર દ્વીપ સમુદ્રમાં ઉત્તરદિશાના અસુરકુમારના ઈન્દ્ર બલેન્દ્રની અમરચંચા નામની રાજધાની છે ને બીજા નવ નિકાયના દેવોની પણ રાજધાની છે. તેવી રીતે દક્ષિણ દિશામાં અસુરકુમારના ચમરેન્દ્રની ચમરચંચા નામની રાજધાની છે ને બીજા નવ નિકાયના દેવોની પણ રાજધાની છે.

સ. 136 દેવોના જન્મ અને તેમની શક્તિ વિશે જણાવો.

જ. 136 દેવો પોતાની ગતિમાં તૈયાર શરીર સાથે ઉત્પન્ન થઈ જાય છે. દેવો ફૂલ જેવી શય્યા પર બત્રીસ વર્ષના યુવાન જેવા જન્મે છે. તેથી તેમના જન્મને ‘ઉપપાત’ જન્મ કહેવાય. દેવો પાસે વિશેષ પ્રકારની શક્તિ હોય છે.

આપણને ન સમજાય તેવી રીતે તેઓ ચમત્કાર સર્જી શકે છે. આ શક્તિને વૈક્રિયલબ્ધિ કહેવાય. તેઓ પોતાના હજારો રૂપ બનાવી શકે છે ને એકદમ અદ્રશ્ય પણ થઈ શકે છે. તેઓની ઝડપ ભયંકર હોય છે. દેવો જમીન પર ચાલતા નથી. તેઓ આકા 266ામાં ચાલી શકે, ઉડી શકે છે. તેઓ પૃથ્વી પર આવે ત્યારે જમીનથી ચાર આંગળ અધ્ધર જ રહે. દેવોને પસીનો થતો નથી. દેવોને કોઈ રોગ થતા નથી. દેવોની આંખો સદાકાળ ખુલ્લી રહે છે.

આપણી જેમ પાંપણ મીંચવાનું ને ખોલવાનું કામ દેવો નથી કરતા તેમની આંખમાં આંશુ આવતા નથી. દેવોનું રહેઠાણ દિવ્ય વિમાન કે ભવનમાં હોય છે. તેઓ પોતાના પ્રભાવથી નવા વિમાનો બનાવી દુનિયાભરમાં ફરવા જઈ શકે છે. તેઓનું શરીર તેજસ્વી હોય છે. તેઓની શક્તિ અને પ્રભાવ પ્રચંડ હોય છે.

સ. 137 આમ તો દેવોની શક્તિનું આટલું સુંદર વર્ણન કરોછો ને પાછા દેવ બનવાની ઈચ્છા કરવાની ના પાડો છો આવો વિરોધાભાસ કેમ ?

જ. 137 ભલે દેવોમાં આટલી સરસ શક્તિ હોય કે ગમે તેટલો વૈભવ હોય... પરંતુ આ બધુ ટેમ્પરરી છે. ભાડાના ઘર જેવું છે. કોઈ તમને એમ કહેશે કે સાત માળનો સુંદર બંગલો તમને રહેવા આપીએ પરંતુ ફક્ત ત્રણ મહિના માટે જ છે. પછી પાછા તમારે નાનકડી ગંધાતી ઝૂંપડીમાં જ રહેવા જવાનું છે તો તમને ગમશે ખરૂં? તમે શું કહેશો કે ભાઈ મને સાત માળનો બંગલો નથી જોતો. ભલે એકરૂમ રસોડાનો ફ્લેટ જ મળે પણ કાયમ હું એમાં રહી શકું એવુ કરી દે. આતો પુણ્ય હોય ત્યાં સુધી દેવલોકનો વૈભવ ભોગવો, ને જેવું પુણ્ય પરવાર્યું કે પાછા મનુષ્ય તિર્યંચ કે એકેન્દ્રિય - નિગોદમાં ફેંકાઈ જવાના પછી દુઃખોની રફતાર ચાલુ... મિથ્યાદૃષ્ટિ દેવો માટે ભાગે પૃથ્વીકાય વગેરે એકન્દ્રિયમાં ચાલ્યા જાય છે. ત્યાં કરોડોના કરોડો વર્ષો સુધી દુઃખમાં સબડ્યાજ કરો. માંડ અકામ નિર્જરા કરતાં કરતાં ઉપર આવો... આવું આપણા બધાના જીવે અજ્ઞાન દશામાં હજારો વખત કર્યું છે.

પરંતુ ભગવાન મહાવીરની કૃપાથી આપણને કંઈક સમ્યક્‌જ્ઞાન પ્રાપ્ત થયું છે. તો હવે અહીં અટકીએ. આગને જાણ્યા પછીય આગમાં હાથ નાખવાવાળો મુર્ખ ન ગણાય ?

સ. 138 દેવોને ભલે રોગ ન હોય પણ રાગ જીવંત છે આ વાક્ય ઉદાહરણ સાથે સમજાવો.

જ. 138 શ્રી મુનિસુવ્રત સ્વામીના વખતમાં પૃથ્વી ભૂષણ નામના નગરમાં એકદા ગૌરિક નામનો એક તાપસ આવ્યો. જે મહિનાના ઉપવાસ ના પારણે મહિનાના ઉપવાસ કરતો. આખું ગામ તેના દર્શને આવતું, પણ તેજ ગામના કાર્તિક શેઠ આ તાપસ મિથ્યાત્વી હોઈ તેના દર્શને ન ગયા. તાપસે કાર્તિક શેઠને નમાવવાનો નિર્ણય કર્યો. તે નગરના રાજા પણ તાપસને વંદન કરવા આવ્યા અને પારણું કરવા મહેલે આવવાનું આમંત્રણ આપ્યું.

તાપસે કહ્યું, જો કાર્તિક શેઠ મને પીરસે- જમાડે તો આવું. રાજાનો હુકમ થયો એટલે કાર્તિક શેઠને જવું પડ્યું. પીરસવા માટે નીચે નમ્યા એટલે કેવો નમાવ્યો કરીને પોતાના નાક પર આડી આંગળી ઘસી કેવું નાક કાપ્યું એમ શેઠને સંજ્ઞા કરી. શેઠને ઘણું લાગી આવ્યું. દુઃખ થયું ‘જો પહેલા દીક્ષા લીધી હોત તો આવો વખત ન આવત’ એવું વિચારી દીક્ષા લીધી. બાર વર્ષ સુધી ચારિત્ર પાળી પ્રથમ દેવલોકમાં સૌધર્મ નામના ઈંદ્ર થયા. ગૌરિક તાપસ પણ ઘણું ઘોર પણ મિથ્યાત્વ તપ કરી એજ સૌધર્મ દેવલોકમાં ઈન્દ્રનું વાહન ઐરાવત હાથી થયો. નવા ઉત્પન્ન થયેલા હાથીએ અવધી જ્ઞાનથી જાણી લીધું કે એજ કાર્તિક શેઠ ઈંદ્ર થયા છે. હવે શું થાય? ઈન્દ્રને સવારી ન કરવા દેવા ઘણા તોફાનો કર્યા, આમ તેમ ભાગવા લાગ્યો, અનેક રૂપ કરવા લાગ્યો. હાથીના આ તમાશાથી ઈંદ્ર વિચારમાં પડયા. પોતાના અવધિજ્ઞાનથી જાણ્યું કે, આ તો ગૌરિક તાપસનો જીવ છે. એટલે મૂળ હાથી પર ચડી ગર્જના કરતા કહ્યું કે, ‘ગૌરિક અહીં તારૂં કંઈ ચાલે તેમ નથી’ અંતે ઈંદ્રના પ્રતાપને ન સહી સકતાં હાથી તેમના કહેવા પ્રમાણે વર્તવા લાગ્યો. હવે વિચાર કરો, ગૌરિકે જેનું નાક કાપ્યું હતું, તેને જ પોતાની પીઠ પર બેસાડી હજારો વર્ષ વિતાવવા પડશે. હવે એ ઈચ્છે તો પણ એને છોડીને જઈ શકશે નહિ કે મરી પણ શકશે નહિં. અહીં તો આપણને મનુષ્યપણામાં કોઈની જોડે ન ફાવ્યું તો છોડી દઈએ કે અપઘાત પણ કરી શકીએ. દેવગતિમાં પાછું અવધિજ્ઞાન એટલે ખબર પડી જાય કે આજ મારો દુશ્મન એનેજ મારે લઈને ફરવાનું, એ કહે તેમ કરવાનું...

‘બોલો હવે દેવગતી બહુસારી’, બહુસારી કરીને આવા કોઈ દેવ બની ગયા તો? આપણે જેને નીચે પાડવા આ મનુષ્યપણામાં ખૂબ મહેનત કરી એજ આપણો ઈન્દ્ર બની ગયો ને આપણે એનાજ વાહન-દેવ બની ગયા તો? જે પલ્યોપમ કે સાગરોપમનું આયુષ્ય મળ્યું હોય તે કેમ પસાર કરવું? શું આવી દેવગતી તમે ઈચ્છશો કે જ્યાં રાગ અને દ્વેષ જીવંત જ છે ? રાગ છે માટે જ દ્વેષ છે. રાગ જાય તો દ્વેષ બચે જ નહિ. મારા છોકરાને કોઈ બે લાફા મારશે તો મને સામેલા પર દ્વેષ આવશે કારણકે મને મારા છોકરા પર રાગ છે માટે... રાગ જાય તો દ્વેષ આપોઆપ ચાલ્યો જાય. માટે તો તીર્થંકર વીતરાગ કહેવાય છે. વીતદ્વેષ નહી. આમ દેવો પણ રાગદ્વેષથી ભરેલા છે. દેવો પણ ઈર્ષ્યા ને અતૃપ્તિથી પીડાતા હોય છે. આવા દેવ બનવાનું પસંદ કરશો?

સ. 139 ભવનપતિ દેવો અધોલોકમાં, વ્યંતર દેવો મધ્યલોકમાં, તો જ્યોતિષ્ક દેવો ક્યાં છે?

જ.139 જ્યોતિષ્ક દેવોના વિમાન પણ મધ્યલોકમાં જ છે. સમભૂતલાથી 790 યોજન ઉંચે તારાના વિમાન ત્યાંથી 10 યોજન ઉંચે સૂર્ય, ત્યાંથી 80 યોજન ઉંચે ચંદ્રના વિમાન, ત્યાંથી 4 યોજન ઉંચે નક્ષત્રના વિમાન, ત્યાંથી 4 યોજન ઉંચે બુધના, ત્યાંથી 3 યોજન ઉંચે શુક્રના, ત્યાંથી 3 યોજન ઉંચે બૃહસ્પતિના ત્યાંથી 3 યોજન ઉંચે મંગળના, ત્યાંથી 3 યોજન ઉંચે શનિશ્વરના વિમાન છે. સર્વસ્થાને તારાના વિમાન 110 યોજનમાં છે. કુલ 110 યોજનમાં જ્યોતિષ્કના બધા વિમાન આવી જાય છે.

સ.140 જ્યોતિષ્ક દેવો કેટલા પ્રકારના? તે જ્યોતિષ્ક કેમ કહેવાય છે?

જ.140 જ્યોતિષ્ક દેવો દસ પ્રકારના છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા એ પાંચ 62

 

જ્યોતિષી વિમાનો, અઢી દ્વીપમાં મેરૂપર્વતની આસપાસ ફરે છે. માટે ચર કહેવાય. અઢીદ્વીપની બહાર પણ સૂર્ય વગેરેના વિમાનો આવેલા છે. તે સ્થિર છે આમ પાંચ ચરને પાંચ સ્થિર એમ કુલ 10 પ્રકાર છે. આપણને જે સૂર્ય,ચંદ્ર, તારા દેખાય છે તે દેવોના વિમાનો છે. તે વિમાનો તેજસ્વી હોવાથી તેમાં રહેનારા દેવો જ્યોતિષ્ક દેવો કહેવાય છે.

સ.141 સૂર્ય પોતે આટલો ભયંકર ગરમ હોવા છતાં તેમાં રહેલ સૂર્ય નામના દેવો બળતા કેમ નથી?

જ.141 સૂર્યના વિમાનો જે પૃથ્વીકાયના જીવોના બનેલા છે તે જીવોને ‘આતપ’

નામકર્મનો ઉદય છે એટલે કે તે પોતે ઠંડા રહીને બીજાને ગરમ-પ્રકાશ આપે છે તેથી સૂર્ય ભલે આપણને ગરમી આપે પણ પોતે ઠંડુ છે. તેથી દેવો બળતા નથી.

સ.142 આ દેવો જ્યાં જાય ત્યાં (આ પૃથ્વી પર) આખું વિમાન લઈને જાય?

જ.142 ના... બધાજ પ્રકારના દેવો, પોતાના વિમાન સાથે કે પોતાના મૂળ સ્વરૂપે આ ધરતી પર આવતા નથી. પાલકદેવે બનાવેલા પાલક વિમાનમાં જાય છે. ભગવાન મહાવીરના સમવસણમાં સૂર્ય-ચંદ્ર મૂળ વિમાને આવ્યા તે એક આશ્ચર્ય બની ગયુ.

સ. 143 અઢીદ્વીપની બહાર જયાં સૂર્ય હોય ત્યાં સૂર્ય ને ચંદ્ર હોય ત્યાં ચંદ્ર છે (સ્થિર) તો ત્યાં રાતદિવસ નથી?

જ. 143 ના.. અઢીદ્વિપની બહાર સૂર્ય-ચંદ્ર સ્થિર હોવાથી ત્યાં સદા પ્રકાશજ પ્રકાશ છે. મધ્યલોક સિવાય કયાંય સૂર્યચંદ્રના વિમાનો નથી માટે દેવલોક -

નારક વગેરેમાં પણ રાતદિનનો વ્યવહાર નથી. ફક્ત આપણે અઢી દ્વીપમાં સૂર્યચંદ્ર ફરતા હોવાથી રાત-દિવસ થાય છે. નરક અને દેવની જે આયુષ્ય ગણતરી થાય છે તે આપણી દુનિયાના રાત-દિવસને આધારે થાય છે.

સ. 144 જ્યોતિષ્ક દેવોનું અવધિજ્ઞાન તથા વિષયસુખ વિશે કહો.

જ. 144 ઉંચે પોતાની ધ્વજાપતાકા સુધી, નીચે પહેલી નરકસુધી તિર્ચ્છા સંખ્યાત દ્વીપ સમુદ્ર સુધી જાણે દેખે. વિષયસુખ મનુષ્યની જેમ જ ભોગવે.

સ. 145 આપણે બીજના ચંદ્રના દર્શન કેમ કરીએ છીએ?

