This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
જૈન ખ્રિસ્તી સંવાદ. (ગ્રન્થ ૨ બીજો)
પ્રાંતિજમાં વિ. સં. ૧૯૮૦ ના પોશ માસમાં અમારું જવાનું થયું ત્યાં ખ્રિસ્તીયોનું સ્ટેશન પાસેનું દેવળ જોયું. ખ્રિસ્તી ચર્ચ પાસે હિંદી ખ્રિસ્તીયોનાં ઘર છે ત્યાં કોઇ કોઈ વખત જવાનું થતું તે પ્રસંગે જૈનધર્મ અને ખ્રિસ્તીધર્મ સંબંધી ચર્ચા ચાલતી હતી, ખ્રિસ્તીયો અમારી સાથે રસપૂર્વક જ્ઞાનગોષ્ટી કરતા હતા. તે સંબંધીનો રસવાદ નીચે પ્રમાણે જૈન અને ખ્રિસ્તીીના સંવાદ નામે લખવામાં આવે છે.
ખ્રિસ્તી–જૈનાચાર્ય ! અમારો ખ્રિસ્તીધર્મનો એક સત્ય ધર્મ છે અને અન્ય હિંદુ, બૌદ્ધ, મુસલમાન, અને જૈનધર્મ, અસત્ય છે એમ મારું માનવું છે.
જૈન–ઓ ખ્રિસ્તીભાઇ તમારું માનવું સત્ય નથી. સર્વ ધર્મમાં અપેક્ષાએ થોડું ઘણું તરતમયોગે સત્ય, રહેલું છે. એકલા ખ્રિસ્તી ધર્મમાં સર્વથા સત્ય નથી. દયા, સત્ય, અસ્તેય; બ્રહ્મચર્ય, સંતોષ, પરોપકારક, ક્ષમા, સરલતા, શૌચ, પ્રભુભક્તિ વગેરે ધર્મ ગુણો જે જે ધર્મોમાં રહેલા છે તે તે ધર્મો તે તે ગુણોથી અપેક્ષાએ સત્ય છે.
ખ્રિસ્તી–ખ્રિસ્તીધર્મીઓ વડે આખી દુનિયા જીતાઇ છે માટે એક ખ્રિસ્તીધર્મ સત્ય છે.
જૈન–ઓ ખ્રિસ્તીભાઇ, તમારું એવું કહેવું પણ સત્ય નથી. બહારથી પશુબલથી જે લોકો આખી દુનિયાને વશ કરે તેથી તે લોકોનો જ ધર્મ કંઇ સત્ય ઠરતો નથી. એક વખત આર્યોએ આખી દુનિયાને જીતી લીધી હતી, એક વખત મુસલમાનોએ તમારા સમાન રાજ્ય વિસ્તાર્યું હતું, તેમાં તો પશુબલ છે. એ કંઈ ધર્મનું સત્યબળ નથી માટે તેથી તમારો જ ધર્મ સત્ય ઠરતો નથી. તમારા પૂજ્ય ઇશુ ક્રાઇસ્ટને યહૂદીઓએ શૂળી પર ચઢાવીને મારી નાખ્યા હતા. તેથી કંઈ યાહુદીઓનો સત્યધર્મ ઠર્યો નથી. મહાત્મા મહમદ પેગંબરને મૂર્તિપૂજકોએ પર્વતોમા નસાડી મૂક્યા હતા, તેથી કંઇ મહમદ પેગંબરનો ધર્મ અસત્ય ઠરે નહીં. ઈશુ ક્રાઈસ્ટે પણ કહ્યું છે કે "તમારું રાજ્ય અંતરમાં છે. તમારું સ્વર્ગ અંતરમાં છે બાહ્યમાં નથી" તેવા વચનને પણ તમો સમજી શકતા નથી તેથી બાહ્ય રાજ્યસત્તાના મોહથી તમારા ધર્મને સત્ય ઠરાવવા માગો છો, એ તમારી ભૂલ છે. તમારા ખ્રિસ્તીયો પરમેશ્વરને ભૂલીને અને બાઇબલને હડસેલીને યુરોપમાં પરસ્પર લડી મર્યા. લાખો મનુષ્યો મરી ગયાં તેમાં તમારા ધર્મની તેમના પર શી અસર થઈ? તે વિચારશો તો તમારું અજ્ઞાન ટળી જશે.
ખ્રિસ્તી–જે ખ્રિસ્તી થાય છે તેમાં પ્રભુ ઉતર્યો છે અને પ્રભુ તેનો ઉદ્ધાર કરે છે, માટે અમારો ધર્મ સત્ય છે, અને એવું બાઇબલમાં કહ્યું છે.
જૈન–દુનિયાના સર્વ ધર્મોમાં અને સર્વધર્મશાસ્ત્રોમાં એ પ્રમાણે કહ્યું છે, તેથી કંઇ તમારો એકલો જ ધર્મ સત્ય ઠરતો નથી. ખ્રિસ્તીયો દેશરાજ્ય લક્ષ્મી મોહે પરસ્પર ખ્રિસ્તીયોનો સંહાર કરે છે. તેઓનામાં જો પ્રભુ ઊતર્યો હોત તો તેઓએ આજ સુધી સેંકડો લડાઈઓ કરી અને પરસ્પર ખ્રિસ્તીયોને મારી નાખ્યા અને પાપી બન્યા તે બનત નહીં. જેનામાં પ્રભુ ઉતરતો હોય તે પ્રભુનો ભક્ત ખ્રિસ્તી કહેવાય, એમ જો કહેતાં હોવ તો તેવો ખ્રિસ્તી કંઇ બાપટીઝમ લેવાથી જ થતો હોય વા ખ્રિસ્તી બનવાથી બનતો હોય એવું છે જ નહીં, જેનામાં સત્ય, દયા, અસ્તેય, પ્રેમ, બ્રહ્મચર્ય, પરોપકાર, પ્રભુપ્રીતિ, નીતિ, સદાચરણ, ક્ષમા, શાંતિ પ્રગટે તે પ્રભુ ભક્ત ગણાય અને તેનામાં પ્રભુ ઉતર્યો ગણાય. બાકીનામાં નહીં અને એ જ વ્યાખ્યા ખરી માનો તો સર્વપ્રકારના ધર્મીઓની કોમમાં કોઈ કોઈમાં તેવા ભક્તો સંતો હોય છે, એકલા ખ્રિસ્તીયોમાં તો તેવા ભક્તો સંતો હોતા નથી, તેથી ખ્રિસ્તીયોમાં જ પ્રભુ ઉતરે છે એ વાત અસત્ય ઠરે છે. તમારી કોમમાં પ્રભુ ઉતરે અને અન્ય હિંદુ વગેરે ધર્મી કોમોમાં પ્રભુ ન ઉતરે એવો કંઇ પ્રભુને પક્ષપાત નથી. પ્રભુ તો અવરતો નથી તથા ઉતરતો નથી. પ્રભુને ખ્રિસ્તીયો વ્હાલા છે અને જૈન, હિંદુ, બૌદ્ઘ, મુસલમાન વગેરે વ્હાલા નથી એવું નથી. ખ્રિસ્તી કોમમાં મોટાભાગે હિંસા, જૂઠ; ચોરી, વ્યભિચાર, ક્રોધ, લોભ, કપટ, અહંકાર, રાજ્ય લક્ષ્મી લેવાની તૃષ્ણા, અન્યાય, જુલ્મ વગેરે દુર્ગુણો વધે છે, યુરોપી ખ્રિસ્તીયો અન્યદેશી ખ્રિસ્તીયોને પોતાનાં પગ તળે કચરે છે, તેથી તેઓમાં પ્રભુ ઉતરેલો દેખાતો નથી પણ શયતાન ઉતરેલો છે, તેથી તે લોકો પરસ્પર લડાઈ, રાજ્યલક્ષ્મીલોભથી જૂલ્મ, અન્યાય વગેરે પાપોમાં તણાય છે, તેઓ શયતાનના કબ્જામાં રહે છે, પ્રભુને ઠેકાણે શયતાનને હૃદયમાં રાખે છે. હિંદમાં ખ્રિસ્તીયોની સંખ્યા વધારવાના લોભમાં અન્યાય,જુઠ કરે છે.દગા, વગેરે પાપકર્મોને તેઓ કરે છે તેથી હાલ પ્રત્યક્ષથીતો પ્રભુ તેઓના હૃદયમાં ઉતરેલો દેખાતો નથી અને તેઓનો ઉદ્ઘાર થએલો પણ દેખાતો નથી કારણકે તેઓ જડ વાદની ઉંડીખીણમાં જ્યાં શયતાનનો વાસો છે તે તરફ ધસ્યા જાય છે માટે હું તો એમ કહું છું કે જે સદ્ગુણી હોય તેમાં સ્વાત્મારૂપ પ્રભુ પ્રગટે છે અને સ્વાત્માનો આત્મપ્રભુ ઉદ્ધાર કરે છે અને એવા ગુણી ભક્તો સર્વ ધર્મી કોમોમાં કોઈ કોઈ હોય છે માટે ખ્રિસ્તી ધર્મ સત્ય ઠરતો નથી અને અન્યધર્મો સર્વથા અસત્ય ઠરતા નથી.
