This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

કેવળજ્ઞાનને આડું આવરણ આવવાથી પોતાનો પ્રકાશ ન પાડી શકે તો તેને કેવલજ્ઞાન કહેવાય જ કેમ?

ખ્રિસ્તી–મારી શંકા એ છે કે, આઠ કર્મોને જૈન સાધુઓએ અપાસરામાં બેસી કલ્પી કાઢ્યાં છે. તેમાં જે કેવલજ્ઞાન જ્ઞાનનો ભંડારજ્ઞાનનો સાગર હોય તેને જે આચ્છાદન તેને કેવલજ્ઞાનાવરણીય કહે છે. પણ કેવળ ફક્ત એક જ જે કેવલજ્ઞાન તેને આવરણ શી રીતે સંભવે ? માટે તે વિરૂદ્ધ છે, કેમકે કેવળજ્ઞાનને આડું આવરણ આવવાથી પોતાનો પ્રકાશ ન પાડી શકે તો તેને કેવલજ્ઞાન કહેવાય જ કેમ?

જૈન–મહેરબાન, જ્યાં સુધી જીવને કર્મ વળગેલું છે ત્યાં સુધી તેના આત્માના ગુણો સ્પષ્ટ પ્રગટતા નથી. જેટલો જેટલો કર્મનો નાશ થતો જાય છે તેટલો તેટલો આત્માનો ગુણ પ્રગટતો જાય છે. જેમ વાદળમાંથી ઘેરાયેલો સૂર્ય જ્યારે હોય છે (સંપૂર્ણ આચ્છાદન વાદળાથી પામે છે ) ત્યારે તેનો પ્રકાશ યત્કિંચિંત્ પૃથ્વી પર પડે છે સૂર્ય, ઉપરથી જ્યારે લગારેક વાદળાંનો ભાગ દૂર થયો એટલે તે પ્રમાણે લગારેક પ્રકાશ સૂર્યનો પડ્યો. સૂર્ય ઉપર અડધું વાદળું દૂર થયું ત્યારે સૂર્યનો અડધો પ્રકાશ થાય છે, અને જ્યારે (સંપૂર્ણ વાદળું સુર્યથી દૂર થયું) એટલે સંપૂર્ણ પ્રકાશ સૂર્યનો પૃથ્વી ઉપર પડે છે. તેમ અહીં આત્મારૂપી સૂર્ય સમજવો અને વાદળાંરૂપી કર્મ સમજવાં. જેટલું જેટલું જ્ઞાનાવરણીય કર્મ ઓછું થયું તેટલું તેટલું આત્માનું જ્ઞાન બહાર પ્રકાશ થાય છે; અને જ્યારે સંપૂર્ણ જ્ઞાનાવરણીય કર્મ નાશ પામે છે ત્યારે સંપૂર્ણ જ્ઞાન કે જેને કેવલજ્ઞાન કહે છે તે પ્રગટ થાય છે. જેમ વાદળથી ઢંકાયેલા સૂર્યમાં આખા જગતને પ્રકાશ કરવાની શક્તિ છે, પરંતુ તે વાદળના આચ્છાદનથી હાલ ઢંકાઇ ગયેલી હોય છે તેમ આત્મામાં પણ આખી દુનિયાના પદાર્થોને જાણવાની–પ્રકાશવાની શક્તિ છે, તે જ્ઞાનાવરણીયકર્મના નાશ થકી પ્રગટ થશે અને કેવલજ્ઞાન થશે. ત્યારબાદ આત્માને આવરણ લાગવાનું નથી. આત્માની સાથે કેવલજ્ઞાન–જેને અનંતજ્ઞાન કહે છે તે અનાદિ કાળથી સત્તાથી રહેલું છે, અને અનંતજ્ઞાન તે આત્માનો એક ગુણ છે. તે પ્રમાણે આત્માને કર્મ અનાદિકાળથી વળગેલું છે તે પુદ્ગલ છે, તેનો નાશ થવાનો છે, તે પુદ્ગલ કર્મનું આત્માની સાથે રહેવાનું થવાથી જ્ઞાનગુણ આચ્છાદિત થયો છે. તે જ્યારે કર્મ નાશ પામશે, ત્યારે તેનો જે જ્ઞાનગુણ તે સ્વતઃ–પ્રકાશી થશે. સત્તાએ કરીને આત્મામાં અનાદિકાળથી અનંતજ્ઞાન (કેવલજ્ઞાન) રહેલું છે, અને તેનું આચ્છાદન કર્મ કરે છે, પણ કર્મનો નાશ થયા પછી કર્મ વિનાનું ફક્ત એકલું જે કેવલજ્ઞાન તેને રહે છે. પછીથી કર્મ આચ્છાદન કરતું નથી; એમ અમો માનીએ છીએ, પરંતુ તમોને જે શંકા થઈ તે ગુરુગમ્ય તત્વ સમજ્યા વિના થઇ છે, પણ તે આ લખેલું વાંચ્યાથી સ્પષ્ટ માલુમ પડશે અને શંકા રહેશે નહીં, તે પ્રમાણે દર્શનાવરણીયના નાશ થકી અનંત દર્શન ઉત્પન્ન થાય છે. મી૦ જૈમલને આ તેની શંકા ઉપરથી માલમ પડે છે કે કે સ્યાદ્વાદધર્મ (જૈનધર્મ)ની સમજણ પડી નથી. જો તેમને સમજણ પડી હોય તો આવો લેખ લખી આ વખત આણતજ નહીં, હવે આઠ કર્મ કેવી રીતે એકની પછી એક સિદ્ધ ઠરે છે તેનો અનુક્રમ નીચે પ્રમાણે છે:

૨. દર્શનાવરણીય કર્મ અને તેના પ્રકારો

અહીંયાં જ્ઞાનદર્શન તે જીવનું લક્ષણ છે,

चेतना लक्षणो जिवः इति वचनात्

જ્ઞાનદર્શન વિના જીવ અજીવપણું પામે, તેમાંહે પણ જ્ઞાન મુખ્ય છે.

૧) જ્યારે સિદ્ધમાં જીવ જાય છે. ત્યારે સાકારોપયોગે જાય છે, સાકાર ઉપયોગવંત જીવને સર્વ લબ્ધિ ઉપજે તે માટે જ્ઞાન મુખ્ય છે. તે જ્ઞાનને આવરે–ઢાંકે તેને જ્ઞાનાવરણીય કર્મ કહે છે, અને તે કારણથી મુખ્ય જ્ઞાનાવરણીય કર્મ કહ્યું.

૨) બીજે સમચે અનાકારોપયોગ (સામાન્યોપયોગ) દર્શનોપયોગ હોય છે તેને આવરે ઢાંકે તેને દર્શનાવરણીય કર્મ કહે છે. તે માટે જ્ઞાનાવરણીય પછી દર્શનાવરણીય કહ્યું.

૩) હવે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય એ બે પોતાનો વિપાક દેખાડતાં સુખ દુઃખ વેદનીયના વિપાકના હેતુ થાય તે માટે તે પછી વેદનીય કહ્યું.

૪) શાતા અને અશાતા વેદનીયના ઉદયે અવશ્ય જીવને રાગ દ્વેષ ઉત્પન્ન થાય, મોહ પામે તે માટે તે પછી મોહનીય કહ્યું

૫) મોહનીયકર્મે મૂંઝાતા જીવો બહુ આરંભ સમારંભ કરીને, નરક, તિર્યંચાદિનું આયુષ્ય બાંધે તે માટે તે પછી આયુઃ કર્મ કહ્યું,

ભવથકી ભવાંતરે જતાં જીવને નિશ્ચય ઉદયે આવે તે આયુઃ કર્મ કહીયે, યદ્યપિ કર્મ તો સર્વે ઉદયે આવે છે જ, પણ શેષ સાતકર્મ છે તે ભવે તથા ભવાંતરે પણ ઉદયે આવે અને આયુઃ કર્મ તો તે ભવે ઉદયે ના જ આવે, બીજા ભવમાં જ ઉદયે આવે એટલો વિશેષ છે.

૬) આયુષ્યને ઉદયે અવશ્ય ગતિ–જાત્યાદિક નામકર્મનો ઉદય હોય તે માટે તે પછી નામકર્મ કહ્યું.

૭) નામકર્મ ને ઉદયે અવશ્ય ઉચ્ચ / નીચ ગોત્રનો ઉદય હોય તે માટે તે પછી ગોત્રકર્મ કહ્યું.

૮) ઉય્ચ નીચ ગોત્રને ઉદયે અનુક્રમે દાન લાભાદિકનો ઉદય / વિનાશ થાય તે માટે તે પછી અંતરાય કર્મ કહ્યું. એ આઠ કર્મનો ઉપન્યાસ ક્રમ કહ્યો.

૩. વેદનીય કર્મ અને તેના પ્રકારો

હવે ત્રીજા વેદની કર્મ ની ઉત્તર પ્રકૃતિ બે:

૧ શાતાવેદની, ૨ અશાતાવેદની,

૧) શાતાવેદની: એટલે જીવને શુભકર્મ ના યોગે શરીર નિરોગી હોય, પુત્ર ધન આદિ ઋદ્ધિવાળો હોય, જીવને શુભકર્મયોગે સુખ લાગે તેવા પુદ્ગલનો જે મિલાપ તે શાતા- વેદનીય કહેવાય છે.

ર) અશાતાવેદનીય એટલે અશુભ કર્મ ના યોગે જીવને દુઃખ લાગે તેવા પુદ્ગલનો સંબંધ તેને અશાતાવેદનીય કહે છે.

સિદ્ધના જીવો અનેક પ્રકારના સુખો ભોગવે છે તો શું સિદ્ધમાં શાતાવેદનીય કર્મ છે?

ખ્રિસ્તી–જૈમલ શંકા કરે છે કે સિદ્ધના જીવો અનેક પ્રકારના સુખો ભોગવે છે. દુનિયાની અંદર થતા નાટક, તમાશા, વીગેરે ઠાઠ જીવે છે. કહ્યું છે કે

સિદ્ધ જગત શીર શોભતા, જુએ જગતના ઠાઠ, લક્ષ્મીલીલાની લહેરમાં, સુખીયા છે દીન રાત.

આથી માલુમ પડે છે કે સિદ્ધમાં શાતાવેદનીય કર્મ છે.

જૈન–અરે ભાઈ ! તમે હજી અમારા કહેવાનું તાત્પર્ય સમજ્યા નથી, જો સમજ્યા હોત તો આવી શંકા રહેત નહીં; ૫ણ હજી તમને જ્ઞાનાવરણીય કર્મેના પડદા આડા આવ્યા છે. માટે દુધમાં પણ પોરા કાઢવાની તમને મતિ થાય છે. હજુ તમને સુખ કોને કહે છે? તેનું જ્ઞાન થયું નથી, જો થયું હોત તો સિદ્ધમાં પણ શાતાવેદનીય છે એવું કહેવાનો અવસર આવત નહીં. હવે હું તમને તે સમજાવું છું તે ઉપર ધ્યાન રાખો. સુખ એટલે આત્માના જ્ઞાન,દર્શન અને ચારિત્ર ગુણમાં રમણતા કરવી તેને તાત્ત્વિક (આત્મસુખ) કહે છે. સુખના બે પ્રકાર છે. ૧ કર્મ રહિત કેવળ આત્મિક સુખ, ર પુદ્ગલના સંબંધથી થએલું અતાત્ત્વિકપૌદ્દગલિક સુખ. તેમાં સિદ્ધના જીવોને તો આત્મિકસુખ હોય છે (પોતાના આત્મા સંબંધી સુખ હોય છે.) પરભાવ એટલે પારકી વસ્તુ પુદ્ગલ તે જન્ય સુખ નથી. જ્યાં સુધી આઠ કર્મ હોય છે ત્યાં સુધી જીવને શુભ વા અશુભ કર્મ ના યોગે શાતા અને અશાતાવેદની ભોગવવી પડે છે, પણ તે શાતાવેદનીય જન્ય સુખ છે તે ખરૂં સુખ નથી. સિદ્ધના જીવો તો કર્મ થકી રહિત થયા છે, પોતાના સ્વભાવમાં સદા લીન થયેલા છે. ત્યાં શુભ અશુભ કર્મ હોતું નથી. તેથી તેમને શાતા અગર અશાતાવેદની જે કર્મ તે થકી ઉત્પન્ન થયેલી શાતા અશાતાને ભોગવવી પડતી નથી. આ દુનિયાના સર્વ પદાર્થને ત્યાં રહ્યા થકા જોઇ રહ્યા છે. કોઈ ખેલે છે. કોઇ જમે છે, બાગો વગેરે જોવામાં આવે છે પણ તે ખેલની અગર બાગથી તેમને કંઈ પણ સુખ નથી, પરંતુ પરભાવ એટલે પુદ્ગલ તે થકી રહિત પોતાના જ્ઞાનાદિક ગુણો તે થકી સુખ છે. ચારિત્ર મોહ ટળવાથી આત્માનું સ્વાભાવિક સુખ ભોગવી રહ્યા છે. ઉપાધિ થકી રહિત થવું અને આત્મ સ્વભાવમાં રમવું તે જ આત્મસુખ છે. તેથી સિદ્ધમાં શાતાવેદનીય કર્મથી સુખ થાય છે. એમ છે જ નહીં; માટે તમારી શંકા તેથી રહેતી નથી. વળી જેમ આપણે દર્પણમાં જોઇએ છીએ ત્યારે આપણું પ્રતિબિંબ દર્પણમાં પડે છે, તેમ સર્વે પદાર્થો સિદ્ધના જીવોના જ્ઞાનમાં વિષયીભૂત થાય છે, પણ તે પદાર્થનો સંયોગ સિદ્ધના જીવોને નથી. જેમ આપણે કાચનો મોટો તકતો પચીસ હાથ દૂર મુકીએ અને દૂર રહી તક્તામાં જોઇએ છીએ તો જાણે તેમાં આપણે હોઈએ તેમ ભાસે છે તેને પ્રતિબિંબ કહે છે. હવે તે દૂર રહેલા કાચમાં આપણું પ્રતિબિંબ પડ્યું, તે પ્રતિબિંબ અને કાચ એ બેનો કેવો સંબંધ થયો ? ઉત્તર જ્ઞાનજ્ઞેય ભાસક ભાસ્ય સંબંધ કહેવાય. સિદ્ધના જીવના જ્ઞાનમાં ચૌદરાજ લોકના પદાર્થ વિષયીભૂત થાય છે. પણ તે વસ્તુઓની સાથે સિદ્ધના જીવોને આત્મીય સંબંધ નથી. તેમ શાતાવેદની એટલે શુભ પુદ્ગલનો સંયોગ તે સિદ્ધના જીવોને નથી, માટે તેમને શાતાવેદનીય નથી. અરે ! તેમને સર્વ કર્મનો સંબંધ નથી તો શાતાવેદનીય એ પણ એક કર્મ છે તેનો પણ ક્યાંથી સંબંધ હોય? ન જ હોય. માટે મી૦ જૈમલે અજ્ઞાનતાને લીધે જે શંકા કરી તે ખોટી છે જ્યાં સુધી જીવ સમકિત પામ્યો નથી અને અનંતસંસાર ભ્રમણ કરવાનું હોય છે, ત્યારે તેને ખોટી ખોટી શંકાઓ થાય છે. કહ્યું છે કે– "

“બુદ્ધિઃ કર્માનુસારિણી”

સિદ્ધના જીવને તો જન્મ જરા મરણનાં બંધન તુટી ગયા છે. તેમનો આત્મા સ્ફટિકરત્નની પેઠે નિર્મળ છે. જ્ઞાનાવરણીય કર્મનો નાશ થવાથી અનંતજ્ઞાન પ્રકાશ પામ્યું છે, તેમ દર્શનાવરણીય કર્મનો નાશ થવાથી અનંતદર્શન, અને શાતા અને અશાતાવેદનીયનો નાશ થવાથી અવ્યાબાધ સુખ પામ્યા છે; મોહનીનો નાશ થવાથી ક્ષાયિક સમકિત પામ્યા છે, આયુષ્ય કર્મનો નાશ થવાથી અક્ષયસ્થિતિ પામ્યા છે, નામકર્મનો નાશ થવાથી અરૂપીપણું પામ્યા છે, ગોત્રકર્મનો નાશ થવાથી અચગુરુ-લઘુપદ પામ્યા છે અને અંતરાય કર્મનો નાશ થવાથી અનંતવીર્ય પામ્યા છે. જુઓ તેની ગાથા

नाणं च दंसणं च चेव, अव्वाबाहं तहेव सम्मत्तं, अख्खयठिइ अरूवि, अगुरुलघु वीरियं हवइ ॥ १ ॥

આઠ કર્મ નો નાશ થયાથી એ આઠ ગુણ પ્રગટ થાય છે. માટે સિદ્ધના જીવોમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચરિત્ર, અનંતવીર્ય હોય છે, અને તેના ભોક્તા સિદ્ધ જીવો છે.

 

ખ્રિસ્તી–જૈમલ–અનંત એટલે જેનો અંત કે છેડો નહી તે એવા સુખના ભોક્તા સિદ્ધ જીવોને કહો છો અને ભોક્તા એટલે ભોગવવાવાળો થાય, પંચ ઇદ્રિયોના વિષય થકી ભોગવવું અને એક અંતઃકરણથી ભોગવવું એને પણ ભોગવવું કહે છે.

જેમ કોઇ માણસ દુઃખી થતું હોય અને બીજો માણસ જુએ ત્યારે તેના અંતઃકરણમાં દુઃખની લાગણી થાય છે, તેમજ કોઈ ખોટું કાર્ય કર્યા થકી પણ અંતાકરણમાં દુઃખ થાય છે, તેમજ અંતઃકરણમાં સુખ પણ થાય છે. સિદ્ધમાં જોવાનાં ચર્મ ચક્ષુ તથા સાંભળવાને કાન નથી, તોપણ, આત્માના જે ગુણ જ્ઞાન અને દર્શન તે વડે જાણવું તથા જોવું થાય છે ને તેથી તે વડે ભોગવે છે; માટે સિદ્ધ,પરમાત્મામાં વેદનીયકર્મ છે તે બાબતનો તમે હઠવાદ મૂકી વિચાર કરશો તો તમને પણ માલુમ પડે.

જૈન –—અરે જેમ કમળો થયેલાને સર્વ વસ્તુ પીળી ભાસે, લાલ, કાળી, ધોળી સર્વ વસ્તુ પીળી દેખાય, તેને કોઈ કહે કે આ વસ્તુ લાલ છે, આ ધોળી છે, આ કાળી છે, તો તે કાંઈ કમળો થયેલો માણસ માનવાનો નથી, એવી દૃષ્ટિ હશે ત્યાં સુધી સર્વ પીળી જ દેખશે. પણ શુદ્ધ જેનું જેવું રૂપ છે તેવું કદી દેખવાનો નથી, તેમજ કર્મના જોરે કરી જેની ઊંધી દૃષ્ટિ થઇ છે તેને ખરી વસ્તુ પણ ખોટી ભાસવામાં આવે છે.

મી૦ જૈમલ !! હું નીચે જણાવુ છું તે જરા ધ્યાન દઇ વાંચશે તો કલ્યાણ થશે, અને અજ્ઞાનરૂપી પડળ દૂર થવાથી આપોઆપ અંધકાર જતાં અજવાળું થવાથી સત્યદૃષ્ટિગોચર થશે. જુઓ, ભુજ્ ધાતુ ઉપરથી ભોક્તા શબ્દ થયો છે–ભુજ્–ભોગવવું. વળી ભોગવવું બે પ્રકારનું છે. એક પોતાનું અને બીજું, પર પુદ્ગલનું ભોગવવું, અને પોતાનું ભોગવવું. એટલે પોતાના આત્મામાં રહેલાં જ્ઞાન–દર્શ ન–અનંત સુખ તેને ભોગવવું, આત્મા–અરૂપી છે અને તેના જ્ઞાનદર્શન વગેરે ગુણ પણ અરૂપી છે. તો અરૂપી છે, તો અરૂપી એવા સિદ્ધાત્માઓ અરૂપી એવા જ્ઞાનદર્શન વગેરે ગુણોને ભોગવે છે.

હવે પરનું ભોગવવું તેનો અર્થ કરૂં છું તે સાંભળો, પર એટલે પોતાના આત્માનું નહીં એવી જડવસ્તુ - પુદ્ગલ.

તે પુદ્ગલ બે પ્રકારે છે.

૧ શુભ એટલે જેનો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પોતાને અનુકુળ પડે તેવું પુદ્ગલ, તેને શુભપુદ્ગલ કહે છે.

૨ પોતાને (એટલે) કર્મ સહિત આત્માને જે પુદ્ગલ પ્રતિકુલ પડે દુઃખકારી થાય તેને અશુભપુદ્ગલ કહે છે.

શુભપુદ્ગલ થકી કિંચિત્ સુખ થાય છે અને અશુભપુદ્ગલ થકી દુખ ઉત્પન્ન થાય છે. કર્મસહિત આત્માને પોતાના સ્વરૂપ થકી–પોતાના ગુણુ થકી ભિન્ન એવું શુભ યા અશુભપુદ્ગલ ભોગવવું તેને પરનું ભોગવવું કહેવાય છે. કર્મ એ રૂપી વસ્તુ છે અને આત્માના ગુણો તો અરૂપી છે. એવા અરૂપી આત્મા તેને રૂપી વસ્તુનું જે કર્મના યોગે ભોગવવું તેને "પરસંબંધી" ભોગવવું કહીએ છીએ. આ સંસારિક જીવો ત્રણ પ્રકારે શુભ અશુભ પુદ્ગલજન્ય શાતા અને અશાતાવેદનીને ભોગવે છે. હવે ત્રણ પ્રકાર કહ્યા તે નીચે મુજબ,

મન, વચન અને કાયા

એ ત્રણ થકી શાતા અને અશાતા વેદની ભોગવે છે. તે સર્વે પર સંબંધી ભોગવવાનું કહીએ છીએ. હવે સિદ્ધના જીવોને તો કર્મ નથી, તેથી પરવસ્તુ–પુદ્ગલ તેનો ભોગ નથી. પર વસ્તુ–પુદ્ગલ તે તો રૂપી છે અને પોતે તો અરૂપી છે તેથી તેમને રૂપીવસ્તુનો ભોગ નથી, જ્ઞાન અને દર્શન જે પોતાના અરૂપી ગુણ તેનો ભોગ પોતાને છે, કર્મ સહિત જીવો શુભ વા અશુભપુદ્ગલના સંયોગે જે શાતા અગર અશાતા વેદની ભોગવે છે તે પોતે સિદ્ધના જીવો જાણે છે. પણ શાતા અશાતા જે રૂપી વસ્તુ જડ–પર સંબંધી, તેનો ભોગ છે તે સિદ્ધના જીવોને હોતો નથી. અરૂપીને રૂપીનો ભોગ નથી. અરૂપીને તો અરૂપી એવા જ્ઞાન દર્શનનો ભોગ છે. માટે જ્ઞાન દર્શન વડે શાતાવેદની સિદ્ધના જીવો ભોગવતા નથી એ વાત સત્ય છે.