જ. 145 જ્યોતિષીમાં અસંખ્યાતા દેરાસરો છે. ચંદ્રના વિમાનમાં જે ભાગમાં દેરાસર છે. તે ભાગ આપણને બીજના ચંદ્રમાં દેખાય છે. તેથી બીજના ચંદ્રના દર્શન કરીએ છીએ.

સ. 146 કયા ચાર ભગવાન શાશ્વત છે ? તે શાશ્વત કેમ કહેવાય?

જ. 146 ૠષભ, ચંદ્રાનન, વારિષેણ, વર્ધમાન એ ચાર ભગવાન નામથી શાશ્વત છે. એટલે કોઈ કાળ એવો નથી હોતો કે જેમાં આ ચાર નામવાળા ભગવાન ન હોય. માટે તેમને શાશ્વતા જિન કહેવાય છે.

સ. 147 વૈમાનિક દેવો કયાં રહે? કેટલા પ્રકારના? કયા કયા?

જ. 147 વૈમાનિક દેવો ઉર્ધ્વલોકમાં છે. તેઓ મુખ્ય બે પ્રકારના છે. કલ્પવાસી અને કલ્પાતીત. કલ્પવાસી દેવોમાં સ્વામી-સેવક ભાવ છે. પણ કલ્પાતીતમાં નથી. ત્યાં બધા ઈંદ્ર જેવા હોવાથી ‘અહંમિંદ્ર’ કહેવાય છે. મનુષ્યલોકમાં કોઈ નિમિત્તથી જવાનું થાય તો કલ્પવાસીજ જાય છે. કલ્પાતીત દેવો સ્થાન છોડીને કયાંય જતા નથી. ફક્ત પાંચ અનુત્તર વાસી અને નવ ગ્રૈવેયકવાસી દેવોજ કલ્પાતીત પ્રકારના છે, બીજા બધા વૈમાનિક દેવો કલ્પવાસી છે.

સ. 148 બાર દેવલોકના નામ કહો. તે દેવલોક કેટલા ઉંચા છે ?

જ. 148 બાર દેવલોકના નામ (1) સુધર્મા (2) ઈશાન (3) સનત્‌કુમાર (4) માહેન્દ્ર (5) બ્રહ્મ (6) લાંતક (7) મહાશુક્ર (8) સહસ્ત્રાર (9) આણત (10)

પ્રાણત (11) આરણ (12) અચ્યુત દેવલોક. જ્યોતિષ ચક્ર ઉપર અસંખ્યાતા જોજનની ક્રોડાક્રોડી પ્રમાણે ઉંચે જઈએ ત્યારે પહેલું ને બીજું દેવલોક, ત્યાંથી અસંખ્યાતા જોજન ક્રોડાક્રોડ ઉંચુ, ત્રીજુંને ચોથું દેવલોક, ત્યાંથી એકબીજાથી અસંખ્યાતા ક્રોડાક્રોડ જોજન ઉંચે પાંચમું - છઠ્ઠુ - સાતમું ને આઠમું દેવલોક છે. તેનાથી અસંખ્યાતા જોજન ક્રોડાક્રોડ ઉંચું નવમું ને દસમું ને તેનાથી એટલું જ ઉંચું અગિયારમું અને બારમું દેવલોક છે.

સ. 149 બારેબાર દેવલોક કેવા આકારે છે? દરેકમાં કેટલા વિમાનો છે?

જ. 149 1, 2, 3, 4, 9, 10, 11, 12 એટલા દેવલોક અર્ધચંદ્રાકારે છે. 5, 6, 7, 8 એટલા દેવલોક તથા નવગ્રૈવેયક પૂર્ણ ચંદ્રાકારે છે. ચાર અનુત્તર વિમાન ત્રિકોણ ચારે તરફ ચાર છે અને વચ્ચે સર્વાર્થસિદ્ધ ગોળ ચંદ્રાકારે 64

 

છે. પહેલામાં 32 લાખ, બીજામાં 28 લાખ, ત્રીજામાં 12 લાખ, ચોથામાં 8 લાખ, પાંચમામાં ચાર લાખ, છઠ્ઠામાં 50 હજાર સાતમાંમાં 40 હજાર, આઠમામાં 6 હજાર, નવમા, દસમામા થઈને 400 અને 11-12 માં થઈને 300 વિમાન છે એમ બારે લોકના સર્વ થઈને 84,96,700 વિમાન છે. જેટલા વિમાન છે તેટલા ચૈત્ય (દેરાસર) જાણવા. દરેક દેરાસર 100 યોજન લાંબા, 50 યોજન પહોળા અને 72 યોજન ઉંચા છે.

સ. 150 આ દેવો વૈમાનિક કેમ કહેવાય? તે વિમાનો કેવા છે? શેના આધારે રહે છે?

જ. 150 વિમાનમાં રહે છે માટે તે દેવો વૈમાનિક કહેવાય. વિમાન અને પૃથ્વીપીંડ રત્નમય છે. 1-2 દેવલોક ઘનોદધિના આધારે, 3-4-5 દેવલોક ઘનવાયુના આધારે, 6-7-8 દેવલોક ઘનોદધિ, ઘનવાયુના આધારે અને શેષ વિમાનો આકાશને આધારે છે.

સ. 151 બાર દેવલોકના કેટલા ઈંદ્રો છે?

જ. 151 12 દેવલોકના 10 ઈંદ્રો છે. 1 થી 8 દેવલોકના 8 અને એક 9-10 નો અને એક 11-12 નો એમ કુલ 10 ઈંદ્રો છે.

સ. 152 બારે દેવલોકની રાજધાનીઓ ક્યાં છે?

જ. 152 રાજધાનીઓને 5-5 સભાઓ પોતપોતાના દેવલોકમાંજ છે. શકેન્દ્ર, ઈશાનેન્દ્ર ના મહેલો, તેમના લોકપાલ અને દેવીઓની રાજધાનીઓ તિર્ચ્છાલોકમાં પણ છે.

સ. 153 પહેલા દેવલોકના ઈન્દ્ર-શક્રેન્દ્ર અને બીજાના ઈશાનેન્દ્રને કેટલી દેવીઓ છે?

જ. 153 બંનેને આઠ ઈંદ્રાણી છે. એક એકને 16-16 હજાર દેવીઓનો પરિવાર છે. પ્રત્યેક દેવી 16-16 હજાર વૈક્રિય રૂપ કરી શકે. આમ દરેકની 2,04,80,00,000 જાણવી. બે દેવલોકથી ઉપર ક્યાંય દેવીઓ ન ઉપજે. માત્ર પહેલા, બીજામાં રહે, પણ આઠમા દેવલોક સુધી જાય ખરી.

65

 

સ. 154 બાર દેવલોકના દેવો વિષયસુખ કેવી રીતે ભોગવે?

જ. 154 પહેલા-બીજા દેવલોકના દેવો મનુષ્યની માફકજ કામસુખ ભોગવે છે.

બીજા દેવલોકથી ઉપરના દેવલોકમાં દેવીઓ ઉત્પન્ન થતી નથી. પહેલા દેવલોકની વધતા આયુષ્યવાળી અપરિગ્રહિતા દેવીઓ અનુક્રમે 1-3-5-7-9 અને 11 મા દેવલોકના દેવોને ભોગ યોગ્ય હોય છે. બીજા દેવલોકની વધતા આયુષ્યવાળી અપરિગ્રહિતા દેવીઓ અનુક્રમે 2-4-6-8-10-12 મા દેવલોકમાં વસતા દેવોને ઉપભોગમાં આવે છે. ત્રીજાચોથા દેવલોકના દેવો ફક્ત સ્પર્શથી, પાંચમાં-છઠ્ઠા દેવલોકના દેવો દેવીઓના અંગોપાંગ અને સુસજ્જિત રૂપને જોઈને, 7-8 ના દેવો, દેવીઓના માત્ર વિવિધ વિષય જનક શબ્દ સાંભળીને વિષય જન્ય સુખ સંતોષ મેળવીલે છે. અહીં સુધી પહેલા બીજા દેવલોકની ‘અપરિગ્રહિતા’ દેવીઓને દેવતા તેડાવે છે. 9-10-11 અને 12 દેવલોકના દેવો પોતાના સ્થાને રહીને જ ભોગની ઈચ્છા કરે છે તે વખતે 1-2 દેવલોકમાં રહેલી તેમને ભોગયોગ્ય દેવીનું મન તેમના તરફ આકર્ષાય છે. દેવ અવધિજ્ઞાનથી તેના વિકારી મનનું અવલોકન કરીને જ તૃપ્ત થઈ જાય છે.

9 થી 12 ના દેવોની વિષયતૃપ્તિ ફક્ત દેવીઓના, ચિંતન માત્રથી જ થઈ જાય છે.

સ. 155 અપરિગ્રહિતા દેવી એટલે કેવી?

જ. 155 દેવીઓ પણ બે પ્રકારની છે. એક ખાનદાન કુળવધુ જેવીને બીજી વેશ્યા જેવી.

જે એકદેવને વળગીને રહી હોય તે ‘પરિગૃહિતા’ દેવી કહેવાય. જે દેવી એક દેવના તાબામાં ન હોય પણ ઉપર ઉપરના તેને યોગ્ય દેવો પાસે પણ જતી હોય તે વેશ્યા જેવી ‘અપરિગૃહિતા’ દેવી કહેવાય. ‘દેવગતી બહુ સારી’ એમ માનો છો પણ આવી ‘અપરિગૃહિતા’ દેવી બની ગયા તો શું કરશો?

સ. 156 ઈંદ્રાણી બનવાનું તો કોને મન ન થાય?

જ. 156 પહેલા સૌધર્મ સ્વર્ગના ઈંદ્રનું આયુષ્ય બે સાગરોપમનું હોય છે. પણ ઈંદ્રાણીનું આયુષ્ય ઓછું હોય છે. તેથી તે નવી નવી જન્મે છે. ઈંદ્રના બે સાગરોપમના આયુષ્યમાં તો કરોડ-લાખ ઈંદ્રાણી થઈ જાય છે. અહીં એક શોક્ય નથી ચાલતી ત્યાં કરોડ-કરોડ ચાલશે? બનવું છે આવા ઈંદ્રાણી? આઠથી ઉપરના દેવલોકમાં તો દેવીઓ જઈ પણ નથી શકતી તો ભૌતિક સુખ ઉપરના દેવલોકમાં વધારે કે નીચેના? જેમ જેમ ઉપર ઉપરના 66

 

દેવલોકમાં જઈએ તેમ તેમ ભૌતિક સુખ વધારે છે. જેટલો ક્રોધ-કામ વધારે તેટલું દુઃખ વધારે. જેટલો ક્રોધ-કામ વગેરે દોષો ઓછા એટલું સુખ વધારે. ઉપર ઉપરના દેવલોકમાં કામવાસના ઓછી છે, માટે તેઓ વધુ વધુ સુખી છે.

સ. 157 1 થી 12 દેવલોકના દેવોનું આયુષ્ય શ્વાસોચ્છ્‌વાસ અને ઉંચાઈ વિશે જણાવો.

જ. 157 1 થી 12 દેવલોકના દેવોનું આયુષ્ય 1 પલ્યોપમથી 22 સાગરોપમ સુધીનું હોય છે. 1 પલ્યોપમ વાળા દેવોનો શ્વાસોશ્વાસ એક દિવસમાં એક હોય. તેવી રીતે જેટલા પલ્યોપમવાળા દેવ-દેવી હોય તેઓનો શ્વાસોચ્છ્‌વાસ તેટલા દિવસે એક હોય છે. જેટલા સાગરોપમવાળા દેવો હોય તેઓનો શ્વાસ એટલા પખવાડીએ ઉંચો લે ને એટલાજ પખવાડીએ નીચો મૂકે. દા.ત. ચાર સાગરોપમ આયુષ્યવાળા દેવો ચાર પખવાડીએ શ્વાસ ઉંચો લે અને ચાર પખવાડીએ નીચો મૂકે. 9 થી 12 દેવલોકના દેવ-દેવીની કાયા 3 હાથની, 7-8 દેવલોકની 4 હાથની કાયા, 5-6 દેવલોકની પાંચ હાથ, 3-4ની 6 હાથની અને 1-2 દેવલોકના દેવોની કાયા 7 હાથની હોય છે.

સ. 158 બારદેવલોકના દેવોનું અવધિજ્ઞાન કેટલું?

જ. 158 બધા દેવો ઓછામાં ઓછું (જઘન્ય) આંગળનો અસંખ્યાતમો ભાગ અને વધુમાં વધુ (ઉત્કૃષ્ટ) ઉંચે પોતાના વિમાનની ધ્વજા પતાકા સુધી દેખે.

તિર્ચ્છા પલ્યના આયુષ્યવાળા દેવો સંખ્યાત દ્વીપ સમુદ્ર અને સાગરના આયુષ્યવાળા દેવો અસંખ્યાતા દ્વીપ સમુદ્ર જાણે દેખે. નીચે 1-2 દેવલોકવાળા પહેલી નરક સુધી, 3-4 ના દેવ બીજી નરક સુધી, 5-6 ના દેવ ત્રીજી નરક સુધી 7-8 ના દેવ ચોથી નરક સુધી, 9 થી 12 દેવ પાંચમી નરક સુધી જાણે દેખે.

સ. 159 કિલ્બીષિક દેવો વિશે જણાવો. તેમના વિમાનો ક્યાં આવેલા છે?

જ. 159 ત્રણ કિલ્બીષિકના નામ છે. (1) ત્રણ પલીયા (2) ત્રણ સાગરીયા (3)

તેર સાગરીયા. ત્રણ પલ્યની સ્થિતિવાળાના 1-2 દેવલોકની નીચે, ત્રણ સાગર વાળા 3-4 દેવલોકની નીચે અને 13 સાગરોપમ વાળા છઠ્ઠા દેવલોકની નીચે તેમના વિમાનો આવેલા છે. જેમ આપણે ત્યાં વાઘરી-ચંડાળ-ભંગી વગેરે હોય છે તેમ દેવોમાં પણ તેવું હલકું કામ કરનારા કિલ્બીષિક દેવો હોય છે. દેવોમાં આ દેવોના કોઈ માન-સન્માન નથી.

નજીકના દેવોની સભામાં આમંત્રણ વિના જાય છે, તેઓની ભાષા કોઈને સારી લાગતી નથી. છતાં વચ્ચે કાંઈ બોલે તો ‘મા ભાષ દેવા’ એમ કહીને અટકાવી દેવાય છે. શું આવા દેવ બનવાનું પસંદ કરશો? કુમારનંદી સોની હાસા-પ્રહાસા નામની દેવીઓમાં કામાશક્ત બન્યો. તેમની પાછળ બળી મર્યો. તો તેમના પતિ તરીકે કિલ્બીષિક દેવ બન્યો. પરાણે ગળામાં ઢોલ વળગાડવો પડયો. કાઢી નાખે તો પાછો આવીને વળગી જાય. આવા દેવ બનીને આટઆટલું આયુષ્ય ભોગવીને શું ફાયદો?