ખ્રિસ્તી–જેઓ ઈસુક્રાઈસ્ટને કબૂલે છે અને તેના શરણે જઇ ખ્રિસ્તી ધર્મ માને છે તેઓને મુક્તિ મળે છે, બીજાઓની મુક્તિ થતી નથી. ભાગ–૨–૦૧
જૈન–તમારું એવું એકાંત માનવું અસત્ય ઠરે છે. જેઓ રાગદ્વેષને જીતે છે અને સમભાવે વર્તે છે તે ગમે તે ધર્મ જાતના હોય તો પણ તે મુક્તિ પામે છે, ઇસુ એ મનુષ્ય હતો. તે પ્રભુની ભક્તિ કરતો હતો. યહૂદીઓએ તેને શુળી પર ચઢાવી મારી નાખ્યો, તે તો એમ કહે છે કે–બીજાનું પાપ હું ધોઈ નાખતો નથી અને મારું પાપ બીજા ધોઇ નાખતા નથી. જે પ્રભુની ભક્તિ કરશે, અને સદ્ગુણી બનશે તે પોતાનું પાપ ધોઇ નાખશે. બીજાઓને તરવું અગર મરવું તે તેમની ભક્તિ અગર પાપ ઉપર આધાર રાખે છે. માટે ઈસુ તો મરી ગયો તેથી તેના શરણે ન જતા અને ખ્રિસ્તી ધર્મ ન કબૂલ કરતાં જે જિન પ્રભુ પર પ્રેમ રાખે છે અને રાગદ્વેષાદિ કષાયોનો નાશ કરે છે તે મુક્ત થાય છે. પ્રભુને કંઈ એવો પક્ષપાત કે મોહ નથી કે જે ખ્રિસ્તી થાય તેને જ તારે અને બીજાઓ–અન્યધર્મી એ કે જે પ્રભુનું ભજન કરે તેઓના પર તે દ્વેષ રાખી તેઓને ન તારે. જો તે ખ્રિસ્તીયો પર રાગ રાખે અને અન્યોપર દ્વેષ કરે તો તે રાગી દ્વેષી પ્રભુ થાય અને પ્રભુ તો રાગી દ્વેષી, પક્ષપાતી, હિંસક નથી, તેથી ઇસુ ક્રાઇસ્ટના શરણે જવાની અને ખ્રિસ્તી થવાની કંઇ પણ જરૂર નથી. દુર્ગુણ દોષ પાપોને હઠાવી પ્રભુના ભક્ત બનાવાની જરૂર છે.ઈસુ જેવા તો પ્રભુના કરોડો ભક્તો થઇ ગયા છે. હિંદુસ્થાનમાં તો ઇસુ જેવા લાખો મનુષ્યો હાલ પ્રભુના ભક્તો છે. જે પ્રભુના ભક્તો થાય છે તે આત્મપ્રભુને પામે છે. ઈશુએ તો દ્રાક્ષારસ માંસ વાપર્યો હતો. હિંદમાં તો પ્રભુના એવા પણ ભક્તો પડ્યા છે કે જેઓએ વંશપરંપરાએ આજ સુધી દારૂમાંસ વાપર્યાં નથી અને દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્યાદિ સદ્ગુણ સદાચારથી હાલ પણ ઇશુ ક્રાઈસ્ટ કરતાં ઉચ્ચા દરજજે છે. તમો, ઈશુ ક્રાઈસ્ટના દૃષ્ટિરાગી છો, તેથી તમને બીજા ભક્તો ન દેખાય તો તેમાં આશ્ચર્ય નથી. પ્રભુના કેટલાક ભક્તો તો ગુપ્ત હોય છે, તેઓ કોઇની જાણમાં પણ આવતા નથી,
ખ્રિસ્તી–ઈશુ કાઈસ્ટ તો ખાસ પ્રભુનો પુત્ર હતો, તેણે આંધળાઓને દેખતા કર્યા. પાંગળાઓને ચાલતા કર્યા બહેરાઓને સાંભળતા કર્યા. મરેલાઓને જીવતા કર્યા. એવો કોઇ બીજો પ્રભુનો ભક્ત થયો નથી, માટે ઈશુ કાઈસ્ટના શરણે જવું જોઈએ અને ખ્રિસ્તી થવું જોઈએ.
જૈન–બંધુ ! તમો હજી પ્રભુના પુત્રનું સ્વરૂપ જાણતા નથી, જે જે મહાત્માઓ સંતો ભક્તો છે તે સર્વે પ્રભુના પુત્રો છે. ઈશુએ જેમ માતાના પેટમાં અવતાર લીધો હતો, તેમ સર્વે ભક્તો સંતો માતાના પેટમાં જન્મે છે. ઈશુને મરિયમ મા હતી તેમ સર્વ ભક્તોને માતા હોય છે, પિતાના વીર્યથી અને માતાના રક્તથી ગર્ભ માં મનુષ્ય અવતરે છે. તમો કહેશો કે પિતાના વીર્ય વિના ફક્ત માતાના પેટમાં ઈશુ રહ્યા એમ માનવું તમારું ખોટું છે. કારણ કે પિતાના વીર્ય વિના શરીર બંધાય નહીં અને પુત્ર થાય નહીં, તમો એમ કહેશો કે મરિયમના પેટમાં પરમેશ્વરે વીર્ય મૂક્યું તમારું એવું કથન પણ અસત્ય છે. કારણ કે પરમેશ્વર પ્રભુ છે તે નિરાકાર છે, તેથી નિરાકારને વીર્ય બિંદુ હોય નહીં. તેમ પ્રભુએ વીર્ય નાંખ્યું એમ કહેશો તો તે ખોટું ઠરે છે, કારણ કે તે નિરાકાર હોવાથી સ્ત્રી સાથે ભોગ ભોગવી શકે નહીં અને ભોગ વિના વીર્ય પડે નહીં ઇત્યાદિ અનેક દોષો આવે છે, તેથી તમારાથી તેમ માની શકાય તેમ નથી. પ્રભુનો પુત્ર અર્થાત્ પ્રભુને ભક્તિથી પુત્ર સમ વ્હાલો એવો અર્થ કરશો તો તેથી સંત ભક્તો જેટલા થયા અને થશે તે સર્વે સર્વ ધર્મ ના સંતો–ભક્તો–મહાત્માઓ ખરેખર પ્રભુના પુત્રો ઠર્યા અને ઠરશે, કંઈ એકલા ઇશુ જ પ્રભુના પુત્ર ઠર્યા નહીં, તેથી એકલા ઈશુને પ્રભુનો પુત્ર માની બીજા ભક્તોને પ્રભુના પુત્રો ન માનવા તે તમારો પક્ષપાત, અન્યાય, મોહ ઠરે છે. આંધળાઓ કે જે થોડું દેખતા હોય તેઓને દવાના બળે દેખતા કરી શકાય છે, પગે લુલા થએલાઓને દવાથી સાજા કરી શકાય છે, જેઓ મરણ પામવાની તૈયારીમાં હોય તેઓને દવાથી તથા આશીર્વાદ સંકલ્પથી જીવતા કરી શકાય છે. અજ્ઞાનથી આંધળા થએલાઓને જ્ઞાન આપીને દેખતા કરી શકાય છે. ચારિત્રરૂપ પગથી આજાર થએલાઓને પ્રભુના પુત્ર સમાન સંતો ભક્તો છે, તેઓ ચારિત્ર પુરુષાર્થરૂપ પગવાળા કરી શકે છે. અજ્ઞાન મોહથી મરેલા લોકોને સંતો ભક્તો ખરેખર આત્મજ્ઞાનનો બોધ આપીને જીવતા કરી શકે છે અને એવા જ્ઞાની જીવને જીવતા થયેલાઓને દ્વિજ કહેવામાં આવે છે. હિંદમાં હિંદુ–જૈન–બૌદ્ધ શાસ્ત્રોમાં એવા ચમત્કારિ ઋષિમુનીયોની સેંકડો વાતો આવે છે. મહમદ પેગંબરે ચમત્કારો બતાવ્યા છે. પ્રભુ મહાવીર દેવે અનેક ચમત્કારો બતાવ્યા છે, તેમની પાસે ઈન્દ્રો અને દેવો આવતા હતા. બુદ્ધની પાસે પણ દેવો આવતા હતા, કબીર, નાનક, સ્વામીનારાયણ, વગેરે સંતોએ પણ એવા ચમત્કારો બતાવ્યા છે, તેથી લૌકિક વ્યવહારે સર્વજાતના ધર્મી એની કોમોમાં એવા ચમત્કારી થયેલા મહાત્મા–સંતો–ભક્તોને પ્રભુના પુત્રો કહેવા પડશે અને એવા સર્વ ને પ્રભુના ભક્તો માનીને તે સર્વે એ ઉપદેશેલો ધર્મ તે પ્રભુએ કહેલો ધર્મ માનવો પડશે અને એમ જો નહીં માનો તો તમો પક્ષપાતી ઠરશો અને અજ્ઞાન ઠરશો, તમો કહેશો કે બાઈબલમાં પ્રભુના પુત્ર ઇશુની વાત આવે છે તેથી બાઈબલ અને ઈશુ બેને સત્ય માનીશું પણ બીજાઓને નહીં માનીએ. જો એમ માનશો તો એકાંતપક્ષપાતી અસત્ય માન્યતાવાળા તમો ઠરશો અને સર્વ ધર્મ માં થએલા ભક્તો, ઋષિયો મુનીયોને અને તેમના કહેલાં શાસ્ત્રો વેદો, પુરાણો, કુરાન આગમો, ધર્મપિટકોને સત્ય માનશો તો તમારે બાઇબલ અને એકલા ઈશુ પર આગ્રહ ન રાખવો જોઈએ અને હિંદુ મુસલમાન અને જૈનોને ખ્રિસ્તી બનાલવાની જે અજ્ઞાન ચેષ્ટાંમોહ છે તે છોડી દેવો પડશે.
ખ્રિસ્તી–મનુષ્ય ખ્રિસ્તી થાય છે એટલે તે દુર્ગુણ દોષ દુરાચારોથી મુક્ત થાય છે માટે ખ્રિસ્તી થવાની જરૂર છે.