સંસારના જીવોના સુખ દુઃખ સિદ્ધના જીવો જ્ઞાન વડે જાણે છે અને તેથી તેમનું અંતઃકરણ પણ સુખ દુઃખ ભોગવે છે, માટે વેદનીય માનવા જોઇએ?

વળી મી૦ જૈમલ લખે છે કે સંસારના જીવોના સુખ દુઃખ સિદ્ધના જીવો જ્ઞાન વડે જાણે છે અને તેથી તેમનું અંતઃકરણ પણ સુખ દુઃખ ભોગવે છે, માટે વેદની માનવી જોઇએ.

અરે વાહ ? હજુ અંતઃકરણ એ શબ્દનું જ્ઞાન નથી તેથી વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રના અભ્યાસના નામે તો તમારામાં શૂન્યતા દેખાય છે. વળી રૂપી અને અરૂપી વસ્તુનું પણ જ્ઞાન નથી તેમજ વળી ગુરુગમ્ય તો હોય જ શેનું ! તેથી જેમ ફાવે તેમ મુખે બોલે છે, પણ તેથી અમને હરકત નથી. એથી તો તમારું અજ્ઞાનપણાનું ભોપાળું પ્રગટ થાય છે તે ઉપર ધ્યાન આપો સાહેબ!

અંતઃકરણ (હૃદય) વા મન તેતો પૌદ્ગલિક વસ્તુ છે, તે વિચાર કરવાનું સ્થાન છે. સિદ્ધના જીવોને અંતઃકરણ (મન) હોતું નથી. સંસારના જીવોનું સુખ દુઃખ છે, તેને જ્ઞાન વડે સિદ્ધના જીવો જાણે છે, પણ સિદ્ધના જીવોને મન નથી. તેથી તેમને સુખ દુઃખની લાગણીઓના વિચારો થતા નથી. સિદ્ધના જીવોને અંતઃકરણ નથી, તેથી તેમને શાતા અને અશાતાવેદની પણ નથી, માટે ત્રિકાળમાં પણ સિદ્ધના જીવોને શાતા અશાતા વેદનીય નથી. તે સત્ય છે. માટે સિદ્ધ જીવોને અન્ય જીવોનું સુખ દુઃખ દેખી સુખ દુઃખની લાગણી થતી નથી.

૪. મોહનીય કર્મ અને તેના પ્રકારો

હવે મોહનીય કર્મ સંબંધી વિચાર લખીએ છીએ.

મોહની કર્મ ની ઉત્તર પ્રકૃતિ અઠ્ઠાવીસ છે.

ક્રોધ, માન, માયા અને લોભ તે દરેક ચાર ચાર ભેદે છે.

અનંતાનુબંધી–ક્રોધ, માન, માયા અને લોભ.. ૪

પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લોભ.. ૪

અપ્રત્યાખ્યાની–ક્રોધ, માન, માયા અને લોભ.. ૪

સંજ્વલનનો–ક્રોધ, માન, માયા અને લોભ.. ૪

                        ૧૬ કષાય

 

હવે નવ નોકષાય–હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંચ્છા, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ એ નવ નોકષાય કહેવાય છે.

ત્રણ મોહની–સમકિત મોહની, મિશ્રમોહની, મિથ્યાત્વ મોહની.

એવી રીતે ઉપરની અઠ્ઠાવીસ પ્રકૃતિ મોહની કર્મની છે.

મિશ્રમોહનીનો ક્ષય થાય છે ત્યારે મિશ્ર સમકીત પ્રગટ થાય છે; તે પ્રમાણે મિથ્યાત્વ મોહનીનો ક્ષય થાય ત્યારે મિથ્યાત્વ પ્રગટ થવું જોઈશે?

ખ્રિસ્તી–જ્યારે સમકીત મોહનીનો ક્ષય થાય છે ત્યારે સમકીત પ્રકટ થાય છે, અને જ્યારે મિશ્રમોહનીનો ક્ષય થાય છે ત્યારે મિશ્ર સમકીત પ્રગટ થાય છે; તે પ્રમાણે મિથ્યાત્વ મોહનીનો ક્ષય થાય ત્યારે મિથ્યાત્વ પ્રગટ થવું જોઈશે, અને મિથ્યાત્વ મોહનીનો ક્ષય થયે છતે મિથ્યાત્વ પ્રગટ થયું તો સિદ્ધમાં પણ મિથ્યાત્વ આવ્યું; કારણ કે તેમને મિથ્યાત્વ માનવું જોઈએ.

 

જૈન–ભાઈ ! સાંભળો. મિથ્યાત્વમોહની એટલે અસત્ વસ્તુમાં સત્ ની બુદ્ધિથી મૂંઝાવે તેને મિથ્યાત્વ મોહની કહે છે, કુદેવમાં દેવનું જ્ઞાન, દેવમાં કુદેવનું જ્ઞાન, અને કુગુરુમાં ગુરુનુ જ્ઞાન, તેને મિથ્યાત્વ મોહની કહે છે.

અસત્ વસ્તુમાં મુંઝાવાપણું ટળી જાય છે ત્યારે સત્ વસ્તુનું ભાન થાય છે. પણ તેથી સત્ વસ્તુનો ક્ષય થતો નથી. કુદેવને દેવ તરીકે માનવાનો નાશ થાય છે ત્યારે સુદેવને જ માનવાપણું રહે છે.

જેમ મેલા સોનાનો નાશ થયે છતે શુદ્ધ સોનું રહે છે, તેમ મિથ્યાત્વ મોહનીનો નાશ થયે છતે શુદ્ધ સમકિત પ્રગટ થાય છે.

મિશ્ર મોહની એટલે સુદેવતામાં પણ દેવની બુદ્ધિ અને કુદેવમાં પણ દેવની બુદ્ધિ તેનો નાશ થયે છતે શુદ્ધ ખરા દેવની બુદ્ધિ થાય છે. તે પ્રમાણે મિથ્યાત્વ મોહની જે અનાદિ કાળની હતી, તે નાશ પામી એટલે શુદ્ધ સમકિત પ્રગટ થયું.

તે પ્રમાણે સિદ્ધના જીવને મિથ્યાત્વમોહનીનો ક્ષય થયો છે તેથી તેમને ક્ષાયિક સમકિત પ્રગટ થયું છે.

મિથ્યાત્વમોહની તે તો અજ્ઞાનજન્ય છે, તેનો નાશ થવાથી આત્માનો ગુણ શુદ્ધ સમકિત પ્રગટ થાય છે, તેમાં કાંઈ સંશય નથી, તે પ્રમાણે સિદ્ધમાં મિથ્યાત્વ મોહની વગેરેને ક્ષય થવાથી ક્ષાયિકસમકિત પ્રગટ થયું છે અને ત્યાં મિથ્યાત્વ ઠરાવવા કોઈ યુક્તિ કરવી તે નિષ્ફળ છે.

નાના મોટા સર્વે લોકો સમજે છે કે કુદૃષ્ટિનો નાશ થાય ત્યારે સુદૃષ્ટિ ઉત્પન્ન થાય છે, અજ્ઞાનનો નાશ થાય છે ત્યારે જ્ઞાન પ્રગટ થાય છે, મિથ્યાત્વ મોહનીનો નાશ થયે છતે શુદ્ધ સમકિત થાય છે, તેથી સિદ્ધોને મિથ્યાત્વમોહનીયના નાશથી શુદ્ધ સમકિતરૂપ સમ્યગ્ દર્શન છે પણ અજ્ઞાન નથી એટલુ પણ જૈમન ન સમજ્યા તેથી ભ્રાંત થયે ખ્રિસ્તી થયા. તે વાત નિઃસંશય છે..

અતિચારમાં લખે છે કે ગ્રહપૂજા કરે તો અતિચાર લાગે, તો શ્રીભદ્રબાહુ સ્વામીએ ગ્રહપૂજા કરવાની વિધિ કેમ બતાવી છે?

ખ્રિસ્તી–જૈમલ જણાવે છે કે, બીજું દૂષણ અતિચારમાં લખે છે કે ગ્રહપૂજા કરે તો અતિચાર લાગે, ત્યારે તમારા માનીતા મોટા શ્રીભદ્રબાહુ સ્વામીએ ગ્રહપૂજા કરવાની વિધિ કેમ બતાવી છે? ગ્રહશાંતિ સ્તોત્ર બનાવ્યું છે. રવિ પીડા કરે તો લાલ ફુલેકરી પદ્મપ્રભુની પૂજા કરવી. ચંદ્ર પીડા કરેતો સેવંતિના ફુલે ચંદ્રપ્રભુની પૂજા કરવી. એ આદિ નવ ગ્રહની પુજામાં તીર્થંકરનાં નામ અને ઉપર લખેલી વિધિએ બતાવી છે, અને જણાવ્યું છે કે આ પ્રમાણે કરવાથી જે ગ્રહ નડતા હોય તે ગ્રહશાંતિ થાય માટે એ પણ વિરૂદ્ધ છે. આ વાત તો એવી છે કે દુઃખ તો કોઇ એક જણ આપે અને તે દુઃખ દૂર કરવાને માટે બીજાને વિનંતી કરવી. પણ એમ કરવાથી દુઃખ કેમ દૂર થાય? આ વિશે તમે હવે શું કહેવાના છો ?

જૈન–હજી પણ તમે બરાબર સમજ્યા નથી, જુઓ, કર્મતો આત્માને લાગે છે, પણ સુળીયે ચઢાવી મારી નાંખવું તે તો બીજા માણસો કરે છે. જેમકે આપણે કોઈ જીવને મારી નાંખ્યો તેનું આપણા આત્માને પાપ લાગ્યું, હવે અહીંથી આપણે મરી ગયા અને બીજો જન્મ પામ્યા ત્યાં જે પૂર્વે બીજા જીવને મારી નાંખવાનું પાપ બાંધ્યું હતું તે ઉદયે આવ્યું એથી આપણા માથે કોઇ ખોટો આરોપ આવે તેથી બીજા માણસો આપણને સુળીયે ચઢાવે, તેમાં કર્મે કરીને જ આપણે સુળીનું દુઃખ પામ્યા તેવો પ્રત્યક્ષ અનુણવ સાચો છે. પંચ કારણોથી કાર્ય ની ઉત્પત્તિ થાય છે.

૧ કાલ, ર સ્વભાવ, ૩ નિયતિ, ૪ કર્મ, પ ઉદ્યમ;

આ પાંચ કારણોથી એક કાર્ય ઉત્પન્ન થાય છે. તે પ્રમાણે દુઃખરૂપી કાર્યમાં પણ પંચ કારણો હોય છે. પાપ થકી દુઃખ થાય છે અને પુણ્ય થકી સુખ થાય છે. આપણને કોઇ જાતનું દુઃખ કોઈના તરફથી થતું હાય તે વખતે પ્રભુની પૂજા વીગેરે પુણ્ય કાર્યો કરવા થકી દુઃખ દુર થાય છે એટલે પુણ્યનું જોર થવાથી પાપનો ક્ષય થયો એટલે તે માણસ દુઃખ દેતો અટકી જાય છે. તે પ્રમાણે પાપના ઉદયથી થતી જે ગ્રહો તરફની નિમિત્ત કારણ પીડા તે પ્રભુની પૂજા વગેરે પુણ્ય કાર્ય કરવા થકી દુર થાય છે. કારણ કે ઘણું પુણ્ય તત્કાળ પણ ફળ આપી શકે છે. વગેરે. તે બાબતમાં ઘણું લખવાનું છે; પણ ગ્રંથ ગૌરવના ભય થકી નથી લખ્યું માટે અમારા ગુરુ મહારાજ શ્રી ભદ્રબાહુસ્વામીએ જે સ્તોત્ર કર્યુ છે તે યોગ્ય રીતે સમજીને કર્યું છે. એ તો મહાજ્ઞાની હતા, એમને જ્યોતિષનું બહુ (ઉત્કૃષ્ટ) જ્ઞાન હતું. તેમણે ભદ્રબાહુસંહિતા નામનો ગ્રંથ બનાવ્યો છે, તે ૮૪૦૦૦ (ચોર્યાશી હજાર) શ્લોક પ્રમાણ છે. તે ભણતાં ભણતાં મી. જૈમલ ઘરડો થઇ જાય તો પણ પાર આવે નહીં, માટે તેમણે જે કર્યું છે તે વિચારીને જ કર્યું છે, તેમાં શંકા કરવી તે અજ્ઞાનીનું લક્ષણ છે. વળી અન્ય કર્મ દુઃખ આપે અને પ્રભુની પૂજા કરે તો શું દુઃખ દુર થાય છે? ના, નથી થતું, એવું જે જૈમલનું લખવું તે પણ તદ્દન ખોટું છે. પુણ્ય છે તે પ્રભુની પૂજા–સ્તુતિ, સાધુને દાન વિગેરે આપવાથી થાય છે. જેમ જેમ પુણ્ય ઘણું થતું જાય છે તેમ તેમ પાપ થકી થએલું દુઃખ દુર થઈ જાય છે. આ ઠેકાણે પાપ થકી થએલું જે દુઃખ તે બીજી વસ્તુ જે પુણ્ય તે થકી દુર થયું તે સત્ય દાખલો છે. જેમ એક વસ્તુ ખાવાથી ઉત્પન્ન થએલો વાયુ તે જ બીજી વસ્તુ ખાવાથી દુર થાય છે. એક વસ્તુએ વાયુ કર્યું તો તે વાયુનો બીજી વસ્તુ થકી નાશ થયો. તે પ્રત્યક્ષ દાખલો છે. એવી જ રીતે પ્રભુની પૂજા કરવા વગેરેથી થતા પુણ્યના યોગે અન્ય કર્મથી થએલાં પાપાનુયોગનાં દુઃખ દુર થાય છે એ વાત સત્ય છે. માટે કુયુક્તિ ત્યાગ કરી સત્યમાર્ગ અંગીકાર કરો કે જેથી તમારું કલ્યાણ થાય.

તીર્થંકરો વીતરાગ છે. માટે તેમની પૂજા કરવાથી તેઓ દુઃખને દૂર કેમ કરે? તો તીર્થંકરની પૂજા અને જાપ કરવો તે ફોકટ છે?

ખ્રિસ્તી–જૈમલ લખે છે કે, તીર્થંકરો છે તે કોઈ ઉપર રાગદ્વેષ રાખતા નથી, કેમકે તે વીતરાગ છે. માટે તેમની પૂજા કરવાથી તેઓ દુઃખને દૂર કેમ કરે? માટે ગ્રહ નડે તો તીર્થંકરની પૂજા અને જાપ કરવો તે ફોકટ છે. આ વાત તો ખરીને?

જૈન–નહીં. તદ્દન ખોટું છે. તીર્થંકર ભગવાન કોઇના ઉપર રાગદ્વેષ રાખતા નથી તે સત્ય છે, પણ તેમની પૂજા કરવાથી થયેલું જે પુણ્ય તે થકી પાપથી ઉત્પન્ન થયેલી ગ્રહની પીડા દૂર થાય છે. તે સત્ય છે. જેમ અગ્નિની પાસે જઈને બેસીએ છીએ ત્યારે તેનો એવો સ્વભાવ છે કે તાપ આપે છે, તેનો સ્વભાવ શીતળતા આપવાનો નથી, તેમ પ્રભુની પૂજા વગેરે કરવા થકી પુણ્ય થાય છે, અને તે થકી પાપ હઠી જાય છે. તેથી પીડા કરતા ગ્રહ અટકી જાય છે. માટે ભદ્રબાહુ સ્વામીએ બનાવેલું ગ્રહશાંતિ સ્તોત્ર યુક્તિયુક્ત છે. રાગદ્વેષ વિનાના અગ્નિથી જેમ ઉષ્ણતા થાય છે અને જલ થકી જેમ શીતળતા થાય છે તેમ વીતરાગ તીર્થંકરની પૂજા કરવાથી તીર્થંકર જો કે સુખ આપતા નથી તો પણ તેમની ભક્તિથી ભક્તના ભક્તિસેવાના પરિણામથી તથા પુણ્યથી અશુભકર્મ નો નાશ થાય છે. તેમાં તીર્થંકર ભગવાન નિમિત્ત કારણ છે અને પુણ્યબંધ સુખ વગેરેમાં તથા દુઃખ હર કરવારૂપ કાર્ય માં ભક્તની સેવા ભક્તિનો પરિણામ ઉપાદાન કારણ છે. પ્રભુ તીર્થંકર નિમિત્ત કારણ હોવાથી તે વીતરાગ છતાં ભક્તના સુખમાં રાગ દ્વેષ વિના નિમિત્ત કારણ ઠરે છે, અને તેથી વીતરાગ છતાં સુખ આપી શકે છે એમ ન્યાયથી સિદ્ધ ઠરે છે.

તીર્થંકરોને દેવાધિદેવ તરીકે માનવા જોઇએ?

વળી જૈમલ લખે છે કે તીર્થંકરોને દેવાધિદેવ તરીકે માનવા તે ખોટું છે. આ પણ તેમનું લખવું ઘટતું નથી. તીર્થંકર ભગવાનની ચોસઠ ઇંદ્ર પૂજા કરે છે અને ચોસઠ ઇદ્ર પ્રભુના ચરણ કમળની સેવા કરે છે તો દેવાધિદેવ તીર્થંકર કહેવાય તેમાં કંઈ સંશય નથી; પણ અમારા તીર્થંકર ભગવાનની ઇંદ્રો સેવા ચાકરી કરે છે તે જાણીને જાતિ સ્વભાવ ઉપર જનારાની કુયુક્તિઓને, દક્ષ પુરૂષ કદાપિ કાળે પણ માનનાર નથી. અમો જૈનો, તીર્થંકરની તથા ગુરુની આલોકના સુખને માટે તથા પરલોકના સુખને માટે પૂજા કરતા નથી એ વિધિ માર્ગ છે. કારણસર તમારા પ્રભુના જેવા–મિથ્યાત્વી દેવતાઓનો ઉપદ્રવ થયો હોત તો તેનો નાશ કરવાને ભદ્રબાહુ સ્વામીએ કરેલા ગ્રહશાંતિ વગેરે સ્તોત્રનો જાપ કરીએ છીએ, એ અપવાદ માર્ગ છે. જૈન દેવતાઓ છે તે મિથ્યાત્વી દેવતાઓ થકી થયેલા ઉપદ્રવનો નાશ કરે છે, અને તે ઉપદ્રવ નાશ થવા થકી ધર્મ સુખે કરી થાય છે. ધર્મ કરવામાં અડચણ પડતી નથી. માટે વિધિમાર્ગ અને અપવાદ માર્ગ એ બે બે માર્ગ તમે ગુરુગમથી સમજ્યા નહીં તેથી આ શંકા તમારા મનમાં રહી છે, પણ તે આ વાંચીને દુર કરો ને સત્યધર્મ અંગીકાર કરો.

વિધિમાર્ગે કેવી રીતે ચાલવું તે વિવિધબોધ રત્નાકરમાં બતાવ્યું છે તે નીચે મુજબ–

દેવ શ્રી અરિહંત, જગતના ઉપકારી, પરમ પૂજ્ય, સમસ્ત અઢાર દોષે કરી રહિત, તેમની જે મૂર્તિ તેની આગળ ઈહલોક પરલોકના પૌદ્ગલિક સુખની ઈચ્છાએ માનતા માનવી નહીં.

તેમ શુદ્ધ સાધુ, જ્ઞાન, દર્શન, ચારિત્ર સહિત મુનિરાજની ધનપુત્રની અપેક્ષાએ સેવા કરવી નહીં, તથા

પાંચ પ્રકારનાં દુષણ વર્જવાં.

વળી અન્ય તીર્થીઓની સાથે પરિચય કરવો નહીં. કારણ કે તેથી સમકીતમાં દૂષણ લાગે છે. તે દૂષણના પાંચ ભેદ છે

૧ શંકા ૨ કંખા, ૩ વિચિકિત્સા, ૪ અન્યતીર્થીક પ્રશંસા, પ અન્યતીર્થીકપરિચય એ પાંચે દૂષણ વર્જવાં.

જૈનધર્મ વિના બીજા ધર્મ વાળાઓની સાથે પરિચય કરવો તે મોટું પાપ છે, ત્યારે આ ઉપરથી જૈનધર્મ પાળનાર તમામ લોકોએ શું એક જુદું ગામ કે દેશ વસાવવો જોઇએ?

ખ્રિસ્તી–જૈમલ–ત્યારે ભદ્રબાહુ સ્વામીએ ગ્રહશાંતિ સ્તોત્ર કેમ બનાવ્યું? ભદ્રબાહુ સ્વામીને મિથ્યાત્વી કહેવા કે સમકીતી કહેવા ? તથા જૈનધર્મ વિના બીજા ધર્મ વાળાઓની સાથે પરિચય કરવો તે મોટું પાપ છે, ત્યારે આ ઉપરથી જૈનધર્મ પાળનાર તમામ લોકોએ એક જુદું ગામ કે દેશ વસાવવો જોઇએ, અથવા દેશપાર જવું જોઈએ; એવી એવી વિરૂદ્ધ વાતો જોતાં સમકીત કાંઈ છે જ નહીં અને જ્યારે સમકીત કાંઇ છે જ નહી અને જ્યારે સમકીત નથી, ત્યારે મિથ્યાત્વ સિદ્ધ થયું.