સ. 160 કેવા લોકો કિલ્બીષિક દેવ બને?

જ. 160 સામાન્ય રીતે જીનેશ્વર દેવની વાણીના ઉત્થાપક, તીર્થંકરની આશાતના કરવાવાળા, તપ-સંયમની ચોરી કરવાવાળા, જિનાજ્ઞાના વિરાધક, ધર્મની નિંદા કરવાવાળા કિલ્બીષિક દેવ બને છે.

સ. 161 નવ લોકાંતિક દેવોના નામ આપો. તેઓના વિમાન કયાં આવેલા છે?

જ. 161 નવ લોકાંતિક નામઃ (1) સારસ્વત (2) આદિત્ય (3) વન્હિ (4) વરૂણ (5) ગર્દતોયા (6) તોષિયા (7) અવ્યાબાધા (8) અગીચ્ચા (9) રિઠા.

પાંચમા દેવલોકના ત્રીજા અરિષ્ટ નામે પ્રતરની પાસે દક્ષિણ દિશામાં નવ કૃષ્ણ રાજા છે. તેમાં 4 દિશામાં, 4 વિદિશામાં અને એક મધ્યમાં એમ નવ વિમાન છે. તેમાં નવ લોકાંતિક દેવ રહે છે.

સ. 162 તેઓ લોકાંતિક કેમ કહેવાય છે? શું તેઓ સમકિતિ દેવો છે?

જ. 162 હા... તેઓ સમકિતિ દેવો છે. તેમનું આયુષ્ય આઠ સાગરોપમનું છે.

તેઓને લોકાંતિક કહેવાના બે કારણ છે. (1) તેઓ લોકના એટલે કે

ત્રસનાળના કિનારા પર, અંતપર રહેતા હોવાથી તથા (2) બહુ ઓછા ભવોભમવાના બાકી હોવાથી લોકના અંતે પહોંચ્યા કહેવાય તેથી લોકાંતિક કહેવાય છે. તીર્થંકર દેવ જ્યારે દીક્ષા લેવાના હોય ત્યારે નવલોકાંતિક દેવો આવીને કહે, ‘અહો! ત્રિલોકનાથ ! તીર્થમાર્ગ પ્રવર્તાવો, મોક્ષમાર્ગ ચાલતો કરો.’ એવી રીતે કહેવાનો નવ લોકાંતિકનો પરંપરા વ્યવહાર છે.

68

 

સ. 163 કિલ્બીષિક દેવો મિથ્યાત્વી છે?

જ. 163 હા, કિલ્બીષિક દેવો મિથ્યાત્વી કુરૂપ, અશુભ અને અજ્ઞાની છે.

સ. 164 નવ ગૈવેયક દેવોના વિમાન ક્યાં આવેલા છે? તેમના નામ આપો.

જ. 164 બારમા દેવલોકની ઉપર અસંખ્યાતા જોજન ક્રોડાક્રોડી ઉપર, ગાગર બેડાના આકારે ત્રણ ત્રીક આવેલી છે. ત્રણે ત્રીક એકબીજાથી અસંખ્યાતા જોજન ક્રોડાક્રોડી ઉંચપણે આવેલી છે. પહેલી ત્રીકમાં 111, બીજીમાં 107 અને ત્રીજીમાં 100 વિમાન છે. પહેલીમાં (1) ભદે (2) સુભદે (3) સુજાએ, બીજીમાં (4) સુમાણસે (5) સુદંસણે (6) પ્રિયદંસણે ને ત્રીજીમાં (7) આમોહે (8) સુપડિબદ્ધે (9) જશોધરે નામના નવગ્રૈવેયક દેવો છે. ગ્રીવા એટલે ડોક. પુરૂષાકારે જે લોક આવેલો છે તેની ડોકના ભાગમાં આ વિમાનો આવેલ હોવાથી ગ્રૈવેયક કહેવાય છે.

સ. 165 અનુત્તર વિમાનો ક્યાં આવ્યા? સર્વાર્થ સિદ્ધ નામ કેમ પડ્યું? તે અનુત્તર કેમ કહેવાય?

જ. 165 નવમી ગ્રૈવેયક ઉપર અસંખ્યાતા જોજન ક્રોડાક્રોડી ઉંચે જઈએ ત્યારે પાંચ અનુત્તર વિમાન છે, ચાર બાજુ ચાર અને વચ્ચે એક વિમાન છે. વચ્ચેના વિમાનનું નામ ‘સર્વાર્થસિદ્ધ’ છે ને ચાર બાજુ ચારના નામ (1) વિજય (2) વિજયન્ત (3) જયંત અને (4) અપરાજિત છે. આ સૌથી ઉપરનું દેવલોક છે. તેની ઉપર (ઉત્તરમાં) કોઈ દેવલોક નથી એટલે અનુત્તર કહેવાય છે. તેનાથી માત્ર બારજ જોજન ઉપર સિદ્ધશિલા છે. આમાં જનારા બધા સમકિતિજ હોય, ભવ્યજ હોય, એટલે કે હવે પછી (ઉત્તર) બહુ ભવો કરવાના ન હોવાથી પણ તેઓ અનુત્તર કહેવાય છે. બાર દેવલોક, નવ ગ્રૈવેયક અને પાંચ અનુત્તર સર્વે મળી 84, 97, 023 વિમાનો થયા.

તેટલા જ જિન ચૈત્યો છે. સર્વાર્થ સિદ્ધ વિમાનમાં એવા દેવો હોય છે કે જેના સર્વે અર્થ (પ્રયોજનો) સિદ્ધ થઈ ગયા છે, હવે કાંઈ કરવાનું પ્રાયઃ બાકી નથી. પછીના ભવે માનવ બની દીક્ષા લઈને મોક્ષે જ જાય માટે તે સર્વાર્થ સિદ્ધ કહેવાય. ૠષભદેવ, ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી, શ્રેંયાસકુમાર વગેરે પૂર્વભવમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં હતા.

69

 

સ. 166 બાકીના ચાર અનુત્તરવાસી દેવોને નવગ્રૈવેયક બધા નિશ્ચયથી મોક્ષે જ જાય?

જ. 166 અનુત્તર વિમાન સિવાયના દેવો માટે મોક્ષ માટે કોઈ નિયમ નથી. કોઈ એક બે ભવમાં પણ મોક્ષ પામે અને કોઈ અનેક ભવ પણ કરે. છતાં મોક્ષ ન પામે. અભવ્ય જીવ પણ સંયમ આદિ પાળીને નવગ્રૈવેયક સુધી જઈ શકે.

પણ પાછો એકેન્દ્રિય નિગોદમાં ચાલ્યો જાય. સર્વાર્થસિધ્ધમાં રહેલ દેવો નિયમથી એકજ માનવભવ કરીને મોક્ષે જાય છે. એકાવતારી છે. જ્યારે બાકીના ચાર અનુત્તર વિમાનવાસી દેવો સંખ્યાત (થોડાજ ભવ) ભવ કરીને મોક્ષ પામે છે. કોઈ દ્વિચરમ પણ હોય એટલે બે વાર માનવ ભવ કરીને મોક્ષે જાય છે. પાંચે અનુત્તરવાસી બધા જ દેવ સમકિતિજ હોય.

બધા જ મોક્ષગામી ભવ્ય જીવ હોય. (દોમદોમ) સાહયબી વચ્ચે પણ ઉદાસીન છે કારણકે મોક્ષ નથી મળ્યું. સિદ્ધશિલા બાર યોજન જ દૂર છે છતાં સિદ્ધ શિલા પર વાસ નથી થયો તેનું દુઃખ છે. ઉદાસીન એટલે ઉદાસ નહી પરંતુ ભૌતિક સુખમાંથી જેનું મન ઉઠી ગયું છે તેવા. ત્યાં બધા દેવ જ હોય. દેવીઓ હોય જ નહિ. બધાજ નિર્વિકારી જ હોય. બધા જ શાંત કામલાલસા રહિત છે એટલે બીજા બધા દેવોથી વધુ સંતોષીને સુખી છે.

સ. 167 કલ્પાતીત એટલે શું? કયા દેવો કલ્પાતીત કહેવાય?

જ. 167 નવગ્રૈવેયક અને પાંચ અનુત્તરના દેવો કલ્પાતીત કહેવાય. આમાં કોઈ કોઈના માલિક નથી. કોઈ કોઈના સેવક નથી. સ્વામી સેવક ભાવ નથી.

ઈન્દ્ર સામાનિક વગેરે વ્યવસ્થા નથી. બધા જ ઈંદ્ર જેવા એટલે અહંમિંદ્ર કહેવાય. બધા સરખા છે. તેઓ સદા દેવલોકમાં જ રહે. પોતાનું સ્થાન છોડીને ક્યાંય જતા નથી. બધી વ્યવસ્થાથી પર છે. માટે કલ્પાતીત કહેવાય.

12 દેવલોક સુધીના દેવો કલ્પોપન્ન કહેવાય. તેઓ પરમાત્માના કલ્યાણકોની ઉજવણી કરવા, દેશના સાંભળવા. નંદીશ્વરદ્વીપની યાત્રા કરવા જાય. પૃથ્વી પર કોઈપણ કારણે આવવું પડે તો કલ્પોપન્ન દેવોજ જાય. પાંચ અનુત્તર અને નવગ્રૈવેયકવાળા દેવો કોઈ પણ કારણે ત્યાંથી અહીં આવે નહી. કદીપણ પોતાનું વિમાન છોડી ક્યાંય જાય નહિ.

સ. 168 અનુત્તરવાસી અને નવગ્રૈવેયક દેવોના આયુષ્ય, શરીર, શ્વાસોશ્વાસ, આહાર, અવધિજ્ઞાન વિશે જણાવો.

જ. 168 અનુત્તરવાસીમાં સર્વાર્થ સિદ્ધ દેવોનું 33 સાગરોપમનું જ આયુષ્ય હોય.

તેથી વધારે પણ નહીને ઓછું પણ નહી. ચારેય ગતિમાં આનાથી વધારે ઉત્કૃષ્ટ આયુષ્ય કોઈનુંય ન હોય. (સાતમી નરકના જીવોનું પણ 33 સાગરોપમનું આયુષ્ય હોય). સર્વાર્થ સિદ્ધ સિવાય બાકીના ચાર અનુત્તરવાસી દેવોનું 31 થી 33 સાગરનું આયુષ્ય હોય. નવ ગ્રૈવેયકના દેવોનું 22 થી 31 સાગરનું આયુષ્ય હોય. જેનું જેટલા સાગરનું આયુષ્ય હોય તેટલા પખવાડિએ શ્વાસ લે ને તેટલા પખવાડિએ શ્વાસ મૂકે. બધા જ દેવોનું વૈક્રિય શરીર જ હોય. જેમાં સાત કુધાતુ નહોય. - પરૂ - લોહી - વીર્ય - મળ - ચરબી - માંસ અને હાડકા ન હોય. અનુત્તરવાસી દેવોના શરીરની ઉંચાઈ એક હાથની અને નવગ્રૈવેયકના શરીરની ઉંચાઈ બે હાથની છે. જે દેવોનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય એટલા હજાર વર્ષે એકવાર આહાર લે છે. દાત. સર્વાર્થ સિદ્ધના દેવો તેત્રીસ હજાર વરસે એકવાર આહાર લે છે. બધાજ દેવોનું નિરૂપક્રમ આયુષ્ય જ હોય એટલે જેટલું હોય તેટલું પૂરેપૂરૂં ભોગવવું જ પડે. વચ્ચેથી તૂટી શકે નહિ. નવગ્રૈવેયકના દેવો ઉત્કૃષ્ટ ઉપર પોતાના વિમાન સુધીને નીચે છઠ્ઠી નરક સુધી, 4 અનુત્તર વિમાનવાળા નીચે સાતમી નરક સુધીને સર્વાર્થ સિદ્ધવાળા સંપૂર્ણ ત્રસનાળી (ઉપર પોતાના વિમાન સુધી) સુધી દેખેને જાણે.

સ. 169 દેવના કુલ કેટલા ભેદ થયા?

જ. 169 10 ભવનપતિ – 15 પરમાધામી – 16 વાણવ્યંતર – 10 જૃંભકા –

10 જ્યોતિષ – 3 કિલ્બીષિક – 9 લોકાંતિક – 12 દેવલોકના દેવ – 9 ગ્રૈવેયક – 5 અનુત્તર = 99 ભેદ. તેમાં પર્યાપ્તાને અપર્યપ્તા એટલે કુલ 198 ભેદ થયા.

સ. 170 સાત નરકના નામ કહો.

જ. 170 સાત નરકના નામ (1) ઘમા (2) વંશા (3) શિલા (4) અંજના (5)

રિષ્ટ (6) મઘા (7) માઘવતી. આ સાતેય નારકો જે સાત પ્રકારની પૃથ્વીમાં રહે છે. તે પૃથ્વીના તેના ગુણ પ્રમાણે નામ છે. (1) રત્નપ્રભા -

જેમાં રત્નના કુંડ છે. (2) શર્કરા પ્રભા - તેમાં મરડીયા પાણા છે. (3)

વાળુપ્રભા - જેમાં વાળુ (રેતી) છે. (4) પંકપ્રભા - જેમાં લોહી માંસના કાદવ જેવા પુદ્‌ગલો છે. (5) ધૂમપ્રભા - તેમાં ધૂમાડો છે. (6) તમઃ પ્રભા તેમાં અંધકાર છે. (7) તમઃ તમસ્‌ પ્રભા - જેમાં અંધકાર જ અંધકાર છે.

સ. 171 આ સાતેય પૃથ્વીઓ ક્યાં આવેલી છે.

