This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
જૈનધર્મ અને ખ્રિસ્તીધર્મનો નો મુકાબલો તેમાં જૈનધર્મની સત્યતા.. જૈન અને ખ્રિસ્તીના પ્રશ્નોત્તર
Book in Unicode and EPUB Converted by Parth Shah.
You can contact parthdjshah@gmail.com for further details.
જૈન––ઔ મારા પ્રિય મિત્રો ! તમોએ આકાશમાં સૂર્ય તો દીઠો હશે!
ખ્રિસ્તી–હા ભાઇ, પણ તે શાથી રહ્યો હશે ?
જૈન–તે પોતાના સ્વભાવથી રહ્યો છે. આ પ્રત્યક્ષ જે દેખાય છે તે તો સૂર્ય નું વિમાન દેખાય છે. સૂર્ય તો વિમાનમાં બેઠા છે. વિમાનના પ્રકાશથી જગતમાં પ્રકાશ થાય છે.
ખ્રિસ્તી–ઠીક. તમો કહો છો તે શાથી ખરૂં માનીએ કે પોતાનાં સ્વભાવથી સૂર્ય આકાશમાં રહ્યો છે?
જૈન–– જેને સંપૂર્ણ જગતનું જ્ઞાન છે. જે ત્રણલોકના ભાવ પ્રકાશક છે, સર્વપ્રાણી માત્રના મનના વિચાર જાણનાર છે, એવા તીર્થંકર ભગવાનના કહેવાથી સત્ય જાણીએ છીએ.
ખ્રિસ્તી–તીર્થંકર, એટલે શું અને તે કોણ? તેનું કહેલું તમે કહો છો તેમાં પ્રમાણ શું ?
જૈન–જેને રાગદ્વેષાદિ નથી અને સજેમભાવે વર્ત્તે છે તથા પોતે કર્મ નો નાશ કરી કેવલજ્ઞાન પ્રગટાવે છે અને અષ્ટ મહાપ્રતિહાર્યના જે સ્વામી છે તે તીર્થંકર કહેવાય છે. તે ચતુર્વિધ (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ) સંઘની સ્થાપના કરે છે. તેમણે પ્રરૂપેલાં સિદ્ધાંત આગમ અને તેમના શિષ્યો ગણધરો અને ગણધરથી ચાલતો આવતો આચાર્યનો સંપ્રદાય તેના ઉપદેશથી અમે સત્ય જાણીએ છીએ કે સર્વ પદાર્થ માત્રનું જ્ઞાન તીર્થંકરને છે. ૧
ખ્રિસ્તી–તીર્થંકર કેટલા હોય છે?
જૈન– છ આરામાં ચોવીસ તીર્થંકર હોય છે.
ખ્રિસ્તી– આરા કેટલા હોય છે?
જૈન–બાર. ઉત્સર્પિણીના છ અને અવસર્પિણીના છ.
ખ્રિસ્તી– આ જગત પ્રભુ ઈસુએ બનાવ્યું તે અમો સત્ય જાણીએ છીએ.
જૈન– આ જગત પ્રભુએ બનાવ્યું નથી. પ્રભુએ જગત બનાવ્યું તે કયા પુસ્તકમાં છે તેનું પ્રમાણ બતાવો !
ખ્રિસ્તી–પ્રભુના પવિત્ર પુસ્તક બાઈબલમાં લખ્યું છે.
જૈન–શું લખ્યું છે? કેવી રીતે? તે કહો,
ખ્રિસ્તી–પરમેશ્વરે પોતાના શબ્દ વડે કરીને આકાશ અને પૃથ્વી નિર્માણ કીધાં અને આખી પૃથ્વી ધીમે ધીમે ઉત્પન્ન થાય તેવી તેની મરજી હતી. તેણે તો પહેલાથી બધી વસ્તુઓની સંખ્યા તથા આકાર નિર્માણ કર્યા હતા.
જૈન–શબ્દ ક્યાંથી ઉત્પન્ન થાય છે?
ખ્રિસ્તી–મુખમાંથી શબ્દ થાય છે, તે શું તમે સમજતા નથી ?
જૈન–હા ભાઇ સમજુ તો છું, પણ મારૂં પુછવાનું રહસ્ય એ છે કે, પ્રભુને મુખ હતું ને મુખવાળાને તો આંખ, કાન, નાક વિગેરે બીજી ઇંદ્રિયો હોય છે ત્યારે શરીર પણ તેને ખરું કે નહીં ! તેવા વિચારમાં હું પડ્યો છું.
ખ્રિસ્તી–અરે વાહ ! શરીર વિના સુખ તે હોય ? માટે શરીર પણ તને ખરૂં.
જૈન– જેને શરીર હોય તેને આકારવાન્ કહેવાય કે નહીં ?
ખ્રિસ્તી–બેશક, આકારવાન્ કહેવાય.
જૈન–ત્યારે તમારા આ પ્રમાણ મુજબ જગત્ કર્તા. પ્રભુ આકારવંત થયો.
ખ્રિસ્તી–હા, આકારવંત માનવો તેમાં શું વિરોધ છે?
જૈન–તમારા સવાલ જવાબની પહેલી પોથીમાં પાનું ૨૭ પ્રશ્ન ૫૭ માં તમો દેવનું વર્ણન કરો છો, તેમાં તમોએ કહ્યું છે કે, “દેવ નિરાકાર આત્મા છે.” તે તમારા પુસ્તક પ્રમાણે નિરાકાર અને તમો જે મોહોડે સાકાર કહો છો તેમાં ખુલ્લો વિરોધ છે. આ વિચારવા જેવી વાત છે.
ખ્રિસ્તી–લ્યો ભાઇ રહ્યું ત્યારે, હવે દેવને નિરાકાર માનીશું. પછી તો કાંઈ વિરોધ નથી આવતો ને?
જૈન–તમારા પવિત્ર લેખની વાર્તા ઉપરથી કરેલા સુવૃત્તાંતો ભાગ ૧ લો પત્ર ૭૭ અધ્યાય ૨ માં લખ્યું છે કે – “મૂસો સીના પર્વત ઉપર ચડ્યો ત્યારે પ્રભુએ કહ્યું કે, ત્રીજા દહાડા લગી લોકને તૈયાર કર, કેમકે તે દહાડે પ્રભુ સીના પર્વત ઉપરથી સર્વ લોકના દેખતાં ઉતરશે. જે કોઈ પર્વતને અડકશે તેને પ્રભુ મારી નાંખશે. ત્રીજે દિવસે રણ સીંગડાનો મોટો અવાજ થયો. મૂસો પર્વત ઉપર પ્રભુ સાથે હતો ત્યારે પ્રભુએ કહ્યું કે, હે મુસા. હું તારો દેવ છું, મારા સિવાય આ બીજા દેવોને ન માનવા. મારે માટે ઘડેલી મૂર્તિ તું ના કર, તું હત્યા ના કર, વ્યભિચાર ના કર, મુસો ચાલીસ રાત દિવસ ત્યાં રહ્યો અને પ્રભુ સાથે વાતો કરતો હતો.” આ વાત ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે પ્રભુ સાકાર હતા, કેમ કે જો તેમ ન હોય તો મુસાની સાથે વાતચીત શી રીતે કરે? માટે દેવ નિરાકાર નહીં પણ સાકાર હતા એમ આથી સિદ્ધ થતાં દેવ “નિરાકાર” માન- વામાં વિરોધ આવે છે.
ખ્રિસ્તી– એવાં અનુમાન કરવા ઉપરથી તો એમ સ્પષ્ટ કેમ માનીએ? પરંતુ દેવ સાકાર છે એવું પ્રમાણ અમારા બીજા કોઈ ગ્રંથમાંથી બતાવી શકો છો?
જૈન–હા. જુઓ પુરાતન રથાપનાનું તમારું પુસ્તક ઈર્મયાનો ભવિષ્યવાદ પાનું ૯૬૭. તેમાં કહ્યું છે કે “પ્રભુએ પોતાનો હાથ કાઢી મારા ઉપર મુક્યો. વળી જુઓ હજકીઆલભવિષ્યવાદીનું પુસ્તક પાનું ૧૦૭૫ માં એમ લખ્યું છે કે "વંટોળીયાનો વાયુ ઉપરથી આવ્યો, તેની વચમાં અગ્નિ તેમાં કાચમણીના જેવું તેજ છે. તેઓની વચમાંથી ચાર પ્રાણીઓની પ્રતિમા, તે દરેક પ્રતિમાના ચાર મુખ, અને ચાર ચાર પાંખ, પ્રભુના ગોરવની પ્રતિમાનો આભાસ નેજ મેં જોયો, અને હું ઉંધો પડ્યો. જે મેં બોલનારનો શબ્દ સાંભળ્યો એ વિગેરે સાકરપણું દેખવામાં બીજાં દષ્ટાંતો છે, અને નિરકાર માનો છો એ મોટા વિરોધની વાત છે.
ખ્રિસ્તી–તમોને અમોએ કહ્યું એમાં શો વિરોધ આવે છે?
જૈન–અમોને તો કાંઈ પણ વિરોધ તથા હરકત આવતી નથી, પણ તમારા એક ગ્રંથમાં “નિરાકાર” અને બીજાગ્રંથમાં “સાકાર” માનો છો. ત્યારે તમારાં બે પુસ્તકમાંથી પવિત્ર કયું પુસ્તક સાચું માનવું, અને કયું ખોટું માનવું, એવિચારવા જેવું છે.
ખ્રી.––પ્રભુ તો નિરાકાર છે, પણ તેની ઘણી ભક્તિ કરે છે તેને દેખાવ આપે છે.
જૈન––અરે ! ઓ મારા મિત્રો, આ તમે શું બોલો છો? તમને બોલતાં જરા પણ વિચાર પડતો નથી, કે જેને આકાર ન હોય તે શી રીતે આંખે દેખાય? અને આંખે દેખાય તે નિરાકર કેમ કહેવાય? માટે તમારા અભિપ્રાય ઉપર વિચાર કરતાં જ નિરાકાર તો કહેવાશે નહીં. વારૂ એ તો સમજ્યા. હવે તમારા માનેલા પ્રભુએ કેટલા દિવસમાં જગત બનાવ્યું તે જણાવવા કૃપા કરશો.
ખ્રી.–—હા. આ વિષે તો અમો ખુલ્લો ખુલાસો જણાવીએ છીએ કે, દિવસ પહેલો–પરમેશ્વરે કહ્યું કે, અજવાળું થા ત્યારે અજવાળું થયું પછી અજવાળાને અંધકારથી જુદુ કર્યું એટલે રાત દિવસ થયો. બીજો દિવસ–પ્રભુએ આકાશ બનાવ્યું. ત્રીજો દિવસ–પાણીથી પૃથ્વી જુદી કરી તેમાં વનસ્પતિ તથા ઝાડોને ફળ આપનાર કીધાં. ચોથો દિવસ–દીવસ અને વર્ષને અર્થે જ્યોતિ કરી તારાઓને પણ બનાવ્યાં. પાંચમો દિવસ–પક્ષીઓ અને જળચરો બનાવ્યા, છઠ્ઠો દિવસ–ચાલ્તા પ્રાણીઓ તથા ઢોરોને બનાવ્યા, પછી પરમેશ્વરે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ કે જે સર્વ પશુ પક્ષીઓ ઉપર અધિકાર ચલાવે એમ ધારીને આદમ નામે પુરૂષ અને હવા નામની સ્ત્રી બનાવી. એ રીત છ દિવસમાં ઉપર મુજબ જગત્ પ્રભુએ બનાવ્યું.
જૈન–દિવસ પહેલો (અને) પરમેશ્વરે કહ્યું એ પદ (શબ્દ) ઉપરથી ખુલ્લું સમજાય છે કે, પરમેશ્વરે કહ્યુ ત્યારે તે સાંભળનાર બીજું કોઇ પણ હોવું જોઈએ. અને તે સાંભળનાર પણ કાનવાળો હોવો જોઈએ. કેમકે કાન વિના સાંભળવું સંભવતું નથી તેથી તે પુરૂષરૂપ હોવો જોઈએ. જો તમે દિવસને ક્હ્યું કે દિવસ થા, તો એમ પણ કહેવાશે નહીં, કેમકે તેમ કહેશો તો દિવસ પહેલાં સિદ્ધ કર્યો, ત્યારે તો દિવસ બનાવ્યો કહેવાય નહીં તેમ જ દિવસને કાન ૫ણ નથી, માટે પ્રભુએ કોને કહ્યું તે સમજાતું નથી. વળી જો તમે એમ કહેશો કે, પ્રભુએ પોતાના પ્રત્યે એવો શબ્દ કર્યો તો તે બીજા પ્રત્યે લાગુ પડશે નહીં એ વિરોધ આવે છે. વળી જુઓ ! દિવસ તો સૂર્ય ના પ્રકાશથી થાય છે માટે દિવસ પહેલાં સૂર્ય હોવો જોઇએ તો તેમ પણ નથી. કેમકે ઉપર બતાવ્યા મુજબ ચોથે દિવસે જ્યોતિ કરી એટલે સૂર્યાદિ બનાવ્યા અનેદિવસ તો પહેલે દિવસે બનાવ્યો બતાવ્યો છે, માટે એ પણ સંભવતું નથી. બીજે દિવસે આકાશ બનાવ્યું કહ્યું. તે ઉપર વિચાર કરતાં પ્રશ્ન ઉઠે છે કે, આકાશ એટલે ખાલી જગા. તો પહેલે દિવસે આકાશ નહીં હતું અર્થાત્ ખાલી જગા ન હતી તો દિવસ કયે ઠેકાણે રહ્યો? માટે આકાશ પહેલા દિવસ સંભવતો નથી. કેમકે यत्र यत्र प्रकाश: तत्र तत्र आकाश: એટલે જ્યાં જ્યાં પ્રકાશ છે ત્યાં ત્યાં આકાશ છે. વળી ઈશ્વરે છઠ્ઠે દિવસે પુરૂષ અને સ્ત્રી બનાવી તે પણ હરેક રીતે વિચાર કરતાં સંભવતું નથી માટે તે પણ ખોટું છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ વગેરે પદાર્થો બનાવવાનું પ્રભુને કંઈ પણ પ્રયોજન હોતું–સંભવતુ–જણાતું નથી, અને છે પણ નહીં. માટે ઈશ્વરે જગત્ બનાવ્યું એમ જે તમારું કહેવું છે તે ખોટું અને મનોકલ્પિત છે.
ખ્રિસ્તી–મનોકલ્પિત કેમ કહેવાય, વિચાર તો કરો.જુઓને! આવડું મોટું આ જે જગત દેખાય છે, પ્રત્યક્ષ છે, માટે તેનો બનાવનાર અવશ્ય મહાશક્તિમાન કોઇ પણ હોવો જોઈએ, તે ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે આ જગત્ પ્રભુએ બનાવ્યું છે.
જૈન– વાહ વાહ, જ્ઞાનશક્તિ વડે જરા ઉંડો વિચાર તો કરો, કે મંદ માણસ પણ પ્રયોજન વિના કંઈ કામ કરતો નથી તો ઈશ્વર જેને કહેવામાં આવે છે તેને શું પ્રયોજન હતું કે આ જગત્ બનાવે અને જાળ ગુંથે? શું જગત્ બનાવ્યા પહેલા ઈશ્વરને ગમતું નહોતું? અથવા પોતાને એવી જાળ ગુંથવાની ઈચ્છા ઉત્પન્ન થઈ કે શું ?
ખ્રી.– હા, પોતાની ઈચ્છાથી શબ્દ વડે ઈશ્વરે જગત્ ઉત્પન્ન કર્યુ.
જૈન– ઠીક ભાઇ, તેને શી ઈચ્છા હતી ! વળી તેણે શબ્દ વડે જગત્ બનાવ્યું કહેવામાં આવે છે તો હાથ વડે બનાવ્યું એમ કેમ નહીં કહેવાય? શરીરના અવયવોનો ઉપયોગ કર્યા વિના કોઈપણ પદાર્થ બની શકવો સંભવતો નથી એ તમો ક્યાં સમજતા નથી કે અમારે તેનું વધારે વિવેચન કરી સમજાવવું પડે તેમ છે. લખવામાં હાથ, ચાલવામાં પણ, સાંભળવામાં કાન, સુંઘવામાં નાક અને જોવામાં આંખ, એમ શરીરના સર્વ અવયવો વડે જ સર્વ કાંઈ બની શકે છે. તે સિવાય બનતું નથી. એ ન્યાયે ઉપર મુજબ હાથ વડે બનાવ્યાનું કેમ ન સંભવે ! વળી તે ઈચ્છા પણ જેટલી મનુષ્યની હોય તેટલી બની શકે છે કે કેમ ? પુરૂષ સ્ત્રીના સંગમ વિના સંતતિને બનાવી શકતો નથી. વળી કહેશો કે તેની શબ્દ વડે બનાવવાની શક્તિ હતી તેથી બનાવ્યું, તો તે પણ ખોટું છે. તેવું પણ બનવું અશક્ય છે. વળી 'કારણે કાર્ય નિપજે' એ સિદ્ધાંત છે. છતાં તેમણે કારણ વિના જગત્ કેમ બનાવ્યું? રાગ દ્વેષાદિ દૂર થયા હોય તેને પ્રભુ કહેવાય એ કોઈથી ના પડાય તેમ નથી, તો વિચારો, કે જે પ્રભુને ઈચ્છા થઈ, જગત્ બનાવ્યું, તે પર સત્તા ચલાવી, તેથી તે રાગી થયો એમ સ્પષ્ટ થયું. જેથી કરીને તેને પ્રભુ કેવી રીતે મનાય? ન જ મનાય. વળી જગત્ બનાવ્યા પહેલાં તેની ઈચ્છા હોય એમ સંભવતું નથી, જો ઈચ્છા હોત તો તે વખતે બનાવત. વળી તમો કહો છો કે દુનિયા જે બની તેને છ હજાર વર્ષ નો આશરો થયો. ને પ્રભુ તો અનાદિનો છે. આ ઉપરથી જણાય છે કે છ હજાર વર્ષ પહેલાં પ્રભુને ઈચ્છા સંભવતી નથી અને તે પહેલાં જગત્ પણ નહોતું ( ત્યારે તે પ્રભુ કયા કયા કામ કરતો હતો તે પણ જણાતાં નથી. તેમજ વળી જે શક્તિમંત હોય તે તો ક્ષણ વારમાં જ ઇચ્છાનુસાર કાર્ય કરે, તેમ પણ તમારા પ્રભુની ઈચ્છા થઈ, તથાપિ તેને જગત્ બનાવતાં છ દિવસ થયા, વળી તે પ્રભુએ બધી વસ્તુના આકાર પહેલાથી નક્કી કર્યા કહેવામાં આવે છે; તો અમો પુછીએ છીએ કે, પ્રભુએ આકાર તૈયાર કરી ક્યા ઠેકાણે રાખ્યા? કદાચ તમો કહેશો કે પ્રભુએ તે પોતાની પાસે રાખ્યા, તો પછી પેહેલાથી વસ્તુઓ સિદ્ધ ઠરી. તો ઇશ્વરે જગત્ બનાવ્યું એ ખોટું ઠરે છે.
ખ્રિસ્તી–પ્રભુએ પોતાના દીકરા ઇસુને જગત્ પર લોકોને પોતાનો મહિમા બતાવવા મોકલ્યો.
જૈન - શું ઈસુ જ પ્રભુનો દીકરો અને બીજાં માણસો ના તેમ તો નહી.
ખ્રિસ્તી– બીજાં માણસો પણ પરમેશ્વરના દીકરા તો ખરા.
જૈન–જ્યારે સર્વે મનુષ્યોની માફક ઈસુ પરમેશ્વરના દીકરા ઠર્યા. એકલા ઈસુ જ પરમેશ્વરના દીકરા છે એમ કહેવાશે નહીં.
ખ્રી.–ના. તેમ નહી. ફેર ખરો.
જૈન–શો ફેર ? તમારા મત પ્રમાણે જ જગત્ માં પેદા થયેલા સર્વ મનુષ્યો પરમેશ્વરના દીકરા કહેવાય તેમ ઇસુ પણ કહેવાય. અમોને તો કોઈ રીતે ફેર માલમ પડતો નથી. કારણ કે જે સ્ત્રીના ઉદરથી જે પુત્ર પેદા થાય તે સ્ત્રીનો સ્વામી અર્થાત્ તે પુત્રનો બાપ થાય તે અને ઉપર મુજબ સર્વ મનુષ્યનો બાપ જગત્ ઉત્પન્ન કર્તા તરીકે તમારા મને પરમેશ્વર એક છે, માટે તમારા કહેવા મુજબ ફેર માની શકાય તેમ નથી. વળી પરમેશ્વરને શરીર નથી અને તેમ નથી તો ઈસુ દીકરો પણ શી રીતે કહેવાય? ઈસુની મા મરિયમ હતી તેનો જે સ્વામી હોય તે તેનો બાપ કહેવાય. પરંતુ મરિયમ પરણી નહોતી ત્યારે તે તેનો બાપ કેમ કહેવાય?
ખ્રી. —–અરે ! એ તો ઇસુ પ્રભુનો દીકરો હતો અને તેના બાપ પ્રભુ હતા.
જૈન–મહેરબાન, ત્યારે તો પ્રભુ ઇસુની મા મરિયમ તેના સ્વામી ઠરે છે.
ખ્રી– –મરિયમનો સ્વામી પ્રભુ કહેવાય નહીં, કેમ કે જગતમાં જેટલા પુરુષો તેટલા દીકરા અને જેટલી સ્ત્રીઓ તેટલી દીકરીઓ પ્રભુની છે, માટે મરિયમ પણ પ્રભુની દીકરી છે.
જૈન– એ વાતની તમારા મત પ્રમાણે અમે ક્યાં ના પાડીએ છીએ પરંતુ પ્રભુની પોતાની દીકરી મરિયમ અને તેને પેટે પોતાના દીકરા ઈસુનો જન્મ પ્રભુએ આપ્યો, ત્યારે હવે તે કેવું સગપણ થયું તેની અમને સમજ પડતી નથી, તમો વિચાર કરી કહો.
ખ્રી. —કુંવારી કન્યાને પેટે પ્રભુના મહિમાથી ઈસુ જન્મ્યો તેમાં શી હરકત?
જૈન્–હજારો કુંવારી કન્યાને પેટે પ્રભુના મહિમાથી દીકરા થાઓ તેમાં અમારે કાંઇ લેવા દેવા નથી, પણ પ્રભુએ કુંવારીને પેટે કેમ જન્મ આપ્યો ? તેનું શું કારણ ? કદાચ તમે એમ કહેશો કે, મરિયમ પવિત્ર આત્મા હતી. તેવી બીજી કોઇ સ્ત્રી જગતમાં નહોતી. તેથી તેના પેટે જન્મ આપ્યો. પણ જેનો પવિત્ર આત્મા હોય તેને અપવિત્રના સંગમથી અપવિત્રપણું આવતું નથી, વળી પવિત્ર વસ્તુ અપવિત્રને પણ પવિત્ર કરે છે. એ ના પડાય તેમ નથી કેમકે જો એમ ન હોય તો તમારા જ મત પ્રમાણે ઇસુ જે પવિત્ર તેના સંગથી તેનાં લુગડાં પવિત્ર થયાં તેથી તે ખરૂં ઠરે છે, તો પવિત્ર ઇસુને પરણેલી સ્ત્રીના પેટે જન્માયો હોત તો તેમ કરવાની પ્રભુની શક્તિ શું નહોતી? અને તેમ કર્યું હોત તો લોકમાં પણ યુક્તિયુક્ત કહેવાત.
ખ્રિસ્તી —કુંવારી કન્યાને પેટે પ્રભુએ ઈસુને જન્માવ્યો તેથી લોકોને આશ્ચર્ય થાય, અને ચમત્કાર પામે, પરમેશ્વરનો મહિમા વધે અને તેનો દીકરો કહેવાય, માટે કુંવારીના પેટે પ્રભુએ ઈસુને જન્મ આપ્યો.