જૈન–અરે ! અજ્ઞાન વડે આચ્છાદિત થયેલા આત્મન્ !! આ તને જરા પણ વિચાર કરવો પડતો નથી કે જેથી જેમ તેમ બોલે છે. ભદ્રબાહુ સ્વામીએ પાંચ દૂષણ સેવવાં એવું કાંઈ બતાવ્યું નથી, અન્યતીર્થીકોની સાથે પરિચય કરવો તેમ પણ કાંઈ કહ્યું નથી અન્ય તીર્થીઓની પ્રશંસા કરવી તે પણ આજ્ઞા કરી નથી, તો ફેર શા કારણસર તેમને મિથ્યાત્વી કહેવા એવી શંકા કરે છે, કેવળ તારી શંકા કરેલી ખોટી છે, અને ગ્રહશાંતિ બનાવી તે તો અપવાદ માર્ગે બનાવી છે એવું ઉપર જણાવેલ છે. માટે તમારું કહેવું તદ્દન ખોટું ઠરે છે. વળી જૈનોને અન્ય તીર્થીઓનો પરિચય કરવો નહીં એટલા માટે દેશપાર જવું જોઈએ તે પણ તમારું ઉદ્ધતાઈનું વચન છે. કેમ કે અન્યતીર્થીઓનો ધર્માર્થે પરિચય કરવો નહીં અગર તેમની પ્રશંસા કરવી નહીં તેમ કહેલું છે એ ખરૂં અને વ્યાજબી છેતેનો તાત્પયાર્થ ગુરુ ગમ્મથી સમજ્યા વિના જે તમારું બોલવું છે, તે તદ્દન ખોટું છે. માટે તમારે સમજી લેવું કે જે પ્રમાણે કહેલું છે તેમાં અમને હરકત નથી તે પ્રમાણે જે જૈન વરતતો તેથી તેને સમકીતમાં દૂષણ લાગવાનો સંભવ છે. ધર્મસંબંધી આદિ બાબતમાં પણ અન્યતીર્થીઓની પ્રશંસા કરવી વહેવાર માર્ગે ઘટતી નથી, જેમ આપણે આપણા બાળકોને કહીએ છીએ કે જ્યાં સર્પનાં દર હોય ત્યાં રમવું નહીં. પણ જો તે વાત માને નહીં ને ત્યાં બાળકો રમે તો સર્પ કરડે એવો સંભવ રહે છે તેમ અન્યતીર્થીઓને માટે પણ સમજવું, અન્ય તીર્થીઓની સાથે ધર્માર્થે પરિચય કરવો નહીં એમ કહ્યું છે, પણ દેશપાર જવું એમ શાસ્ત્રમાં કંઈ લખ્યું નથી. જુઓ ભાઈ પ્રત્યક્ષ દાખલો, જૈમલ–જૈન મુનિનો તેમનું (કહેવા માત્ર પણ) સમકીત અન્યતીર્થીઓના પરિચયથી નાશ પામ્યું. તેમને જૈનધર્મી શ્રદ્ધા રહી નહીં એ પ્રત્યક્ષ જોવા જેવું છે. અમારા શાસનમાં જેમ અમારું કલ્યાણ થાય તેમજ બતાવેલું છે, તેમાં તમારા જેવાની કોઈ કુયુક્તિઓ કાંઈ ચાલવાની નથી. વળી અમે જૈમલને કહીએ છીએ કે તમો જો બૌદ્ધલોકોનો સંગ કરો તો તમોને તમોએ જે માર્ગ પકડ્યો છે તે ખોટો લાગશે, એમ કેમ ના કહી શકાય? માટે અસત્ય એવા ધર્મ ને તજીને જન્મ મરણદુઃખ નિવારણ કરનાર જૈનધર્મ અંગીકાર કરો.

૫. આયુષ્યકર્મ

દરેક મનુષ્યે જેટલું આયુષ્ય બાંધેલું હોય છે તે, તે પ્રમાણે જીવી શકે છે. કોઇ સો, કોઇ પચાસ, કોઇ પાંચ, પચીસ વર્ષ જીવે છે. એમ ચાર ગતિમાં આયુષ્ય કર્મ રહેલું છે. દેવતાઓ ૫ણ જેમને આયુષ્ય જેટલું કહેલું છે તે પ્રમાણે ભોગવે છે, અને મનુષ્ય, તિર્યંચ અને નારકી તે પણ પોતપોતાનું આયુષ્ય ભોગવે છે. આયુષ્યનો ક્ષય થયો કે જીવો, બીજી ગતિમાં ચાલ્યા જાય છે, તેનો ઘણો વિસ્તાર પન્નવણા, આચારાંગ, ઉત્તરાધ્યયન, વગેરેથી આયુષ્યકર્મ નહીં માનવા સંબંધીમાં જે જે જૈમલે કડાકૂટ કરી છે તે તો તદ્દન ખોટી છે, અને જો તે સંબંધીમાં વિશેષ ખુલાસો લેવાની મરજી હોય તો રૂબરૂમાં મળવું, કારણ રૂબરૂમાં મળ્યા થકી સર્વ શંકાએ સહેજમાં દૂર થશે. અત્રે ગ્રંથ ગૌરવના ભયને લીધે વધારે સ્પષ્ટીકરણ કરી શકતા નથી. આયુષ્ય કર્મ સત્ય છે અને તેને પ્રત્યક્ષ સર્વ મનુષ્યો અનુભવે છે. બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ; મીમાંસક, વગેરે સર્વે આયુષ્ય માને છે, તેમજ મુસલમાનો પણ આયુષ્યને માને છે તે સત્ય છે.

 

૬. નામ કર્મ

છઠ્ઠા નામ કર્મ ની ઉત્તરપ્રકૃતિ ૧૦૩ છે, તેનો વિસ્તાર કર્મ ગ્રંથ થકી જોઈ લેવો.

વજ્રરૂષભનારાચસંઘયણ વાળો જીવ પુરૂષવેદે મોક્ષે પણ જાય અને સાતમી નરકે પણ જાય પણ એ સંઘયણવાળી સ્ત્રી મરી મોક્ષે તો જાય પણ સાતમી નરકે ન જાય કેમ?

ખ્રિસ્તી–જૈમલ, નામ કર્મની ઉત્તર પ્રકૃતિ ૧૦૩ છે. તેમાં ૩૮ મી પ્રકૃતિ વજ્રરૂષભનારાચસંઘયણ નામે છે. તે સંઘયણ વાળો જીવ મોક્ષે પણ જાય અને સાતમી નરકે પણ જાય અને એ સંઘયણવાળી સ્ત્રી મરી મોક્ષે તો જાય પણ સાતમી નરકે ન જાય એ વિરૂદ્ધ છે.

જૈન–સાતમી નરકે જવું તે તો મનબળ વડે છે. સ્ત્રીને સાતમી નરકે જવા જેટલું મનોબળ નથી તેથી તે જતી નથી. કેમકે તે એવું મોટું પાપ કરી શકતી નથી,

ખ્રિસ્તી–ત્યારે મોક્ષે જાય એટલું મનોબળ સ્ત્રીમાં ક્યાંથી આવ્યું?

જૈન– ભાઈ હજી તું સમજ્યો નહીં ? જો, મોક્ષે જવું છે તે તો આત્માના બળ વડે છે, માટે સ્ત્રીને મોક્ષે જવું આત્માના બળ વડે છે, મનવચનકાયાદિબળ તે તો કર્મની પ્રકૃતી છે. માટે કર્મ ની પ્રકૃતિથી જે બળ પામવું તે તો ગતિ અને વેદ આશ્રી છે, અને જો ગતિવેદ અને બળ આશ્રી માનતા હો તો દેવો પણ મોક્ષે જવા જોઈએ; પણ તેમ કંઇ છે જ નહીં. મોક્ષે જવુ તેતો આત્માના બળ વડે છે. મોક્ષે તો જ્ઞાન, દર્શન અને ચારિત્રના આરાધન થકી જવાય છે, માટે વજ્રરૂષભનારાચ સંઘયણવાળો મોક્ષે જાય છે અને સાતમી નરકે જાય તે જ પ્રમાણે સ્ત્રી પણ જાય એમ કહેવાય નહીં.

 

ખ્રિસ્તી–દિગંબર લોકો સ્ત્રીને ત્યારે કેમ મોક્ષ માનતા નથી !

જૈન–દિગંખર નથી માનતા તે તેમની મતી કલ્પના છે. ૫ણ તેમનો ગોમઠસારનામે ગ્રંથ છે, તેમાં કહ્યું છે કે.

अडयाला पुंवेया इथ्थिवेयाय हुंति चालीसा ।

विसनपुंसगवेया, समयेणेगेण सिस्झंति ॥ (३)

પુરૂષવેદે ૪૮ એક સમયમાં મોક્ષે જાય, સ્ત્રી વેદે ૪૦, અને નપુસંક વેદે ર૦ જાય છે એમ કહેલું છે. માટે સ્ત્રી સાતમી નરકે જતી નથી અને મોક્ષે જાય એ વાત સિદ્ધ છે.

સિદ્ધનો લાલ વર્ણ છે એમ કહે છે તો સિદ્ધ ને નામ કર્મપ્રકૃતિ થઇ?

ખ્રિસ્તી–જૈમલ–નામ કર્મ ની (પર)મી પ્રકૃતિ લાલ વર્ણ છે, સિદ્ધનો પણ લાલ વર્ણ છે. માટે સિદ્ધમાં પણ લાલ વર્ણ સિદ્ધ થયો તો (પરં) મી પ્રકૃતિ સિદ્ધ થઇ;

જૈન–ભાઇ સિદ્ધના જીવને તો વર્ણ, ગંધ, રસ; સ્પર્શ કંઇ નથી તો વળી સિદ્ધમાં લાલ વર્ણ નામે (૫૨) મી પ્રકૃતિ ક્યાંથી સિદ્ધ થાય, કોઈ કાળે થવાની નથી. સિદ્ધ તો અરૂપી છે અને લાલવર્ણ તો રૂપી વસ્તુ છે, તો અરૂપીમાં રૂપીની કલ્પના કરવી તે ખોટી છે.

ખ્રિસ્તી–ત્યારે સિદ્ધ રાતા વર્ણે તમે કેમ માનો છો ?

જૈન–સિદ્ધચક્રના પદમાં સિદ્ધનો રક્તવર્ણ ગણ્યો છે, તે તો ધ્યાનથી મોક્ષે જતા અગ્નિની પેઠે કર્મ તપાવી નાશ કર્યા, તે કારણથી રક્તરંગની કલ્પના કરી છે. તેમણે કર્મ ને તપાવ્યાં તેથી એમ ઉપમા આપી લાલ વર્ણ માનીએ છીએ. જેમ સાધુ પદને કાળુ માનીએ છીએ, પણ શું સાધુઓ કૃષ્ણરૂપવાળા હોય છે? ના, નહીં; એ તો એક ઉપમા આપી છે.

ખ્રિસ્તી–

कृष्णादिद्रव्य साचिव्यात् । परिणामोयमाऽऽत्मनः ॥

स्फटिकस्येव तत्राऽयं । लेश्याशब्दः प्रवर्त्तते ॥

આ શ્લોકનો અર્થ એ છે કે–કૃષ્ણાદિ દ્રવ્યના પ્રાધાન્યપણા થકી થયેલો જે આત્માનો પરિણામ તેને લેશ્યા કહીએ; જેમ પાસે રહેલા રક્તાદિ પદાર્થોના યોગે સ્ફટિકરત્નનું શુદ્ધ સ્વરૂપ લોપ થઇ કૃષ્ણ નીલાદિકની પ્રાપ્તિ થાય છે, તેમ એ પણ રક્તલેશ્યા છે. તે તો આત્માના શુભાશુભપરિણામ રૂપ છે તો સિદ્ધમાં પણ રક્ત એવી લેશ્યા માનવી જોઇએ ?

જૈન–લેશ્યા તે તો પુદ્ગલ છે અને સિદ્ધમાં પુદ્ગલ નથી, તો લેશ્યા કયાંથી હોય ? માટે સિદ્ધને અલેશી કહ્યા છે. સિદ્ધોને લેશ્યા નથી તેઓને નવપદમાં અગ્નિતત્વની ઉપમા આપીને રાતા કહ્યા છે.

ખ્રિસ્તી–નામ કર્મની યાદીમાં ગતિના કર્મની પ્રકૃતિઓ આવે છે. ગતિ માનો છો તેમ સિદ્ધની ગતિ કેમ માનતા નથી? ગઈ (गति) ગમન કરવું એવો અર્થ થાય છે માટે સિદ્ધમાં પણ ગતિં માનવી જોઇએ. કારણ કે તે અહીંથી સિદ્ધસ્થાનમાં ગમન કરે છે.

જૈન– ભાઇ, गम्(गच्छ) ધાતુ ઉપરથી ગતિ શબ્દ થયેલો છે. કર્મગ્રંથમાં ગતિ ચાર કહેલી છે. ૧ દેવતાની ગતિ, ૨ મનુષ્યની ગતિ, ૩ તિર્યંચની ગતિ, ૪ નરકગતિ, એ ચાર ગતિ કહેલી છે. નામકર્મ ની ૧૦૩ પ્રકૃતિઓ કહેલી છે. તેમાં ગતિ ચાર કહેલી છે. તે ચાર ગતિઓ તો નામકર્મની પ્રકૃતિએ છે અને તે ચારગતિરૂપ નામકર્મ રૂપી છે. પાંચમી ગતિ સિદ્ધની ગતિ કહેલી છે, તેનો અધિકાર પન્નવણામાં છે. તેમાં પાંચમી ગતિ છે તે કર્મમાં નથી, તેથી સિદ્ધમાં કર્મ સિદ્ધ થતું નથી.

પાંચમી ગતિ છે તે કર્મજનિત નથી માટે સિદ્ધમાં ગતિનામ કર્મ નથી. જીવ થકી આઠ કર્મ દૂર થાય છે તે વખતે એક સમયમાં શુદ્ધ જીવ, સિદ્ધમાં જાય છે, તો તે એક સમયમાં જીવને મોક્ષ સ્થાન પ્રત્યે જવું તે આશ્રીને પાંચમી ગતિ કહેલી છે. ચાર ગતિઔની પેઠે સિદ્ધમાં જવાની ગતિ છે તે તો કર્મ જન્ય નથી, માટે પાંચમી સિદ્ધસ્થાન પ્રત્યે જવાની જે ગતિ તે નામ કર્મમાં કહેવાય નહીં. અહીંથી સિદ્ધસ્થાનમાં જતી વખતો આત્મા સર્વ કર્મરહિત હોય છે પણ પૂર્વકર્મના પ્રયોગથી એક સમય સુધી ગતિ રહે છે પણ પછીથી સ્થિરતા હોય છે.

૭) ગોત્રકર્મ

ઉંચ અને નીચ કુળ એ જગતમાં પ્રસિદ્ધ જ છે. ઉંચ કુળમાં ઉચ્ચ ગોત્રકર્મના યોગેજ જન્મ હોય છે, તેમજ નીચકુળમાં ૫ણ નીચ ગોત્રકર્મના યોગે અવતાર થાય છે. જુઓ, વિચારો કેટલાક બાળકોનો ચંડાળના કુળમાં જન્મ, અને વળી કેટલાકનો ક્ષત્રિય / વાણીયા કુળમાં જન્મ, આનું કારણ ઉચ્ચ અને નીચા છ ગોત્ર છે, એ સ્પષ્ટ જ છે. જો ઉંચ અને નીચ ગોત્રકર્મ ન હોય તો એક જ કુળમાં એટલે કે બાહ્મણ, વાણિયા, અગર તેવા કોઇ કુળમાં જ સર્વ નો જન્મ થવો જોઇએ. તેમ તો કાંઈ થતું નથી, તેથી ખુલ્લું જ જણાય છે કે, ગોત્રકર્મના યોગેજ ઉંચ અને નીચકુળમાં અવતાર થાય છે. માટે ગોત્રકર્મ માનવું એ સત્ય જ છે. આ બાબતમાં મી૦ જૈમલે જે શંકા કરી છે. તે તેની બધી મનઃકલ્પના છે. એવી કપોલકલ્પિત કુયુક્તિ લગાડેલી બીનાને વિદ્વાનવર્ગ તો વાંચી તેની તુલના કરે એમાં તો કાંઈ નવાઈ નથી, પણ અલ્પજ્ઞાનવાળા અને સાધરણ મનુષ્ય પણ આવા પ્રત્યક્ષ પ્રમાણની બાબતમાં હાસ્ય કરે, એમાં ના પાડી શકાય તેમ નથી, શાસ્ત્રમાં પણ કુળાદિમદને લીધે ઉપાર્જન કરેલા ઉંચ નીચ ગોત્રમાં અવતાર થયેલાના દાખલા ઘણા છે. જુઓ, મરીચીના ભવમાં બાંધેલા નીચ ગોત્રના ઉદય થકી મરીચિના ઘણા જ ભવો થયા, તેમનો જન્મ નીચ કુળમાં થયો અને અવશેષ બાકી રહેલા કર્મના યોગે જે ભવમાં મોક્ષલક્ષ્મી મળવાની હતી, તે જ ભવમાં પણ તેઓ દેવાનંદા બ્રાહ્મણીની કુખે ઉત્પન્ન થયા. આ ગોત્ર કર્મની પ્રબળતા નહિં, તો બીજું શું ? માટે ગોત્રકર્મ સત્ય છે. નીચ ગોત્રકર્મ થકી હલકાકુળમાં જન્મ થાય છે. અને ઉંચગોત્ર કર્મ થકી ઉત્તમકુળમાં જન્મ થાય છે. તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ ઉંચગોત્રકર્મના યોગો ઉંચ કુળમાં જ અવતરે છે. રૂષભદેવસ્વામીના પહેલાં જુગલીઓમાં ૫ણ ગોત્રકર્મ હતું. પ્રાયઃ તેમનું ઉંચગોત્ર સંભવે છે; માટે ગોત્ર કર્મ એ સત્ય છે, અને તેના યોગે ઉંચ ગોત્રમાં જન્મવાપણું થાય છે. યુરોપ બાદ સર્વ દેશોમાં ઉંચા અને નીચાનો ભેદ છે તે જ ગોત્રકર્મ છે.

૮ અંતરાય કર્મ.

અંતરાયના ભેદ પ છે.

૧ દાનાંતરાય,

ર લાભાંતરાય,

૩ ભોગાંતરાય

૪ ઉપભોગાંતરાય,

પ વીર્યાંતરાય,

દાનાંતરાય તુટે છે એટલે દાનની પ્રાપ્તિ થાય છે, લાભાંતરાય તુટે છે એટલે લાભની પ્રાપ્તિ થાય છે. ભોગાંતરાય તુટે છે એટલે ભોગ મળે છે, ઉપભોગાંતરાય તુટે છે એટલે ઉપભોગની પ્રાપ્તિ થાય છે, વીર્યાંતરાય, તુટે છે એટલે વીર્યની પ્રાપ્તિ થાય છે.

મી૦ જૈમલ કહે છે કે, તમારું માનેલું અંતરાયકર્મ તેમાં વિરોધ આવે છે, તે વાત ખોટી છે. કારણ કે તે વાત તો પ્રસિદ્ધ જ છે કે, જે પુરૂષને જે વસ્તુનો અંતરાય તુટે છે ત્યારે તે વસ્તુની પ્રાપ્તિ થાય છે. જેમકે, કોઇ પુરૂષ, ઘણા પ્રકારે મહેનત કરે છે તે છતાં તેને અંતરાયનો ઉદય હોય તો કાંઈ પણ મળતું નથી અને કેટલાકને તેવા અંતરાયકર્મના અભાવે સહજમાં પણ ધારેલ ફળની પ્રાપ્તિ થાય છે. વળી કોઇ લક્ષાધિપતિ, એક દિવસમાં એક કલાક મહેનત કરે છે અને એક ભીખારી આખો દિવસ ઘણો જ પ્રયત્ન કરે છે તોપણ તેને સંધ્યાકાળે લક્ષાધિપતિના સોલમા અંશે પણ મળતું નથી. એમ શાથી થાય છે? જ્ઞાનદૃષ્ટિએ વિચારતાં સહજ સમજાશે કે એ બધું પૂર્વકૃત અંતરાયકર્મ ના ઉદયે જ થાય છે. કર્મ બે પ્રકારે હોય છે. એક તો નિકાચિત બંધવાળાં એટલે જેને ઘણો કઠીન બંધ હોય છે તે, અને એક શિથિલ બંધવાળાં હોય છે. જે શિથિલ બંધવાળાં કર્મ હોય છે. તે ઉદ્યમ કરવાથી તુટી જાય છે અને ઉત્કૃષ્ટ નિકાચિત બંધવાળાં હોય છે તે કર્મ તો તુટતાં નથી. પુણ્યની વૃદ્ધિ થાય તો શિથિલ બંધવાળું અંતરાય કર્મ તુટી જાય છે.

કોઈનું મર્મ ઉઘાડવુ નહીં એ નિયમ છતાં નેમિનાથ તીર્થંકરે કૃષ્ણની આગળ સોમલ બ્રાહ્મણનું મર્મ કેમ પ્રકાશ્યું?

મી૦ જૈમલે લખ્યું છે કે અરિહંતના ચોત્રીસ અતિશયમાં વચનાતિશય નામે બાવીસમા ભેદમાં કોઈનું મર્મ ઉઘાડવુ નહીં એમ છતાં તમારા નેમિનાથ તીર્થંકરે કૃષ્ણની આગળ ગજસુકુમાળને સોમલ બ્રાહ્મણે દુઃખ દીધું અને તેથી તે મરણ પામ્યો એવું મર્મ પ્રકાશ્યું તેથી તો તમારા તીર્થંકરે પારકો મર્મ ઉઘાડ્યો એ વાત સિદ્ધ ઠરી.

આવું જૈમલનું લખવું છે તે ખોટું છે. કારણ કે તમો મર્મ શબ્દનો ભાવાર્થ પણ સમજ્યા નથી, અગર તો જાણી બુજીને કુયુક્તિવડે લોકોને ભ્રમમાં ભોળવવા પ્રયત્ન કરો છો.કારણ કે નેમિનાથજીએ કહ્યું તેથી કાંઈ કોઇનું પણ મરણ થયું નથી. કૃષ્ણે સ્વભાવિક રીતે પુછવાથી સ્વાભાવિક યથાર્થ કે જે કોઈને પણ બાધા ઉપજાવવાની કોઈ પણ પ્રકારની પોતાની તેમજ પ્રશ્નકારની ધારણા નહીં હોવાથી કહ્યું, એમાં કાંઈ મર્મ ઉઘાડ્યો નથી, અને એ બાવીસમા અતિશયમાં કહેલા પ્રકારમાં કોઈપણ જાતનો વિરોધ આવતો નથી એ વાત જ સત્ય છે.

કુર્માપુત્ર કેવળજ્ઞાન ઉપન્યા પછી છ મહીના ઘરમાં રહ્યા તે માતા પિતાના ઉપરની ઉપકાર બુદ્ધિએ રહ્યા હતા, તેઓ કાંઇ કર્મના જોરથી રહ્યા નહોતા. માતા પિતા એકદમ તેમનો વિરહ ખમી શકે એમ નથી એવું જ્ઞાન વડે તેમના જાણવામાં હોવાથી અને એમ કરવું હાલ ઉચિત છે, એમ સર્વજ્ઞતાને લીધે સમજ્યાથી ઘરમાં રહીને તેમણે માતા પિતાને ધર્મોપદેશ દીધો હતો. આ સ્યાદ્વાદ જૈનધર્મ નું રહસ્ય સમજ્યા વિના મી૦ જૈમલ પોતાનો મન માનતો મે તેવો તર્ક ગોઠવી બેસાડે છે, તેથી અમારું તો કાંઈ જવાનું નથી પણ અમોને તે ભાઇની દયા આવે છે કે એવા કુતર્ક ઉઠાવી કેવાં કર્મ તે ઉપજાવી કેવી ગતિનો બંધ બાંધશે, તે તો જ્ઞાનીગમ્ય વાત હોવાથી નિશ્ચયપણે અમો અમુક ગતિ માટે કહી શકતા નથી, તથાપિ આડે માર્ગે જનાર અટવાય એવી તો સ્વાભાવિક ધારણા બાંધી શકાય છે.