જ. 171 અત્યારે આપણે જયાં રહીએ છીએ તે પહેલી નરક રત્નપ્રભા પૃથ્વીનો ઉપરની સપાટીનો (ટેરેસનો) ભાગ છે. આ પહેલો પૃથ્વીપિંડ 1 લાખ 80 હજાર યોજનનો જાડો અને 1 રજ્જુ પહોળો છે. તેની નીચે બીજો 1 લાખ 32 હજાર જોજન જાડીને 2ાા રજ્જુ પહોળો છે. તેની નીચે ત્રીજો 1 લાખ 28 હજાર જોજન જાડીને 4 રજ્જુ પહોળો છે. તેની નીચે ચોથો 1 લાખ 20 હજાર જોજન જાડીને 5 રજ્જુ પહોળો છે. તેની નીચે પાંચમો 1 લાખ 18 હજાર જોજન જાડો ને 6 રજ્જુ પહોળો છે. તેની નીચે 6ઠ્ઠો 1 લાખ 16 હજાર જોજન જાડીને 7 રજ્જુ પહોળો છે. તેની નીચે સાતમો 1 લાખ 8 હજાર જોજન જાડીને 7 રજ્જુ પહોળો છે. સાતે સાત નારકો અધોલોકમાં છે. પરંતુ આ પૃથ્વીઓ એકબીજાને અડીને નથી. દરેક પૃથ્વીની નીચે ઘનોદધિ (પાણી મિશ્રિત હવા) 20 હજાર યોજન છે. તેની નીચે ઘનવાત (સઘનવાયુ) અસંખ્યાતા યોજન, તેની નીચે તનુવાત (હલકોવાયુ) અસંખ્યાતા યોજન, તેની નીચે આકાશ અસંખ્યાતા યોજન છે. પછી બીજી પૃથ્વી છે. નારકો તો ફક્ત ત્રસનાળમાં એટલે કે 1 રજ્જુ પહોળાઈમાં જ છે.

સ. 172 દરેક પૃથ્વીમાં કેટલા નરકાવાસા છે?

જ. 172 પહેલી નરકમાં ત્રીસલાખ, બીજીમાં 25 લાખ, ત્રીજીમાં 15 લાખ, ચોથીમાં 10 લાખ, પાંચમીમાં 3 લાખ, છઠ્ઠીમાં 99,995 અને સાતમીમાં પાંચ નરકાવાસા છે.

સ. 173 નરકાવાસા પૃથ્વીમાં કઈ જગ્યાએ આવેલા છે?

જ. 173 દરેક પૃથ્વીમાં 1000 યોજન ઉપર અને 1000 યોજન નીચે છોડીને બાકીની પોલારમાં આંતરાને પાથડા છે. દરેક પાથડામાં નારકો વસે છે.

પહેલી નર્કમાં 13 પાથડા, બીજીમાં 11, ત્રીજીમાં 9, ચોથીમાં 7, પાંચમીમાં 5, છઠ્ઠીમાં 3 અને સાતમીમાં 1 પાથડો છે. સાતમી નરકમાં 500 જોજન ઉપર અને 500 જોજન નીચે છોડીને એક જ પાથડો છે, આંતરો નથી. પહેલી નરકમાં 12 આંતરામાંથી 2 ઉપરના છોડીને બાકીના 10 આંતરમાં દસ જાતના ભવનપતિ દેવો વસે છે. બાકી કોઈપણ નરકના આંતરામાં ભવનપતિ દેવોનો વાસ નથી.

72

 

સ. 174 દરેક નરકાવાસાનો વિસ્તાર કેટલો છે?

જ. 174 ત્રણ ચપટી વગાડતાં જંબુ દ્વીપની 21 વાર પ્રદક્ષિણા કરવાની ગતિવાળા દેવને ઓછામાં ઓછું 1-2-3 દિવસ ને વધુમાં વધુ 6 મહિના લાગે.

તોપણ કેટલાકનો છેડો આવે અને કેટલાકનો ન પણ આવે. એવા અસંખ્ય જોજનના વિસ્તારવાળા કોઈકોઈ નરકવાસા છે.

સ. 175 નારકો ક્યાં ઉપજે? કેવી રીતે? તેમનું આયુષ્ય કેટલું? તેમનું શરીર કેવું હોય?

જ. 175 દરેક પાથડો 3000 યોજનનો છે. તેમાં 1000 યોજન ઉપર અને 1000 યોજન નીચે છોડીને મધ્યના 1000 યોજનમાં નારકીને ઉપજવાની કુંભીઓ છે. કેરોસીનની ગરણીજેવી કુંભીઓ હોય. હજી તો અહીં માણસ જીવે છે કે મરી ગયો તેનો નિર્ણય થતો હોય અને આત્મા આંખના પલકારા કરતાં ઓછા સમયમાં નરકની કુંભીમાં પહોંચી ગયો હોય. ફાડી ખાધેલા કબૂતરના જેવું અત્યંત ગંદુ, બિભત્સ, ચીતરી ચડે તેવું શરીર મળે. વૈક્રિય શરીર હોય. પરમાધામી દેવો ભાલા-બરછી વગેરે શસ્ત્રો વડે, રાઈ-રાઈ જેવા ટુકડા કરીને નીચેના નાળચામાંથી બહાર કાઢે.

પારો જેમ ઢોળાય ત્યારે નાના-નાના કણરૂપ થઈ જાય ને પાછો ભેગો થઈ જાય એમ જીવની સ્થિતિ ત્યાં થાય. બહાર નીકળેલા શરીરના ટૂકડા પાછા અખંડ શરીરરૂપે બની જાય. તેઓનું આયુષ્ય ઓછામાં ઓછું દસ હજાર વર્ષ ને વધતાં વધતાં 7 મી નરકે 33 હજાર સાગરોપમનું આયુષ્ય હોય.

સ. 176 નરકભૂમી સંજીવની કેમ કહેવાય છે?

જ. 176 કારણકે ત્યાં નારક જીવો છેદાતાં, કપાતાં, છૂંદાતા, ભેદાતાં, હણાતાં, બળતાં છતાં, મરવા માંગે છતાં મરી શકતાં નથી. તેઓનું જે પણ આયુષ્ય હોય તે પૂરૂં કરવું જ પડે છે. અત્યંત દુઃખ પામીને પણ નારક જીવો અકાળે મરતા નથી. તેથી આ ભૂમિ સંજીવની કહેવાય છે.

સ. 177 નારકોમાં કેટલા પ્રકારની વેદના હોય છે?

જ. 177 નારકોમાં ત્રણ પ્રકારની વેદના હોય છે. (1) ક્ષેત્રકૃત વેદના - ક્ષેત્રના કારણે સાતે નરકમાં જે ભયંકર વેદના હોય તેને ક્ષેત્રકૃત વેદના કહેવાય.

પહેલી ત્રણેય ભૂમિમાં ઉષ્ણ વેદના, ચોથીમાં ઉષ્ણશીત પાંચમીમાં શીતોષ્ણ, છઠ્ઠીમાં શીત અને સાતમીમાં શીતતર વેદના હોય છે. ઉષ્ણ એટલે એવી ગરમી કે જીવતે જીવતો જમશેદપુરની ભઠ્ઠીમાં નાંખે ને જે પીડા થાય તેના કરતાં અનંત ગણી પહેલી નરકમાં થાય છે. બીજી, ત્રીજીને ચોથીમાં એથી અધિક હોય છે. નરકની ઉષ્ણતાનો એક કણ અહીં આવે તો હજારો જોજનના માણસો ગરમીથી મરી જાય. એવી એવી અનંત દુઃખોની પરાકાષ્ઠા છે. એક લાખ જોજનની ઉંચાઈવાળા સુમેરૂ પર્વતની બરોબર લોઢાનો પીંડ પણ ઓગળી જાય તેવી ગરમી છે ને છઠ્ઠી - સાતમી નરકમાં એવી ઠંડી છે કે તેટલો મોટો લોઢાનો ગોળો પણ ગળી જય (ઠંડીના કારણે તેના અણુઓ વીખેરાઈ જાય.) (2) પસ્પરજન્ય વેદના - નારકી વૈક્રિય શરીર દ્વારા તીક્ષ્ણ શસ્ત્ર જેવા શરીર બનાવે છે. અથવા વ્રજ મુખ કીડારૂપી થઈને બીજા નારકીના શરીરમાં પ્રવેશે છે. અંદર ગયા બાદ મોટું રૂપ બનાવીને શરીરના ટૂકડે ટૂકડા કરે છે. જેમ બિલાડી-ઉંદર, સાપ-નોળિયો જન્મજાત શત્રુ છે. તેમ નારકો પણ જન્મશત્રુ છે. તેઓને વિભંગજ્ઞાન હોય છે. તેઓને વધારે મોટું દુઃખ તો પરસ્પર વેર અને મારપીટથી થાય છે.

નરકમાં સ્ત્રી પુરૂષ હોતા જ નથી. બધાંજ નપુંસકજ હોય છે.

(3) પરમાધામિક કૃત વેદના ઃ 1-2-3 નરકમાં પરમાધામી દેવો પૂર્વકૃત પાપો યાદ કરાવી કરાવીને, અનેક પ્રકારના પ્રહારોથી દુઃખી કર્યા જ કરે છે. દેવો ત્રણ નરકથી આગળ જઈ શકતા નથી. તેથી ત્રણ નરક સુધી આ ત્રણેય પ્રકારની વેદના હોય છે.

નારકોને ભૂખ અને તરસનું દુઃખ સૌથી વધારે ભયંકર હોય છે. અગ્નિની માફક બધું ખાતાં પણ શાંતિ થતી નથી. ઉલટું ભૂખની જ્વાળા તેજ થતી જાય છે. સ્વયંભૂરમણ સમુદ્રનું સંપૂર્ણ પાણી પીલે તો પણ તરસ છીપે નહીં.

નરકના જીવના ક્ષણમાત્રના દુઃખનું કરોડો જીભોથીને કરોડો ભવથી વર્ણન થઈ શકે નહીં. નરકના જીવોને એટલું દુઃખ છે કે એ એક રાડ પાડે ને તે રાડ જો સિંહને હાથી સાંભળે તો તેમના કાળજાં ફાટી જાય. નરકની ભૂમિની ગંધ એવી છે કે તે ગંધનો એક કણિયો પણ જો અહીં લાવવામાં આવે તો કેટલાયે યોજનના મનુષ્યો તે ગંધથી મરી જાય. નરકના દુઃખોને જો સ્વપ્નમાં એક ક્ષણ પણ કોઈ જોઈ લે તો હાર્ટફેલ થઈ જાય. અનંત ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દાહ, જવર, ડર, ચિંતા, ખુજલી અને પરાધીનતા એકથી બીજીમાં અનંતગણી બીજીથી ત્રીજીમાં એમ સાતમી નરક સુધી છે.

74

 

સ. 178 ખરેખર આવું નરક જેવું કાંઈ હશે?

જ. 178 જો ન હોય તો ભગવાને ખુદે એમ કહેવાની શું જરૂર હોય કે હું સાતમીને ચોથી નરકમાં જન્મીને આવ્યો છું. એક એક નરકનો વિસ્તાર કેટલો? નામ શું? નરકાવાસા કેટલા? આટલું શુક્ષ્મ કેવળ જ્ઞાનીના ધર્મ સિવાય બીજો કોઈ બતાવી શક્યું છે? (જુઓ સવાલ નં. 112)

સ. 179 નરકમાં જીવ ધર્મ સન્મુખ થઈ શકે ખરો?

જ. 179 નરકમાં ધર્મસન્મુખ થવાના ત્રણ નિમિત્ત હોય છે. (1) પહેલી ત્રણ નરકમાં કોઈ દેવ જઈને ધર્મ શ્રવણ કરાવે તો તે આત્મસન્મુખ થાય છે.

(ચોથીથી સાતમી નરકમાં દેવનું ગમન હોતું નથી. (2) કોઈ જીવને જાતિ સ્મરણ જ્ઞાન થાય ને પૂર્વે સાંભળેલો ધર્મોપદેશ યાદ આવતાં આત્મ સન્મુખ થાય. (3) અસહ્ય પીડાને કારણે, પાપ ફળનું સ્થાન જાણીને પોતાના સ્વરૂપના ચિંતવનમાં ચઢી જાય.

સ. 180 નરકમાં પણ કોઈને સમકિત થાય ખરૂં ? સમકિતિ આત્મા નરકમાં કેવી રીતે રહે?

જ. 180 સાતમી નરકમાં જવાવાળો જીવ મિથ્યાદૃષ્ટિ હોય છે અને ત્યાં ગયા પછી કોઈકોઈને સમક્તિ થઈ જાય છે. ત્યાં તેને પાણીનું ટીપું, અન્નનો દાણો કે સૂવા માટે જગ્યા મળતી નથી. જન્મતાંની સાથે શરીરમાં મહારોગ હોય છે. આવા પ્રતિકુળ સંજોગોમાં પણ આત્મા પોતાની શાંતિ અને સમકિત પ્રગટ કરી શકે છે. નરકગતિમાં પહોંચેલો આત્મા જો સમકિતિ હોય તો તેના પ્રભાવે આક્રમક ન બને. દુઃખોને સમતાથી ભોગવવા સામેથી તૈયાર રહે. મહારાજા શ્રેણિક હાલ પહેલી નરકમાં સમતાથી દુઃખો સહન કરી, ત્યાંથી નીકળીને આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર બનશે. જ્ઞાનથી ખબર પડે કે પરમાધામી મને હવે આવો ત્રાસ આપશે ત્યારે મિથ્યાત્વી જીવો તેનો પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરે, ચીસાચીસ કરે, ના છૂટકે પરાણે સહે. જ્યારે સમકિતિ જીવો આવનાર દુઃખને આવકારે. ઉંચા અધ્યવસાયપૂર્વક મસ્તીથી સહીને અનંત કર્મોની નિર્જરા કરે. ઉચ્ચ અધ્યવસાયો પામે તો નવું સમ્યક્‌દર્શન પામી શકે. નરકમાં સહન કરવારૂપ (સમતાભાવે) ધર્મ છે.

75

 

સ 181 નયસારના ભવથી ભગવાન મહાવીરના ભવ સુધીના 27 ભવ તો મોટા ભવ થયા બાકી નાના ભવતો અસંખ્ય થયાં. આ વાત સાચી છે? શા માટે?

જ. 181 હા. આ વાત બિલકુલ સાચી છે. તમેજ તમારા તર્કથી આ વાત સમજી શકશો. જુઓ... જયારે ૠષભદેવ દાદા ત્રીજા આરાના અંતમાં થયા ત્યારે ભગવાનનો જીવ મરીચી રૂપે હતો. અને પોતે ચોથા આરાના અંતમાં મોક્ષે ગયા છે. હવે ત્રીજા આરાના અંતથી ચોથા આરાના અંત સુધીનો સમય કેટલો? જો નયસારના ભવથી ગણીએ તો લગભગ એક ક્રોડાક્રોડી સાગરોપમ વર્ષ જેટલો સમય થઈ જાય. હવે કોઈપણ જીવ 1 ક્રોડાક્રોડી સાગરોપમ સુધીતો સળંગ ત્રસપણામાં ન જ રહી શકે. ત્રસ (હાલતા ચાલતા જીવો) માં બે હજાર સાગરોપમથી વધારે સમય સળંગ રહી જ ન શકાય. દરેક જીવ માટે આ નિયમતો સરખો જ છે. કાંઈ ભગવાનના સત્તાવીશે સત્તાવીશ ભવના આયુષ્યનો સરવાળો કરો તોય એક ક્રોડાકોડી સગરોપમ વર્ષના દસ ટકા જેટલોય ન થાય. તો બાકીનો સમય મહાવીર ભગવાનના જીવે વિતાવ્યો ક્યાં? એટલે સમકિત પામ્યા પછીના જે સત્તાવીસ ભવ આપણે ગણીએ છીએ. તેમાં પાંચમાં ભવ પછી ભગવાનનો જીવ નાના ભવ કરતો પાછો સ્થાવરમાં ચાલ્યો ગયો હશે.