જૈન–સારૂ સાહેબ ! પરમેશ્વરને ચમત્કાર બતાવવાનો આ તમારા મત પ્રમાણે રસ્તો સારો સુજ્યો હશે. જગત્કતા પોતે અને તેને વળી ચમત્કાર બતાવવાની અગત્ય! આ પણ એક આશ્ચર્ય જ, જો ચમત્કાર બતાવીને માનતા વધારવાની અને લોકોમાં મનાવા પૂજાવાની તમારા મત મુજબ પ્રભુને અગત્ય હોત તો તે પોતે પર્વત જેવડું રૂપ ધરી તારા જેવડા ડોળા કરીને દુનિયામાં ફરી લોકોનાં દુઃખ દારિદ્ર દફે કરતા રહ્યા હોત તો તેથી સર્વ લોકો બેશક ચમત્કાર પામત અને તેથી કોઈ પણ માણસ તમારા માનેલા પ્રભુને માન્યા વગર રહેત ? અર્થાત્ સર્વલોક માનતા શું પ્રભુમાં તેવી શક્તિ નહોતી? વળી ક્ષમા ચાહી પુછવાની રજા લઉં છું કે, પ્રભુએ મરિયમને પેટે ઇસુને જન્મ આપ્યો ત્યારે તે ગર્ભમાં કેટલાક દિવસ રહ્યા હોવા જોઈએ અને ગર્ભમાં મળમૂત્ર વિના બીજા આહારનો સંભવ નથી તો તેવો આહાર પવિત્ર આત્મા ઈસુને કેમ ઘટે? તમે કહેશો કે, ગર્ભમાં પરમેશ્વરના મહિમાથી તેવો આહાર કરતો નહોતો, તો તેઓએ મોટા થયા પછી માણસનો મેલ; લીંટ ઇત્યાદિ ભક્ષણ કરનાર માછલીઓનું ભક્ષણુ કેમ કર્યું?
ખ્રિસ્તી–સાંભળો, પ્રભુ તો ન્યાયી ને સર્વજ્ઞ છે તે પોતે દુનિયામાં પર્વત જેટલું રૂપ ધરીને આવે તો સ્વર્ગ માં ખાલી જગ્યા રહે માટે તેવું રૂપ ધરીને આવ્યા નહીં, અને પોતાનો મહિમા દેખાડવાને વાસ્તે કુમારી મરિયમને પેટે ઈસુને જન્મ આપ્યો.
દોષો આવે છે, માટે પરમેશ્વર કોઈને ન્યાય અને અન્યાય કરતો નથી અને સર્વજ્ઞપણું તમારા પ્રભુમાં ઘટતું નથી, કેમકે સર્વજ્ઞ હોત તો ઈશુને દુખ આપનાર લોકોને પ્રભુએ જન્મ કેમ આપ્યો ! શું તેને માલમ નહોતું કે આ દુષ્ટો મારા દીકરા ઈસુને દુઃખ આપશે. જો તે સર્વજ્ઞ હોત તો એમ થવા દેત જ કેમ ? આ ઉપરથી ઇશ્વરને ભવિષ્યકાળનું જ્ઞાન તો નહીં જ હતું એમ સિદ્ધ થતાં તમારો માનેલો જગત્કર્તા ઈશ્વર સર્વજ્ઞ પણ ઠરતો નથી. ! ખ્રિસ્તી–ઈશ્વરે ઈસુને દુઃખ પડ્યું તે જાણીયું અને તેને પાછો કબરમાંથી ઉઠાડ્યો. !
જૈન–—ઠીક, પહેલાં મરવા દીધો અને પછી ઉઠાડ્યો. મરી ગયેલો માણસ ઉઠતો નથી તે વાત સર્વે આળગોપાળ પણ જાણે છે, કોઈથી અજાણ્યું નથી, છતાં આ તમે શું બોલ્યા? જે કબરમાંથી ઉઠાડ્યો એ તો વિચારવા જેવી વાત છે. વળી ઈસુને દુઃખી જાણીને પ્રભુનો આવવાનો વિચાર હોત તો વધઃ સ્થંભ વખતે કેમ આવ્યો નહીં ? શું તે તે વખતે કામમાં હતો કે માલમ ન પડ્યું ? વળી ઈસુ વધસ્થંભ ઉપર ચડયો તો વખતે સર્વ લોકના દેખતાં પ્રભુ આવ્યો હોત તો શું પ્રભુને લોકો બાઝી પડત કે તે વખતે આવ્યો નહીં, ના તેમ નહીં. જો તે વખતે આવ્યો હોત તો લોકોને પ્રભુની સાચી શ્રદ્ધા બેસત, પણ તેમ હોય જ કેમ?
ખ્રિસ્તી–અરે જૈન ભાઈઓ! હું તો ખૂબ ઉંડા વિચારમાં પડી ગયો. મને તો કાંઈ સમજાતું નથી કે આ શું હશે!
જૈન– ભાઈ ધીમે ધીમે ધ્યાન દેશો તો બધુએ સમજાશે. જણાવશો કે ઇસુમાં પ્રભુના જેટલું પરાક્રમ અને જ્ઞાન હતું કે નહીં ?
ખ્રિસ્તી–પ્રભુના દીકરા પ્રભુના જેવા જ હોય તેમાં તે શું પુછતા હશો ? એમા કાંઈ ઓછાપણું હોય નહીં એ સર્વ લોકો સમજે છે. કેમકે બાપ જેવા બેટા અને વડ તેવા ટેટા એ કોણુ જાણતું નથી.
જૈન–ઠીક, ત્યારે સાંભળો. ઈસુ જ્યારે એક ઠેકાણેથી બીજે ઠેકાણે જતા હતા ત્યારે રસ્તામાં તેમને ભુખ લાગી. એવામાં અંજીરનું ઝાડ દેખ્યું, ત્યારે તે તેની પાસે ગયા જોયું તો તે અંજીરના ઝાડ પર ફળ નહોતાં, કેમકે તે અવસરે ઋતુ નહોતી. ત્યારે ઈસુએ તેને શ્રાપ આપ્યો કે તું બળીને ભસ્મ થઈ જા, ત્યારે તે બળીને ભસ્મ થઇ ગયું.
ખ્રિસ્તી–અરે જૈન ! આમાં તમે શું કહેવા માગો છો ઉપર જે ખાલી વાત લખો તેમાં કાંઇ સાર તો આવ્યો નહીં માટે કહેવાનું હોય તે કહો.
જૈન––અરેરે! કહેવાનું તો ઘણું એ છે. તમો કાન દઈને સાંભળો. ઇસુ સર્વજ્ઞ હોત તો તેને પ્રથમથી જ ખબર પડત કે તે અંજીરના ઝાડ ઉપર ફળ નથી, વળી સહજ પણ મતિ અનુસાર વિચાર કીધો હોત તો પણ ખ્યાલમા આવત કે ઋતુ નથી તેથી ઝાડ ઉપર અંજીર હશે નહીં. છતાં તેમાનું કાંઈ જાણ્યું નહીં અને અંજીરના ઝાડ પાસે ગયા, ત્યારે જ માલમ પડ્યું કે તેના પર ફળ નથી. વળી તેણે અંજીરના ઝાડ પર કોપ કરી તેને શ્રાપ દઈ બાળી ભસ્મ કર્યું . . ત્યારે તેનામાં શાંતગુણ જતાં વિષમપણું (ક્રોધ) હતું તે ખુલ્લું દેખાય છે. વળી તેનામાં ભસ્મ કરવાની શક્તિ હતી તો ફળવંત કરવાની શક્તિ કેમ ન હોય? જો તેમ હોત તો તેણે તે ઝાડને ફળવંત થવાનો આશીર્વાદ દેવો જોઇતો હતો કે જેથી તેની પોતાની ભૂખ ભાંગત અને બીજા લોકો પણ અંજીર ખાત. આવું લાભદાયક કામ નહીં કરતાં, ઉલટું કામ શા વાસ્તે કીધું ? આ ઉપરથી એમ ઠરે છે કે તેનામાં કાંઈ જ્ઞાનનો લવલેશ અર્થાત્ સર્વજ્ઞપણાનો લવલેશ માત્ર હતો નહીં અને તેથી તેનો પરમેશ્વર પણ અજ્ઞાની ઠર્યો, કેમ કે તમોએ જ કહ્યું છે કે પ્રભુના દીકરા પ્રભુના જેવા જ.
ખ્રિસ્તી–પ્રભુ તો અદ્વેષી છે તે સર્વ મનુષ્ય ઉપર દયા રાખે છે માટે તે ઘણો મોટો છે.
જૈન––તમારા માનેલા પ્રભુ સંબંધી વિચાર તો કરો કે દ્વેષ રહિત અને દયાવંત હવે શી રીતે કહેવાય ! એમ તો ઠરતું નથી
ખ્રિસ્તી–શાથી એમ કહો છો? તેમાં શું પ્રમાણ છે, તે બતાવો, તમારા મનથી જ કહો છો કે શું ?
જૈન––અરે ખ્રિસ્તીઓ જુઓ તમારા જ પુસ્તક. અમારા મનથી અમે કાંઇ કહેતા નથી. તમારું પુરાતન સ્થાપનાનું પુસ્તક પત્ર ૯૨૫ અધ્યાય ૩૭ માં લખ્યું છે કે, પ્રભુના દુતે આસુરની છાવણીમાં ૧૮૫૦૦૦ માણસોને મારી નાખ્યા વળી બીજુ પ્રમાણ– ઇરમયાના ભવિષ્યવાદ પાના ૯૬૮ માં લખ્યું છે કે, જે લોકો મને છોડીને અન્ય દેવોની આગળ ધૂપ બાળશે તથા પોતાના હાથોના કામોનો ભંજન કરશે તેઓને દુષ્ટપણાને લીધે મારા ન્યાયાશાસન કરીશ.
ખ્રિસ્તી–તેમાં પ્રભુને શું કહેવાનું છે?
જૈન–જુઓ, પ્રભુના દૂતે એક લાખને પંચ્ચાસી હજાર માણસોને મારી નાખ્યા. મરનારાઓએ પ્રભુનો શો અન્યાય કીધો હતો? પોતાના રાજાની સેવા બજાવવા તેમને લડવું તે ન્યાય છે, તેમાં મશનારાઓનો શો વાંક હતો તે બતાવો. તે માણસો પર પ્રભુની દયા હોત તો પ્રભુના દૂત કેમ મારે ! વળી બીજા દેવો આગળ ધૂપ કરનારાઓ ઉપર પ્રભુનો કોપ થયો તેથી તે ક્રોધી અને ઈર્ષ્યાળુ થયો. વળી તમે કહેશો કે પ્રભુએ બીજા દેવોની આગળ ધૂપ કરવાની મનાઈ કરી હતી અને તેમણે બીજા દેવો આગળ ધૂપ કર્યો, પ્રભુનો કાયદો માન્યો નહીં તેથી તેમના ઉપર ક્રોધ ચઢ્યો એમ કહેવું પણ અયુક્ત ઠરે છે. જેમકે, પાંચ છોકરાનો કોઇ બાપ છે, તેણે પોતાના છોકરાઓની આંખો ફોડી નાખીને કહ્યું કે, તમે ઘરની આગળ આંગણાંમાં રહેલા ઝાડને અડકશો તો તમને તરવારથી મારી નાખીશ. બીચારા છોકરા આંખો નહીં હોવાથી ફાંફાં મારતાં મારતાં તે ઝાડને અડકી ગયા, તેથી તેના પિતાએ તે છોકરાઓને મારી નાખ્યા. તેમ પ્રભુએ પણ બીચારાઓને અજ્ઞાની બનાવ્યા, અને કહ્યું કે તમે બીજા દેવોને માનશો નહી, અજ્ઞાનતાને લીધે તેમણે ધૂપ કીધો અને માર્યા ગયા. જો પ્રભુએ પ્રથમ તેમને જ્ઞાન આપ્યું હોત તો બીજા દેવો ખોટા છે અને પ્રભુ જ સર્વ જગતના કર્તા છે, તેમ જાણીને બીજાનું નામ પણ તે લોકો લેત નહીં. પણ બીચારાઓએ અજ્ઞાનતાને લીધે અન્યદેવોને ધૂપ કર્યો, તેમાં ભૂલ કરાવનાર અજ્ઞાન છે, તો અજ્ઞાનને પ્રભુએ દૂર કરવું તે ઠીક છતાં તેઓએ એમ કેમ ન કર્યું તે પણ વિચારવા જેવું છે. વળી બીજા દેવો કર્યા તે જગત્ બનાવ્યું તેમાં આવ્યા એટલે બીજા દેવો પણ પ્રભુએ જ બનાવ્યા તો તેમની પૂજા ધૂપ લોકો કરવા લાગ્યા. જો પ્રભુએ બીજા દેવો નહીં બનાવ્યા હોત તો લોકો ધૂપ કરત જ નહીં અને પ્રભુને કરડી આંખ કરવાનો વખત જ આવત નહીં. આ બાબતમાં સજ્જન લોકો પક્ષપાતરહિત મનમાં વિચાર કરો કે કોની ભૂલ છે? પ્રભુની ભૂલ કે માણસોની ભૂલ ! વિચાર કરતાં પ્રભુની ભૂલ કે બનાવ્યા ને તેને સંબંધે મારવા પડયા. આથી તમારા પ્રભુમાં દ્વેષભાવ પણ ઠર્યો.
ખ્રિસ્તી–અન્ય દેવોને ધૂપ કરવો, તેની પરમેશ્વરે ના કહી છે.
જૈન–અન્ય દેવોને ધૂપ કરવાની પ્રભુએ શા કારણે મનાઈ કરી છે ?
ખ્રિસ્તી–બીજા દેવોને ધૂપ કરવાથી પરમેશ્વરનું મોટાઈપણું રહેતું નથી માટે ના કહી છે કે બીજા દેવોને ધૂપ કરવો નહીં.
જૈન––સૂર્યના સામું ઉભો રહી ખોબો ભરી તેના સામી કોઈ ધૂળ નાખે તેથી શું સૂર્યની મોટાઈ જતી રહે છે? ના, નથી જતી રહેતી. વળી કોઇ છાબડીથી સૂર્ય નું તેજ ઢાંકી શક્શે ? ના નહી ઢાંકી શકે. ત્યારે શું બીજા દેવોની પૂજા કરવાથી પ્રભુની મોટાઈ જતી રહે છે ? ના નથી જતી રહેતી. ત્યારે હવે કહો કે બીજા દેવોને ધૂપ કરવાની કેમ ના કહી?
ખ્રિસ્તી –તેઓ બીજા દેવોની પૂજા બંધ નહી કરે તો પ્રભુ મોટો છે તે શાથી જણાય? તે વાસ્તે બંધ કરી.
જૈન––અમે ઉપર કહું તેમજ બીજા દેવોનો બનાવનાર પણ પ્રભુ ઠર્યો; તો તે તમારો પ્રભુ તો બીજા દેવોને દેવ તે મોટો એ સિદ્ધ જ છે, છતાં વળી અન્ય દેવોની પૂજા બંધ કરવાનું શું કારણ ?
ખ્રિસ્તી–બીજા દેવો પ્રભુના કાયદામાં નથી, તેથી તેની પૂજાની મનાઈ કરી છે.
જૈન–ત્યારે અન્ય દેવોને પ્રભુના ઉપર ક્રોધ ચઢતો હશે કે નહીં? કેમકે પોતાની પૂજા બંધ કરી માટે.
ખ્રિસ્તી–હા, ક્રોધ ચઢે પણ પ્રભુના સામે તેમનું કશું ચાલે? કેમકે પ્રભુ બળવાન છે.
જૈન –અન્ય દેવો ઉપર તમારા માનેલા પ્રભુને કોપ થાય છે કે નહીં ?
ખ્રિસ્તી–અન્ય દેવો ઉપર પ્રભુને કોધ ચઢે છે.
જૈન–ઠીક ત્યારે અન્ય દેવો તથા તેની પૂજા કરનારા ઉપર તમારા માનેલા પ્રભુને ક્રોધ ચઢતો હશે, પરંતુ તેમાં પ્રભુથી થોડી શક્તિવાળા પુરૂષોને તે ક્રોધ ફળ આપતો જણાય છે પણ બીજા દેવો તો પ્રભુ કરતાં અધિક શક્તિવાળા હશે, તેથી બીજા દેવોને પ્રભુનો ક્રોધ શું કરી શકે? કાંઇ નહી, કેમકે બીજા દેવોની ભક્તિ કરનારને માર્યા કહેવાય છે, પણ દેવોને કાંઇ કરી શક્યા જણાતું નથી. આમ હોવાથી વિચારવાનું એ રહે છે કે, બીજા દેવો તમારા માનેલા પ્રભુ કરતાં અધિક શક્તિવાળા ઠરતાં પ્રભુની પૂજા કરનારને દુઃખ દે એ કેમ ના પાડી શકાય! અને જો એમ હોય તો માણસોની કોની ભક્તિ પૂજા કરે? જો પ્રભુની ભક્તિ કરે તો અન્ય દેવો મારી નાખે. આ તો એક તરફ વાઘ અને એક તરફ નદી એવા ન્યાયથી મનુષ્યોએ કોની ભક્તિ પૂજા કરવી અને કોની નહીં કરવી એ મોટી વિટંબનાની વાત જેવું દીસે છે. અને મારા ખ્રિસ્તી ભાઇઓ વિચાર કરો કે હવે શું કરવું. જે ક્રોધવાન અને રાગદ્વેષાદિથી ભરેલા હોય તેવા દેવો અગર પ્રભુ કહેવાતા હોય તો તેથી વળવાનું શું ? કેમકે પોતા પાસે જે વસ્તુ નથી તે બીજાને શી રીતે આપી શકનાર છે ? માટે ખૂબ વિચાર કરો. અરે સત્ય દેવ તીર્થંકર ભગવાનને ગ્રહણ કરો.
ખ્રિસ્તી–નહીં, નહીં, સાંભળો પ્રભુ જ મોટો છે અને તેનું ધાર્યું જ થાય છે. જુઓ, પ્રભુ મનુષ્યનું આયુષ્ય પચીસ; પચાસ કે સો વર્ષ નું નિર્માણ કરે છે તે પ્રમાણે તે જીવે છે; પછી મરી જાય છે. અન્ય દેવોથી મનુષ્યનું આયુષ્ય તુટતું નથી.
જૈન– તેમાં પ્રમાણ શું ?
ખ્રિસ્તી–પુરાતન પુસ્તકો જુઓ.
જૈન–કોઈ ઠેકાણે પ્રભુએ મનુષ્યનું આયુષ્ય બાંધ્યું હોય એમ જોવામાં આવતું નથી. માટે આયુષ્ય બાંધનાર ઈશ્વર કહેવાય નહીં.
ખ્રિસ્તી–સર્વે માણસો પાપની અવસ્થામાં જન્મે છે એ ખરૂં ને ?
જૈન–મનુષ્ય પહેલાથી પાપની અવસ્થામાં જન્મે છે એ ખરૂં છે, અને તે ઉપરથી પાછલા ભવમાં તે મનુષ્યે પાપ કીધેલું તે સિદ્ધ થાય છે, નહીં તો પાપ સહિત કેમ જન્મે? માટે પુનર્જન્મ, જીવને કર્મના વશથી કરવો પડે છે તે સત્ય છે અને જીવને કર્મ પણ અનાદી કાળથી લાગી રહ્યું છે તે પણ સત્ય છે.
ખ્રિસ્તી–જગત્ માં એક જ દેવ છે. બીજા દેવો નથી.
જૈન– દેવ એક નથી પણ ઘણા છે. એવું તમારા પુરાતન સ્થાપનાના પુસ્તક પરથી સાબીત થાય છે. જુઓ તમારા પ્રભુએ લોકોને કહ્યું કે મારા વિના બીજા દેવોની પૂજા ધૂપ કરશે તેને હું મારી નાખીશ અને દુઃખ આપીશ. આથી બીજા દેવો સિદ્ધ ઠરે છે. જુઓ જૈનોના ગ્રંથો–સંગ્રહણી, જંબુદ્વીપ પન્નતી, પન્નવણા વિગેરે.
ખ્રિસ્તી–જેવો માણસને આત્મા છે તેવો પશુને નથી. આમાં ફેર છે તેથી પશુનો આત્મા પ્રભુને ઓળખી શક્તો નથી, માટે તેને જીવ કહેવાય છે અને મનુષ્યાત્મા, પ્રભુને ઓળખી શકે છે.
જૈન–પશુને પણ જ્ઞાન હોય છે. જેમકે ઘાસ ખાય છે. પણ પત્થર ખાતો નથી, તેઓ પોતાના વાછરડાને ધવરાવે છે અને બીજા પશુના વાછરડાને ધવરાવતાં નથી. વળી કોઈ તેને લાકડી લઈને મારવા જાય છે તો તે નાશી જાય છે, સારૂં ખોટું સમજવાની તેનામાં જ્ઞાનશક્તિ છે. માટે મનુષ્યમાં આત્મા છે, તેમજ પશુમાં પણ આત્મા છે. મનુષ્યને પશુ કરતાં જ્ઞાન વિશેષ હોય છે, કારણકે પશુને વિશેષ કર્મ લાગેલાં હોય છે. જેમ જેમ કર્મનો નાશ–ઓછાપણું તેમ તેમ જ્ઞાન વિશેષ પ્રગટે છે, પરંતુ આત્મા તો સર્વ ના સરખા છે.
ખ્રિસ્તી–પ્રભુના પુત્ર ઇસુ જેવો આ દુનિયામાં બીજો કોઇ થયો હોય એમ દેખાતું નથી.
જૈન–પ્રભુના પુત્ર ઇસુએ જે કામ કર્યા તે વિચારવા લાયક છે, તેના જેવો દુનિયામાં બીજો કોણ કહેવાય વળી?
ખ્રિસ્તી–તેનાં શાં કામ વિચારવા લાયક છે. આવો શબ્દ શા કારણે બોલ્યા?