ચોરી કરવા જતા ચોરને કાંઈ વસ્તુ ન મળે તો એને ક્યો અંતરાય કહીયે?

વળી ખ્રિસ્તી મી૦ જૈમલ લખે છે કે કોઈ ચોરી કરવા જાય છે અને ચોરને કાંઈ વસ્તુ ન મળે તો એને ક્યો અંતરાય કહીયે? અને કોઈ શિકાર કરવા જાય છે તેને શિકાર ન મળે તો કયો અંતરાય જાણવો? વળી લોકો પાપ કરે છે તેને પાપ કરે છે એવું કેમ તમે કહો છો?

તે વિષે ખુલાસો કે–ન્યાયથી ચાલે અને શુભનો ઉદ્યમ કરે તે છતાં તે વસ્તુ ન મળે તો તેને શુભ લાભાંતરાય જાણવો અને અન્યાયથી ચાલે અને ના મળે તો અશુભલાભાંતરાય જાણવો. એમાં કોઈ પણ પ્રકારે હરકત જેવું નથી, અને જે પાપ કરે છે તેને પાપ છે એમ કહેવામાં આવે તો ન્યાય અને અન્યાય એવા શબ્દોનો જે લોકોમાં વ્યવહાર છે તે ચાલશે નહિં. અંતરાયકર્મ નિકાચિત હોય તો અવશ્ય ભોગવવું પડે છે, નહિ તો તુટી જાય છે. ધર્મ કર્મ કરવાથી તથા ઉદ્યમ કરવાથી; માટે એમાં કોઈ પણ પ્રકારનો સંશય કરવો નહીં. કર્મ તુટવાનો ઉપાય તપસ્યાદિક છે. તેથી જે કર્મ નિકાચિત નથી હોતાં તે તુટી જાય છે અને નિકાચિત હોય તો ભોગવવાં પડે છે.

જૈનસાધુઓ કોઇ કોઇને અંતરાય કરતા નથી. જેમકે બીલાડી ઉંદરને મારે છે ત્યારે તમારા સાધુઓ છોડાવતા નથી. કેમ?

વળી મી૦ જૈમલ લખે છે કે તમારા જૈનસાધુઓ કોઇ કોઇને અંતરાય કરતા નથી. જેમકે બીલાડી ઉંદરને મારે છે અને કુતરો બીલાડીને મારે છે ત્યારે તમારા સાધુઓ છોડાવતા નથી.

જૈમલની આ વાત તદ્દન ખોટી છે. કેમકે એવો ધર્મ અમારો જૈનનો નથી. આવો ધર્મ તો કોઈ મૂઢનો હશે. મી. જૈમલે જે વગર વિચારે વાત લખી છે, તેમાં કોઇને પણ વિશ્વાસ કરવા જેવું નથી. એવું અમારા કોઈ પણ પુસ્તકમાં નથી કે બીલાડીને કુતરો મારતો હોય તો ન છોડાવવો, કેમકે સાધુને તો સર્વજીવ ઉપર દયાના પરિણામ હોય છે.

જે કોઇ માંસ ખાતું હોય તો તેણે એમ જાણવું કે મારે અંતરાય તુટ્યો છે, અને જે નથી ખાતા તેને અંતરાય છે. કેમ એમ નહિં?

વળી જૈમલ લખે છે કે, જે કોઇ માંસ ખાતું હોય તો તેણે એમ જાણવું કે મારે અંતરાય તુટ્યો છે, અને જે નથી ખાતા તેને અંતરાય છે. આ વાત આકાશ કુસુમની પેઠે અસંભવિત છે; કેમકે માંસ ખાવું એ ખોટી બુદ્ધિ વિના સૂજતું નથી. સારી બુદ્ધિવાળા પુરુષોને માંસ ખાવાની કિંચિત્ પણ ઇચ્છા હોતી નથી. માંસ ખાવાવાળા પુરૂષોને ઉપદેશ દેવો કે માંસ ખાશો તો તમો દુર્ગતિમાં જાશો અને નહિ ખાશો તો તમારી સારી ગતિ થશે. વળી જે લોકો માંસ ખાય છે, તેની બુદ્ધિ નિરંતર ખોટી જ રહે છે; અમારા જૈન ધર્મમાં તેમજ બીજા પણ ઘણા ધર્મ માં એ વાત પ્રસિદ્ધ છે કે કોઈપણ જીવનો વધ કરવો નહીં અને કરવા દેવો પણ નહીં; સર્વજીવો પર દયાના પરિણામ રાખવા. જેમ આપણા પોતાના જીવને કોઇ પણ કિંચિત્ પીડા કરે છે ત્યારે આપણા મનમાં ઘણું જ દુઃખ ઉત્પન્ન થાય છે અને આપણે તેને નીસાસો પણ દઈએ છીએ. તેમજ બીજા જીવોને આપણે મારી નાંખીશું ત્યારે તેને કેમ પીડા નહીં થાય? અર્થાત્ થશે જ, અને જીવની હત્યાનું પાપ આપણને લાગશે જ; હવે વેપાર રોજગાર, ઘર બંધાવવું; ઇત્યાદિક જે આરંભો છો તેમાં જે જીવો મરી જાય છે એ વાત પ્રત્યક્ષ માલુમ પડે છે, ત્યારે ખ્રિસ્તી જૈમલે જે કહ્યું કે વેપાર રોજગારમાં કોઇ પણ પ્રકારનું પાપ નથી તે વાત વિદ્વાન લોકોને વિચારવા જેવી છે કે જે વાત પ્રત્યક્ષ દેખાય છે, તેને પોતાની મતિ કલ્પનાથી કહેવું કે એમાં પાપ નથી. તે વાત માનવા લાયક નથી.માટે સર્વ જીવો ઉપર આપણે દયાના પરિણામ રાખી સર્વજીવોનું રક્ષણ કરવું, કેમકે સર્વ જીવો જીવવાની ઇચ્છા કરે છે, એ વાત સર્વે ધર્મ વાળા માને છે, કોઈ મૂઢમતિ નહીં માનશે તો તે એના કર્મનો દોષ. વળી નિકાચિત એવું જે અંતરાય કર્મ હોય તો તેના નાશાર્થે ઘણો પ્રયત્ન કરે તથાપિ કાંઇ પણ વળતું નથી. માટે અંતરાયકર્મ સત્ય છે. એમાં કાંઇ પણ સંશય નથી, અને કુયુક્તિકારના લેખથી કોઇપણ દક્ષપુરૂષ ભરમાવાનો નથી, એમ અમો તો નિઃસંદેહ માનીએ છીએ.

વળી અંતરાયાદિકર્મ વિષે ઘણો વિસ્તાર છે, તે અમારા મોટા ગ્રંથો જોવાથી માલુમ પડશે, ઉપર પ્રમાણે અંતરાય કર્મ સત્ય છે. એમ નહિ માને તે મિથ્યાત્વી છે, અને જે ઉત્સૂત્ર ભાષણ કરે છે, સત્ વસ્તુને અસત્ કહે છે અને અસત્ ને સત્ કહે છે, તેઓ વીતરાગના વચનના અનુસારે આ ચાર ગતિમાં ભમ્યા કરશે. જે મનુષ્યો પોતે પણ અસત્ વસ્તુને ગ્રહણ કરે છે, અને બીજાની પાસે ગ્રહણ કરાવે છે. તે મહાપાપની રાશિ એકઠી કરે છે. મી૦ જૈમલ પદમીંગજીએ પોતે અસત્ય માર્ગ ગ્રહણ કર્યો અને બીજાઓને પણ અસત્ય માર્ગ ગ્રહણ કરાવવાને વાસ્તે ખરાને ખોટું સમજાવતાં જતા સૂર્ય સામી ધૂળ ઉડાડવાની જેમ તેને થશે અને તેથી તેની અમને દયા ઉત્પન્ન થાય છે કે આવા જીવની શી ગતિ થશે? ગપાષ્ટીક ગોળા ફેંકનાર ઉપર આ પ્રસંગે એક દૃષ્ટાંત યાદ આવે છે તે હું નીચે ટાંકું છું:

 

એક નગરીમાં રાજાનો એક દીકરો અંધ હતો તેને દાન દેવાની ટેવ પડી હતી. દરરોજ તે પોતાની પાસેનાં કડાં, કંઠી વિગેરે યાચક લોકને આપવા લાગ્યો, તેનો પિતા પણ પોતાના અંધપુત્રના કહ્યા પ્રમાણે ભંડારમાંથી ધન આપતો હતો, એમ ઘણા દિવસો થઈ ગયા, ત્યારે પ્રધાને વિચાર કર્યો કે, આ રાજાનો અંધ દીકરો ભંડારનું સઘળું ધન ઉડાવી નાંખશે, માટે તેનો કોઈ ઉપાય કરવો જોઈએ. એમ ધારીને તેણે પીતળનાં કડાં, કડીઓ વિગેરે ઘડાવીને રાજાના અંધપુત્રને આપ્યા અને તેને કહ્યું કે, હું તને સોનાનાં કડાં કંઠીઓ આપું છું. યાચક લોકો તને કહેશે કે, તે પીતળનાં છે તો તું માનતો નહીં. તને મારા ઉપર વિશ્વાસ હોય તો તે લોકોનું ખોટું કહેલું સાચું માનીશ નહીં. પછી અંધપુત્રે કહ્યું કે, તમારા જેવા પ્રધાનનું કહ્યું કદાપિ કાળે હું ખોટું માનવાનો નથી. એમ કહ્યા પછી પ્રધાન તો પોતાને ઘેર ગયો. હવે યાચક લોકો રાજાના દીકરા પાસે દાન લેવા આવ્યા. રાજાનો પુત્ર કડાં કહી આપવા લાગ્યો તે જોઈ યાચક લોકો કહેવા લાગ્યા કે, અરે રાજપુત્રજી ! આ તો પીતળનાં છે. ત્યારે રાજાના અંધપુત્રે કહ્યું કે. તમે ગાંડા છો. આ તો સોનાનાં છે. પેલા યાચક લોકો પાછા કરગરીને કહેવા લાગ્યા કે, સાહેબજી? આતો પીતળનાં છે. ત્યારે રાજાના અંધપુત્રે કહ્યું કે હું તમારું કહ્યું કદાપિ કાળે સાચું માનવાનો નથી, લેવાં હોય તો લ્યો નહિતર પાછા ચાલ્યા જાઓ, ત્યારે બીચારા યાચક લોકો નિરાશ થઈને ચાલ્યા ગયા. આમાં સમજવાનું કે તે રાજાનો પુત્ર ઘણો મૂર્ખ હતો, તેથી તેણે જેમ યાચક લોકોનું ખરૂં કહેલું પણ સાચું માન્યું નહીં અને પોતાનો દાનધર્મ બંધ પાડ્યો. તેમ અજ્ઞાનના આવરણે આચ્છાદિત ખ્રિસ્તી મી. જૈમલ સત્સાધુ જૈન ધર્મ થી પરાંઽમુખ થઈ કદાગ્રહથી પોતાનું હાલ માનેલું ખરૂં કરવું ધારે છે, તે કદાચ પોતે ઉપર દર્શાવેલ રાજપુત્રના જેમ ખરૂં માની બેસે તેમાં તો નિરૂપાય ! પણ જેનામાં થોડી ઘણી પણ બુદ્ધિ છે તે તો તેના તેવા હજારો ઉપાયોને અને કુયુક્તિઓને સત્ માનવાના નથી જ, અને વિશેષમાં તેની હાંસી કરશે એથી ખેદ થાય છે. જ્યારે એ ભાઈ જૈન સાધુ થયા ત્યારે એ જૈનધર્મ ને સત્ય માનતા હતા અને જ્યારે તે મનની દરેક કોઈ કામના ફળીભૂત કરવા ખ્રિસ્તી બની બેઠા ત્યારે તે ખ્રિસ્તીધર્મ સત્ય છે, એમ પોકારવા લાગ્યા. માટે એ બેમુખે બોલનાર પોતાને મન માનતા કુર્તકો ઉઠાવી કુયુક્તિ લગાવી લોકોને ભરમાવવા જાય, તેથી લોકો તો ભરમાવવાના નથી પણ તેમની પોતાની કીંમત થશે એ તો ખરૂં. અનાદિકાળથી સિદ્ધ એવો જૈનધર્મ જગતમાં અનાદિકાળ જયવંતો વર્તશે અને જે જે કુયુક્તિઓ કરવામાં આવે છે તે મિથ્યા હોઈ મિથ્યા થશે. માધ્યસ્થ દૃષ્ટિયુક્ત માધ્યસ્થ પુરુષો જ ધર્મ ની પરિક્ષા કરી શકે છે.

 

નિગોદવિચાર.

જીવનું મૂળસ્થાન નિગોદ છે. જ્યાં સુધી વ્યવહારરાશિમાં જીવો ન આવે ત્યાં સુધી તે સૂક્ષ્મનિગોદિયા કહેવાય છે ત્યાં રહીને તેઓ મહા દારૂણ દુઃખ ભોગવે છે. નરકના જીવના કરતાં અનંતી વેદના નિગોદિયા જીવોને થાય છે. એક શ્વાસોચ્છવાસમાં નિગોદનો જીવ સાડા સત્તર ભવ કરે છે. જુવાન નીરોગી પુરુષ (૩૭૭૩) ત્રણ હજાર સાતસો ને તોતેર શ્વાસોશ્વાસ લે, એટલામાં નિગોદિયા જીવ ને ( ૬૫૫૩૬ ) પાંસઠ હજાર પાંચસો ને છત્રીસ ભવો કરવા પડે છે. સાતમી નરકમાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય છે, તેત્રીસ સાગરોપમના જેટલા સમયો થાય તેટલા ફેરા તેત્રીસ સાગરોપમને આઉખે સાતમી નરકમાં એક જીવ ઉપજે, તેનું દુઃખ સર્વો ભેગું કરીયે ત્યારે તે થકી અનંતગણું દુઃખ એક સમયમાં નિગોદના જીવને થાય છે. આ પ્રરૂપણા અનંતજ્ઞાની તીર્થંકર મહારાજની છે. તે વાત શ્રદ્ધાગમ્ય છે. તેમાં કુયુક્તિ કરવી તે મિથ્યા છે. કારણ કે જીનેશ્વર ભગવાન અનંતજ્ઞાની હતા, તેમણે જેવું દીઠું તેવું કહ્યું છે, જેને રાગ દ્વેષ નથી એવા વીતરાગભગવાનની વાણી સત્ય કરી માનવી જોઇએ, એ બાબતમાં જૈમલ પદમીંગજીએ જે જે અજ્ઞાનથકી કુયુકિતઓ કરી છે તે કેવળ ખોટી છે અને તેના કોઈ પણ વચન ઉપર વિશ્વાસ કરવો નહીં.

સાતમી નરકના કરતાં નિગોદના જીવને શી રીતે અનંતગણું દુઃખ થાય ?

ખ્રિસ્તી–જૈમલ જણાવે છે કે સાતમી નરકના કરતાં નિગોદના જીવને શી રીતે અનંતગણું દુઃખ થાય ? આનો શો ખુલાસો છે.

જૈન–સાંભળ ભાઈ, એક શ્વાસોચ્છવાસમાં સાડા સત્તર ભવ કરવા પડે છે. હવે એના કરતાં વધારે દુઃખ કયું સમજવું. બિચારા નિગોદના જીવને એક સમયની પણ વિશ્રાંતિ નથી. તેને વારંવાર જન્મ મરણ થયાં કરે છે, તે બહુ જ ( અતુલ્ય) દુઃખ જાણવું.

ખ્રિસ્તી–ઠીક, પણ આ તમારો જવાબ જૈમલના કહેવા પ્રમાણે વિરૂદ્ધ લાગે છે. કારણ કે તે જણાવે છે કે, મરનાર માણસને મરણ વખતે દુઃખ હોતું નથી એને જન્મ થતી વખતે એવી પીડા થાય તો જન્મે કેમ ! કેમ કે તે વખતે એક ઘણું જ નાનું ને કોમળ બચ્યું હોય છે, માટે જો તેમને એવું જ દુઃખ થાય તો ખરેખર જીવે જ નહીં. આમાં તમે શું કહો છો?

જૈન–વાહ ! આ શું અને કેવી કુયુક્તિ ? શું તેને પંડિત પુરૂષો માન્ય કરવાના કૈં? ના, નહીં જ કરે. સાંભળો, મરનાર માણસને મરણ વખતે દુઃખ હોતું નથી એ વાત ખોટી છે. એમ તમો કહો છો પણ તેની ખાત્રી કરવા માટે તમોએ જો કોઈ મરવાની તૈયારીમાં આવેલા મનુષ્યને પુછ્યું હોત કે, ભાઈ? તને આ વખતે કેવું દુઃખ પડે છે. તો તરત જ તમને ઉત્તર મળશે કે કોઈપણ વખતે નહીં ભોગવેલું એવું દુઃખ ભોગવું છું. સૌને મરણ વ્હાલું લાગતું નથી, જીવવું સૌને વ્હાલું લાગે છે. વળી ઇસુને વધસ્થંભ ઉપર ચડાવ્યા ત્યારે તેને શું દુઃખ માન્યું નહીં હતું? શું તેણે સુખ માન્યું હતું ? જો મરનારને દુઃખ ન થતું હોત તો મરણ આવશે એવું સાંભળવા માત્રથી જીવને જે ભય થાય છે, તે તેને નહીં થતાં હરખ થવો જોઇએ, પણ હરખ થતો નથી, માટે મરણ સમાન કોઇ પણ દુઃખ નથી. વળી બાહ્મણ, મીમાંસક, નૈયાયિક વગેરે દર્શનવાળા પણ એમ જ માને છે. માટે મરણ સમાન કોઈપણ દુઃખ છે નહીં. વળી માતાની કુખમાં નવમાસ સુધી રહેવું પડે છે. ત્યાં ઉંધે મસ્તકે જીવ રહે છે, સૂર્યનો પ્રકાશ પણ ત્યાં નથી, અને જન્મ થતી વખતે પણ અત્યંત દુઃખ પડે છે. માટે જન્મ મરણ સમાન કોઈપણ મોટું દુઃખ નથી. જન્મ મરણનું દુઃખ નિગોદના જીવને વારંવાર વેઠવું પડે છે, માટે નિગોદમાં અનંત દુઃખ કીધું છે, તે સત્યજ છે.

ઘટે ન રાશિ નિગોદકી, વધે ન સિદ્ધ અનંત. જેમ મેશની દાબડીમાં મેશ ભરેલી હોય છે, તેમ ચૌદ રાજલોકમાં જીવો વ્યાપીને રહેલા છે.

“ઘટે ન રાશ નિગોદ કી, વધે ન સિદ્ધ અનંત.” સંસારમાં ગમે તેટલા જીવો હોય પણ સંસારમાંથી ઓછા થવાં જોઈએ અને સિદ્ધમાં વધારે થવા જોઈએ; તે કેમ ન થાય ?

ખ્રિસ્તી–જૈમલ કહે છે કે,

ઘટે ન રાશ નિગોદ કી, વધે ન સિદ્ધ અનંત.

એટલે સંસારના જીવો ઘટતા નથી અને સિદ્ધમાં વધતા નથી. તેમ જ સંસારમાં અન્ય જીવો ઉત્પન્ન થતા નથી અને સિદ્ધમાંથી પાછા આવતા નથી. આ ઉપરથી બુદ્ધિમાન સમજી શકશે કે ચૌદ રાજલોકની વાતો તથા સિદ્ધમાં જવું એ બધી વાતો મનઃકલ્પિત છે. ગમે તેટલા જીવો હોય પણ સંસારમાંથી ખુટવા જોઇએ તો સંસારમાંથી ઓછા થવાં જોઈએ અને સિદ્ધમાં વધારે થવા જોઈએ; તે કેમ ન થાય ? આનો હવે તમે શો ઉત્તર આપો છો વારૂં?

જૈન––જો તમે જૈન ધર્મનું જ્ઞાન, ગુરુગમ્યથી લીધું હોત તો સાચું સમજત પણ સુંઠને ગાંગડે ગાંધીપણું માનનાર અર્થાત્ મી૦ જૈમલ જેવા જૈનધર્મનું રહસ્ય જાણવાનું ખોટું અભિમાન ધરાવી કુયુક્તિવડે લોકોને ભ્રમમાં ભુલાવો ખવડાવવા જતાં પોતાની હાંસી થશે એમ નહિ જાણનારે જેમ કડછી બધી જાતના ભોજનમાં અથડાય છે, છતાં તે કડછી જેમ કોઈપણ જાતનો રસ જાણી શકતી નથી. તેમ સમજવું જોઈએ કે તેને જૈનધર્મનું તત્ત્વ હાથ આવ્યું નથી. તે સમજ્યો નથી.

ઘટે ન રાશિ નિગોદકી, વધે ન સિદ્ધ અનંત.

એનો અર્થ એવો તેણે કર્યો છે કે સિદ્ધમાં વધતા નથી અને સંસારમાં જીવ ધટતા નથી. પણ એ પદનો અર્થ એવો થતો નથી, એ અર્થ કરેવામાં મોટી ભૂલ કરેલી છે,તેનો ખરો અર્થ આ પ્રમાણે છે;

“ઘટે ન રાશિ નિગોદ કી, વધે ન સિદ્ધ અનંત” ઐટલે “નિગોદના જીવની રાશિ ઘટતી નથી અને અનંતા સિદ્ધ જીવો છે તે અનંત સંખ્યાની ઉપર બીજી સંખ્યા નહીં હોવાથી અનંત સંખ્યાની ઉપર વધતા નથી અર્થાત્ અનંત સંખ્યાના સરવાળામાં સમાઈ જાય છે. વધતા નથી” કારણ કે અનંત શબ્દમાં સર્વે જીવોનો સમાવેશ થાય છે. એમ સમજવું જોઈએ. વળી આગળ વાક્યમાં જૈમલ પદમીંગજીએ જે ભૂલ કરેલી છે તે બતાવું છું “તેમજ સંસારમાં ઉત્પન્ન થતા નથી” એ વાક્ય જે લખ્યું છે તેનો અર્થ સમજાતો નથી, કારણ કે એ વાક્ય બીજા વાક્યને અપેક્ષા વિનાનું નિરર્થક છે, તે વાંચવાથી માલમ પડશે, વળી જુઓ એ પદના અર્થ સંબંધમાં એક સહજ દૃષ્ટાંત બતાવું છું, ગંગા નદીમાંથી દર વર્ષે તણાતી તણાતી કેટલી રેતી સમુદ્રમાં જાય છે.. તેમજ લાખો વર્ષોથી ગંગા વિગેરે સેંકડો નદીઓમાંથી રેતીના ઢગલે ઢગલા સમુદ્રમાં જાય છે; તો પણ તે રેતીથી સમુદ્ર કાંઈ પૂરાતો નથી. તેમજ નદીમાંથી કાંઈ રેતી ઓછી થતી નથી, તેવી જ રીતે અહીંયા પણ સમજવું, વળી જુઓ દૃષ્ટાંત બીજું –ત્ર ણે કાળના સમય કરતાં પણ નિગોદમાં અનંતગુણ જીવો રહે છે. સમય સમયે એકેકો જીવ જાય તો પણ ખાલી ન થાય. બબ્બે ત્રણ ત્રણ જીવ એક સમયે જાય તો પણ ખાલી ન થાય.

