This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
તપાગચ્છી આચાર્ય શ્રીમદ્ વિજયકમલસૂરિજીને અર્પણ
વિ. સં. ૧૯૫૪ ની સાલથી મેસાણામાં તમારો પરિચય થયો. તમો તથા મુનીશ્રી વિજયધર્મસૂરિજી, વિજયસિદ્ધિ સૂરિ, મુનિરાજશ્રી કર્પૂર વિજયજી તથા મુનીશ્રી અમીવિજયજી વગેરે સાધુઓ, વિ. સં. ૧૯૫૪માં મેસાણામાં રાજારામ શાસ્ત્રી પાસે અભ્યાસ કરતા હતા, તથા હું પણ તે વખતે ગૃહસ્થદશામાં રાજા- રામ શાસ્ત્રી પાસે તર્ક સંગ્રહ, વગેરેનો અભ્યાસ કરતો હતો, મેસાણામાં અમો તમો તથા અન્ય સાધુઓ ભણતા હતા, તે પ્રસંગે એક ખ્રિસ્તી સાહેબ પાદરી તથા બીજા ખ્રિસ્તી બનેલા બ્રાહ્મણ ઉપદેશકોએ મેસાણા ઉપાશ્રયના સામેના ઓટલા ઉપર વ્યાખ્યાન આપવું શરૂ કર્યું અને તેણે હિંદુ જૈનધર્મ સંબધી ખંડનની ટીકા શરૂ કરી, તે પ્રસંગે સર્વ સાધુઓમાં તમારો ધર્માભિમાનનો જુસ્સો વિશેષ પ્રમાણમાં ખીલી ઉઠયો, પણ તમો જઈ શક્યા નહીં, તમોએ મને ઉત્તેજિત કર્યો, મેં વિ. સં. ૧૯૫૫ માં પહેલ વહેલું તમારા ઉત્તેજનથી તથા શ્રી કર્પૂર વિજયજીના ઉત્તેજનથી, પાદરી સાહેબના ઓટલા પર જ તે જ વખતે સામું ભાષણ આપ્યું અને ખ્રિસ્તીયો ગાયો તથા સુવર વગેરે ખાય છે, ઇત્યાદિ બાબતો પર ભાષણ ચલાવ્યું, તેથી હિંદુ ઓએ અને મુસલમાનોએ ખ્રિસ્તી પાદરી સાહેબનું ભાષણ સાંભળવું બંધ કર્યું , અને મારા ભાષણમાં જોડાયા, પશ્ચાત્ પાદરી સાહેબ સાથે ચર્ચા ચાલી તેમાં તે હારી ગયા. ત્યારથી હજી સુધી મેસાણાના સામેના ઓટલા પર ભાષણ કરવાને કોઈ ખ્રિસ્તી પાદરી હજી સુધી આવ્યો નથી. મારા જાહેર ભાષણની શરૂઆત ત્યારથી થઇ હતી. તમારામાં જૈનધર્માભિમાન ઘણું છે. મારી સાધુદશામાં પણ તમારી અને મારી ઘણી વખત મુલાકાત થઈ છે. સ્પષ્ટવક્તા તરીકે તમે જાહેર પ્રસિદ્ધ છો. હાલમાં શ્રી વિજયાનંદ આચાર્ય મહારાજના સંધાડાના તમે નાયક (સૂરિ) છો. આપના સંઘાડાના સાધુઓ જેટલો કોઈનો મોટો; સમુદાય નથી, તથા આપના સંઘાડાના સાધુઓના વિહાર જેટલો અન્ય સાધુઓના સંઘાડાનો વિહાર નથી. આપ સરલ છો, આપનામાં જૈનધર્મ નો સર્વત્ર પ્રચાર કરવાની ઘણી લાગણી છે. આપની વિ. સં. ૧૯૫૭ ના માધ માસ પૂનમે પાટણમાં આચાર્ય પદવી થઈ હતી તે વખતે મારા ગુરુ સાથે હું હાજર હતો અને આપની આચાર્ય પદવીમાં ભાગ લીધો હતો. આપના સંઘાડામાં પ્રવર્તક શ્રીકાંતિવિજયજી જેવા બાહોશ ગંભીર ઉદાર મતવાદી પ્રવર્તક છે. શ્રીમાન હંસવિજયજી મહારાજે સર્વ દેશમાં વિહાર કર્યો છે, ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ શાંત, વૈરાગી અને ઉત્તમ ગવૈયા; હતા. શ્રીમાન વલ્લભવિજયજી એ પંજાબ, મારવાડ, ગુજરાત, કઠિયાવાડમાં વિહાર કરીને સર્વત્ર ઉપદેશ આપ્યો છે, પંજાબમાં તે વલ્લભવાઘ તરીકે પ્રસિદ્ધ છે, પન્યાસ દાન વિજયજી, મુનિશ્રી પ્રેમવિજયજી, મુનિશ્રી રામવિજયજી, પં. લલિતવિજયજી વગેરે વિદ્વાન સાધુઓથી જૈનકોમને ધાર્મિક લાભ થયા કરે છે, વ્યાખ્યાનવાચસ્પતિ શ્રીમાન લબ્ધિવિજયજી જેવા જાહેર વક્તાની નસોનસમાં ધર્માભિમાન ઉછળી રહ્યું છે; તમારા સંઘાડાના સાધુઓને ખ્રિસ્તીયો વગેરે અન્યદર્શ ની ગુરુઓની સાથે ઘણા ચર્ચાના પ્રસંગો પડે છે, તેથી વાદવિવાદમાં ચર્ચામાં તમારો સંઘાડો મુખ્ય ભાગ ભજવે છે, તેથી આવાં પુસ્તક દાખવાનું કાર્ય તમારું છે, તેથી તમારે કરવું જોઈએ છતાં મારા જેવાએ આ કાર્યમાં કંઇક ભાગ આપ્યો છે, તમારા ગુણોથી રંજિત થઈને તમને અર્પણપત્રિકા આપું છું તે સ્વીકારશો અને વર્તમાનમાં સર્વ સ્વાન્યગચ્છ સંઘાડાઓના સાધુઓના ઐક્યબલના સંગઠનમાં મોટો ભાગ થેઈને ખ્રિસ્તીયોના પાદરીઓની પેઠે જૈનધર્મ પ્રચાર કાર્ય ને આગળ પ્રચારશો. એમ પ્રાર્થું છું.
લે૦ તમારો ગુણાનુરાગી બુદ્ધિસાગર. મુ. પેથાપુર આસોવદિ પ.
જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મ નો મુકાબલો. જૈનખ્રિસ્તી સંવાદ.