જૈન–યરૂસાલેમમાં પોતાના શિષ્યો સાથે ભોજન કર્યા પછી ઇસુએ ઊઠીને એક અંગુછો લઈને પોતાની કમરે વીંટાળ્યો, ને એક વાસણમાં પાણી લઈને પોતાના શિષ્યોના પણ ધોવા લાગ્યો, અનેકમરે વીંટાળેલા રૂમાલથી પણ લુંછી નાખવા લાગ્યો. જ્યારે તે પીટર પાસે આવ્યો ત્યારે પીટર બોલ્યો કે, મારા પણ તમારે ધોવા નહીં, કારણ કે પીટર સમજતો હતો કે પગ ધોવા એ ચાકરનું કામ છે. ઇસુ આપણા પણ ધોવે એ અઘટિત છે. પછી ઇસુએ પીટરને કહ્યું કે, જો હું તારા પણ ન ધોઉં તો તું મારો આજથી શિષ્ય નહી. એમ કહ્યા પછી ઈસુ પાસે તેના શિષ્ય પીટરે ખુશીથી પગ ધોવરાવ્યા. ઈસુનો શિષ્ય યહૂદા દુષ્ટ હતો અને તે ઇસુનું ખરાબ ઇચ્છતો હતો, તો પણ ઈસુએ યહુદાના પણ ધોયા. સઘળા શિષ્યોના પણ ધોઈ રહીને ઇસુ સર્વ શિષ્યોની જોડે વાતો કરવા લાગ્યો. હવે યહૂદા દુષ્ટ છે, એ દુષ્ટ લોકોને લાવશે અને તે દુષ્ટ લોકો મને પકડીને મારી નાખશે, અને ઈસુ શિષ્યોની સાથે ભોજન કરતાં બોલ્યો કે, હે શિષ્યો ! તમારામાંનો એક દુષ્ટ મને લોકોના હાથમાં સોંપશે અને તે લોકો મને મારી નાંખશે. આ સાંભળી બધા શિષ્યો દીલગીર થયા. પીટર બોલ્યો કે, શું તે હું છું ! યોહાને પુછ્યું કે, તે હું છું ? યોહાન પોતાનું માથુ ઇસુની છાતી પર લગાડીને બેઠો હતો. પીટરે તેને ઇશારો કીધો કે, કોણ દુષ્ટ લોકોને તમારું ઠેકાણું ખતાવવાનો છે. ત્યારે ઇસુએ કહ્યું જે મારી સાથે રોટલી બોળે છે તે, રોટલી બોળનાર યહૂદા ઇસકારીયત હતો. તેણે ઇસુ સાથે પોતાની રોટલી બોળી હતી. પછી ઇસુએ યહૂદાને કહ્યું કે; તારે જે કરવું હોય તે કર. ત્યારે યહૂદા ઉઠીને બહાર ગયો અને દુષ્ટ માણસોના ચાકરો લઇને ઇસુને પકડવાને વાડીમાં આવ્યો. ઇસુ, વાડીમાં પીટર, યાકુબ અને યોહાન એ ત્રણ શિષ્યો સાથે હતો. ઈસુએ પગે પડીને પ્રભુની પ્રાર્થના કીધી. યરૂસાલેમના અભિમાની લોકોના ચાકરો આવ્યા, પીટરે તલવાર લઈને એક દુષ્ટ માણસનો કાન કાપી નાખ્યો, દુષ્ટ લોકોની પાસે ઇસુને મુકીને સઘળા નાસી ગયા, પછી દુષ્ટ લોકોએ દોરડાવડે ઇસુના હાથ પગ બાંધ્યા, અને યરૂસાલેમમાં લઇ ગયા. ઈસુ તેઓની સાથે ઘેટા જેવો નરમ થઇ ચાલ્યો. દુષ્ટ અભિમાની લોકો ઇસુને ધિક્કારતા હતા, તે ઇસુની રાહ જોતા હતા. ઇસુ આવે કે તુરત જ આપણે તેને (ઇસુને) મારી નંખાવીશું. થોડીવાર પછી દુષ્ટ ચાકરો ઇસુને લઈ હવેલીમાં આવ્યા, તેને જોઈ દુષ્ટ લોકો ખુશ થયા, તેઓએ તેને ઓરડાની વચમાં ઊભો રાખ્યો, અને તેનું અપમાન કર્યું . તેઓએ ઇસુને પુછ્યું કે, તું પરમેશ્વરનો પુત્ર છે? એટલામાં પીટર, ઇસુનો જે શિષ્ય હતો તે ઇસુની શોધ કરતાં કરતાં ત્યાં આવી પરસાળમાં ગયો. ત્યાં દુષ્ટ ચાકરો બેસીને તાપ્યા કરતા હતા. ત્યાંથી બીજા ઓરડામાં જવાનું બારણું ઉઘાડું હતું, તેમાંથી પીટર ઈસુને જોતો હતો. તે વખતે એક દાસીએ તેને કહયું કે, તું પણ ગાલીલના ઇસુ જોડે હતો. ત્યારે પીટરે જવાબ દીધો કે, અરે બાઇ, હું તેને ઓળખતો પણ નથી. એક વખતે ઈસુ કાંઈક બોલ્યો તેથી ચાકરે ઇસુને તમાચો માર્ચો, અને નોકરોએ ઇસુને મુક્કા તથા હડસેલા માર્યા, અને તેના મોં ઉપર થૂક્યાં, દુષ્ટો પીલાતની પાસે ઇસુને લઇ ગયા. ઇસુને એક ઘરમાં લઇ જઈ કોરડા મરાવ્યા. કે જેથી ઇસુના વાંસામાંથી લોહી વહેવા માંડ્યું પીલાતે દુષ્ટોને કહ્યું કે જુઓ તમારા રાજા યહૂોદાએ દુષ્ટ લોકોને ત્રીસ રૂપીયા આપ્યા હતા. અનુક્રમે દુષ્ટ લોકોએ વધસ્થંભ ઉપર ચડાવી ઇસુને મારી નાખ્યો. આ ઉપરથી સાર એ નીકળે છે કે, પોતાનો નાશ કરનાર યહૂદા, તેના તેમજ વળી બીજા શિષ્યોના પણ ધોયા તે ઇસુને ઘટતું નહોતું અને ન્યાય અન્યાય પણ રહ્યો નહીં તે ખેદકારક છે. તેથી યહૂદો મને મારી નાખશે એવો પોતાના શિષ્યોની આગળ યહૂદાનો મર્મ ઇસુએ ઉઘાડ્યો તેથી ઇસુ મર્મભાષી પણ ઠર્યો. પોતાનો નાશ કરનાર પોતાનો શિષ્ય થશે ત્યારે તો એમ સમજાય છે કે તેને પ્રથમ માલુમ ન હોવું જોઇએ કે તે મારો નાશ કરાવશે. જો તેને તેવું જ્ઞાન હોત તો યહૂદાને શિષ્ય કેમ કરે? માટે ઇસુને શ્રેષ્ઠ વધારે જ્ઞાન પણ હતું નહીં એમ ઠરે છે. વળી ઇસુના શિષ્ય પીટરે દાસીની આગળ કહ્યું કે, હું ઈસુને ઓળખતો પણ નથી. વાહ ખુદ ઈસુનો શિષ્ય પણ જ્યારે જૂઠું બોલ્યો કે જે ઇસુને તમે પરમેશ્વરનો પુત્ર કરી માનો છો. ત્યારે આજકાલના લોકો જુઠ્ઠું બોલે તેમાં શી નવાઈ ! ઈસુમાં જો શક્તિ હતી તો તેને દુષ્ટ લોકો કેમ મારી શકે? આ તેમનું ચરિત્ર જોઇ વિદ્વાન પુરૂષ તે પરમેશ્વરના પુત્ર હતા. તે વિષે શો અભિપ્રાય બાંધશે વારુ ! અમને તો કોઇપણ વિદ્વાન તે પ્રભુ પુત્ર છે એવો અભિપ્રાય બાંધે એમ લાગતુ નથી.
ખ્રિસ્તી. નદીમાં નાહાવાથી કાંઈ પણ પુણ્ય થતુ નથી અને દુ:ખ નાશ થતાં નથી.
જૈન: તે બાબતમાં અમને હરકત નથી. પણ તમારા પુસ્તકમાં નાહાવાથી કોઢ રાગ ગયો તેવુ લખેલું છે, જેમ કે, (તે નીચે પ્રમાણે) ઈ. સ. પૂર્વે ૮૯૪ આરામના રાજાનો સેનાપતિ નામન કરીને હતો. તે પોતાના સ્વામી આગળ મોભાદાર અને માનીતો હતો. તે નામનની સ્ત્રી પાસે એક દાસી રહેતી હતી. તે નાની દાસી પોતાની શેઠાણી આગળ આવી અને બોલી કે, આપણા સાહેબ જો સમરૂનમાના પેગમ્બરની પાસે જાય તો કેવુ સારૂ ! તરત તેમને કોઢ રોગ જાય. એ વાતની નામનને માલમ પડી. નામન લાંબી મુસાફરી કરીને ઇસ્રાઈલ દેશમાં આવ્યો અને એલીસા પેગસ્બરના ઘર આગળ આવી ઊભો રહ્યો. એલીસાને એ વાતની ખખર પડતાં એની પાસે એક માણસને મોકલી કહેવડાવ્યું કે, “તું જઈને યર્દનમાં સાત વાર સ્નાન કર કે જેથી તું શુદ્ધ થઈશ, ” તે સાંભળીને નામન ઘણો ગુસ્સે થયો અને ચાલ્યો જતાં કહેવા લાગ્યો કે, હું તો મનમાં એમ ધારતો હતો કે, જરુર મારી પાસે એેલીસા ઘરમાંથી નીકળીને આવશે અને ઉભો રહેશે અને પોતાના દેવ પ્રભુને નામે વિનંતી કરશે અને હાથ ફેરવી કોઢ રાગથી છોડાવશે, એમ કહીને ક્રોધ કરી (ક્રોધ સહિત) નામન ચાલ્યો ગયો ત્યારે પાછળથી એલીસાના ચાકરો આવી બોલ્યા કે, જરૂર પેગમ્ખરના કહેવા પ્રમાણે કરવાથી તને ફેર પડશે . તેણે તે પ્રમાણે યર્દનમાં સાતવાર ડૂબકી મારી તેથી તેનો કોઢ રોગ ગયો, અને નાના છોકરાના જેવું શરીર થયું. તેથી તે ખુશ થયો અને કહ્યું કે, ખરેખર ઇઝરાઇલમાં જ દેવ છે. તે વાર પછી એલીસાને દાન આપવા માંડ્યું. પણ તે તેણે લીધું નહી. ઇત્યાદિક દૃષ્ટાંત ઉપરથી તમારા શાસ્ત્ર મુજબ નદીમાં નહાવાથી રોગ નાશ થાય છે એમ સ્પષ્ટ દેખાય છે. છતાં મોહડે તમો ના કહો છો, એ કેવી વિચારવા જેવી વાત છે.
ખ્રિસ્તી--તમો પ્રભુની મૂર્તિ કેમ પૂજો છો?
જૈન--અમારા પ્રભુએ અમને તે પ્રમાણે આજ્ઞા કરી છે માટે અમો પૂજીએ છીએ. 'મૂર્તિ' એટલે પ્રભુના જેવી આકૃતિ પછી ચાહે તો તે પાષાણની હોય, માટીની હોય અથવા કાગળમાં ચીત્રેલી હોય, તે સર્વે હમારે પૂજવા યોગ્ય છે. પ્રભુની આકૃતિ ( 'મૂર્તિ' ) જોવાથી પ્રભુના ગુણનું સ્મરણ થાય છે. જેમ કે, તે પ્રભુ આંખથી પરસ્ત્રી ઉપર ખરાબ દૃષ્ટિએ દેખતા નહોતા, હાથ પગ વડે કોઇ પણ જીવનો નાશ કરતા નહોતા, જીભ વડે કોઈના અવગુણ બોલતા નહોતા, અને સન્માર્ગે વર્તવાનો લાખો લોકને ઉપદેશ દેતા હતા. એવા અનેક તેમના ગુણનું સ્મરણ થતાં પોતાનામાં તેમના જેવું શરીર છતાં પણ માનસિક, વાચિક, સંબંધી, કાયિક સંબંધી, તેમના જેવો કોઇ પણ ગુણ દેખાતો નથી, મારામાં અને પ્રભુમાં ઘણો અંતર દેખાય છે, માટે એવા ગુણ હું ક્યારે નિષ્પન્ન કરીશ. એમ વિચારો થવાથી મનુષ્ય પણ પ્રભુના ગુણ સન્મુખ થાય છે અને તેનામાંથી અવગુણ ટળતા જાય છે. વળી પ્રભુની આકૃતિ ઉપર ધ્યાન દેવાથી ધ્યાનની નિશ્ચળતા થાય છે. મનુષ્યને આકારવાળી વસ્તુથી નિરાકાર વસ્તુનું સ્મરણ થાય છે. જેમ નાના છોકરાઓને જ્યારે ૧–૨–૩-૪ વિગેરે આંક શિખવવામાં આવે છે ત્યારે પ્રથમ ફક્ત મોંહોડેથી પાઠ કરાવવા કરતાં આકૃતિ સહિત દેખાડવામાં આવે છે તો તે જલ્દી શિખી શકે છે. અને તેની તેના મન પર છાપ બેસી જતાં તે કદી વિસરતો નથી અને આકૃતિ વિનાના એકડાનું મન થકી નિરાકાર રૂપે થાય છે.આપણે કોઈ મોટું ગામ પહેલા દેખીએ ત્યાર પછી તેનું સ્મરણ થાય છે કે તે આવા પ્રકાર નું છે. જો પહેલા આકૃતિ સહ નગર દેખ્યું નહીં હોય તો સ્મરણ શી રીતે થાય? માટે તેવી જ રીતે પ્રભુનું સ્મરણ થવામાં પ્રથમ આકૃતિ જોવાની આવશ્યકતા છે. તેથી પ્રભુની મૂર્તિ બનાવવાની જરૂર છે. તમે પણ તમારા પુસ્તકોમાં ઇસુના વધસ્થંભનો આકાર છપાવો છો. તેવું ચિત્રામણ, મોટાઓ તેમજ બાળકો દેખીને વિચાર કરે છે કે, આવું દુઃખ ઇસુને પડ્યું ને તેથી તેઓ દિલગીર થાય છે અને વળી બાળકોના તે દેખાવથી કેટલો ફાયદો થાય છે તે વિચારો માટે પ્રભુની મૂર્તિ બનાવવામાં વિશેષ ગુણ છે. જેમ લૌકિક દષ્ટાંતમાં વિક્ટોરીયા રાણીની અથવા બીજા કોઇ રાજાની છબી ( આકૃતિ) દેખવાથી જેમ તેના કેટલાક ગુણ યાદ આવે છે તેમ પ્રભુની આકૃતિથી પણ થાય છે. પ્રભુ પોતાની મૂર્તિ પધરાવવાની શા માટે ના કહે છે ! પ્રભુને પોતાની મૂર્તિ બનાવવાથી ખોટું લાગે છે એમ તમે જે કહો છો તે સંભવતું નથી. આપણી છબી દેખીને આપણા રાગી લોકોને આપણા દર્શન જેટલો લાભ થાય છે. એ તો જગત્ માં પ્રસિદ્ધ વાત છે, અને સૌને તે વાત પ્રિય લાગે છે. તેમ પ્રભુને પણ તે વાત પ્રિય લાગવી જ જોઈયે શા માટે ખોટી લાગે ? એથી પ્રભુએ મૂર્તિ નહીં બનાવવી એમ કહેલું તે અસત્ય ઠરે છે.
તમે કહો છો કે, પ્રભુની આજ્ઞા જે લોકો પાળતા નથી તેથી પોતાની ચોથી પેઢીનો નાશ થાય છે તે વાત ખુલ્લી રીતે ખોટી ઠરે છે. કેમ કે, આખા હિંદુસ્તાનમાં હજારો વર્ષથી પ્રભુની મૂર્તિ પૂજનારા લાખો મનુષ્યો વસે છે. તે લોકોની ચાર તો શું પણ સેંકડો અને તેથી પણ ઘણી વધારે પેઢીઓ ચાલતી આવે છે. આ પ્રત્યક્ષ પ્રમાણથી તે તમારી વાત અસત્ય ઠરે છે. જો તમારા મત મુજબ ખરું હોત તો હિંદુસ્તાનમાં તેવા મૂર્તિ પૂજનારા કોઇની પણ પાંચમી પેઢી પહોંચી હોત નહીં, તે લોકોના કુટુંબનો કાંઇ નાશ થતો નથી માટે આ બાબતનું પ્રભુએ તમને કહ્યું એ વાકય અમને માન્ય નથી. આ હિંદુસ્તાન દેશમાં ૫૦૦ વર્ષ ની લગભગમાં યુરોપીઅન લોકોએ દેખાવ દીધો ત્યાર બાદ તેમની ચાલચલગત તથા તેમનો પ્રભુ ઇસુ ખ્રીસ્ત કહેવાય છે એમ હીંદુઓને માલમ પડ્યું. ત્યાર પહેલાં ઇસુનું નામ પણ હિંદુઓએ સાંભળેલું નહીં હતું અને તેથી ઇસુ શું હશે ? તે પણ અહીંના લોકો જાણતા નહીં હતા, પણ ભાવીભાવથી ઇંગ્લીશ લોકોનું હિંદુસ્તાનમાં રાજ્ય થયું તેથી લોકો તેમના વિષે માહિતગાર થયા. તેઓ પહેલાં જંગલી અવસ્થામાં હતા. તેમના વસ્ત્ર છાલનાં હતાં. પણ તેમનામાં સંપ અને ઉદ્યમ હોવાથી તેમની તેવી અવસ્થા ધીમે ધીમે નાબુદ થઈ અને હાલ તેમના વંશજો મોટી સારી સ્થિતિએ પહોંચ્યા છે અને તેમને સર્વોપરી સત્તાધિકાર ભોગવવાનો વખત મળ્યો છે. તેમની સાથે તેમના ધર્મે પણ હિંદુસ્તાનમાં પગ ભર્યો અને બીચારા અજ્ઞાન અને રીબ ઢેડ, વાઘરી, કોળી, મોચી, વિગેરેએ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો છે. ખ્રિસ્તીધર્મમાં કોઈપણ માણસ, તત્ત્વનો જાણકાર હોય એમ સિદ્ધ થતું નથી, તો વિશેષતઃ ધર્મ, અધર્મ, પુણ્ય પાપની તેઓને ક્યાંથી ખબર હોય? વળી આ તમારા ધર્મમાં દયા પણ સંભવતી નથી, કેમકે બૂમ બરાડા પાડતી ગાયો, ભેંસો વિગેરે પશુઓને તથા તરફડતી માછલીઓને મારીને પેટ ભરવામાં એ ધર્મના પાલકો જરા પણ આંચકો ખાતા નથી. જીવદયાનું ખરૂં સ્વરૂપ અને તત્ત્વની પીછાન તમારા ધર્મ મળે એમ છે નહીં અને તેથી જ દયાદિ વિષયમાં સુલટાનું ઉલટું વર્તન થાય એમાં નવાઈ નથી. અમારા તીર્થંકરે જે જે તત્ત્વ કહેલા છે તે સત્ય છે અને તેમના જ્ઞાનનો પાર નથી, તે સર્વજ્ઞ અને સર્વ દર્શી છે. સ્યાદ્વાદધર્મ આ દુનિયામાં અનાદિનો છે અને અનંતો કાળ જયવંતો વર્તશે, અને યોગ્ય મનુષ્ય કે જેને મુક્તિ જવાનું પાસે હશે તેને જ આ ધર્મ પ્રાપ્ત થશે. દુનિયામાં જુદા જુદા દેશના મનુષ્યો જુદો જુદો ધર્મ પાળે છે અને એક દેશમાં પણ કેટલાક જુદા જુદા પંથ મતો ચાલે છે. પરંતુ જેણે તીર્થંકરોનાં વચન સાંભળ્યાં હેશે અર્થાત્ જૈન ધર્મમાં આગમ અને જૈન ધર્મ ના પુસ્તકોનો અભ્યાસ ગુરુગમથી કર્યો હશે તેને તો જૈનધર્મ વિના બીજો કોઇપણ ધર્મ રૂચવાનો તેમજ સત્ય ભાસવાનો નથી.
ખ્રી.––ઈશ્વરે પોતાની શક્તિ (કુદરત) થી જગત્ બનાવ્યું છે અને ઈશ્વરની શક્તિ છે તે જ જગતનુ ઉપાદાન (મૂળ) કારણ છે.
જૈન–ઈશ્વરની જે શક્તિ છે તે ઈશ્વરથી ભિન્ન છે કે અભિન્ન છે ! તમે કહેશો કે ભિન્ન છે, તો અમે પુછીએ છીએ કે, ઈશ્વરની જે ભિન્ન શક્તિ તે જડ છે કે ચૈતન્ય છે ? જો કહેશો કે જડ છે તો તે શક્તિ નિત્ય છે કે અનિત્ય છે ? તેમાં કહેશો કે નિત્ય છે, તો તમારું કહેવું એ હતું કે આ જગતની રચનાના પહેલાં એક ઈશ્વર હતો, બીજું કોઇ પણ હતું નહીં. એ ઉન્મત્તના વચનની પેઠે પોતાના વચનને જુઠ્ઠું કર્યું ઠરશે, કેમકે મુખથી કહો છો કે શક્તિ નિત્ય છે અને બીજું વચન કહો છો કે આ જગતની રચનાના પહેલાં એકલો ઈશ્વર હતો, આ વગર વિચારનું બોલવું છે. કદાચ કહેશો કે અનિત્ય છે, તો તે શક્તિનું ઉપાદન (મૂળ) કારણ બીજી શક્તિ થશે તેની વળી બીજી શક્તિ એમ અનવસ્થા દૂષણ આવે છે. વળી કહેશો કે ઈશ્વરની શક્તિ ચૈતન્ય છે, તો વળી તે શક્તિ નિત્ય છે કે અનિત્ય છે. બન્ને પક્ષોમાં પણ અનવસ્થા દૂષણ આવે છે. વળી કદાપિ કહેશો કે ઈશ્વરની શક્તિ ઈશ્વરથી અભિન્ન છે, તો સર્વ પદાર્થો ઈશ્વરમય થઈ ગયા અને તેથી સર્વ વસ્તુને ઈશ્વર કહેવું જોઈએ.
જો સર્વ વસ્તુ, ઈશ્વર થાય તો સારૂં, ખરાબ, સ્વર્ગ, નર્ક, પુણ્ય, પાપ, રંક, રાજા, ચોર, સાધુ, મૂર્ખ, પંડિત, પશુ, પક્ષી, જલચર ઈત્યાદિક સર્વ વસ્તુઓ પોતે ઈશ્વર થઇ ગઇ. ત્યારે જગત્ ને ઈશ્વરે શું રચ્યું? પોતે જ પોતાનું સત્યાનાશ કર્યું , આ પ્રથમ કલંક ઈશ્વરને લાગુ પડતું થાય.
બીજું કલંક આવે છે કે જ્યારે સર્વ વસ્તુ ઈશ્વર બની ત્યારે મનુષ્યોને બાઇબલમાંની દસ કલમો કહેવાનું શું પ્રયોજન?
ત્રીજું કલંક, એ આવે છે કે પોતાના જ્ઞાનનો મહિમા દેખાડવાને પોતાના પુત્ર ઇસુને જગત્ પર મોકલ્યો,
શુદ્ધથી અશુદ્ધ બન્યો એ ચોથું કલંક.
હવે કોઈ વસ્તુ જગત્ માં સારી ખોટી રહી નહીં, કેમકે સર્વ વસ્તુ ઈશ્વરમય બની ગઇ, "સર્વ વસ્તુમય ઇશ્વરત્વાત્" એ પાંચમું કલંક.
એમ ઈશ્વર પર ઉપર મુજબ પાંચ કલંક પડે. માટે તમારું કહેવું પ્રમાણભૂત કહેવાશે નહીં.
ખ્રિસ્તી–અમારો ઈશ્વર સર્વ શક્તિમાન્ છે. એ હેતુથી ઈશ્વર ઉપાદાન (મૂળ) કારણ વિનાં જગત્ બનાવી શકે છે.
જૈન–આ તમારું કહેવું પંડિત પુરુષો કબુલ કરશે નહીં, કેમકે આ તમારા કહેવામાં કોઈ પ્રમાણ નથી. ઉપાદાન (મૂળ) કારણ વિના કાર્યની ઉત્પત્તિ કદિ થઈ શકતી નથી. જેમ ઊંટ–ગધેડાને શીંગડું આ પ્રમાણ તમારા કહેવાને બાધ કરે છે. પરંતુ સાધનવાળું કોઈ નથી.
ખ્રિસ્તી–ઈશ્વર પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થાય છે, તો તેને સૃષ્ટિકર્તા. (જગતની રચનાનો કરનાર) કેમ મનાય નહીં?
જૈન–તમે કહો છો તેમ જો પ્રત્યક્ષ પ્રમાણથી ઈશ્વર જગત્કર્તા સિદ્ધ થાય, તો સર્વ કોઇ માને, અને તે સંબંધી વાદવિવાદ પણ થાય નહીં, કારણકે પ્રત્યક્ષ પ્રમાણ વસ્તુમાં વિવાદ થતો નથી. પણ સાંભળો. તમારા સવાલ જવાબની પહેલી પોથીમાં દેવ કેવો છે? એવો પ્રશ્ન ઉઠાવી તેના ઉત્તરમાં જણાવ્યું છે કે, દેવ નિરાકાર છે. તેથી તમો કહો છો તેમ ઈશ્વર પ્રત્યક્ષ પ્રમાણથી દેખાવાનો પણ અસંભવ છે. માટે એ તમારું કહેવું ખોટું ઠરે છે.
ખ્રિસ્તી–વાહ! કર્તા વિના જગત્ થતું હશે કે? ચાલો પ્રત્યક્ષ પ્રમાણ રહ્યું, તો હવે અનુમાન પ્રમાણથી ઈશ્વર જગત્કર્તા સિદ્ધ થાય છે તે તમારાથી ના પડાય તેમ છે કે?
જૈન–હા, અનુમાન પ્રમાણથી પણ જગતનો કર્તા ઈશ્વર સિદ્ધ થતો નથી. કેમકે, જ્યારે ઈશ્વરે જગત્ બનાવ્યું એમ તમે કહો છો ત્યારે બતાવશો કે તે જગત્ નિત્ય બનાવ્યું કે અનિત્ય બનાવ્યું ! તેમાં વળી કદાચ જો તમે કહેશો કે, જગત્ પશુ, પંખી, પ્રાણી અને મનુષ્ય નિત્ય બનાવ્યા તો નિત્યનું શું લક્ષણ છે તે વિચારો એટલે એ આપોઆપ ખોટું છે એમ તમને સમજાશે. કેમકે નિત્ય વસ્તુ તેને જ કહેવાય છે કે જે ત્રણે કાળમાં એકરૂપ હોય, પરંતુ તે પ્રમાણે જગતમાં વસ્તુઓ ત્રણે કાળમાં એકરૂપમાં દેખાતી નથી. માટે જગત્ , પશુ, પંખી વિગેરે નિત્ય બનાવ્યાં એમ માની શકાય એવું નથી. વળી જો તમે કહેશો કે કે જગત અનિત્ય બનાવ્યું, તો તે પણ ખોટું ઠરે છે. કારણ કે નિત્ય એવો જ પ્રભુ તે થકી નિત્ય વસ્તુ બનવી જોઈએ; અનિત્ય વસ્તુ તે થકી બને જ કેમ? અને જો અનિત્ય બને તો ઈશ્વરમાં અનિત્યપણું આવી જાય; અને તેથી ઈશ્વર પોતે જ અનિત્ય બને છે. જ્યારે પોતે ઈશ્વર અનિત્ય એટલે નાશવાળો ઠરે છે તો આ જગત નિત્ય તે શી રીતે બનાવી શકે? કેમકે નાશ થવાવાળી વસ્તુથી અનાશવાન વસ્તુ બનતી નથી. વળી જગત્ માં જીવોને પ્રભુએ પ્રથમ નિર્મળ બનાવ્યા, પણ પ્રભુના કહેવા પ્રમાણે નહીં વર્તવાથી તે પાપી થયા, એ તમારું કહેવું ઘણું અયુક્ત દીસે છે. કેમકે વિચારશો તો સમજાશે કે, જ્યારે જીવને નિર્મળ બનાવ્યો, ત્યારે તેનામાં પાપ કરવાની શક્તિનો સંભવ જ કેમ મનાય? અને જો તેમ મનાય નહી, તો જીવને પાપ કરવાની શક્તિ પ્રથમથી કહેવાશે નહીં ત્યારે પછી તે કેવી રીતે પાપી બન્યો ? અને તેનામાં પાપ કરવાની શક્તિ ક્યાંથી આવી?