गोळाय असंखिज्जा असंखनिगोय हवई गोळो ॥

इकिकककंमि निगोए । अणंतजीवा मुणेअव्वा

સંસારમાં સંખ્યાતા ગોળા છે. હવે ગોળો કોને કહેવો તે જણાવે છે.

असंखनिगोय हवई गोळो

અસંખ્યાતી નિગોદે એક ગોળો થાય છે. હવે નિગોદમાં કેટલા જીવો હોય છે, તે બતાવે છે.

એકેક નિગોદમાં અનંતા જીવો રહેલા છે. સમુદ્રનું પાણી દિવસ પ્રત્યે લાખો કરોડો માણસો ભરે છે, ઢોળે છે, વાપરે છે, તે પ્રમાણે લાખો વર્ષોથી વપરાય છે, ઢોળાય છે, ભરાય છે, તો પણ જેમ તેમાંથી પાણી ઘટતું નથી; તેમ નિગોદમાંથી જીવો પણ કોઈપણ દિવસે ઓછા થતા નથી; એમ વીતરાગના વચનથી શ્રદ્ધા કરવી.

 

ભવી તથા અભવી ( પ્રકરણ છઠું )

જીવોના પાંચસોને ત્રેસઠ ભેદ થાય છે. તે આઠ કર્મ સહિતના સમજવા. તેનો વિચાર વિશેષ, શાસ્ત્ર થકી જાણવો. પણ થોડા સંક્ષેપથી અહિં બતાવું છું. ૪૮ તિર્યંચના, ૧૪ નારકીના, ૩૦૩ મનુષ્યના, ૧૯૮ દેવતાઓના, સર્વે મળી પાંચસો ને ત્રેસઠ ભેદ થયા.

ખ્રિસ્તી–ભવી જીવો પોતાની ભવસ્થિતિ પૂરી કરી મોક્ષે જાશે ત્યારે ભવી કોઇપણ સંસારમાં રહેશે નહીં !

જૈન–કોઈપણ દિવસ સર્વે અનંતાભવી જીવો સંસારમાંથી ખૂટવાના નથી. તેને માટે સમુદ્રના પાણીનું દૃષ્ટાંત જાણવું, તથા ગંગા નદીમાંથી સમુદ્રમાંથી જનાર રેતીનું દષ્ટાંત પણ જાણવું. નિગોદ સંબંધીની ઘણી સૂક્ષ્મ હકિકત છે, દૃષ્ટાંતથી એ વાત સમજી શકાય છે. દૃષ્ટાંત પણ એક દેશી, કેટલાક હોય છે. માટે કેવલીના વચનમાં જરાપણ શંકા કરવી નહીં એ જ હિતકારી છે.

 

સર્વવ્રતી. (પ્રકરણ સાતમું)

महाव्रतधराधीरा, मैक्षमात्रोपजीविनः ।

सामायिकस्था धर्मो,-पदैशका गुरवो मताः ॥

ગુરુઓ, અર્હિસાદિ પાંચ મહા વ્રતના ધારણ કરનારા હોય છે, તથા પાળનાર હોય છે. આપદા આવે તો પણ પોતાના વ્રતને દૂષણ લગાડે નહીં, તથા બેતાલીસ દોષ રહિત મધુકરની (ભમરાની) પેઠે ગોચરી લેવી, તેમાં પણ પાંચ દોષ માંડલાના ટાળે છે અને શરીરનું પોષણ કરે છે, તથા ભવીજીવોને સંસારસમુદ્રમાંથી તારવાને માટે ઉપદેશ આપે છે.

ખ્રિસ્તીધર્મમાં માછલી ખાવામાં પાપ માન્યું નથી એ મહાન અજ્ઞાન ભરેલું છે.

જૈન–જૈમલ પદમીંગજીને સાધુનું પહેલું વ્રત કયું હોય છે તેની પણ ખબર હોય એમ માલમ પડતું નથી, અને જેમ ફાવે તેમ બીજાનાં ખોટાં દૂષણ કાઢવા પ્રયત્ન કરે છે. કારણ કે એને જો પહેલાં અહિંસાવ્રતની ખબર હોત તો માછલી ખાવામાં ધર્મ છે એવો ખ્રિસ્તીધર્મ અંગીકાર કરત નહીં, કારણ કે સર્વે લોકો જાણે છે કે આપણો જીવ આપણને વહાલો હોય છે. તેમ સર્વે ને પોતાના પ્રાણ વહાલા હોય જ છે, પણ ખ્રિસ્તીધર્મમાં માછલી ખાવામાં પાપ માન્યું નથી એ મહાન અજ્ઞાન ભરેલું છે. પાપમય ધર્મ તો અજ્ઞાની જ અંગીકાર કરશે. જ્ઞાનવાન તો દયામય ધર્મને જ પાળશે અને તેને પ્રણામ કરી અંગીકાર કરશે.

વળી મી૦ જૈમલને સંસ્કૃતનો અભ્યાસ પણ બાપ દીકરાના દષ્ટાંત પણે હશે એમ જણાય છે, તે દૃષ્ટાંત નીચે મુજબ–

એક મનુષ્યને એક દીકરો હતો. તેને સંસ્કૃત ભાષા બોલવાની ઘણી મરજી હતી પણ વ્યાકરણનો અભ્યાસ તેણે કર્યો નહોતો, તેમ છતાં પણ પોતાના પિતાને તેણે કહ્યું કે, હે પિતાજી! આજથી હું તમારી સાથે સંસ્કૃતભાષામાં બોલીશ; પિતા કહ્યું કે, બહુ સારૂં. એક દિવસ તે છોકરો ખાવા બેઠો ત્યારે ભાણામાં ભાત પીરસેલો હતો તે ખાતાં ખાતાં કહેવા લાગ્યો કે बापं उष्णं भातं, હે ખાપ ઉનો ભાત છે. જુઓ એ કેવું સંસ્કૃત બોલ્યો ત્યારે પિતાએ કહ્યં કે, चुपं पौरं घटं गलं - ચુપ દીકરા ઘટ દઈને ગળી જા.

તેમના પેઠે એ પણ નીચે ગણાવેલા તેના જૂઠ્ઠાં વ્રતોથી સમજી લેવું, જુવો તે સાધુના વ્રત ગણાવે છે:

૧ પ્રાણાતિપાત, ર મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન, ૫ પરિગ્રહ આ પાંચ સાધુનાં વ્રત, તેના પુસ્તકના પૃષ્ઠ ૯૫ માં લખ્યાં છે.

ખ્રિસ્તી–શું તે પાંચ વ્રત નથી કહેવાતાં ?

જૈન–ભાઈ એ પાંચ વ્રત કહેવાતા નથી. પ્રાણાતિપાત એટલે જીવનો નાશ કરવો; મૃષાવાદ એટલે જૂઠું બોલવું, અદત્તાદાન એટલે પારકી વસ્તુ ગ્રહણ કરવી, મૈથુન એટલે સ્ત્રી સાથે ગમન કરવું, પરિગ્રહ એટલે ધન ધન્યાદિક પરિગ્રહ રાખવો.

શું આ પાંચ સાધુને માટે વ્રતો છે? અને અરે ! એવાં તે વ્રત કહી શકાતાં હશે? અરે ! આ પાંચ તો પાપ આવવાનાં ઠેકાણાં છે તેને તો પાપ સ્થાનક કહે છે. આ ઉપરથી માલુમ પડે છે કે ખ્રિસ્તી જૈમલને અઢાર પાપસ્થાનકનું તથા વ્રતનું પણ જ્ઞાન છે નહીં.

ખ્રિસ્તી–ત્યારે સાધુનાં પાંચ મહાવ્રત ક્યાં?

જૈન– ૧) પ્રાણાતિપાતવિરમણ એટલે જીવહિંસાથકી રહિત થવું,

ર) મૃષાવાદવિરમણ એટલે જૂઠું બોલવું નહિ,

૩) અદત્તાદાનવિરમણ એટલે પારકી વસ્તુ આપ્યા વગર લેવી નહીં.

૪) મૈથુન વિરમણ એટલે સ્ત્રી સાથે સંભોગ કરવો નહીં,

પ) પરિગ્રહ વિરમણ એટલે ધન ધન્યાદિક પરિગ્રહ થકી રહિત થવું,

એ સાધુનાં પાંચ મહાવ્રત હોય છે. તેનો ઘણો અધિકાર પખ્ખી સૂત્રમાં છે. તે થકી જાણી લેવું. સાધુને એ વ્રતો પાળતાં દોષ લાગે છે તો તેનું પ્રાયશ્ચિત લઇને શુદ્ધ થવાય છે. આવાં સાધુનાં મહાવ્રત કોઈ પણ અન્યધર્મમાં દેખવામાં આવતાં નથી. જુઓ, જૈન સાધુની ગોચરી જેવી ગોચરી કોઈ ધર્મ વાળા કરે છે? ના, નથી કરી શકતા. બીજા કેટલાક કહેવાતા ધર્મોના સાધુઓ, પરમેશ્વરના ભક્ત નામ ધરાવીને મન માનતી ચીજ માણે છે. અને વખતો વખત મન માનતી રીતે સમજાવી બીચારા મુગ્ઘ લોકોને કુયુક્તિઓના ફાંસામાં નાખે છે, પણ જાણતા નથી કે તેથી નરકમાં મહારૌરવ દુઃખ ભોગવવાં પડશે. જુઓ રાગદ્વેષનો ત્યાગ કરી પોતાના આત્માનું હિત કરનારા જૈન સાધુઓ કેવાં વ્રત ધારણ કરે છે! અને પરના હિતાર્થે સર્વજ્ઞ પ્રરૂપતિ યથાર્થ બોધ દે છે. જૈન સાધુપણું પાળવું એ તલવારની ધાર કરતાં પણ અતિદુષ્કર છે. જેવા તેવા જનથી એ પાંચ મહાવ્રતનો ભાર વહન કરવો અર્થાત્ એ પાંચ મહાવ્રતો પાળવાં એ બની શકે તેમ નથી. દૃઢ શ્રદ્ધા વિના એ કાર્ય સિદ્ધ થતું નથી. જુઓ તેનો અનુભવ મી૦ જૈમલ ( જૈનમુનિ) ને બરાબર હશે. પણ સુખેથી એ વાત કબૂલ કરે એમ અમો ધારતા નથી. કારણ કે જો તે એમ કહે તો આ જગતમાં તેની હાંસી થાય અને ખ્રિસ્તીભાઈઓ જેવા સંસારીક કેળવણીથી કેળવાએલા વિદ્વાનો તેમની તરફથી ધર્મ વિષયમાં થતી કુયુક્તિ એકાએક પીછાની જતાં તેમનું તેમનામાં કહેવાતું માન ભંગ થાય.

દેશવ્રતી (પ્રકરણ ૮ મું)

જેને દેશવ્રત હોય છે તેને દેશવ્રતી કહે છે. એવા કોણ હોય છે. તો કે શ્રાવક.

શ્રાવક બે પ્રકારના હોય છે. ૧ વ્રતી, ૨ અવ્રતી,

વ્રતીને બાર વ્રત હોય છે. ૧ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ; ૨ સ્થૂલ મૃષાવાદ વિરમણ. ૩ સ્થૂલ અદત્તાદાન વિરમણ, ૪ પરસ્ત્રી મૈથુન વિરમણ, પ પરિગ્રહ પરિમાણ, ૬ દિક્પરિમાણ વ્રત, ૭ ભોગોપભોગો વિરમણવ્રત, ૮ અનર્થદંડ વિરમણ વ્રત, ૯ સામાયિકવ્રત, ૧૦ દેશાવકાશિકવ્રત, ૧૧ પૌષધવ્રત, ૧૨ અતિથિસંવિભાગવ્રત એ બાર વ્રતો પાળે છે તેને દેશવિરતિશ્રાવક કહે છે.

એ બાર વ્રતમાં પણ છ છીંડી અને ચાર આગાર કારણે સેવવા પડે છે. તે છ છીંડી આ પ્રમાણે છેઃ–

૧ રાયાભિયોગેણં —એટલે નગરના રાજાના બળાત્કાર(force)થી વ્રતથી અનુચિતકામ કરવું પડે તો તેથી વ્રતનો ભંગ નહી.

૨ ગણાભિયોગેણં —એટલે કોમ સમુદાયના બળાત્કારથી પણ અનુચિતકામ કરવું પડે તો તેથી વ્રતનો ભંગ નહીં.

૩ બળાભિયોગેણં —એટલે પોતાથી બળવાન ચોર વિગેરેના વશ થવાથી કાંઈ અનુચિતકામ કરવું પડે તો તેથી વ્રતનો ભંગ નહીં.

૪ દેવાભિયોગેણં– એટલે કોઈ દુષ્ટ દેવતા અથવા ભૂત દિલમાં આવી તે કાંઈ અન્નુચિતકામ કરાવે તો પણ વ્રત ભંગ નહીં.

૫ ગુરુનિગ્ખહેણં –એટલે ગુરુમાતાપિતાદિકના કહેવાથી કાંઈ અનુચિત કામ કરવું પડે તો વ્રત ભંગ નહીં.

૬ વિત્તિકંતારેણં —એટલે દુષ્કાળાદિક આપદા આવી પડે ત્યારે કાંઈ વિરૂદ્ધ આચરણ કરવું પડે તો વ્રત ભંગ નહીં.

હવે ચાર આગાર કહે છેઃ–

૧ અન્નથ્થણાભોગેણં— એટલે ઉપયોગ વિના કાંઈ અન્નુચિત કામ થાય તો વ્રત ભંગ નહીં પણ તેનું પ્રાયશ્ચિત ખરું.

૨ સહસાગારેણં– એટલે પોતાના મનમાં જાણે છે કે આ કામ મારે કરવું ન જોઇએ પણ ઉતાવળા સ્વભાવને લીધે કાંઈ અનુચિત આચરણ થાય તો વ્રત ભંગ નહીં પણ પ્રાયશ્ચિત લેવું પડે છે.

૩ મહત્તરાગારેણં —એટલે કોઈ મોટો લાભ થતો હોય ઇત્યાદિક કારણોથી મોટાની આજ્ઞાએ અનુચિત કામ કરવું પડે તો વ્રતનો ભંગ નથી પણ પ્રાયશ્ચિત લેવું જોઇએ.

૪ સવ્વસમાહિવત્તિયાગારેણં - એટલે ભયંકર રોગ કે ઝેરી જાનવર કરડવાને લીધે, ગભરાઈ જવાથી કઈં અયોગ્ય અનુચિત કાર્ય થાય તો વ્રતનો ભંગ નથી પણ પ્રાયશ્ચિત લેવું પડે છે.

ઉપરના દસ આગાર શ્રાવકને કારણસર સેવવા પડે છે.

ખ્રિસ્તી– એ દશ આગારને સેવવાની શી જરૂર ?

જૈન–એ આગાર ધર્મમાં સ્થિર રહેવાને માટે અપવાદ પ્રસંગે સેવવા પડે છે, તેની ઘણી હકીકત શાસ્ત્રમાં લખેલી છે. શાસ્ત્રમાં દરેક વિધિ માર્ગ નો અપવાદ માર્ગ બતાવેલો છે. માટે એ ચાર સેવવાથી શ્રાવકને ધર્મમાં સ્થિરતા થાય છે.

ખ્રિસ્તી જૈમલ કહે છે કે, આ આગાર જોવાથી માલુમ પડે છે કે, તમારી આસ્થા આત્માથી નથી પણ દેહથી છે.

આ તેનું કહેવું આકાશના કુલની પેઠે ખોટું છે. કેમકે જૈનધર્મમાં આત્માનું સ્વરૂપ જેવું છે તેવું કોઈના શાસ્ત્રમાં દેખાતું નથી, અને અમે તો આત્માની રત્નત્રયી પ્રાપ્ત કરવાને માટે જ દરેક વ્રતને ધારણ કરીએ છીએ. આત્માનું અને કર્મનું ભિન્ન સ્વરૂપ અમારા શાસ્ત્રમાંથી જોઈ લેવું. જુઓ, આત્માનું સ્વરૂપ ઓળખી આત્મા ઉપર આસ્થા થવાથી મેતારજમુનિ, ઢંઢણરૂષિ, ગજસુકુમાલ, જેવાએ આ પુદ્ગલ ઉપર મમતા નહીં રાખતાં આત્માના સ્વરૂપમાં લીન થતા કેવાં દુઃખ સહન કર્યા છે! તે તેનાં ચરિત્ર જોવાથી સમજાશે. તમારા શાસ્ત્રમાં આત્મા રૂપી છે અથવા અરૂપી છે? નિત્ય છે અથવા અનિત્ય છે? તેનું સ્વરૂપ કાંઈ પણ આપ્યું નથી. આત્માના સ્વરૂપની જેને ઓળખાણ છે તે બરાબર યથા સ્થિત આત્માનું સ્વરૂપ ઓળખાવી શકે છે. તમારા મતમાં તે પ્રમાણે કંઇ છે નહીં, માટે તે મનઃકલ્પિત ધર્મ માલુમ પડે છે. માટે એક સત્યધર્મ પ્રરૂપનાર અરિહંતના શરણે આવો કે જેથી તમને આત્માના સ્વરૂપની ઓળખાણ થાય અને કલ્યાણ થાય.

ખ્રિસ્તી ધર્મમાં કહેલ, આત્મા તથા પુત્ર અને પ્રભુ એમ ત્રિએક દેવ ન્યાય રીતે સાબીત થતા નથી તેની સમજણ

ખ્રિસ્તી–અમારા ધર્મમાં પણ અનાદિ કાળનો આત્મા તથા પુત્ર અને પ્રભુ એમ ત્રિએક દેવ તરીકે મનાય છે.

જૈન– તમારા મતમાં માનેલા ત્રિએકદેવ ન્યાય રીતે સાબીત થતો નથી.

ખ્રિસ્તી–કેમ ન્યાયની રીતે સાબીત થતો નથી?

જૈન –જુઓ. ત્રિએક દેવ પહેલાથી અનાદિ ઠરતો નથી.

ખ્રિસ્તી–જેની આદિ નહીં તેને અનાદિ કહે છે, એટલે જેની ઉત્પત્તિ કોઈએ કરી નથી તે માટે અનાદિ કહેવાય છે.

જૈન– આત્મા સર્વે અનાદિ છે ત્યારે પ્રભુ કર્તા કહેવો તે ખોટું છે. પ્રભુ પણ અનાદિ છે અને મનુષ્યનો આત્મા પણ અનાદિ છે ત્યારે જગતને ઉત્પન્ન કરનાર ઈશ્વર છે એમ તમે જે કહો છો તે વાત ખોટી ઠરે છે.

ખ્રિસ્તી–ત્રિએક દેવ અપારજ્ઞાની છે અને તેમાં પ્રભુ સર્વથી મોટો છે. માટે પ્રભુ જગત્ બનાવે છે,

જૈન–ત્રિએક મૂર્તિ માંનો પ્રભુ જેમ અપારજ્ઞાની છે, તેમ ત્રિએક મૂર્તિમાંનો આત્મા પણ અપારજ્ઞાની છે. પ્રભુ જેમ અનાદિ છે તેમ આત્મા પણ અનાદિ છે; માટે કોઈ કોઈને ઉત્પન્ન કરી શકતો નથી તો પછી આ જગત્ કેવી રીતે ઉત્પન્ન કરી શકે? ના, કદીએ કરી શકે નહીં. આત્મા પણ અપારજ્ઞાની છે અને પ્રભુ પણ અપારજ્ઞાની છે, ત્યારે પ્રભુના કાયદા પ્રમાણે ચાલવું તે આત્માઓ કેમ માનશે ? માટે તમારી કહેલી વાત ખોટી થઈ. કારણ કે ત્રણેમાં અપારજ્ઞાન અને અનાદિ અનંત અને અનંતશક્તિપણું સરખું રહ્યું તો પછી ત્રણે બરોબરીયા થયા એટલે સરખા થયા. માટે ત્રિએક દેવ અનંતજ્ઞાની પણ કહી શકાય તેમ નથી,

ખ્રિસ્તી–ત્રિએક દેવ નિત્ય છે માટે આ મારો ત્રિએક દેવ સત્ય છે.

જૈન–હજી તમે નિત્યનું લક્ષણ સમજ્યા નથી, કારણ કે ત્રણે કાળમાં જેનું એકસ્વરૂપ રહે તેને નિત્ય કહે છે, અને તેથી ઉલ્ટાને અનિત્ય કહે છે.

જુઓ ત્રિએક દેવતામાંના પ્રભુના પુત્રે અવતાર ધારણ કર્યો, ગામો ગામ પર્યટન કર્યું, વળી પૌદ્ગલિક દેહને છોડી દીધો, તો શી રીતે પ્રભુનો પુત્ર જે ઈસુ તેને નિત્ય કહેવાય ?કારણ કે પ્રભુની પાસે ઈસુ જ્યારે હતા ત્યારે તેનું જુદું રુપ હતું અને જ્યારે પૃથ્વીની ઉપર જન્મ લીધો ત્યારે રૂધિર, માંસ; લોહી વિગેરેનું શરીર હતું. ત્યારે ત્રણે કાળમાં એક સ્વરૂપ રહ્યું નહીં; તો તે પ્રભુનો પુત્ર જે ઈસુ તેમાં પણ શી રીતે નિત્યપણું કહેવાય?

વળી પવિત્ર આત્માઓ પણ મનુષ્ય શરીર પ્રત્યે જુદા જુદા છે, તે એક દેવમાં શી રીતે ગણી શકાય? માટે ત્રિએક દેવ નિત્ય પણ કહી શકાય નહીં.

વળી પિતા, પુત્ર અને પવિત્ર આત્મા વ્યક્તિત્વ વડે એક કહી શકતા નથી. કારણકે દરેકના વ્યક્તિત્વો (આકૃતીઓ) જુદી જુદી ભાસે છે; માટે વ્યક્તિત્વોથી પણ એ ત્રણે એક કહી શકાતા નથી. જુઓ પ્રભુનો તમારા મત પ્રમાણે જગત બનાવવાનો જેવો સ્વભાવ છે, તેવો પ્રભુના પુત્ર ઈસુનો સ્વભાવ નથી. માટે સ્વભાવ પણ ત્રણેનો એક કહી શકાતો નથી, અને સ્વભાવથી પણ ત્રણે એક કહી શકાતા નથી.