વિ. સં. ૧૯૫૭ની સાલનું ચોમાસું સુરતમાં કરવામાં આવ્યું, તે વખતે શેઠ, નેમુભાઈ મેળાપચંદની વાડીમાં, પન્યાસ સિદ્ધિવિજયજી, પન્નયાસ ચતુરવિજયજી વગેરે પન્દર સાધુઓનું ચોમાસું હતું અને નેમુભાઈની વાડીના ઉપાશ્રયની લગોલગ શ્રાવક ખેમચંદભાઇની વાડીના ઉપાશ્રયમાં અમારા ગુરુશ્રી સુખ સાગરજી મહારાજનું તથા શ્રી ન્યાયસાગરજી તથા અમારુ ચોમાસું હતું. ગોપીપુરામાં શ્રી મોહનલાલજી મહારાજનું પંદર સાધુઓ સહિત ચોમાસું હતું. શ્રી સિદ્ધિવિજયજી મહારાજે તે વખતે પં. મહારાજ ચતુરવિજયજી પાસે પન્યાસ પદવી અંગીકાર કરી હતી. શ્રી મોહનલાલજી મહારાજના શિષ્ય હરખમુનિ પણ પન્યાસ પદવીના જોગ તેમના ગુરુભાઈ પાસે રહેતા હતા. અમારી સાથે પન્યાસ શ્રી ચતુરવિજયજી તથા પન્યાસ સિદ્ધિવિજયજીના સાધુઓનો પરસ્પર ઘણો મૈત્રી સંબંધ હતો. શ્રી સિદ્ધિવિજયજી પન્નયાસનો વિજાપુર વિદ્યાશાળામાં વિ. સં. ૧૯૪૮ માં અમારી ગૃહસ્થદશામાં પરિચય થયો હતો. પશ્ચાત મેસાણામાં વિ. સં. ૧૯૫૪માં વિશેષ પરિચય થયો હતો. વિ. સં. ૧૯૫૪ ની સાલમાં પાટણમાં શ્રી મોહનલાલજી મહારાજનો અમારી ગૃહસ્થદશામાં પરિચય થયો અને તેથી શ્રી મોહનલાલજી મહારાજસાથે પણ પૂર્વથી ધર્મસ્નેહ સંબંધ ચાલ્યો આવતો હતો. શ્રી મોહનલાલજી મહારાજના ઉપાશ્રયમાં તેમને મળવા માટે અમારે ઘણી વખત જવાનું થતું હતું, અને તેથી તેમના સાધુએ સાથે ધર્મ શાસ્ત્રોની ચર્ચાઓ થતી, શ્રી જશમુનિના વિદ્વાન શિષ્ય શ્રી પ્રતાપમુનિની સાથે અમારો બાદ મૈત્રી સંબંધ થયો, અને પન્યાસ સિદ્ધિવિજયજીના શિષ્ય શ્રી વિનયવિજયજી તો અમારા ખાસ મિત્ર બની ગયા, અને શ્રી વૃદ્ધિચંદજીના શિષ્ય શ્રી દુર્લભવિજયજી ખાસ અમારા મિત્ર બની ગયા. ચોમાસામાં તે વખતમાં એક જૈમલ નામનો ખ્રિસ્તી આવ્યો તે ચૌટામાં જૈનધર્મ નું ખંડન કરવા લાગ્યો તથા તેણે ખ્રિસ્તી ધર્મ અને જૈનધર્મ નો મુકાબલો નામનું પુસ્તક રચ્યું હતું. તે પુસ્તકને તેણે જૈનોમાં વહેંચ્યું તેથી જૈનકોમમાં મોટો ખળભળાટ થઈ રહ્યો. ખ્રિસ્તી જૈમલ એક વખત શ્રી ઝવેરસાગરજી મહારાજની સાથે સાધુ તરીકે રહ્યો હતો અને પછીથી શ્રી મોહનલાલજી મહારાજના પાસે સાધુ થયો હતો, પશ્ચાત્ તે જુદો પડી ગયો હતો. બાવાના જાતના ઓલાદનો તે મૂળ હતો એમ સંભવ છે. સાધુનું વ્રત પાળવામાં તે અશક્ત નીકળ્યો અને તે પાદરીઓના સંગમાં ગયો. રાજકોટ ભાવનગરમાં તેના વિચારો નાસ્તિક થઈ ગયા અને તે ખ્રિસ્તી બની ગયો, જૈનસાધુપણામાં પણ તેણે જૈનતત્ત્વજ્ઞાનનો સારી રીતે અભ્યાસ કર્યો ન હતો. અમારો તે વખતે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ હતો. મુક્તાવલી ઉપર દીનકરીનું પઠન ચાલતું હતું. સાધુઓમાં અને શ્રાવકોમાં તે વખતે જઇમલના બનાવેલા પુસ્તક સંબંધી ઘણી ચર્ચા ચાલી રહી હતી, પણ અમારાથી મોટા પન્યાસ વગેરે સાધુઓએ તે પુસ્તકનો ઉત્તર આપવાનો વિચાર કર્યો ન જણાવાથી અમોએ દશ દિવસમાં આ પુસ્તક લખી દીધું અને જૈમલે જે-જે કુતર્કો કર્યા હતા. તેના જૈનશાસ્ત્રના આધારે ઉત્તરો લખ્યા, અને તેની લખેલી નોટબુક મેં શ્રી મોહનલાલજી મહારાજને વાંચી બતાવી, તેથી તે ઘણા ખુશ થયા અને ઝવેરી શેઠ નગીનદાસ કપુરચંદને હુકમ કર્યો કે મુનીશ્રી બુદ્ધિસાગરજીના પંડિતનો પગાર જેટલા મહીના સુધી તેઓ ફરમાવે તેટલા સુધી આપવો, રાજ્યકર્ત્રી ખ્રિસ્તી પ્રજાના ધર્મ પુસ્તક બાયબલ સંબંધી ચર્ચાવાળુ પુસ્તક છપાવવામાં અમારા ગુરુએ ભવિષ્યમાં ખટપટ ઉભી થાય તે કારણથી મારું નામ તે વખતે જાહેર પાડવા ના કહ્યું, તેથી અમે ઝવેરી ધર્મચંદ ઉદયર્ચદના સુપત્ર ઝવેરી જીવણચંદ ધર્મચંદને ઉપદેશ કર્યો, અને તેમણે જૈનફ્રેન્ડલી સોસાયટી સ્થાપી અને તે તરફથી પુસ્તક બહાર પાડ્યું. વિ. સં. ૧૯૫૮ની સાલમાં છપાવી પ્રસિદ્ધ કર્યુ , સર્વ પુસ્તકોમાં અમોએ આ પહેલું પુસ્તક રચ્યું, જૈન ધર્મ ને ખ્રિસ્તી ધર્મ ના મુકાબલાનું અમારું રચેલું પુસ્તક જૈનકોમમાં સારી રીતે વંચાવા લાગ્યું અને જૈમલ પદમીંગ ખ્રિસ્તીએ પણ તે પુસ્તક વાંચ્યું, પણ પાછળથી તેણે તેનો ઉત્તર આપ્યો નથી, જૈનધર્મ અને ખ્રિસ્તી ધર્મના મુકાબલા નામના પુસ્તકની બધી નકલો ખપી ગઈ અને સાત આઠ વરસથી ઘણા જૈનો તે પુસ્તકની માગણી કરતા