ખ્રિસ્તી– જ્યારે આદમ અને હવાને પ્રભુએ એદનવાડીમાં મૂક્યાં ત્યારે તેમણે તેઓને કહ્યું કે, આ વાડીનાં ફળ ખાશો નહીં, પરંતુ સેતાનના લલચાવવાથી જ ખાધું, ત્યારથી પ્રભુની આજ્ઞાના ભંગથી પાપી બન્યાં પણ પહેલાં તો નિર્મળ અને પવિત્ર આદમ અને હવાને પ્રભુએ બનાવ્યાં હતાં.
જૈન–પરમેશ્વરે આદમ અને હવા મારી આજ્ઞામાં રહેશે કે નહીં એવું જાણવાને તેમને ફળ ખાવાની મનાઈ કરી હતી તે પણ કહેવું ખોટું છે. કેમકે જે કોઈ વસ્તુનું સ્વરૂપ આપણે બરાબર જાણતા ન હોઈએ ત્યારે તેની પરિક્ષા કરીએ છીએ. અર્થાત્ અજ્ઞાનદશામાં પારખવાની મરજી થાય છે. પરંતુ પ્રભુ તો અપારજ્ઞાની છે, આદમ અને હવા તેણે બનાવ્યાં; ત્યારે તેના મનની વાત પણ અગાઉથી પ્રભુએ જાણવી જોઇએ, છતાં આ ઠેકાણે તમારા કહેવા ઉપર વિચારતાં અગાઉથી પ્રભુએ વાત જાણી એમ સંભવતું નથી. આદમ અને હવાના મનની વાતની તેને ખબર નહોતી, માટે તેણે તેમની પરિક્ષા કરી જણાય છે. તેથી કરીને તમારો પ્રભુ અપારજ્ઞાની સિદ્ધ થતો નથી. વળી જો તમે કહેશો કે આદમ અને હવાના મનના વિચાર પ્રભુ જાણતો હતો તેમ છતાં ફક્ત પરિક્ષા કરવાને ફળ ખાવાની મનાઈ કરી હતી. આ પણ યુક્ત નથી. કારણ કે જે વાતનું જેને સંપૂર્ણ જ્ઞાન છે, તે વાતની તેને પરિક્ષા કરવાનું કંઈ પણ પ્રયોજન હોય જ નહીં. તો પ્રભુ કે જે સંપૂર્ણ જ્ઞાનવંત છે અને તેમના મનના વિચાર તે જાણતો હતો, ત્યારે તેને એવી પરિક્ષા કરવાનું પ્રયોજન શું? અને તેથી ફળ શું ? વળી પહેલાથી જાણવામાં તો હતું કે આદમ આજ્ઞા ભંગ કરવાનો છે, છતાં વિના પ્રયોજને મનાઈ કરી તેથી એમ અનુમાન થાય છે કે પ્રભુના મનમાં આજ્ઞા ભંગ થવા સંબંધી કાંઈક ઢચુપચું હતું, નિશ્ચયાત્મક નહોતું. ઈત્યાદિક ઘણા જ તમારા મતમાં દૂષણો આવે છે. વળી આદમ અને હવાએ પ્રભુની આજ્ઞા ભંગ કરી તેથી તેને પાપયુક્ત કર્યા તો હાલ હજારો જીવો જન્મથી જ લુલાં, આંધળાં, બહેરાં જન્મે છે; તેણે પ્રભુની શી આજ્ઞા ભંગ કરી હતી કે તેઓ એવા જન્મ્યા? કાંઈ નહીં. માટે ઈશ્વર, જીવને નિર્મળ, પાપી કે પુણ્યવાન્ બનાવી શકતો નથી. જીવ પોતાના કર્મના ઉદય પ્રમાણે પાપી અને પુણ્યવાન બને છે.
ખ્રિસ્તી.–પ્રભુએ જગતની રચના, જીવના ઉપકાર માટે બનાવી છે, જીવોની પાસે ધર્મ કરાવી અનંત સુખ દેવા માટે બનાવી છે
જૈન૦–ધર્મ કરાવીને જીવોને અનંત સુખ આપવું તે પરોપકાર છે એ તો ઠીક, પરંતુ જે જીવો પાપ કરીને નરકમાં જશે તેઓના ઉપર પ્રભુએ શો ઉપકાર કર્યો એ જીવોને દુઃખી કરવાથી પ્રભુ શું પરોપકારી ઠરવાનો? ના, નહીં ઠરવાનો.
ખ્રિસ્તી–એમને નર્કમાંથી કાઢીને સ્વર્ગ માં લઈ જશે.
જૈન–ઠીક. તો તેમને નર્કમાં શા કારણથી જવા દીધા?
ખ્રિસ્તી–પ્રભુ જે કાંઈ જીવની પાસે પાપ પુણ્ય કરાવે છે તે કાંઈ જીવને આધીન નથી. પ્રભુ તો જે ઇચ્છે છે તે કરી શકે છે. જેમ બાજીગર લાકડાની પુતળીને જેમ ચાહે તેમ નચાવી શકે છે. પુતળીને આધીન બાજીગર નથી.
જૈન–જ્યારે જીવને કાંઈ આંધીન નથી ત્યારે સારા ખોટાનું ફળ પણ જીવને થવું નહીં જોઈએ. જેમ કોઈ સરદાર (નાયક) કોઈ નોકરને કહે કે તું અમુક કામ કર, પછી નોકર તે કામ કરે ને તેનું પરિણામ સારૂં અથવા ખરાબ થાય, તો તે નાયક શું નોકરને દંડ દઇ શકે છે ? ના, કાંઈપણ દંડ દઈ શકતો નથી. તેવી જ રીતે ઈશ્વરની આજ્ઞાથી જ્યારે જીવે પાપ પુણ્ય કર્યા તો તેનું ફળ જીવને થવું જોઈએ નહીં અને તેથી જીવની ખરાબ ગતિ પણ થવી જોઇએ નહીં.
ખ્રિસ્તી–જીવે કરેલાં પાપ પુણ્યના અનુસારે પ્રભુ જીવોને દંડ આપે છે, તે કારણથી ઈશ્વર અદોષિત ઠરે છે. જે જેવું કરે તેને તેવું ફળ મળે છે.
જૈન–આ તમારા કહેવાથી સંસાર અનાદિ ઠરે છે. વળી ઈશ્વર કર્તા નથી તે પણ સિદ્ધ થાય છે. વળી જે કોઈ જીવ છે તેને જે કાંઇ આ ભવમાં પ્રાપ્ત થાય છે તે પૂર્વ જન્મના કરેલા સુકૃતથી અથવા દુષ્કૃતથી થાય છે, અને પૂર્વ જન્મમાં જીવને જે સુખ દુઃખ મળ્યું, તે તેના પૂર્વ જન્મમાં કરેલા પુણ્યપાપાનુસાર મળ્યું જાણવું. એમ ઉત્તરોત્તર જન્મ થકી સુખદુઃખ ભોગવવું થાય છે, એમ કરતાં સંસાર અનાદિ સિદ્ધ ઠરે છે. હવે વિચાર કરો કે જગત્કર્તા ઈશ્વર કેવી રીતે સિદ્ધ ઠરે છે ? વળી કર્મ છે, તે ઈશ્વરથી સ્વતંત્ર છે કે પરતંત્ર છે ? જો કર્મ સ્વતંત્ર હોય તો જગતકર્તા ઈશ્વર કેમ થાય? અને જો પરતંત્ર ( પરાધીન કર્મ ) હોય તો ઈશ્વરને આ જગત્ ની ઉપાધિ વળગે છે. માટે ઈશ્વર જગતકર્તા નથી અને જગત્ તો અનાદિ છે, એ વાત ખરી છે.
હવે અન્યદર્શનીઓએ જેવી રીતે જગતનો કર્તા ઈશ્વર માન્યો છે તે દર્શાવીએ છીએ. જગતનું ઉપાદાન (મૂળ) કારણ ઈશ્વર છે. એક ઈશ્વર અને બીજી સામગ્રી એ બે પદાર્થ અનાદિ છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, એ ચારના પરમાણુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મન છે. આ નવ નિત્ય છે, અને દુનિયા અનાદિથી છે, કોઈની પણ બનાવેલી નથી, તેઓ જગત્કર્તા નીચે મુજબ સિદ્ધ ઠરે છે.
उपजाती छंद
कर्त्तास्ति कश्चिज्जगतः सचैक:। ससर्वर्गः सस्पवशः सनित्यः॥
इमाकुहेवाकविडंबना स्युः। तेष्ंनयेषा मनुशासकस्त्वम्॥
સ્યાદ્વાદ મંજરી
અર્થ: - આ જગત્ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી દેખાય છે.
૧) આ જગત્ ચરાચરનો રચનાર કોઈપણ પુરૂષ વિશેષ છે. પૃથ્વી, પર્વત, સમુદ્ર વિગેરે સંપૂર્ણ જગતકાર્ય હોવાથી તેનું કારણ કોઈપણ હોવું જોઈએ. કારણ કે જે જે કાર્ય છે તે તે કારણ વિના ઉત્પન્ન થઈ શકતાં નથી. જેમ કે, ઘટ, પટ, દંડ, આગગાડી. તેમ આ જગત્ કાર્યરૂપ દેખાય છે, માટે તેનો કારણભૂત ઈશ્વર અવશ્ય માનવો જોઇએ. તો તે પ્રભુ છે.
ર) વળી ઈશ્વર છે તે એક છે. જો ઘણા પ્રભુ હોય તો એક એક કાર્ય કરવામાં સર્વની જુદી જુદી બુદ્ધિ થઈ જાય; ત્યારે કાર્ય ઉત્પન્ન થાય નહીં. માટે એક ઈશ્વર માનવાની જરૂર છે. વળી કોઈ ઈશ્વર આપની ઈચ્છાથી ચાર પગવાળાં મનુષ્ય બનાવે, બીજો ઈશ્વર છ પગવાળાં મનુષ્ય બનાવે. ત્રીજો આઠ પગવાળાં મનુષ્ય બનાવે, કે વળી કોઈ આંખના ઠેકાણે કાન બનાવે અને કાનના ઠેકાણે આંખ બનાવે, માટે એક જ ઈશ્વર હોવો જોઇએ.
૩) ઈશ્વર છે તે સર્વવ્યાપી છે. જો સર્વ વ્યાપી ન હોય તો ત્રણ ભુવનને એકી વખતે કેવી રીતે ઉત્પન્ન કરી શકે? એક કાળમાં સર્વ ને બનાવી શકે નહીં. જેમ કુંભાર જે ઠેકાણે હોય છે તે ઠેકાણે કુંભ બનાવી શકે છે. પરંતુ દેશાવરમાં બનાવી શકતો નથી,
૪) તથા ઈશ્વર જે છે, તે સર્વજ્ઞ છે. સર્વજ્ઞ ન હોય તો સર્વ કાર્યોનું ઉપાદાન કારણ જાણી શકે નહીં, અને ઉપાદાન કારણ જાણી ન શકે તો વિચિત્ર જગત્ કેવી રીતે બનાવી શકે?
૫) ઈશ્વર પોતાને વશ છે. પોતાની ઇચ્છાથી સર્વને સુખ દુઃખ આપે છે. ઈશ્વર વિના સર્વ ને સુખ દુઃખ આપવાને કોઈ સમર્થ નથી; અને જો ઈશ્વરને પરતંત્ર (પરાધીન) માનીયે તો મુખ્ય કર્તા ઈશ્વર ન રહે.
૬) ઈશ્વર નિત્ય છે. જો અનિત્ય હોય તો તેને બનાવવાવાળો બીજો કોઈ ઈશ્વર હોવો જોઈએ. વળી તેના માટે બીજો જોઈયે આવી રીતે અનવસ્થા દૂષણ આવે, માટે ઈશ્વરને નિત્ય કહીએ છીએ.
જૈનો તરફથી ઉત્તર પક્ષ એટલે સામો જવાબ:
૧) પ્રથમ અનુમાન તમોએ કર્યું તે ખોટું છે. આ અનુમાનથી વ્યાપ્તિ ગ્રહણ થતી નથી. વળી તમે કહેશો કે ઈશ્વર જગત્ કર્તા. શરીરવાળો છે કે શરીર રહિત છે? તમો કહેશો કે અમારી પેઠે શરીરવાળો છે કે પિશાચાદિકની પેઠે અદૃશ્ય છે ! પ્રથમ પક્ષ માનશો તો પ્રત્યક્ષ બાધ આવે છે, બીજો પક્ષ માનશો તો ઈશ્વર દેખાતો નથી, તે ઈશ્વર દેખાતો નથી. તે ઈશ્વરના મહાતમ્યથી કે અમારા કમનસીબથી ? હવે પ્રથમ પક્ષ માનશો કે ઈશ્વરના મહાત્મ્યથી ઈશ્વર દેખાતો નથી તો તેમાં કોઈ પ્રમાણ નથી. બીજા પક્ષમાં સંદેહની નિવૃત્તિ નહીં થાય, કેમકે ઈશ્વર છે કે નહિ એવો સંશય રહ્યા કરશે. વળી ઈશ્વરને શરીર રહિત માનશો તો ઈશ્વર કોઈ પણ કર્મ કરવાને સમર્થ નહીં થાય. જેમ આકાશ, અશરીરી હોવાને લીધે તેનાથી જેમ કોઈપણ કાર્ય થતું નથી તેમ ઈશ્વરથી પણ થવાનું નથી. આકાશ નિત્ય વ્યાપક અક્રિય છે તો તે અકર્તા છે. તેમ ઈશ્વર પણ પણ અકર્તા છે,
૨) વળી તમો ઈશ્વરને એક માનો છો તેપણ ખોટું છે. એક મધપૂડો બનાવવામાં સર્વ માખીઓ એકમતે થઈ મધપૂડો બનાવે છે, તો ઈશ્વર પરમાત્મા, નિર્વિકાર, નિરૂપાધિક જ્યોતિસ્વરૂપોનો એકમત કેમ નહીં થાય? શું તમો ઈશ્વરોને કીડાથી પણ બુદ્ધિહીન, અજ્ઞાની બનાવ્યા કે જેથી એકમત થતો નથી.
પૂર્વ પક્ષ–માખીઓ ધણી ભેગી થઈ એક મધપૂડો બનાવે છે તે પણ ઈશ્વરના વ્યાપારથી મધપુડો અને છે.
ઉત્તરપક્ષ–ત્યારે તો ઘડો બનાવવો, પરસ્ત્રી ગમન કરવું, ચોરી કરવી મારવું; ઈત્યાદિક સર્વ કામ ઈશ્વરના વ્યાપારથી બને છે એમ માનવું જોઈએ, ને સર્વ–જીવ અકર્તા સિદ્ધ થશે. ત્યારે પુણ્ય પાપનું ફળ કોને થવાનું?
પૂર્વ પક્ષ–જીવ, કુંભાર, ચોર ઇત્યાદિક સર્વ સ્વતંત્રતાથી (સ્વાધીનતાથી) પોતપોતાનું કાર્ય કરે છે.
ઉત્તરપક્ષ–ત્યારે માખીઓએ શું અપરાધ કીધો કે તેને સ્વાધીનપણું કહેતા નથી. વળી અનંત ઈશ્વર જો માનવામાં આવે તો એક જગત્ બનાવવામાં વિવાદ થઇ જાય તો તે વિવાદને કોણ દૂર કરે? વળી એક ઈશ્વરને દેખીને બીજો ઈશ્વર અદેખાઈ કરે કે તું મારે તુલ્ય કેમ છે? આ માનવું પણ તમારું અજ્ઞાન છે. કેમ કે ઈશ્વર ભગવાન સર્વજ્ઞ છે તો સર્વ નું જ્ઞાન એક્સરખું થયું અને તેથી એકસરખું જ્ઞાન થવું જોઇએ. વળી ઈશ્વર પવિત્ર છે, તેથી તેમને ઝઘડા સંભવતા નથી, અને ઝઘડો કદાપિ કરશે તો તેને ઈશ્વર કોણ કહેશે ? અને જગતકર્તા ઈશ્વર કેમ ઠરશે? માટે ઈશ્વર અનંત માનવામાં કોઇપણ દૂષણ નથી.
૩) વળી ઇશ્વર સર્વ વ્યાપક છે તે પણ પ્રમાણિક નથી. ઈશ્વર સર્વ વ્યાપક શરીરથી છે? જ્ઞાનથી છે? જો શરીરથી સર્વવ્યાપક ઈશ્વર માનશો, તો સર્વ જગાએ ઈશ્વરનું શરીર સમાઈ ગયું અને બીજા પદાર્થોને રહેવા માટે જગા પણ નહીં મળવાની માટે ઈશ્વર, શરીર વડે સર્વ વ્યાપક ઠરતો નથી, જ્ઞાને કરી સર્વ વ્યાપક માનશો ત્યારે સિદ્ધ સાધ્ય નથી. વેદોમાં પણ ઈશ્વર શરીરવાળો માનેલો છે.
૪) ઈશ્વર સર્વજ્ઞ પણ ઠરતો નથી, કેમકે જો ઈશ્વર સર્વજ્ઞ હોત તો જગત્કર્તાનું ખંડન કરવાવાળા અમને તેણે કેમ ઉત્પન્ન કર્યા ?
૫) વળી કહેશો કે જન્માંતરમાં ઉપાર્જિત કરેલાં શુભાશુભ કર્મ ના અનુસારથી ફળ આપે છે તો ઈશ્વર સ્વતંત્ર (સ્વાધીન) ઠરતો નથી, કેમ કે કર્મ વિના ઈશ્વર ફળ આપવાને સમર્થ નથી, ત્યારે ઈશ્વરને આધીન કાંઇપણ રહ્યું નહીં, જેવાં કર્મ કર્યા હશે તેવાં ફળ મળશે.
૬) વળી ઈશ્વર જગત્કર્તા નિત્ય માનશો, જો એકાંતથકી તો તે જગત્ નવું નવું બનાવ્યા કરશે કારણકે જગત્ ને રચવાનો સ્વભાવ ઈશ્વરમાં નિત્ય છે. વળી કહેશો કે જગત્ ને બનાવવાનો ઈશ્વરમાં સ્વભાવ નથી ત્યારે તો કોઈપણ વખત જગતને ઈશ્વર ૨ચી નહીં શકે. વળી જીવોને રચવાનો સ્વભાવ ઈશ્વરનો એકાંત નિત્ય માનશો તો સર્વદા જીવો ઉત્પન્ન થયા કરશે અને કદી પણ જીવોનો નાશ થશે નહીં, વળી તમો ઈશ્વરમાં જગત્ રચવાની તથા નાશ કરવાની એમ બે શક્તિ માનશો તો તે પણ ખોટું ઠરે છે. કારણ કે ઉત્પત્તિ અને નાશ કરનારી પરસ્પર વિરૂદ્ધ શક્તિ કોઈપણ વખતે એક ઠેકાણે રહી શકશે નહીં. જે કાળમાં જગત રચવા માંડશે તે જ કાળમાં નાશ કરનારી શક્તિ નાશ કરી નાખશે. એમ જ્યારે પરસ્પર બે શક્તિઓનો વિરોધ થશે ત્યારે જગત બનશે પણ નહીં અને તેનો નાશ પણ થશે નહીં, ત્યારે અમારો મત સિદ્ધ થાય છે. અમારા મતમાં કોઈએ જગત્ બનાવ્યું નથી. આ જગતનો કદિ પ્રલય (નાશ) પણ થવાનો નથી અને આ જગત્ અનાદિ અનંત છે તે સિદ્ધ ઠર્યું, આ પ્રમાણે વિચારી જોતા જગત્ નો કર્તા ઈશ્વર સિદ્ધ ઠરતો નથી. ઈશ્વર એક છે તે પણ કહેવું ખોટું ઠર્યું. એમ છએ પક્ષો પણ ખોટા કરે છે. તેમ બીજા લોકો પણ જગત્કર્તા સિદ્ધ કરવાને જેટલી યુક્તિઓ કરે છે તેટલી આકાશના ફુલની પેઠે ખોટી ઠરે છે. વિશેષ જગત્કર્તાનું ખંડન જોવું હોય તો સમ્મતિતર્ક, દ્વાદશસારનયચક્ર, સ્યાદ્વાદરત્નાકર, અનેકાંતજયપતાકા, સ્યાદ્વાદકલ્પલતા, સ્યાદ્વાદમંજરી, સ્યાદ્વાદરત્નાકર, અવતારિકા, સૂયડાંગ, નંદીસૂત્ર, પ્રમાણપરિક્ષા, ન્યાયાવતાર, વિગેરે જૈનધર્મના ગ્રંથો દેખવા.
ખ્રિસ્તી– તમે જૈન લોકો જીનપ્રતિમાની પૂજા કરવી તથા તેને નમસ્કાર કરવો તથા મુક્તિને આપનાર પ્રતિમાને જાણવી એમ જે સમજો છો, તે મૂર્ખતાનું લક્ષણ છે.
જૈન–જીનેશ્વર ભગવાનની પ્રતિમા દેખવાથી પરમેશ્વરના ગુણોનું સ્મરણ થાય છે. જેમ કાગળ પર લખેલા અક્ષરોથી પ્રભુના ગુણોનું સ્મરણ થાય છે તેમ જીનેશ્વરની પ્રતિમાથી પણ ઘણા જ ગુણો થાય છે.
ખ્રિસ્તી–પ્રતિમાને દેખવાથી અરિહંત ભગવાનના સ્વરૂપનું સ્મરણ થાય છે એ વાત ખરી; પણ તેની (ભગવાનની મૂર્તિની) પૂજા ભક્તિ કરવાથી શું ફળ થાય છે?
જૈન–તમારા મત મુજબ બાઈબલ વિગેરે પુસ્તકો વાંચવા સાંભળવાથી પ્રભુના ગુણોનું તથા તેમના ઉપદેશનું ભાન થઇ જાય છે, તો તે વાંચવા સાંભળવાની અગત્ય છે, તેથી તમે બાઈબલ વિબેરે પુસ્તકો રૂમાલમાં બાંધી જાપતાબંધ રાખી જેમ તેને માન આપો છો તેમ અમો પણ પ્રભુને માન આપીએ છીએ અને તેની ભક્તિ કરીયે છીએ. કારણકે ચોવીસમાં તીર્થંકર મહાવીરસ્વામી પ્રભુ થઈ ગયા તેઓ સર્વજ્ઞ હતા. તેમણે ઘણા મનુષ્યોને જૈનધર્મનો ઉપદેશ આપ્યો હતો. હાલ પીસ્તાળીસ આગમો વિગેરે પુસ્તકો છે તે પ્રભુના મુખની વાણી છે અને તેના કહેનાર જીનેશ્વર વીરભગવાન છે, માટે અમો પ્રભુની મૂર્તિને સાક્ષાત્ ભગવાન માનીએ છીએ અને તેમના મુખની વાણીરૂપ જે સિદ્ધાંત, તેને પણ અત્યંત ભક્તિથી પૂજીએ છીએ.
ખ્રિસ્તી–જેમ પત્થરની ગાય દુધ આપતી નથી તેમ પ્રભુની મૂર્તિ પણ કાંઈ ફળ આપી શકતી નથી, તો તેવી પ્રભુની મૂર્તિ શા કારણથી માનવી જોઈએ ?
જૈન–સાંભળો, જેમ કોઈ મનુષ્ય મુખથી ગાય ગાય એવો શબ્દ કરે છે, તેથી તેને દુધ મળતું નથી. વળી લાડુ લાડુ એવો શબ્દ પોકારવાથી આપણું પેટ લાડુથી ભરાઈ જતું નથી. તે તમો સારી પેઠે જાણે સમજો છો તો કહેશો કે ઈસુ ઇસુ, પ્રભુ પ્રભુ, તું મારું રક્ષણ કર એમ બોલવાથી પોકારવાથી શું ફળ મળે ? અલ્બત્ત તેનું ફળ કાંઈ ન મળતાં નિષ્ફળ જડબું દુખ્યાં કરે એમ તમારા મત મુજબ સિદ્ધ થાય, માટે તેવું પ્રભુ ઇસુનું નામ દેવાનું શું પ્રયોજન છે ? તમારે ન દેવું જોઇએ.
ખ્રિસ્તી–અરે ! મારા જૈન મિત્રો ! ઇસુ અને પ્રભુનું નામ લેવાથી અમારું અંતઃકરણ શુદ્ધ થાય છે, અને પવિત્ર થઈએ છીએ.