વળી અનંતશક્તિથી પણ ત્રણેમાં એકપણું કહી શકાતું નથી. કારણ કે પ્રભુનામાં જે શક્તિ, જગત્ ને નાશ કરવાની તમો માનો છો તે શક્તિ પ્રભુનો પુત્ર જે ઇસુ છે, તેનામાં નથી. તથા પવિત્ર આત્મામાં પણ તેવી શક્તિ નથી. તેમજ જગત્ ઉત્પન્ન કરવાની શક્તિ તમો પ્રભુનામાં માનો છો તે ઈસુનામાં પણ નથી, તેમ પવિત્ર આત્મામાં પણ નથી. માટે શક્તિથી પણ ત્રણે એક કહી શકાતા નથી.

વળી અનંતજ્ઞાનથી પણ ત્રણે એક કહી શકાય નહીં. કારણ કે જ્ઞાન એ ગુણ છે અને ગુણ તો આધાર વિના સંભવતો નથી, માટે અવશ્ય આધાર માનવો જોઇએ. જો અનંતજ્ઞાન ગુણના આધારને આત્મા કહીયે તો તો આત્મા એક કહી શકાતો નથી, જો ત્રણનો એક આત્મા માનીએ તો પછી પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, એમ ત્રણને જુદા જુદા કહેવા તે કલ્પનારૂપ ઠરે છે,

વળી અનંતજ્ઞાનના આધારભૂત જુદા જુદા આત્મા માનીએ તો પછી ત્રણેનું એકપણું કહી શકાય નહીં અને ત્રણે આત્મા જુદા જુદા ઠરે, માટે તે પણ ખોટું ઠરે છે.

વળી સર્વેને પેદા કરવા થકી પણ ત્રણેને એકપણું કહેવાય નહીં, કારણ કે પેદા કરનાર તરીકે તમો પ્રભુને માનો છો. પણ પ્રભુના પુત્ર અને પવિત્ર આત્માને માનતા નથી. માટે પેદા કરવા થકી પણ ત્રણે એક કહી શકાય નહીં.

વળી પિતા, પુત્ર અને પવિત્ર આત્માને એકપણું માનો તો "ત્રિ" શબ્દ નકામો ઠરે છે.

વળી ત્રિશબ્દને સાર્થકપણું માનશો તો એક કહેવું તે નિરર્થક ઠરે છે. વળી ત્રણને નિત્ય થકી પણ એકપણું કહી શકાતું નથી, તેમ

વળી ત્રણને અનિત્ય થકી પણ એકપણું કહી શકાતું નથી, કારણ કે અનિત્યવસ્તુ તો નાશ સ્વભાવવાળી છે ને નાશ થાય ત્યારે એક એવો વ્યવહાર શી રીતે થઈ શકે?

વળી ત્રણને તમારા મત પ્રમાણે એકપણું કહી શકાય નહીં, કારણ કે જો એક દેવ માનશો તો પુત્ર અને પવિત્ર આત્મા અને પિતા વો વ્યવહાર થવો નહીં જોઇએ; પણ તે થાય છે, માટે તે ૫ણ કહેવાતો નથી.

વળી ત્રણમાં દેવપણું નિત્ય માનો છો કે અનિત્ય માનો છો. નિત્યથી પણ ત્રણમાં એકદેવપણું કહી શકાતું નથી, કારણ કે નિત્યથી ત્રણમાં એક દેવપણું માનશો તો વારંવાર એક દેવ એવો વ્યવહાર થવો જોઇએ, પણ પુત્ર, પિતા અને પવિત્ર આત્મા એવો વ્યવહાર થશે નહીં માટે તે પણ જૂઠું ઠરે છે.

ત્રિએક દેવ એકાંત થકી ભિન્ન છે કે અભિન્ન છે? જો પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, એકાંત થકી પરસ્પર ભિન્ન હોય છે તો ત્રણે એક શી રીતે કહેવાય તે પણ વિરોધ આવે છે. વળી પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, એ ત્રણેને એકાંત થકી અભિન્ન માનશો તો 'ત્રિ' શબ્દ નકામો ઠરે છે, એ પણ વિરોધ આવે છે.

ત્રિએક દેવ એકાંતે નિત્ય છે કે અનિત્ય છે ?

પહેલો પક્ષ– જો તમે કહેશો કે નિત્ય એવા ત્રિએક દેવ થકી અનિત્ય એવું જગત્ કોઈપણ કાળે બની શકશે નહીં.

બીજો પક્ષ–જો એકાંતથકી ત્રિએક દેવને અનિત્ય માનશો તો ક્ષણિકપણું આવ્યું અને નાશપણું ઠર્યું; તે કાર્ય રૂપી થયું એ દોષ આવે છે, ત્યારે કાર્યનો કર્તા. પણ બીજો કોઇ માનવો જોઇએ, તે વિરોધ આવે છે.

ત્રિએક દેવ એકાંત અને અનાદિ કાળથી રૂપી છે કે? અરૂપી છે ?

 

પક્ષ પહેલો.

ત્રિએક દેવ એકાંત અને અનાદિકાળથી રૂપી પણ કહી શકાય નહીં, કારણ કે જે રૂપી હોય છે, તે આકારવાન હોય છે. આકાર છે તે પુદ્ગલનો સમજાય છે; કેમ કે ચૈતન્યને તો આકાર હોય નહીં. ચૈતન્ય તો નિરાકારરૂપે છે અને પુદ્ગલ જનિત આકારવાન્ ચૈતન્ય સ્વીકારશો તો ત્રિએક દેવમાંનો પ્રભુ તમે નિરાકાર રૂપે માનેલો છે તેને સાકારપણું આવી જશે. માટે એ પ્રપંચ ખોટો સમજી અરિહંત ભગવાનને શરણે આવો કે જેથી તમારું કલ્યાણુ થાય.

પક્ષ બીજો.

ત્રિએક દેવ, એકાંતથકી અને અનાદિકાળથી અરૂપી માનવામાં પણ વિરોધ આવે છે. કારણ કે જો તેમ માનીએ તો ઇસુને જે મરીઅમની કુખે જન્મ લેવો પડ્યો તે ખોટો ઠરે છે. જે એકાંત અનાદિકાળથી અરૂપી છે, તેને રૂપી એવો પુદ્ગલનો સંગ કેમ ઘટે ? એ વિરોધ આવે છે. એ રીતે બે પક્ષ પણ તમારાથી માની શકાય તેમ નથી.

વળી ત્રિએક દેવ એ વાક્યમાં દેવનું શું લક્ષણ છે તે ઉપર વિચાર કરીએ છીએ.

જુઓ ત્રિએક દેવમાંના પ્રભુને જગત્ ઉત્પન્ન કરવાની શક્તિ, એકાંત થકી નિત્ય છે કે અનિત્ય છે?

સમાધાન પક્ષ પહેલો.

ત્રિએક દેવમાંના પ્રભુની જગત્ ઉત્પન્ન કરવાની શક્તિ, એકાંતથકી નિત્ય જો કહીએ તો તે શક્તિ સર્વથા સર્વદા સર્વ ઠેકાણે બની રહેવા થકી સર્વદા જગત્ ઉત્પન્ન થયા કરશે, તો પછી એક જગત્ કહેવાશે નહીં. કરોડો જગત થયા કરશે. વળી બીજું એ છે કે જગત્ નો નાશ તમે માનો છો તે નહીં મનાય, કારણ કે જગત્ ઉત્પન્ન કરવાની શક્તિ, એકાંત થકી નિત્ય પ્રભુનામાં રહેલી છે, માટે પહેલો પક્ષ માનવામાં પણ દૂષણ આવે છે.

સમાધાન પક્ષ બીજો.

પ્રભુની જગત્ ઉત્પન્ન કરનારી શક્તિ, એકાંતથકી અનિત્ય માનીએ તો જગત્ નો નાશ થયા પછી તમારો પ્રભુ, બીજું જગત્ ઉત્પન્ન કરશે એમ જે તમો માનો છો તે ખોટું ઠરે છે. આ વિગેરે ઘણા વિરોધો ત્રિએક દેવ માનવામાં આવે છે, પણ ગ્રંથ વિસ્તારના ભયથી લખ્યા નથી. ત્રિએક દેવ ઉપર લખ્યા પ્રમાણે ખોટો ઠર્યો અને તે ઉપરથી ખ્રિસ્તી ધર્મ પણ મનોકલ્પિત ઠરે છે. દેશવ્રતી પાળવામાં મી. જૈમલે જે કુયુક્તિઓ કરી છે તે સર્વે ખોટી ઠરે છે. માટે જે દેશવ્રતિપણું કુમારપાળ રાજાની પેઠે પાળશે તેનું કલ્યાણ થશે.

મી૦ જૈમલના પ્રકરણ ૯ નો ખુલાસો.

જૈનમતમાં એક કાળચક્રના બે ભાગ કલ્પેલા છે તો એકેક ભાગમાં છ આરાઓ છે.

(૧) સુખમસુખમા, (૨) સુખમા, (૩) સુખમ દુઃખમા, (૪) દુઃખમસુખમા, (પ) દુઃખમા, (૬) દુઃખમ દુઃખમા એ છ આરા છે.

તે અવસર્પિણી કાળમાં અનુક્રમે પ્રથમ સુખમ સુખમાથી ગણીએ અને ઉત્સર્પિણી કાળમાં એથી ઉલટા એટલે દુઃખમ દુઃખમાંથી ગણીએ.. એમ બાર આરા ચડતા પડતા ચક્રની પેઠે કરતા આવે છે તેને કાળચક્ર કહે છે, એમાં અવસર્પિણીનો ઘટતો કાલ અને ઉત્સર્પિણીનો ચઢતો કાળ ગણાય છે.

આરાના કાળનું પ્રમાણ:

પહેલો આરો ચાર કોડાકોડી સાગરનો.

બીજો આરો ત્રણ કોડાકોડી સાગરનો.

ત્રીજો આરો બે કોડાકોડી સાગરનો.

ચોથો આરો બેતાલીસ હજાર વર્ષ ઓછો એક કોડાકોડી સાગરનો.

પાંચમો આરો એકવીસ હજાર વર્ષ નો.

છઠો આરો એકવીસ હજાર વર્ષ નો.

પહેલા ત્રણ આરામાં જુગલીઆ હોય છે. તેમને મનોવાંચ્છિત, દેવતાધિષ્ઠિત કલ્પવૃક્ષો તરફથી ફળ મળે છે. તે જુગલીઆને ધર્મ નું જ્ઞાન હોતું નથી. એ વિગેરે આરા સંબંધી જૈનધર્મ માં ઘણો અધિકાર છે.

જુગલીઆને કલ્પવૃક્ષની મારફતે દેવતાનાં જેવાં સુખ મળે, તે વાતની તાર્કિકતા

ખ્રિસ્તી–જુગલીઆને ઝાડોની મારફતે દેવતાનાં જેવાં સુખ ભોગવવાં એ કેમ અને કેમકે ઝાડોમાં એવી શક્તિ નથી કે તે જુગલીઆઓને જોઈતા વાનાં આપે, માટે તે વાત ખોટી છે.

જૈન– ભાઈ, હજી પણ તને વિશેષજ્ઞાન નથી તેથી તું એમ કહે છે. તેનું કારણ સાંભળ એટલે એ તારો સંશય મટી જશે. કલ્પવૃક્ષોમા તેવી શક્તિ નથી, પણ કલ્પવૃક્ષના અધિષ્ટિત દેવતાઓ, કલ્પવૃક્ષોની મારફતે જુગલીઆઓની ઇચ્છાઓ પૂર્ણ કરે છે. એવો નિયમ છે કે જુગલીયાનાં મનોવાંચ્છિત, કલ્પવૃક્ષ દ્વારાએ પૂરાં થાય છે, એ વાત સાચી છે, એમાં કાંઈ પણ સંદેહ લેવા જેવું છે જ નહીં. એ બાબતનું વિશેષ સમાધાન કરવા માટે તમારા જ પુસ્તકના તેને મળતા દષ્ટાંતને આ સ્થળે આપવો હું વાજબી વિચારું છું, તે જુઓ.

તમારા શાસ્ત્રમાં મુસાનું ચરિત્ર છે તેમાં પીતલના સાપે હજારો માણસના પ્રાણ લીધા છે. આ શું બતાવે છે? તે વિચારો, કે પીતલના સાપમાં માણસોને મારી નાખવાની શક્તિ હતી? ના, નથી પણ પ્રભુની પ્રેરણાથી પીતલના સાપે માણસોનો નાશ કીધો, એમ તમારે કહેવું પડશે. કેમકે પ્રભુની એવી શક્તિ તમે માનો છો. તો પછી સર્વત્ર માન્ય છે કે દેવતાઓ મન માન્યું આપવા-કરવા સમર્થ છે તો કલ્પવૃક્ષ–દ્વારાએ જુગલીયાનાં મનોવાંચ્છિત, પૂરાં કરે તેમાં શું નવાઈ? એ તો દેવતાનો આચાર છે, માટે બાર આરાની હકીકત માનવા યોગ્ય અને સાચી છે તેમાં કાંઇ પણ બાધ નથી. અને તેમાં જે શંકા લાવવી તે તદ્દન ખોટું છે.

ખ્રિસ્તી ધર્મ માં પરસ્પર વિરોધ:

ધર્મ વધારવા જુઠ્ઠું બોલવામાં પાપ નથી.

વિરોધ પાંહેલો–ખ્રિસ્તીધર્મ માં ધર્મ વધારવા જુઠ્ઠું બોલવામાં પાપ નથી. પાઊલરૂમી ૩–૭ માં કહે છે કે જો મારા જૂઠ્ઠુાથી દેવનું સત્ ઘણું તેના મહિમાને સારૂં વાધ્યું તો હજી સુધી હું પણ અપરાધી જેવો કેમ ઠરાવાઊં, પણ સને ૧૮૯૨ના ફેબ્રુઆરી માસના અંકમાં સત્યોદય નામના ચોપાનીયામાં પાદરી લખે છે કે જુઠ્ઠું બોલવાથી કોઇ મતને ટેકો મળે એમ નથી વિગેરે–

વ્યાજને માના દુધ સરખું સમજવું

વિરોધ બીજો–ખ્રિસ્તીઓ વ્યાજને માના દુધ સરખું સમજતા હોય એમ માલુમ પડે છે. રાજ્ય વહીવટનો આધાર પણ વ્યાજના કામ ઉપરજ રખાતો સમજાય છે. એટલું જ નહી પણ મીશનના કામો પણ વ્યાજથી ચલાવે છે. હવે આપણે બાઇબલમાં જોઇએ, તેમાં શું લખે છે. સારા માણસો વિશે લખે છે. ગીત. ૧૫ જે વ્યાજે પોતાનાં નાણું દેતો નથી અને નિરપરાધી ૫૨ લાંચ લેતો નથી. લેલી રપ–૩૫–૩૬ અને જો તારો ભાઈ દરીદ્રી થયો હોય અને તારી સાથે તેના હાથથી ન લે તો તું તેના હાથને સબળ કર. તે પારકો હોય કે પ્રવાસી હોય કે તારી પાસે જીવન કાઢે, તેની પાસે તું વ્યાજ અથવા વૃદ્ધિ ન લે, એવી રીતે વ્યાજની મના આ કલમોમાં પણ છે. નીરગમન ૨૨, ૨૫, યુન ૨૩-૨૯. નહેમી પ-૭ દષ્ટાંત ૨૮-૮ હીજકી ૧૮-૮-૧૩-૭-૧૨-૧૨ એ વિગેરે બીજી જગાથી પણ વ્યાજનું હરામ થવું સાબેત થાય છે.

પશુને મારી મારીને ખાય

વિરોધ ત્રીજો–કેટલાક અજ્ઞાન ખ્રિસ્તીઓ ગાય, બળદ, બકરાને માથામાં મારતેલ કે લાકડું મારી મારીને ખાય છે. કેટલાક મરઘીની ડોક મરડી નાખે છે અને કેટલાક ગાય ભેંસના પગની નસ કાપી લોહી વેહેવડાવી મારે છે. પણ એ સર્વ પોતાના બાઇબલથી વિરૂદ્ધ છે, જુઓ–પ્રે મરી ૧૫-૨૦ પણ તેને એમ લખી મોકલીએ કે વ્યભિચારથી તથા ગુંગલાવીને મારેલાથી તથા લોહીથી વેગળા રહેવું. વળી ઉત્પતી ૯–૪ માં પણ છે.

અનૈતિક સંબંધો

વિરોધ ચોથો–બાઇબલમાં પ્રભુ વિષે ઘણી શરમભરી વાતો લખાઈ છે, તે આથી માલમ પડશે. (હજકીઆલ ૨૩-૧ થી જ) અને પ્રભુનું વચન મારી પાસે હતું, એમ કહેતા કે–આદમ પુત્ર બે સ્ત્રી એક માતાની દીકરીઓ હતી, ને તેઓએ મિસરમાં વ્યભિચાર કીધો ને તેઓએ પોતાની જુવાનીમાં વ્યભિચાર કીધો ત્યાં તેઓના થાન દાબેલા હતા ને તેઓએ પોતાના કુંવારા પણાના વહાલ કીધા ને તેમના "વડીઆ હોલાને અહોલીબા તેની બેન તે મારી ખાયડીઓ હતી, ને દીકરા દીકરીઓ જણી, ગીત ૨–૭ પ્રભુએ મને કહ્યું કે તું મારો પુત્ર આજે મેં તને જણ્યો વગેરે' તોહફતલ નામના પુસ્તકમાં નવમે પાને લખ્યું છે.

માણસની સાથે પ્રભુએ કરેલી કુસ્તીમાં છળ

વિરોધ પાંચમો–યાકુબ જેવા માણસની સાથે પ્રભુએ કરેલી કુસ્તીની હકીકત. ઉત્પત્તિ. ૩૨-૩૪ યાકુબ એકલો રહી ગયો અને અરૂણોદય લગી તેની સાથે એક પુરુષે મલ્લયુદ્ધ કીધું ને જ્યારે તેણે જોયું કે તેને જીત્યો નહીં ત્યારે તે તેની જાંગતળેની નસને અડક્યો ને યાકુબની જાંગની નસ તેની સાથે યુદ્ધ કરતાં ચઢી ગઈ ને બોલ્યો કે અરૂણોદય થયો છે એ માટે મને છોડ અને તેને કહ્યું કે તું મને આશીર્વાદ દે નહીં તો હું તને જવા દેવાનો નથી, ને તેણે તેને કહ્યું તારું નામ શું? તેણે કહ્યું મારું નામ યાકુબ, ને તેણે કહ્યું હવેથી તારું નામ યાકુબ નહિં પણ ઇશ્રીપીલા (દેવની પાસે સરદાર) કહેવાશે. કેમકે તું પ્રભુની તથા માણસોની સાથે સરદાર જેવો છું. યાકુબે તે જગાનું નામ પનીયેલ પાડ્યું. કેમકે મેં પ્રભુને સન્મુખ જોયો તો પણ મારો જીવ બય્યો છે. આ કલમ ઉપર પાદર ફોન્ડર પોતાની બુક ચીફ્તાહુલ અસરાસઆના ત્રીજા ભાગમાં લખે છે કે યાકુબ સાથે કુસ્તી કેરનાર તે ખ્રિસ્તી હતો.

ઈસુ જૂઠું બોલ્યો

વિરોધ છઠો–બાઇબલ જોતા ઈસુ જૂઠું બોલ્યો એમ સાબીત થાય છે. જુઓ યોહાન ૭–૮–૧૦ તથા પાઊલ જુઠ્ઠું બોલવું કબુલ રાખે છે; જુઓ ફર્મા–૩–૭ યાકુબનો દગો ઉત્પ–૩ લુટારાપણું કરી દગાથી સોનું ચાંદી લુંટવી. જુઓ નીર્ગમન ૧૨- ૩૫-૩૬. ઈસ્લામીઓના પેગંબર હજરતે બીજાઓને ચમત્કાર બતાવવા ચંદ્રના બે કકડા કરી નાખ્યા અને તે પાછા મળી ગયા. આ બાબતમાં ખ્રિસ્તીઓ ઇસ્લામી સાથે તકરાર ઉઠાવે છે કે ભૂગોળવિદ્યાને અનુસરીને જોતાં તે વાત બનવા જોગ નથી, સામે ઈસ્લામીઓ જવાબ આપે છે કે જુઓ માત્થી ૨-૯ ત્યાં યે તેઓ રાજાનું સાંભળીને ગયા. જુઓ જે તારો પૂર્વર્મા દીઠો તે તેઓની આગળ ચાલી જ્યાં ઈસુ જન્મ્યો હતો ત્યાં ગયો. ને આવી થંભ્યો, તારાની ચાલ ખગોળ વિદ્યા વિરૂદ્ધ છે. તારા જે ચાલ પર છે તે પ્રમાણે ચાલ્યા કરે છે, માર્ક ૧ મા લખે છે કે આકાશનો દરવાજો ખૂલ્યો તો તે દરવાજો કેટલો મોટો હતો અને તે સૂર્યની આગળ હતો કે પેલી ગમ હતો. ઉત્પત્તિ ૭-૧૧ મલા ૩-૧૦ રાજા–૭–૨. આ વરસોમાં આકાશની ખીડકીઓ તથા ખારણાં લખ્યાં છે તે ખગોળ વિદ્યાના કયા કાયદા પ્રમાણે છે. સભા શિક્ષક ૧-૪ પેટી જાય છે ને પેટી આવે છે પણ પૃથ્વી કાયમ રહે છે ને સૂર્ય આથમ છે ને પોતાની ઉગવાની જગ્યાએ વહેલો આવે છે. ગીત ૧૦૪-૫ તેણે પૃથ્વીનો પાયો નાખ્યો તે સર્વકાળ હાલે નહિ, ગીત ૧૦૯ —૯૦ તેં પૃથ્વીને સ્થાપી છે ને તે સ્થિર રહે છે. અહોસુઆ ૧૦-૧૨ ને સૂર્ય ગીબીયોન ઉપર તું સ્થીર રહે ૧૪; લોકો પોતાના શત્રુનું વેર લે ત્યાંસુધી સ્થિર રહ્યો.

 

આ કલમોથી માલુમ પડે છે કે પૃથ્વી સ્થિર છે અને એજ કારણથી યહોસુઆએ સૂર્યને સ્થિર રહેવાનું કહ્યું. જુઓ સૂર્ય એ કરતો ન હોય તો તેને સ્થિર રહે એમ કહેવાય અને ફરતો છે તેથી જ સ્થિર રહેવાનું કીધેલું છે, જો સ્થિર જ હોય તો સ્થિર એવો શબ્દ પ્રયોગ બનતો નથી, માટે એ સર્વે ખગોળના કાયદાથી વિરૂદ્ધ છે. ભૂગોળ તથા ખગોળ વિરૂદ્ધ પ૦૦ ભૂલ હું લખી શકવા તૈયાર છું. આટલી બધી ભૂલો છતાં બીજાની ખોટી ભૂલ કુયુક્તિએ કરી બતાવવી અને પોતામાંની ખરી ભૂલ પર ઢાંક પીછોડો કરવો એ એ ન્યાયયુક્તિનું કર્તવ્ય નથી. જેવું હોય તેવું બતાવવામાં અમે દોષ સમજતા નથી અને તેટલા માટે જ આ ટુંક હકીકત અહીં દર્શાવી છે.