હતા. બ્યાવરના કેટલાક ભાવનગરી જૈનોને ખ્રિસ્તીઓની સાથે ચર્ચા સંબંધે આ પુસ્તકની ઘણી જરૂર પડી હતી, અને તેની એક એક નકલની તેમણે પાંચ રૂપીએ માગણી કરી. વિજાપુરના જ્ઞાનભંડારમાં એક નકલ રહી હતી, તેથી પાદરાના વકીલ મોહનલાલભાઇ હેમચંદ ભાઇને અધ્યાત્મજ્ઞાનપ્રસારકમંડળ તરફથી દ્વિતીયાવૃત્તિ છપાવવાની જરૂર જણાઈ; પ્રાંતિજમાં તે વખતમાં અમોએ વિ. સં. ૧૯૮૦ ના માઘમાસમાં માસકલ્પ કર્યો હતો, પ્રાંતિજના રહીશ શા. શાન્તિલાલ મગનલાલની પાસેથી એક ચોપડી મળી આવી અને તે ચોપડી છપાવવા માટે પ્રેસમાં આપી, ને જૈનધર્મ અને ખ્રિસ્તી ધર્મના મુકાબલાનું પુસ્તક છપાવતાં તે પુસ્તકમાં કેટલાક સુધારા વધારા કરવામાં આવ્યા છે. તે અસલના પુસ્તકની સાથે મુકાબલો કરીને વાંચતાં તેમાં કરેલો સુધારો વધારો વાચકોને સ્હેજે જણાઈ આવશે. આ પુસ્તકમાં જૈમલ ખ્રિસ્તીના પ્રશ્નોનો ઉત્તર આપતા જે કંઈ જીનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય, જૈનશાસ્ત્રોથી વિરૂદ્ધ લખાયું હોય તેની ચતુર્વિધસંઘની આગળ માફી માગું છું. મંડનશૈલીથી ઘણાં ખરાં પુસ્તક મેં લખેલાં છે, પણ અન્ય પાદરીઓ વગેરે જ્યારે ખંડન શૈલીના શાસ્ત્રથી જૈનશાસ્ત્રો પર હુમલો કરે છે, ત્યારે અમારે નાછૂટકે સભ્યતા અને વિવેકની હદમાં રહીને તેઓએ તે કરેલા હુમલાનો ઉત્તર આપવો પડે છે, અને જો એવો ઉત્તર ના આપવામાં આવે તો અમારી નામર્દાઈ ગણાય અને જૈનોને પણ જૈનધર્મ ઉપર શંકા આવે; તેથી ઉત્તર આપવો એ અમારી ફરજ આવશ્યક લાગી, તેથી અમોએ ખ્રિસ્તી જયમલના કુતર્કોનો ઉત્તર આપેલો છે. ખ્રિસ્તી એના બાયબલમાં જે કાંઈ નીતિના માર્ગ વાળું છે અને રાગદ્વેષનો નાશ કરવાવાળું તત્ત્વ છે, તેની સાથે અમારે સહકાર છે; પણ તેમણે અમારા ધર્મશાસ્ત્રોનું ખંડન કર્યું હોય, તેનો તો અમારે ઉત્તર આપવો જોઇએ, તેમાં અમારા તરફથી કંઈ પણ પહેલું આક્રમણ થયું નથી. તે વાચકો સહેજે સમજી શકશે વિ. સં. ૧૯૮૦ ના પોષ સુદિ ૬ ના રોજ અમે પ્રાંતિજ ગયા; પ્રાંતિજના સંઘનો વિ. સં, ૧૯૭૯નું ચોમાસું ત્યાં જ કરાવવા ઘણો જ આગ્રહ થયો હતો, તેથી ચોમાસા બાદ ત્યાં ઉપદેશ આપવા જવાની જરૂર પડી હતી અમારું શરીર નરમ હોવાથી પ્રાંતિજના સંઘે પન્યાસ અજીતસાગરગણીને પ્રાંતિજમાં આચાર્ય પદવી આપવા માટે અમને આગ્રહ કર્યો. વિ. સં. ૧૯૮૦ ના માઘ સુદિ ૧૦ના દિવસે આચાર્ય પદવી આપવાનું મુહુર્ત આવ્યું. ગુજરાત વગેરે સર્વ દેશોમાં પ્રાંતિજના સંઘે સૂરિપદ પ્રદાનમહોત્સવની આમંત્રણપત્રિકા મોકલી, આઠ દિવસથી અઠ્ઠાઈ મહોત્સવ શરૂ થઇ ગયો. સાત આઠ હજાર શ્રાવકોનો જૈન સંઘ ભેગો થયો, અને મહાસુદિ દશમના સાડા અગિયાર વાગે અમોએ પન્યાસ અજીતસાગર ગણીને આચાર્ય પદવી આપી. પશ્ચાત્ ફાગણ માસ પણ ત્યાં રહેવાનું થયું. શેઠ કેશવલાલ ત્રીકમલાલ, બલાખીદાસ હાથીભાઇ, ડોકટર માધવલાલ નાગરદાસ, શા. વાડીલાલ ડુંગરસી, તલાટી જીવરામભાઈ તથા મંગુભાઈ તથા શા. શામળદાસ તુળજારામ, જીવરામ કોઠારી ચમનલાલ ડાહ્યાભાઇ, કેશવલાલ, તથા છોટાલાલ ભાઇ તથા વિજાપુરવાળા શેઠ કચરાભાઈ તથા ચુનીલાલભાઈ વિગેરે ત્યાંના શ્રાવકોએ સેવા ભક્તિમાં કંઈ બાકી રાખ્યું નથી. શા. રતિલાલ કેશવલાલે અમોએ ખોલાવેલી અંત્યજશાળાના કારભારનું કામ ઉપાડી લીધું હતું, તથા પુસ્તક પ્રુફ સુધારવામાં પણ અમને મદદ કરતા હતા. શા. રતિલાલ કેશવલાલ તથા શા. અંબાલાલદલસુખ તથા શા. વાડીલાલ લલ્લુભાઈ વગેરેએ અમારી પાસે જીવવિચાર, નવતત્વ અને દંડક વગેરેનો અભ્યાસ શરૂ કર્યો, તથા નવપદની પૂજાના અર્થે એમને ધરાવ્યા, પ્રાંતિજમાં સવાર સાંજે અમો ઠલ્લે જતા હતા. ત્યાં સ્ટેશન પાસે રાજકોટમાં પાદરી તરીકે વખણાયેલા પાદરી મહાશય સ્ટીવનસન સાહેબ અને મીસીસ સ્ટીવનસનની સુલાકાત થઇ. પાદરી સાહેબ માયાળુ હતા અને અન્ય લોકોને ખ્રિસ્તી કરવામાં ધણા પુરુષાર્થી જણાયા, તેમની પત્ની મીસીસ સ્ટીવનસને એમ. એ. સુધી અભ્યાસ કર્યો છે, તેમણે રાજકોટમાં માસ્તર પોપટલાલ કેવળચંદની પાસે જૈનધર્મ નો અભ્યાસ કર્યો હતો અને તેમણે ઇંગ્લીશમાં જૈનધર્મ સંબંધી બે પુસ્તક લખ્યાં છે. પાદરી સાહેબને સરનામું પુછી અમોએ મુંબઈથી બે પુસ્તક મંગાવ્યાં અને તે વંચાવીને તેનો સાર જાણ્યો. મીસીસ સ્ટીવનસન