This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
ખ્રિસ્તી–જૈનો જેઓને પરમાત્મા માને છે તે મોટો પરમેશ્વર નથી. ઘણા માણસો સિદ્ધ થાય છે. તે સિદ્ધો કંઈ પરમેશ્વરો નથી. તેઓ કંઈ આપણું દુઃખ ટાળવા અહીં આવતા નથી.
જૈન–ખ્રિસ્તીબંધુ!!! અમો જેને પરમાત્માઓ માનીએ છીએ તે પૂર્ણ કેવલજ્ઞાન અને અનંત આનંદસુખથી ભરપૂર છે. સર્વથા રાગદ્વેષાદિ દોષોરહિત છે. સર્વ મનુષ્યોને પ્રભુ થવાનો એક સરખો સમાન હક્ક છે. તેઓના માર્ગે ચાલીને જેઓ આત્મિક સુખ મેળવવા પ્રયત્ન કરે છે તે જ પ્રભુના ભક્તો સંતો છે.તમોએ માનેલા નિરાકાર પરમેશ્વરે આજ સુધી કોઈનું દુઃખ ટાળ્યું હોય એવો સત્ય જ્ઞાનીઓની આગળ પ્રત્યક્ષ પુરાવો નથી. તમારો પરમેશ્વર અહીં મનુષ્યોનાં દુઃખો નિવારણ કરવા આવે છે, અને જાય છે, એવું પ્રત્યક્ષ પ્રમાણ નથી. મ્હને તો એમ લાગે છે કે નિરાકાર પોતાના આત્માને જ પ્રભુરૂપ અનુભવાએલાં હોય છે. છતાં તે ભિન્ન પ્રભુની માન્યતાને લીધે તેઓ ભિન્ન પરમેશ્વર આવીને દુઃખ ટાળે ને એવું ભ્રાંતિથી માને છે. આત્માથી ભિન્ન એવો કોઈ પ્રભુ અહીં આવી દુઃખ ટાળતો નથી. પોતાનો આત્મા પ્રભુ છે અને તે સ્વયં દુઃખ ટાળે છે છતાં અન્ય પ્રભુ દુઃખ ટાળે છે એવી જ્યાં સુધી બુદ્ધિ હોય છે ત્યાં સુધી ભોળા અજ્ઞાન ભક્તોને પ્રભુ દુઃખ ટાળે છે એમ જણાય છે; માટે એવી ભ્રાંતિ ટાળીને આત્મામાં જ સુખ છે અને મોહથી દુઃખ છે, આત્મા જ જ્ઞાનથી પોતાનું સુખ અનુભવે છે અને મોહથી થએલું દુઃખ પોતે ટાળે છે, એમ અંતરમાં ઉંડા ઉતરીને અનુભવો એટલે તમારી ભ્રાંતિ ટળી જશે અને સત્ય સમજાશે.
ખ્રિસ્તી–જે ખ્રિસ્તીયો પ્રભુની પ્રાર્થના કરે છે, પરોપકારનાં કાર્યો કરે છે, પ્રભુની પ્રાર્થના કરીને પાપોનો પશ્ચાતાપ કરે છે મનુષ્યોના ભલા માટે સુકર્મો કરે છે તેનો બદલો શું તેઓને નથી મળતો ?
જૈન–યાહુદી, ખ્રિસ્તી, મુસલમાન, હિંદુઓ, જૈનો વગેરે સર્વ ને તેઓના શુભકર્મ, તપ, દમ,દાન, દયા, પશ્ચાતાપ, ભક્તિ વગેરેનો પોતાના ભાવ પ્રમાણે બદલો મળે છે. પ્રથમ ગુણસ્થાનકવર્તી તપસીઓ, સંતો અને ગૃહસ્થો ચાહે ગમે તે ધર્મના હોય તો પણ તેઓના શુભ વિચારોનું પુણ્યકૃત્યોનું સારૂં ફળ મળે છે અને તેથી તેઓ અન્ય જન્મમાં સુખી થાય છે અને તેઓના પાપવિચારોથી અને પાપ કર્મોથી તેઓ પાપકર્મ બાંધીને પરભવમાં જન્મ લઈ દુઃખી થાય છે. તેઓ તપ વગેરેથી અકામનિર્જરા કરે છે અને પુણ્યકર્મોથી ઉંચા આવે છે. આત્મા, શુભાશુભ વિચારો અને શુભાશુભ કર્મોથી ઉચ્ચ-નીચ જન્મ લઇ સુખ દુઃખ પામે છે અને શુભાશુભ વિચારથી અને શુભાશુભ પ્રવૃત્તિથી મુક્ત થાય છે ત્યારે તે મુક્ત સિદ્ધ પરમાત્મા બને છે. તેથી દુનિયામાં વર્તતો ગમે તે ધર્મ નો મનુષ્યાત્મા હોય તેને શુભાશુભ વિચારનું અને શુભાશુભ કર્મનું ફળ - સુખ દુઃખ મળે છે, તો ખ્રિસ્તીયો પોતે પોતાના શુભ વિચારોથી અને શુભાચારોથી શાતાવેદનીય જન્મ સ્વર્ગ સુખ પામે અને પાપ કર્મો કરે તો નરક પામે એ તો કર્મ ના સ્વભાવ પ્રમાણે થાય છે, શુભનું શુભ ફળ છે અને અશુભનું અશુભ ફળ છે. જગત્કર્તા તરીકે ઈશ્વરને માનનારા અને જગત્કર્તા તરીકે ઈશ્વરને નહીં માનનારાઓ, પોતપોતાના શુભાશુભ કર્મફલને સ્વયમેવ પામે છે અને સમ્યગ્ જ્ઞાનદર્શનના ચારિત્રને પામે છે તો તેઓ મુક્તિ પદને પામે છે એમ જૈનશાસ્ત્રો જણાવે છે.
ખ્રિસ્તી–જૈનો દારૂ માંસના ત્યાગી અને કેવલ વનસ્પતિ આહારી હોવાથી તેઓની વસતિ ઘટી ગઇ, અને તેઓએ યુદ્ધને ન માન્યું તેથી જૈનકોમ નબળી પડી ગઈ. માંસાહારી લોકોને જૈનધર્મી તરીકે રહેવાની પણ તેઓએ છૂટ ન આપી તેથી જૈનકોમ ઘટી ગઈ છે અને તે ભવિષ્યમાં પોતાનું નામ હયાતી નાબુદ કરશે.
જૈન–દારૂમાંસ ત્યાગથી અને વનસ્પતિ આહારથી આત્માનું તથા શરીરનું સાત્વિક બળ ખીલે છે. યુદ્ધો કરીને મનુષ્યોને મારી નાંખવાં તે તો પશુબલ છે પણ આત્મિકબલ નથી. ઈસુ ક્રાઈસ્ટે પણ કહ્યું છે કે તને જમણા ગાલ પર તમાચો મારે તો પાછો ડાબો ગાલ ધર, એમ બોલનાર ઈશુ ક્રાઈસ્ટ કંઈ ધર્મયુદ્ધો કરીને અન્ય મનુષ્યોને મારી નાખવાનો ઉપદેશ આપે નહીં. યુદ્ધો કરવાં તે ઈશુ ક્રાઈસ્ટના ઉપદેશથી વિરૂદ્ધ છે. તો પછી જૈન તીર્થંકરો તો યુદ્ધનો ઉપદેશ આપે ક્યાંથી? દારૂમાંસ વાપરવાથી આત્મિકબલ વધતું નથી અને પશુબલથી મનુષ્યો ૫રસ્પર લડી મરે છે, તેઓ સત્ય શાંતિથી અને આત્મોન્નતિથી વિમુખ રહે છે. હાલમાં ગાંધીજી વગેરે પણ અહિંસાબલનો પ્રયોગ કરીને ખ્રિસ્તીયો વગેરેમાં જે પશુબલનું જોર વધી પડ્યું છે તેનો પરિહાર કરવા પ્રયત્ન કરે છે, જે જૈનો દારૂ માંસ વાપરે છે તે અવિરતિસમ્યગદૃષ્ટિ ચોથાગુણસ્થાનકવાળા જૈનો ગણાય છે. તેવા જૈનો, કર્મના ઉદયથી જો કે દારૂમાંસ વાપરે છે અને હિંસા કરે છે તોપણ તે દારૂમાંસ હિંસામાં દોષ પાપ માનીને પોતાના દોષને દોષ તરીકે માને છે અને દારૂમાંસ હિંસાના ત્યાગ માટે હૃદયમાં પુરુષાર્થ કરે છે જેઓ દારૂમાંસ વાપરતા નથી અને ધર્મયુદ્ધાદિક વિના પંચેંદ્રિયજીવોની હિંસાનો ત્યાગ કરી સ્થુલ અહિંસાદિ વ્રતોને અંગીકાર કરે છે. તેઓ દેશવિરતિશ્રાવક જૈનો ગણાય છે, તેઓ પંચમગુણ સ્થાનવાળા ગણાય છે. દારૂમાંસના ભોગી એવા અવિરતિ જૈનો પુરૂષાર્થ કરીને દેશવિરતિધર શ્રાવકો થાય છે અને દેશવિરતિ શ્રાવકો સાધુત્યાગીનાં વ્રત ગ્રહે છે. સાધુઓ અપ્રમત્તદશા પ્રાણ કરવા પુરૂષાર્થ કરે છે. એમ ઉત્તરોત્તર આત્માના ગુણો પ્રાપ્ત કરવા માટે તપ, સંયમ, વ્રત, ધ્યાન, સમાધિમાં ઉત્તરોત્તર આગળ વધી શકાય છે અને આત્માની પૂર્ણ શુદ્ધિરૂપ મોક્ષની પ્રાપ્તિ કરી શકાય છે અવિરતિ અને દેશવિરતિ એવા બે પ્રકારના ગૃહસ્થ શ્રાવક જૈનો, ગૃહસ્થધર્મના શાસ્ત્રોના અધિકાર પ્રમાણે વર્તે છે અને ધર્મયુદ્ધ કરીને સંઘ ચૈત્યાદિકનું રક્ષણ કરી શકે છે. બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય, અને શૂદ્ર એવા ચાર વર્ણ ના મનુષ્યો જૈનધર્મ પાળી શકે છે. અન્યધર્મી સમાજની પેઠે તેઓ પણ દેશકાળાનુસારે વ્યવહારમાં વર્તીને સંઘબળ જાળવી શકે છે, જૈનો જૈનશાસ્ત્રોના અનુસારે વર્તે તો તેઓ મનવાણી કાયા અને આત્માનું બળ પ્રગટાવી શકે છે. દારૂમાંસ વાપરનારા બળવાન રહે છે એવો કંઈ નિયમ નથી, જર્મની, રૂશિયા, ઑસ્ટ્રીયા વગેરે દેશોના મનુષ્યો દારૂમાંસભોગી હતા તો પણ તેઓ ઈ. સ. ૧૯૨૦ની લડાઈમાં હારી ગયા. ભાતખાઉ જાપાને રૂશિયા સૈન્યને હરાવી દીધું. સંપ, આત્મભોગ આદિ સદ્ગુણોથી બળ વધે છે અને દુર્ગુણોથી નબળાઈ આવે છે. પશુબલના દુરુપયોગથી થએલી જીત છેવટે હારને પમાડે છે. ખ્રિસ્તીધર્મ પાળનારાં સર્વ રાજ્યોમાં સબળાઈ દેખાતી નથી. પશુબળથી ખ્રિસ્તીયોએ અન્ય પ્રજાઓને જીતી છે તેનો બદલો પશુબલથી તેઓને મળશે. આફ્રીકા અને અમેરિકાના મૂલ વતનીઓ ઉપર ગુલામી વગેરે દશાનો જુલ્મ ગુજારવાના ઘણા દૃષ્ટાંતો છાપાઓમાં વાંચવામાં આવે છે. રોમન કૅથોલિક અને પ્રોટેસ્ટંટ પંથના ખ્રિસ્તીયોએ પરસ્પર ધર્મ ભેદે ઘણી લડાઈઓ કરી છે અને લાખો મનુષ્યોનાં પરસ્પર ખૂન કર્યા છે, એવું ઐતિહાસિક દૃષ્ટિથી જાણવામાં આવે છે. ખ્રિસ્તીયોમાં ધર્મની માન્યતાના સેંકડો મતભેદો છે. યુરોપમાં હવે ખ્રિસ્તીધર્મ ઉપરથી કેટલાક યુરોપીયનોની શ્રદ્ધા ઉડી ગઈ છે અને હવે તેઓ હિન્દુસ્થાનના ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરવા લાગ્યા છે. કેટલાક બૌદ્ધ ધર્મ પાળવા લાગ્યા છે. કેટલાક મુસલમાનો પણ બને છે, દાક્તર વાર્રન વગેરે જૈન બન્યા છે. હાલની યુરોપની મોટી લડાઈથી યુરોપ સમજવા માંડ્યું છે કે , છે કે પશુબલથી વિશ્વમાં ખરી શાંતિ થઈ નથી અને થવાની નથી. ગૃહસ્થજૈનો, ધર્મ સંઘ પ્રજા દેશ રાજ્ય કુટુંબાદિની રક્ષા માટે ધર્મ યુદ્ધ અને કર્મયુદ્ધ કરે છે, તે પ્રમાણે સર્વ ધર્મવાળા કરે છે અને એવું જણમાં પ્રવર્ત્યા કરે છે, તેમાં કંઈ વિશેષ નથી. પશુબલનો દેશ સમાજ સ્વાત્માર્થે પણ દુરૂપયોગ ન કરવો અને પોતાના કરતાં નિર્બલ સમાજો, સંઘો, પ્રજાઓ, રાજ્યો અને અન્ય ધર્મીઓ પર પશુબલનો દુરૂપયોપ ન કરવામાંજ તમારી અમારી અને સર્વધર્મી પ્રજાની વડાઈ છે.