પૃથ્વી ઉપર માણસો ઉત્પન્ન કીધાં તે માટે પ્રભુને પસ્તાવો

વિરોધા સાતમો–ઉત્પત્તિ. ૬:૬ અને પ્રભુએ પૃથ્વી ઉપર માણસો ઉત્પન્ન કીધાં તે માટે તેને પસ્તાવો થયો. અરે ! ઇસુના પિતા જે પ્રભુ તેમને પસ્તાવો થયો ત્યારે તો તેમણે માણસોને ઉત્પન્ન કર્યા એ મોટી ભૂલ કરી કહેવાય. અહો આવી ભૂલક૨નારને અપારજ્ઞાની શી રીતે કહેવાય? માટે મારા ખ્રિસ્તીમિત્રો? દીર્ઘદૃષ્ટિથી પોતાનું અને પરનું એવો લેશમાત્ર ભાવ નહીં રાખતાં સારાસાર તપાસશો તો ખરૂં અને સત્ય શું છે તે સારી રીતે સમજી શકશો, પણ જ્યાંસુધી મેરી લાપશી ઔર દૂસરે કી કુચકી, એ ન્યાય પર જોશો તો કદિ પણ તમને ખરૂં તત્વ હાથ લાગનાર નથી, માટે પરિપૂર્ણ પણે પરિક્ષા કરી જગતમાં સત્ય અને સર્વજ્ઞ પ્રરૂપિત એવો જે જૈનધર્મ ગ્રહણ કરો અને આભવ અને પરભવ સુધારી મોક્ષના અધિકારી બનો.

કત્લેઆમ

વિરોધ આઠમો–પહેલું કાલ વૃતાંત ૨૨:૫ માં ઇશ્રાયલ પુરુષો તલવાર ખેંચનારા અગીયાર લાખ લખેલા છે અને રસમુએલ ૨૪:૯ માં –આઠ લાખ લખ્યા છે. ખ્રિસ્તીઓએ ધર્મ લડાઈમાં ચાલીસ હજાર મુસલમાનોને યરૂસાલેમમાં મારી નાખ્યા. જુઓ માથી. ૨૬:૫૧.

અતિક્રોધ

વિરોધ નવમો–પ્રેરીતોનાં કૃત્ય પ–૯–૧૦ જોતાં માલુમ પડે છે કે પીટરે હન્યા અને તેની બૈરીને જરા વાતમાં મારી નાખ્યા અને પીટર ઇસુનો શિષ્ય હતો.

અંતર્વિરોધ

વિરોધ દશમો–તોહફતુલહિંદ નામના પુસ્તકના ૧૪૪મા પાનામાં લખ્યું છે કે–ખ્રિસ્તીઓના ટોળામાં મૂળ તત્ત્વમાં ઘણો ફેરફાર છે. યુનીટરીન ટોળાવાળા તલસીલને માનતા નથી, તેમ માત્થીના આગલા બે અધ્યાયને બનાવટી ગણે છે અને બીજાઓ બાપ દીકરો અને પવિત્ર આત્મા એ ત્રણ પ્રભુ અને ત્રણનો મળી એક પણ દેવ માને છે. કેટલાક ટોળાવાળા ઇસુને પ્રભુ દીકરો માને છે. ઈસુએ થંભે ચઢી સર્વેને છોડાવ્યા. એમ કેટલાક ખ્રિસ્તીઓ માને છે. પણ પલગીયુસનું ઢોળું એવા અકીદા રાખવા તે ખોટું ઠેરવે છે. બાસદેલી સરંથી, કાકોંકટાર્ટા, ગનાસ્તી, દૌસીતી, અરમની, ના મરી ટોળાવાળા ઈસુને વધસ્થંભ ચઢાવ્યાનો લેખ માન્ય કરતા નથી. અને મૂળ તત્ત્વમાં ઘણો ફેરફાર છે. માટે ખ્રિસ્તી ધર્મનાં પુસ્તકો પ્રભુના પવિત્ર આત્માથી લખાયેલાં માનવાં એ ખોટું ઠરે છે. માટે આવી કડાકૂટમાંથી નીકળી અરિહંતને શરણે આવો કે જેથી તમારું કલ્યાણ થાય.

અતિપંથવાદ

ઇસ્લામી ધર્મમાં ૯૩ પંથ છે, પણ ખ્રિસ્તીઓમાં તો ૯૦ પંથ છે. ત્યારે નેવું પંથમાંથી કયો પંથ સાચો? એક કહેશે કે મારો સાચો ત્યારે બીજો કહેશે કે મારો. એમ નેવું પંથવાળા પોતપોતાનો સાચો કહેશો. હવે બધા સાચા માનવા એ તો બને જ નહીં ત્યારે તેમાંનો ક્યો એક સાચો અને બાકીના બધા ખોટા એનું નિરાકરણ કોણ કરશે? વળી અમારા જોવામાં આવેલાં અને ઉપર બતાવેલાં પુસ્તકો વિષે વિચારી જોતાં તે બનાવટી અસત્ય માલુમ પડે છે તેથી તે ઉપર ભરોસો રાખી શકાતો નથી તેમાં દયા, સત્ય આદિ સદ્ગુણો માટે જે કંઈ લખ્યું છે તે સત્ય છે.

ખ્રિસ્તી ધર્મ નો ઉપદેશ આપવા કેટલાક ટોળાવાળા જેવા કે, અબુજીન મારસીયુની, ડોકોતી, અરથમનનો પંથ, મોટા નેસનો પંથ, પરગયુસનું ટોળુ, યાકુબી ટોળુ, યુની તેરીઅન, સાસી, સાસીનીયન, પ્રોટેસ્ટન્ટ, રોમનકેથલીક, યુનાની, આરમીની, સુરીયની, વલંકીન્ટીનસ, મોરમીન, ઈત્યાદી ફરે છે, તેમાં કેટલાક હિંદુસ્તાનમાં સ્ત્રીઓ અને પુરુષોના ભેગા સમુદાયથી પણ ફરે છે. તેમનાં મીઠાં મીઠાં વચનોથી બીચારા કેટલાક ભોળા હિંદુઓ, મોહના માર્યા પોતાનો સનાતન ધર્મ તજી કોઈ પેટ અર્થે તો કોછી પૈસાદિ પરિગ્રહના લોભે તો કે સ્ત્રી માટે તેમાં દોરવાઈ જઈ 'ઈતોભ્રષ્ટ સ્તતોભ્રષ્ટ' જેવા બની બેસે છે. તેવા આર્યવાસી હિદુંભાઈઓ પ્રત્યે મારી નમ્ર વિનંતી છે કે ધર્મ એ પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે ખરૂં અને સત્ય સાધન છે તેની જ્ઞાનદૃષ્ટિએ ખરેખરી પરિક્ષા કરીને જ અંગીકાર કરવો. નહીં કે ઉપરઉપરની વાત સાંભળી મોહજાળમાં મુંજાવવાની માફક કોઈથી ફસી પડવું. અને આત્મ અહિત કરવું, જગતમાં અનાદિ જયવંતો જૈનધર્મ સર્વજ્ઞ પ્રણીત છે તે અંગીકાર કરી મોક્ષ સુખ મેળવવા સાવધાન થવાને મારી મનુષ્યમાત્રને સવિનય વિનંતિ છે.

પુનર્લગ્ન સંબંધી ચર્ચા.

હિંદુસ્તાનમાં હજારો વર્ષ થી શાસ્ત્રાધારે પુનર્લગ્ન કરવું અનુચિત સાબીત ઠરી ચૂકેલું છે અને તેથી ઊંચ વર્ણમાં તેવું કોઈ પુનર્લગ્ન થતું નથી. એ વાત સર્વત્ર પ્રસિદ્ધ છે, છતાં હાલ કેટલોક વખત થયાં પરદેશી ખ્રિસ્તીઓ હિંદુસ્તાનમાં આવી પૂનર્લગ્ન કરવું એમ કહેતા ફરે છે. પણ અજ્ઞાની વિષયના લાલચું જ તેવું કાર્ય કરવા પ્રવર્તે છે, જેને ભવનો ભય છે તે કદિ તે વાત માન્ય કરશે નહીં. એક દિવસ આ દેખાતું શરીર નાશ થઈ જશે અને પુણ્ય પાપ સહિત આ આત્મા અન્ય સ્થાને જશે ત્યાં જેણે જેવાં કર્મ કર્યા હશે તેવાં તેને ભોગવવાં પડશે. પૂનર્લગ્ન કરનાર અને તેને પ્રેરનારની ગતિવિષે જ્ઞાની જ કહી શકે; કેમકે હું છદ્મસ્થ હોઈ તેની ગતિ વિષે અમુક કહી શકું નહીં. પરંતુ તે પાપાનુયોગે દુઃસહ દુઃખ ભોગવવાં પડશે એમ તો શાસ્ત્રાધારે કહી શકાય છે. માટે તેથી વેગળા રહેવું, ઉનો અગર ઠંડો વાયુ આપણે દેખી શકતા નથી, પરંતુ શરીરે લાગવાથી ઉનો અગર ઠંડો વાયુ છે તે આંખે દેખાતું નથી. તેમ તાત્કાલિક પૌદ્ગલિક સુખની અપેક્ષાએ તે કરનારને કદાચ ઠીક લાગતું હશે પણ પરિણામે તેનાં ફળ મીઠાં નથી અર્થાત્ તેથી પાપકર્મ બંધાતાં માઠીગતિ પ્રાપ્ત થતા ત્યાં ઘણાં દુઃખ ભોગવવા પડે તેમ છે અને તેથી આ જીવ, ચાર ગતિમાં ભ્રમણ કરતો ઠેકાણે પડવો બહુ મુશ્કેલ છે. માટે સર્વ શાસ્ત્રો એકમતે તે ખોટાને ખોટું જ કહે છે, તે પર અર્થાત્ ખરેખરી જ્ઞાની મહારાજના વચન ઉપર શ્રદ્ધા કરી એવા પૂનર્લગ્ન કરવારનું કહેનારનાં તેનાં વચન ઉપર વિશ્વાસ રાખવો નહીં અને કોઈપણ લાલચને લીધે પણ તેવું કાર્ય કરવાથી, તેમાં પ્રેરણા કરવાથી તેમજ તેને ઠીક માનવાથી જે વિમુખ રહેશે તેનો આ અને પર એવા બન્ને ભવ સુધરેલા જ સમજવા. મતલબ કે તેથી તેવો પાપ બંધ નહીં બંધાય.

પુર્નલગ્ન જૈનના કોઇપણ શાસ્ત્રોમાં કરવાનું કહ્યું નથી.

ખ્રિસ્તી–મી૦ જૈમલ કહે છે, તે મુજબ તમારા પ્રથમ તીર્થંકર ઋષભદેવસ્વામી, મરી બચેલા જુગલીઆની સ્ત્રી પરણ્યા; તે પૂનર્લગ્ન કહેવાય. કારણકે જુગલીયણનો ધણી મરી ગયો અને જુગલીયણ વિધવા થઇ તે વિધવાનાં ફરીથી ઋષભદેવ સાથે લગ્ન કર્યા માટે પૂનર્લગ્ન તમારામાં થએલું છે અને તે સત્ય છે, તેમ છતાં તમે કહો છો કે તે ખોટું છે અને અમારા કોઇ શાસ્ત્રમાં કરવાનું કહ્યું નથી એમ જે કહે છો એ વાત મનાય તેવી નથી. આનો તમે શું ખુલાસો આપી શકો તેમ છો કે?

જૈન–વાહ ! હજી પણ તમે જૈનધર્મનો જરાપણ મર્મ સમજયા હોય એમ જણાતું નથી. વળી લગ્ન એ શું છે તેનું પણ ભાન હોય તેમ લાગતું નથી, અને પોતે માની લીધેલ પૂનર્લગ્ન સિદ્ધ કરવાને કુયુક્તિ તરફ સહજમાં દોરાઈ જઈ એને ખરૂં માની બેસો છો; એ ઘણાં શોચનીય છે. એ બાબતનો થોડો ટુંકામાં હું તમોને ખુલાસો બતાવું છું, તેથી તમારા મનમાં જે કુકુક્તિ ઘર ઘાલી બેઠી છે તે દૂર થતાં ખરી અને સત્ય વાત સમજાશે. તે એ છે કે યુગલીઆ તો લગ્નનો વહેવાર જાણતા નથી, તેમ તેમનામાં લગ્ન કહેવાતું નથી અને તેની કોઇપણ (શાસ્ત્રોક્ત અગર લૌકિક) ક્રિયા પણ થતી નથી. અનાદિથી ચાલતા આવેલા વ્યવહાર મુજબ યુગલ જન્મે છે અને ઉમ્મરમાં આવતાં તેમનો વ્યવહાર ચાલે છે. પરંતુ ઋષભદેવ સ્વામી જે યુગલીઅણને પરણ્યા તેની સાથેનું યુગલ વ્યવહારમાં આવ્યા પહેલાં મરણ પામ્યું હતું અને તે યુગલીણી એકલી જ હતી. તેથી વગર પરણેલી અને અને કોઇપણ રીતે સંસારના વ્યવહારમાં આવ્યા વગરની સ્ત્રી (યુગલીયણ) ને ઋષભદેવ સ્વામી પરણ્યા તેને પુનર્લગ્ન કોઈ પણ પ્રકારે કહેવાઈ શકાશે નહીં. પૂનર્લગ્ન કોને કહેવાય છે ? એ તમો સારી રીતે સમજો છો એટલે તે બાબત મારે તમને વધારે સમજાવવાની જરૂર જોતો નથી, એટલે કે જે સ્ત્રીએ શાસ્ત્રોક્ત અગર લૌકિક રીતે એક પુરુષની સાથે લગ્ન કર્યું હોય અગર સંસાર વ્યવહારમાં જોડાઈ હોય તે વિધવા થાય અને બીજા પુરૂષ સાથે લગ્ન કરે એ લગ્નને પૂનર્લગ્ન કહેવાય. ઋષભદેવ સ્વામીએ જે સ્ત્રી સાથે લગ્ન કર્યું તે પરણેલી નહોતી તેમજ કોઈપણ પ્રકારે સંસાર વ્યવહારમાં પડેલી નહોતી. તેની બાલ્યાવસ્થામાં તેની સાથેનું યુગલ મરણ પામ્યું અને તે એકલી રહી. તેને પિતાની આજ્ઞાથી ઋષભદેવ સ્વામી પરણ્યા, એને કદાપિ પણ જેનામાં થોડી પણ બુદ્ધિ હશે તે પૂનર્લગ્ન કર્યું એમ કહી શકશો નહીં, યુગલધર્મ નિવારી લગ્ન કરવાનો વ્યવહાર જ ઋષભદેવ સ્વામીથી પ્રવર્તેલો છે તેથી તેઓ જુગલધર્મ નિવારક કહેવાય છે, માટે મી. જૈમલે ઋષભદેવે પૂનર્લગ્ન કર્યું એમ જે કુયુકિત લખાવી છે તે ખોટી છે અને તેમણે પૂનર્લગ્ન કર્યું જ નથી એ વાત સિદ્ધ છે, વળી યુગલીઆ સાથે જન્મે અને સાથે મરે, એવો નિયમ જે જૈમલ પદમીંગજીએ જૈનોના પક્ષ તરીકે કર્યો છે તે પણ ખોટો છે; અને વળી જુગલીઆને જન્મથી જ લગ્ન હોય છે એમ તેમણે જે મન ફાવતો તર્ક કરી લોકોને ઉલટું ઠસાવવા પગલું ભર્યું છે તે તદ્દન ગેરવાજબી છે. લગ્ન એ શબ્દની સમજણ ઋષભદેવે પાડી અને પ્રવર્તાવી અને જુગલીઆમાં લગ્ન કરવાનું હતું જ નહીં તો તેને જન્મથી લગ્ન શી રીતે કહી શકાય? તો તેમનો કલ્પ હતો તે પ્રમાણે તેઓ વર્ત્તતાં હતાં. માટે તેમનામાં લગ્ન હતું જ નહીં એ વાત સત્ય છે.. પૂનર્લગ્ન નહોતું એ વાત સત્ય છે. તેમજ ઋષભદેવ જે યુગલીયણ (સ્ત્રી) ની સાથે પરણ્યા તે તદ્દન વગર પરણેલી. તેમજ યુગલની સાથે પણ સંસાર વ્યવહારમાં આવ્યા વગરની હતી તેથી તેને કોઈ પણ પ્રકારે પૂનર્લગ્ન કહી શકાય જ નહીં.

વળી જુઓ હાલમાં જૈનધર્મ માં મહાન્ અને પ્રખ્યાત વિદ્વાન બાલચંદ્રજી મહારાજે આપેલા પ્રશ્નોના ખુલાસા.

પ્રશ્ન–જીગલીઆ સાથે જન્મે અને સાથે મરે એવો નિયમ છે કે નહીં?

ઉત્તર–એવો કાંઇ નિયમ નથી, કારણકે તેઓનું આયુષ્ય સ્વોપકર્મી હોય છે.

પ્રશ્ન –ઋષભદેવ સ્વામી અને રીખબદેવની માતા મરૂદેવી જુગલીઆ કહેવાય કે નહીં ?

ઉત્તર– યુગલપણે ઉત્પન્ન થયા તેથી (તે અપેક્ષાએ) યુગલીઆ કહેવાય, પરંતુ તેઓનાથી જ જુગલાધર્મ નિવારણ થયો! તેથી યુગલીઆ કહેવાય નહીં. કારણ કે યુગલીઆં કલ્પવૃક્ષનો આહાર કરે છે અને મરીને દેવલોકમાં જાય છે, પણ ઋષભદેવ સ્વામીએ તથા મરૂદેવી માતાએ તો અન્નાદિકનો પણ આહાર કર્યો છે અને કાળ કરીને મુક્તિમાં ગયા છે, માટે જુગલીઆં કહેવાય નહીં,

પ્રશ્ન–જુગલીઓ મરી ગયો અને જુગલીઅણને ઋષભદેવસ્વામી પરણ્યા તે પૂનર્લગ્ન કહેવાય કે નહીં ?

ઉત્તર–—પૂનર્લગ્ન એટલે એકવાર લગ્ન થયાં હોય તેનાં બીજી વાર લગ્ન થાય તો પૂનર્લગ્ન કહેવાય. પણ જુગલીઆમાં પહેલાં લગ્ન હતાં જ નહી તો પૂનર્લગ્ન આવે જ ક્યાંથી? જુગલીઆ સાથે લગ્ન થયું નથી અને ઋષભદેવ સાથે લગ્ન થયું તે પુનર્લગ્ન કેમ કહેવાય ઈત્યાદિ. (અર્થાત પૂનર્લગ્ન ન જ કહેવાય)

વાહ રે ખ્રિસ્તી મિત્ર ! તમો કુયુક્તિ કરી પૂનર્લગ્ન સત્ય ઠોકી બેસાડવા કસર રાખતા નથી પણ તે, વ્યાજબી રીતે તે કોઇ પણ પ્રકારે સાબીત થાય તેમ નથી, અને તે કરવામાં ઘણાં જ પાપ છે એ સત્ય માનજો. વળી પૂનર્લગ્ન સંબંધે આ નીચે દીવાળી નામની પરણેલી અને મણિ નામે કુંવારી કન્યા હતી, તો બે બેનોનો સંવાદ આપના લક્ષમાં લેવા, મૂકું છું તે ધ્યાનપૂર્વ ક જોશો.

દીવાળી–કેમ મારી નાની બહેન મણી ! આજ કાલ પૂનર્લગ્ન થાય છે તું જાણે છે?

મણી– મોટી બહેન! પૂનર્લગ્ન શું છે તે હું કાંઇ સમજતી નથી. મેં તો આજે જ તમારે મોંઢે એવું નામ સાંભળ્યું.

દીવાળી–વાહ! શું તું એટલું એ જાણતી નથી. આજ કાલ સુધારાને નામે એવો પશ્ચિમનો પવન ફુંકાય છે તેમાં તું સમજી ન હોય તે વાત જૂદી; પણ તેં સાંભળ્યું પણ ન હોય એવું તારા બોલવા ઉપરથી જણાય છે, તેથી હું તાજ્જુબ થાઉં છું.

મણી–ખરૂં કહું છું કે બેન એ શું છે તે વિષે હું કાંઇ સમજતી અને જાણતી નથી.

દીવાળી–ઠીક, લે ત્યારે હું તને તે જણાવું, સાંભળ એક વાર લગ્ન કર્ય પછી જે સ્ત્રીનો ભરતાર મરી ગયો હોય તે સ્ત્રી બીજા પુરુષની સાથે પરણે તેને પૂનર્લગ્ન કહેવાય છે.

મણી–વારૂ! સમજી! પણ પરણેલો પતિ મરી જાય ત્યારે તો સ્ત્રી રંડાય–વિધવા થાય અને વિધવા થયા પછી વળી બીજા પુરૂષને પરણે એવું તે થતું હશે? એ તો આજ સાંભળ્યું. ત્યારે કહે જોઈ, તેવું પુનર્લગ્ન કરવાથી શો ફાયદો?

દીવાળી–વાહ રે મારી નાની બહેન! એટલું એ ન સમજી! મનમાનતો નવો ધણી કરી વિષયસુખ ભોગવીએ અને લહેર કરીએ.

મણી–આ તારું કહેવું મને ઠીક લાગતું નથી. કેમકે હું શાસ્ત્રાભ્યાસ કરૂં છું. તેમાં સ્ત્રીએ પતિવ્રતા ધર્મ સાચવવો એ સ્ત્રીનું ખરેખરૂ ભૂષણ છે એમ કહ્યું છે અને પતિના મરણ પછી વૈદ્યવ્ય ધર્મ પાળવો એમ કહેલું છે, અને તું તો નવો ધણી કરવાનું કહે છે એ તે બનતું હશે? ભરતાર હયાત છતાં બીજો કેમ કરાય અને તેના મુઆ પછી કરીયે ત્યારે તો આપણે લીધલું લગ્ન વખતનું પણ અને વચન ભંગ થાય તેનું કેમ?

દીવાળી––એવાં વચનનો ભંગ ગણીએ તો મનમાનતું સુખ ક્યાંથી મેળવાય? એમાં વચન ભંગ બંગ કાંઈ થતું નથી.

મણી– વચન ભંગ ન થાય એ તારું કહેવું વાસ્તવિક નથી. માટે એક ભરતાર કર્યા પછી બીજો મનમાનતો ધણી શી રીતે થાય?