(સ્થાવર એટલે સ્વેચ્છાએ હલનચલન ન કરી શકે તેવા ભવ જેવા કે પૃથ્વી, પાણી, વનસ્પતિ, નિગોદ વગેરે) સ્થાવર પણામાં કોઈ ટાઈમ લિમિટ નથી. કરોડો વર્ષ સ્થાવર પણામાં પસાર કરતાં કરતાં અકામ નિર્જરા કરતાં જીવ પાછો ત્રસપણામાં આવ્યો હશે. તે 6 થી 15 ભવ મનુષ્ય તથા દેવના કરીને 15 મા ભવ પછી પાછા સ્થાવરપણામાં એટલે કે સૂક્ષ્મ યોનિમાં ચાલ્યા ગયા હોવા જોઈએ. કરોડો વર્ષ આવા ભવમાં પસાર કર્યા પછી 16થી 27 ભવની યાત્રા કરી ભગવાન મોક્ષને પામે છે. આ રીતે ભગવાનનો જીવ 1 થી 27 ભવ વચ્ચેનો લગભગ 1 ક્રોડાક્રોડી સાગરોપમ વર્ષનો સમય પસાર કરે છે. હવે સવાલ એ બાકી રહે છે કે શા માટે? કારણ કે જીવ પોતે પુણ્ય ભોગવતાં ભોગવતાં પાછું પાપના ઢગલા ખડકી દે છે ને પાપ ભોગવતાં ભોગવતાં પુણ્યરાશિ જમા કરી દે છે. આમ પાપ અને પુણ્ય બેલેન્સમાં રહ્યા જ કરે છે. એટલે તે ભોગવવા માટે જન્મો થયા જ કરે છે. જે દિવસે પુણ્યરાશિ અને પાપ બિલકુલ બેલેન્સમાં ન બચે તે દિવસે આત્મા મુક્ત થાય છે, મોક્ષ થાય છે.

76

 

સ. 182 ભગવાનનું ઉદાહરણ જોઈને આપણે શું શીખવાનું?

જ. 182 આપણે વિચારવાનું કે ભગવાનના જીવને તો ગુરૂના રૂપમાં ખુદ આદિનાથ દાદા પોતે મળી ગયા હતા. છતાંય એ એમને ઉગારી શક્યા નહી. એમને ત્રીદંડી બનતા રોકી શક્યા નહી. કારણકે માણસે પોતાના ઉદ્ધાર માટેની સાધના પોતે જ કરવી પડે છે. ‘હાથ પગ તમે હલાવો ને તરી જાઉં હું’ એવું બનવાનું નથી. કોઈ મારા માથા પર હાથ મૂકી દેશે ને હું મોક્ષે પહોંચી જઈશ એવું વિચારવું એ મૂર્ખામી છે. આદિનાથ દાદા ખુદ મલી ગયા’તા છતાં ભગવાન મહાવીરના જીવ ને ફરી ફરી સૂક્ષ્મ યોનિમાં જવું પડ્યું, તો મારા જીવને નહીં જ જવું પડે એની શું ખાત્રી? એટલે હે જીવ!

હવે તું સાવધાન થઈ જા. કદાચ આ મારો મનુષ્ય જન્મ, આ 2000 સાગરોપમ ના ચક્કરનો છેલ્લો ભવ પણ હોય. કદાચ આ પછી મારે એકેન્દ્રિય નિગોદમાં પણ ફેંકાઈ જવું પડે. માટે હે જીવ... જે સમય હાથમાં છે તે સુખશીલતામાં વેડફી દેવાને બદલે કર્મની નિર્જરા માટેની સાધના કરી લે. સાધના કરી લે.

સ. 183 મોક્ષતો પાંચમાં આરામાં મળવાનું નથી પછી સાધના કરીને શું કરવાનું?

જ. 183 શું તમે જેવી સાધના શરૂ કરશો એવું જ તમને મોક્ષ મળી જશે એવી તમને ખાતરી છે? તમારા માટે રસ્તો કેટલો લાંબો છે કે ટૂંકો છે તે તમે જાણો છો? તો પછી શરૂઆત તો ક્યાંકથી કરવી જ પડશે ને? આ માનવભવ મળ્યો છે, સમજણ મળી છે તો શરૂઆત તો કરવી કે નહિ? નહિ તો મંઝીલે ક્યાંથી પહોંચશો? ચોમાસા બેઠા પછી કોઈ ખેડવાનું કામ નથી કરતું. એ તો ચોમાસા પહેલાં જ કરી લેવું પડે. ઘણાને એમ કહેતા સાંભળ્યા છે કે ‘મહાવિદેહમાં જન્મ આપ ત્યાં ચોથો આરો હોય, તીર્થંકર હોય એટલે મારો મોક્ષ થઈ જાય.’ તમે મહાવીરના ઉદાહરણ પરથી જૂઓ તો ખરા કે મરીચીના ભવમાં તો ત્રીજો આરો હતો, ખુદ દાદા તીર્થંકર વિચરતા હતા. તીર્થંકરના હાથે જ દીક્ષા ગ્રહણ કરી હતી, છતાં મરીચીનો મોક્ષ થઈ ગયો? કાંઈક સમજો... નિદ્રામાંથી જાગો... માગવું હોય તો એટલું જ માંગો કે, હે પ્રભુ! મને મોક્ષ આપ પછી એ કઈ રીતે આપવું, કયા ક્ષેત્રમાંથી આપવું, કેટલા સમયમાં આપવું તે કુદરત પર છોડી દોને... બાળક તો એટલું જ કહેશે ને કે ‘પપ્પા મને બોલ લાવી આપો’ પછી કઈ દુકાનમાંથી લાવવો એ પપ્પા પર છોડી દેશેને...? ડાહ્યા બાળકની માંગ જલ્દી પૂરી કરવાની થશે. તુંયે દાદાનું ડાહ્યું બાળક બની જાને ! ક્રોધને ઓછો કરવાનો પ્રયત્ન કરને... માન, માયા, કપટને ઓછો કરવાનો પ્રયત્ન કરને! હૃદયની લાગણીથી પ્રાર્થના કર ને કે આ કાળમાં કોઈ સાચો મોક્ષમાર્ગ બતાવવાવાળું કેવળી રહ્યું નથી.

માટે અદ્રશ્ય રહીને પણ ભલે... તું મનેસાચો મોક્ષમાર્ગ બતાવ જેથી હું એ કેડી પર ચાલીને મંઝીલ પ્રાપ્ત કરી શકું.

સ. 184 સંગમ નામના દેવે ભગવાનને આટઆટલા અસહ્ય ઉપસર્ગો કર્યા, ગોવાળે કાનમાં ખીલા ઠોક્યા, છતાં ભગવાન કેમ શાંત રહ્યા? તેનો પ્રતિકાર કેમ કર્યો નહિ? સામેલાનો જુલમ ચૂપચાપ સહન કરી લેવો એ શું બાયલા પણું નથી?

જ. 184 મહાવીર ભગવાનમાં કેટલી શક્તિ હતી એ તો એમણે ફક્ત જમણો અંગૂઠો અડાડીને મેરૂ પર્વત ધ્રુજવી દીધો તેના પરથી ખ્યાલ આવે છે. એટલે બાયલાપણાનો તો અહીં સવાલ જ નથી. જુલમનો પ્રતિકાર કરવા કરતા જુલમને સમતાભાવે સહન કરવા માટે વધુ પરાક્રમ, વધુ સાહસની જરૂર છે. પ્રતિકાર તો સામાન્ય વ્યક્તિ પણ કરી શકે છે. જ્યારે સમતાભાવે સહન કરવું એ ફક્ત મહાન માણસો જ કરી શકે છે. જે માણસમાં પ્રતિકાર કરવાની શક્તિ ન હોય તે એક વખત જુલમ તો ચુપચાપ સહી લેશે. પણ હૃદયમાં એનો બદલો લેવાની આગ સળગતી જ રહેશે. જ્યારે મહાવીર ભગવાને છેલ્લા ભવમાં જે ઉપસર્ગો સહ્યા છે તે ફક્ત ચુપચાપ નહિ પણ સમતાભાવે સહ્યા છે. એમના દિલમાં સામેલાનો બદલો લેવાની કે

સામેલાને બતાવી દેવાની કોઈ અંશમાત્ર ભાવના હતી જ નહી. આજ બહુ મોટી વાત છે. આજ ખૂબ પરાક્રમની વાત છે. પ્રતિકાર કરવાની શક્તિ હોવા છતાં પણ જુલમનો પ્રતિકાર કરવો નહિ, સામેલા પર બિલકુલ દ્વેષભાવ રાખ્યા વગર સમતાપૂર્વક અડગ પર્વતની જેમ સહન કરવું આનાથી વધારે પરાક્રમની વાત બીજી શું હોઈ શકે?

સ. 185 એવી શક્તિ મહાવીરમાં ક્યાંથી આવી?

જ. 185 દૂધપાક તમને ખૂબ ભાવતો હોય, તપેલું ભરીને દૂધપાક તમારી સામે હોય, કડકડતી ભૂખ લાગી હોય... પણ જો તમને ખબર પડે કે આ દૂધમાં એક વિષનું ટીપું પડી ગયું છે, તો તમે એ દૂધપાક પી શકશો? મહાવીરને પણ ખબર પડી ગઈ હતી કે ‘મારા આટઆટલા ભવ રખડવાનું કારણ મારામાં જાગેલો માન-અહંકાર અને ભયંકર ક્રોધ છે. અહંકાર અને ક્રોધના આવેશમાં આવીને મેં જેને જેને જે ભયંકર તકલીફો આપી છે તે દરેકે દરેક જીવ મારી સાથે બદલાને દ્વેષના ભાવ સંગ્રહીને કેટલાય ભવોથી યોગ્ય તકની રાહ જોઈને મારી પાછળ ફરી રહ્યા છે. હવે જો હું એનો હિસાબ ચૂકતે નહીં કરૂં તો એ જીવ મને મોક્ષે જવા દેશે નહિ. અને હિસાબ ચૂકતે ત્યારે જ થાય જ્યારે એ જીવ બદલો વાળવા આવે ત્યારે છતી શક્તિએ પ્રતિકાર કર્યા વિના સમતાભાવે સહું.’ ગોવાળો જ્યારે ખીલા ઠોકવા આવે છે ત્યારે પોતે ગોવાળાને કાનમાં શીશું રેડાવીને જે વેદના આપેલી તેનો અનુભવ ભગવાનનો પવિત્ર આત્મા કરી શકે છે તેથી અત્યારે ગોવાળો જે પીડા આપી રહ્યો છે તે પોતે આપેલી પીડા કરતાં ગૌણ લાગે છે. જ્યારે માણસ બીજાની પીડાનો અનુભવ કરી શકે છે ત્યારે પોતાની પીડા તુચ્છ લાગે છે તેથી તે સહન કરવાની શક્તિ આવી જાય છે. દૂધમાં પડેલા વિષના ટીપાની જેમ એ જાણી ગયા છે કે મને ઉપસર્ગ કરવા આવનાર તો નિમિત્ત માત્ર છે. બાકી તો મારા જ કૃત્યની મને રીટર્ન ગીફ્ટ આપવા આવ્યા છે. અને એ જો હું હસતા મોઢે સ્વીકારી લઈશ, બદલાની ભાવના વિના સમતાભાવે સહન કરી લઈશ તોજ આ ભવચક્કરમાંથી હું છૂટી શકીશ. આ હાજર થયેલા સમ્યક્‌જ્ઞાન, સમ્યક્‌દર્શન અને સમ્યક્‌ચારિત્રમાંથી આ શક્તિ પ્રગટી છે.

સ. 186 ગૌશાલા એ ભગવાન પર છાડેલી તજોલેશ્યા એમના શરીરમાં પ્રવશીને એમનું મૃત્યુ કેમ નીપજાવી શકી નહી? અને એજ તજો લેશ્યાએ પ્રભુના આટાં મારીને શરીરમાં પિત્તપ્રકોપ કેમ કર્યા?

જ. 186 પ્રભુનું નિરૂપક્રમ આયુષ્ય કર્મ (પૂરેપૂરૂં ભોગવાય, વચ્ચેથી તૂટે નહી) બળવાન હતું માટે તેજોલેશ્યા મૃત્યુ નીપજાવી શકી નહી. પરંતુ સામે બળવાન અશાતાવેદનીય પાપ ઉદયમાં આવ્યું ને રહ્યું માટે છ મહિના ગરમીની પીડા આપી.

સ. 187 મને ભગવાનની આંગી કરવી ખૂબજ ગમે છે. હમણાં મને એક જણે કહ્યું કે આવી ગરમીમાં ભગવનની મખમલને ઉનની આંગી કરો તો ભગવાનને ખૂબ જ ગરમી લાગે ને આશાતના થાય... તો મારે શું કરવું?

જ. 187 તમે ભગવાનની અનંત શક્તિને ઓળખ્યા વગર ભગવાન માટે આવું વિચારો એજ એમની મોટામાં મોટી અશાતના છે. શું તમે નથી જાણતા કે સંગમ દેવે ભગવાનના બંને પગ વચ્ચે આગ પેટાવી ખીર પકવવા લાગ્યો.. ને એવી આગની લપટોનેય ભગવાને સંપૂર્ણ સમતાભાવે અડગ રહીને સહી હતી. શું એ ગરમી કરતાં આ ગરમી વધારે છે? તો ભગવાનની સહનશક્તિ પર સંશય કરવો એ શું એમની આશાતના નથી? ઈંદ્રે ભગવાનની સહનશક્તિ પર સંશય કર્યો હતો. તો ભગવાને તરત જ જમણા અંગૂઠા વડે મેરૂપર્વતને ડગાવી દીધો. ઈંદ્રે પોતે કરેલા સંશયની ક્ષમા માગી. માટે આંગી કરવાથી જો તમારા ભાવ ચઢતા હોય તો ઉનની આંગી કરવાથી આશાતના ન થાય પરંતુ આવા તર્ક કુતર્ક કરવાથી આશાતના જરૂર થાય.