આત્મબલથી ખ્રિસ્તીઓએ જીત મેળવી હોત તો અમે તેને વખાણીએ. સાણંદમાં એક વિધવા શ્રાવિકાને ખ્રિસ્તીઓ ફોસલાવી લઈ ગયા અને પશ્ચાત તેણી તેના ખ્રિસ્તી ધણીએ બહુ કષ્ટ આપ્યું અને તે બિચારી મરી ગઈ. અમદાવાદની લલ્લુભાઈ રાયજી જૈનબોર્ડીગમાં કપડવણજનો એક ગરીબ માબાપ વિનાનો છોકરો ભણતો હતો, તેને રસ્તામાંથી ખ્રિસ્તીઓ સમજાવીને લઈ ગયા. જૈનો તેને પાછો મેળવવા કોર્ટ દ્વારા લડ્યા, પણ તેઓએ કાળ યુક્તિથી પોતાના કબ્જે રાખ્યો અને પાછો સોંપ્યો નહીં. આ પ્રમાણે પશુબલ સત્તાયુક્તિપ્રયુક્તિથી ભોળા અનાથ હિંદુઓને વટલાવવા, નામના જ ખ્રિસ્તી બનાવવા, એમાં કંઈ આત્મિક બળ નથી. મુસલમાનોએ પણ તમારા યુરોપ ઉપર એવું બળ વાપર્યું હતું, માટે તેથી તમારે એવા બળનો મોહ ન કરવો જોઇએ.
ખ્રિસ્તી–જૈનોમાં સમાજ સુધારો નથી, વિધવાઓને પરણાવતા નથી અને અંત્યજોને તેઓ અડતા નથી તેઓ દેશ રાજ્ય સમાજની પ્રગતિમાં ભાગ લેતા નથી તેવું કેમ?
જૈન– જૈન સંઘમાં દ્રવ્યક્ષેત્રકાળાનુસારે યોગ્ય સુધારા કરવાની છૂટ છે અને તે ધર્મસ્ય સુધારા કહેવાય છે પણ અયોગ્ય અધર્મી સ્વપરને અહિત કરનાર સુધારાને કુધારા ગણવામાં આવે છે.
બાલવિધવાઓ બ્રહ્મચર્યને પાળે, તથા સંઘસમાજની સેવા કરે અને કામાદિકના પશુબળને જીતી એક પતીવ્રતની ભાવનાથી સુક્ત થયા પછી પતિ મરતાં અન્ય પતિ ન કરવાની ખાસ ઇચ્છા હોય તેવી વિધવાઓ પૂનર્લગ્ન ન કરે તે યોગ્ય છે અને જે બાળ વિધવાઓથી કામ ભોખ વિના ન રહેવાય અને વ્યભિચાર કર્મ કરવામાં પ્રવૃત્ત થાય, તેવી વિધવાઓએ તપ સંયમમાં ખાસ પ્રવૃત્તિ કરવી અને કામને રોકવો. કારણકે ભોગથી કામની શાંતિ થતી નથી, પૂનર્લગ્નની સ્ત્રીને જૈનધર્મ પાળવામાં કોઇ જાતની હરકત નથી. જૈન ધર્મની દષ્ટિએ જૈન સંઘ, એવી પૂનર્લગ્ન કરનારી અને જૈનધર્મ પાળનારી વિધવાને વસ્તુપાલ તેજપાલની માતાની પેઠે જૈનધર્મ સાધ્વી થવામાં તથા શ્રાવિકા ધર્મ પાળવાનાં હરકત કરી શક્તો નથી. જ્ઞાતિની દૃષ્ટિએ વિચાર કરવા માટે સર્વ નીતિયો, સ્વતંત્ર વિચાર પ્રમાણે લાભાલાભની દ્રષ્ટિએ જ્ઞાતિ, વર્તી શકે છે, જૈન વિધવા પૂનર્લગ્ન કરીને જૈન ધર્મ પાળે તો સંઘ તરફથી કંઇ તેને હાનિ થતી નથી. પણ મારી અંગત માન્યતા તો એ છે કે જૈન શ્રાવિકાએ કામની શાંતિ માટે અન્ય પતિ ન કરતાં વૈરાગ્ય તપ સંયમથી કામ વિકાર ટાળવો, એ જ ઉત્તમ ઉપાય છે, કારણ કે લાકડાથી અગ્નિ જેમ શાંત થતો નથી તેમ પૂનર્લગ્ન મૈથુન વગેરેથી કામ શાંત થતો નથી. એવો મૂલ માર્ગ છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણો છે. ઢેડ ભંગી વગેરે સદા અસ્પર્શ્ય છે એવો નિયમ નથી. અમુક સંયોગોમાં પવિત્રવસ્ત્રાદિકની સ્થિતિમાં હોય ત્યારે અપવાદે, તથા યુદ્ધાદિક પ્રસંગોમાં તે સ્પર્શ્ય છે તેમજ તે તેમનાં ગંદા કાર્ય કર્યા પછી મુસલમાનો અને ખ્રિસ્તીયોની પેઠે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરે તો માંસાહારી ખ્રિસ્તીયોને અને મુસલમાન તથા વાઘરીઓને જેમ અડી શકાય છે, તેમ તેઓને અપવાદકાલે અડી સ્પર્શી શકાય અને પછી સ્નાન કરવું, એમાં કાંઈ વિરોધ જણાતો નથી અને હવે મહાત્મા ગાંધીજી તથા માલવીયાજી વગેરે તથા આર્યસમાજી શ્રદ્ધાનંદ સ્વામી તથા લાલા લજપતરાય વગેરે ઢેડ ભંગીઓને સ્પર્શે છે અડકે છે અને તેઓને અડવાની મંદિરોમાં જવાની કુવા પર પાણી ભરવાની તેઓને છૂટ આપી છે. મારી માન્યતા તો આપત્તિકાલાદિ જે જે પ્રસંગે અડકવાનું કથન છે તે વિના અન્યકાલે અડકવામાં વિરોધવાળી છે. હવે હિંદુઓ તથા જૈનો જાગ્રત થાય છે. તમો હવે તમારી સુધારાની જાળમાં હિંદુઓ, વગેરેને ફસાવવામાં ફાવી શકશો નહીં. યુરોપીયન ખ્રિસ્તીઓ, આફ્રિકા, અમેરિકા વગેરેના કાળા લોકોને હલકા ગણે છે, અર્થાત્ ઢેડા ભંગીઆ જેવા ગણે છે. તે કાળી ચામડીવાળાઓ હવે જાણવા જાગવા લાગ્યા છે, તેથી તમારા સુધારાનું સ્વાર્થબિંદુ સમજવામાં આવી ગયું છે તેથી હવે હિંદુઓ જૈનો તમારાથી ભાગ્યે જ ઠગાવાના.
જૈનોએ, હિંદુઓએ રાજ્ય કર્યા છે. હજી હિંદુરાજાઓ હિંદમાં રાજ્ય કરે છે અને હિંદુઓ જૈનો, દેશ રાજ્ય સમાજ સંઘમાં આગેવાની ભર્યો ભાગ લે છે. તમે જેમ મનુષ્યો છો, તેમ હિંદુઓ અને જૈનો પણ મનુષ્યો છે. તેઓ પ્રાચીન કાળમાં રાજ્ય કરતા આવ્યા છે. સમાજ કાયદા રચતા આવ્યા છે. જૈનોએ હિંદુમાં સર્વ બાબતોમાં આગેવાની ભર્યો ભાગ લીધો છે અને હાલ લે છે, તથા ભવિષ્યમાં લેશે. જૈનો અને હિંદુઓ સમજે છે કે હવે જો પોતે નબળા પડ્યા તો તેઓ પોતાનું અસ્તિત્વ ગુમાવી દેવાના. હવે તેઓ જ્ઞાનપૂર્વક સમજીને દેશ, કોમ, સમાજ, રાજ્ય ધર્માદિકના સુધારામાં આત્મબલપૂર્વક પ્રવૃત્તિ કરશે પણ તમારું ખોટું અનુકરણ તેઓ નહીં કરે.
ખ્રિસ્તી–જૈનો એમ માને છે કે કોઇને દુઃખ પડે છે તે પાછલા કર્મના ઉદયથી છે, તેથી તેઓ દુઃખી લોકોના દુઃખમાં ભાગ લેતા નથી. જૈનોને ખ્રિસ્તી ધર્મ પસંદ છે પણ તમને જનાવર મારવાનું પસંદ નથી.