એટલાં બધાં હોંશિયાર ગણાય છે કે તેમની પાસે હિંદુ પણ પાછળથી ખ્રિસ્તી બનેલા બે વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવા આવેલા હતા. તે બે વિદ્યાર્થીઓ અમારી સાથે જૈનધર્મ સંબંધી ચર્ચામાં પરાજીત થયા, કારણકે તે બે વિદ્યાર્થીઓએ જૈનશાસ્ત્રોનો ગુરુમમપૂર્વક અભ્યાસ કર્યો ન હતો. મીસીસ સ્ટીવનસને એક પુસ્તકમાં જૈનધર્મ નું ખંડન લખ્યું હતું. અમોએ તે બીજા પાસે વંચાવ્યું અને તેનો સાર જાણ્યો અને તે સંબંધી ચર્ચા કરવા માટે મીસીસ સ્ટીવનસનને અમો તેમના બંગલે મળ્યા, પણ તેણીએ અમારી સાથે ચર્ચા કરવાની ના પાડી, તેથી તેમણે જૈનધર્મ ના કરેલા આક્ષેપોના આક્રમણનો ઉત્તર આપવા માટે અમને જરૂર પડી, અને અમોએ જૈન ખ્રિસ્તી સંવાદ તરીકે તેઓના આક્ષેપોનો ઉત્તર પ્રશ્નોત્તરમાં ગોઠવીને આપ્યો છે. સ્ટેશન પાસેના બંગલામાં હિંદુ, ખ્રિસ્તી તરીકે થએલ એક બ્રાહ્મણ પૂજારી તરીકે હતો, તેમને અમે મળતા તથા જેઠાલાલ ખ્રિસ્તી અને લાજરસ ખ્રિસ્તીને મળતા, લાજરસ ખ્રિસ્તી પાદરીનું કામ કરતા હતા પણ તે ઘણા કટ્ટા ખ્રિસ્તી ધર્મના અભિમાની હતા. અમારી સાથે ખ્રિસ્તીધર્મને સંબંધી ચર્ચા કરવામાં ઘણા બીજવાઇ જતા હતા, પણ તેમનામાં તર્કબુદ્ધિ નહોતી. તેમના મહોલ્લામાં હું જતો અને માંસ ભક્ષણ નહીં કરવું એવો જ્યારે ઉપદેશ આપતો હતો તથા હિંદુધર્મ મૂકીને ખ્રિસ્તી થઇ જવાની કંઈ જરૂર નથી એવું જ્યારે દલીલો પૂર્વક સમજાવતો હતો, ત્યારે લાજરસને એમ લાગતું હતું કે જો આ જૈનાચાર્યના સંબંધમાં હિંદી ખ્રિસ્તી આવશે તો ખરેખર તે પાછા હિંદુ થઈ જશે. એમ તેને પાકો વહેમ પેઠો હતો, તેથી તે મારા સમાગમમાં હિંદી ખ્રિસ્તીઓ ન આવે એવી પ્રવૃત્તિ ધરાવતો હતો. ખ્રિસ્તી દેવલમાં ત્યાં રવિવારના દિવસે પાદરી અને હિંદી ખ્રિસ્તીઓ ભેગા મળીને પ્રાર્થના કરતા. તે જોવાને હું ત્રણ ચાર વખત ગયો હતો. પાદરી સ્ટીવનસન સાહેબના આગ્રહથી તેમની પ્રાર્થના વખતે હું તેમનાથી દૂર તેમની પ્રાર્થના જોવા બેઠો હતો. પાદરી સ્ટીવનસન સાહેબની પ્રભુમાં શ્રદ્ધા હતી અને તે જગત્કર્તા ઈશ્વરની દષ્ટિએ પ્રભુ પ્રાર્થના કરીને પશ્ચાતાપ કરતા હતા. ખ્રિસ્તી પાદરીઓની અન્ય લોક હિંદુ વગેરેને ખ્રિસ્તી બનાવવાની મહેનતથી હું અજબ થયો. હજારો માઈલથી હિંદુસ્થાનમાં આવવું અને અહીં આવી હિંદુઓને ખ્રિસ્તી બનાવવા અને તે માટે સર્વ ઉપાયો લેવા, ખ્રિસ્તીધર્મનો જીસ્સો અને ખ્રિસ્તીધર્મની ધર્માંધતા અને યુક્તિ પ્રયુક્તિથી હિંદુઓને ખ્રિસ્તી બનાવવાની કળાઓ) મારા દેખવામાં આવી અને તેથી અમને લાગ્યું કે ખ્રિસ્તી પાદરીઓની કામ કરવાની શક્તિ આગળ હિંદુધર્મ ના શંકરાચાર્યો, સંન્યાસીઓ સાધુઓ, બાવાઓ, જૈન સાધુઓ અલ્પપુરુષાર્થી જણાયા, મીસીસ સ્ટીવનસને જૈનધર્મ ના કેટલાક વિચારોનું તેણે કુયુક્તિથી ખંડન કર્યું, છે. તેથી અમારે તેનો સાચો જવાબ આપવાની જરૂર જણાઇ અને તેથી જૈન ખ્રિસ્તી સંવાદ પુસ્તક રચ્યું. પ્રાંતિજના સંઘે તે પુસ્તક પોતાના ગામમાં રચાયું તેથી તે છપાવવામાં રૂ. ૧૨૫) ની મદદ કરી છે. હિંદદેશની સ્વરાજ્ય લડતના નાયક લાલાલજપતરાયે “ભારત કા ઇતિહાસ” નામનું પુસ્તક બનાવ્યું છે તેમાં તેમણે જૈનધર્મ સંબંધી સાત આક્ષેપ કરેલા છે. એ સાત આક્ષેપના ઉત્તર આપવા માટે અમોએ પ્રાંતીજમાં ફાગણ માસમાં લાલાલજપતરાય અને જૈનધર્મએ નામનું પુસ્તક રચ્યું અને તે છપાવી બહાર પાડ્યું છે. લાલાલજપતરાય જેવા દેશનેતાઓ જ્યારે જૈનધર્મ સંબંધી પહેલો જ હુમલો કર્યો ત્યારે જ તેનો જવાબ આપવા માટે સામું પુસ્તક લખવું પડ્યું, આ પ્રમાણે ખંડન શૈલીમાં કામ કરવાને માટે અપવાદ કારણે પ્રવૃત્તિ કરવી પડી અને એવી પ્રવૃત્તિ સર્વ ધર્મવાળા કરે છે. મહાત્મા ગાંધી પણ પોતાના જાહેર પત્રોમાં–ગ્રન્થોમાં એવી ખંડન શૈલીની પ્રવૃત્તિ સેવે છે અને તેમણે વિ. સં. ૧૯૮૦ ના ચૈત્રમાસના નવજીવનના અંકમાં આર્ય સામાજીઓના સત્યાર્થ પ્રકાશસંબંધી લખી જણાવ્યું હતું કે સત્યાર્થ પ્રકાશમાં કશું આશા રાખવા જેવું નથી. સામાઓનો આક્રમણનો જવાબ આપવા માટે ખંડન શૈલીની જરૂર પડે છે અને એવી પ્રવૃત્તિ રાજકીય, વ્યાપારિક, ધાર્મિક વગેરે સર્વ બાબતોમાં અનાદિકાળથી ચાલી