આંગી એ આપણા ભાવની વૃદ્ધિ કરવા માટેનું એક અવલંબન છે. જો આંગી જોઈને ફક્ત એટલો જ ભાવ આવતો હશે કે અહા... આંગી કેટલી સરસ... ભગવાન કેટલા સરસ લાગે છે... તો એ સંસાર વૃદ્ધિનું કારણ બનશે. મારી આંગી ઘણી સરસ બને છે... કે કોઈ બે જણ આંગીના વખાણ કરે ને આપણને સંતોષ થાય એવો ભાવ હશે તો એ અહંકાર વૃદ્ધિનું કારણ બનશે. તો આંગી જોઈને શું ભાવ કરવો? એવો ભાવ કરવો કે આ તો શું છે? ભગવાન તો કરોડો રૂપિયાના હીરા-માણેક રત્નજડિત મુકુટ ને જરકસી જામા છોડીને ચાલ્યા ગયા છે. હે ભગવાન મારામાં આવી મોહત્યાગની ભાવના ક્યારે આવશે? જો આવા ભાવમાં રમણતા થાય તો આંગીના દર્શન સફળ થાય.

છસો-સાતસો વર્ષ પહેલાં જ્યારે લોકો આત્મધર્મથી શિથિલ થતાં ગયા ને અન્ય ધર્મીના શૃંગાર ધર્મ તરફ લોકો આકર્ષાવા લાગ્યા ત્યારે આપણામાં શૃંગાર ધર્મને પ્રવેશ આપવો પડયો.. પરંતુ તેનો ઉપયોગ ફક્ત ભાવના ઉત્થાન માટે જ થવો જોઈએ.. આ બુદ્ધિનો કે કુતર્ક કરવાનો વિષય નથી..

કુતર્કથી તો આખી જિનપૂજાનું પણ ખંડન થઈ શકે પરંતુ એવું કરવું કોઈપણ રીતે યોગ્ય નથી. (કોઈ એવું દ્રવ્ય વાપરવાથી પ્રતિમાને નુકશાન થતું હોય તો ન વાપરવું)

સ. 188 આપણા પૂર્વાચાર્યોએ સામાયિક ધર્મની રચના કેમ કરી?

જ. 188 આપણા પૂર્વાચાર્યોએ બહુ જ સમજપૂર્વક આપણા માટે અડતાલીસ મિનિટના સામાયિકની રચના કરી છે. તેઓ જાણતાં હતાં કે માણસો દિવસનો મોટો ભાગ કંઈને કંઈ કાર્યમાં સક્રિય રહેશે. ને જ્યાં સુધી સક્રિય હશે ત્યાં સુધી શુભ કે અશુભ કર્મનો બંધ બાંધ્યા જ કરશે. એટલે આપણને 48 મિનિટનું સામાયિક એવું સુંદર આપ્યું કે, ‘તું કમસે કમ 48 મિનિટ તો નિષ્ક્રિય થા. 48 મિનિટ સુધી ન કાયાથી કાંઈ કાર્યકર, ન વચનથી કર કે ન મનથી કર.’ કરેમી ભંતે માં આપણે 48 મિનિટ સુધી મન-વચન ને કાયાથી સ્થિર થવાની ભિષ્મ પ્રતિજ્ઞા લીએ છીએ. જરા તમારા મનને પૂછજો કે આ પ્રતિજ્ઞા લીધા પછી, એટલે કે કરેમી ભંતે, ઉચ્ચર્યા પછી હું આ પ્રતિજ્ઞા પાળું છું કે ભંગ કરૂ છું? ભંગ કરો છો તો કેમ? શા માટે? શું ઉપવાસનું પચ્ચખાણ લીધા પછી... થોડું ખાઈ લીધું... થોડું દૂધ પી લીધું... પછી તમે કહેશો કે મારે ઉપવાસ થઈ ગયો? તમે કહેશોને કે મારો ઉપવાસ ભાંગી ગયો. તેવી રીતે સામાયિકમાં 48

 

મિનિટ સુધી મન-વચન-કાયાથી કોઈપણ સાવદ્યયોગ નહિ કરવાની પ્રતિજ્ઞા લીધા પછી... કાયાનું વગર કારણે કેટલું હલન ચલન કરીએ છીએ? વાણીથી વગર જરૂરનું કેટલું બોલીએ છીએ? અને સૌથી મહાનતો મન... આપણે અહીંયા ને મન કયાં? શું મનમાં રાગ-દ્વેષના પરિણામ ઉત્પન્ન ન થાય તેની કાળજી રાખીએ છીએ? છતાંય આવું સામાયિક કર્યા પછી ક્યારેય અફસોસ થાય છે કે મારૂં સામાયિક ભાંગી ગયું? ઉપવાસ ભાંગી ગયો એ ખબર પડે છે પણ તેનાથી અનેકગણું મહાન તપ સામાયિક ભાંગી ગયું કે સામાયિક ન થયું તેની ખબર પડે છે? ના... ના... આપણે તો પાછા ગર્વથી ગણતરી કરીએ છીએ કે... મારા બે સામાયિક થઈ ગયા, મારા ત્રણ સામાયિક થઈ ગયા. ભલે આજ સુધી જેવું સામાયિક કર્યું તેવું ભલે કર્યું, આજથી સાચું સામાયિક કરતાં શીખીએ.

સ. 189 સામાયિકની પૂર્વભૂમિકા સમજાવો.

જ. 189 બે ઘડી માટે સામાયિકની પ્રતિજ્ઞા લઈ સુખાસને બેસો. મનથી નિશ્ચય કરો કે 48 મીનીટ સુધી હું મારી કાયાનું હલનચલન કરીશ નહિ. એક આંગળી પણ મારે હલાવવી ન પડે એવી હે ભગવાન! મને શક્તિ આપ. ભલે શરૂઆતમાં નહિ થાય પરંતુ દરરોજ તમે એવી દૃઢ પ્રતિજ્ઞા લઈને બેસસો ને ભગવાન પાસે શક્તિ માંગશો તો થોડા સમયમાં તમારામાં એ શક્તિ આવી જશે. જ્યાં કાયા જ નથી હલાવવાની તો હોઠ હલાવવાની વાતજ ક્યાં આવી? મતલબ કે બોલવાનું રહ્યું જ કયાં? માટે વાણીથી પણ દૃઢ પણે મૌન પાળો. કાયા અને વચનથી નિષ્ક્રિયતા... બસ આટલે સુધીતો બહુ સહેલી વાત છે, હવે અઘરી વાત આવે છે મનની... પણ એ થી ગભરાવવાની જરૂર નથી. ભાગતા મનનું અવલોકન કરવાનું ચાલુ કરો...

ફક્ત એને જોયા કરો... જોયા જ કરો... જેમ ચોરને જોઈલો તો ચોર ભાગી જાય તેમ મનનું અવલોકન કરશો તો મન કાબુમાં આવતું જશે. દરેક વસ્તુને સમય જરૂર લાગશે, પણ તેથી ગભરાઈને છોડી દેવાનું નથી પ્રયત્ન ચાલુ રાખશો તો સફળતા જરૂર મળશે. પરંતુ ‘આતો મારાથી થાય જ નહિ ને કરાયજ નહી’ એવા નેગેટીવ સૂર કાઢશો તો જીવનમાં ક્યારેય નહિ કરી શકો. વિચારો કે મારા પહેલાં અનેકાનેક મહાપુરૂષો આ પ્રયત્ન કરી સફળતાને પામ્યા છે તો હું કેમ નહિ? હું મારૂં નામ પણ એમની હરોળમાં કેમ ન મૂકું?

સ. 190 મનને કાબુમાં લેવા માટે શું કરવું?

જ. 190 જો તમે ધ્યાન આપશો તો મનના બે જ ભાગ તમને નજરમાં આવશે. મન કાં તો ભૂતકાળમાં ભાગતું હશે, કાંતો ભવિષ્યકાળમાં. મન વિચારશે કે

‘ફલાણો આવો હતો, તેવો હતો, એણે આમ કર્યું, તેમ કર્યું (ભૂતકાળ)’ ને પછી તરત વિચારશે ‘હવે હું એને જોઈ લઈશ, આમ કરીશ, તેમ કરીશ (ભવિષ્યકાળ).’ આમ મન આપણું કાં ભૂતકાળમાં કાં તો ભવિષ્યમાં ભાગે છે. પણ વર્તમાનમાં તો રહેતું જ નથી. જો મનને વર્તમાન કાળમાં રહેવાની ટેવ પાડવામાં આવે તો મન સીધે સીધુ આત્મામાં ઉતરી જાય છે.

યાદ રાખો ઃ ભૂતને ભવિષ્ય એ મનના ભાગ છે જ્યારે વર્તમાન એ આત્માનો ભાગ છે. સામાયિકની 48 મિનિટ દરમ્યાન સજાગ રહીને મનને વર્તમાનમાં રાખવાની ટેવ પાડવાની છે. વિચારો આવે ને જાય, શુભિવચાર કે અશુભ વિચાર, થોડો વિચાર કે વધુ વિચાર, કાંઈ ન કરવું વિચારોને અટકાવવા નહિ, વધારવા નહિ, પકડવાના નહિ, બદલવા નહિ, જેમ આકાશમાંથી વાદળા પસાર થાય તેમ વિચારોને પસાર થવા દો. ફક્ત તેને જાણવા, કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા કરવી નહી. પૂર્ણ સ્વીકાર ભાવ, દ્રષ્ટાભાવ, શાંત, મૌન, ચૂપ, કોઈ વિરોધ નહિ, સ્વાગત નહિ, ઉત્સુકતા નહી, ભય નહિ.. માત્ર જોવું, માત્ર જોવું, માત્ર જોવું અને આ જ્ઞાયક ભાવ જ એને નષ્ટ કરશે. સાધક માટે જરૂરી છે કે તેઓ મનથી પર થાય. અ-મનની સ્થિતિમાં પહોંચે. સામાયિક એટલે ચિત્તનું શાંત હોવું, ભૂત-ભવિષ્યમાં ન દોડતું ચિત્ત શાંત છે. તેવું ચિત્તજ આત્મામાં ઉતરી શકે છે. મન જીવે છે ભૂત અને ભવિષ્યમાં, જો તમે સાવધાન રહી ભૂત અને ભવિષ્યમાં ન જોડાઓ તો તે બંનેને તોડતી એક સૂક્ષ્મરેખા છે વર્તમાનની.

82

 

વર્તમાનમાં રહેવા માટે ઉપયોગ સૂક્ષ્મ અને શાંત હોવો જોઈએ. જરા પણ કંપન થયું તો ચૂકી જવાશે. વર્તમાનમાં રહેતું આપણું ધ્યાન, મન, સરળતાથી આત્મામાં પ્રવેશી જાય છે. મનને કાબુમાં લેવા માટેનો આ જ રસ્તો છે. સામાયિક દરમ્યાન શુદ્ધ ઉપયોગ રાખી વર્તમાનમાં જ મનને રાખવાનો પ્રયત્ન કરો અને જૂઓ, અનુભવ કરો... તમારૂં ચિત્ત પહોંચી જશે આત્મામાં ને સાચા અર્થમાં સામાયિક ઘટિત થશે... આત્મિય આનંદનો અનુભવ થશે... કર્મની નિર્જરા ચાલુ થશે.

સ. 191 સામાયિક મોક્ષનું કારણ કઈ રીતે?

જ. 191 બે પ્રકારની ક્રિયાઓ છે. એક છે શરીરની ક્રિયા, બીજી મનની. શરીરનું અસ્તિત્વ તો નિરંતર વર્તમાનમાં જ છે એટલે સ્વરૂપમાં જવા માટે શરીર બાધા રૂપ નથી. માટે ભટકાવે છે મન. માટે સાધકો માટે એ જાણવું જરૂરી છે કે ક્રિયા હશે તો મન રહેશે. મન હંમેશા સક્રિય રહેવા ઈચ્છે છે કારણ કે તોજ તેનું અસ્તિત્વ છે. મન દુકાને જવા પણ તૈયાર ને મંદિરે જવા પણ તૈયાર. જ્યાં સુધી મન સક્રિય છે ત્યાં સુધી રાજી છે. પણ જો આપણે મનના માત્ર જ્ઞાયક (જાણવાવાળા) રહ્યા તો મન રાજી નથી. તે પૂરી કોશિશ કરશે. કંઈને કંઈ કરવાની પણ જો તેને માત્ર જાણ્યા કરીએ. બીજુ કાંઈ ન કરીએ, મન સાથે લડીએ નહિ, મનનું માનીએ નહિ, મનથી સંબંધ તોડી નાખીએ ને માત્ર તેને જાણ્યા કરીએ તો મન મરવા લાગશે. અ-મનની સ્થિતિ ઉભી થશે. મનની કોઈ સત્તા રહેશે નહિ. મન એટલે જ સંસાર. એટલે કે સંસારની કોઈ સત્તા રહેશે નહિ. ‘મનઃ અવં મનુષ્યાણાં કારણં બંધ મોક્ષયો’ સક્રિય મન સંસાર બંધનું કારણ છે, જ્યારે અક્રિય મન મોક્ષનું કારણ છે. સામાયિકની પ્રતિજ્ઞા દ્વારા પ્રાપ્ત થતો સમભાવ મોક્ષ માર્ગનું અનન્ય કારણ છે. મોક્ષનું કારણ સામાયિક છે ને સામાયિકનું કાર્ય મોક્ષ છે.

સ. 192 શબ્દાર્થને ભાવાર્થથી સાચું સામાયિક સમજાવો.