જૈન––એ તો ઠીક; અમો ક્યાં તેની ના કહીએ છીએ. પણ સાંભળો, જેવી રીતે ઈશ્વરનું નામ ફક્ત મુખે પોકારવાથી તમે શુદ્ધ થવાનું માનો છો, તેમ જીનેશ્વર ભગવાનની મૂર્તિ દેખવાથી તેના ગુણનું સ્મરણ થતાં અમારો આત્મા નિર્મળ થાય છે અને પાપરૂપી કાદવ દૂર થઈ જાય છે, અને પ્રભુના સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે.
ખ્રિસ્તી–પ્રભુના નામથી પવિત્ર થઈ શકાય છે તો વળી મૂર્તિ બનાવવાનું શું પ્રયોજન છે?
જૈન––પ્રભુના નામના ઉચ્ચારણથી નિર્મળ થવાય છે એ ખરૂં છે, તે પ્રમાણે તેની મૂર્તિ દેખવાથી અને તેની પૂજા કરવાથી વહેલા અને વધારે નિર્મળ થઈએ છીએ. જેમ કોઈ યૌવનવાળી સુંદર સ્ત્રીનું નામ લેવાથી જેટલો મનોવિકાર થાય છે, તેના કરતાં અધિક, એવી સ્ત્રીની મૂર્તિ (છબી) દેખવાથી વિષયરાગ ઉત્પન્ન થાય છે; વળી સ્ત્રીના ચિત્રામણને પણ દેખવાથી વિકાર ઉત્પન્ન થાય છે; રાગીની મૂર્તિ (ફોટો) દેખવાથી રાગ ઉત્પન્ન થાય છે; તેમ વીતરાગની મૂર્તિ દેખવાથી શાંતરસ ઉત્પન્ન થાય છે; તેટલા પ્રમાણમાં નામ લેવાથી રાગ તેમજ શાંતરસ ઉત્પન્ન થતા નથી, એ તમો વિચારી જોશો તો તુરંત સમજાશે, માટે પ્રભુની મૂર્તિ અવશ્ય માન્ય અને પૂજવા યોગ્ય છે.
ખ્રિસ્તી–પરમેશ્વરની મૂર્તિ (છબી) આજ કાલ કોઈ બુદ્ધિમાન માનતા નથી.
જૈન––ના, એ ખરૂં નથી બુદ્ધિમાનો તો સર્વે માને છે.
ખ્રિસ્તી–ક્યા બુદ્ધિમાનો માને છે?
જૈન–—પ્રથમ તો સાંસારિક વિદ્યાવાળા સર્વબુદ્ધિમાનો માને છે. ભૂગોળ, ખગોળ, દ્વીપ, વિલાયતનું ચિત્ર વિગેરે આકારે સર્વ કોઇ માને છે. જુઓ,ઇસુને વધસ્થંભ ઉપર ચઢાવ્યો તેનું ચિત્રામણ તે પણ ઇસુની મૂર્તિ શું કહી શકાતી નથી? મૂર્તિ એટલે પ્રભુ જેવા શરીરવાળા હતા તેવી લાકડાની, પત્થરની, માટીની, દાંતની, અથવા ચિત્રામણની (ચિત્રેલી) જે પ્રભુની, આકૃતિ તેને જ મૂર્તિ કહેવામાં આવે છે. માટે તેની છબી પડાવો કે ચિત્ર કરાવો તે સર્વે મૂર્તિરૂપ જ છે. વધસ્થંભ ઉપર ચડાવેલા ઇશુ, તેનું જે ચિત્રામણ (ચિત્ર) તે પણ મૂર્તિરૂપે છે. તો શા કારણથી તમે મૂર્તિ માનતા નથી એમ વદો છો? શું રૂપું સોનું જ ધન કહેવાય છે કે? હાલમાં ઇંગ્લીશ લોકોએ કાઢેલી નોટો શું ધનની ગરજ સારતી નથી? હાલ, અલબત્ત તેનાથી ગરજ સરે છે. તેમ ઈસુનું ચિત્રામણ વધસ્થંભ રૂપે છે તે પણ મૂર્તિની ગરજ સારે છે, નાટકોમાં ભજવાતા ખેલોમાં કોઈ વનરાજ, સિદ્ધરાજ, લીલાવતી વિગેરેનાં રૂપો ધારણ કરે છે, તેથી પૂર્વે થઈ ગયેલા પુરુષોનાં ચરિત્રો યાદ આવે છે કે તે પુરૂષો મહાબળવાન ગુણી હતા. પ્રજાને સારી રીતે પાળતા હતા, તેમ પ્રભુની મૂર્તિથી પણ પૂર્વે થઈ ગયેલા પ્રભુની યાદી આવે છે, અને તેમણે જે જે ઉપદેશ આપ્યા, જે જે ઠેકાણે ફર્યા, મનુષ્યના હિતને માટે જે જે આજ્ઞાઓ કરી તે તે સર્વે યાદ આવે છે અને મન ઉપર સારી અસર થાય છે. માટે ખોટો આગ્રહ તજી દઈને પ્રભુની મૂર્તિ અવશ્ય માનશે તે આત્મા સુખ પામશે.
જુઓ–બ્રાહ્મણો ૫ણ પોતાના દેવની મૂર્તિ બનાવે છે, તેમ બૌદ્ધો પણ મૂર્તિને માને છે. વળી મુસલમાન પણ કબર કર્બલાના એક પત્થરને પૂજ્ય તરીકે માની ફૂલ ચઢાવે છે. રોમનકેથોલિક ખ્રીસ્તિઓ પણ ઈશુ વગેરેની મૂર્તિને માને છે એમ સર્વ કોઈ મૂર્તિ માનતા આવ્યા છે. અમારો જૈન લોકોનો ધર્મ પ્રાચીન અનાદિનો છે તેને ઓળખાવનાર જીનેશ્વર ભગવાનની મૂર્તિઓ છે કે જે હાલમાં કેટલેક ઠેકાણે ભોંયમાંથી નીકળે છે, તેને દેખી લોકો જાણે છે કે, ખરેખર આ પ્રાચીન ધર્મ છે. પહેલાં જૈનધર્મનો ઘણો વિસ્તાર હતો તેની મૂર્તિઓ ખાત્રી આપે છે. સંપ્રતિરાજાએ તો સવા કરોડ બિંબ ભરાવ્યા હતા. અહો મારા મિત્ર ! આવી રીતે મૂર્તિ પ્રાચીનકાળની સિદ્ધ ઠરે છે તો તેમાં પોતાની મતિકલ્પના દોડાવીને મૂર્તિ નહીં માનવી એવી તમારી માન્યતામાં ઘણી અજ્ઞાનતા છે.
ખ્રિસ્તી––પરમેશ્વર નિરાકાર છે માટે તેની મૂર્તિ ધાતુ, પત્થર અથવા માટીથી બની શકતી નથી.
જૈન––હે મિત્ર ! ઠીક. નિરાકાર નહિ ને સાકાર તમારો પ્રભુ ઠરે તો પછી મૂર્તિ બનાવવામાં વાંધો છે ?
ખ્રિસ્તી–સાકાર ઠરે તોબનાવવામાં હરકત નથી,પણ પ્રભુ સાકાર છે એવું તમે કયા પુસ્તકને આધારે અમને કહો છો ?
જૈન–—જીઓ. અરૂણોદય પુસ્તક પાનું ૧૬૪, તે સૂર્યથી અધિક તેજોમાં થઈને મેઘોમાં આવશે અને સઘળા દૂતો પણ તેની સાથે આવશે, તે ઘણા સઘળા ઉજળા સિંહાસન પર બેસશે અને તેના માથા ઉપર રાજ ગુકશે; અને સઘળા લોંકા સિંહાસનની સામા ઉભા થઈ જશો. ત્યારે તે કોઈ પુસ્તકને ખોલશે. જેમાં સઘળા લોકોનાં ભૂંડાં કર્મ લખેલાં છે, તે જેમ અજવાળામાં તેમ અધારામાં પણ સરખું જોઈ શકે છે, અને તમારા મનની સઘળી ઈચ્છા પણ જાણે છે, સઘળા દૂતો આસન પાસે રહીને સાંભળશે. તેઓના દેખતાં ઈસુ પોતાના પુસ્તકોમાંનાં સઘળાં વૃતાંત વાંચી સંભળાવશે. તો પણ ઇસુએ વધસ્થંભ ઉપર જે મૃત્યુનું દુઃખ ભોગવ્યું તેને લીધે પરમેશ્વર કેટલાકના અપરાધ ક્ષમા કરશે. જુઓ માત્થીનું પુસ્તક પાનું ૨૫-૩૧ અને ૩૪, જે પોતાના આખા મનથી ઈસુ ઉપર પ્રીતિ રાખે છે તેઓને અને તેઓના નામ તેણે બીજા પુસ્તક ઉપર લખી રાખ્યાં છે, જે કે જીવનનું પુસ્તક કહેવાય છે, અને તેઓના પાપની ક્ષમા કરશો, તેઓનાં આંસુ લુછી નાંખશે અને તેઓને સદા પોતાની પાસે બેસાડશે. ( પ્રગટ ૭–૧૭)
ખ્રિસ્તી––એમાં સાકારપણું શી રીતે ઠરે છે ?
જૈન––જુઓ. સૂર્યથી અધિક તેજોમયવાળા ઉજળા સિંહાસન ઉપર પ્રભુ બેસશે. તેને માથે મુગટ હશે. પુસ્તકોને ખોલશે, અને ઇસુ પુસ્તકોમાંનાં સઘળાં વૃતાંત વાંચી સંભળાવશે; આ ઉપરથી સાબીત થાય છે કે તમારો માનેલો પ્રભુ સાકાર છે. જરા તો વિચાર કરો. સાકાર ના હોત તો સિંહાસન પર બેસવુ શી રીતે બને ! અને માથું ન હોય તો મુગટ ક્યાં આગળ મૂકાય? માટે તે પ્રભુને માથું, હાથ, પગ વગેરે સાબીત થાય છે, તેથી પ્રભુ સાકાર છે એમ સિદ્ધ થાય છે. માટે સાકારની પ્રતિમા (છબી) બનાવવી તે યૌગ્ય છે. કારણ કે તેથી તેના ગુણોનું સ્મરણ થાય છે, તેથી પ્રભુની મૂર્તિ અનાવવી અને તે પૂજવી યોગ્ય છે.
ખ્રિસ્તી–બીજા કોઈ ગ્રંથમાંથી પ્રભુ સાકાર છે અને તેને હાથ પણ છે એવું બતાવી શકશો ?
જૈન–હાજી ડોક્ટર બાર્થ સાહેબ કૃત પવિત્ર લેખની વાતા ઉપરથી કહેલા સુવૃતાંતો ભાગ ૧ લો પાનું ર જીં–છઠ્ઠે દિવસે પરમેશ્વરે એક એકની જાત પ્રમાણે સર્વ વન, પશુ તથા ઢોર તથા પેટે ચાલનાર પ્રાણીઓને ઉત્પન્ન કર્યા. પછી પરમેશ્વરે કહ્યું કે, આપણે પોતાના રૂપમાં પોતાની પ્રતિમા પ્રમાણે માણસ બનાવીએ કે તે માણસ સમુદ્રનાં માછલાં ઉપર તથા આકાશમાં ઉડનારા પક્ષીઓ ઉપર તથા ઢોર તથા આખી પૃથ્વી ઉપર અધિકાર ચલાવે. એ પ્રમાણે પરમેશ્વરે પોતાના રૂપમાં માણસ કર્યું, એટલે તેણે એક સ્ત્રી તથા એક પુરુષને ઉત્પન્ન કર્યા.
ખ્રિસ્તી–સાકાર પરમેશ્વર છે, એ વાત આ વાર્તા ઉપરથી કેવી રીતે સાબીત થઈ તે બતાવો ?
જૈન–પ્રભુની જેવી આકૃતિ હાથ, પણ, નાક, કાન, આંખ વિગેરેની હતી તેવી જ આદમની બનાવી, એટલે પોતાની આકૃતિ જેવો માણસ બનાવ્યો. આ વાર્તાથી પણ પરમેશ્વરનો આકાર સાબીત થાય છે, માટે પ્રભુની મૂર્તિ બનાવવી અને તેની પૂજા કરવી એ વાત ઉત્તમ અને સત્ય છે
ખ્રિસ્તી–પ્રભુએ પત્થરની અને માટીની મૂર્તિ બનાવવાની ના કહેલી છે, તે શા કારણથી કહી છે તે સમજાવશો.
જૈન–પ્રભુએ પ્રભુની મૂર્તિ બનાવવાની ના પાડી નથી કારણ કે તેથી ભક્તોને પ્રભુનું સ્મરણ ધ્યાન થાય છે. સાંભળો સાહેબ !! પ્રભુ કોઈને કાંઈ પણ બાબતની હા ના કહેતો નથી. કારણ કે રાગ દ્વેષ જેનામાં રહ્યા હોય તેને હા ના કહેવાની ખટપટ રહેલી છે, માટે પ્રભુએ પોતા માટે કાંઇ કહ્યું છે એમ નથી. પરંતુ તમારા માનેલા પ્રભુએ જડરૂપમૂર્તિ બનાવવાની ના કહી એમ તો તે રૂબરૂ આવીને ખુલાસો ન કરે ત્યાં સુધી કહેવાય નહીં. પ્રભુએ પોતાની મૂર્તિ માનવા પુજવાની ના પાડી નથી. કારણ કે રોમન કેથોલિક વગેરે પણ ઈસુ મરિયમની મૂર્તિ માને છે. “ઈસુ” આ શબ્દ આપણે બાઇબલમાં વાંચીએ છીએ તેથી આપણને કોનું જ્ઞાન થાય છે? ઉત્તર–ઇસુનું. ત્યારે ઈસુ ( તે ઠેકાણે અર્થાત્ પુસ્તકમાં લખેલો ઇસુ) એ શબ્દ જે છે તે જડ છે. રૂશનાઈ(શાહી)થી બનેલો છે. તે શબ્દ ભુંસાઈ જાય તેવો છે. અને લોકોના પણ તળે પણ આવે છે ત્યારે તે જડરૂપી ઇસુ શબ્દ રાખવાની પ્રભુએ કેમ મનાઈ નહીં કરી, એ એક વિચારવા જેવી વાત છે.
ખ્રિસ્તી–"ઈસુ” એવો શબ્દ વાંચવાથી ઈસુનુ સ્મરણ થાય છે.
જૈન–હાજી, અમે ક્યાં ના કહીએ છીએ પણ જરા વિચાર તો કરશો કે શબ્દ વાંચવાથી સ્મરણ થાય છે ત્યારે મૂર્તિ દેખવાથી સ્મરણ કેમ ન થાય? અમને અને લોકોને મૂર્તિથી સ્મરણ થાય છે.
ખ્રિસ્તી–હા. મૂર્તિ દેખવાથી પણ પ્રભુનું સ્મરણ થાય છે.
જૈન–જીઓ, ત્યારે પ્રભુનું સ્મરણ કરાવનારી બે વસ્તુ સિદ્ધ થઈ એક “પ્રભુ” એવો શબ્દ અને બીજી 'પ્રભુની મૂર્તિ' અને પ્રભુ એવો જે શબ્દ તે બેઉ આપણે જડરૂપી દેખીએ છીએ તો પણ આપણને પ્રભુનું સ્મરણ થાય છે. ત્યારે શું તે જડ મૂર્તિ તથા જડશબ્દ થકી પ્રભુ જડ બની જશે? ના, કદિ પણ બનવાનો નથી. કેમકે પૂર્વે પ્રભુ થઈ જનારને જણાવનારી એ બે આકુતિઓ છે. પ્રભુ એવા જડ શબ્દ ઉપર પ્રભુને જો ખેદ આવે તો પ્રતિમા ઉપર પણ આવે, પણ તેમ તો તમે માનતા નથી, તેથી પ્રતિમા માનવી યોગ્ય જ છે, કેમકે એક વાત માનવી અને બીજી ન માનવી એ મહાભૂલ ભરેલું છે. જેમ વર્તમાન કાળમાં કલકત્તા. તથા મુંબઈ એવા બે શબ્દ લખ્યા તે આપણે વાંચ્યા તેથી આપણને ધણા માણસોથી ભરેલા, ઘણી દુકાનો અને હવેલીઓવાળાં કલકતા તથા મુંબઈનું શહેરનું સ્મરણ થાય છે. તથા મુંબઈનું ચિત્રામણ તથા કલકતાનું ચિત્રામણ આપણે જ્યારે દેખીએ છીએ ત્યારે મૂળ સ્વરૂપવાળાં બન્ને શહેરોનું આપણને સ્મરણજ્ઞાન થાય છે. મુંબઈ તથા કલકતા. એવા જે બે શબ્દ આપણે જડરૂપ વાંચ્યા તે જ શબ્દો આપણને ઘણા મનુષ્યોથી ભરપૂર એવા બે શહેરોનનું સ્મરણ કરાવી આપે છે. તે બેનાં ચિત્રો–ફોટા સ્મરણ કરી આપે છે. જેમ પ્રભુ એવા શબ્દથી પ્રભુનું જ્ઞાન થાય છે તેમ પ્રભુની મૂર્તિથી પણ પ્રભુનું જ્ઞાન થાય છે. માટે બે જડવસ્તુ, પ્રભુને ઓળખાવનારી થઈ; તેમાં મૂર્તિને માનવી નહીં ને ફક્ત શબ્દને માનવો એ ન્યાય કહી શકાય નહીં, બંને વસ્તુઓ પ્રભુના સ્મરણ પ્રત્યે ઉપકારક છે. જેમકે, કોઈ એક પુરૂષને એક સારી સ્ત્રી હતી ને તે ખૂબ રૂપવાન હતી. તેની તેણે છબી પડાવી લીધી. બાદ થોડા દિવસે તે સ્ત્રી મરી ગઈ ત્યારે તે પુરૂષ પોતાની સ્ત્રીની છબી હાથમાં લઇ જોવા લાગ્યો એવામાં તેનો એક મિત્ર તેની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે, તું આ કોના સામું જુવે છે ને તે કોણ છે? તેના ઉત્તરમાં પેલા પુરુષે કહ્યું કે આ મારી સ્ત્રી છે, હું તેના સામું જોઉ છું, હવે વિચાર કરો કે, સ્ત્રી તો મરી ગયેલી છે અને તેની આ છબી છે તેને મારી સ્ત્રી તરીકે બોલી શકાય છે ને તે છબીને જોઈ તે પુરૂષ કેટલો ઉદાસ થાય છે. વળી શું તે સ્ત્રીમાં જે જે ગુણો હતા તેનું સ્મરણ (જ્ઞાન) થયા વિના કદાપિ રહે? ના, કદિ ના રહે અર્થાત્ થાય, તેમજ પૂર્વો જેવા શરીરવાળા પ્રભુ હતા તેવા પ્રભુની મૂર્તિ પણ પ્રભુની છબી તરીકે છે. તેથી પૂર્વે થઈ ગયેલા પ્રભુનો આરોપ બનાવેલી મૂર્તિમાં સાક્ષાત્ કરવામાં આવે છે, અને તેમની આગળ ઉભા રહી તેમની ભક્તિ કરવામાં આવે છે. જુઓ, આપણે હાલ વિક્ટોરીયા મહારાણીની છબી જોઇએ છીએ ત્યારે તે પ્રજાપાળક, દયાળુ અને નીતિમાન હતાં એમ તેના ગુણોનું સ્મરણ થાય છે. તેમજ પ્રભુની મૂર્તિથી પણ પ્રભુના ગુણોનું સ્મરણ થાય છે.. વિક્ટોરીયા એવો શબ્દ જડરૂપ છે પણ તેને વાંચવાથી પૂર્વે થયેલાં મહારાણી વિક્ટોરીયાનું સ્મરણ થાય છે તેમ તેની મૂર્તિ (બાવલા, ચિત્ર, છબીથી પણ તેનું (મહારાણી વિક્ટોરીયાનું) સ્મરણ થાય છે. શું મહારાણીજીને પોતાની જડરૂપમૂર્તિ, ચિત્ર કે છબી બનાવવી અયુક્ત છે એવો કદિ પણ ખ્યાલ આવ્યો હશે કે? ના, નહીં; કદિ નહીં. કારણ કે પવિત્ર ન્યાયથી ચાલનારી મહારાણીનાં દર્શન સાક્ષાત્ કરવાને સર્વ પ્રજા ઇચ્છતી પણ તેઓ દૂર દેશમાં વસવાથી તેમના દર્શનનો લાભ ગરીબ પ્રજા લઇ શકતી નહોતી તે ફક્ત મૂર્તિ, છબી કે ચિત્રથી મળે તેમજ હતું અને તે મુજબ પ્રજા તેમનાં દર્શનનો લાભ લઇ આનંદ માનતી અને માને છે. વિલાયતમાં બીરાજી ગયેલાં મહારાણી વિક્ટોરીયા અને તેમની છબી આદિમાં કાંઈ તફાવત માનવામાં આવતો નથી. છબીમાં જેવો આકાર છે તેવા આકારવાળાં વિક્ટોરીયા રાણી વિલાયતમાં થઈ ગયાં છે એમ સર્વે કોઇ સમજે છે. તેમ પ્રભુની પ્રતિમા–છબી–ચિત્રથી પણ સાક્ષાત્ થઈ ગયેલા પ્રભુનું સ્મરણ થઈ તેના ગુણો યાદ આવે છે; અને તેથી આપણે અવગુણનો ત્યાગ કરી ગુણવંત થવા ઉદ્યમી થઇએ છીએ, એવી રીતે પ્રતિમા માનવી એ યોગ્ય અને સાચું છે કિંખહુના. અરૂણોદય પુસ્તક પાનું ૩૨ મરિયમ અને ખોળામાં સુવાડેલો નાનો બાળક ઈસુ; પાનું ૩૯ મરિયમ અને ખોળામાં બેસાડેલો ઈસુ બીજે ગામ જાય છે તેનું ચિત્ર; પાનું ૪૬ ઈસુનું ચિત્ર, પાનું ૧૧૭ ઈસુને વધસ્થંભ ઉપર ચઢાવ્ચો વિગેરે ચિત્રો પણ ખાસ ઇસુનું સારી રીતે જ્ઞાન થવા માટે પુસ્તકમાં છાપેલાં છે તે પણ મૂર્તિ છે. તમે કહેશો કે માટી, પત્થર, ધાતુ વિગેરેની મૂર્તિ (પ્રભુની આકૃતિ) જડરૂપ બનાવવાની પ્રભુએ ના કહી છે, તેથી અમે તે બનાવતા નથી. ત્યારે કહેશો કે જડરૂપ પ્રભુનું ચિત્ર (કાગળ ઉપર શાહીથી છાપેલી પ્રભુની આકૃતિ) કાઢવાનો હેતુ શો? પ્રભુએ તમોને આજ્ઞા આપી છે ? એવા કાગળ ઉપરના ચિત્રથી શું પ્રભુને જડરૂપનું દૂષણ નથી આવતું ? કયા કાયદા અને કયા પ્રમાણથી એવી રીતે એક વાતમાં દૂષણ અને બીજી તેવી જ બાબતમાં દૂષણ નહીં; એમાં કોઈ ન્યાય કોઈ બતાવી શકાશે? નહીં, માટે ફોકટ કદાગ્રહ કરવો મૂકી દઈ સર્વ પ્રમાણો વડે મૂર્તિ માનવી યોગ્ય ઠરે છે તેમ માનો.