રહી છે. સભ્યતા અને વિવેકની હદમાં રહીને જ્ઞાનપૂર્વક અમોએ “જૈન ખ્રિસ્તી સંવાદ” લખેલો છે. તે વાચકો વાંચશે એટલે સહેજ તેઓને તે વાત સમજાશે. ખ્રિસ્તીઓ પોતાના ધર્મનું મંડન કરવા માટે અને અન્યધર્મનું ખંડન કરવા માટે જૈનધર્મ અને હિંદુધર્મ વિરૂદ્ધ અનેક પુસ્તકો છપાવે છે. અમારા જૈનોને ખ્રિસ્તી ધર્મીઓએ કરેલા જૈનધર્મના ખંડનની ખરાબ અસર ન થાય તે માટે અમોએ આ પુસ્તક લખ્યું છે, અને તેથી તેમાં પ્રથમ ખ્રિસ્તી પાદરીઓએ જ પહેલો હુમલો શરૂ કયો છે તેથી તે બાબતનો દોષ તેમના ઉપરજ રહે છે. આ દેશમાં ખ્રિસ્તી પાદરીઓએ લાખો હિંદુને ખ્રિસ્તીઓ બનાવ્યા છે અને બનાવે છે અને તે માટે તેઓ લાખો પૌંડનું ફંડ એકઠું કરવા લાગ્યા છે. અને તેમણે આખા હિંદુસ્તાનમાં ઘણે ઠેકાણે ગામોગામ હિંદુઓને ખ્રિસ્તી બનાવવા માટે મીશનો ખોલ્યાં છે. મુસલમાનો પણ હવે ઘણા જુસ્સાથી હિંદુઓને મુસલમાનો બનાવવા માટે અનેક ઉપાયો રચવા લાગ્યા છે. તે આલાર્મબેલ અથવા ભયનો ઘંટ નામનું ૪૩ પાનાનું પુસ્તક હિંદુમહાસભા વડોદરા તરફથી પ્રકાશિત થયું છે તે વાંચવાથી જણાશે. મુસલમાનો કરતાં ખ્રિસ્તી પાદરીઓ, શાન્ત દાવપેચ યુક્તિથી હિંદુઓને ખ્રિસ્તી બનાવવાનું કામ લે છે. ખ્રિસ્તી પાદરીઓ આખા હિંદને ખ્રિસ્તી બનાવવા મથે છે અને મુસલમાનો, સર્વ હિંદુઓને મુસલમાન બનાવવા ઇચ્છે છે. બંને પોતપોતાના કામમાં ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે. તેથી જૈનોએ હવે ખાસ જાગીને સાવધાન થવું જોઇએ, અને હિંદુઓએ પણ ખાસ જાગ્રત થવું જોઈએ. સ્વામી શ્રદ્ધાનંદ જેવા આર્યસમાજીઓ તથા કેટલાક હિંદુઓ, હવે જાગ્યા છે અને હિંદુઓને મુસલમાન તથા ખ્રિસ્તીઓ થતા અટકાવવા લાગ્યા છે. સ્વામી શ્રદ્ધાનંદ વગેરે આર્ય સમાજીઓ વટલાઈ ગયેલા કે જે હિંદુઓ, મુસલમાન થઇ ગયેલા છે તેઓને પાછા હિંદુધર્મ માં લાવવા માટે તેઓને સમજાવી તેઓની શુદ્ધિ કરે છે, અને તેથી મુસલમાનને હિંદુ એ બે કોમમાં તકરારો વધવા લાગી છે અને ગુલબર્ગ વિગેરે ઠેકાણે હિંદુ મુસલમાન ઝઘડા શરૂ થઇ ગયા છે. હિંદુઓ એમ વિચારવા લાગ્યા છે કે જો પાછા વટલાઈ ગયેલા હિંદુઓને હિંદુ નહીં કરવામાં આવે તો દુનિયાના પટ્ટ ઉપર હિંદુઓનું નામ નિશાન રહેશે નહીં, તેથી હવે તેઓ ચેતી ગયેલા છે. અમો અમારા મત પ્રમાણે અન્યાય જોર જુલ્મથી ક્રક્ત મુસલમાનો અને હિંદુઓ, આવી સ્વધર્મી વધારવાની ઘેલછા કરે છે તે હિંદને હાનિકર્તા છે, એમ માનીએ છીએ. દિલ્હીમાં મહાત્મા ગાંધીએ બન્ને કોમના સંપ માટે એકવીશ ઉપવાસ કર્યા છે તેથી બન્ને કોમના આગેવાનોએ ભેગા મળી યોગ્ય સંપના કાયદા ઘડયા છે. તે પ્રમાણે બન્ને કોમ અને ખ્રિસ્તીયો વર્તે તો તેથી હિંદમાં શાંતિ સંપ રહી શકે. જૈનશાસ્ત્રોમાં પણ જે જૈનો વટલાઈ ગયેલા હોય, તેઓને પ્રાયશ્ચિત આપીને પાછા જૈન બનાવવાની આજ્ઞા આપેલી છે. તથા અન્ય ધર્મીઓ કે જે મુસલમાન હોય, ખ્રિસ્તી વગેરે હોય તેઓમાંના એકને પણ જૈનધર્મી બનાવવામાં શાસ્ત્રકારોએ ચૌદરાજલોકના જીવોને અભયદાન આપવાથી જેટલું ફળ થાય તેટલું જ ફળ દર્શાવ્યું છે, મિથ્યાત્વીઓને જૈનધર્મી બનાવવામાં અનેક તીર્થોની યાત્રાનું ફળ થાય છે. એમ જૈન શાસ્ત્રો ઘંટનાદ કરીને જણાવે છે. માટે હવે જૈનોએ જૈન ધર્મ માંથી અન્યધર્મમાં ગયેલાઓને તથા અન્ય ધર્મીઓને તન મન ધનથી જૈનધર્મી બનાવવા માટે ન્યાયથી પુરૂષાર્થ કરવો જોઇએ. પાંચમા આરામાં બોલે તેનાં બોર વેચાય છે. ચડસા ચડસી અને સ્પર્ધાસ્પર્ધી અને ધાર્મિક જુસ્સાના જમાનામાં જૈનો જો ચેતશે નહીં તો તેઓનું જગતમાં નામ નિશાન પણ રહેશે નહીં. જૈનોએ હવે ઠેકાણે ઠેકાણે જૈન પાઠશાળાઓ ખોલવી જોઇએ અને બાલકોને અને વિધવાઓને મદદ કરવી જોઈએ. અને ખ્રિસ્તીઓની ખાનગી સ્કુલોમાં બાળકોને નહીં મૂકવાં જોઈએ. મીશનસ્કુલોમાં જૈન બાળકોને ભણવા મોકલવાથી તેઓ પર ખ્રિસ્તી ધર્મની અસર થઈ જાય છે અને તેથી તેઓ શંસયી નાસ્તિક બની જાય છે. માટે જૈનોએ પોતાના બાળકોને પાઠશાળામાં મોકલવાં અને ગુરુઓ પાસે અભ્યાસ કરવા મોકલવાં તથા તેઓને ઘેર દરરોજ જૈનધર્મ નો જ બોધ આપ્યા કરવો. ખ્રિસ્તી પાદરીઓ વગેરેના હુમલાઓનો જવાબ ન આપવો તે તો તમોગુણી નિર્વીર્ય શાન્તતા છે અને