જૈન–જે લોકો રોગી દુઃખી છે તે પાપકર્મથી થાય છે, પણ તમારી પેઠે ઈશ્વરની ઇચ્છાથી દુઃખી થાય છે એમ નથી, દુઃખી લોકોનાં દુઃખ ટાળવા માટે જૈનોએ તન મન ધન સત્તાથી પ્રયત્ન કરવો જોઇએ. એમ જૈન શાસ્ત્રોમાં અને હિંદુ ધર્મનાં શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું છે; દુઃખને ટાળવાનો પ્રયત્ન કરવાથી અનિકાચિત કર્મોનો ઉદય ટળે છે પણ તમારા ઈશ્વરની ઈચ્છાથી લોકોને જે દુઃખ થાય છે તે દુઃખ ટાળવા તમારાથી ઉદ્યમ નહીં થાય, કારણ કે બાપની ઇચ્છાની વિરૂદ્ધ તમારાથી જવાશે નહીં અને અમો તો એમ માનીએ છીએ કે કર્મના ઉદય સામો પુરૂષાર્થ ઉદ્યમ કરવાથી કર્મ ટળે છે રોગ દુઃખ ટળે છે. અન્યોનાં રોગ દુઃખ ટળે એવા ઉપાયો કરવાથી અન્ય લોકોનાં કર્મો તથા દુઃખ ટળે છે તેથી સર્વ વિશ્વજીવોની–લોકોની સેવા કરવામાં અમારા જૈનધર્મ પ્રમાણે અમને બાધ આવતો નથી, પણ તમારા ઈશ્વરની ઇચ્છા વિરૂદ્ધ વર્તવાથી તમને બાધ આવશે. જૈનોને જૈનધર્મ પસંદ છે. તેમને ખ્રિસ્તી તત્તવોની ઉપર પ્રમાણેની અસત્ય માન્યતાઓ સત્ય જણાતી નથી તેથી તે પસંદ આવે જ નહીં. કોઇ મૂઢઅજ્ઞાની જૈન, ધર્મના અજાણ એવા જૈનકુલમાં જન્મેલા નામધારી કોઈક જૈનને તમારો ધર્મ પસંદ પડે તે તેના અજ્ઞાનથી છે. ખ્રિસ્તીયો જનાવર ખાય છે એમાં ખરો જૈન, પાપ માને છે. કારણ કે મનુષ્યોને જેમ પોતાનો આત્મા અત્યંત પ્રિય છે તેમ પશુઓ વગેરેને પણ પોતાના પ્રાણ પ્રિય છે, તેથી તેઓનું માંસ ખાવામાં મહાપાપ છે. તમો ગાયમાં આત્મા માનતા નથી. હિંદુઓ ગાયને દેવના જેવી પવિત્ર માને છે. ગાયમાં મનુષ્ય જેવો આત્મા છે, તેથી ગાય વગેરે પંચેંદ્રિય તિર્યંચોને નહીં મારવાં જોઇએ અને તેઓનું માંસ ખાવું ન જોઇએ. હવે યુરોપવાસી યુરોપીયનો પૈકી જર્મની ફ્રાન્સ વગેરેમાં જે વિદ્વાનો જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરે છે, તેઓને જૈનધર્મ પસંદ પડે છે અને ખ્રિસ્તી ધર્મ પસંદ પડતો નથી. કેટલાક ખ્રિસ્તીયો તો ઈન્લાંડ ફ્રાન્સ વગેરેમાં હિંદુધર્મ માનવા લાગ્યા છે અને માંસ ખાવામાં પાપ માનીને વનસ્પતિ આહારી બન્યા છે. હિંદમાં પહેલાં એક અબજ ગાયો હતી. માંસાહારથી ગાયો ભેંસો ઘટવા લાગી છે અને હાલ લગભગ ચઉદ કરોડ ગાયો અને સોળ કરોડ ભેંસો રહી છે. હિંદમાં બાવનલાખ ગાયોની કત્લ થાય છે તેમાં પચ્ચાશ લાખ ગાયો તો પરદેશ માટે કપાય છે. અને બે લાખ અહીંના મુસલમાન - ખ્રિસ્તી માટે કપાય છે. આ સંબંધી હિંદુઓએ પરદેશાર્થે ગાયો ન કપાય એવો ઠરાવ કરવો જોઇએ, જો તે આ પ્રમાણે ઓછી થશે તો ઘી, દહીં, છાશના તોટા પડશે અને તેથી હિંદીઓને ઘણી હાડમારી ભોગવવી પડશે. હિંદવાસી હિંદી ખ્રિસ્તીયોને પણ તેથી ભવિષ્યમાં ઘણી હાડમારી ભોગવવી પડશે, માટે હિંદુઓએ–મુસલમાનોએ અને હિંદીખ્રિસ્તીયોએ ઢોરાંની રક્ષા માટે પ્રબંધો રચવા જોઈએ. અમેરિકા વગેરે દેશના લોકોની હવે આંખો ઉઘડવા લાગી છે અને તેથી ત્યાં દયા મંડલો સ્થપાવા લાગ્યાં છે.
ખ્રિસ્તી–જૈનોમાં ઘણા ધર્મ શાસ્ત્રોના કાયદાઓ બાંધ્યા છે તેથી તેઓની ગુલામ જેવી સ્થિતિ થઈ છે. અમારા બાઇબલમાં તે માટે મનુષ્યો પર ઘણા કાયદા બાંધ્યા નથી.
જૈન–જૈનધર્મ શાસ્ત્રોમાં જે કાયદાઓ છે તે આત્માને પરમાત્મા બનાવવા માટે છે. આત્માનું અનંતજ્ઞાન અને અનંત સુખ પ્રગટાવવા માટે છે. મોહાદિકદુર્ગુણો જીતવા માટે છે. તમારા ધર્મના અભિમાની ખ્રિસ્તીયોએ અન્યધર્મી પ્રજાઓને ગુલામ બનાવી છે અને મોહના પશુબલથી પોતે ગુલામ બને છે તે પોતે પણ દેખી શકતા નથી. ઇશુએ બાઇબલમાં કહ્યું છે કે–
સોયના નાકામાંથી કદાપિ હાથી ચાલ્યો જાય પણ લક્ષ્મી રાજ્ય સત્તાવાળો પ્રભુના સ્વર્ગમાં જઈ શકતો નથી.
ધર્મ કાયદાના ગુલામ બની અન્યોને ગુલામ નહીં કરવા, તે સારું પણ તમારી પેઠે ધર્મ કાયદાના ગુલામ નહીં બનતાં પાપના ગુલામ બનવુ અને મનુષ્યોની સ્વતંત્રતા હરી અન્યોને ગુલામ બનાવવા તે કોઈ રીતે સારૂં નથી. હિંદવાસીઓને પરતંત્ર ગુલામ જેવા રાખવા એ શું બાયબલમાં લખ્યું છે ! માટે સમજીને આત્મબળ પ્રાપ્ત કરવું અને અન્યોને ગુલામ બનાવવામાં પોતાના ધર્મનું બળ મહત્વ ન સમજવું એ જ પ્રભુનો સત્ય ઉપદેશ છે. જૈનધર્મ શાસ્ત્રોમાં અનેકધર્મ નિયમાહોય છે તેમાંથી જેને જેટલી રૂચિ શક્તિ હોય તેટલું પાળી શકે છે, અને તે કારણથી શ્રાવકોના ચોથા ગુણસ્થાનસ્થ અને પંચમગુણસ્થ એવા બે ભેદ છે અને ગૃહસ્થ ! દશામાંથી જેને ત્યાગ દશાની રૂચિ થાય તે છઠું પ્રમત્તગુણસ્થાનક અંગીકાર કરીને મુની થાય છે. યથાશક્તિ ધર્મવ્રત નિયમો પાળવાની હોવાથી કોઈને અરૂચિ થતી નથી અને તેથી જૈન પ્રજાસંઘનું વ્યવહારમાં અને આત્મામાં પરતંત્રપણું ગુલામીપણું રહેતું નથી. જે જે અંશે મોહ, ક્રોધ, માન, માયા, લોભ, સ્વાર્થ ,કામવાસના, ભય, વગેરે નિવૃત્તિયોના તાબામાં રહેવાય છે તે તે અંશે સર્વ વિશ્વવર્તિ અનેક ધર્મીઓનું અને જડવાદીઓનું પણ ગુલામપણું છે. કર્મ યાને શયતાનના તાબામાં રહેનારા જીવો વસ્તુતઃ શયતાનના ગુલામો છે. કર્મ મોહરૂપ શયતાનના તાબામાં રહેલા સર્વજીવોને આત્માનું જ્ઞાન, સત્યસુખ અને સત્ય શાંતિની પ્રાપ્તિ થતી નથી. દુનિયાની ગુલામી અને મોહ શયતાનની ગુલામી હઠાવનાર અને બાહ્યાંતર શક્તિયોથી પ્રભુતા પ્રગટાવનાર જૈન ધર્મોનાં શાસ્ત્રો છે, તે અનુભવ થશે ત્યારે સમજી શકશો.
ખ્રિસ્તી––ખ્રિસ્તીયોની સહાય કરવા યહોવા પ્રભુ આવે છે. તમારા જૈનોનો પ્રભુ તો વીતરાગ સમભાવી હોવાથી જૈનોની વ્હારે આવતો નથી. અમને પ્રભુ દર્શન આપવા આવે છે, જૈનોનો પ્રભુ જૈનોને દર્શન આપી શક્તો નથી, માટે જૈનોએ અમારા યહોવા પ્રભુને માનવા જોઈએ.