જૈન–ખ્રિસ્તી બંધુ ! એવું બોલવું એ તો તમારો મિથ્યામોહ છે. કારણ કે ખ્રિસ્તી થએલાઓ સર્વે દુર્ગણ દુરાચારથી મુક્ત થએલા દેખાતા નથી. ફક્ત તમે ખ્રિસ્તી બનાવવાના મોહથી એવું બોલો છો. હાલમાં અમુકધર્મ વાળા જ સર્વથા સર્વસદ્ગુણી છે એવું એવું ક્યાંય દેખાતું નથી. યુરોપમાં હવે રોમન કેથોલીક અને પ્રોટેસ્ટંટ ગુરુઓ અને ખ્રિસ્તીધર્મ ઉપરથી ઘણા યુરોપવાસીઓની શ્રદ્ધા ઉઠી ગઈ છે. ખ્રિસ્તીઓમાં દુર્ગુણ દુરાચારે ઘણે પ્રવેશ કર્યો છે એમ હાલ ત્યાંની સ્થિતીથી માલમ પડે છે, તો હિંદમાં ખ્રિસ્તીઓ નવા કરવાના કરતાં ત્યાંના ખ્રિસ્તીયોને સુધારો તો બસ છે. હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર, દારૂપાન, ખૂન માંસભક્ષણ, જુલ્મ, વગેરે દુર્ગુણોથી મુક્ત થવું એમ હિંદુ, જૈન, બૌદ્ધ વગેરે સર્વ ધર્મીઓને તે તે ધર્મના ના ઉપદેશકોએ કહેલું છે તો તેનાથી તમે કંઇ વિશેષ શો ઉપદેશ દેવાના હતા? માટે હવે ખ્રિસ્તીયો કરવાનો મોહ તથા અજ્ઞાન છાંડીને તમો પોતે જ સદ્દગુણી સદાચારી વીતરાગ પ્રભુના ખરા ભક્તો બનો તો બહુ સારૂં.
ખ્રિસ્તી–ખ્રિસ્તી મનુષ્ય, આત્મિકબળ ખીલવી શકે છે અને તે ધન સત્તા વગેરેથી સાહેબ લોકોની પેઠે સુખી થાય છે.
જૈન–ખ્રિસ્તી થનારાઓ સુખી જ થાય છે. એવો હાલમાં નિયમ દેખાતો નથી કારણ કે યુરોપ, અમેરીકા વગેરે દેશોમાં ખ્રીસ્તિયો ખરા સુખી નથી અને ખરી શાંતિ કે સુખ તેમને મળી શક્તું નથી.હાલમાં ખ્રિસ્તી સમાજો, દેશરાજ્ય વ્યાપારાદિ ભેદે એકબીજાનું ગળું પીસવાની તૈયારીમાં હોય છે, તેમજ અન્યધર્મીઓ પણ દેશરાજ્ય લક્ષ્મી મોહે પરસ્પર એકબીજાનાં ગળા રેંસવા તૈયાર થતા હોય છે ત્યાં સુખશાંતિ ઉન્નતિ નથી. ખ્રિસ્તી બનનાર રાજા વગેરે કંઈ સર્વે અહિંસાવાદી શાંત સુખી બન્યા નથી અને બનનાર નથી. પૂર્વ દેશના વાસીઓ જો ખ્રિસ્તીયોનું અનુકરણ કરી ખ્રિસ્તી થશે તો તેઓ કંઈ સુખી થવાના નથી. ગમે તે ધર્મના વાળી કોમમાં દયા, સત્ય, શ્રદ્ધા, પ્રેમ, નીતિ, અસ્તેય, અવ્યભિચાર; સંતોષ, ઉપકાર, ભક્તિ, સેવા અને આત્મજ્ઞાનથી શાંતિ છે અને એવા સદ્દગુણો અને સદાચાર ધરનારાઓ હિંદુ વગેરે હોય વા મુસલમાન હોય વા ખ્રિસ્તી વા બૌદ્ધ હોય તો તે સુખી થાય છે. ખ્રિસ્તી થવા માત્રથી કંઈ કોઇ સુખી થઈ શકતો નથી. પ્રભુ કંઈ ખ્રિસ્તીને સુખી કરે છે અને અન્ય ધર્મવાળાને દુઃખી કરે છે એવો કંઈ પ્રભુ પક્ષપાતી નથી. પરમેશ્વર તો એમ ફરમાવે છે કે બાહ્યનું સુખ તે સુખ નથી. સદ્ગુણોથી સુખ છે અને દુર્ગુણોથી દુઃખ પડતું છે, માટે ખ્રિસ્તીયોની સંખ્યા વધારવાનો જે મોહ છે તે શયતાન છે; તેનાથી મુક્ત થવું જોઈએ. જે ધર્મી કોમમાં સમતાદિ સદ્ગુણો પ્રગટશે તે સુખી થશે, પછી તે ગમે તે ધર્મ વાળો હોય પણ આત્મામાં પ્રભુનું સ્વર્ગ રાજ્ય મેળવનારો હોવો જોઈએ.
ખ્રિસ્તી–જૈનબંધુ! જેવું ખ્રિસ્તીધર્મ માં તત્વજ્ઞાન છે તેવું કોઇ ધર્મ માં તત્ત્વજ્ઞાન, આત્મજ્ઞાન નથી, અને ઈશુ જેવો કોઈ વૈરાગી પ્રભુભક્ત મહાત્મા થયો નથી
જૈન–ખ્રિસ્તીબંધુ!! તમો એક બાજુની વાત કરો છો. તમોએ પક્ષપાત રહિત થઇ સર્વ ધર્મીઓના મહાત્માઓનાં ચરિત્રો વાંચ્યાં હોત અને તેઓનું તત્ત્વજ્ઞાન વાંચ્યું હોત તો એકાંતપક્ષપાતવાળું બોલત નહીં.દુનિયાના લોકો કૃષ્ણને અને વેદાંત તત્વજ્ઞાનને વખાણે છે, તેમજ જિનેશ્વરમહાવીર અને જૈન તત્ત્વજ્ઞાનને વખાણે છે તથા બુદ્ધ અને બૌદ્ધ શાસ્ત્રોને જેટલા પ્રમાણમાં વખાણે છે તેટલા પ્રમાણમાં મધ્યસ્થમનુષ્યો, બાઇબલને વખાણતા નથી. આર્યધર્મ જૈનશાસ્ત્રોમાં જેટલું તત્ત્વજ્ઞાન છે તેટલું બાઇબલમાં તત્ત્વજ્ઞાન નથી. યુરોપીયન લોકો હવે જૈનશાસ્ત્રો, વેદાંતશાસ્ત્રો, અને બૌદ્ધશાસ્ત્રો ભણીને કહેવા લાગ્યા છે કે બાઈબલમાં એવું તત્વજ્ઞાન નથી. બાઇબલમાં એક પ્રભુ છે, તેણે છ દિવસમાં જગત રચ્યું. રવિવારે થાક ખાધો. પ્રભુએ પોતાની ભક્તિ કરવા માટે મનુષ્યો બનાવ્યાં છતાં પ્રભુના જેવો બળવાન સેતાન છે તે પ્રભુનાં બનાવેલાં મનુષ્યોને ભરમાવી દે છે. મનુષ્યો, પ્રભુની પ્રાર્થના કરે છે. ખ્રિસ્તીયો દર રવિવારે પ્રભુની પ્રાર્થના દિલથી કરે છે તો પણ પ્રભુ, ખ્રિસ્તીયોના હૃદયમાંથી હજી સુધી શયતાન દૂર કરવા માટે શક્તિમાન્ થયો નથી. મનુષ્યોએ પ્રભુની પ્રાર્થના કરવી, સાત હજાર વર્ષ પહેલાં પ્રભુએ જગત્ બનાવ્યું છે. ઈશ્વર, પોતાની ઈચ્છાથી મોક્ષ આપે છે એવા મૂલ સારભૂત બાઇબલ છે. ભૂસ્તરશાસ્ત્રીઓ જણાવે છે કે લાખો વર્ષ પહેલાની દુનિયા છે. તેથી બાઇબલની હકીકત પૃથ્વી સૂર્ય વગેરે છ સાત હજાર વર્ષ વાળી સત્ય જણાતી નથી.
ખ્રિસ્તી–પ્રભુએ મનુષ્યો વગેરેના આત્માઓ બનાવ્યા. તેમજ ગાયો વગેરે પશુઓને અને પંખીઓ વગેરેને મનુષ્યોના ખાવા માટે બનાવ્યાં, તથા પ્રભુએ શયતાનને બનાવ્યો કે જે મનુષ્યોને પ્રભુની ભક્તિમાંથી નાસ્તિક પાપી કરે છે.
જૈન–ખ્રિસ્તી બંધુ! સર્વધર્મનાં પુસ્તકોને એકવાર મધ્યસ્થ દષ્ટિથી વાંચી જવું જોઈએ અને વિવેકદૃષ્ટિથી વિચાર કરીને તેમાનું સત્ય વિચારવું જોઇએ. બાઇબલ પુસ્તક વાંચ્યું એટલે તે બધું સત્ય છે. એમ અનુભવ કર્યા વિના વિશ્વાસ ન કરવો. પ્રભુ મનુષ્યો વગેરેના આત્માઓને બનાવી શકતો નથી. તેમજ જીવોનાં કર્મોને પણ બનાવી શકતો નથી. પ્રભુ, રાગદ્વેષરહિત છે તેને કોઈ જીવોને બનાવવાની ઇચ્છા થતી નથી, તેમજ ગાયો વગેરેને પણ મનુષ્યોના ખાવા માટે બનાવી નથી તેમજ પ્રભુ, દયાળુ જ્ઞાની છે તે જીવોને દુઃખ આપનાર એવા શયતાનને બનાવે જ નહીં. આપણે કોઈને દુઃખ થાય એવું કરતા નથી તો પછી પરમેશ્વર, મનુષ્યોને દુઃખી કરનાર એવા શયતાનને શા માટે બનાવી શકે?
તમે કહેશો કે મનુષ્યો પ્રભુની આજ્ઞા માનતાં નથી, તેથી તેઓને શયતાન દુઃખ આપે છે તો અમારે તમને પુછવાનું કે– મનુષ્યોએ શો ગુન્હો કર્યો છે કે શયતાન તેના હૃદયમાં પેસે છે? તમે કહેશો કે એવી પ્રભુની મરજી છે, તેથી મનુષ્યોના હૃદયમાં શયતાન પેસે છે તો પછી પ્રભુએ મનુષ્યો વગેરેના હૃદયમાં શયતાનને દાખલ કર્યો તો પછી મનુષ્યો વગેરેને દુઃખ આપનારા પ્રભુ પોતે દોષી ઠર્યા. કારણ કે પ્રભુના હુકમ વિના શયતાનનું જોર નથી કે મનુષ્યોના હૃદયમાં પેસી પાપ કરાવે.