તેમાં કાયરતા તથા નામર્દાઈપણું તથા ભીરૂપણું છે. સત્યનો પ્રચાર કરવા માટે નિર્ભય થઈ સત્ય કહેવું જ જોઈએ, અને દુઃખ પડે તે સહેવા જ જોઇએ. તે વિના આત્મબળ ખીલવાનું નથી અને પશુબળનો નાશ થવાનો નથી. જૈનશાસ્ત્રોના આધારે અમોએ જે સત્ય લાગ્યું તે જણાવ્યું છે. ઈશ્વર અને ધર્મની બાબતમાં તથા આચારની બાબતમાં અમારા વિચાર અમોએ જણાવ્યા છે. અને ખ્રિસ્તીઓ ઉપર વેર નથી, દ્વેષ નથી. ક્રૂકત ધાર્મિક વિચારો સંબંધી અમારા વિચારો અમોએ જણાવ્યા છે. ઇસુક્રા ઇસ્ટના જે કંઈ નીતિના વિચારો છે તેને અમો નીતિની દષ્ટિએ સત્ય માનીએ છીએ, પણ બાયબલના જે વિચારો અમોને સત્ય જણાયા નથી તેનો દલીલો પૂર્વક અમોએ ઉત્તર આપ્યો છે. ખ્રિસ્તી ધર્મના સર્વ વિચારોમાં અને સર્વ આચારોમાં સર્વથા સત્યતા નથી. ખ્રિસ્તી ધર્મ કરતાં હિંદુ ધર્મ ના આચારો વિચાન ર્ોમાં વિશેષ સત્યતા છે. બંને ધર્મોના ધર્મ શાસ્ત્રોનો અભ્યાસ અમોએ કરેલો છે તેથી ઉપર પ્રમાણે જણાવીએ છીએ. ઇંગ્લાંડ ફ્રાન્સ વિગેરે દેશોમાં કેટલાક યુરોપીયનો સ્વતંત્ર વિચારના થઈ ગયા છે, તેઓ બાયબલની સર્વ વાતોને હવે સત્ય માનતા નથી. बाबा वाक्यं प्रमाणं કરવાનો જમાનો હવે વહી ગયો છે. હવે સર્વધર્મ શાસ્ત્રોની બધી વાતની કસોટી થાય છે. રોમન કૈથોલીક, પોપ ગુરુઓ કે જે મરતાઓને પ્રભુના નામની ચીઠ્ઠીઓ આપે છે અને તેમાં જણાવે છે કે હે પ્રભુ!! તારા વિશ્વાસે આ ભક્તોએ અમને ધન ગાડી ઘોડા આપ્યા છે, માટે તું તેમને સ્વર્ગમાં એનાથી ઘણા પાછા આપજે. એમ કહીને ચીઠ્ઠીઓ આપે છે, અને મરેલા માણસોની કબ્રમાં તે ચીઠ્ઠીઓ દાટવામાં આવે છે. પોપોના ધર્મશાસ્ત્રોના એવા વિચારની સામે ખ્રિસ્તી પાદરી લ્યૂથર થયો અને તેણે ખ્રિસ્તીધર્મ શાસ્ત્રોમાં ઘણું પોકળ જણાવ્યું અને તેણે પ્રોટેસ્ટંટ પંથ નવો ઉભો કર્યો. મહાત્મા ગાંધી પણ ખ્રિસ્તીધર્મ અને બાયબલ ધર્મ શાસ્ત્રની સમાલોચના નીચે પ્રમાણે કરે છે. “અનેક ખ્રિસ્તી મિત્રોએ અતિશય માયા બતાવીને અમેરિકા, ઇંગ્લાંડ અને હિંદુસ્તાનમાંથી મને પુસ્તકો મોકલેલાં. મારે કબુલ કરવું જોઈએ કે આમાં તેમની ભલમનસાઇ હતી પણ તેમણે મોકલેલા ઘણાં પુસ્તકોની હું કદર ન કરી શક્યો, તેમણે મોકલેલાં પુસ્તકોને વિષે તેઓ રાજી થાય એવું હું કંઈ લખી શકું તો કેવું સારૂં ! એમ મનમાં થાય છે પણ મારા મનમાં ન હોય છતાં તેવું લખું તો તે ગેરવાજબી અને જુઠ્ઠું કહેવાય. ખ્રિસ્તીધર્મ વિષેનાં સનાતની ખ્રિસ્તીઓએ લખેલાં પુસ્તકોથી મને સંતોષ નથી થયો. ઈશુખ્રીસ્તના જીવનચરિત્ર માટે તો મને અતિશય આદર છે, તેમના નીતિબોધ તેમનું વ્યવહારજ્ઞાન તેમનું બલીદાન એ સૌને માટે તેમના તરફ પૂજ્યભાવ થયા વિના રહેતો નથી; પણ ખ્રિસ્તીધર્મ પુસ્તકમાં ઉપદેશવામાં આવ્યું છે કે ઈશુ ઈશ્વરના અવતાર હતા અથવા છે અથવા તો તે ઈશ્વરના એક જ પુત્ર હતા અથવા છે તે હું સ્વીકારતો નથી. બીજાનું પુણ્ય ભોગવવાનો સિદ્ધાંત હું નથી સ્વીકારતો, ઈશુનું બલીદાન એક નમુનો છે અને આપણને સૌને આદર્શ રૂપ છે, આપણે સૌને મોક્ષને માટે ક્રોસપર ચઢવાનું છે એટલે તપશ્ચર્યા કરવાની છે. બાઈબલના શબ્દો પુત્ર પિતા અને પવિત્ર આત્માનો કેવળ વાચ્યાર્થ કરવાની હું ના પાડું છું એ બધાં રૂપકો છે, તેમજ ગિરિશિખરના ઉપદેશ ઉપર જે મર્યાદા મૂકવાનો પ્રયત્ન થાય છે તે પણ હું સ્વીકારતો નથી. નવા કરારમાં લડાઈને માટે ક્યાંય બચાવ હું નથી જોતો. ઈશુ ખ્રીસ્તને દુનીયામાં થઈ ગયેલા અતિયશસ્વી ગુરુઓ અને રસૂલોમાંના એક હું માનું છું, પણ કહેવાની જરૂર નથી કે બાયબલને હું ઈશુના જીવન અને તેના ઉપદેશનું ભૂલ વિનાનું બ્યાન નથી માનતો, તેમજ નવા કરારનો શબ્દે શબ્દ ઈશ્વરનો પોતાનો શબ્દ છે એમ હું નથી માનતો અને જૂના કરારની વચ્ચે એક મહત્વનો ભેદ છે. જૂનામાં કેટલાક અતિ ગહન સત્યો છે પણ નવા કરારને હું જેટલો આદર આપું છું તેટલો આદર તો જૂનાને ન આપી શકું, નવાને હું જૂનાના ઉપદેશની વિસ્તારેલી આવૃત્તિ અને કેટલીક બાબતોમાં જુનાના ત્યાગ રૂપે માનું છું. તેમ નવા કરારને હું ઈશ્વરનો આખરી શબ્દ પણ નથી માનતો. વિશ્વમાં વસ્તુ માત્રને જે વિકાસ ક્રમ લાગુ પડે છે તે જ વિકાસ ક્રમને ધાર્મિક વિચારો પણ પાત્ર છે.