જૈન–ખ્રિસ્તીબંધુ!! તમો નિરાકાર પ્રભુને માનો છો. જે સ્વભાવે નિરાકાર હોય તે સાકાર થાય નહીં. નિરાકાર પ્રભુ એક ઠેકાણેથી બીજે સ્થાને આકાશવત્ જઈ શકતો નથી. ખ્રિસ્તીયોની વ્હારે પ્રભુ આવે છે અને અન્યોની વ્હારે આવતો નથી એવો પ્રભુ યહોવા પક્ષપાતી નથી. તમારા ખ્રિસ્તીયો ઉપર તમારા પ્રભુની મહેરબાની સહાય હોત તો તે યુરોપનાં યુદ્ધો અને હાલમાં થએલું મહાયુદ્ધ તથા રોગો થવા દેત નહીં. યુરોપી રાજ્યો અને પ્રજાઓ પરસ્પર એક બીજાને બળી દેવા માટે ટાંપી રહી છે, તેમાં જો પ્રભુની સહાય હોત તો એવું બને નહીં. ખ્રિસ્તીયો પરસ્પ૨ ખ્રિસ્તીધર્મના અનેક ભેદમાં વહેંચાઈ ગયા છે અને એક બીજાના મતને જૂઠો કહે છે. અનેક રાજ્યના મતભેદોમાં વેંચાઈ ગયા છે, તથા હજારો યુરોપીયનો બાઇબલને માનતા અટકી પડયા છે. જો યહોવા પ્રભુ ખ્રિસ્તીયોની વ્હારે આવતો હોય તો એવું બનવા પામે નહીં. તમને સાકાર પ્રભુનાં દર્શન થાય છે કે નિરાકાર પ્રભુનાં દર્શન થાય છે? તમો જો પ્રભુને સાકાર માનતા હોવ તો તેનો કેવો આકાર છે તે મૂર્તિ કરીને જણાવવો જોઇએ. જો મનુષ્યકારે પ્રભુનાં દર્શન માનતા હોવ તો મનુષ્યાકારવાળા કરોડો દેવો છે તે પૈકી કોઈ દેવે તમને દર્શન આપેલાં હોવાં જોઈએ. પ્રભુને સાકાર માનતા હોવ તો તેની મૂર્ત માનવી જોઈએ, નિરાકાર પ્રભુ, દર્શન આપે છે એમ જો માનતા હોવ તો તે કેવી રીતનો નિરાકાર છે તે જણાવો. આકાશના જેવો નિરાકાર હોય તો આકાશ જેમ એક ઠેકાણેથી બીજા સ્થાને જતું નથી તેમ પ્રભુ પણ આકાર વિના એક ઠેકાણેથી બીજા સ્થાને જઈ શકે નહીં. તથા તે સદ્ગુણીઓને જ વ્હાર-સહાય કરતો હોય તો તે સર્વજાતિ ધર્મી પ્રજાને વ્હાર સહાય કરી શકે. પણ એકલા ખ્રિસ્તીયોને જ વ્હાર કરે એવું બને જ નહીં, તથા જૈનશાસ્ત્રોમાં જૈનધર્મીઓની વ્હારે પ્રભુ વિનાના જે દિવ્ય શરીરવાળા દેવો કે જે દેવલોકમાં રહે છે તે આવે છે. તમારા માનેલા યહોવા પ્રભુ જેવા તો અમારા સ્વર્ગ ના દેહધારી મહાશક્તિવાળા દેવો છે, તે ધર્મી મનુષ્યોની સહાયે આવે છે. એવા દેવો કોઈ વખત ભક્તોની દૃષ્ટિ પ્રમાણે તેમના મતના દેવના નામે દર્શન આપે છે. નરસિંહ મહેતા, મીરાંબાઈ વગેરેને પણ એવા દેવે જ તેનાં ઈષ્ટદેવના રૂપથી દર્શન આપીને તેઓને ખુશ કર્યા હતાં. તે પ્રમાણે તમારા પ્રભુના સાકાર દર્શન તથા સહાય વિષે સમજી લેવું, પોતાના આત્માને પોતાના પુણ્ય કર્મ ધર્મથી આપોઆપ સહાય મળે છે ! અને તેમાં દેવો તથા મનુષ્યો પણ ધર્મબલથી સહાયકારી થાય છે, તેથી જૈનોને અન્યની સહાયની આકાંક્ષા રહેતી નથી. અમોએ માનેલ કર્મ તે તમારા યહોવા પ્રભુ જેવું છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મ તે પ્રકૃતિ રાગદ્વેષ પરિણતિવાળું તથા પુણ્ય પાપરૂપ હોવાથી તે જીવોને સુખદુઃખ આપે છે તેથી તે તમારા પ્રભુ યહોવા જેવું છે અને તે હિંદુઓના કૃષ્ણ જેવું છે. કર્મરૂપ પ્રભુની સત્તા તળે રહેલા જીવોને કર્મ પોતાના બળે ચાર ગતિમાં ભટકાવે છે.પુણ્યરૂપ પ્રભુની આરાધના તેજ યહોવાની શુભકૃપા અને તેનાં દર્શન સમજો. પુણ્ય ધર્મ કર્મ કરનારાઓ અમે તે ધર્મના હોય તોપણ તે છેવટે આત્મારૂપ પ્રભુનાં દર્શન કરવા સમર્થ થાય છે. મનુષ્ય પોતે પોતાના આત્માને જેવો માને છે તે રૂપે તે પોતાના આત્મારૂપ પ્રભુનાં દર્શન કરે છે. જેવા આકારવાળા પ્રભુને માનીએ અને તેવા આકારવાળી પ્રભુની મૂર્તિ પર પ્રેમ ધારણ કરીએ તો તેવા આકારવાળા પ્રભુનાં દર્શન થાય છે, એમ યોગાભ્યાસી તત્ત્વજ્ઞાનીઓ જાણે છે. જ્ઞાનધ્યાનસમાધિથી મન સંકલ્પ વિકલ્પ રાગદ્વેષ રહિત થતાં સમભાવીને આત્મારૂપ પ્રભુનાં અનુભવ દર્શન થાય છે અને તે નિરાકાર દર્શન છે. જૈનો એવી રીતે સાકાર અને નિરાકાર પ્રભુનાં દર્શન કરી શકે છે અને સ્વાત્માને જ્ઞાનધ્યાનસમાધિથી શુદ્ધ કરી પરમાત્મા પ્રભુ બનાવી આપોઆપ ઈશ્વર બને છે, તેથી જૈનોની તમારી માન્યતાવાળા ખ્રિસ્તી પ્રભુ કે જે શુભાશુભ કર્મ પરિણતિ શક્તિ જેવા છે, તેમનાં દર્શન અને તેમની સહાય લેવાની જરા માત્ર જરૂર રહેતી નથી. અમારા દેવ વીતરાગ સમભાવી સિદ્ધ છે પણ અમારા પુણ્ય ધર્મબળથી વીતરાગદેવના રાગીદેવો ધર્મી શાસનદેવો અમારી સહાય કરે છે અને અમને એવી બાહ્ય સાહાય્યની ઈચ્છા પણ રહેતી નથી. જૈનો કર્મરૂપય હોવાને જાણી તેને પણ સ્વયં દેખે છે અને આત્મારૂપ પ્રભુનાં દર્શન કરે છે તથા સ્વર્ગના દેવોને પણ દેખે છે સ્વર્ગ ના દેવો તેમની પાસે આવે તો પણ; તેઓ આત્માની જ્ઞાન દર્શન ચારિત્ર દશાને ઈચ્છે છે. આત્મા તે જ પરમાત્મા છે એમ જૈનો નિશ્ચયથી જાણે છે, અને ધર્મ કર્મ કરે છે. સુખ દુઃખ થાય છે તે પુણ્યપાપથી થાય છે એમ જાણે છે, તેથી તેઓ આત્મશ્રદ્ધાવાન સ્વાશ્રયી બની પાપકર્મો ત્યાગીને ધર્મ કર્મો કરે છે અને તે આત્મબળમાં આગળ વધે છે. તમો જો જૈન બનીને આત્માની શક્તિયો ખીલવો તો આત્મપ્રભુનાં દર્શન કરી શકશો અને આપોઆપ સ્વાત્માને પ્રભુરૂપ અનુભવી જ્ઞાનધ્યાનસમાધિબળે મોહ વગેરે કર્મોને હઠાવી કેવલજ્ઞાન પ્રગટાવીને પ્રભુ બનશો.
ખ્રિસ્તી–જૈનબંધુ!!! તમારા જૈનશાસ્ત્રોમાં હિંદુઓના ભગવાન કુષ્ણને ત્રીજી નરકમાં ગયાનું લખ્યું છે અને ભાગવતમાં ઋષભદેવ વગડામાં પોતાના કેશો અને કાષ્ટોના સંધર્ષથી અગ્નિ પ્રગટી તેમાં બળી ભસ્મ થયાનું લખ્યું છે, તેથી તમારે અને હિંદુઓને મેળ ન હોવાથી પરસ્પર એકબીજાની સાથે દ્વેષ ધારો છો.
જૈન––ખ્રિસ્તીબંધુ!!! જૈનશાસ્ત્રોના કૃષ્ણ જૂદા છે અને ભાગવતમાં લખેલા કૃષ્ણ જુદા છે. જૈનશાસ્ત્રોવાળા કૃષ્ણ જે ચોરાશી હજાર વર્ષ ઉપર થયા છે અને હિંદુઓના કૃષ્ણને પાંચ હજાર વર્ષ થયાં છે. જૈનશાસ્ત્રોના ઋષભદેવ જૂદા છે અને ભાગવત કથિતઃ ઋષભદેવ જૂદા છે. મહાભારતમાં એક શ્લોક છે તેમાં અનેક પાંડવ કર્ણ દ્રોણ થયાનું લખ્યું છે.
अत्र द्रोणशतं दग्धं, पांडवांनां शतंदग्धं, कर्णसंख्या न विद्यते ॥
અહીં શત દ્રોણ બળ્યા છે. પાંડવોનું શતક અને કર્ણ ની તો સંખ્યા નથી, એટલા બળ્યા છે.
ઇત્યાદિ શ્લોકોથી અનેક પાંડવ કુષ્ણ દ્રોણ કર્ણ હજારો યુગોમાં થયા કરે છે. પાંડવો સિદ્ધાચલ પર મૃત્યુ પામ્યા છે એમ જૈનશાસ્ત્રોમાં છે અને વૈષ્ણવશાસ્ત્રોમાં હિમાલય પર પાંડવો મૃત્યુ પામ્યા છે. ઇત્યાદિ પાઠ ભેદો હોવાથી તથા જૈનકૃષ્ણ ઋષભદેવ તથા હિંદુકૃષ્ણ, ઋષભદેવ ભિન્ન હોવાથી અમારે પરસ્પર તમારી પેઠે શાસ્ત્રોના યુદ્ધ વડે હજારો મનુષ્યોની કતલ થઇ નથી. તમારા ખ્રિસ્તીયોના રોમન કેથોલિંક અને પ્રોટેસ્ટંટ મતભેદે હજારો લાખો મનુષ્યોના પરસ્પરનાં મસ્તક કપાયાં છે. ખ્રિસ્તી પાદરીઓએ પણ શસ્ત્રો વડે સામા પક્ષનાં મસ્તક છેદ્યાં છે; તેનો ઈતિહાસ મૌજૂદ છે. જૈનો અને હિંદુઓમાં ધર્મભેદ છે ૫ણ તેથી તમારી પેઠે પરસ્પર ખૂનામરકી થઈ નથી. જૈનો અને હિંદુઓ એક મા બાપનાં સંતાનો છે અને બન્ને આર્યો છે અને બન્ને અસલના હિંદના વતની છે. દેશરાજ્યાદિક બાબતમાં પરસ્પર સંપીને વર્તે છે. ઘણી ખરી બાબતોમાં બન્ને એક જ છે અને એક રહેશે. બૌદ્ધો પણ હિંદુધર્મી છે. ત્રણના ધર્મ ની ઉત્પત્તિનું સ્થાન હિંદ છે. મહમદ પયગંબર સાહેબ અને ઈશુ જેવા મહાત્માઓ એશિયામાં થયા છે. એશિયા અને એશિયામાં પણ હિંદ, સર્વ ધર્મ ની ખાણ છે. ધર્મની બાબતમાં એશિયા અને હિંદ સર્વ દેશનો ગુરુ છે અને ગુરુ રહેશે. હિંદુજૈનશાસ્ત્રોમાં જેટલું તત્ત્વજ્ઞાન છે તેટલું અન્યત્ર નથી. જૈન, બ્રાહ્માણ અને બૌદ્ધોનાં ધર્મશાસ્ત્રો છે તે હિંદુ ધર્મ શાસ્ત્રો ગણાય છે એ ત્રણ પુનર્જન્મને માને છે. જગત્કર્તા અને જગત્ નહીંકર્તા એવા રૂપે ત્રણે ઈશ્વરને ભજે છે. તમારા કરતાં અમારા હિંદુઓમાં ધર્મ મતસહિષ્ણુતા વિશેષ છે અને તેવી ધર્મ મતભેદ સહિષ્ણુતા તમારામાં નથી. જૈનશાસ્ત્રના અભ્યાસી યુરોપીયનો પણ મુક્તકંઠે જૈનશાસ્ત્રોની પ્રશંસા કરે છે. અમે જૈનહિંદુઓ પરસ્પર દ્વેષ કરતા નથી અને એક ગામમાં સાથે ઘર કરી રહે છે. તમારા જેવા પરસ્પર લડાવવા દાવ પેચ કરે પણ તેથી તે છેતરાશે નહીં.
ખ્રિસ્તી–ઇસુએ અનેક ચમત્કારો બતાવ્યા તથા પ્રભુએ તેને આકાશનું તથા પૃથ્વીનું રાજ્ય સોંપ્યું તેથી ઇસુ પ્રભુનો પુત્ર છે એમ સિદ્ધ થાય છે તેની પછી કોઇ પ્રભુ તરફથી સંદેશો લાવનાર પ્રગટનાર નથી. ઈશુના જેવો કોઈ ક્ષમાવાન થયો નથી.