ખ્રિસ્તી–પ્રથમ પ્રભુએ આદમને બનાવ્યો અને તેના પાંસળામાંથી હવાને બનાવી. બેને એડનની વાડીમાં મૂક્યાં પ્રભુએ આદમને કહ્યું કે તું ફળ ખાઈશ નહીં. એવામાં શયતાન આવ્યો તેણે આદમને લલચાવ્યો અને આદમે ફળ ખાધું તેથી મનુષ્ય જાતિ પર પ્રભુનો કોપ ઉતર્યો અને તેઓને શયતાન પીડવા લાગ્યો. પ્રભુની આજ્ઞાને આદમે ન માની તેથી તેની ઓલાદ શયતાનના તાબામાં ગઈ છે અને પાપ કરે છે, તેથી પ્રભુ, તેઓના દુઃખ આપે છે. તેમાં પ્રભુએ તો ન્યાય કર્યો છે અને મનુષ્યો જો પ્રભુની પ્રાર્થના કરે છે અને પ્રભુની કૃપા તેઓ પર થાય છે તો તેઓને તે સુખી કરે છે.
જૈન–ખ્રિસ્તીબંધુ !! જે બાબતજ્ઞાન અને ન્યાયથી સિદ્ધ ન થાય તે કલ્પનારૂપ સિદ્ધ થાય છે.
તેથી બુદ્ધિપૂર્વક વિચાર કરતાં એમ લાગે છે કે જીવોનો, મનુષ્યોનો, તથા જગતનો કર્તા ઈશ્વર નથી. તેમજ પ્રભુના સમોવડીઓ જે શયતાન છે તે કંઈ પ્રભુના તાબામાં નથી. જો પ્રભુના તાબામાં શયતાન હોત તો તે શયતાનને શિક્ષા કરત ૫ણ તે તેના તાબામાં નથી, તમે એમ કહેશો કે ક્યામતના દિવસે તે શયતાનને શિક્ષા કરશે તો કહેવાનું કે તે યોગ્ય નથી. વર્તમાનમાં જીવોની પાસે પાપ કરાવનાર શયતાનને તે કેમ વારતા નથી અને જો તે વારતા નથી તો પાપી જીવોને નરકમાં પ્રભુ નાખે તેમાં જીવોનો વાંક નથી. શયતાનનો વાંક છે તેથી પ્રભુ અન્યાયી ઠરે છે માટે જગત્નો કર્તા પ્રભુ ઠરતો નથી.
ખ્રિસ્તી–બાઇબલમાં ઇશુ ક્રાઇસ્ટે જે ઉપદેશ આપ્યો છે તે શું અસત્ય છે? અને ઇશુક્રાઈસ્ટ પોતે શું પ્રભુ ભક્ત નહોતા? તે વિષે તમારો શો મત છે?
જૈન–પ્રિય ખ્રિસ્તીબંધું! સર્વ ધર્મ નાં પુસ્તકોમાંથી અપેક્ષા એ જે જે સત્ય હોય તે તારવી કાઢવું જોઇએ. ઈશુ ક્રાઈસ્ટે જે જે ઉપદેશો આપ્યા છે તેમાં જે સારું સત્ય છે તેને અમો માની એ છીએ. તેણે જે દયા, સત્ય, અસ્તેય, પરોપકાર સંતોષ, ક્ષમા, સરલતા, પવિત્રતા, માટે ઉપદેશ આપ્યો છે તે સત્ય છે અને તેવો ઉપદેશ તો એશિયાના, હિંદના અનેક ભક્તોએ તેમની પૂર્વે ૫ણ આપ્યો છે. તેમણે ઈશ્વરે જગત્ બનાવ્યું, અને જીવોને ઈશ્વરે બનાવ્યા તથા ગાય વગેરે પશુઓમાં તથા પંખીઓમાં આત્મા નથી, ઇત્યાદિક જે કહ્યુ છે તે અસત્ય છે. બાઇબલમાં પ્રભુ યહોવાહને રાગી, દ્વેષી, કોપ કરનાર તરીકે જણાવ્યો છે, તેથી ઈશ્વરના યથાર્થ સ્વરૂપને ઇશુએ જાણીયું હોય એમ અમે માનતા નથી. રશિયાના મહાત્મા ટોલ્સ્ટોયે ઈશ્વરની માન્યતા કબુલ રાખી છે, પણ તે દયાળુ હોવાથી કોઇને નરકમાં નાંખતો નથી અને નરક નથી એમ તેણે જણાવ્યું છે. મહાત્મા ઇશુએ ઈશ્વરને પ્રેમ કરનારો તથા કોપ કરનારો જણાવ્યો છે તે બાબત સત્ય નથી, તેનું કારણ અમે પૂર્વે આપ્યું છે. મનુષ્યોના ખાવા માટે પ્રભુએ પશુ પંખી જલચરો બનાવ્યા છે એમ જે કહ્યું છે તે પણ અસત્ય છે. કારણ કે દયાળુ ન્યાયી ઈશ્વર કદાપિ મનુષ્યોના માટે પશુઓ વગેરે બનાવે નહીં. કારણ કે શું પશુ વગેરે જીવો છે તેઓને મરણ વ્હાલું લાગતું નથી? ઉલટું તેઓ મૃત્યુના ભયથી નાસી જાય છે અને બહુ દુઃખી થઈ ચીસો બુમો પાડે છે. તેઓ જીવવાની ઈચ્છા ધરાવે છે, મનુષ્યની પેઠે સુખ દુઃખ જાણે છે અને જીવવા ઈચ્છે છે, તેથી મનુષ્યોના ખાવા માટે પશુઓ વગેરે બનાવ્યા એવું જો ઇશુનું મંતવ્ય હોય તો તે અસત્ય છે અને બાઇબલમાં લખેલું એવું અસત્ય છે. પ્રભુ યહોવાહે, નગરો મનુષ્યો ઉપર કોપ કર્યો ઇત્યાદિ પ્રભુમાં કોપ વગેરે દોષો જે દર્શાવ્યા છે તે તે પણ અસત્યછે. જીવો સદા નિત્ય છે, અનાદિ કાળના છે, તેને પ્રભુએ બનાવ્યા ઈત્યાદિ કથન અસત્ય છે. બાકી જે સત્ય છે. તેને તો અમો બાઇબલમાં હોય કે ગમે તેમાં હોય તેને માનીએ છીએ, તથા ઇશુક્રાઈસ્ટમાં જે જે દયા વગેરે નીતિના મોક્ષમાર્ગાનુસારી ગુણો કેટલાક હતા તેને અમો માનીએ છીએ. સર્વ મનુષ્યો, ઈશુક્રાઈસ્ટના જેવા ભક્તિનીતિના ગુણોથી ઈસુઓ છે અને આત્માની શુદ્ધિથી સર્વ મનુષ્યો પ્રભુ ઈશ્વર બની શકે છે, તેથી અમો ખાસ એકલા ઈસુનેજ ભક્ત માનતા નથી પણ એવા ગુણોવાળા સર્વ મનુષ્યો પૈકી હાલ પણ અનેક પ્રથમ ગુણસ્થાનકવાળા ભક્તો છે અને તે તે મોક્ષમાર્ગાનુસારી થઇ પ્રભુપદ પ્રાપ્તિ માટે આત્મોન્નતિંક્રમપર કાલાંતરે આરૂઢ થાય છે એમ માનીએ છીએ. એથી આગળના ગુણસ્થાનકવાળા જેઓ બાર વ્રતધારી શ્રાવકો છે અને પંચમહાવ્રતી ત્યાગી ઋષિ મુનીયો છે તે ઈશુ કરતાં મહોચ્ચદશાવાળા છે, કારણ કે તેઓ દારૂમાંસાદિકનો પણ ત્યાગ કરીને પરમાત્મપદની આરાધના કરે છે. ઇશુક્રાઈસ્ટમાં જે સદ્ગુણો ખીલ્યા હતા તેની અનુમોદના છે. ઇશુક્રાઈસ્ટે જે યજ્ઞવેદીઓ પર પશુઓનાં બલિદાન અપાતાં હતાં તેના વિરૂદ્ધ ઉપદેશ આપ્યો. હિંદુઓ, બૌદ્ધો, મુસલમાનો વગેરેમાં ઈસુક્રાઈસ્ટ જેવા હજારો વિદ્વાનો પ્રગટ્યા છે અને પ્રગટશે, ઇસુ અંજીરના વૃક્ષ પર કોપ કરી શાપ આપ્યો હતો. તેથી તેમનામાં ક્રોધ હતો એમ સિદ્ધ થાય છે. ઇશુક્રાઈસ્ટ અને બાઇબલમાં જે જે અંશે સત્ય છે તેને અમો સાપેક્ષાએ જૈનધર્મ નું અંગ માનીએ છીએ. બાઇબલમાં લખેલ પ્રભુ યહોવાના કરતાં ઇશુ ક્રાઈસ્ટને મનુષ્યો પર વિશેષ દયા હતી. કારણ કે યહોવાહે કેટલાક મનુષ્યો પર ક્રોધ કર્યો છે. યહોવાહ પોતાને નહીં ભજનાર મનુષ્યોને શિક્ષાની ધમકી આપે છે પણ ઇશુક્રાઈસ્ટે યહોવાહની પેઠે મનુષ્યોને ધમકી આપી નથી. ઇશુને પ્રભુ પર ઘણો પ્રેમ હતો અને તે પ્રભુના માર્ગના અનુયાયી ભક્ત બન્યા હતા એમ લૌકિકભક્તદૃષ્ટિએ માનું છું પણ તેમણે પ્રભુનું પૂર્ણ સ્વરૂપ અનુભવ્યું હતું એમ અમે માની શકતા નથી, શુદ્ધ પરમાત્મા સ્વરૂપનું તેમને જ્ઞાન નહોતું. તેમના નીતિના ગુણો ખીલ્યા હતા અને તેમના વિચારોમાં મક્કમ રહી તે શૂળી પર જીવવાની છચ્છાએ અશક્તિએ ચઢ્યા તે ગુણ ખરેખર મનુષ્યોને સત્યાગ્રહના માર્ગ પર લાવવા માટે ગ્રાહ્ય છે. તેના કરતાં ઉચ્ચ પ્રકારે જૈન અનેક મુનીયોએ ધર્માર્થે પોતાના પ્રાણોનો સમભાવે ત્યાગ કર્યો છે, અનેક હિંદુ ઋષિયોએ તથા બૌદ્ધમુનિઓએ પણ પ્રભુના અને ધર્મના વિશ્વાસથી ઈસુની પેઠે પ્રાણોનું બલિદાન આપ્યું છે.