દીવાળી–મારી બેન હજુ તું ન સમજી, જો સાંભળ પરણેલો પતિ હયાત હોય ત્યારે તો તે આપણને રોકી શકે. વળી કાયદાની બારીકીમાં પણ આવી જવાય. માટે પતિ મરણ પામેલો હોય ત્યારે મનમાનતો બીજો મેળવવામાં બાધ આવે નહીં; તેથી જેની સાથે આપણાં લગ્ન કર્યા હોય તેની સાથે ફાવટ આવે નહીં અને બીજો ધણી કરવાની ઈચ્છા થઇ તો! આપણા ધણીને હરેક રીતે ઠેકાણે કરીએ કે મનના મનોરથ બીજો ધણી કરી પાર પાડી શકાય.

દીવાળી–અરે ! મારા મનમાં પણ આવી કલ્પના ત્હેં વાત કરી ત્યારથી આવી હતી કે એવી વિષયસુખની વાંચ્છાવાળી સ્ત્રીએ તેવા સુખની ઈચ્છાએ મનમાનતો અર્થાત્ ફાવતો ધણી મેળવવા એવું ઘાતકીકર્મ કરે, કારણકે જ્યારે તેણીને વૈધવ્ય પ્રાપ્ત થતાં અર્થાત્ પરણેલો પતિ મરણ પામતાં બીજો પતિ કરવાની છૂટ છે અને હયાત ધણી હોય, ત્યાં સુધી બીજો કરી શકાતો નથી, તેથી જો સ્ત્રીના મનમાં બીજો મનમાનતો મેળવવા ઇચ્છા હરેક પ્રકારે થાય, પણ પરણેલા પતિ સાથે સેજ સાજ પણ નહીં ફાવટ થઇ તો તે માઠું કામ કરવા ઉપર આવે એ સંભવિત છે. અને વળી મને તો એ વાત નિઃસંદેહ લાગે છે કે તેમ થાય જ. કેમ કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ એવી લોકવાણી અને શાસ્ત્ર વાક્ય ખોટું ન હોય અને તેથી કરીને તેવું કૃત્ય કરવાને વિષય વાસનાવાળી સ્ત્રી પાછી પડે એ નહીં માનવા જોગ છે. માટે પૂનર્લગ્નનું નામ પણ મને તો સાંભળવું ગમતું નથી. એક તો વચન ભંગ થાય, બીજું બુદ્ધિ બગડતાં પરણેલા પતિને ઠેકાણે પાડવાનું મન થાય. એવાં ઉગ્ર પાપનાં કારણ થવા સંભવ છે. તેથી તેમજ શીયળ ભંગનું મોટું પાપોપાર્જન ન થાય, માટે એ મહા દુઃખદાયી પૂનર્લગ્નનું નામ સ્વપ્ને પણ સાંભળવું વ્યાજબી નથી તો કરાય, કરવાનું કહેવાય અને કરનારને સારૂં મનાય જ કેમ! શું જગત્ માં સતી સ્ત્રીઓ થયાનું તમને માલુમ નથી અને તેથી જ તો તેમનું નામ મરણ પામ્યા છતાં પણ અમર રહ્યાં છે, તેની શું તમને ખખર નથી? માટે હવે તેવું નામ પણ દેશો નહીં.

તે વિશે શાસ્ત્રમાં કહ્યું છે તે સાંભળો–

॥ जलमज्जेमच्छिपयं, अवगासे पंखीयाणगगयपणं ॥

॥ जाणंति बुद्धिमंता, महिलाचरित्तं न जाणंति ॥ १ ॥

અર્થ —જળમાં માછલાંનો પદસંચાર, (અને) આકાશમાં પંખીઓના પગનો સંચાર થતો બુદ્ધિમંતો જાણે પણ સ્ત્રીના ચરિત્રને જાણી શકતા નથી. માટે ખચીત એવી પૂનર્લગ્ન કરવાની જો છૂટ હોય તો સ્ત્રીઓ શું શું અકાર્ય કરે એ હું કહી શકતી નથી. માટે પૂનર્લગ્ન એવું નામ કાને સાંભળ્યાથી મને દુઃખ થાય છે અને પૂનર્લગ્ન કરવું એ મોટું પાપ છે.

વળી શાસ્ત્રમાં આઠ પ્રકારનાં લગ્ન કહ્યા છે. તેમાં પણ પૂનર્લગ્નનું નામ નથી માટે એ કોઈ વિષયવાસનાવાળાં સ્ત્રી પુરૂષોએ ઉત્પન્ન કરેલું મને લાગે છે. માટે એ મહાપાપમય પૂનર્લગ્નનું નામ સાંભળવું નહીં અને અરિહંત ભગવાનના ઉપદેશેલા ધર્મ ને અનુસરવું એ જ હિતકારી છે. ઇત્યાદિ, આ તો કલ્પનાએ કરી સંવાદ ઠરાવ્યો છે એમાંથી સાર લેવો એ જ સુજ્ઞ સ્ત્રી પુરૂષોને શ્રેયસ્કર છે, અને એ જ મારી ભલામણ છે.

ખ્રિસ્તી–ઋષભદેવ સ્વામીએ પૂનર્લગ્ન કર્યું તો તમારે પણ તમારા પ્રભુના અનુસારે ચાલવું જોઇએ.

જૈન–અમારા પ્રભુએ પૂનર્લગ્ન કર્યું નથી, એ વિવેચન આગલ ઉપર અમો બતાવી ગયા છીએ. જે શાસ્ત્રસિદ્ધ વાત છે. તેમાં તમારી કુયુક્તિ ખપ આવશે નહીં, પૂનર્લગ્ન કરવું એ ખોટું જ છે એ વાત તો નિઃસંદેહ છે, અને અમારા પ્રભુ વર્ત્યા છે તે પ્રમાણે ચાલવાથી જ મોક્ષ મળનાર છે એ સત્ય જ છે. પરંતુ તમો જેને પ્રભુના પુત્ર માનો છો તે વર્ત્યા હોય તેમ તમારે વર્ત્તવું જોઇએે કે નહીં, તે જરા કહેશો.

ખ્રિસ્તી–હા, અમારા ઈંસુએ જે-જે કામ જેમ કર્યા હોય તે પ્રમાણે હમારે બેશક ચાલવું જોઇએ.

જૈન–પ્રભુએ પોતાના દીકરાને મરિયમને પેટે જન્માવ્યો. તે મોટો થયો, ગામો ગામ ફર્યો અને સદાચરણ આચર્યો પણ સ્ત્રી પરણ્યો નહીં અને કુંવારો રહ્યો. તો તેના ચરિત્રને અનુસરીને સર્વ ખ્રિસ્તી મિત્રોએ કુંવારા રહેવું જોઇએ, પરણવું જોઇએ નહીં. અને પરણે છે તે ઈસુના ફરમાનથી વિરૂદ્ધ વર્તન કરે છે એમ હવે તમે ના પાડી શકો તેમ નથી, અને તેથી સર્વે પરણનાર પ્રભુના ગુન્હેગાર ઠરે છે, અને જ્યારે એક વાર પરણનાર ગુન્હેગાર ઠરે છે તો બીજી વાર અને તે વળી એક પત્ની પ્રાપ્ત કરી તેના મરણ પછી વિધવા થએલી સ્ત્રીને પરણવી અને તેવી સ્ત્રીને પરણાવવા ઉપદેશ દેવો અને તેનું સારું માનવું એ ઈસુનો ઈં! કેટલો મોટો ગુન્હો કહેવાય! તેનો તમો જ વિચાર કરો. વળી જુઓ, મુસાને પ્રભુએ દેખાડેલા દસ કાયદા. તેમાં પણ પુરુષે સ્ત્રીની સાથે લગ્ન કરવું. વળી એ ધણી મરી ગચો હોય તો બીજો ધણી કરવો એવું કાંઇ બતાવ્યું નથી, છતાં ફોકટ પ્રભુના કાયદાથી વિરૂદ્ધ ચાલી પૂનર્લગ્ન કરવું કહો છો અને એને સારૂં માનો છો તે યોગ્ય નથી અને તમારા પ્રભુના કાયદાથી જ તમારા પ્રભુના તમો ગુન્હેગાર થયા બરોબર અમોને આથી પણ દીસે છે. ઈસુ કુંવારો રહ્યો તેનું શું કારણ તે આપણે તપાસીએ તો સ્ત્રી કરવી તેમાં તે પાપ ગણતો હોવું જોઇએ અથવા તેને કોઇએ દીકરી આપી નહીં હોવી જોઇએ. વળી તમે કહેશો કે પ્રભુએ તેને પરણવાની ના કહી હતી તો તે પણ કલ્પના જ છે, કેમકે તેમ તમારા શાસ્ત્રથી સાબીત થતું નથી કે મારા પુત્ર ઈસુ તું પરણીશ નહીં એવું વાક્ય પ્રભુએ કહેલું તમારા શાસ્ત્રમાં જોવામાં આવતું નથી. ઈસુ કે જેને પ્રભુનો પુત્ર કહો છો તેને કોઈ કન્યા ન આપે એવું તો માની શકાય નહીં, ત્યારે પાપ ગણીને તે ૫૨ણ્યા નહિ હશે એવા અનુમાન પર આવ્યા વિના છૂટકો જ નથી; અને જ્યારે તે એકવાર અને તે પણ કુંવારી કન્યાને પરણવામાં પાપ માની પરણ્યા નહીં, તો પરણ્યા પછી રંડાએલી એવી જે મરી તેનાં પૂનર્લગ્ન કરવાં એ મહાપાપના કારણને તમો સારૂં માનો છો એ તદ્દન ખોટું છે. માટે મારી સર્વ ખ્રિસ્તી ભાઇઓ પ્રત્યે એ જ ભલામણ છે કે એ મહાપાપના કાર્યથી દૂર રહો અને એવું અઘટિત થતું કાર્ય સારૂં ન માનો.

તીર્થંકરનો એવો અતિશય છે કે સાડીપચ્ચીસ યોજન ફરતાં ઉપદ્રવ ન થાય, ત્યારે ગોશાળે ભગવાનના બે શિષ્યોને તેજોલેશ્યાથી બાળી મૂક્યા તેવું કેમ?

ખ્રિસ્તી–જૈમલ કહે છે કે તીર્થંકરનો એવો અતિશય છે કે સાડીપચ્ચીસ યોજન ફરતાં ઉપદ્રવ ન થાય, ત્યારે ગોશાળે ભગવાનના બે શિષ્યોને તેજોલેશ્યાથી બાળી મૂક્યા તેવું કેમ?

જૈન–તમોએ જૈનધર્મના સર્વ ગ્રંથોનું અવલોકન કર્યું છે નહીં. જે માણસ સંપૂર્ણ વસ્તુ ઓળખે છે તેને કોઈ જાતની શંકા રહેતી નથી. પરંતુ વસ્તુનો થોડો થોડો ભાગ જુવે છે. તેને સંપૂર્ણ વસ્તુનું જ્ઞાન કદિપણ થતું નથી. તે ઉપર ગુજરાતીમાં એક કહેવત છે કે,

"ક્યાં તો વગર ભણ્યો ભલો,ક્યાં તો ભલો ભણેલ;

અધવછરા જનથી જુઓ, બહુ બીગાડ બનેલ.”

વળી આ નીચે દષ્ટાંતથી તમારી વિશેષ ખાત્રી થશે કે કોઇપણ વસ્તુનું થોડું થોડું જાણપણું હોવા છતાં તે વિષેનો અભિપ્રાય બાંધવાથી કેટલી હાનિ અને હાંસી થાય છે. તે એ છે કે–

એક ગામમાં પાંચ આંધળા રહેતા હતા, તેમની પાસે એક પંડિત બ્રાહ્મણ આવ્યો, તે સમયે રાત્રીનો વખત હતો. પંડિત બ્રાહ્મણે, પેલા આંધળાઓને કહ્યું કે ચાલો ગામની બહાર હું તમને હાથી દેખાડું. તેઓએ તે જોવાની મરજી બતાવી એટલે તેમને દોરી પંડિત હાથી પાસે આવ્યો, પંડિતે તેઓને કહ્યું કે, આ હાથી ઉભો છે તેને હાથ લગાડી તપાસી જુઓ, એટલે હાથી કેવો હોય તે તમો સમજી શકશો, આમ કહેવાથી કોઇ આંધળાએ હાથીની સુંઢ ઝાલી, કોઇએ પગ ઝાલ્યો. કોઇએ પુંછડું ઝાલ્યું, એમ હાથીનું એકેક અંગ ઝાલીને સર્વ અંધળાઓ પંડિત પાસે આવ્યા પંડિતે પૂછ્યું હાથીને બરાબર તપાસી જોયો? સર્વ આંધળાએ હા કહી. ત્યારે પંડિતે પુછ્યું,કહો ભાઇ, હાથી કેવો હોય? એકે કહ્યું કે સાંબેલા જેવો હોય, બીજાએ કહ્યું કે સુપડા જેવો હોય, એમ પાંચે આંધળાએ જુદા જુદા અંગ તપાસેલા હોવાથી જુદા જુદા જવાબ આપ્યા. પણ હાથીનુ ખરૂં સ્વરૂપ તેઓમાંનો એક પણ બતાવી શક્યો નહીં. એ જ પ્રમાણે જેને શાસ્ત્રનો થોડો બોધ છે, થોડાં પુસ્તકો જોયાં છે. ગુરુગમથી તેનું રહસ્ય જાણ્યું નથી, એવા અપૂર્ણજ્ઞાનવાળો ખરૂં તત્ત્વ પામી શક્તો નથી, અને તેથી ખોટા ખોટા તર્ક વિતર્ક તેને થયા કરે છે, તેમાં વળી પૂર્ણ જ્ઞાનીનું અભિમાન ધરાવવા રુપ કુયુક્તિઓને જેઓ વળી લોકોને ભ્રમમાં નાખવા માટે કરે છે, તેઓને અમો શું કહીએ, પણ વિદ્વાન દક્ષ પુરૂષો તો તરત જ તેવી કુયુક્તિઓને સમજી કર્મની બહોળતા વિના આ મતિ ન સુજે એમ માન્યા વિના રહેનાર નથી.

પ્રસંગોપાત્ત આટલું જ કહી તમોએ પુછેલા પ્રશ્નનો ખુલાસો આપું છું. વીર ભગવાનને લોહીખંડવાડો થયો તથા બે શિષ્યને બાળી મૂક્યા એનો અચ્છેરામાં સમાવેશ થાય છે. માટે શંકાની જગા રહેતી નથી. જૈન શાસ્ત્ર કથકો, સર્વજ્ઞ હતા અને તેમને કોઈપણ પ્રકારની લાલચ, લોભ વિગેરે હતું નહીં; તેથી યથાર્થ જે વાત જેમ હતી તેમજ બતાવેલી છે.

ખ્રિસ્તી–જ્ઞાતામાં કહ્યું છે કે, શેલાંગ રાજરૂષિએ ત્રણ વાર દારૂ પીધો તેવું કેમ ?

જૈન–પીધો તે આચાર નથી પણ અનાચાર દોષ છે. કર્મ વશે પ્રાણીઓથી અકર્તવ્ય વસ્તુ બની જાય છે અને તેથી તેનું પાપ તેને ભોગવવું પડે છે. તેમાં કાંઈ શાસ્ત્રની આજ્ઞા નથી કે દારુ પીવો, દારૂપીવો એ મહાપાપ કાર્ય છે.

અજ્ઞાની જીવ કર્મની નિર્જરા કઇ રીતે કરી એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિયમાં પહોંચે, જો એ અકામ નિર્જરા જ કરી શકતો હોય?

અકામ નિર્જરા

ખ્રિસ્તી–અજ્ઞાન વડે તથા ઇચ્છા વિના દુઃખ ભોગવવું તેને અકામ નિર્જરા કહે છે. વળી નિર્જરાવડે જીવ કરેલાં કર્મ દૂર કરીને બેઇંદ્રિય તેઈંદ્રિય વિગેરે ભવ પામતો મનુષ્ય થાય છે તેમ કહેવું ખોટું છે. કેમકે નિર્જરા વડે કર્મનું છોડવું થાય છે પણ જેનાં કર્મ છોડે છે તેવાં સમયે સમયે સાથે આઠકર્મ બાંધે છે. જેવી રીતે કર્મ નો વ્યવહાર ચાલી રહ્યો છે અને અજ્ઞાની જીવ કર્મ છોડે થોડાંને બાંધે વધારે એ વચન પણ બાધકારક છે.

જૈન––અજ્ઞાની જીવ પણ જેમ નદીનો પથ્થર ઠોકર ખાતો ખાતો ગોળ થઇ જાય છે. તેમ યથાપ્રવૃત્તિકરણે કરીને અજ્ઞાની અવસ્થામાં તથા દ્રવ્યમનરહિત અવસ્થામાં પણ જન્મ મરણ કરતો જીવ કદાપિ કર્મ નો બંધ થોડો બાંધે છે, તેમ તેમ એકેંદ્રિયાદિકની બેઇંદ્રિયાદિક ગતિની પ્રાપ્તિ થાય છે. અને યાવત્ મોહનીય કર્મની અગણોતર કોડાકોડી સાગરોપમની સ્થિતિ ખપાવીને એક કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાકી રાખે છે, સાત કર્મનો બંધ સમયે સમયે થાય છે, પણ આયુષ્યકર્મનો બંધ તો એકભવમાં એક જ સમયે થાય છે. જે સમયમાં આયુષ્ય કર્મનો બંધ થાય તે સમયમાં કાંઈ ઓછી પ્રકૃતિ બાંધતો બેઇંદ્રિયાદિકથી તેઇંદ્રિયાદિકની ઊંચી ગતિમાં જાય એ સ્વભાવથી છે. માટે કર્મનો નાશ કરી અનુક્રમેપંચેદ્રિયથવું તથા સંપૂર્ણ કર્મનો નાશ કરવો એ પણ સર્વ સત્ય છે.

ઇંદ્રો પ્રભુની સ્તુતિ કરે છે તેમાં વીતરાગ એવું વિશેષણ આપ્યું નથી, તો જૈનપ્રભુને વીતરાગ વિશેષણ કેમ?

ખ્રિસ્તી–જૈમલ કહે છે કે, જૈનોએ પ્રભુને વીતરાગ વિશેષણ આપી નકામો બનાવી દીધો છે, અને ઇંદ્રો પ્રભુની સ્તુતિ કરી તેમાં વીતરાગ એવું વિશેષણ આપ્યું નથી, આ વિષે શો ખુલાસો હવે તમે આપી શકવાના છો ?

જૈન–સાંભળો, નામ માત્ર સાધુપણું મી૦ જૈમલને થયું, નમુત્થુણં ભણ્યા પણ ગણ્યા નહીં, અર્થાત્ એનો તાત્પયાર્થ સમજાયો નહીં અને શાસ્ત્રને બદલે શસ્ત્રરૂપ સદ્હણા થઈએ કર્મની વિચિત્રતા વિના બીજું શું કહી શકાય ? નમુત્થુણં અરિહંતાણં આદિપદ તેમાં અરિ એટલે રાગ દ્વેષરૂપી શત્રુ તેને હંતાણં એટલે હણનાર એ ઉપરથી ખુલ્લું જ છે કે, રાગ દ્વેષ રહિત એવા પ્રભુ ઠર્યા, અર્થાત્ વીતરાગ પ્રભુ એટલે રાગ વિનાના એવો અર્થ પ્રથમ અરિહંતાણં પદમાંથી નીકળે છે અને અરિહંતાણં એ પદનો અર્થ જ વીતરાગ થાય છે. તો ફેર શા કારણથી વીતરાગ વિશેષણ નથી લખ્યું? તેને પણ એટલી બુદ્ધિ પહોંચી નહીં અગરતો જાણી બુજી લોકોને અવળાપાટા બંધાવાનો પ્રયત્ન કરી પોતાની તુલના કરાવી આ બેમાંથી એકની તો તેમનાથી ના પાડી શકાશે નહીં એવું જૂઠું કહેવું તે શું ઠીક એમ કોઈ કાળે પણ કહેવાશે. વળી જુઓ, जय वीअराय जगगुरु એ પદનો એમાં “જગતના ગુરૂ એવા વીતરાગ ભગવાન જયવંતા વર્તો” એ સ્પષ્ટપદ કહ્યું છે માટે વીતરાગ પદ સત્ય જ છે. વળી જગત્ કર્તા ઈશ્વર માનવો જોઈએ એવું અમારાં કોઈ પણ ગ્રંથમાં છે નહીં તો નીકળે કયાંથી! ઈશ્વર કર્તા છે જ નહીં માટે જગતકર્તા ઈશ્વર માનવામાં જે જે વિરોધ આવે છે તે તે સર્વ પહેલાં લખી બતાવ્યા છે ત્યાંથી જોઈ લેવા. જૈમલ! જે ભ્રમ તમને પડેલો છે તે દૂર કરી સર્વજ્ઞપ્રણીત અનાદિ કાલથી સિદ્ધ શ્રી જૈનધર્મ અંગીકારકરી આ મનુષ્ય જન્મ સફળ કરી મુક્તિપદને ભવ્ય જીવો પામો.

મી. જૈમલે તેના પુસ્તકમાં જે જે શંકાઓ ઉઠાવી કુયુક્તિ જાળ ગુંથી છે, તેની દરેક બાબત ઉપર ઘણું ઘણું વિવેચન કરવાનું અને લખવાનું છે, પરંતુ ગ્રંથ ગૌરવના ભયને લીધે ટુંકમાં જ અહીં દર્શાવ્યું છે. જે કોઇને વિશેષ એ સંબંધે ખુલાસો લેવા જાણવાની ઇચ્છા હોય તેઓએ વિદ્વાનપુરુષોને રૂબરૂમાં મળવું.

मणिर्लुठतिपादाग्रे, काचः शिरसिधार्यते, परीक्षककरे प्राप्तः काचः काचः मणिर्मणिः ॥,

માધ્યસ્થદૃષ્ટિયુક્ત માધ્યસ્થ પુરુષો જ ધર્મની પરિક્ષા કરી, શકે છે.

હવે હું ગ્રન્થના અંતમાં અરિહંત ભગવાનની સ્તુતિ કરૂં છું કે હે ભગવન્! આ પંચમ કાળમાં પંચઝેર ભેગાં થયાં છે, જ્ઞાની પુરૂષોનો વિરહ પડ્યો છે પણ આપના મુખ થકી નીકળેલી જે સિદ્ધાંતરૂપ વાણી છે તે ભાવિક જીવોના હૃદયમાં આપના પ્રતાપથી વાસ કરો અને કપોલ કલ્પિતધર્મ એવું નામ અને અધર્મભૂત જે અંધારૂં તે ભવિકજીવોના હૃદયમાંથી દૂર જાઓ. इत्यलं विस्तरेण.

લે. મુની બુદ્ધિસાગર.

મુ સુરત,

વિ. સં. ૧૯૫૭ વૈશાખ પૂર્ણિમા–ગોપીપુરા.

ખેમુભાઇની વાડીમાં

ૐ શાન્તિઃ;

સમાપ્ત.