જૈન–ખ્રિસ્તી બંધુ ! ! ! સર્વ ધર્મનાં શાસ્ત્રો વાંચશો તો તમને પ્રભુ ભક્તોના, ઇશુ કરતાં પણ મોટા ચમત્કારો જણાશે. ચમત્કારોથી કોઈ પ્રભુનો પુત્ર ગણાતો નથી એમ ઈશુએ કહ્યું છે. જુઓ. નવા કરારમાં "ત્યારે જો તમને કોઇ કહેશે કે જુઓ તે ખ્રીસ્ત અહીંયાં અથવા ત્યાં છે તો તમે માનતા ના કેમકે મિથ્યા ખ્રીસ્ત તથા મિથ્યા ભવિષ્યવાદિઓ ઉઠશે ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કામ દેખાડશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવશે." બાયબલના આ વાક્યથી સમજવાનું એટલું છે કે ઇશુને પણ ચમત્કારોથી ભૂલાવે એવા ચમત્કારીઓ પ્રગટવાના, તેથી સમજવાનું એ છે કે, ચરમત્કારોથી ઈશુ અગર અન્ય કોઈ પ્રભુનો દીકરો સિદ્ધ થતો નથી.
પ્રભુએ ઇશુને આકાશ પૃથ્વીનું રાજ્ય આપ્યું એ પણ કંઇ મહત્વની બાબત નથી, કારણકે જૈન શાસ્ત્રોમાં લખ્યું છે કે પવિત્ર જ્ઞાન દર્શન ચારિત્રને પાળનાર એવા મનુષ્યો મૃત્યુ પામીને સ્વયં આકાશ પૃથ્વી અર્થાત્ ત્રણ ભુવનના પ્રભુ બને છે અને એવું પ્રભુરાજ્ય સર્વ લોકો, આત્માના શુદ્ધ બળથી પામે છે. અનંત જીવો તેવા સિદ્ધ પ્રભુ થયા, થાય છે અને થશે. તમારા શાસ્ત્રોમાં તો પ્રભુએ ઇશુને રાજ્ય આપ્યું પણ અમારા શાસ્ત્રાધારે તો સર્વ ભક્ત–સંત–મહાત્માઓ પોતે પ્રભુ થાય છે, તેથી તમારી બાબતમાં વિશેષ કંઈ પણ મહત્ત્વ નથી. ઇશુ પછી કોઇ પ્રભુનો પયગામ લાવનાર નથી એમ તમો માનો છો પણ મુસલમાનો તેમના પછી થનાર મહંમદ પયગંબર સાહેબને પ્રભુનો સંદેશો પયગામ લાવનાર માને છે. જુઓ કુરાને શરીફ, વાંચો, મુસલમાનો કુરાનના આધારે જણાવે છે કે પ્રભુ અર્થાત્ ખુદાના પુત્ર તરીકે ઇશુ નથી, કારણ કે પ્રભુ નિરાકાર છે. તેને સ્ત્રી નથી. તેથી તેનાથી પુત્ર થઈ શકે નહીં. ઈશુ પછી મહમદ પયંબર પ્રગટ્યા તેથી તમારું વચન સત્ય ઠરતું નથી. તથા ઈશુએ અંજીરના વૃક્ષને ક્રોધ કરી શાપ આપ્યો તેથી તે બળી ગયું. અંજીરના વૃક્ષનો કાંઈ વાંક નહોતો. તમારા મત પ્રમાણે તે પ્રભુની ઇચ્છાથી એવું બન્યું હતું તેથી કોધ વિના શાપ ન દેવાય ઇસુને કોપ થયો તેથી તે ક્રોધી ઠર્યો. માટે ખરેખરા ક્ષમાદિ ગુણવાળા તો શ્રી મહાવીર વીતરાગ દેવ સિદ્ધ ઠરે છે.
ખ્રિસ્તી–ઈશુએ મનુષ્યોના શરીરોમાં રહેલાં ભૂતોને કાઢ્યાં, તેમનામાં બાપટીઝમ વખતે પ્રભુ કબૂતર રૂપે ઉતર્યો, તેમણે પ્રભુનો પ્રકાશ દીઠો. ભૂખ્યાઓને રોટલી અને માછલીઓ ખાવાની આપી, માટે તે પ્રભુનો પુત્ર છે તે સમાન અન્ય કોઈ નથી.
જૈન–ખ્રિસ્તીબંધુ !!! તમો શાસ્ત્રધર્મ મતવાસનાના બંધનથી મુક્ત મધ્યસ્થ થઈ અમારા કહેવા પર ધ્યાન રાખો. સામાન્ય ભક્ત મહાત્માઓ પણ ભૂતોને કાઢી શકે છે અને રોગોને પણ દૂર કરી શકે છે. પ્રભુનું ધ્યાન તપચારિત્ર પાળતા સર્વધર્મવાળા મહાત્માઓ, યોગાભ્યાસબળે થોડા ઘણા ચમત્કારી બને છે અને એવા ચમત્કારની વાતો તો જૈન શાસ્ત્રો, હિંદુ શાસ્ત્રો, બૌદ્ધ શાસ્ત્રો અને મુસલમાન શાસ્ત્રોમાં પણ મૌજુદ છે. પ્રભુ મહાવીર દેવની પાસે ચોસઠ ઈન્દ્ર અને અનેક દેવો તથા દેવીએ આવતી હેતી અને મહાવીર પ્રભુની સેવા કરતી હતી. પ્રભુ મહાવીર દેવે બાલ્યાવસ્થામાં જમણા અંગુઠાથી મેરૂ કંપાવ્યો. જે મહાત્માઓને દેવોની અને દેવીઓની સહાય છે તથા જેઓનામાં આત્મબળ ખીલ્યું છે, તેઓ અનેક ચમત્કાર બતાવી શકે છે. મહાત્માઓ આકાશમાં ઉઠીને લાખો કરોડો ગાઉ ઉપરાંત જાય છે. તેમની ઈચ્છા પ્રમાણે દેવો અને દેવીઓ કાર્ય કરે છે. શ્રી ગૌતમસ્વામીએ એક શેર ખીરવાળી તરપણીમાં યા પાત્રમાં અંગુઠો મૂકીને પન્નરસો(૧૫૦૦) તાપસોને પરિપૂર્ણ ભોજન કરાવ્યું હતું. જો તે વખતે લાખો તપસીઓ ભૂખ્યા હોત તો તેઓને પણ ભોજન કરાવી શકત, માટે એ બાબતમાં પણ કાંઈ વિશેષ મોટું આશ્ચર્ય નથી.
તમોએ કહ્યું કે બાપટીઝમ વખતે ઇશુના ઉપર આકાશમાંથી કબૂતરરૂપે પ્રભુ ઉતર્યો.
તેનો ઉત્તર એ છે કે–પંખીઓમાં કબૂતર જેવું કોઈ દયાળુ નથી તે સડેલો દાણો ખાતું નથી અને રાત્રે ભોજન કરતું નથી. તેથી તે અત્યંત દયાલુ હોવાથી કબૂતરને ઇશુએ પ્રભુનું રૂપક આપ્યું છે અર્થાત્ ઇશુમાં મનુષ્યોની દયા પ્રગટી પણ માછલાં તો તે મનુષ્યોને ખવરાવતા હતા, તેથી તેમનામાં જલચર પંખી પશુની ખાસ દયા પ્રગટી હતી એમ તો કહી શકાય તેમ નથી. પ્રભુ કબૂતર રૂપે ઉતર્યો તેનો અર્થ એવો છે કે પોતાના આત્મામાં દયા પ્રગટી. પ્રભુ કંઈ કબુતરનું રૂપ લઈ આવતો નથી. કારણકે તે નિરાકાર છે. તમો કહેશો કે પ્રભુ ગમે તે વખતે ગમે તેવું રૂપ લઈ શકે છે તો તેના ઉત્તરમાં કહેવાનું કે એવા તમારા પ્રભુની પેઠે તો અમારા જૈન શાસ્ત્રોમાં વર્ણવેલા દેવો અને દેવીએ પણ હજારો લાખો રૂપો લે છે અને બદલે છે, તેથી તેમના જેવા તમારા પ્રભુ ઠર્યા. કોઈ દયાળુ દેવે કબુતરનું રૂપ કર્યું હોય તો જ્ઞાની જાણે. એવા દેવો તો અસંખ્ય છે. તેઓથી પરમેશ્વર તો ન્યારો નિરાકાર જ્યોતિરૂપ છે. પ્રભુ નિરંજન નિરાકાર છે. તેથી તમો તેની મૂર્તિ માનતા નથી તે જો કબૂતર થાય તો તે સાકાર ઠર્યો અને તેથી સનાતન હિંદુઓની પેઠે તમારે પ્રભુની મૂર્તિ માનવી જોઈએ, ઇશુએ પ્રભુનો પ્રકાશ દીઠો. તેના ઉત્તરમાં કહેવાનું કે, ઈશુ તો શું ? પણ સર્વ જાતના ધર્મવાળા મહાત્માઓનાં ચરિત્રોમાં તેઓએ પ્રભુનો પ્રકાશ દીઠો એવી વાતો આવે છે. મેં પોતે આત્મારુપ પ્રભુનો પ્રકાશ ખરેખર અંતરની દૃષ્ટિએ દેખ્યો છે. પાઉલ વગેરે પ્રેરિતોએ બાહ્યચક્ષુ વડે પ્રકાશ દીઠો તેથી તેમની બાહ્યની આંખો અંજાઈ ગઈ આંખો દાબી દીધી, પણ તેમના તેવા પ્રકાશને આત્મપ્રભુનો પ્રકાશ કહી શકાય નહીં કારણકે આત્મપ્રભુનો પ્રકાશ છે તે તો અંતરની અક્ષુથી દેખાય છે, પણ બાહ્યચક્ષુથી દેખાતો નથી. બાહ્યના પ્રકાશો વિજળી જેવા અનેક હોય છે અને તે તો કોઈ સ્વરાગી શરીરધારી દેવ દેખાડે છે અને તે આકાશમાં રહી બોલી પણ શકે છે, વાતો કરે છે, તેથી ચાર નિકાયના દેવોનું અને પરમેશ્વરનું સ્વરૂપ જેઓ જુદું જાણતા નથી તેઓ પરમાત્મા અને દિવ્ય દેહધારી દેવને એક સમજી લે છે અને તેથી પાઉલ વગેરેની પેઠે એમ જાણે છે કે અમોએ પ્રભુનો પ્રકાશ દીઠો. ખરા પ્રભુના પ્રકાશથી અંતરની આંખો પ્રભુના તેજથી અંજાઈ જતી નથી અને આત્મા ભયભીત થતો નથી અને મૂર્ચ્છા પામતો નથી. ચાર નિકાયના દિવ્યદેહધારી દેવો છે, તે બાહ્ય પ્રકાશ દેખાડે છે અને પોતે આકાશમાં ગુપ્ત રહી બોલી શકે છે, તેને ભક્તો પરમેશ્વર માની લે છે, કેટલાક મહાત્માઓ મરીને દિવ્ય દેહધારી દેવ થાય છે, તે દેવ થવાથી પુનરૂત્થાન પામેલા કહેવાય છે અને તેમણે જે ધર્મ ચલાવ્યો હોય છે તેની પુષ્ટિ પ્રચાર કરવા માટે લોકોને દર્શન આપે છે તથા