ખ્રિસ્તી–તમારા મત પ્રમાણે ખ્રિસ્તીયોની મુક્તિ થાય કે ન થાય?
જૈન–પ્રભુ મહાવીરદેવ કહે છે કે જે મનુષ્યો સમકિત સમ્યગ્જ્ઞાનપૂર્વ ક સમભાવને પ્રાપ્તકરે છે તેવા સર્વ મનુષ્યોની મુક્તિ થાય છે. કહ્યું છે કે,
सेयंवरोवा आसंवरोवा, बुद्धोवा अहृव अन्नेावा
समभाबभावी अप्पां, लहइ मुख्खं न संदेहो,
ભાવાર્થ —ચાહે શ્વેતાંબર હોય, દિગંબર, બૌદ્ધ હોય, વૈષ્ણવ, વૈદિક, હિંદુ, ખ્રિસ્તી, મુસલમાન ગમે તે ધર્મી હોય પણ જો રાગદ્વેષ થી મુક્ત થઈ સમભાવી અને છે તો તે મુક્તિ પામે છે,એમાં સંદેહ નથી. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ વિના સમભાવની પ્રાપ્તિ થતી નથી. જેઓ પ્રભુનામાં રાગ, દ્વેષ,ક્રોધ માને છે તેઓનામાંથી રાગ દ્વેષ ટળે નહીં અને રાગદ્વેષ ટળ્યા વિના મોક્ષની પ્રાપ્તિ થાય નહીં. રાગદ્વેષવાળા ઇશ્વર જ્યાં સુધી માનવામાં આવે છે. ત્યા સુધી અજ્ઞાન મિથ્યાત્વ છે તેથી મિથ્યાત્વ જ્ઞાનવાળાઓ ગમે તે ધર્મના હોય પણ જયાં સુધી તેઓનામાં મિથ્યાત્વજ્ઞાન, રાગ, દ્વેષ, ક્રોધ, કામ વગેરે દોષો છે ત્યાં સુધી તેઓ મોક્ષ પામી શકતા નથી. રાગદ્વેષનું દ્વૈત ટળ્યા વિના પ્રાર્થના, ભક્તિ તપ જપ થકી મોક્ષની પ્રાપ્તિ થઇ શકતી નથી, રાગદ્વેષ રહિત હોય છે. તે જ સર્વજ્ઞ દેવ હોય છે અને તેના ઉપદેશ પ્રમાણે વર્તવાથી મુક્તિ થાય છે. સર્વ જીવો અને સર્વધર્મો પર તથા ધર્મીઓપર સમભાવ થવાથી મોક્ષ થાય છે અને એવા સમભાવ પર મનુષ્યો આવે તે માટે જૈનધર્મ નો સર્વજ્ઞે ઉપદેશ આપ્યો છે. અન્ય લિંગમાં અન્ય દર્શનીઓમાં સમ્યગદર્શન જ્ઞાન પૂર્વક જો સમભાવ આવે છે તો તેઓની મુક્તિ થાય છે, એ પ્રમાણે જે જે ખ્રિસ્તીયોમા સમ્યગ્દર્શનજ્ઞાન પૂર્વક સમભાવ આવશે અને રાગદ્વેષાદિક દેષો રહિત થશે તેઓની મુક્તિ થશે. સમભાવી જે ખ્રિસ્તીયો થશે તે જૈનધર્મ ને સત્ય માનશે પાળશે તેથી તેઓની મુક્તિ થશે.
ખ્રિસ્તી–અમો જે મુક્તિ માનીએ છીએ તેમાં દિવ્ય શરીર હોય છે અને ત્યાં દિવ્ય પ્રેમ તથા દિવ્ય ખાવું પીવું હોય છે અને ત્યાં ફરી હરી શકાય છે.
જૈન–ઓ ખ્રિસ્તીબંધુ ! તમારી માનેલી મુક્તિ અમારા દેવલોક–સ્વર્ગ લોક જેવી હોય છે. જૈનશાસ્ત્રોમાં ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવો અને દેવીઓ હોય છે. તેઓ દિવ્ય અમૃત આહારને ગ્રહે છે. શાતા- વેદનીય જન્ય આનંદમાં રહે છે. જયા ત્યાં દિવ્યવૈક્રિયદેહથી દેવો અને દેવીઓ ફર્યા કરે છે, અને શાતાજન્યસુખની મોજમાં મસ્ત રહે છે. ત્યાં દૈવિકપ્રેમથી વર્તે છે, પાછાં ત્યાંથી બાધેલું પુણ્ય ભોગવ્યા બાદ ચ્યવીને મનુષ્ય વગેરેમાં જન્મે છે, ઈશુક્રાઈસ્ટે જે અમારી દેવલોક સ્વર્ગની માન્યતાને મોક્ષ તરીકે માનીને તેનો ઉપદેશ આપ્યો હોય એમ લાગે છે. અમારા દેવલોક અને તમારી મુક્તિ તે એક જ છે અને જૈનશાસ્ત્રોમાં કહેલી મુક્તિ તે તો સત્ય મુક્તિ છે. એવી મુક્તિમાં અનંત સુખ છે અને અનંત જ્ઞાન છે અને એવા મુક્ત થયેલા શુદ્ધાત્માઓ યાને પરમાત્માઓ સંસારમાં પુનઃ જન્મતા નથી.
ખ્રિસ્તી–પ્રભુ સર્વ જીવોને બનાવે છે અને જીવોને પોતે જ સારી માઠી બુદ્ધિ આપે છે. તેની કૃપા થાય તો ગમે તેવા ઘોર પાપીને મોક્ષ આપે છે અને તેની કૃપા ન થાય તો તે ગમે તેવા સદ્ગુણીને પણ મોક્ષ આપતો નથી. તેની મરજીમાં આવે છે તેમ તે કરે છે.
જૈન–ખ્રિસ્તીબંધુ !! હજી તમો અન્ધ વિશ્વાસ અને અન્ધ રાગથી પ્રવર્તો છો અને સત્યજ્ઞાનની યુક્તિથી સત્ય દેખતા નથી. પ્રભુ સર્વ જીવોને બનાવતો નથી. કારણ કે સર્વે આત્માઓ નિત્ય છે.
નિત્યાત્માઓ કોઈના બનાવ્યા બનતા નથી, પ્રભુ જો જીવોને અર્થાત્ આત્માઓને સારી માઠી બુદ્ધિ આપે તો તે પ્રભુ ખરેખર રાગીદ્વેષી પક્ષપાતી અજ્ઞાની ઠરે અને એવો પ્રભુ જ હોઇ શકે નહીં.
તે પાપીને મોક્ષ આપે અને સદ્ગુણીને પોતાની મરજી ન હોય તો નરક આપે એવો પ્રભુ કહેવાય છે અને એવા પ્રભુને આદર્શ પ્રભુ માનવાથી દુનિયાના લોકો રાજામાં પણ તેવો ભાવ કલ્પે છે, તેથી રાજાઓ પણ તે પ્રભુ જેવા બની અન્યાય, પક્ષપાત, અજ્ઞાન મોહમાં ફસાઈ જાય છે, તેથી રશિયાના લોકોએ ઝારને પકડી મારી નાખ્યો. પ્રભુની પ્રેરણાથી જીવો સારી માઠી બુદ્ધિ પ્રમાણે વર્તે તેમાં ચોરોનો, જૂલ્મીઓનો, શત્રુઓનો દોષ ગણાય નહીં. કારણ કે તેવી બુદ્ધિનો આપનાર તો ઈશ્વર ઠર્યો, તેમાં જીવોનો વાંક ગણાય નહીં, કારણ કે તેઓ તો બાજીગરની પૂતળીઓ જેવા કર્યા. પોતાની મરજી પ્રમાણે બાજીગર, પૂતળીઓને નચાવે તેમાં પૂતળીઓનો વાંક દોષ ગણાય નહીં, તથા ઈશ્વરની ઈચ્છામાં આવે તેનો તે મોક્ષ કરે તો તેમાં ઈશ્વર, અન્યાયી પક્ષપાતી ઠર્યો અને જીવોને દુર્ગુણ દુરાચાર ત્યાગવાનો નિયમ પણ ન રહ્યા. પાપીઓને પણ પાપકર્મમાંથી હઠવાનો નિયમ ન રહ્યો અને તેથી તે સત્ય ન્યાયનો કર્તા પણ ન રહ્યો. મને તો એમ લાગે છે કે– કોઇ સ્વેચ્છા પ્રમાણે વર્તનાર રાજા, જેમ પ્રજા મનુષ્યો પૈકી કોઇને પક્ષપાત કરીને પાપીને ઈનામ આપે છે અને કોઇ સદ્ગુણી હોય પણ તેના પર રાજાની કૃપા ન હોય તો તેને તે શિક્ષા પણ કરી શકે છે, એવા રાજાના જેવો પ્રભુને કલ્પી દીધો. અને શાસ્ત્રોએ પણ એવી રીતે પ્રભુનું વર્ણન કર્યું તેથી રાજાઓને પણ પ્રભુની મરજીની પેઠે પોતાની મરજી પ્રમાણે અન્યાય જુલ્મ ને ન્યાયી ઈચ્છાથી વર્તવાનું ઠર્યું. મનુષ્ય પોતાના જેવા પ્રભુને કલ્પે છે.