ખ્રિસ્તી–જે ઉપર આપણે રહીએ છીએ તે પૃથ્વીને એક દિવસ પરમેશ્વર બાળી મૂકશે. જો કે કદી કોઈનું ઘર ભડભડ બળતું હોય તો તે કેવું ભય, કરવાવાળું લાગે છે, તો પછી જ્યારે આ મોટી ધરતી અને પર્વત અને ઝાડ બીડ વિગેરે સર્વે બળી જશે ત્યારે કેવું ભયાનક જણાશે અને કેવો મોટો શબ્દ થશે અને કેટલો બધો તાપ થશે. દુષ્ટો નાસી નહીં શકશે. તેઓ તે આગની ઝાળમાં નંખાશે. આ પૃથ્વી સદા બળતી નહીં રહેશે. તે બળી બળીને ખાક થઈ જશે. ત્યારે પરમેશ્વર બીજી નવી પૃથ્વી બનાવશે, જે આથી ઘણી સારી થશે. (ર પીટર ૩, ૭–૧૩)
જૈન–અરે ! આ કેવું અજ્ઞાન ! ! પૃથ્વીને ઈશ્વર ઉત્પન્ન કરી શકતો નથી. તે તો અનાદિકાળની છે. એનો પ્રલય કદિ થવાનો નથી. છતા તમે તો કહો છો કે પૃથ્વી, પર્વત વગેરેને ઈશ્વર એક દિવસ બાળી નાંખશે, આ તો ટાઢાપોરની તોપ સરખું મને દિસે છે. વળી પરમેશ્વર નવી પૃથ્વીને આ પૃથ્વી કરતાં પણ સારી બનાવશે) તે પણ ખોટું છે, કારણકે પરમેશ્વર પૃથ્વીનો કર્તા તથા હર્તા નથી તેવું અમે પહેલા સિદ્ધ કરી બતાવી ચુકેલા છીએ. અરે સાહેબ ! જરા તો વિચાર કરો કે એક વાર પૃથ્વી વિગેરે બનાવવું અને તેને જ બાળીને ભસ્મ કરવું, વળી તેવી નહીં પણ તેનાથી સરસ નવી નવી પૃથ્વી બનાવવી. આ વાત તે શું પ્રભુને ઘટે? અને ના, ના હું તો તે સઘળું કલ્પિત કથન જ માનું છું અને પંડિત પુરૂષો પણ તે કદિ માન્ય કરશે નહીં એમ ખાત્રી છે. જુઓ પ્રભુએ માટીથી દેહ બનાવી પછી તેમાં શ્વાસ નાખીને આત્મા બનાવ્યો,ઈશ્વરે તે માણસનું નામ આદમ પાડ્યું. ઇશ્વરે આદમને કહ્યું કે તારી પાસે રહેવાને એક સ્ત્રી બનાવીશ. પ્રભુએ આદમને ભર ઊંઘમાં નાખીને તેની પાંસણીઓમાંથી એક લીધી અને એક બૈરી બનાવી. આદમ ઊઠ્યો અને જોયું તો તેને બૈરી માલમ પડી. એનું નામ હવા પાડ્યું. હવે વિચાર કરો કે માટીથી આદમને બનાવ્યો તે બને ખરો, વળી આદમની એક પાંસળીમાંથી હવા નામની સ્ત્રી બનાવી તે પણ ખરી કાઈ માને ખરો? વળી અનાદિકાળનો જે આત્મા તે પણ શું પ્રભુનાથી બનવાનો ખરો? કંઈ બનવાનો નથી. આવી આવી વાતો સાંભળવાથી પંડિત પુરુષોને હંસી ઉત્પન્ન થાય છે કે હજી આત્માનું સ્વરુપ આમના સમજવામાં આવ્યું નથી. જો સમજવામાં આવ્યું હોય તો આત્મા બનાવ્યો બને છે. વળી જગત પ્રભુ ઉત્પન્ન કરે છે, તેવું અજ્ઞાન રહેત નહિ. આ જગત્ અનાદિકાળનું છે, તેમાં જીવો પણ અનાદિ કાળના છે, તેવું માનવું તે ખરૂં છે. વળી ઈસુના ઉપર જે પ્રીતિ રાખે છે તેનાં નામ તે જીવનના પુસ્તકમાં લખે છે તે પણ મિથ્યા છે. અરે ! આ દુનિયા ઉપર કરોડો મનુષ્યો છે તેનાં દરરોજનાં પાપ લખવામાં તેને કેટલી બધી તસ્દી પડી. આ દુનિયાના માણસો હરઘડીએ પાપ કર્યા કરે છે તો તે અવસરે શું લખ્યા કરતા હશે? ના. એ કાંઇ માનવા જેવી વાત છે જ નહીં, મનોકલ્પિત માલુમ પડે છે. વળી તેમનાં સારાં કામ તથા ભૂંડાં કામ લખવામાં દિવસની કેટલી રૂશનાઈનો વ્યય થતો હશે ! અને ત્યાં રૂશનાઈ કોણ બનાવે છે, લખવા માટે કાગળો પણ કેટલાક મોટા હશે. વળી લોકોનાં સારાં નરસાં કામ કઈ ભાષામાં અને કઇ લિપિમાં લખે છે ! તેની પણ સાબીતી થતી નથી. વળી તમારો સ્વર્ગ લોક કેવડો મોટો છે, સ્વર્ગ બારણુ અહીંથી કેટલું દૂર છે ! અને તે લોઢાનું છે કે સોનાનું? વળી સ્વર્ગ લોક અહીંથી કેટલે દુર છે અને ત્યાં સૂર્યનો પ્રકાશ પડે છે કે કેમ ? વિગેરે બાબતોનો કાંઇ ખુલાસો બતાવી શકશો? તમારાં પુસ્તકોમાં તો કાંઈ જણાતો નથી. માટે તમારી માન્યતા મનોકલ્પિત છે પણ ઈશ્વરપ્રણીત નથી એ નિઃસંદેહ માનજો.
૧) વળી તમને પુછીએ છીએ કે તમારો પ્રભુ નિત્ય છે કે અનિત્ય ?
૨) રૂપી છે કે અરૂપી?
૩) સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ ?
ઇત્યાદિનું જ્ઞાન બાઇબલમાંથી મળી શકતું નથી, વળી તમો પ્રભુને રહેવાનું સ્થાન સ્વર્ગ માનો છો તે જગત્ કહેવાય કે નહીં ? જો જગત્ બન્યા પહેલાં તમારો પ્રભુ સાકાર કયે ઠેકાણે ઉભો રહ્યો હતો ? અગર બેઠો હતો? વળી જો સ્વર્ગને જગતની બહાર ગણશો તો તેને બનાવનાર કોણ? જ્યારથી તમારો પ્રભુ હશે ત્યારથી તે સ્વર્ગ પણ હોવું જોઈએ. પ્રભુને તો અનાદિ માનો છો ત્યારે સ્વર્ગ પણ અનાદિ ઠર્યું ; અને સ્વર્ગ અનાદિ ઠર્યું તો આ દુનિયા પણ અનાદિ ઠરી તેમાં કાંઈ બાધ આવતો નથી. વળી સ્વર્ગમાં પૃથ્વી, પાણી, અગ્નિ, જળ, વાયુ, વનસ્પતિ છે કે નહીં ! તમો કહેશો કે તે પ્રમાણે છે તો તે પણ જગત્ કેમ નહીં કહેવાય ! ઇત્યાદિક ઘણા દોષ આવે છે. વળી તમારા પ્રભુને આ દુનિયાનો નાશ કર્યા પછી વળી બીજી દુનિયા બનાવવી પડશે ત્યારે તો તે કામમાંથી નવરો થવાનો નથી; એને તો કામ લાગુ જ પડેલું છે. જીવોને–બીચારાઓને ઉત્પન્ન કરી તેમને નર્કમાં નાખવા, બાળી નાખવા, તે શું પ્રભુને સારૂં લાગે છે ! વળી નર્ક કયે ઠેકાણે આવી? તે શાશ્વતી છે કે અશાશ્વતી? વળી દુનિયા બનાવ્યા પહેલાં નર્ક બનાવી કે કેમ? તે પણ સ્પષ્ટ તમારાં પુસ્તકોમાં નથી. વળી નર્ક કેટલી દૂર છે? ક્યાં છે ? કેટલી મોટી છે તેનું જ્ઞાન ૫ણ તમારાં પુસ્તકોમાં ઠીક ઠીક નથી. વળી તમે લોકો પુનર્જન્માં માનતા નથી, આ જીવ અહીંથી મરીને બીજો જન્મ લેવાનો નથી એમ માનવું એ અયોગ્ય છે. કારણ કે અમે એકલા જ તેમ માનીએ છીએ એમ નથી પરંતુ આ જગત્ પર બીજા ધર્મના મત પંથ છે. જેવા કે, બ્રાહ્મણ, મીમાંસક, બૌદ્ધ વિગેરે પણ સર્વકોઈ પુનર્જન્મ માને છે અને એ વાત ખરી છે. નાનું બાળક જન્મે છે તે વખતે પોતાની માને ધાવવા લાગે છે. એ તદ્દન અજ્ઞાની છે તે તમો સારી રીતે સમજો છો છતાં તુરંત તે ધાવવા લાગ્યું તેનું કારણ શું? તેને કોણે સમજાવ્યું ? અને શીખવાડ્યું ! પણ તેમાં સમજાવવાની જરૂર નથી. એ તો પાછલા ભવના ધાવવાના સંસ્કારના અભ્યાસે કરી તે ધાવવા લાગે છે. તેથી પુનર્જન્મ છે, એ ખરી વાત છે.તેની ઘણી સાબીતીઓ છે. પુણ્ય અને પાપના ઉદયથી જીવો, સુખ દુઃખ પામે છે.જો પુણ્ય અને પાપ ન હોય તો સર્વે મનુષ્યો એકસરખી સ્થિતીનાં જન્મવાં જોઈએ તથા એક સરખી સ્થિતી ભોગવવી જોઈએ. પણ તેમ આ જગત્ માં જોવામાં આવતું નથી. કોઈ દરિદ્રી હોય છે, કોઇ જન્મથી લુલો, કોઈ બહેરો, કોઈ આંધળો વિગેરે જન્મે છે. તેનું કારણ પણ પુણ્ય અને પાપ છે. જો પાછલા ભવમાં પાપ કર્યા હોય તો લુલાં, લંગડાં, બેહેરાં, બોબડાં, અજ્ઞાનીપણું એવાં એવાં દુઃખ ભોગવવાં પડે છે, અને જો પાછલા ભવમાં પુણ્ય કર્યા હોય તો ધન, પુત્ર, સ્ત્રી, મોટી પદવી વિગેરે સારી સામગ્રીને જીવો પામી શકે છે, માટે પુણ્ય અને પાપ પણ અવશ્ય માનવાં જોઈએ.
ખ્રિસ્તી–જે જન્મથી લુલાં, બેહેરાં, બોબડાં અવતરે છે તેણે પ્રભુની આજ્ઞા તોડી છે તેથી એવો અવતાર પામે છે.
જૈન–ઓ અરે મારા મિત્ર, તમારાં બોલવા ઉપરથી જ પુનર્જન્મ સાબીત થાય છે. જુઓ, જેઓ લુલાં લંગડાં વિગેરે અવતરે છે, તેણે પ્રભુની આજ્ઞા તોડી છે એમ તમે કહો છો, ત્યારે તેણે કઈ વખતે પ્રભુની આજ્ઞા તોડી? તે શી રીતે કહેવાય? તે જીવો મનુષ્ય વિગેરેનો જન્મ પૂર્વભવમાં પામ્યા હશે તે વખતમાં પ્રભુએ કહેલી આજ્ઞા નહીં માની હોય તેથી તેમને આવો (લંગડાં, લુલાં વિગેરેનો) અવતાર પ્રભુએ આપ્યો એમ તમારે કહેવું પડશે. એ સિવાય બીજું તમારાથી કહેવાય તેવું નથી. અને જો એમ સિદ્ધ થયું તો પુનર્જન્મ, તમારા મુખથી સિદ્ધ થયો. કર્મ અનુસારે પુનર્જન્મ થયા કરે છે.
ખ્રિસ્તી–જીવને પ્રભુએ લૂલાં, બહેરાં, આંધળાદિની સ્થિતિમાં જન્મ આપ્યો તેમાં જેવી પ્રભુની ઇચ્છા, અર્થાત્ પ્રભુની ઇચ્છામાં આવ્યું તેવો અવતાર આપ્યો તેમાં કર્મ તથા પુનર્જન્મ વચ્ચે માનવાની શી જરૂર છે ?
જૈન–પ્રભુએ બીચારા જીવને કારણ વિના બેહેરો આંધળાંનો જન્મ આપ્યો અને કોઈ જીવને પંચેંદ્રિય સંપૂર્ણ આપ્યું ત્યારે તો તેમાં ન્યાય કાંઇ રહ્યો નહીં. એ તો મરજીને આધારે વાત રહી. ત્યારે કોણ જાણે ધર્મીને નર્કમાં નાંખી દેશે અને પાપીને સ્વર્ણ પણ લઈ જશે, તેમાં શો વિશ્વાસ રખાય. જેવી તેની ઈચ્છા હશે તે પ્રમાણે કર્યા કરશે. આ તે શું માનવા યોગ્ય છે? નહીં નહીં, તેમ છે જ નહીં. એવા ખોટા વિકલ્પ તજીને વીતરાગ અરિહંત ભગવાનને શરણે આવો કે જેનાથી શુદ્ધ જ્ઞાન પામો કે જેથી તમારું કલ્યાણ થાય. વળી જુઓ તમારો પ્રભુ જ્યારે આ દુનિયાને બાળીને ભસ્મ કરશે ત્યારે તેમાં કંઈ દુનિયાએ (દુનિયાના કયા ભાગે) અન્યાય કર્યો હશે કે જેથી તેને જગત બધું બાળવું પડશે ?
ખ્રિસ્તી–પ્રભુએ મનુષ્યોને બનાવ્યાં અને સેતાનના ફસાવ્યાથી પ્રભુની આજ્ઞા તોડી તેનું પ્રભુએ ફળ આપવું તે ન્યાય છે માટે જગતને બાળી નાખશે.
જૈન––અરે ! આ તો પ્રભુ અને તેનો ન્યાય સર્વ મનુષ્યોને વિચારવા લાયક છે. વિચારો, કે મનુષ્યોએ કદાપિ ઈશ્વરની આજ્ઞાના ભંગરૂપી અન્યાય કર્યો પણ પશુઓએ, માછલાઓએ, પંખીઓએ શો અન્યાય કર્યો કે જેથી તેમને પણ બાળીને ભસ્મ કરશે? પૃથ્વી, પર્વત એ જડરૂપ છે. એને કાંઈ પ્રભુની આજ્ઞા તોડવાનું જ્ઞાન નથી તો પછી પ્રભુનો કેવો ન્યાય ઠર્યો. કાંઇ નહીં. આ અધું વિચારતાં સર્વ અઘટિત માલમ પડે છે. માટે શુદ્ધ અને સાચા દેવ અરિહંતના સ્યાદ્વાદ જૈનધર્મને અંગીકાર કરી જન્મ સફળ કરો. હું પણ જૈનશાસનના દેવતાઓ પ્રત્યે વિનંતી કરું છું કે, હરેક રીતે અજ્ઞાનતારૂપી અંધક્કૂપમાં બુડતા પ્રાણીને સદ્બુદ્ધિ બક્ષી અર્થાત્ સત્ય માર્ગ સુજાડી સત્યતત્ત્વરૂપી જૈન ધર્મની પ્રાપ્તિ થાય તેમ કુપા કરો.
ખ્રિસ્તી–જૈનમત પ્રમાણે જીવ, નિશ્ચયમાં અનાદિકાળથી સિદ્ધરૂપ છે. પણ તે મનાય તેમ તથી; કેમ કે સિદ્ધરૂપ એ રીતે મનાય છે કે, સર્વગુણની સત્તા, ગુણ એ અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય છે. જીવ અચ્છેદી, અભેદ તથા અરૂપી છે, જુઓ અધ્યાત્મ સારૌદ્ધાર તથા બોધદિનકર નામે ગ્રંથ પૃષ્ઠ ૪; એમાં જ્ઞાન એવું નામ આત્માનું છે. વિગેરે કેટલાંક પ્રમાણ છે.
જૈન–જૈનમત પ્રમાણે જીવ, નિશ્ચયમાં અનાદિકાળથી સિદ્ધરૂપ છે, એવું તમોએ વાક્ય લખ્યું તે અશુદ્ધ છે. નિશ્ચયનયથી અનાદિકાળથી સિદ્ધરૂપ છે, પણ નિશ્ચયમાં કહી શકાય નહીં, નયની અપેક્ષા વિના નિશ્ચય અને વ્યવહાર શબ્દનો પ્રયોગ અશુદ્ધ છે. નિશ્ચયનય અને વ્યવહારનય એ બે નય અમે માનીએ છીએ, વ્યવહારનયથી અને નિશ્ચયનયથી આત્માનું સ્વરૂપ જાણવું તે ગુરુગમ્ય છે. સત્તાથી જીવો સિદ્ધરૂપ છે પણ વ્યક્તિથી જીવો આઠકર્મના નાશથી સિદ્ધરૂપ થાય છે. માટે ગુરુગમથી જાણ્યા વિના નિશ્ચયનયને ઠેકાણે નિશ્ચયમાં લખ્યું તેનો અર્થ આપના સમજવામાં જુદો જ આવ્યો છે એમ સમજવામાં આવે છે, કેવલ અદ્વૈત વેદાંતી, તથા જૈન, ઈશ્વરને જગતકર્તા માનતા નથી અને તમો જગત્કર્તા માનો છો તેની ચર્ચા પ્રસંગોપાત્ત જણાવીશ.
જૈમલ પોતાની ચોપડીના પાના ૩ જામાં જણાવે છે કે, જીવને પાપરૂપ મેલે કરી મલીન માનવો અને વળી નિર્મળ માનવો તે ઘટી શકતું નથી. તેને માટે અંધારા અને અજવાળાનું દષ્ટાંત આપે છે તે પણ ઘટી શકતું નથી. આ ઠેકાણે તે દાખલો લેવો તે અયુક્ત છે, કારણ કે તેનો તો, પ્રતિપક્ષી સ્વભાવ છે તેથી કોઈ કાળે અંધારૂં અજવાળું થઈ શકે નહીં. પણ આ આત્માને તો કર્મ સંગાતે ખીર નીરનો સંબંધ સારો લાગુ પડી શકે છે. જેમકે, ખીર (દુધ) અને પાણી ભેગાં હોય ત્યારે ખીર અને નીર મિશ્ર છે એમ લોકમાં થતો વ્યવહાર પ્રસિદ્ધ છે, અને હંસ પક્ષી જ્યારે પોતાની ચાંચવડે ખીર અને નીર જુદું પાડે છે ત્યારે લોકમાં ખીર અને નીર જુદું છે એમ વ્યવહાર થઈ શકે છે. એકકાલાવચ્છેદેને ખીર નીર મિશ્ર તથા જુદું એવો વ્યવહાર થઈ શકતો નથી, પણ કાળની અપેક્ષાએ થઈ શકે છે. તેમ આ આત્મા, હાલ કર્મની સંગતિએ મિશ્ર થઈ ગયેલો છે અને જ્યારે કર્મથી જુદો પડશે ત્યારે તે કર્મ રહિત નિર્મળ આત્મા એવો વ્યવહાર થઈ શકશે. કર્મસહિત આત્મા કર્મ થી જુદો પડશે, ત્યારે તે સિદ્ધ થશે. આત્મા સ્વતઃ પ્રકાશી છે તે કારણથી નિશ્ચયથી (કેવળ કર્મની અપેક્ષા વિના) સિદ્ધ સમાન છે, તે વાત નિઃસંશય છે. જેમ કેટલુંક સોનું શુદ્ધ, મેલ વિનાનું છે તેને નિર્મળ સોનું કહીએ છીએ અને ખાણમાં જ્યારે માટી સહિત મિશ્ર થએલું હોય છે. ત્યારે રજસંયુક્ત સોનું છે એવો વ્યવહાર લોકમાં પ્રસિદ્ધ છે. રજ મિશ્રિત સોનામાં શું શુદ્ધ સોનાના જેવી સત્તા પ્રકાશ કરવાની તથા રંગમણીયતા નથી રહી? હા, અલબત્ત રહી છે. પણ રજના સંયોગથી ઢંકાઈ ગયેલી છે, તેથી શુદ્ધ કંચનના જેટલી તેની કિંમત થઈ શકશે નહીં, અને તેવી પ્રકાશતા પણ તેની પડશે નહીં, પણ જ્યારે રજરહિત થશે ત્યારે તો શુદ્ધ કંચન થશે અને તેમાં કશો ભેગ રહેશે નહીં. તેમ આ આત્મા, કર્મસહિત છે ત્યાં સુધી કર્મસહિત આત્મા એવો વ્યવહાર થઈ શકે છે, અને જ્યારે કર્મરહિત થાય છે ત્યારે કર્મરહિત એવો આત્મા સિદ્ધ કહી શકાય છે, પણ જ્યારે કર્મ સહિત હોય ત્યારે શું આપણે નથી કહી શક્તા કે આ આત્મા કર્મ રહિત પરમાત્મા જેવો પ્રકાશી અને આનંદમય છે! હા, અલબત્ત કહી શકીએ છીએ. કારણ કે આગળ તે આત્મા સ્વસ્વરૂપ ઓળખી કર્મને દૂર કરી આત્મસ્વરૂપ આત્મામાં રમી, સ્વરૂપ શુદ્ધ ચિન્મય પ્રાપ્ત કરશે, માટે એવાં જે અપેક્ષા વચન, વ્યવહારનય અને નિશ્ચયનયનાં તે યુક્તિયુક્ત છે. એમાં કાંઈ સંશય નથી, તો જૈમલ પદમીંગજી ખ્રિસ્તી, પોતાના ખ્રીસ્ત અને જૈન ધર્મ નો મુકાબલો નામના પુસ્તકમાં પાપ પુણ્ય સહિત પણ આત્મા અને પાપ પુણ્ય રહિત આત્મા એવો જે અપેક્ષાએ વ્યવહાર છે તેને ખોટો ઠરાવે છે તે તેનું બોલવું ઊંટના શિંગડાં સમાન છે. જેમકે દૃષ્ટાંત તરીકે જૈમલ પોતે જ્યારે જૈન સાધુ હતા ત્યારે લોકો તેમને “સાધુ" એમ કહી શક્તા હતા, અને “ખ્રિસ્તી" થયા ત્યારે ખ્રિસ્તી એ વ્યવહારથી બોલાવે છે. વળી કેથેલીક, બૌદ્ધો વિગેરે જૈન ધર્મને સત્યમાની ખ્રિસ્તી ધર્મ ને છોડી દેશે તો તેઓને જૈન એમ કહીને લોકો બોલાવશે. તેમ જેનો આત્મા, કર્મ૨હિત થયો તેને “સિદ્ધ" કહે છે અને કર્મસહિત છે તેને “સંસારી" કહી બોલાવે છે. એ વાત નિઃસંશય છે. જેમ કોઈ રાજાનો દીકરો નાનો છે તેને લોકો કુમાર કહે છે અને આગળ આ કુમાર રાજા પણ થવાના છે તેમ ધારી ભવિષ્યરાજા એમ અપેક્ષાયુક્ત વચન બોલે છે તે સત્ય જ છે, પણ જૈમલ પદમીગંજીને અપેક્ષા યુક્ત વચન હૃદયમાં ઠર્યું નથી. તેમના હૃદયમાં અજ્ઞાનરૂપી અંધકારે વાસ કર્યો છે, પણ નિત્ય અનિત્ય વસ્તુના ધર્મ પ્રકાશનારા તીર્થંકર ભગવાનના અને જૈનસાધુને શરણે આવે તો તેમનું અંધકાર દૂર થઈ શકશે એમ ઈચ્છું છું. જેમ ખાણમાં રજકનકનો અનાદિ કાળથી સંબંધ છે, તેમ આત્મા અને કર્મ નો અનાદિકાલથી સંબંધ છે. આત્મા અને કર્મ નો અનાદિકાલનો સંબંધ છે પણ સંચોણ સંબંધ અનિત્ય છે, માટે કોઈ કાળે તે બે વસ્તુઓ એક એકથી જુદી થઈ શકે છે; તેમ આ આત્મા અને કર્મ નો સંયોગ સંબંધ અનાદિ કાળનો છે. કારણ મળે આત્મા અને કર્મ જુદા થઈ શકે છે અને જ્યારે આત્મા જુદો થાય છે ત્યારે તેની શુદ્ધતા પ્રગટ થાય છે, અને પછી તેને જન્મ, મરણ, રોગ, શોક વિગેરે દુઃખો ભોગવવાં પડતાં નથી, પણ જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી તેને જન્મ મરણ કરવાં પડે છે; અને તે કર્મ જો શુભ કરે છે તો રાજ્ય, પૈસો, નિરોગીપણું વિગેરે સુખ પામે છે, અને જ્યારે બીજા જીવોને દુઃખ દેવું, હિંસા કરવી, જૂઠ્ઠું બોલવું, ચોરી કરવી, પારકી સ્ત્રી સેવન કરવી, કૂડ કપટ કરવાં, એમ પાપ કરે છે ત્યારે રોગ, શોક, દારિદ્રય વિગેરે દુઃખો પામે છે. જો કર્મ નહીં માનીએ તો કોઈ સુખી દેખાય છે, કોઈ દુઃખી દેખાય છે. કોઈને રાજગાદી ઉપર બેસવાનું મળે છે, કોઈને આખા દિવસમાં પણ પેટ ભરાતું નથી, તેનું શું કારણ? તે કર્મ વિના બીજું કહેવાતું નથી. જો કર્મ નહીં માનો તો સર્વ એકસરખાં હોવા જોઇએ? સુખી હોય તો સર્વ સુખી જ હોવા જોઇએ ? દુઃખી હોય તો સર્વ દુઃખી જ હોવા જોઈએ.
વળી તમે કહેશો કે આ દુનિયાને ઈશ્વરે પેદા કરી તે દશ પક્ષથી પણ ખરી ઠરતી નથી તે નીચે પ્રમાણેઃ-
૧) આ દુનિયા ઉત્પન્ન કરવાનું કારણ શું?
૨) દુનિયા ઉત્પન્ન કરનાર રૂપી છે કે અરૂપી છે?