અનેક ચમત્કારો કરી બતાવે છે તેથી લોકો તે ધર્મને પ્રભુનો સમજી પાળે છે એમ અહીં ઈશુના પુનરુત્થાનમાં પણ બન્યું હોય તો સર્વજ્ઞ પરમાત્મા જાણે. જૈન શાસ્ત્રોના આધારે સમજાય છે કે કોઈ મનુષ્યે પ્રભુનો ભક્ત બની ધર્મ પ્રવર્તાવ્યો હોય છે, અને તે મરણ પામી દિવ્યદેહધારી દેવ થયો હોય છે તો તે પોતાના મૂલ મનુષ્યના રૂપે લોકોને દર્શન આપે છે અને પોતાના પન્થીઓની વૃદ્ધિ કરે છે. ઈશુએ ભૂખ્યાઓને ખાવા આપ્યું. રોટલીઓ અને માછલીઓ ખૂબ થઇ ગઇ ઇત્યાદિ ચમત્કાર તો દેવની સહાયથી અને આત્મબળથી થાય છે. તેથી તેમાં કંઈ અમારા ધર્મી સંતો કરતાં વિશેષ ચમત્કાર નથી. આત્માની અનંત શક્તિ છે. આત્માના સંકલ્પ બળથી દેવ જેવા ચમત્કારો કરી શકાય છે, આત્મા તે પરમાત્મા છે. અમારા સર્વ ના આત્માઓ તેજ પરમાત્માઓ છે, તે પ્રમાણે સત્તાએ ઈશુનો આત્મા પણ પરમાત્મા છે. તેથી સર્વાત્માઓ સત્તાએ અનંત શક્તિ વાળા છે, તે શક્તિયોનો પ્રકાશ ખરેખર તપ, જપ,સેવા, ભક્તિ, ધ્યાન જ્ઞાન સમાધિથી થાય છે, તેથી સર્વ ધર્મવાળા ભક્તો સંતો–મહાત્માઓ આત્મશક્તિચોને પ્રગટાવીને થોડા ઘણા અંશે લબ્ધિયોને–ચમત્કારોને પ્રગટાવે છે. તેવું જયાં ત્યાં થોડું ઘણું દેખવામાં આવે છે તેથી કંઈ અમુક જ ચમત્કારી પ્રભુનો પુત્ર છે અને બીજા નથી એવું સિદ્ધ થતું નથી. પિતાના પુત્રની પેઠે આપણે પ્રભુને પિતા માનીને પુત્રની પેઠે વર્તી પ્રભુની ભક્તિ કરવી તેમાં પ્રભુપુત્ર એવી ઉપમા ઘટી એવી પ્રભુપુત્રની ઉપમા સર્વ ભક્ત સંતોને ઘટી શકે છે. તે પ્રમાણે ઈશુ પણ પ્રભુપુત્ર તરીકે ગણાય તો વિરોધ નથી પણ પ્રભુનો પિતાના પુત્રની પેઠે પુત્ર માનતાં વિરોધ અસત્યતા આવે છે. માટે વિવેકદૃષ્ટિથી સત્ય વિચારને સત્યને માનો તો આત્માની ઉન્નતિ થશે. ઈશુ ક્રાઈસ્ટ સંબંધી જૂનામાં અને નવાકરારમાં જે કંઈ લખવામાં આવ્યું છે, તેમાં તેમના શિષ્યોએ રાગ મહિમાદૃષ્ટિથી કંઈક વિશેષ કેમ ન લખ્યું હોય તે વિચારવા જેવું છે. લોકો પોતાના ગુરુનો પ્રભુસમ મહિમા વધારવાને તેમની પાછળ ચમત્કારી ચરિત્રો લખે છે, તેથી ચમત્કારો તરફ ન જોતાં આત્માના સદ્ગુણોની વૃદ્ધિ થાય અને દુષ્ટાચાર હિંસાદિ દુર્ગુણ દોષોનો નાશ થાય તે તરફ ખાસ લક્ષ્ય રાખી પ્રવર્તવું જોઈએ. અને ગમે તે ધર્મ વાળાના સદ્ગુણોના રાગી બનવું જોઈએ અને દુર્ગુણો તરફ લક્ષ્ય ન રાખવું જોઇએ.
ખ્રિસ્તી–તમો જૈનો હિંદુઓ અને બૌદ્ધો પુનર્જન્મમાં માનો છો અને અમો આત્માનો પુનર્જન્મ માનતા નથી.
જૈન–ખ્રિસ્તીબંધુ ! તમો પુનર્જન્મમાં અગર ન માનો તે તમારી મરજીની વાત છે.
પ્રભુ પણ કર્મ ના કાયદાને અનુસરીને કર્મ ના આધીન જીવોને ફલ આપશે, અર્થાત્ તે પ્રભુ, કર્મના આધીન પરતંત્ર થયો. પાપી જીવોને તે દિવસે સ્વર્ગ માં લઇ જવાની ઇચ્છા કરે પણ તેની મરજી શું કરે? કારણકે તેને કર્મના અનુસારે જીવોને સુખદુઃખ આપવું પડશે, તેમાં પ્રભુ કરતાં કર્મ બલવાન થયું. જીવોએ ઈશ્વરને અકર્તામાની તથા સાક્ષીરૂપમાની શુભકર્મો–પુણ્યકર્મો કર્યા હશે. તેઓએ જોકે પ્રભુને પોતાના તથા જગતના કર્તારૂપ નહીં માન્યો હશે તો પણ તેઓને શુભ કર્મના અનુસારે સ્વર્ગ આપવું પડશે. તેમાં ઈશ્વરનું કંઇ ચાલશે નહીં.
અનેક જન્મોથી જે આત્માની સાધના કરીને સંસિદ્ધ થયો છે, તે પરગતિ અર્થાત્ મુક્તિને પામે છે.
ભગવદ્ગીતામાં અર્જુનને કૃષ્ણ કહે છે કે
बहुनि जन्मानि ब्यतीतानि मेतवार्जुन–
હે અર્જુન !! મારા અને તારા ઘણા જન્મો થયા.
પૂનર્જન્મની સિદ્ધિમાં અનેક દલીલો મળે છે. પુનર્જન્મમાં માનવાવાળાઓ પરમાર્થ કાર્યોમાં મરણાદિકનો ભય ગણતા નથી. આ જન્મ પછી બીજો જન્મ છે, એમ માનતાં શરીર છોડવાનો ભય રહેતો નથી. તેથી આર્યો અસલથી પ્રાણાર્પણમાં નિર્ભય બનેલા જણાય છે, યુરોપીયનો પણ હવે પ્રેતાવાહન વિદ્યાથી પુનર્જન્મ માનવા લાગ્યા છે. મનુષ્યો મરીને ભૂતો વગેરે થાય છે અને તે પૂર્વજન્મોનું વર્ણન કરે છે. તેથી પુનર્જનમો છે એમ હવે જડવાદીઓ પણ સ્વીકારવા લાગ્યા છે. પુનર્જન્મની સિદ્ધિ કરવા માટે લખવામાં આવે તો એક અલગ ગ્રન્થ થઇ જાય માટે આટલા કથનથી તમો પુનર્જન્મની માન્યતા સ્વીકારશો.
ખ્રિસ્તી–જૈનો કર્મવાદ માનીને કર્મના ગુલામદાસ શક્તિહીન બન્યા છે. કર્મ પ્રમાણે થાય છે એવું માનવાથી જૈનોના ઘરમાંથી કોઈ સ્ત્રીઓ ઉઠાવી જાય તો તેઓ કહેશે કે એ તો કર્મના અનુસાર બન્યું. સ્ત્રીઓને એવાં કર્મ લાગ્યાં હશે તેથી તેને બીજાઓ ઉપાડી ગયા. તેમાં અમે શું કરીએ એમ માનવાથી જૈનો મડદાલ નિર્વીર્ય બની ગયા છે અને અમો તો પ્રભુની ઈચ્છાને સર્વ બાબતોમાં હેતુ માનીએ છીએ તેથી બલવાન છીએ.
જૈન–ખ્રિસ્તીબંધુ! તમોએ જે કહ્યું છે તે યુક્તિયુક્ત નથી. અર્થાત્–જૈનોની માન્યતા પ્રમાણે નથી.
યુરોપસ્થ ખ્રિસ્તીયો હવે છેલ્લા યુદ્ધથી સમજવા લાગ્યા છે કે હિંસાયુદ્ધ થકી શાંતિસુખ નથી. પ્રેમથી શાન્તિ છે. ક્રોધને ક્ષમાથી જીતવામાં શાન્તિ છે.
ખ્રિસ્તી–પ્રભુ જ્યારે છેલ્લો દિવસ આવશે અને ન્યાય કરશે ત્યારે શયતાનને ઘોર શિક્ષા કરશે અને તેના ફંદામાં ફસાયેલાઓને પણ ધોર શિક્ષા કરશે અને નરકમાં નાખશે.
જૈન–ખ્રિસ્તીબંધુ! ઈશુ અગર ઇશુનો પિતા બન્ને જો દયાળુ છે તો તેઓ છેલ્લા દિવસે પણ પાપીઓને નરકમાં નાખી શકે નહીં. રશિયાનો મહાત્મા ટોલ્સ્ટોય કહે છે કે પ્રભુ દયાળુ છે તેથી કોઇને નરકમાં નાખે નહી, અને નરકને બનાવે નહીં. જૈનશાસ્ત્રોમાં અનાદિકાળથી નરકો છે. તથા તેમાં પાપીઓ પાપકર્મથી જાય છે પણ પ્રભુ તેઓને નરકમાં નાખે છે એવું લખ્યું નથી. પ્રભુ જો છેલ્લા દિવસે શયતાનને ઘોર શિક્ષા કરે તો શયતાન પ્રભુને પુછશે કે તેં મને જેવો બનાવ્યો તેવો હું થયો, તો પછી મને ઘોરશિક્ષા જે કારણથી કરી છે તે કારણ તો મારામાં તેં દાખલ કર્યું. તેં મારામાં મોહ મૂક્યો, તેથી મોહ આવ્યો, તારા વિના બીજો કોઈ મારામાં ખરાબ વિચાર મૂકી શકે નહીં તો મને તું નરકની શિક્ષા કરે તેમાં તારો વાંક છે, તથા તેં મને વાર્યો પણ નહિ. મારા પર તારું બળ અજમાવ્યું નહીં. એમ પ્રભુને શયતાન કહીને પ્રભુ પાસે ન્યાય માગે તો પ્રભુને પોતાની ભૂલ કબૂલ કરવી પડે કે મેં શયતાનને બનાવ્યો તે ઠીક કર્યું નહીં અને મનુષ્યો શયતાનથી લલચાયા તેમાં પણ પરંપરાએ મારી ભૂલ થઇ અને પાપીઓને નરકમાં નાખતી વખતે પણ શયતાનની પેઠે પ્રભુના વાંક કાઢે. પાપી મનુષ્યો એમ કહે કે અમોએ પ્રભુ ! તારા પર વિશ્વાસ ન કીધો તેમાં હે પ્રભો ! તારી ભૂલ છે. કારણ કે તેં તારામાં વિશ્વાસ રહે એવું જ્ઞાન કેમ ન આપ્યું ! તથા જો અમોને તેં બનાવ્યા તો ઈશુના જેવા શ્રદ્ધાળુ કેમ ન બનાવ્યાં?