માંસાહારીઓ જાણે છે કે પ્રભુ આપણી પેઠે માંસ ખાય છે, માટે પ્રભુને યજ્ઞ કરીને પશુઓ ચઢાવો. દારૂભક્તો જાણે છે પ્રભુ આપણી પેઠે દારૂ પીએ છે. જેવો મનુષ્ય તેવો તેણે પ્રભુ માની લીધો, એ પ્રમાણે તમો પણ એક સ્વેચ્છાચારી રાજાના જેવો ઈશ્વરને પણ ઇચ્છા પ્રમાણે વર્તનાર ઠરાવી દેઈને તેને પ્રભુના શાસ્ત્રના નામે શાસ્ત્રમાં ચડાવી દીધો અને અન્ધ શ્રદ્ધા કદાગ્રહથી વિવેક બુદ્ધિ ગ્રહી નહીં. પણ મારા આત્મસમાનબંધુઓ! તમો સત્યજ્ઞાનથી વિચાર કરશો તો જણાશે કે, તમારું એવું માનવું અસત્ય છે. હું જગત્ કર્તા ઈશ્વર છે એમ, માનતો નથી તો બુદ્ધિની પ્રેરણા મારામાં પ્રભુએ કરી. પરસ્પર ધર્મ ભેદે એક બીજાના ધર્મ નું ખંડન કરવાની બુદ્ધિ પણ ઈશ્વરે આપી અને હજારો ધર્મો પણ પ્રભુએ બનાવ્યા. આસ્તિક અને નાસ્તિક બુદ્ધિ પણ પ્રભુએ આપી તો તેથી જીવોમાં મનુષ્યોમાં સારો ખોટો કોઈ રહ્યો નહીં તે તો પ્રભુએ કર્યા તેથી ઉલ્ટું, આ તો અજ્ઞાન અંધકાર ઠર્યું માટે પ્રભુમાં એવા જગત્કર્તાપણાનો જૂઠો આરોપ કરો નહીં અને જીવોને પ્રભુએ બનાવ્યા છે એમ સત્ય ન માનો તથા પ્રભુ છે તે શુભાશુભ બુદ્ધિનો અપનાર છે એમ ન માનો. પ્રભુ પરમેશ્વર છે જગત્ કર્તા. નથી, તે જીવોને બનાવતો નથી અને જીવોને શુભાશુભ બુદ્ધિ આપતો નથી અને જીવોના શુભાશુભકર્મ નો ન્યાયકર્તા તથા તેવું ફલ આપનાર પણ પ્રભુ નથી. એમ સત્ય સમજી વીતરાગ દેવના ગુણો ગ્રહો.
ખ્રિસ્તી–જૈનબંધુ! પ્રભુ દુનિયાના સર્વ જીવોના શુભાશુભ કર્મનો ફલદાતા છે. કર્મો જડ છે. પુણ્યપાપ બેકર્મ છે તે જડ છે, તે બે તો જડ હોવાથી આત્માને સુખદુઃખ આપી શકે નહીં માટે જીવોને પુણ્ય પાપનું સુખ દુઃખરૂપ ફલ આપનાર ઈશ્વર છે. જીવો, પુણ્યપાપ કરવામાં સ્વતંત્ર છે પણ તેનો ન્યાય તો પ્રભુ કરે છે કર્મના અનુસારેજ તે જીવોને શુભ અશુભ અક્કલ આપે છે, એમ તો તમારે ન્યાયસર માનવું પડશે.
જૈન–ઓ ખ્રિસ્તીબંધુ!! પ્રભુ છે તે જીવોના શુભાશુભકર્મ પ્રમાણે તેઓને સ્વર્ગ નરક વગેરેને આપે છે એમ તમારું કથવું પણ અસત્ય ઠરે છે, કર્મના અનુસારે પ્રભુ જીવોને જો શુભ અશુભ ફલ આપે છે તો તેમાં પ્રભુ એક નોકર જેવો પરતંત્ર ઠરે છે. જીવો એ જેવું કર્મ કર્યું હોય તે કાયદાને અનુસરીને તે પ્રમાણે ફલ આપવું તેમાં કર્મથી બલવાન ઈશ્વર ઠર્યો નહીં. કર્મની પાછળ પાછળ ઈશ્વરને ચાલીને તે પ્રમાણે ઈશ્વરને ફલ આપવાનું ઠર્યું ,જીવો મનુષ્યો પાપકર્મો કરીને મે તેટલી પ્રભુને પ્રાર્થના કરે તો પણ પ્રભુને તો જીવોને–મનુષ્યોને એમ કહેવાનું રહ્યું કે તમો પ્રાર્થના કરો, રડ્યા કરો, રૂવો પણ મારા હાથમાં તો કંઈ નથી, હું તો તમોએ જે જે વખતે પુણ્ય અને પાપ કર્મો કર્યા છે તે અનુસારે ફલ જરૂર આપવાનો. ન્યાયાધીશના હુકમ પ્રમાણે પાપીને કેદમાં ખેંચીને જનાર સિપાઈના જેવી પ્રભુની શક્તિ ઠરી અને તેમાં કર્મ છે તે પ્રભુના કરતા બલવાન ઠર્યું . તેથી કર્મની આગળ પ્રભુનું જોર ચાલ્યું નહીં એવું ઠર્યું, તેથી પ્રભુના અનુસારે કર્મ ચાલે છે; પ્રભુના તાબામાં કર્મ છે, એમ સિદ્ધ ન ઠર્યું એટલે ઈશ્વરની સેવા ભક્તિ કરવાનું તમારા મત પ્રમાણે અસત્ય ઠર્યું, કારણકે તમારા માનેલા પ્રભુમાં તમોને લાગેલાં પાપ માફ કરવાની શક્તિ ન રહી, તેથી તે ન્યાયે તો તમારે પ્રભુની સેવા ભક્તિ પ્રાર્થના કરવી એમાં પછી સત્યત્વ ન રહ્યું, તમો એમ કહેશો કે જીવોનાં કરેલા ગમે તેવા પાપ કર્મો પણ પ્રભુ ધોઇ નાખે છે, તો પછી જીવોએ કરેલ પાપકર્મોનું ફલ ખરેખર જીવોને ઈશ્વરે ન આપ્યું તેથી તે અન્યાયી ઠર્યો અને મહાપાપકર્મોને પણ ઈશ્વર માફ કરતો હોવાથી મહાપાપો કરીને પણ ઈશ્વરની પ્રાર્થના કરી એટલે બસ થઈ ગયું, પછી પ્રભુની પ્રાર્થના કરવી અને પાપકર્મો કરવામાં બાકી ન રાખવું, આવી માન્યતાથી પાપકર્મોનો ત્યાગ કરવાનું ન રહ્યું. તેમજ તેવો ઈશ્વર જેમ તેના ભક્તોનાં પાપો ધોઈ નાખે છે તેમ જો તેનો જો કોઇ ઉપર કોપ ઉતરે તો ધર્મીજીવોનાં પુણ્યોને ૫ણ ધોઈ નાખે, તેથી જીવોને પાપકર્મ નો ત્યાગ કરીને પુણ્ય કારકશુભ કર્મ કરવાનો વિશ્વાસ પણ ન રહે એવુ બનવા યોગ્ય છે, તેથી શુભાશુભકર્મ ફલદાતા અને પ્રાર્થનાથી ભક્તોના પાપ ધોઇ નાખનાર અને સત્કર્મ કરનારા એવા અમો કે જે તમારા ઇશ્વરને ઈશ્વર તરીકે નહીં માનનારાઓને દુઃખી કરનાર એવા ઈશ્વરને ઈશ્વર તરીકે માની શકાય નહીં. જેઓ પ્રભુના વિશ્વાસી થાય છે એવા ભક્તો પર પ્રભુ કુપા કરે છે અને તેઓને મુક્તિ આપે છે અને જે પ્રભુને માનતા નથી તેઓ પર પ્રભુ કોપ કરે છે, એવો પ્રભુ તો રાગી અને દ્વેષી ઠરે છે, કારણ કે પોતાને માનનાર પર રાગ કરે છે અને પોતાને નહીં માનના એવા જીવો નીતિવાળા પ્રમાણિક હોય છે તો પણ તેઓ પર કોપ કરે છે તેથી તે અન્યાયી રાગી દ્વેષી ઠરવાથી તે પ્રભુ ઠરતો નથી.
હવે તમે કહો છો કે–પ્રભુ, જીવોને તેઓના શુભાશુભકર્મ નું ફલ આપે છે. કર્મ જડ છે તેથી તે જાતે સુખ દુઃખ આપી શકતાં નથી, આ બાબતમાં અમારે કહેવુ જોઈએ કે અમો કર્મને જડ માનીએ છીએ પણ તે સુખ દુઃખ આપવામાં જાતે શક્તિમાન્ થાય છે, પગને અગ્નિમાં મૂકીએ અને હલાહલ વિષને પીવામાં આવે તો જેમ પ્રાણનાશમાં અને દુઃખમાં અગ્નિ અને વિષ શક્તિમાન્ સ્વયં જડ છતાં જણાય છે, તેમ પુણ્ય અને પાપ કર્મ પણ જડ હોવા છતાં જીવોને સુખ દુઃખ આપવામાં નિમિત્તકારણ થાય છે.
તમે એમ કહેશો કે જડ પુણ્ય છે તે જીવને સ્વર્ગમાં કેવી રીતે લઈ જાય છે? અને પાપ જડ છે તે જીવને નરકમાં કેવી રીતે લઇ શકે?
તેના ઉત્તરમાં કહેવાનું કે આગગાડીનું એન્જીન જડ છે પણ તે જેમ આગગાડીને ખેંચી લઇ બીજા સ્ટેશને લઇ જાય છે અને હવાઈ વિમાન જડ હોવા છતાં તેમાં બેસનારને ઈષ્ટસ્થાને લઈ જાય છે તેમ શુભ અશુભ કર્મ પણ જીવને સ્વર્ગ નરક વગેરે ગતિમાં લઇ જાય છે.