૩) દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર નિત્ય છે કે અનિત્ય છે?
૪) દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ છે?
૫) દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર પ્રત્યક્ષ દેખાતો નથી તેનું શું કારણ ?
૬) દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર કયે ઠેકાણે રહે છે ?
૭) આ દુનિયાને ઈશ્વરે દિવસે ઉત્પન્ન કરી કે રાત્રે?
૮) આ દુનિયાને ઉત્પન્ન થયા પહેલાં જીવો કયે ઠેકાણે હતા?
૯) આ દુનિયામાં જીવો કોઇ પશુ રૂપે, પંખી રૂપે, કોઈ મનુષ્ય રૂપે, એમ જુદા જુદા આકારવાળા દેખાય છે પણ એક સરખા દેખાતા નથી તેનું શું કારણ?
૧૦) આ દુનિયાને ઈશ્વરે એક કાલાવચ્છેદેન ઉત્પન્ન કરી કે કેમ?
૧) પક્ષ પહેલો–દુનિયા ઉત્પન્ન કરવાનું કારણ શું છે? તેના જવાબમાં તમો કહેશો કે, ઈશ્વરે સર્વ જીવોને સુખી કરવાને દુનિયા ઉત્પન્ન કરી, તે પણ તમારાથી કહેવાશે નહીં. કારણકે પહેલાં ત્યારે શું જીવો દુઃખી હતા? જ્યારે દુઃખી હતા ત્યારે તે દુઃખ તેમને ક્યાંથી વળગ્યું અને તે દુઃખ વળગવાનું કારણ પણ જોઈએ, તો તે કર્મ વિના (સારાં ખોટાંકામ વિના) બીજું કહેવાશે નહીં, અને જ્યારે કર્મ માનશો ત્યારે કર્મ પણ જીવની સાથે દુનિયા ઉત્પન્ન કર્યા પહેલાનું ઠર્યું તો તે કર્મ જીવની સંગાતે છે એમ નક્કી ઠર્યું, અને જ્યારે જીવની સાથે કર્મ છે ત્યારે તેમાં પણ પહેલું કર્મ કે પહેલો જીવ? તેવો પ્રશ્ન ઉત્પન્ન થશે, ત્યારે પહેલો જીવ યા કર્મ એમાંનું કાંઈપણ કહી શકાશો નહીં. અલખત્ત બન્ને સાથે જ છે એમ જ કહેવાશે. જેમ સૂર્ય અને સૂર્યનો પ્રકાશ, જેમ કુકડી અને કુકડીનું ઇંડું, જેમ રાત્રી અને દિવસ, જેમ બીજ અને વૃક્ષ, તેમાં પહેલું કોણ છે તે જેમ કહી શકાતું નથી, તેમ પહેલું કર્મ કે જીવ, તે પણ કહી શકાતું નથી. દુનિયા ઉત્પન્ન કર્યા પહેલાં જીવ અને કર્મ કેટલા કાળથી સંયોગી છે તે કાળની પણ આદિ કળી શકાવાની નથી, માટે અનાદિકાળથી જીવ અને કર્મનો સંયોગ છે તેમ સિદ્ધ થયું, ત્યારે કર્મના સંયોગથી જીવ દુઃખી થાય છે માટે કર્મ પણ એક પદાર્થ છે તેમ સિદ્ધ ઠર્યું; તો તે કર્મ જુદા જુદા પ્રકારનું છે તેથી જુદા જુદા પ્રકારનાં સુખ દુઃખો જીવ ભોગવે છે તે કર્મ ની મૂળ પ્રકૃતિ આઠ અને ઉત્તર પ્રકૃતિને, સર્વજ્ઞ તીર્થંકર મહારાજાએ જ્ઞાનથી પ્રકાશી છે તે સત્ય જ છે. વળી ઈશ્વરને દયા આવી તેથી દુનિયા ઉત્પન્ન કરી લોકોને સુખી કરવા એવી ઈચ્છા થઈ તે પણ ઈચ્છા ખોટી જ છે. કેમ કે ઈશ્વરમાં જો શક્તિ હોત તો દુનિયા ઉત્પન્ન કર્યા વિના દુઃખનો નાશ કરી શકત. જેને આખી દુનિયા ઉત્પન્ન કરવાની શક્તિ હતી તેને દુનિયા ઉત્પન્ન કર્યા વિના દુઃખ કાપવાની શક્તિ નહોતી કે શું? જો કદાપિ શક્તિ નહોતી એમ કહેશો તો દુનિયા ઉત્પન્ન કર્યા બાદ પણ તેનાથી શક્તિ નહીં હોવાને લીધે દુઃખ દૂર થવાનાં નથી તો તેને આ પ્રયાસ લેવો અજ્ઞાન યુક્ત ઠર્યો, વળી સાંભળીએ છીએ કે ઇસુ ખ્રીસ્તને શરણ જનારા સર્વ જીવોના દુઃખને ઇસુ પોતે લે છે. આ પણ એક તાજુબી ભરેલું સમજાય છે. દ્દુઃખ તે રૂપી છે કે અરૂપી છે? નિત્ય છે કે અનિત્ય છે? સ્વતંત્ર છે કે પરતંત્ર છે દુઃખ રૂપી છે તેને ઈશ્વરે લઇ લીધું તો ઈશ્વર પણ અત્યંત દુઃખી થઈ જશે. જેમકે, કોઈ માણસ બીજો માણસ ઝેર પીતો હોય તેનું ઝેર પોતે લઇ પીએ તો પોતે મહાદુઃખી થાય, તેમ ઇશ્વર બીજાનાં દુઃખને લઇ શકે તો તેને અત્યંત પીડા થાય. આ ઠીક તમારી જ્ઞાનશક્તિ પારકી પીડા પોતાના ઘરમાં ઘાલી અને જૈમલ પદમીંગજી વળી તેના વિના કોની પ્રાર્થના કરે વળી ઈશ્વર તે દુઃખે સર્વે લઈ લે છે તેમાં કંઈ પ્રમાણ છે? પ્રત્યક્ષ પ્રમાણ તો દેખાતું નથી, કારણકે દુઃખો લઈ લેતો હોત તો તેના કોઈ પણ ભક્તો મરણ સમયે અસાધ્ય ત્રિદોષાદિ દુઃખ, અકાળ મૃત્યુ, તોપને મોઢે ઉડવું,. ટાંટીઆ ઘસવા, હાય હાય આદિ મન પર બળાપો, અને શોકના તર્ક વિતર્કો કરવા વિગેરે દુઃખો ભોગવી મોત પામવા જોઈએ જ નહીં. તેવું તો કંઈ દેખાતું નથી. તેવું દુઃખ તો ખ્રિસ્તીયોના મરણ સુધી પણ લઈ શક્યો નહીં તો શું કબરમાં માટીમાં માટી મળી ગયા પછી લેશે? ના, કાંઇ લેવાનો નથી, ત્યારે ફોકટ ઈશ્વર દુઃખ લઇ લે છે તેમ શા કારણથી કહો છો ? વળી તે ઈશ્વર સર્વેનું દુઃખ લઈને પોતાની પાસે રાખે છે કે બીજે ઠેકાણે રાખે છે? તે કહો. વળી આ દુનિયાનો મોટો ભાગ કે જે ઈસુને માનતો નથી, તેની ભક્તિ કરતા નથી, તેનું દુઃખ તે હરણ નહીં કરે તો તેથી તે દ્વેષી પક્ષપાતી ઠરે છે અને પક્ષપાતી પણ ઠર્યો. પક્ષપાતી તો ઈશ્વર કહી શકાય નહીં અને જો તમો તેને ઈશ્વર કહેશો તો દૃષ્ટાંત તરીકે હું તેનું ખંડન કરનાર પણ ઈશ્વર છું, એમ કહું તો? જેમ તે દુઃખને હરણ કરે છે, તે દેખાતાં નથી; તેમ હું પણ જીવોનું દુઃખ દૂર કરૂં છું તે પણ દેખવાના નથી અને જીવોનું દુઃખ ઈશ્વર લે છે તે ૫ણ દેખવાના નથી. જેમ તે પાપીઓની પાસે પાપ ભોગવાવે છે તેમ હું પણ પાપીઓની પાસે પાપ ભોગવાવું છું, જેમ તે ન્યાયી માણસોને સુખી કરે છે, તેમ હું પણ ન્યાયી માણસોને સુખી કરું છું. જેમ તેના પુત્રે દુનિયાને ઉપદેશ દીધો હતો તેમ હું પણ દઉં છું; તો તે ઈશ્વર ખરો કે હું, ખરો ઈશ્વર? તેની ખાત્રી કેવી રીતે તમો કરશો? માટે ઈશ્વર પોતે કોઈનાં દુઃખ હરણ કરી લેતો નથી, અલબત્ત જીવો કર્મ કરે છે તે પ્રમાણે તેઓને ફલ થાય છે. ઈશ્વર સિદ્ધ તો કર્મ રહિત થયા. તેવા તમો થવાને ઉદ્યમ કરો. એવું તેમને કહેલું છે. તેમનું આલંબન તો નિમિત્તમાત્ર છે. તેમણે જેવી રીતે કર્મ ને દૂર કર્યા તેવી રીતે તમો કર્મ ને દૂર કરો. એજ તેમનો અરિહંત અવસ્થાનો ઉપદેશ હતો. એવા રાગદ્વેષ રહિત અરિહંત ભગવાન હતા, તેની બરાબર સદ્હણા કરી આત્મા કર્મ સહિત છે અને ઈશ્વર, દુઃખને લેતો નથી એ સત્ય વાત સમજો અને જૈનસાધુને શરણે આવો કે જેથી તમારી અજ્ઞાનતા દૂર થઈ છીંપમાં રૂપાનો ભ્રમ થએલો છે તે મટી જશે, અને અજ્ઞાનતારુપી કમળાનો રોગ દૂર થશે અને તેથી જ વસ્તુને વસ્તુપણે જાણવામાં આવશે.
૨) પક્ષ બીજો–દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર રૂપી છે કે અરૂપી?
દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર રૂપી હોય તો તે પ્રત્યક્ષ દેખાવો જોઈએ અને જો અરૂપી હોય તો તેનાથી આ આખું જગત્ ઉત્પન્ન થઈ શકે જ કેમ? જેમ કે આકાશ અરૂપી છે તો તે કોઈ વસ્તુને બનાવી શકતું નથી, તેથી અરૂપી ઈશ્વર પણ કોઈ વસ્તુને બનાવી શકવાનો નથી, તેથી અરૂપી ઈશ્વર પણ કહી શકાતો નથી. રૂપી હોય તો તે એકકાલાવચ્છેદેન બનાવી શકવાને સમર્થ નથી. વળી કદાપિ રૂપી ઈશ્વરને માનશો અને તેણે જો દુનિયા બનાવી તો તો તે દુનિયામાં રહેનારા, પર્વતો, સમુદ્રો, પત્થરો વિગેરે દુનિયા ઉત્પન્ન થયાં પહેલા કયે ઠેકાણે રહ્યાં હતાં! શું ઈશ્વર તેઓને હાથમાં ઝાલી રહ્યો હતો કે શું? અને તે પહેલાના સમુદ્રો, પર્વતો હતા એમ કદાચ તમો કહેશો તો પ્રાણીઓ પણ તો પહેલાના હતા એમ કહેવામાં શું બાધ આવશે? વળી પ્રાણી, સમુદ્રો, પર્વતો, પત્થરો, દુનિયા પહેલાં સિદ્ધ ઠર્યા તો તે જ દુનિયા જ થઇ. જેમ પાણી, સમુદ્ર, પૃથ્વી, પર્વતો હોય તેને દુનિયા કરેલી તો તે ઈશ્વરે બનાવેલી દુનિયાની પહેલાં દુનિયાં હતી તેવું સિદ્ધ થયું; તો નવી દુનિયા બનાવવાનું શું કારણ? તે પણ કહેવાને સમર્થ થવાશે નહીં. વળી રૂપી ઈશ્વર પણ કહી શકાતો નથી, કેમ કે રૂપી જીવ હોય તે રૂધીર માંસ લોહીથી બનેલો છે, તો તે ઈશ્વરને પણ રૂંધીર માંસ લોહી હોવું જોઇએ. તો તો શું ખાય છે? તે બતાવો. વળી જે ખાય છે તે વિષ્ઠા પણ કરે છે તો તે કરે છે કે કેમ ? તે બતાવો, વળી અમો ઈસુને માનતા નથી તો તે અમને સમજાવવા કેમ આવતો નથી? જો તે અમને સમજાવશે તો અમે પણ તેના ભક્ત બની જઈશું. વળી પ્રત્યક્ષ દેખાશે અને અમને ઉપદેશ આપશે તો ઘણી જ અમારા મન ઉપર લાગણી થશે. પણ તે કાંઈ થતું નથી. ઈશ્વર, પ્રત્યક્ષ હોય તો આવે, નહીં હોય તો કેવી રીતે આવી શકે? જેમ આકાશનું ફુલ એવો વ્યવહાર ખોટો થાય છે, તે ફુલ આકાશનું દેખાશે નહીં અને સુગંધ આપશે નહીં; તેમ તમારો ઈશ્વર પણ દેખાવાનો નથી, અને તમોને તારવાનો પણ નથી માટે જૈમલ પદમીંગજી, તમો જૈનસાધુઓને શરણે આવી પ્રાર્થના કરો કે તમોને રૂપી અરૂપી ઈશ્વર કેવો કહેવાય તેની સમજણ પાડી ભ્રમ દૂર કરે.
૩) પક્ષ ત્રીજો–દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર નિત્ય છે કે અનિત્ય?
ઉપરના બે પ્રશ્નના વિવેચનથી ઈશ્વર દુનિયાને ઉત્પન્ન કરનાર સિદ્ધ થતો નથી, તેમ નિત્ય પણ દુનિયાને ઉત્પન્ન કરનાર ઈશ્વર કહેવાશે નહીં. ઈશ્વરને નિત્ય કહેશો તો તેની જેટલી બનાવેલી વસ્તુઓ હોય તેટલી નિત્ય અખંડિતજ રહેવી જોઈએ. જેમકે પૃથ્વી, પાણી, પર્વત, સમુદ્ર, પશુ, પંખી, મનુષ્ય વિગેરે, પણ તેમ અખંડિત તે વસ્તુઓ જોવામાં આવતી નથી, તેમાં ફેરફાર થઈ જાય છે અને જુદા જુદારૂપને મનુષ્યાદિ ધારણ કરે છે. મનુષ્યો મરી જાય છે, પશુ પક્ષી આદિ પણ મરી જાય છે, તો તે નિત્ય રહી શક્તાં નથી અને અનિન્ય થઈ જાય છે, તેથી ઈશ્વરમાં અનિત્ય વ્યાપત્તિ દોષ આવશે. વળી જો ઈશ્વરને અનિત્ય માનશો તો ઈશ્વર પણ એક રહેવાનો નથી અને તેની બનાવેલી દુનિયાનો પણ નાશ થવાનો તો તેની ભક્તિ કરેલી તેનો બદલો તે નાશ થવાથી બીજો કોણ આપશે? કે જેથી ઈશ્વરની ભક્તિ કરવી ? વળી તેના કાયદાને અનુસરવું તે ૫ણ અનિત્ય ઠર્યું, એમ નિત્ય અને અનિત્ય બે વિકલ્પોએ કરી ઈશ્વર સિદ્ધ જગત્કર્તા ઠેરતો નથી.
૪) પક્ષ ચોથૌઃ દુનિયા ઉત્પન્ન કર્તા ઉપાદાન નિમિત્તરૂપ પ્રભુ સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ?
દુનિયા ઉત્પન્ન કરનાર પ્રભુ જો સર્વજ્ઞ હોય તો તેના પેદાકરેલા પ્રાણીઓ, જેનો તેના ભક્તો પણ સર્વજ્ઞ હોવા જોઇએ. જેમ કાગડાથી ઉત્પન્ન થએલા કાગડાએ કાગડાના જેવી ચેષ્ટા કરનારા વર્ણવાળાં હોય છે, મનુષ્યનાં બચ્ચાઓ મનુષ્યના જેવી ચેષ્ટાઓ કરનારાં હોય છે, તેમ તેમના ઉત્પન્ન કરેલા મનુષ્યાદિને ૫ણ તેમના જેવું સર્વજ્ઞપણું મળવું જોઇએ અને હોવું જોઈએ. પણ તેમ કાંઈ છે નહીં. અર્થાત્ સર્વજ્ઞપણું પોતાનામાં હોય ત્યારે બીજાઓને પણ સર્વજ્ઞપણું આપી શકે એમ અનુમાન થતાં સર્વજ્ઞપણું તેમનામાં નથી એમ સિદ્ધ થાય છે. વળી કદાપિ તમે કહેશો કે તે સર્વજ્ઞ હતો પણ પોતાના જેવા બીજાઓને જ્ઞાન આપી કરવા ચાહતો નહોતો તો તેમ કરતાં તે કપટી સ્વાર્થી ઠરશે અને પોતે જ પૂજ્ય બનવું તેવી અભિલાષા રાખી બીજાઓની પાસે ભક્તિ કરાવવી એવી ઈચ્છા હતી, તો તો તેમના સરખા તે કદી કરી શકવાનો નથી અને તેમના જેટલું જ્ઞાન પણ મળી શકવાનું નથી. નહીં, નહીં, સર્વજ્ઞ હોય તે બીજાઓને સર્વજ્ઞ કરી શકે છે. જેમ ઈયલ, ભમરાનો સંગ કરી સંપૂર્ણ ભમરાપણું પામે છે તેમ સર્વે જીવો, સર્વજ્ઞની સંગથી સર્વજ્ઞ થઈ શકે, પણ અસર્વજ્ઞ હોય તે શી રીતે સર્વજ્ઞ કરી શકે ? અસર્વજ્ઞ ઈશ્વર કહેશો તો વદતોવિધાત દોષ આવશે માટે તે પણ કહી શકવાના નથી.
૫) પક્ષ પાંચમો– જૈન–દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર પ્રત્યક્ષ દેખાતો નથી તેનું કારણ શું?
ખ્રિસ્તી–દુનિયા ન્યાય યુક્ત ચાલતી નથી માટે દેખાતો નથી.
જૈન–ન્યાય યુક્ત ચાલતી હોય તો દેખાય તેમાં ઈશ્વર શું નવાઈ કરી. જ્યારે અન્યાયના રસ્તે ચાલતી હોય ત્યારે તેમને સમજાવે, પ્રત્યક્ષ થઈ કહે, તો આટલો દુનિયામાં અન્યાય થાય છે તે કેમ રહે? જેમ કોઈ ચોર ચોરી કરે છે ત્યારે તેને રાજા બોલાવી સજા કરી શિખામણ આપે છે તો બીજી વાર થોરી થતી અટકે છે, તેમ જો તમારો ઈશ્વર દેખાય તો ઈશ્વરને જ લોકો માનતા નથી તે માને અને ઈશ્વરના ભક્તો દુનિયામાં સર્વે થઈ જાય.
ખ્રિસ્તી–અરે ! ઈશ્વર ન્યાયી છે તે ન્યાયી માણસોને જ દેખાવાનો, અન્યાયીઓને દેખાય તો પછી ન્યાય અને અન્યાય કરનારાઓને સરખો ફાયદો થાય, માટે ન્યાયી માણસોને જ દેખાય છે.
જૈન–જ્યારે તે ન્યાયીઓને જ દેખાયો ત્યારે અન્યાયીઓ, દુઃખીને દુઃખી જ રહેવાના. અન્યાયીઓને ઇશ્વર દેખાશે નહીં ત્યાં સુધી તેઓ અન્યાય છોડવાના નથી તો સુખી કેવી રીતે થવાના? અને પ્રભુ છે તે અન્યાયી પાપીઓનો તારક ગણાશે નહીં કે જે તમો માનો છો જે ખોટું ઠરશે.
ખ્રિસ્તી–પરમેશ્વરના ભક્તો તેમને ઉપદેશ કરી ઈશ્વરના ભક્ત થવા કોશીશ કરશે ત્યારે તેમનામાં ન્યાય આવશે અને ત્યારે તેઓને ઈશ્વર પ્રત્યક્ષ દેખાશે. જૈન–જેટલા હાલ ખ્રિસ્તીઓ બની ગયા છે તેમને તો ન્યાયીપણું આવ્યું ખરૂં કે નહીં? અને તેમને તો ઈશ્વર આંખે હજરાહજુર દેખાતો હશે. ઠીક, વારૂ હાલ ખ્રિસ્તીધર્મીઓ કેટલા ઈશ્વરને દેખે છે તે બતાવશો.
ખ્રિસ્તી–હૃદયમાં ઊંડો વિચાર કરે છે.
જૈન–અરે ભાઇ ! જે અરૂપી નિર્મય સ્વસત્તાપ્રકાશી એવા કર્મરહિત થઇ સિદ્ધસ્થાનમાં જઈ પરમાત્મપણું અનુભવે છે, તે ઈશ્વરો છે એવા સિદ્ધ ભગવંતો તમને આ ચર્મચક્ષુ વડે દેખી શકાય નહીં. તમારા શરીરે લાગતો એવો વાયુ પણ તમે આંખે દેખી શકતા નથી, તો ઈશ્વર જે અરૂપી, અજરઅમર અવિનાશી તે ચર્મચક્ષુ વડે કેમ દેખી શકાય? અલબત્ત દેખી શકાતો નથી. પરંતુ કેવળજ્ઞાન થાય તો રૂપી અરૂપી સર્વે વસ્તુઓ દેખી શકાય છે. માટે તમારા મનની શંકાઓ દૂર કરી જૈન સાધુઓે શરણે આવો કે જેથી તમે આત્માનું સ્વરૂપ ઓળખો, કપોલકલ્પિત ઈશ્વર કદિ પણ સ્વપ્નવત્ દેખાય નહીં માટે તમારી ભ્રમણાઓમાં બીજાને ભરમાવો નહીં કે જેથી તમારું કલ્યાણ થાય.
પક્ષ છઠ્ઠો: જૈન–દુનિયાને ઉત્પન્ન કરનાર ઈશ્વર કયે ઠેકાણે રહે છે તે બતાવો.
ખ્રિસ્તી–ઈશ્વર સ્વર્ગ માં સિંહાસન ઉપર બેઠેલો છે અને તેની જમણી બાજીએ તેનો દીકરો ઈસુ બેઠો છે. ઈશ્વર સ્વર્ગમાં રહે છે.
જૈન– સ્વર્ગ એ પત્થર માટી સોનાથી બનેલું છે કે કેમ?
ખ્રિસ્તી–હા; તેમ જ જણાય છે.
જૈન–અરે મારા પ્રિયમિત્ર ! જે નિરાકાર પ્રભુ તેને સિંહાસન પર બેસવું તથા મસ્તકે મુગટ (મુકુટ) ધારણ કરવો એ વિગેરે સંભવતું નથી. અમારા જૈનમતમાં દેવતાઓનું વર્ણન કરેલું છે તેમાં દેવતાઓ સ્વર્ગ માં રહે છે અને તેઓ મુગટ વિગેરે ધારણ કરે છે. મોક્ષ સ્થાનતો તેથી વ્યતિરિક્ત માનેલું છે. તમો ખ્રિસ્તીઓ તો અમારા મતમાં માનેલા(સ્વર્ગ દેવલોકના જેવું તમારા પ્રભુનું ઠેકાણું માનો છો તો તેથી તમોએ માનેલો તમારો પ્રભુ કોઈ જાતિવિશેષ દેવતા સંભવે છે, ૫ણ નિરાકાર પ્રભુ સિદ્ધ થતો નથી. દેવલોકમાં તેવા દેવતાઓ તો ઘણા છે, અને દેવતાઓના ઉપરીઓ મુખ્ય ચોસઠ ઇંદ્રો છે. તેમાં તમારો પ્રભુ ઇંદ્રના સ્થાનકે પણ કહી શકાય નહીં તેમ કોઈ મહંત દેવતા પણ દેખાતો નથી. કોઇ સામાન્ય દેવતા હોય એમ સંભવે છે. પછી તો જ્ઞાની જાણે. માટે તમોએ માનેલું સ્વર્ગ દેવલોક ઠરે છે અને તે પ્રભુનું સ્થાન કહેવાતું નથી.
૭) પક્ષ સાતમો–જૈન–આ દુનિયાને ઈશ્વરે દિવસે ઉત્પન્ન કરી કે રાત્રે ?