ઈશુને સારો ભક્ત બનાવ્યો અને અમને શયતાનના ફંદામાં ફસાઈ જઈએ એવા બનાવ્યા તેમાં તારો અન્યાય પક્ષપાત છે. છતાં અમને નરકની શિક્ષા કરતાં અન્યાય કેમ કરે છે? પાણીમાં જેવો રંગ નાખીએ તેવું પાણી થાય, હે પ્રભો !! તેં અમારામાં સારી શ્રદ્ધા મૂકી હોત અને પહેલાથી શયતાનને ન બનાવ્યો હોત અને બનાવવાની સાથે તેની શક્તિ હરી લીધી નહીં અને પછી હજારો લાખો વર્ષ પછી પાછા ન્યાય કરતી વખતે શયતાનનો તથા અમારો વાંક કાઢો તે ન્યાય ગણાય નહીં. ઇશુના ઉપદેશથી અમને શ્રદ્ધા ન થઈ તેનું કારણ એ છે કે તેં અમારા આત્માને બનાવ્યો પણ ઈશુનો ઉપદેશ અમે સમજીએ તેવી બુદ્ધિ શ્રદ્ધા કેમ ન આપી? મુસા અને ઈશુના જેવા અમને કરવામાં વચ્ચે શયતાન નડતો હતો? તેને તે જ વખતે કેમ તેં દૂર કર્યો નહીં ? અને હવે છેલ્લા દિવસે અમને નર્કમાં મોકલે છે ? માટે અમો નરકમાં જઈશું નહીં, તમોએ જ શયતાનને બનાવી માછલાંની પાછળ પારધી બનાવવાની પેઠે ભૂલ કરી છે, એવું જ્યારે પાપીઓ પૂછશે ત્યારે પ્રભુને "તેરી બી ચૂપ ઔર મેરી બી ચૂપ" કહી ખેલ ખલાસ કરવો પડશે. એથી એવી વાતો ન માનતાં અનાદિકાળથી જગત્ અને જીવો છે, તથા અનાદિકાળથી જીવોને કર્મ લાગ્યાં છે અને જીવો પુણ્ય અને પાપના અનુસારે સ્વર્ગ તથા નરકમાં જાય છે એમ સિદ્ધાંત માનવામાં કોઈ જાતનો દોષ આવતો નથી. તથા પરમેશ્વર ઉપર પૂર્વોક્ત કર્તાપણાના દોષો પણ આવી શકતા નથી.
ખ્રિસ્તી–જ્યારે પુનરુત્થાનનો છેલ્લો દિવસ આવશે ત્યારે સૂર્ય ચંદ્ર વગેરેનો નાશ થશે. દરિયા પહાડો વગેરેનો પ્રભુ નાશ કરશે. પ્રભુ સર્વ જીવોને ઉઠાડશે અને ધર્મી અને પાપી આત્માઓને બે નિભાગમાં વહેંચી નાખશે. ધર્મીઓને સ્વર્ગ માં પોતાની પાસે લઈ જશે અને પાપીઓને શયતાનની સાથે નરકમાં નાખશે બાઇબલના પ્રગટીકરણમાં પ્રભુ સ્વર્ગ માં સિંહાસન ઉપર બિરાજે છે અને દેવદૂતો તેની પાસે બેસે છે તથા જે છેલ્લો દિવસ આવશે તે વખતનું ભવિષ્ય લખ્યું છે તેને અમો સત્યમાનીએ છીએ.
જૈન–ખ્રિસ્તીબંધુ!! તમોએ જે હકીકત કહી તેને અમો જૈનશાસ્ત્રોથી વિરૂદ્ધ હોવાથી તથા તે બુદ્ધિગમ્ય તથા શ્રદ્ધાગમ્ય નહીં થવાથી તેને સત્ય તરીકે સ્વીકારતા નથી. તમારી એવી માન્યતાને તો બૌદ્ધો, હિંદુઓ, અને જૈનો સત્ય તરીકે માનતા નથી. છેલ્લા દિવસે પ્રભુ સર્વનો ન્યાય કરશે, એવી માન્યતામાં સત્યતા નથી. સૂર્ય ચંદ્ર આકાશ વગેરેનો નાશ થવાનો નથી, કેટલાક હિંદુઓ, મહાપ્રલય માને છે તે વખતે સર્વ વિશ્વનો નાશ માને છે, પણ પ્રભુ, સર્વ લોકોને ઉઠાડી ઉભા કરી એક દિવસે ન્યાય કરે છે એવું તેઓ માનતા નથી. જૈનો તથા બૌદ્ધો મહાપ્રલયને માનતા નથી, જૈનો જગત્ ને અનાદિ અનંત માને છે. તેથી મહાપ્રલય થતો નથી એમ શ્રદ્ધા ધારે છે. જગત્કર્તાવાદીઓને ઈશ્વર છે તે જગત્ નો કર્તા છે એમ માનવાપણું હોવાથી તેઓ દુનિયાનો આદિ અને અંત માને છે. બાઇબલના પ્રકટીકરણના ભવિષ્યવાદ જેવા ભવિષ્યવાદો જો મારે લખવા હોય તો અનેક લખી બતાવું, તેમાં સત્યતા હોય એવું અમારું મત નથી. દુનિયામાં ચાલતા અનેક ધર્મ શાસ્ત્રોમાં એવા પણ રૂપાંતરે ફેરફારવાળા પરસ્પર વિરૂદ્ધ એવા અનેક ભવિષ્યવાદો છે. તેથી અમુક ઉપર વિશ્વાસ મૂકવો, તે વખતનો દિવસ આવ્યા પહેલાં શ્રદ્ધા મૂકી શકાતી નથી. અનેક યુરોપદેશસ્થ વિદ્વાનો પણ આવા ભવિષ્યવાદોને શંકાની દૃષ્ટિ થી દેખવા લાગ્યા છે. મનુષ્ય મરે છે કે તુર્ત સ્વકર્માનુસારે બીજો ભવ ધારણ કરે છે પણ તેને છેલ્લા દિવસ સુધી કબ્રમાં પડી રહેવું પડતું નથી, એમ જૈનહિંદુશાસ્ત્રોથી સમજાય છે, માટે અમને તે બાબતમાં અમારો સિદ્ધાંત સત્ય લાગે છે. પ્રલય મહાપ્રલયની વાતો ન કરતા આત્માની, મનની અને કાયાની પવિત્રતા કરવી. મનમાંથી સર્વ બૂશ વિચારોને દૂર કરવા અને સદ્વિચારોથી મનને ભરી દેવું અને જ્ઞાનાનન્દમય પ્રભુ જીવનને જીવવાનો નિશ્ચય કરી આત્મધ્યાન ધરવું. શરીરે જીવતાં છતાં શરીરમાં મોહરૂપ શયતાનને મારી, તેની કબ્ર કરવી અને આત્મારૂપ પોતાને ઇશુ જાણી પરમાત્મા પ્રભુની સાથે લયલીન થઈ શુક્લધ્યાન રૂપ આકાશમાં ઉંચા જવું અને આત્મા તેજ પરમાત્મા છે એમ અંતરમાં અનુલવ કરવો. શરીર પેઠે આત્માને ન ભાવવો પણ તેથી ન્યારો ભાવવો અને હું તું ના સંકલ્પવિકલ્પથી મુક્ત થઈ શરીરમાં જીવતા આત્માથી જીવતા થવું. અર્થાત્ દેવ થવું તેજ શરીરમાં પુનરુત્થાનનો છેલ્લો દિવસ માની શુદ્ધાત્મસ્વરૂપમાં મગ્ન થઈ જવું, શરીર તે જ જગત છે એમ માનીને મન મોહરૂપ શયતાનથી દૂર રહેવું. શરીરમાં આત્માને સમ્યગ્જ્ઞાનથી પ્રગટ કરવો તે જ મરેલા એવા પોતાને જીવતા કરવાનું છે. પરમાત્મા–સર્વજ્ઞ–વીતરાગ દેવ છે તે પિતા છે અને સમ્યગ્જ્ઞાની અંતરાત્મા તે પ્રભુ પરમાત્માનો પુત્ર છે. શુક્લધ્યાન તે વધ સ્તંભ છે, તેમાં અંતરાત્મારૂપી ઈશુને લગાડવામાં આવે છે. એટલે અંતરાત્મારૂપી ઈશુનું સર્વથા મોહનાશ રૂપ બાહ્ય મરણ થાય છે અને તે જ શરીરમાં અંતરાત્મા, પોતાના કેવલજ્ઞાનથી પ્રકાશીને પરમાત્મા પ્રભુ થઇ ઉઠી લોકોને બોધ આપી છેવટે ઉંચે આકાશમાં સિદ્ધશિલા પર બિરાજમાન થાય છે. આત્મા પોતાની સમ્યગ્દૃષ્ટિ પામે છે તે જ સમ્યગ્ દર્શનરૂપ બાપટિઝમ છે. પવિત્ર શુદ્ધાત્મા રૂપ થએલા સર્વે આત્માઓ દેવો થાય છે. એવી જૈન શાસ્ત્રોની માન્યતા છે. ક્રોધ, માન, માયા, લોભ, કામ, અજ્ઞાન, રતિ, અરતિ, આદિ સર્વ મોહ પ્રકૃતિયોની ક્ષય કરવાથી જ આત્મારૂપ પ્રભુનો પ્રગટભાવ થાય છે અને આત્મામાં કેવલજ્ઞાન પ્રગટે છે. એવું જ્ઞાન અને આત્માનંદ પ્રાપ્ત કરી શુદ્ધાત્માના અનંત જીવને જીવવા માટે જ બાહ્યજીવનનું પ્રયોજન છે.
ખ્રિસ્તી–જૈનબંધુ ! તમારી સાથે વાત કરવાથી અમને ઘણું જાણવાનું મળ્યું, ઈશુ ક્રાઈસ્ટ અને બાઇબલમાંથી તમો તમારી દૃષ્ટિએ શું સત્ય માનો છો તે જણાવશો
જૈન–ખ્રિસ્તીબંધુ!! જૈનશાસ્ત્રોના ગુરુગમપૂર્વક અને ગુરુકૃપાપૂર્વક સમ્યગ્ અભ્યાસથી આત્મામાં સમ્યગ્જ્ઞાનદૃષ્ટિ પ્રગટે છે, તેથી મિથ્યાત્વ શાસ્ત્રોને સાત નયોની સાપેક્ષા સમ્યગ્દૃષ્ટિથી સમ્યગ્ રૂપે પરિણમાવવાની શક્તિ પ્રગટે છે, મિથ્યાત્વીઓને સમકિત વાળાં શાસ્ત્રો પણ મિથ્યાત્વરૂપે પરિણમે છે. જૈનશાસ્ત્રોનો જેઓએ પૂર્ણ અભ્યાસ કર્યો છે તેઓને બાઇબલમાં જે કંઇ સત્ય સારૂં છે, તે જૈનશાસ્ત્રોમાં છે જ એમ અનુભવાય છે,
ઈશુમાં નીતિના ગુણો કંઈ કંઈ ખીલ્યા હતા.
1)“શરીરને જે મારી શકે છે પણ આત્માને મારી શકતા નથી તેથી બીહો (ડરો) મા.”
2) પૃથ્વી પર શાંતિ કરવાને હું આવ્યો છું એમ ન ધારો, શાંતિ નહીં પણ તલવાર ચલાવવાને હું આવ્યો છું કેમકે માણસને તેના બાપને ઉલટો તથા દીકરીને તેની માને ઉલટી તથા વહુને તેની સાસુને ઉલટી ફેરવવાને હું આવ્યો છું અને માણસનાં વૈરી તેના ઘરમાં થશે. (માત્થી)
3) તેઓ કહે છે કે જુઓ ખાવરોને દારૂબાજ માણસ પાપીનો અને દાણીઓનો મિત્ર,” મંદિર કરતા હિયાં, એક મોટો છે, યજ્ઞ કરતાં હું દયા ચાહું છું.