તમો કહેશો કે ગાડીમાં બેસનાર જેમ ગાડીને ચલાવે છે તેમ કર્મ ને તથા જીવને ઈશ્વર ચલાવે છે તો તેના ઉત્તરમાં જણાવવાનું કે–
ગાડીમાં બેસનાર મનુષ્યનાં પેઠે કર્મ સંગી આત્મા છે અને તે સૂક્ષ્મશરીર રૂપ આગગાડીમાં બેસનાર છે, તે કર્મરૂપ ગાડીને ગતિ આપે છે પશ્ચાત્ તો તે ગાડીસ્વયમેવ ચાલે છે, તેમાં જેમ આકાશી ઈશ્વરને આગગાડી ચલાવનાર તરીકે માનવાની જરૂર પડતી નથી તેમ આત્મા, પુણ્ય અને પાપકર્મ કરે છે, તેના અનુસારે શુભ અશુભ સ્વર્ગ નરકાદિગતિમાં જાય છે. તેમાં ઈશ્વરને લઇ જનાર તરીકે માનવાની જરૂર રહેતી નથી. કર્મ જ પોતાને કરનાર એવા આત્માને અન્યગતિમાં લઇ જાય છે એવી તેનામાં શક્તિ છે. તેથી એવી કર્મની ગતિમાં ઈશ્વરની પ્રેરણા શક્તિ, લઈ જવાની શક્તિ વગેરેને માનવાની જરૂર પડતી નથી. શુભાશુભકર્મ અને રાગદ્વેષના વિચારો છે તે જ શયતાન છે અને તે શક્તિમાન્ છે તેથી કર્મ એ જ તમારા પ્રભુ જેવું હોવાથી કર્મથી ભિન્ન ઇશ્વરમાં, જીવોને અન્યશુભાશુભ ગતિમાં લઇ જવાની કલ્પના કરવી તે અસત્ય ભ્રાંતિ છે. જીવોને શુભાશુભ ગતિમાં લઇ જવાની પ્રવૃત્તિમાં અને તેઓને સુખદુઃખ આપવાની પ્રવૃત્તિમાં રાગદ્વેષ-મોહરહિત ઈશ્વર પડતો નથી. અનાદિકાળથી જીવો સાથે કર્મ લાગેલાં છે, અને શુભાશુભકર્મયોગે જીવો સુખદુઃખ વેઠ્યા કરે છે. આપણે પાડેલી મીઠી કેરી ખાતા હોઈએ છીએ તેનો સ્વાદ આપણે વેદીએ છીએ, વચ્ચે કલ્પના કરવી કે પાકેલી કેરીમાં મીઠો સ્વાદ આપવાની શક્તિ નથી. ખાનાર અને કેરી, એ બેની વચ્ચમાં પ્રભુએ આવીને મીઠો સ્વાદ ચખાડ્યો, પાકેલી કેરીમાં મીઠો સ્વાદ આપવાની શક્તિ નથી એમ કહેવું તે જેવુ અસત્ય છે, તેવું આત્મા, શુભાશુભકર્મના અનુસારે સુખ દુઃખ વેદે છે, કર્મોમાં શુભાશુભ ફલ આપવાની શક્તિ છે છતાં, તેમાં વચ્ચે પ્રભુ આવીને સુખદુઃખ આપે છે એવું માનવું તે બિલકુલ અજ્ઞાન ભ્રાંતિ છે એમ સમજો.
ખ્રિસ્તી–ઈશુ શુળી પર ચઢ્યા અને મરણ પામ્યા. તેમાં તો પ્રભુએ ઈશુની પરિક્ષા કરીકે તે મારા માટે શૂળીએ ચઢે છે, કે કેમ, તેમજ પ્રભુએ ઈશુને મરણ પામ્યા બાદ પાછો જીવતો કર્યો
જૈન–ખ્રિસ્તીબંધુ !!! અમો તમારી એ વાતને અનુભવ બુદ્ધિથી વિચાર કરીને અસત્ય માનીએ છીએ. જે વાતને બુદ્ધિ અને હૃદય ન માની શકે તે ગ્રહી શકાય નહીં. પ્રભુ જો સર્વજ્ઞ ત્રિકાલદર્શી હોત તો ઈશુની ભક્તિ પહેલાથી જાણી લેત અને યાહુદીઓ પર કોપ કરવાનું કારણ થાત નહીં. સર્વજ્ઞ હોય તે પોતાના પુત્રનું શ્રદ્ધાસ્વરૂપ જાણી શકત. સર્વજ્ઞ પહેલાથી જાણે છે તેથી તે પરિક્ષા કરતો નથી પણ અલ્પજ્ઞ પરિક્ષાની ઈચ્છા રાખે છે. તેથી તે પરીક્ષાની વાત સત્ય લાગતી નથી પણ પાછળથી એ સંબંધી એ તો કલ્પના કરીને કહેવાનું છે કે ઈશુ શૂળી પર ચઢી મૃત્યુ પામ્યા બાદ જીવતો થયો. એ વાતને તમે ચમત્કાર માનો છો પણ અમો જૈનશાસ્ત્રો આદિ હિંદુ શાસ્ત્રોના આધારે જણાવીએ છીએ કે, મૃત્યુ પામેલા મનુષ્ય જો ચાર પ્રકારના દેવોની ગતિમાં જાય છે તો તે ત્યાંથી મરણ પામેલા શરીરમાં પાછો વૈક્રિયલબ્ધિના બળે પેસે છે અને પહેલાંની પેઠે હાલે છે ચાલે છે બોલે છે, તથા વ્યંતરદેવ તરીકે થયેલ તે પાછો પોતાના ભક્તોને તેમના રાગથી દર્શન આપે છે. તેમાં કશો ચમત્કાર નથી, એવા જૈનશાસ્ત્રોમાં મર્યા પછી દર્શન આપવાના ઘણા દાખલા છે. એક મુની મરણ પામ્યા પછી દેવલોકમાં ગયા અને ત્યાંથી પાછા પોતાના મૂળ શરીરમાં પ્રવેશ્યા અને પોતાના શિષ્યોને યોગ કરાવ્યા, પાછા સર્વ હકીકત કહીને કેટલાક માસ પછી દેવ લોકમાં ગયા, ઇત્યાદિ અનેક દૃષ્ટાંતો છે તેથી અમો જૈન, હિંદુઓ અને બૌદ્ધો પુનઃ જન્મ માનીએ છીએ. આત્મા મરતો નથી પણ તે કર્મનાયોગે શુભાશુભ શરીરો ગ્રહે છે અને છંડે છે તેથી પુનર્જન્મ માનનારા! અમોને ઇશુના અન્ય શરીર વડે ઉત્પાનમાં ક્શું આશ્ચર્ય થતું નથી. યુરોપ, અમેરિકા વગેરે દેશોમાં ભૂતાવાહન વિદ્યાના બળથી હવે પુનર્જન્મની તથા આત્માની માન્યતાને અનેક યુરોપીયનો માનવા લાગ્યા છે, મરણ પામેલાં ઘણાં માણસો ભૂત દેવ થઇને પાછાં દર્શન આપે છે. થીઓસોફીસ્ટ યુરોપીયનો હવે પુનર્જન્મ વગેરે માન્યતાઓને માનવા લાગ્યા છે, માટે તમારી બાબતમાં અમને સત્ય લાગતું નથી માટે પક્ષપાત ત્યાગી સત્યને ગ્રહો.
ખ્રિસ્તી–અમારો પ્રભુ તો ખ્રિસ્તીયોનાં પાપોની માફી આપે છે, તમારા જૈનોને અમારા જેવો પાપોનો ધોઈ નાખનાર પ્રભુ નહીં હોવાથી જેનો અંતકાલે દુઃખી થાય છે. ગભરાય છે.
જૈન–ઓ ખ્રિસ્તીબંધુ!! તમારું એવું કથન ફક્ત અન્ધ વિશ્વાસનું છે. ખ્રિસ્તીયોના પાપોની પ્રભુ માફી આપે અને અન્ય ધર્મીઓના પાપોની પ્રભુ માફી ન આપે એવો સાંકડી દૃષ્ટિવાળો તથા અજ્ઞાની પક્ષપાતી પ્રભુ નથી. તેમજ સ્વાત્મા તે જ પ્રભુ છે. આત્મા પોતે પાપ કર્મોના પશ્ચાતાપથી સ્વકૃત પાપોનો નાશ કરે છે, આત્મા, રાગદ્વેષના વિચારોથી કર્મોને ગ્રહણ કરીને બાંધે છે અને આત્મા જ્યારે રાગદ્વેષના વિચારોને ત્યાગી પશ્ચાતાપી, સમભાવી બને છે ત્યારે ઉત્કૃષ્ટદશાએ કાચી બે ઘડીમાં અનતભવનાં સાધેલ કર્મોનો નાશ કરી સર્વજ્ઞ થૈ મુક્તિ પદ પામે છે; તેથી અમારા જૈન - બંધુઓને અન્ય કોઈ ઈશ્વર પાપોની માફી આપે તેની આકાંક્ષાની જરૂર રહેતી નથી અને જૈનો અંતકાલે આત્માના સદ્વિચારોને પ્રગટાવીને સર્વ પાપોથી મુકત થવા સમર્થ બને છે. તેઓને અન્ય કોઈ રાગી દ્વેષી પ્રભુની કૃપા માટે આજીજી કાકલુદી કરવાની જરૂર રહેતી નથી.
ખ્રિસ્તી–જૈનો પોતાના આત્મા સિવાય અન્ય કોઈ મદદ કરનારી ઉંચી પ્રભુ જેવી શક્તિ માનતા નથી. તેથી તેઓ તપ વગેરે કરે છે પણ તેઓની સહાય અન્ય પ્રભુ કરતો નથી. તેમનો કોઈ વળાવો(બચાવાવાળો) નથી.
જૈન–ખ્રિસ્તીબંધુ! !! જૈનો પોતાના આત્માના કરતાં પરમાત્માઓને ઉંચા માને છે. બહિરાત્માઓ અને અંતરાત્મા એ કરતાં પરમાત્માઓ ઉચ્ચ છે. અંતરાત્માઓ છે, તેઓ પરમાત્માઓની સ્તુતિ કરીને તથા તેઓના આત્માઓનું શુદ્ધ સ્વરૂપ વિચારીને સ્વયં પરમાત્માઓ–પ્રભુઓ બને છે. ઈયળ જેમ ભ્રમરીના ધ્યાનથી સ્વયં ભમરી બને છે, તેમ અંતરાત્માઓ તે જ પરમાત્માઓ સ્વયં સ્વબળથી અને છે, તેથી તેઓને સ્વાશ્રય બળના પ્રતાપે તરવાનું થાય છે, અને અન્ય તમારા માનેલા પ્રભુની કૃપા પર અને તેની સહાયની આશામાં ને આશામાં બેસી રહેવું પડતું નથી. જૈનોની એવી માન્યતા હોવાથી તેઓને જુઠી રીતે કલ્પેલી કોઈ મદદ કરનારી પ્રભુની શક્તિની આશા પર ઝોકાં ખાવાં પડતાં નથી. પોતાને સહાય કરનાર અને પાપોને ધોઈ નાખનાર અન્ય ઉંચી પ્રભુની શક્તિની કલ્પના કરવા કરતાં આત્મા જ પોતે પોતાના જ્ઞાનથી સર્વ કર્મોને નાશ કરે છે અને મોહકર્મ રૂપ શયતાનને મારી હઠાવે છે, એવી સત્ય માન્યતા માનીને આત્મશ્રદ્ધા અને સ્વાશ્રયી બની સદ્ગુણી બનવાથી મોક્ષ પ્રગટ કરવો તે જ સત્ય સિદ્ધાંત છે.