જ. 192 શ્રાવક ધ્યાન ધરીને સામાયિકમાં બેઠો હોય, ત્યારે ઉપદ્રવ થાય તો પણ ડગે નહિ. કોઈ કુહાડાથી દેહને કાપે તો તેના પ્રત્યે દ્વેષ નહિ ને બીજો ચંદનથી શરીરને વિલેપન કરે તો તેના પ્રત્યે રાગ નહિ. બંને પ્રત્યે સમાન ભાવ રાખવો તે સામાયિક, સ્ત્રી, ઘર, છોકરા-છૈયાં ભૂલી જવાય ત્યારે સામાયિક કર્યું કહેવાય. સંસારના વિષયોમાં બહાર ભટકતી ચેતનાને પાછી બોલાવવી. એટલે કે પર સાથેનો સંબંધ તોડવો, પણ પાછી ફરેલી ચેતના જો આત્મામાં રહે નહીં તો પાછી બહાર ભાગે એટલે બહારના વિષયોમાંથી પાછી ફરેલી ચેતનાનું આત્મામાં સ્થિર થવું, અંદર રહેવું, અંતર્મુખ બનવું, સ્વ-સાથે સંબંધ જોડવો તેનું નામ છે સામાયિક વ્રતી-શ્રાવક તિર્યંચો પણ સામાયિક કરે છે. અમુક શબ્દો બોલવા તેનું જ નામ સામાયિક નથી. સમતાભાવ રૂપ જ્ઞાન, ચેતનારૂપ આત્મપરિણિતિ થઈ ગઈ તે જ સામાયિક છે. રાજા રાવણનો હાથી ત્રિલોકમંડન સમ્યક્‌દર્શન સહિત વ્રતધારી શ્રાવક થયો હતો. સમ્યક્‌દર્શન પછી તિર્યંચને પણ સામાયિક હોય. દરિયામાં માછલાને પણ સામાયિક હોય. મહાવીરના આત્માને સિંહના ભવમાં સમ્યક્‌દર્શન થયું ને વ્રતધારી શ્રાવક થઈને સમાધિમરણ કર્યું. મિથ્યાત્વ છે તેને તો સામાયિક થઈ જ શકતું નથી. પરંતુ સાચા દેવ-ગુરૂની શ્રદ્ધા થઈ ગયા પછી પણ આત્માના ભાન વગર સામાયિક થતી નથી. સામાયિક એ કોઈ શરીર કે મનની ક્રિયાનું નામ નથી પણ અક્રિયાનું નામ છે. સામાયિક એટલે માત્ર હોવું, સમયમાં હોવું, આત્મામાં હોવું, વર્તમાનમાં હોવું, જ્ઞાયકભાવમાં હોવું, માત્ર જાણવું, કાંઈ કરવું નહિ એ સ્થિતિમાં સામાયિક સધાય છે. દુકાનદારમાંથી સન્યાસી બનવું સહેલું છે, પણ બધા રૂપની ભીતર જે પોતાનું સાચું રૂપ, જ્ઞાયક રૂપ છે તેને ઓળખી તેમાં સ્થિર થવું અઘરું છે. એજ ધર્મ છે, એજ સામાયિક છે અને એજ જીવ ચૂકતો આવ્યો છે. જો ખરેખર દુઃખથી મુક્ત થવું હોય તો અંતર્મુખતાની કળા શીખવી જોઈએ. સ્વયંમાં સ્થિર થવું હોય તો વર્તમાન પ્રત્યે જાગૃતિ સાધી જ્ઞાયક ભાવે રહેવું જોઈએ કે જેથી ઉપયોગ સુક્ષ્મ બની આત્મામાં પ્રવેશે. આ છે સાચું સામાયિક. સમયના ઘણા શબ્દાર્થ થાય છે. સમયનો એક અર્થ થાય છે આત્મા. એટલે આત્મામાં રહેવું તે સામાયિક. સમયનો બીજો અર્થ થાય છે કાળ એટલે વર્તમાનકાળમાં રહેવું તે સામાયિક. સમ-આયિક - સમ એટલે રાગ દ્વેષ રહિતપણું. આય એટલે તેમાં ગમન પ્રાપ્ત કરવું એટલે કે આત્માને સમતાભાવમાં રાખવો. વર્તમાનકાળ ફક્ત એક સમયનો હોય છે. એના પ્રત્યે હોશપૂર્ણ રહેવું, પરમ જાગૃત રહેવું, વર્તમાન વિષે આપણને જ્યારે ખબર પડે છે ત્યારે એ ક્યારનોય અતીત બની ચૂક્યો હોય છે. જે દિવસે આપણે એટલા બધા શાંત બની ગયા હશું કે વર્તમાન આપણી પકડમાં આવી જાય ત્યારે સાચું સામાયિક ઘટિત થશે.

84

 

સ. 193 તો શું અમે જે દરરોજ વ્યવહાર સામાયિક કરીએ છીએ તે છોડી દેવી?

જ. 193 ના. બિલકુલ નહિ. કદી પણ નહિ. વ્યવહાર સામાયિકનો કદી પણ નિષેધ કરવો નહિ. જીવ એમ કરતાં કરતાં ક્યારેક પ્રતિબોધ પામશે ને સાચા સામાયિકમાં પ્રવેશ પામશે. પણ જો નિષેધ કરશો તો ભવિષ્યની પેઢીને સામાયિક નામ રૂપે પણ મળશે નહિ. કોઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિક કરે છે તો તેને અટકાવવું નહિ. અટકશે તો ભટકી જશે. તેનાં કરતા તેનો તે વખત ઉપદેશના શ્રવણમાં કે શાસ્ત્રના અભ્યાસમાં અથવા કાઉસગ્ગમાં જાય તેમ ઉપદેશવું. સામાયિકનો નિષેધ તેના હૃદયમાં પણ ન આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. અંતર્મુખ થવું એજ શુદ્ધ ક્રિયા છે તે લક્ષ કરાવવું. વ્યવહાર સામાયિકનો નિષેધ નહી ને નિશ્ચય સામાયિકનો લક્ષ છોડવો નહિ.

સ. 194 સામાયિકમાં અંતઃમુખતાના અભ્યાસથી આખું જીવન રૂપાંતરિત થાય?

જ. 194 હા. અંતર્મુખતાના અભ્યાસથી મૂળમાંજ રૂપાંતરણ સધાય છે. મૂળસ્ત્રોત જો અમૃતથી ભરેલો હોય તો તેમાંથી છલકતાં બિંદુઓ પણ અમૃતમય જ હોય છે. ભલે થોડા વખતનો પણ અંતર્મુખતાના આ અભ્યાસથી જીવ ને મૂળ સત્ય પકડમાં આવે છે. તેની હાલની સ્થિરતાની માત્રામાં ફરક પડી જાય છે. તેને પોતાને ધીરે ધીરે ખ્યાલ આવે છે કે જે ક્રોધ, માન, માયા, ઈર્ષ્યા, કપટ મારામાં પહેલા હતાં તે હવે નથી.

તેમાં ફરક પડી ગયો છે. આ જ સાચા અર્થમાં ધર્મઘટિત થયો છે.

અંતર્મુખ અભ્યાસના પરિણામે જેને સત્યનું અનુસંધાન એકવાર પણ થયું છે પછી તેનો જીવન વ્યવહાર પહેલા જેવો નથી હોતો. તેમાં ધરમૂળ પરિવર્તન આવી જાય છે. આમ 24 કલાકમાં એક સામાયિકથી શરૂ કરી ધીમે ધીમે અભ્યાસ વધારીએ. તેનાથી આપણને આત્મિક આનંદની પ્રાપ્તિ થાય છે ને સામાયિકનો અભ્યાસ કરતાં કરતાં જીવ રાગ, દ્વેષ ને અજ્ઞાનથી રહિત થઈ પૂર્ણ વીતરાગતા પ્રાપ્ત કરે છે. વિતરાગ અવસ્થામાં જે દશા હોય છે આંશિક રૂપે સામાયિકમાં ઉપલબ્ધ થાય છે. સામાયિક થાય તેની દશા તો અદ્‌ભુત થાય.

85

 

સ. 195 પુણ્યાશ્રાવકનું સામાયિક કેવું હતું?

જ. 195 પુણ્યાનું સામાયિક સમજતાં પહેલાં એક બે વાત બીજી સમજી લઈએ તો પુણ્યાનું સામાયિક સમજવામાં સરળતા થશે. જેમ તેલવાળી, ચીકણી ને ખરબચડી દીવાલ પર ધૂળના રજકણો ચોંટે તો તેને કાઢવા માટે સાબુ-પાણી-બ્રશ વગેરે જોઈએ ને ઘણી મહેનત કરવી પડે, પણ જો દીવાલની સપાટી લીસી ને સૂકી હોય તો ધૂળના રજકણો બહુ ચીપકતા નથી તથા બહુ સહેલાઈથી ખરી પડે છે. બસ તેવી જ રીતે આપણા જે આત્મ પ્રદેશો સંપૂર્ણ શરીરમાં ફેલાયેલા છે, તેમાં રાગ અને દ્વેષને કારણે કંપન ઉત્પન્ન થાય છે. અને કંપિત આત્મપ્રદેશો કર્મની રજકણોને ખેંચે છે અથવા તો ચૌદ રાજલોકમાં કર્મના દલિકો ભર્યા પડયા છે તે આત્માપર આવીને ચોંટી જાય છે. જેમ ચીકણી દીવાલ પર ધૂળના રજકણો ચોંટે છે તેમ. પરંતુ જેટલું રાગદ્વેષનું પ્રમાણ ઓછું એટલે કે રાગદ્વેષની ચીકાસ ઓછી તેટલું આત્મ પ્રદેશોનું કંપન ઓછું થશે. તેટલા કર્મના રજકણોનું ઓછું ચીપકવું થશે. જેમ સૂકી, લીસી દીવાલ પર ધૂળના રજકણો ઓછા ચીપકે છે તેમ...

હવે સામાયિક દરમ્યાન જેટલા ભૂત-ભવિષ્યમાં ઓછા ખેંચાશો એટલું રાગ-દ્વેષનું પ્રમાણ ઓછું થશે એટલું આત્મપ્રદેશોનું કંપન ઓછું થશે.

જ્યાં દ્વંદ ખોવાઈ જાય છે ત્યાં આત્માની જ્યોતિ નિષ્કંપ બની જાય છે, ચિત્ત શાંત થાય છે. હવે ચિત્તને શાંત કરવામાં કોણ મદદ કરે છે? ભગવાને જે અઢાર પ્રકારના પાપ બતાવ્યા છે તે પાપમાંથી જેટલા જેટલા મુક્ત થશો તેટલી તેટલી ચિત્તને શાંત, પ્રશાંત થવામાં મદદ થશે. આવા અંતર્મુખ થયેલા શાંત મનમાં જરાપણ કંપન થયું તો તે કંપનને અનુભવી શકાશે. જેમ શાંત પાણીમાં એક નાનો સરખો પથ્થર નાખો તો પણ પાણીના કંપન જોઈ શકાય છે. પણ જો પાણી શાંત ન હોય, ઘુઘવતું હોય તો તેમાં મોટા મોટાં પથ્થરા નાખો તોય તેનું કંપન અલગથી નિહાળી શકાતું નથી. પુણ્યા શ્રાવકનું જીવન ઘણા બધા પાપથી મુક્ત થઈ ગયું હતું. એણે ઘણી બધી સંપત્તિનો ત્યાગ કર્યો હતો. ને નાની સરખી ઝૂંપડીમાં સંતોષથી રહેતો હતો. બે જણને ખાવા પૂરતું રૂ ની પૂણી વેંચીને કમાઈ લેતો. જરૂરિયાત કરતાં બિલકુલ વધારે નહિ કમાવું એટલે કે પ્રરિગ્રહના પાપથી મુક્ત થઈ ગયો હતો. બે માંથી એક જણ વારાફરતી ભૂખ્યા રહીને અતિથિને જમાડતા હતા. આના પરથી ખ્યાલ આવશે કે તેનું જીવન કેટલું બધું ત્યાગમય-સાદું-સરળ ને સાત્વિક હતું. આમ અઢાર પાપ સ્થાનકમાંથી દૂર રહીને એણે એના ચિત્તની આજુબાજુ એક સુંદર વાડ ઉભી કરી દીધી હતી. તેથી જ્યારે તે 48 મિનિટ સામાયિકમાં બેસતો ત્યારે તેનું ચિત્ત સંપૂર્ણ આત્મસ્થિત અને કંપન રહિત બની જતું. ને ઉચ્ચકોટીનું સામાયિક ઘટિત થતું. એક દિવસ એના સામાયિક દરમ્યાન તેના શાંત-પ્રશાંત ચિત્તમાં કંપન પેદા થયું. ચિત્ત ડામાડોળ થયું. તેને કંપન પેદા થયેલા ચિત્તનો અનુભવ થયો. કેમ એને અનુભવ થયો? ને કેમ આપણને અનુભવ નથી થતો? તે જ વિચારવાનું છે. કારણકે સામાયિક દરમ્યાન તેનું ચિત્ત શાંત પાણીની જેમ, સ્થિર થતું હતું. માટે જેમ શાંત પાણીમાં નાની સરખી કાંકરી પડે તો પણ કંપન જોઈ શકાય તેમ તેના શાંત ચિત્તમાં એક નાના સરખા પાપથી જે કંપન પેદા થયા તેને તે અનુભવી શક્યો.

જ્યારે આપણે એટલા બધા પાપ કરી રહ્યા છીએ કે સામાયિકમાં ચિત્ત સ્થિર થવાને બદલે ઘૂઘવતા સાગર જેવું હોય છે. તેથી આપણું અશાંત મન મોટા મોટા પાપનો પણ અનુભવ કરી શકતું નથી. પુણ્યાનું ચિત્ત જરા સરખી કંપનનો અનુભવ કરે છે ને વિચારે છે, ‘આજે મારાથી એવું કયું પાપ થઈ ગયું છે કે મારૂં ચિત્ત સ્થિર થતું નથી?’ જ્યારે પોતાના દ્વારા થયેલા કોઈ પાપ ધ્યાનમાં આવતા નથી ત્યારે પત્નીને પૂછે છે અને પત્ની કહે છે, ‘હા, આજે પાડોશીનું એક છાણું ઘરમાં આવી ગયું છે, ને પુણ્યો વિચાર કરે છે,’ અહા, અદત્તાદાન નામનું ત્રીજું પાપ મને લાગ્યું છે. મારૂં ચિત્ત સ્થિર ક્યાંથી થાય? આપણો વિચાર કરીએ તો પાડોશીની વસ્તુ ભૂલથી આપણા ઘરમાં આવી જાય તો એ પાપ આપણને પાપ જ ન લાગે.

કારણકે આપણે તો મોટા મોટા પાપને પણ છાવરી દેવામાં પાવરધા છીએ. હવે વિચાર કરો... જો આટલું નાનું પાપ પણ પુણ્યાના ચિત્તમાં કંપન પેદા કરી શકે.. સામાયિકમાં તેનું મન સ્થિર ન થાય... અને પાછો એનો અનુભવ પોતે કરી શકે... તો સામાયિક દરમ્યાન પુણ્યાનું મન કેટલું કેટલું આત્મામા સ્થિર થતું હશે? કેટલું કેટલું વર્તમાનમાં રહેતું હશે? તેનું મન કેટલી હદે અમનની સ્થિતિમાં પહોંચી જતું હશે? કેવી હશે તેમની આત્મસ્થિતની સાધના? કેટલી ઉચ્ચ કોટીનું એનું સામાયિક ઘટિત થતું હશે કે ખુદ ભગવાને એના સામાયિકના વખાણ કર્યા. રાજા શ્રેણિક પૂરેપૂરું રાજ્ય આપીને પણ, એનું એક સામાયિક ન ખરીદી શક્યો. એ સામાયિક કેવું હશે? જ્યારે આપણા સામાયિકમાં નથી હોતી અઢાર પાપસ્થાકથી દૂર રહેવાની કોઈ સાધના કે નથી હોતી. આત્મામાં મનને સ્થિર કરવાની કોઈ સાધના... એટલે જ તો સામાયિક આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત કરવાની ઘટનાને બદલે એક ટેન્સન રૂપ બની ગયું છે. સામાયિક ક્યારે પુરૂં થાય? ત્રણ વાર ઘડિયાળમાં જોવું પડે તો એ ટેન્શન છે, સામાયિક નહીં, આજે સાચા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને સાચું સામાયિક ઘટિત થાય, ભલે પુણ્યા જેટલું ચિત્ત સ્થિર ન કરી શકીએ પણ એના આંશિક રૂપે તો સામાયિક આપ.

સ. 196 સામાયિકમાં સ્વાધ્યાય કરવાનું કેમ કહ્યું છે?

જ. 196 સ્વ એટલે પોતે. પોતે એટલે આત્મા. સ્વનો અધ્યાય કરવો એટલે કે

આત્માનો અભ્યાસ કરવો. આત્મામાં સ્થિર થવું તેને જ સ્વાધ્યાય કહેવાય.

બાહ્ય ઘટનાનો અભ્યાસ એ અસામાયિક. અંદર ઘટતી ઘટનાનો અભ્યાસ તેજ સામાયિક, તેજ સ્વાધ્યાય. તેથી સ્વાધ્યાય કરવાનો કહ્યો છે. પરંતુ ઉતરતા કાળે લોકોની ક્ષમતા ઓછી થતી ગઈ, લોકોનો સામાયિકમાં આત્મસ્થિત રહેવાનો સ્વાધ્યાય નહિવત્‌ જેવો થવા લાગ્યો એટલે લોકો બીજા કશામાં ભટકી ન જાય તે માટે સામાયિક દરમ્યાન શાસ્ત્રનો અભ્યાસ કરવાનું સૂચવવામાં આવ્યું ને ધીમે ધીમે લોકો શાસ્ત્રના અભ્યાસને જ સ્વાધ્યાય માનવા લાગ્યા.

સ. 197 સામાયિકમાં મન-વચન-કાયાથી સ્થિર થવાનું છે તો એક બેહોશીનું ઈંજેકશન લઈ લઈએ તો કલાક બે કલાકનું સામાયિક ન થઈ જાય?

જ. 197 સામાયિકમાં મન-વચન-કાયાને સ્થિર જરૂર કરવાના છે પણ જાગરૂકતાપૂર્વક, બેહોશીમાં નહિ. બેહોશીમાં કાયા અને વચન થોડા ઘણા અક્રિય થાય છે પણ મન નહિ. સભાનતાપૂર્વક મન-વચન-કાયાને અક્રિય બનાવી દ્રષ્ટાભાવમાં સ્થાપન કરવું એ ક્રિયાને જ સામાયિક કહેવાય. મન સતત જાગ્રત રહેશે કે એ વર્તમાનમાં જ છે ને? પોતાનો ઉપયોગ આત્માની બહાર તો નથી ચાલ્યો ગયોને? મન ઉપરની વોચમેનગીરી પણ મનજ કરશે અને એ ત્યારે જ કરી શકશે જ્યારે તે સભાન છે, જાગ્રત છે. નિદ્રા અવસ્થામાં કાયા પણ આંશિક રૂપે અને વાણી સ્થિર થાય છે, પણ મન નહિ, માટેજ તો નિદ્રાને તો સામાયિકના બત્રીશ દોષમાંનો એક દોષ ગણ્યો છે. શું કોઈને મોઢાપર પટ્ટી મારીને મુશ્કેટાટ બાંધી દેશું તો તેનું સામાયિક ઘટિત થઈ જશે? બિલકુલ નહિ. કારણ એનું મન તો ભટકે છે માટે જાગરૂકતાપૂર્વકની ચિત્તની સ્થિરતા એજ સામાયિક છે, બેહોશી નહિ.

88

 

સ. 198 પ્રતિક્રમણમાં કેમ બોલવાનું ને ક્રિયા કરવાની હોય છે?

જ. 198 પ્રતિક્રમણ એ સામાયિકની પૂર્વભૂમિકા રૂપે છે. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હઠવું. પુણ્યાના સામાયિકમાં સમજાવ્યું કે જેટલા પાપથી પાછા હઠો, જેટલા પાપરહિત થાઓ એટલું તમારૂં મન આત્મામાં સ્થિર થઈ શકે.

સામાયિક યોગ્ય રીતના ઘટિત થાય તે માટે પ્રતિક્રમણની ક્રિયા કરવાની છે. પ્રતિક્રમણમાં થયેલા પાપોની માફી માંગીને પવિત્ર થવાનું છે જેથી મન પાપોના બોજથી હલકું થાય છે ને સામાયિક દરમ્યાન આત્મામાં સ્થિર થઈ શકાય છે. સામાયિકની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે પ્રતિક્રમણ છે, એટલે કે

સામાયિકની પૂર્વભૂમિકા રૂપે હોવાથી તેમાં બોલવાની કે ક્રિયા કરવાની છૂટ આપી છે. ચોથા આરાના લોકોને આ રીતના પ્રતિક્રમણ કરવું પડતું નહતું કારણકે તેઓ એટલા સીધા ને સરળ હતા કે જે ઘડીએ કાંઈક ખોટું થયું કે તેજ ઘડીએ તેઓ પાપની અલોચના લઈ લેતા હતા એટલે કે તેઓને સમયે સમયે પ્રતિક્રમણ ઘટિત થતું હતું. જયારે આપણે પાંચમા આરાના લોકો એટલા વક્ર અને જડ છીએ કે આપણને આ રીતે પ્રતિક્રમણ કરવાનું ફરમાન છે.

સ. 199 આપણે પણ સામાયિક પાળતી વખતે સામાયિક દરમ્યાન લાગેલા દોષોની માફી માંગી લઈએ છીએ પછી સામાયિકમાં દોષ લાગી જાય તો વાંધો નહિને?

જ. 199 કોઈ માણસને તમે લાત મારો પછી કહો, ‘સોરી હોં ભાઈ ભૂલથી લાગી ગયું.’ બિચારો એકવાર તમને માફ કરશે. પાછી થોડીવાર રહીને લાત મારો ને સોરી કહો. આવું વારંવાર કરો સામેલો તમને કેટલીવાર માફ કરશે? બસ - સામાયિકમાં આપણે આજ કરીએ છીએ. દોષોથી ભરેલું સામાયિક કરીએ છીએ ને પછી માફી માંગીએ છીએ. માફી માંગ્યા પછી જો દોષોને દૂર કરવામાં ન આવે, ભૂલોને સુધારવામાં ન આવે તો પછી માફી નામના શબ્દનો કોઈ મતલબ રહેતો નથી.

સ. 200 શું એ.સી.માં બેસીને સામાયિક થઈ શકે?

જ. 200 પંખા કે લાઈટમાં પણ ન થઈ શકે તો એ.સી. માં કેમ થઈ શકે? એ.સી. માં બેઠા એટલે તમે કેટલા મોટા પાપમાં બેઠા એ જરા જાણી લો. એ.સી.ના ઉપયોગ દરમ્યાન જે વાયુ છૂટો પડે છે તે સીધો ઉપર જઈને ઓઝોનના પડને તોડે છે. ઓઝોન એ ઘટ્ટ ઓક્સિજન વાયુનું પડ છે, જે સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવેલું છે. સૂર્યના જલદ કિરણો તેમાંથી પસાર થઈને પૃથ્વી પર આવે છે. તેથી નરમ બને છે. તેથી જ તો આ જીવસૃષ્ટિ પૃથ્વી પર જીવી શકે છે. એ.સી. ને ફ્રીઝના ઉપયોગથી આ પડમાં ગાબડા પડવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કે જે એ.સી. ફ્રીઝનો ઉપયોગ કરે છે તે પરોક્ષ રીતે છઠ્ઠા આરાના નિર્માણમાં નિમિત્ત બને છે, કારણકે છઠ્ઠો આરો આવતા સુધીમાં એટલે કે લગભગ 18,000 વર્ષ સુધીમાં ઓઝોનનું પડ પૂરેપૂરૂં તૂટી જશે ને છઠ્ઠા આરામાં સૂર્યના સીધેસીધાં કિરણો પૃથ્વીપર આવશે. એ આગ જેવા જલદ હોવાથી ઝાડપાન કે કોઈ જીવસૃષ્ટિ બચી શકશે નહીં. માણસો દિવસ દરમ્યાન ગુફામાં ભરાઈ રહેશે ને માછલા દરિયામાં ઉંડે ચાલ્યા જશે. જે લોકો ફ્રીઝ, એ.સી. ખૂબ હોંશે હોંશે ખુશ થઈને વાપરે છે, એમણે કદાચ છઠ્ઠા આરામાં જન્મ લેવાની તૈયારી રાખવી પડે. વળી ફ્રીઝ, એ.સી. વીજળીથી ચાલે છે. વીજળીના ઉત્પાદન દરમ્યાન વાયુકાય, અગ્નિકાય ને પાણીકાયના અસંખ્ય જીવોની હિંસા થાય છે. વળી જ્યારે તમે એ.સી. વાપરો છો ત્યારે બીજાને ગરમી આપીને તમે ઠંડક લ્યો છો. મતલબ કે બીજાને દુઃખનું દાન કરીને તમે સુખ લ્યો છો... હવે તમેજ મને કહો કે આટઆટલા પાપની વચ્ચે બેઠેલા માનવીનું સામાયિક ઘટિત થાય જ કેવી રીતે? તેનું પાપોથી ઘેરાયેલું ચિત્ત આત્મામાં સ્થિર થાય જ કેવી રીતે?

સ. 201 તપ શબ્દનો અર્થ સમજાવો.

જ. 201 તપ શબ્દનો અર્થ છે કે ઈંદ્રિયોની જે માલિકી છે તેને દૂર થવાની આજ્ઞા આપવાનું સામર્થ્ય કેળવવું પેટ કહે કે ભૂખ લાગી છે. તમે કહો કે ભલે ભૂખ લાગી હોય, પરંતુ આજે હું ભોજન કરવા માંગતો નથી. એટલું કહેતાં જ તમે પેટથી અલગ થઈ જાવ છો. પણ મન કહે છે, ઠીક છે.. આજે ભોજનનું ચિંતન કરીશું. તમે કહો છો કે, નહિ, ભોજન જ કરવું નથી, પછી એનું ચિંતન શા માટે કરવું? મનને ચોખ્ખી ના જ પાડી દો કે ભોજનનું ચિંતન નથી કરવાનું. તમારી ના માં તાકાત હોવી જોઈએ. તમે ભોજનનું ચિંતન કર્યુ તો તમારો ઉપવાસ નિષ્ફળ ગયો. જ્યાં સુધી ચિંતન પર તમારૂં નિયંત્રણ ન હોય, મન ઉપર તમારી માલિકી ન હોય ત્યાં સુધી તમે ઉચ્ચ કક્ષાનો ઉપવાસ કરી શકતા નથી. સજાગ રહીને આપણી ઈંદ્રિયોની માલિકી આપણા પર ન રહે તેનું પ્રત્યેક પળે ધ્યાન રાખવાનું છે.

એટલે આપણે મનની માલિકી તરફની યાત્રાની શરૂઆત અનસન નામના પ્રથમ બાહ્યતપથી કરવાની છે. ભૌતિક શરીર સાથે તપને બહુ લેવાદેવા નથી, ખરૂં કાર્ય તો અંદર છૂપાયેલા ઉર્જા શરીર પર જ કરવાનું હોય છે.

90

 

ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે...

ઈચ્છા રોધે સંવરી, પરિણતી સમતા યોગે રે...

તપ તે તેહી જ આત્મા, વર્તે નિજગુણ ભોગે રે...

ઈચ્છાઓને રોકે, અંતરમાં અનુકૂળ મળે રાજી ન થાય અને પ્રતિકૂળ મળે ખિન્નતા કરે નહી. પોતાના સ્વભાવ સમતામાં પોતે રહે, તેજ તપ છે.

સ. 202 ઉપવાસમાં આપણે ભોજન તો લેતા નથી, પછી ભોજનના વિચાર કર્યા તેમાં શું બગડી ગયું?

જ. 202 ભોજન છોડવાથી ચેતના વધવી જોઈએ તેના બદલે ભોજન માટેનું ચિંતન વધી જાય તે વધારે ખતરનાક છે. ભોજન કરો તો પંદર મિનિટમાં પૂરૂં થઈ જાય. પરંતુ ચિંતન ચાલ્યા જ કરશે. કારણકે ભોજનથી જે તૃપ્તિ મળશે તે વિચારોથી મળશે નહિ. જે કામ પેટને કરવાનું છે તે કામ તમે મગજને સોંપી દો છો. તેનાથી તો ગૂંચવાડો વધવાનો છે. જ્યારે ભોજન પણ નહિ ને ભોજનનું ચિંતન પણ નહી હોય, ત્યારે જ અનસનું બાહ્યતપ સાર્થક બનશે. વળી કોઈ કાર્ય તમે શરીરથી કરો છો કે મનથી એ બે વચ્ચે મહાવીરે ભેદ કર્યો નથી. તમે ચોરી કરી કે ચોરી માટે વિચાર કર્યો, હત્યા કરી કે હત્યા માટે વિચાર કર્યો, ભોજન કર્યુ કે ભોજન માટે ચિંતન કર્યુ... મહાવીર માટે બંને બરાબર છે. મન-વચન કે કાયાથી કરેલા કાર્યમાં સરખું પાપ છે. તેમ મહાવીર કહે છે.

સ. 203 ભોજન છોડવાથી ચેતના કેવી રીતે વધે છે?

જ. 203 જ્યારે ભોજન શરીરમાં બિલકુલ હોતું નથી ત્યારે શરીરની બધી ઉર્જા મગજને જ મળે છે. જ્યારે શરીરની મોટાભાગની ક્રિયાઓ ભોજન વગર બંધ થઈ જાય છે. ત્યારે શરીરની ઉર્જા જે અલગ અલગ અંગોમાં વહેંચાઈ ગઈ હોય છે. તે બધી મગજને મળતાં મગજ પહેલી વાર જાગવામાં સમર્થ થઈ જાય છે. એટલી આપણી જાગૃતિ વધે છે. કદાચ મહાવીરની વધુમાં વધુ જાગૃતિનું એક કારણ આ પણ હોઈ શકે. આપણા માટે ભોજનનો એક ટૂકડો પણ આપણી ચેતનાના સ્તરને બદલી નાખે છે. એટલે જો ચેતના વધારવી હોય તો જેટલું ઓછું ભોજન શરીરમાં હશે એટલી ચેતના વધુ જાગૃત થશે.

91

 

સ. 204 જૈન દર્શનમાં ઉપવાસનું મહત્વ શું છે?