4) "પવિત્ર આત્માને ઉલટું જે કોઇ કંઈ કહેશે, તે તેને માફ નહિ કરાશે. આ યુગમાં નહિં ને આવનાર યુગમાં પણ નહિ"
5) તારી તલવાર તેના મ્યાનમાં પાછી ઘાલ્લ કેમકે જે સઘળા તલવાર પકડે છે તે તલવારથી નાશ પામશે”
6) ઈશુએ પાસે આવીને તેઓને કહ્યું કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને સોંપાયો છે.
7) “પ્રભુના નિયમશાસ્ત્રમાં કહેલા પ્રમાણે હોલાના એક જોડાનો અથવા કબૂતરનાં બે બચ્ચાંનો યજ્ઞ કરવા સારૂં તેઓ તેને યરૂશાલેમમાં લઇ ગયા (ઈશુના જન્મ પછીની ક્રિયા લુક)
8)“જો કોઇ મારી પાસે આવે ને પોતાના બાપનો તથા માનો તથા વહુનો તથા છોકરાંનો તથા ભાઈનો તથા બહેનોનો તથા પોતાના જીવનો પણ દ્વેષ ન કરે તો તે મારો શિષ્ય થઈ શકતો નથી.
9) “દેવનું રાજ્યપ્રગટ રીતે નથી આવતું અને એમ નહિ કહેશે કે જુઓ તે અહિંયાં છે અથવા તે ત્યાં છે. કેમકે જુઓ દેવનું રાજ્ય તમારા મધ્યે છે”
10) "જે કોઈ પોતાને ઉંચો કરે તે નીચો કરાશે ને જે પોતાને નીચો કરે તે ઉંચો કરાશે.” (લુક)
11) “જે કોઇએ ઘરને કે મા બાપને ભાઇઓને કે વહુને કે છોકરાને દેવનાં રાજ્યને લીધે મૂક્યાં હશે તે આ કાળમાં બહુ ઘણું તથા આવનાર કાળમાં અનંત જીવન પામ્યા વિના રહેશે નહી” (લુક)
12) (યોહાન) જે ઉપરથી આવે છે તે સર્વના ઉપર છે. જે પૃથ્વીનો છે તે પૃથ્વીનો છે ને પૃથ્વીનું કહે છે"
13) “ઈશુએ તેઓને કહ્યું કે હું તમને ખચીત કહું છું કે તે રોટલી મુસાએ આકાશથી તમને આપી નથી પણ આકાશથી જે ખરી રોટલી છે તે મારો બાપ તમને આપે છે” જીવનની રોટલી હું છું જે મારી પાસે આવે છે તેને ભૂખ નહી જ લાગશે”
14) “યોહાન” કોઈ મારું માંસ ખાય છે ને મારું લોહી પીએ છે તેને અનંતજીવન છે. જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારામાં રહે છે. ને હું તેમાં રહું છું, જે મને ખાય છે તે પણ મારાથી જીવશે” ચોહાર્ન ( અધ્યાય ૬ )
15) જો કોઇ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ. મારા પાર વિશ્વાસ કરે છે. તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે” (યોહાન અધ્યાય (૭) )
16) મારી વાત તમે સાંભળતા નથી માટે તમે તમારા બાપ સેતાનના છો, તે પ્રથમથી મનુષ્ય ઘાતક હતો. જે દેવનો છે તે હૈવની વાતો સાંભળે છે”
તમે દેવના નથી માટે સાંભળતા નથી. ઇબ્રાહીમ થયા અગાઉ હું છું “હું તથા બાપ એક છીયે”
૧૭) તું માણસ છતાં પોતાને દેવ ઠરાવે છે. ઇશુએ તેઓને ઉત્તર દીધો. શું ? તમારા શાસ્ત્રમાં એ નથી લખ્યું કે, મેં કહ્યું કે તમે દેવો છો ? જેઓ દેવની વાત પામ્યા તેઓને જો તેણે દેવો કહ્યા તો જેને બાપે દેવ ઠરાવ્યો ને ને જગત્માં મોકલ્યો તે હું દેવનો દીકરો છું. બાપ મારામાં છે ને હું તેનામાં છું.
પુનરૂત્થાન તથા જીવન હું છું. તમે એક બીજા પર પ્રેમ કરો. જેવો મેં તમારા પર પ્રેમ કીધો તેવો તમે પણ એક બીજા પર પ્રેમ કરો.
"રસ્તો તથા સત્ય તથા જીવન હું છું"
હું બાપમાં ને બાપ મારામાં એવો મારા પર વિશ્વાસ કેરો (ચોહોંન)
દેવે તેઓને ભ્રષ્ટબુદ્ધિમાં મેલી દીધા ” અધ્યાય. ર
“દેખાતો યહૂદી તે યહૂદી નથી ને દેખાતી દેહની સુન્નત તે સુન્નત નથી. માંહેનો યહૂદી તે યહૂદીને સુન્નત હૃદયની ને જે અક્ષરિક નથી પણ આત્મિક છે. જેટલા દેવના આત્માથી દોરાય છે તેઓ દેવના દીકરા છે, આપણે દેવનાં છોકરા છીયે” અધ્યાય, ૮
તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો. આશીર્વાદ જ આપો ને શ્રાપ આપતા ના.
હરખનારાઓની સાથે તમે હરખાઓ અને ૨ડનારાઓની સાથે રડો. માંહેમાંહે તમે એકજ મન ધરો, મોટાઈ પર મન ન રાખો પણ દીનોની સાથે મળતા જાઓ
તમે પોતાને બુદ્ધિવંત ન સમજો, ભુંડાને બદલે ભુંડું કોઇને વાળતા ના;
સઘળાં માણસોનાં દેખતાં જે સુશોભિત છે તે (કરવાને) ધ્યાનમાં આણો,
જો બની શકે, તો જેમ તેમ કરીને સઘળાં માણસોની સાથે સમાધાનમાં ચાલો.
ઓ વહાલાઓ, તમે પોતાપરનું વૈર ન વાળો, પણ કોપને સારૂ જગ્યા છોડો, કેમકે લખેલું છે કે “પ્રભુ કહે છે કે વૈર વાળવું એ મારું છે, હું પાછુ વાળી આપીશ,” એ માટે જો તારો વૈરી ભૂખ્યો હોય, તો તેને ખાવાનું આપ; જો તૃષિત હોય તો તેને પીવાનું આપ, કેમકે એવું કરતાં તું તેના માથા પર આગના અંગારા ઢગલાઓ મૂકીશ. જે ભુંડું તેથી તું જીતેલો ન થા, પણ જે સારૂં તેથી ભુંડું જીત,
એક બીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય
બીજું દેવું કોઈનું ન કરો, કેમકે જે બીજા ઉપર પ્રેમ રાખે છે. તેણે નિયમને પુરો પાળ્યો છે. કારણ કે “તારે વ્યભિચાર ન કરવો, હત્યા ન કરવી, ચોરી ન કરવી, જૂઠ્ઠી શાહેદી ન પુરવી, લોભ ન કરવો ” ઇત્યાદિ, જે આજ્ઞાઓ છે તેઓ સંક્ષેપ કરીને આમાં સમાયલી છે, એટલે
“જેવો પોતા પર છે તેવો પોતાના પાડોશી પર પ્રેમ રાખવો” પ્રેમથી પડોશીનું કંઇ ભુડું કરાતું નથી, તેથી પ્રેમ નિયમની સંપૂર્ણતા છે. (અધ્યાય ૪ તમે દેવનું મંદિર છો ને દેવનો આત્મા તમારામાં વસે છે.) જો કોઈ દેવના મંદિરનો નાશ કરશો તો દેવ તેનો નાશ કરશે. કેમકે દેવનું મંદિર જે તમે છો તે પવિત્ર છે. તમારાનો કોઇ પોતાને જ્ઞાની જાણે તો જ્ઞાની થવા સારૂં તે મૂર્ખ થાય
"સુન્નત તો કંઇ નથી ને બે સુન્નત કંઇ નથી પણ દેવની આજ્ઞાનું પાલન તે જ બધું છે” (અધ્યાય છ)
“તમે જીવતા દેવનું મંદિર છો.” (અધ્યાય ૬)
શેતાન પોતે અજવાળાના દૂતનો વેષ ધરે છે
“પાઉલ કહે છે (પોતાના પત્રમાં તમારી સેવાને સારૂં બીજી મંડળી ઓમાંથી નાણું લઈને મેં તેઓને લુંટી” ( અધ્યાય ૧૧ )
“દેવ તો કે જે ચૌદ વર્ષ ઉપર ત્રીજા આકાશમાં લઈ જવાયો”
તું જેમ પોતા પર તેમ મારા પાડોશી પર પ્રેમ ક૨
“દેહ આત્માથી ઉલટી ઇચ્છા કરે છે અને આત્મા દેહથી ”
આપણું પ્રજાપણું આકાશમાં છે ! અધ્યાય ૪
સાતમે દહાડે દેવે પોતાનાં સર્વ કામોથી વિશ્રામ લીધો ! (અ. પ.)
અધ્યાય નવમામાં લખ્યું છે કે મુસાએ નિયમશાસ્ત્ર પ્રમાણે હરેક હુકમ સર્વ લોકોને કહીને વાણી તથા કીરમજી ઉન તથા ગુફા સુદ્ધા વાછરડાનું તથા બકરાનું લોહી લીધું. મંડપ પર તથા સેવાનાં સઘળાં પાત્ર પર લોહી છાંટ્યું.
નિયમશાસ્ત્ર પ્રમાણે સઘળી વસ્તુઓ લોહીથી શુદ્ધ કરાય છે ને લોહી વહેવડાવ્યા વગર માફી થતી નથી. યજ્ઞોથી વર્ષો વર્ષે પાપોનું સ્મરણ ફરી થાય છે કેમકે ગોધાઓનું તથા બકરાઓનું લોહી પાપો કહાડી નાખવાને સમર્થ નથી. મુસાએ કહ્યું કે હું બહુ બિહું છું ને ધ્રુજુ છું (અ. ૧૨)
“તું હત્યા ન કર”? જગત્ પર અથવા જગતમાંના પર પ્રેમ ન કરો. જે પુત્રનો નકાર કરે છે તેને બાપ પણ નથી”
જે પાપ કરે છે તેણે તેને દીઠો નથી. હરેક જે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે મનુષ્યઘાતક છે.
આપણે તેનામાં રહીએ છીએ અને તે આપણમાં દેવપ્રીતિ છે, ને જે પ્રીતિમાં રહે છે તે તે દેવમાંને દેવ તેનામાં રહે છે.
જે ભયભીત છે પ્રીતિમાં પુરો થએલો નથી.
ઇત્યાદિ બાઇબલનાં વાક્યોમાં બાઇબલનો સારાંશ આવી જાય છે.
એમાંનાં કેટલાંક વાક્યો - નીતિનાં છે તથા કેટલાંક પ્રેમનાં છે તથા કેટલાક આત્મા સંબંધી છે. કેટલાંક યહૂદીઓના નિયમ શાસ્ત્રો નાં છે અને તેમાં કેટલાંક નવા કરાર સંબંધી છે.
એ પ્રમાણે કથીને:
इत्येवं ॐ अर्हं महावीर शान्तिः
મુકામ. પ્રાંતિજ.
વિ. સં. ૧૯૮૦.
ફાલ્ગુન વદિ પંચમી.
શેઠ. પોચાલાલ ડુંગરશી બંધાવેલ જૈન તપાગચ્છીય સાગર ઉપાશ્રય.
લે. બુદ્ધિસાગર