ખ્રિસ્તી–જૈનો, જગત્કર્તા તરીકે ઈશ્વરને માનતા નથી અને તેથી અન્યો જૈનોને નાસ્તિક કહે છે તેથી તેઓને ચીડ ચઢે છે.
જૈન––ખ્રિસ્તીબંધુ–જૈનો સત્ય એવા જે જગત્કર્તા તરીકે પ્રભુ નથી તેને જ પ્રભુ માને છે તેથી તે ખરા આસ્તિક છે. તેથી તેને કોઈ નાસ્તિક કહે તો તેને ચીડ ન ચડે પણ જેનો તમને મિથ્યાત્વી કહે છે તેની તમને ચીડ ચઢે છે. જેઓ આત્મા, પુનર્જન્મ, કર્મ, પુણ્ય, પાપ, બંધ, સ્વર્ગ, નરક, અને મોક્ષને માનતા નથી તે નાસ્તિક મિથ્યાદૃષ્ટિ છે. જૈનો તો ઉપરની માન્યતા માને છે તેથી ખરા આસ્તિક છે અને જેઓ પરમેશ્વરમાં જગત્કર્તાપણું તથા રાગદ્વેષકોપાદિ દોષો માને છે, અને પુનર્જન્મમાં માનતા નથી તે ખરેખરા નાસ્તિક મિથ્યાદૃષ્ટિયો છે, અમે અન્યોને મિથ્યાદૃષ્ટિ અર્થાત્ નાસ્તિકો કહીએ છીએ અને તેઓ અજ્ઞાનથી અમને નાસ્તિક કહે તેથી તે કંઈ મિથ્યાદૃષ્ટિવાળા હોવાથી કંઇ સમ્યગ્જ્ઞાની બની જતા નથી.
ખ્રિસ્તી–જૈનો, અહિસા પરમોધર્મ એવું માને છે અર્થાત્ અહિંસામાં માને છે પણ મનુષ્યોથી થોડી ઘણી હિંસા કર્યા વિના જીવી શકાતું નથી, માટે જૈનોનો સિદ્ધાંત ખોટો છે. કારણ કે આપણે આપણા જીવનને માટે હિંસા કરવી પડે છે, અને તેના બદલામાં બીજાઓને મદદ કરીએ છીએ. એ તો નીતિનો કાયદો છે.
જૈન––જૈનશાસ્ત્રોના આધારે હિંસા અને અહિંસા તથા દયાનું સ્વરૂપ તમે સમજ્યા નથી. अहिंसा परमो धर्मः । એ વાક્યતો પૌરાણિક હિંદુઓનું છે જૈનો બે પ્રકારના છે.
ગૃહસ્થ જૈનો અને ત્યાગી જૈનો.
તેમાં ગૃહસ્થ જૈનો સવાવીસવાની દયા પાળવાની પ્રતિજ્ઞા લે છે. જૈનો તેમાં એકેન્દ્રિય,બેઈન્દ્રિય,ત્રીઈન્દ્રિય,ચતુરિન્દ્રિય જીવોને નહીં મારવાની પ્રતિજ્ઞાને લઇ શકતા નથી. ગર્ભજ પશુ પંખી જલચર અને મનુષ્યો એ પંચેંદ્રિય જીવો છે, તેઓમાં જે નિરપરાધીઓને નહીં મારવાની પ્રતિજ્ઞાનો કે જે વ્રતધારી છે તે લે છે અને તેવા શ્રાવકોને પંચેંદ્રિય અપરાધી જીવોની વિવેકયતનાથી હિંસા કરવાની યોગ્ય કારણે છૂટી હોય છે. જેઓ સમ્યગ્ દૃષ્ટિ જૈનો હોય છે અને શ્રાવકનાં વ્રતો અંગીકાર કરતા નથી, તેઓ તો સવાવીસવાની દયા પાળતા નથી.
प्रमत्तयोगात प्राणव्यपरोषणं
પ્રમાદથી અન્યોના પ્રાણોનો નાશ કરવો તે હિંસા છે,
એવું હિંસા અને તેથી વિરૂદ્ધ અહિંસાનું સ્વરૂપ હજી તમો જાણતા નથી. તેથી જૈનોની દયાનો નિષેધ કરો છો પણ જૈનો હિંસા અને અહિંસાની દ્રવ્યભાવથી તથા વ્યવહાર નિશ્ચયથી જે વ્યાખ્યાઓ કરે છે તેનું કોઈપણ સ્વરૂપ તમો જાણી શકતા નથી, તેમજ અમારા જૈનો કે જે જૈનશાસ્ત્રોના શ્રોતા–જ્ઞાની નથી, તેઓ પણ જૈનશાસ્ત્રદૃષ્ટિએ દયાનું સ્વરૂપ જાણી શકતા નથી. મનુષ્યો જે જે અંશે હિંસાનો ત્યાગ કરીને અહિંસા તરફ વળે છે તે તે અંશે તેઓ દયાળુ, પ્રભુ ભક્ત બને છે. યુરોપમાં પણ હવે વૃક્ષો પશુઓ પંખીઓ વગેરેની દયા કરવી, તેઓની રક્ષા કરવી ઇત્યાદિ વિચારવાળી દયામંડળીઓ સ્થપાવા માંડી છે. જૈનોને અન્ય મનુષ્યો મારી નાખે અને જૈનોએ પોતાનું રક્ષણ ન કરવું એવી ગાંડી દયાને તો જૈનશાસ્ત્રકારોએ સ્વીકારી નથી. દયા સંબંધી ખરૂં સ્વરૂપ સમજવું હોય તો જૈનશાસ્ત્રોનો ગુરુગમપૂર્વક અભ્યાસ કરો.
ખ્રિસ્તી–જૈનો કર્મ ને માને છે, સર્વજીવો પોતપોતાના કર્મ પ્રમાણે દુઃખ ભોગવે છે, વિધવાઓ પાપકર્મથી રંડાય છે; એવું માનતા હોવાથી તેઓ વિધવાઓ વગેરે કોઈપર ઉપકાર કરતા નથી અને કોઈના ભલામાં ભાગ લેતા નથી.
જૈન–ખ્રિસ્તીબંધુ! તમો જૈનધર્મનું સ્વરૂપ સમજતા નથી. સર્વ જીવો સ્વસ્વકર્માનુસારે કર્મ ભોગવે છે, તેથી જૈનો કાંઈ તેઓનું દુઃખ ટાળવા માગતા નથી એમ તમો કથો છો તે અસત્ય છે. કર્મ પ્રમાણે દુઃખ થાય છે પણ તેના ભલામાં ભાગ લેવાથી ભલું કરનારાઓને પુણ્ય થાય છે અને કૃતકર્મોની નિર્જરા થાય છે, તેથી જૈનો, મનુષ્યો પશુઓ પંખીઓ અને વનસ્પતિના જીવોની પણ દયા કરીને તેઓનું ભલું કરવા પ્રવૃત્તિ કરે છે. દુઃખીઓના ભલામાં ભાગ લેનાર જૈનો જ્યાં ત્યાં દેખાય છે. જૈનશાસ્ત્રો પણ વિશ્વસ્થ સર્વ જીવોના ભલામાં ભાગ લેવાનો ઉપદેશ આપે છે. વિધવાઓ જો કે પાપકર્મથી થાય છે. તેઓના ભલામાં ભાગ લેવા માટે તન મન ધનથી અર્પાઈ જવું એમ જૈનશાસ્ત્રો જણાવે છે. પ્રભુ મહાવીરદેવે સર્વ વિશ્વજીવોનાં દુઃખો ટાળવાનો ઉપદેશ આપ્યો છે. તેઓનો ઉપદેશ, જૈનશાસ્ત્રોમાં ભરપૂર છે. એક ખ્રિસ્તી અમને મળ્યો હતો, એક મનુષ્ય રોગી હતો. તેને મદદ કરવા મેં તેમને કહ્યું ત્યારે તે ખ્રિસ્તીએ કહ્યું કે, પ્રભુએ તેને રોગની શિક્ષા કરી છે અને તે દુઃખ ભોગવે એવી પ્રભુની ઇચ્છા છે. દુનિયામાં જેટલા–દુઃખી મનુષ્યો છે, જીવો છે, તે પ્રભુની ઇચ્છાથી દુઃખી થયા છે, માટે પ્રભુની ઇચ્છા આજ્ઞાથી દુઃખી થનારાઓને મદદ કરવી તે પ્રભુની આજ્ઞા તોડવા જેવું પાપ છે.. પ્રભુની ઇચ્છાને આડે આવવું તે પ્રભુનો ગુન્હો છે, માટે રોગીને પ્રભુની ઈચ્છા પ્રમાણે એવોને એવો રહેવા દ્યો. આવા વિચારવાળા શુષ્કજ્ઞાની ખ્રિસ્તિયો થઈ જવાથી તેઓ સ્વાર્થી બને છે, તેથી તેઓ જો પ્રભુ મહાવીરના શાસ્ત્રોને સમજીને પ્રવર્તે તો તેઓ અન્ય લોકોનું વાસ્તવિક ભલું કરી શકે. સમાજ સંઘ વગેરેના ભલામાં ભાગ લેનાર પ્રથમ નંબર જૈનો છે.