જુઓ, સૂર્ય અને ચંદ્ર થકી રાત્રી અને દિવસ એવો વ્યવહાર થઈ શકે છે, જો સૂર્ય અને ચંદ્ર ના હોય તો દિવસ અને રાત્રી એવો વ્યવહાર થઈ શકત નહીં, હવે ચંદ્ર અને સૂર્યને બનાવનાર જો પ્રભુ મનાય તો રાત્રી દિવસ જગત્ બનાવ્યા પહેલાં સિદ્ધ થશે નહીં. ત્યારે જગત્ દિવસે પણ બનાવ્યું સિદ્ધ થતું નથી, તેમ રાત્રે પણ બનાવ્યું સિદ્ધ થતું નથી, અનુક્રમે વિચારી જોતાં આ જગત્ અનાદિકાળનું છે એમ જ સિદ્ધ થાય છે; પણ તેની આદિ નથી, ત્યારે વળી તેનો બનાવનાર પ્રભુ માનવો તે જુઠ્ઠું ઠરે છે.
૮) પક્ષ આઠમો– જૈન–આ દુનિયા ઉત્પન્ન થયાં પહેલાં જીવો (આત્માઓ) કયે ઠેકાણે હતા?
ખ્રિસ્તી–પ્રભુની પાસે હતા.
જૈન–તે પોતાની પાસે કયે ઠેકાણે રાખતા હતા ! શું પોતાના પેટમાં અગર કોઈ પેટીમાં રાખતા હતા? વળી આ જગત ઉત્પન્ન થયા પહેલાના જીવો (આત્માઓ) પવિત્ર હતાં કે અપવિત્ર હતા ? એમાનું તમારાથી કાંઈ પણ કહેવાશે નહીં. માટે અનાદિકાળથી આત્મા સિદ્ધજ છે. તેને કોઈ ઉત્પન્ન કરનાર નથી. માટે અસત્ય કલ્પનાઓ તજીને સત્ય અનંતજ્ઞાનધારક એવા અરિહંતને શરણે આવો કે જેથી તમારું કલ્યાણ થાય.
ખ્રિસ્તી–સર્વજીવોને ઈશ્વરે ઉત્પન્ન કર્યા.
જૈન–કોઈપણ કાળે અને કોઈપણ રીતે જીવને ઉત્પન્ન કરનાર ઈશ્વર સિદ્ધ થતો નથી. વળી તમે લોકો વળી એક દેવ માનો છો તેમાં પણ આત્મા અનાદિ માનો છો, તો તેનો કોઈ કર્તા નથી, તો વળીફેર જીવોનો પેદા કરનાર ઈશ્વર કદાગ્રહ કરી કેમ માનો છો? માટે સત્યને સમજી અસત્યનો (સાપ જેમ કાંચળીનો ત્યાગ કરે છે તેમ) ત્યાગ કરો. દુનિયા ઉત્પન્ન થયા પહેલાં સર્વ જીવો કાંઈ ઈશ્વરની પાસે ભંડારમાં અથવા પેટીમાં અથવા પેટમાં અથવા હાથમાં હોય તેમ માનવું તે તો કેવળ ગપ્પ છે. દુનિયા ઉત્પન્ન થયા પહેલાં સર્વ જીવો પ્રભુની પાસે હતા એ સિદ્ધ થતું નથી.
૯) પક્ષ નવમો :–જૈન––આ દુનિયામાં કોઇ જીવો સ્ત્રીરૂપે, કોઈ પુરૂષ રૂપે કોઈ પશુ પંખીરૂપે ઉત્પન્ન થાય છે તેનું શું કારણ ?
ખ્રિસ્તી–પ્રભુ પોતાની ઇચ્છા પ્રમાણે જીવોને બનાવે છે.
જૈન–અરે ખ્રિસ્તી ભાઇઓ, જરા વિચાર તો કરો, એમ તે હોય? દરેક વસ્તુનો સ્વીકાર અને ત્યાગ બુદ્ધિપૂર્વક કરવો જોઇએ એક ઈચ્છા શબ્દ કહ્યો એટલે તેમાં સઘળું સમાયું એ શી રીતે વાસ્તવિક ગણાશે? ઈચ્છાનુસાર બનાવ્યું ત્યારે ન્યાય અન્યાય તો કંઈ રહ્યો જ નહીં ને ! વારૂ, એ તો ઠીક, પણ પુરૂષ કરતાં સ્ત્રીમાં કોઈપણ બાબતની ન્યૂનાધિકતા તમારી સમજમાં કે દેખવામાં આવે છે? અને આવે છે તો એકને કંઈક ઠીક અને એકને અઠીક; સ્વામી સેવકભાવપણું બક્ષી અન્યાય પ્રભુએ કર્યો એમ કેમ નહીં કહેવાય? જરૂર એમ જ ગણાય. ઈશ્વરની ઈચ્છા એમાં કાંઈ કામઆવતી નથી અને હોય જ શાની? સ્ત્રીના કરતાં પુરૂષત્વપણું પ્રધાન ગણાય છે તે સર્વ કર્માનુસારે થાય છે. જીવોને સ્ત્રીરૂપે કે પુરુષરૂપે ઉત્પન્ન કરનાર ઈશ્વર સિદ્ધ થતો નથી. ઉપર મુજબ પક્ષથી વિચારી જોતાં જગત્કર્તા ઈશ્વર સિદ્ધ થતો નથી.
ખ્રિસ્તી–મી૦ જૈમલે કહ્યું કે, અરિહંતને મન હોતું નથી ત્યારે કેમ દેવતાઓ વિગેરે તેની સેવા કરે છે?
જૈન––અરિહંત ભગવંતે ચારધાતીયાં કર્મ નાશ પમાડ્યાં છે, અને તેમને ચાર અઘાતીયાં કર્મ યત્કિંચિત્કર બાકી રહ્યાં છે. દેવતાઓનો એવો આચાર છે કે અરિહંત ભગવંતની સેવા ચાકરી કરે, પરંતુ તેમાં અરિહંત ભગવાનને સેવા ચાકરી કરાવવાની ઈચ્છા નથી. જેમ કોઈ ગવર્નર જનરલ કોઈ રાજાને મળવા જાય છે, ત્યારે તે ગામનો રાજા તેની સેવા બજાવે છે. તેમ જ ત્યાંના લોકો પણ દુકાનો વિગેરે શણગારી ગવર્નરને માન આપે છે. આમાં શું તે ગવર્નર જનરલની ઈચ્છા હતી કે મારી આ ગામનો રાજા આવા પ્રકારની સેવા ભક્તિ સાચવે અને ગામના લોકો દુકાનો વિગેરેને શણગારે? ના, એવી તેના મનમાં ઈચ્છા જણાતી નથી. પણ તે રાજા સંબંધી લોકોના મનમાં સ્વભાવથી પોતાના કરતાં અધિકને દેખીને ભક્તિ ઉત્પન્ન થાય છે. તેમ અરિહંત ભગવંતે તો પાછલા ભવમાં તીર્થંકરનામગોત્ર ઉપાર્જન કરેલું હોવાને લીધે, તેના ઉદયથી લોકો, દેવતાઓ સ્વભાવિક રીતે તેમના અતિશયો તથા ગુણોથી તેમની તેવી ભક્તિ કરે છે. તેમાં અરિહંત ભગવાનને પોતાનો કાંઈ સેવાભક્તિ કરાવવાનો પરિણામ (ભાવ ) હોતો નથી, માટે મી૦ જૈમલે જે વિકલ્પ, સેવા ભક્તિ કરવા સંબંધીનો કર્યો છે તે વિકલ્પ ખોટો છે.
ખ્રિસ્તી– એ તો ઠીક, પણ મી૦ જૈમલે લખ્યું છે કે ચોર છે તે ચોરી કરે છે ને કહે છે કે, મારું મન ચોરીમાં નથી, તે કેમ માનવામાં આવે ? એ તો વળી વિષ્ણુના અવતારોની પેઠે લીલા તરીકે કહેવાય; કેમકે એ તો ભગવાને દુનિયાને દેખાડવા માટે કરી, પણ પોતાના મનમાં કાંઈ હતું નહીં; એ જેમ જુઠ્ઠું કહેવાય છે, તેમ તીર્થંકર ભગવાનની સેવા ચાકરી દેવતાઓ કરે છે અને પોતાની તેમાં ઈચ્છા નથી તે પણ જુઠ્ઠું કહેવાય છે તેવું કેમ ?
જૈન–અરે ખ્રિસ્તી મિત્રો! વિચાર તો કરો, કે આ પ્રમાણે બીજા માણસો પોતાની ( આપણી ) ભક્તિ કરે ત્યારે પોતાની ઇચ્છા તે સંબંધી હોય છે એમ કાંઇ એકાંત ખાસ કહી શકાતું નથી, એ ખરૂં છે. તેમજ તીર્થંકર ભગવાન તો વીતરાગ હોવાથી તેમનામાં સેવા ભક્તિ કરાવવાની ઈચ્છા હોતી નથી, એ પણ સત્ય જ છે. તમે ઈસુના નામનું સ્મરણ કરો છો; ઇસુનો ધર્મ ફેલાવવા ઈચ્છો છો તો તમારા ઇસુના મનમાં જરૂર ઇચ્છા થઈ અને જ્યારે ઈચ્છાવાન્ ઇસુ ઠર્યો ત્યારે મન પણ તેને ઠર્યું . માટે જરૂર તેમને દુનિયામાં હજારો સુખ ભોગવવાની, વિષયાદીની, બાળબગીચામાં રમવા વિગેરેની ઇચ્છાઓ સિદ્ધ થાય છે તે પ્રમાણે અમારા તીર્થંકરને ઈચ્છા સિદ્ધ થતી નથી, અને તેમને રાગદ્વેષ પણ કોઈ પર થતો નથી. ફક્ત તેમના ગુણોના અનુભાવથી, રાગથી દેવતાદિક ભક્તિ કરે છે. જેમ દુનિયામાં કોઇ ગુણી હોય તેને દેખીને સર્વ કોઇ તેની પ્રશંસા કરે છે, તેને હરેક બાબતમાં મદદ કરે છે; તો આ તીર્થંકર ભગવંત તો સંપૂર્ણ ગુણવાન છે તેને દેખી ઇંદ્રો, દેવો વગેરે સેવા ભક્તિ કર્યા વિના કેમ રહે ? ન જ રહે. માટે આ બાબત નિઃસંશય છે, કારણ કે તીર્થંકર ભગવાનને જરા પણ ઇચ્છા હોતી નથી.
ખ્રિસ્તી–મી૦ જૈમલ સંસારી અને સિદ્ધ એ બન્નેને સરખા માનવાનું કહે છે; કારણ કે અનંત દર્શન, અનંતજ્ઞાન, અને અનંત ચારિત્રવાળા સિદ્ધના આત્મા છે, તેવા સંસારી આત્મા પણ જ્ઞાન, દર્શન અને ચારિત્રવાળા છે, કારણકે પૌદગલિક વસ્તુથી ચૈતન્યને નફો કે નુકસાન થતું નથી. આનો શો ખુલાસો છે?
જૈન–મી૦ જૈમલે સિદ્ધ અને સંસારીને સરખા ગણાવા નિશ્ચય નયથી લખ્યું તે બાબતમાં સમજવાનું કે નિશ્ચયનયથી જે સિદ્ધના જીવમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેવું જ સંસારી જીવોમાં પણ સત્તાએ છે. પણ સંસારી જીવોને કર્મ લાગેલાં હોવાથી તેવું સિદ્ધત્વ પ્રગટરૂપે નથી, ફક્ત સિદ્ધ જેવી થવાની સત્તા રહી છે, તેથી સત્તાની અપેક્ષાએ બન્ને સરખા છે પણ પ્રગટપણાની અપેક્ષાએ નથી. જેમ મેલુ સોનુ અને નિર્મળ સુવર્ણ તેમાં નિશ્ચયનયથી તો મેલુ સોનું પણ આગળ મેલ જવા થકી નિર્મળ સોના જેવું થવાનું છે, માટે બે સરખાં કહી શકાય પણ હાલ તો મેલુ સોનુ વ્યવહારથી કહેવાય છે. તેમ કર્મસહિતજીવો હાલ વ્યવહારનયથી તો સંસારી કહેવાય છે અને કર્મ રહિત થવાથી નિશ્ચયનયમતે સિદ્ધ કહેવાય છે. એમ બે નયની અપેક્ષાઓથી સર્વ વસ્તુઓનું સ્વરૂપ કહી શકાય છે.
ખ્રિસ્તી–મનની ઇચ્છા પ્રમાણે થાય તેને સુખ કહે છે.
જૈન–મનની ઈચ્છા પ્રમાણે થાય તેને સુખ કહી શકાતું નથી. કોઈ માણસને ચોરી કરવાની ઇચ્છા થઇ, વળી કોઈને વિષ ખાવા ઈચ્છા થઈ, તો તે મનની ઈચ્છાશું સુખ કહી શકાય છે? ના, નથી કહેવાતું. તેમ મનની ઈચ્છાઓ જેટલી થાય છે તેટલી સુખકારી કહી શકાતી નથી. કોઈ મનુષ્ય સમાધિ લગાવી બેઠો હોય છે, તે વખતે તેને કોઈ બાબતની ઇચ્છા હોતી નથી. તેને કોઈ પુછે કે ભાઈ તમે સમાધિમાં શું સુખ દેખો છો? ત્યારે તે કહેશે કે, સમાધિથી જે સુખ થાય છે તે કહી શકાતું નથી કોઇ પણ વસ્તુની તે સુખને ઉપમા પણ આપી શકાતી નથી. તેમ સમાધિવાળાના દૃષ્ટાંતના અનુસારે ઈચ્છા જ્યારે કોઈ બાબતની હોતી નથી, ત્યારે અનંત સુખ થાય છે, તેમ સિદ્ધને તો મન હોતું નથી, અને મન નહીં હોવાને લીધે ઈચ્છા પણ હોતી નથી. તો તેમને તો અત્યંત સુખ હોવું જોઈએ, એમ દૃષ્ટાંતથી પણ સિદ્ધ થાય છે. વળી આપણે જ્યારે નિર્વિકલ્પદશામાં બેઠા હોઈએ છીએ અને કોઇવસ્તુની ઇચ્છા અગર ચિંતા હોતી નથી ત્યારે આપણે કેવું સુખ અનુભવીએ છીએ, કે અહો? મારે આજ કેવું સુખ છે! તે પ્રમાણે સિદ્ધને વિકલ્પ સંકલ્પની આધિ નહીં હોવાને લીધે અનંતસુખ છે એમ સિદ્ધ થાય છે.
ખ્રિસ્તી–પૃષ્ઠ ૯ માં મી. જૈમલ જણાવે છે કે, જેને મન ન હોય તેને ચૈતન્ય કેમ કહીએ? પોતે સંસારી દુઃખમાંથી છુટીને સિદ્ધ પહોંચ્યા ત્યારે સર્વોપરી થયા. તેઓ સંસારીને દુઃખી જાણીને દુઃખી થતા નથી, માટે એ ઉત્તમસિદ્ધ પુરૂષનાં લક્ષણ નથી, અને નીરો નામે બાદશાહનું દષ્ટાંત આપે છે કે જે તે નગરને બળતું દેખી ખુશ થતો હતો. આ બાબતમાં તમે શું કાંઈ ખુલાસો આપી શકશો કે?
જૈન–સાંભળો ખ્રિસ્તીઓ !!! જેને મન ના હોય તેને ચૈતન્ય હોય છે. જેમ સિદ્ધમાં તેમને મન નથી પણ ચૈતન્યપણું તેમનામાં છે. મન છે તે તો પૌદ્ગલિક છે, તે તો સંસારીને હોય છે, પણ સિદ્ધને તો પુદ્ગલનો સંબંધ હોતો નથી, તેથી તેમને મન પણ હોતું નથી. વળી તેમને રાગદ્વેષનો ક્ષય થયો હોય છે અને ઇચ્છાનો પણ ક્ષય થયો છે, માટે સુખીને દેખી ખુશી થતા નથી અને દુઃખીને દેખી દુઃખી થતા નથી, એ તો જેવાં કર્મ કર્યા હોય તેવાં ભોગવવાં જોઇએ એમ જાણે છે અને તેમનાં એવાં દુઃખ નિવારણ કરવા માટે જૈનધર્મ નો ઉપદેશ, સદેહીદશામાં તેમણે આપી પોતાનું ઉત્તમપણું જણાવ્યું છે. સિદ્ધમાં ગયા પછી પણ વળી તેમના ગણધરો, આચાર્યો વિગેરે તીર્થંકરના જ ધર્મનો ઉપદેશ આપે છે અને તેથી લાખો કરોડો માણસો દુઃખમાંથી છૂટે છે, માટે તેમના ઉત્તમપણાનું કેટલું વર્ણન કરીએ! અને તમારા પ્રભુને ઉત્તમપણું કેવી રીતે કહી શકશો? કારણ કે રાગદ્વેષથી તેમનું ઉત્તમપણું કહી શકાશે નહીં. કેમ કે પ્લેગના રોગથી, દુકાળના રોગથી, વિગેરે હજારો કારણોને લીધે સંસારમાં પ્રાણીઓ લોકો દુઃખી માલમ પડે છે. તેમનાં દુઃખ તમારો પ્રભુ જ્ઞાની છે એટલે દેખે છે તેમ છતાં નિવારણ કેમ કરતો નથી? વળી તમારા પ્રભુને જગત્ કર્તા માનો છો અને તેમણે જગત બનાવ્યું છે એમ કહો છો છતાં જગત્ ના પ્રાણીઓની સંભાળ ન લે, દુઃખ નિવારણ ના કરે, તો તેનામાં પ્રભુપણું પણ તમારા મત પ્રમાણે કહી શકાતું નથી. જેમ કોઇ રાજા પોતાની પ્રજાને દુકાળ વિગેરેનાં દુઃખથી બચાવે નહીં તો પ્રજાનો તેના પ્રત્યે ધિક્કાર થાય છે, તે તેમ સારી રીતે સમજો છો, તેમજ તમારા પ્રભુ ઉપર પણ દુઃખી માણસોનો ધિક્કાર થતો હશે તે તમે જ વિચારો. વળી તમે કહેશો કે પ્રભુનામાં દુઃખ નિવારણ કરવાની શક્તિ છે, પણ અન્યાય કરવાને લીધે લોકો પાસે અન્યાય ભોગવાવવો જોઇએ માટે અન્યાયનું ફળ માણસો પાસે ભોગવરાવે છે, તેમ પણ તમારું કહેવું વ્યાજબી માલમ પડતું નથી. કારણકે માણસોને ન્યાયી અગર અન્યાયી તે પણ ઈશ્વરે બનાવ્યા છે. જો તેણે જગત્માં અજ્ઞાન ઉત્પન્ન નહીં કર્યું હોત તો લોકો કેમ અન્યાય કરત? માટે એ દોષ પણ તમારા પ્રભુના ઉપર આવે છે; કે તેમણે અજ્ઞાન ઉત્પન્ન કર્યું , માટે જગત્ કર્તા. ઈશ્વરમાં ઉત્તમપણું સિદ્ધ થતું નથી. સિદ્ધપ્રભુઓમાં રાગદ્વેષ નહીં હોવાથી વિશ્વજીવોને સુખી અને દુઃખી દેખી સુખી અગર દુઃખી થતા નથી અને તે અહીં દુઃખાદિ વારવા આવતા નથી, નીરો બાદશાહને તો રાગદ્વેષ અજ્ઞાન હતું તેથી તેનું દૃષ્ટાંત વીતરાગ એવા સિદ્ધ પ્રભુની સાથે ઘટતું નથી.
ખ્રિસ્તી–મી૦ જૈમલ પોતાના ૨ જા પ્રકરણમાં એમ કહે છે કે કર્મ આઠ છે.
૧ જ્ઞાનાવરણી,
ર દર્શનાવરણી,
૩ વેદની
૪ મોહની,
પ આયુષ્ય,
૬ નામ,
૭ ગોત્ર,
૮ અંતરાય.
૧) જ્ઞાનાવરણી શબ્દનો અર્થ –જ્ઞાનને આડુ આવરણ (આચ્છાદન ) એટલે જેમ કોઈ દીવાની જ્યોતિને આડુ આવરણ અથવા પડદો આવવાથી તે દીવાનો પ્રકાશ બહાર પડતો નથી; અજ્ઞાન રૂપી આચ્છાદન આવવાથી જાણી શકાતું નથી તેને જ્ઞાનાવરણી કહે છે.
A) મતિજ્ઞાનાવરણીય,
B) ક્ષુતજ્ઞાનાવરણીય,
C) અવધિ જ્ઞાનાવરણીય,
D) મનઃપયવજ્ઞાનાવરણીય,
E) કેલલીજ્ઞાનાવરણીય.
A) મતિજ્ઞાનાવરણીયના ભેદ–પાંચ ઇંદ્રિયો અને છઠ્ઠું મન એ છ દ્વાર થકી જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને મતિજ્ઞાન કહે છે. તે મતિજ્ઞાનના ૩૩૬ જુદા જુદા ભેદ છે, પણ આ ઠેકાણે ગ્રંથનો વિસ્તાર થવાના ભયને લીધે લખ્યા નથી. પણ જેને જોવાની ઈચ્છા હોય તેણે કર્મ ગ્રંથની ટીકા જોવી. જેને પાંચ ઇંદ્રિયો અને છઠ્ઠું મન એ થકી જેને જ્ઞાન થતું નથી તેને મતિજ્ઞાનાવરણીય કહે છે.
B) શ્રુતજ્ઞાનાવરણીય–એના ૧૪ તથા ૨૦ ભેદ છે. શ્રુતજ્ઞાનનું જે આચ્છાદન તેને શ્રુતજ્ઞાનાવરણીય કહે છે.
C) અવધિજ્ઞાન–અવધિ સહિત જે જ્ઞાન તેને અવધિજ્ઞાન કહે છે. તેના બે ભેદ છે અને અસંખ્યાતા પણ ભેદ છે, તેનું જે આવરણ તેને અવધિજ્ઞાનાવરણીય કહે છે.
D) મનઃપર્યવજ્ઞાન–એટલે પારકાના મનની વાત જાણે તેને મનઃપર્યવજ્ઞાન કહે છે અને તે ન જાણે તેને મનઃપયવજ્ઞાનાવરણીય કહે છે. તે જ્ઞાન સાધુ સિવાય બીજાને હોતું નથી.
E) કેવલજ્ઞાન–એટલે સર્વજ્ઞપણું. જ્યારે કેવલજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે પહેલાના ચાર જ્ઞાન તેમાં સમાઈ જાય છે. જેને સર્વજ્ઞપણું હોતું નથી તેને કેવળજ્ઞાનવરણીય કર્મ હોય છે.
બાકીના સાત કર્મો
(૨) દર્શનાવરણીય કર્મ ની ઉત્તર પ્રકૃતિ નવ છે તે કર્મ ગ્રંથથી જોઇ લેવી.
(૩) વેદનીય કર્મની બે પ્રકૃતિ છે. ૧ શાતાવેદની, ૨ અશાતાવેદની.
(૪) મોહનીકર્મની ઉત્તર પ્રકૃતિ અટ્ઠયાવીસ છે.
(પ) આયુષ્ય કર્મના ચાર ભેદ છે. ૧ નરક, ૨ મનુષ્ય, ૩ તિર્યંચ, ૪ દેવતા, એ પ્રકારનું આયુષ્ય.
(૬) નામકર્મ ની ઉત્તર પ્રકૃતી ૧૦૩ છે,
(૭) ગોત્રકર્મ ની ઉત્તર પ્રકૃતિ ર છે. ૧ ઉચ્ચ ગોત્ર, ૨ નીચગોત્ર.
(૮) અંતરાય કર્મ ની ઉત્તર પ્રકૃતિ પાંચ છે. ૧ દાનાંતરાય ૨ લાભાંતરાય, ૩ વીર્યાંતરાય, ૪ ભોગાંતરાય, અને ૫ ઉપભોગાંતરાય.
જૈન–એ પ્રમાણે આઠકર્મ છે તે આત્માની સાથે અનાદિ કાળથી લાગી રહેલ છે. તેમાં કર્મ છે તે ભવી આશ્રી અનાદિ સાંત છે એટલે ભવીને કર્મ નો અંત થશે અને અભવી આશ્રીકર્મ અનાદિ અનંત છે. સુવર્ણ (સોના) ની સાથે વળગેલી રજનો જેમ ખાણમાંથી કાઢ્યા પછી પ્રયોગથી નાશ થાય છે તેમ અનાદિકાળનો લાગેલો આ કર્મરૂપી મેલ છે તે પણ પાંચ કારણો મળે છતે આત્મા થકી દૂર થાય છે. કેમકે કર્મ તે રૂપી વસ્તુ છે અને આત્મા અરૂપી છે. તેનું વિશેષ બ્યાન જોવું હોય તો કર્મગ્રંથ, પન્નવર્ણાં, ઉત્તરાધ્યયન તત્વાર્થ ટીકા, વિગેરે મહાન્ ગ્રંથો વાંચવા અગર સાંભળવા, આ ઠેકાણે આઠ કર્મમાં મી. જૈમલ શંકા કરે છે પણ તે અજ્ઞાનના ઉદયે કરે છે તે નીચે મુજબ :