માત્ર ઈશ્વર જ અવ્યય છે અને તેનો સંદેશ માનવાના જંત્ર દ્વારા મળે છે એટલે જંત્ર જેટલું ઈશ્વરી વાક્ય પણ શુદ્ધ અશુદ્ધ હોય/ હોવાનો સંભવ છે એટલે મારા ખ્રિસ્તી મિત્રો અને શુભ ચિંતકોને હું માનપૂર્વક આગ્રહ કરૂં છું, કે તેઓ હું જેવો છું તેવો જ મારો રવીકાર કરે. તેઓના વિચારને અને તેઓ છે તેવો હું થાઉં એવી તેમની ઇચ્છાને હું માન આપું છું અને કદર કરું છું.
મહાત્મા ગાંધી જેવા વૈષ્ણવહિંદુએ બાયબલ વિગેરેની આલોચનામાં ઉપર પ્રમાણે જે અભિપ્રાય આપ્યો છે. તે ગાધીજીની દૃષ્ટિ પ્રમાણે છે, પણ અમોએ તો અમારા વિચારો પુસ્તકમાં જણાવી દીધા છે, તેથી વાચકો પુસ્તકને વાંચી તેનો ખ્યાલ કરશે. પૃથ્વીને બન્યાં સાત હજાર વરસ જણાવનાર બાયબલ શાસ્ત્ર છે, તેથી જણાય છે કે બાયબલના વિચારો છે તે મનુષ્યકૃત છે. મનુષ્યથી ઉત્પન્ન થયેલા છે પણ તે સર્વજ્ઞનાં વચનો નથી. જૈન– શાસ્ત્રોમાં સર્વજ્ઞપણાનો પ્રકાશ થાય છે. વાચકો જૈનશાસ્ત્રોનો જો અભ્યાસ કરશે તો તેમને જૈનધર્મ ની શ્રદ્ધા ઉપર જ આવરવું પડશે. જૈનોને જૈનશાસ્ત્રોમાંથી એટલું બધુ લેવાનું છે કે તેમને માટે બીજું કશું કંઈ પણ બાકી રહેતું નથી. તેથી જૈનોને ખ્રિસ્તી થવાની કંઈ પણ જરૂર રહેતી નથી. ખ્રિસ્તીઓને જૈન ધર્મ પાળવાની જરૂર છે, કે જેથી તેઓ માંસાહાર વગેરેનો ત્યાગ કરીને આત્માની શુદ્ધિ કરી શકે અને સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કરી શકે, જેન સાધુ જેવા ખ્રિસ્તી પાદરીઓના આચાર નથી. આખી દુનિયામાં સર્વ ધર્મગુરુઓમાં જૈન સાધુઓ પહેલા નંબરે આવે છે, એમ લાલજી કહે છે. અને અહિંસા પાળવામાં સર્વ કોમના ગૃહસ્થો કરતાં જૈનકોમના ગૃહસ્થો પહેલા નંબરે આવે છે. ખ્રિસ્તીધર્મમાં ખાસતત્વજ્ઞાન નથી. ખરૂં તત્વજ્ઞાન તો જૈનશાસ્ત્રોમાં ભર્યું છે. હવે હિંદુ ધર્મગુરુઓએ અને જૈનધર્મ ગુરુઓએ ખ્રિસ્તી પાદરીઓની પેઠે અત્યંતપુરુષાર્થ કરવો જોઈએ, અને ખ્રિસ્તી તથા મુસલમાન થતા લોકોને ઉપદેશથી અટકાવવા જોઇએ.
કેટલાક ગરીબ જૈનો દુઃખના માર્યા ખ્રિસ્તી થઇ ગયા છે. અમદાવાદની જૈનબોર્ડીંગમાં કપડવંજનો એક નાનો છોકરો ભણતો હતો, તેને રસ્તામાંથી એક ખ્રિસ્તીએ ફોસલાવી ઉપાડી લીધો. તેના સામો કેસ લડવામાં આવ્યો તો પણ જૈન બાળક મળ્યો નહીં ખ્રિસ્તી પાદરીઓની એક જ લક્ષબિંદુ છે કે આખી દુનિયાને ખ્રિસ્તી બનાવી દેવી. મુસલમાનને એક જ ધ્યેય છે કે આખી દુનિયાને મુસલમાન બનાવી દેવી અને તેને માટે જે થાય તે કરવું. જૈનો અને હિંદુઓ આવી સ્થિતિમાં ઉંઘે છે. લાખો કરોડો રૂપીઆ બીજી બાબતોમાં વાપરે છે; પણ ગરીબોને ખ્રિસ્તી થતા અટકાવવા એ તરફ લક્ષ દેતા નથી એ મોટી શોકની વાત છે. હવે જૈન સાધુઓ વિશેષ સંખ્યામાં વધ્યા વિના જૈનધર્મનો ઉદય થવાનો નથી. શ્રી આત્મારામજી ઉર્ફે વિજયાનન્દસૂરિએ જૈનધર્મ ની ઉન્નતિ માટે ઘણો આત્મભોગ આપ્યો છે. હાલના આચાર્યોએ તથા સાધુઓએ તથા શ્રાવકોએ અન્યધર્મીઓના થતા હુમલાઓનો પ્રત્યુત્તર દેવા માટે જૈનધર્મ રક્ષક મહાસભા સ્થાપવી જોઈએ, અને જેટલાં જૈનધર્મના ઉપર હુમલો કરનારાં પુસ્તકો છપાય તે સર્વ નો ઉત્તર ગ્રંથોથી અને માસિકોથી આપવો. તથા અન્ય લોકોને જૈન બનાવવા માટે જે જે યોગ્ય લાગે તે તે ઉપાયો લેવા. જૈનસાધુઓનું મહામંડળ જો ભરાય તો આ બાબતનો તુર્ત ઉકેલ આવે. અમોએ તથા મુનીશ્રી કર્પુરવિજયજીએ વિ. સં. ૧૯૬૪ માં સાધુ મહામંડળ ભરવાનો વિચાર ભોયણી મુકામે કર્યો હતો, પણ કેટલાક સાધુ વિરુદ્ધ હોવાથી તે કાર્ય બની શક્યું નહિ. વિ. સં. ૧૯૭૬ માં અમદાવાદમાં પોષ માસમાં અમદાવાદના સર્વ ઉપાશ્રયના સાધુઓનું મંડળ ભેગું કરવા વિચાર કર્યો હતો, અને પન્યાસ કેસરવિજયજીએ તેમાં ભાગ લીધો હતો, પણ શ્રી વિજયનીતિસૂરિજીના વિચારમાં પાછળથી પરિવર્તન થયું, તેથી મંડળ ભરવું બંધ રહ્યું, વિ. સં. ૧૯૭૮ ના પોષ માસમાં ભારતીય મહાકોંગ્રેસ અગર ભારત મહાસભા છત્રીસમી ભરાઈ હતી, તે વખતે ૫ણ પ્રયત્ન કર્યો હતો. પણ હજી જૈન મુનીઓ અને સૂરિઓની ધ્યાનમાં હાલની પરિસ્થિતિ બરાબર આવતી નથી, પણ જો આ પ્રમાણે ચાલ્યા કરશો તો આર્ય સમાજીઓના તથા ખ્રિસ્તીઓના તથા અન્ય ધર્મીઓના હુમલાઓથી જૈનકોમની પડતી થશે; અને દુનિયામાં જૈનોનું નામ-નિશાન પણ ન રહે એવો ભય રહે એવું જૈનકોમના ઘટાડાથી જણાય છે, માટે હાલને હાલ જૈન મુનિયોએ આ તરફ ખાસ લક્ષ આપવાની જરૂર છે. મારાથી જેટલું બની શકે છે તેટલું હું કરૂં છું પણ સર્વ સૂરિઓએ અને મુનીયોએ આ તરફ ખાસ લક્ષ્ય આપવું જોઈએ. ખ્રિસ્તીઓનું સર્વ પાદરી મંડળ એકઠું થઈને કામ કરે છે. સર્વ જાતના હિંદુઓનું સંગઠન કરવા માટે સ્વામી શ્રદ્ધાનંદ, તથા મદન મોહન માલવીયા વગેરે ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે. જૈનાચાર્યો મુનીયો અને શ્રાવકો જો સામાન્ય ધર્મ મતભેદની તકરારોને મોટું રૂપ આપીને હવે માંહોમાંહે લડયા કરશે અને સમયજાણ નહીં થાય તો તે ભવિષ્યની જૈનકોમના ધિક્કારને પામશે. અને તેમણે વર્તમાનમાં કરેલી ભૂલનો સુધારો ભવિષ્યમાં થશે નહીં તેવી દશા આવશે. માટે જૈન શાસનનાયક આચાર્ય શ્રી વિજય કમલસૂરિ, શ્રી વિજયનેમિસૂરિ, શ્રી વિજયસિદ્ધિસૂરિ, શ્રી સાગરાનંદસૂરિ, શ્રી વિજયનીતિસૂરિ, શ્રી વિજયેન્દ્રસૂરિ, શ્રી કૃપાચંદ્રસૂરિ, શ્રી પ્રવર્તક શ્રી કાંતિવિજયજી તથા મુનીશ્રી હંસવિજયજી તથા મુનીશ્રી વલ્લભવિજયજી, પ્રવર્તક શ્રી કાંતિમુનિજી, શ્રી અજીતસાગરસૂરિ, પન્યાસ શ્રી દાનવિજયજી, મુનિશ્રી રામવિજયજી, શ્રી મણિસાગરજી, શ્રી ગૌતમસાગરજી, તથા શ્રી સાગરચંદ્રમુનિ વિગેરે સર્વ સૂરિયોએ અને મુનીયોએ આવા સંકટના સમયમાં એકત્ર થઈને પૂર્વાચાર્યોની પેઠે જૈનધર્મીઓની વૃદ્ધિ કરવા તથા જૈનશાસ્ત્રોનું રક્ષણ કરવા કટિબદ્ધ થવું જોઇએ અને પરસ્પરની ગચ્છ મતભેદની સામાન્ય તકરારોને આગળ કરીને કુસંપ ક્લેશ ખંડનમંડનની પ્રવૃત્તિ હવે ન કરવી જોઈએ. એમ હું સર્વ મુનીગણને પ્રાર્થું છું. ઉપર જણાવેલા સર્વસૂરિયો અને સર્વ મુનીયો મારા પરિચયમાં આવેલા છે, તેઓને હું પ્રાર્થીને ઉપરની બાબતને ધ્યાનમાં લેવા ખાસ વિજ્ઞપ્તિ કરૂં છું. ! મુનીશ્રી માણેકમુનિજી તથા મુનીશ્રી લલિત વિજયજી તથા ન્યાયતીર્થ શ્રી ન્યાયવિજયજી તથા મુનિશ્રી વિદ્યાવિજયજી તથા મુનીશ્રી ખાંતિવિજયજી તથા વ્યાખ્યાનવાચસ્પતિ શ્રીલબ્ધિવિજયજી તથા શ્રી વિજયોદયસૂરિ તથા શ્રી વિજયદર્શનસૂરિ તથા શ્રી જંબુવિજયજી તથા પન્યાસ શ્રી મેઘવિજય ગણી તથા મુનિશ્રી બુદ્ધિ વિજયજી વગેરે સાધુઓ અમારા સમાગમમાં આવેલા છે અને તે ઘણા ઉત્સાહી છે. જો તેવા યુવક સાધુઓ ધારે તો હાલની જૈનકોમની પડતી સ્થિતિમાં કંઇક સુધારો વધારો કરી જૈનોની ઉન્નતિ કરી શકે. એમોએ લાલાલજપતરાયે જૈનધર્મ પુસ્તક લખવા માંડ્યું તે પહેલાં પંડિત લાલા હંસરાજ પંજાબી જૈન ભારતકા ઇતિહાસ પુસ્તકમાં લાલાં લજપતરાયે જે આક્ષેપો કર્યા હતા, તેનો ઉત્તર આપ્યો હતો, તે અમોએ વાંચ્યો હતો અને તેમાં પણ તેમણે સાધુએઓને આ બાબત પર લક્ષ દેવાની સૂચના કરી હતી. તેથી અમો લાલાહંસરાજ જૈન પંડિતને ધન્યવાદ આપીએ છીએ તેમણે ઘણીજ સભ્ય ભાષામાં મધ્યસ્થપણાથી લાલાલજપતરાયના સાત આક્ષેપોનો ઉત્તર આપ્યો છે. તે પુસ્તક વાંચવા જૈનોને ખાસ ભલામણ કરીએ છીએ. લાલા લજપતરાય અને જૈનધર્મ તથા જૈન ખ્રિસ્તી સંવાદ તથા સિદ્ધાચલ નવાણું પ્રકારની પૂજા એ ત્રણ ગ્રંથ અમોએ વિ. સં. ૧૯૮૦ના માઘ ફાગણમાસમાં પ્રાંતિજમાં લખ્યા, પ્રાંતિજના જિન સંઘે સેવા ભક્તિમાં કંઈ ખાકી રાખ્યું નથી. સ્થાનકવાસી જૈનો અને જૈન શ્વેતામ્બરમૂર્તિ પૂજક જૈનો એ બે કોમો વચ્ચે પ્રાંતિજમાં વીસ પચીસ વર્ષથી કુસંપ ચાલ્યો આવતો હતો. તેથી પ્રાંતિજમાં ચૈત્ર સુદિ ૧ને રોજે બંને ફીરકાના જૈનોને ભેગા કરાવ્યા અને બંનેનું ઐક્ય કરવાનું ભાષણ આપ્યું તેથી હાલ બન્ને પક્ષના જૈનો સંપીને વર્તે છે. પ્રાંતિજથી ચૈત્રસુદિ ૩ ત્રીજે વિહાર કરી મહુડી ગામમાં આવવાનું થયું, ત્યાંથી માણસા થઈ વૈશાખ વદિમાં પેથાપુર આવવાનું થયું. પેથાપુરથી જૈન ધર્મ અને ખ્રિસ્તીધર્મનો મુકાબલો અને જૈન ખ્રિસ્તી સંવાદ એ બે પુસ્તક અમદાવાદ પ્રજાહિતાર્થ પ્રેસમાં મોકલાવી દીધાં, અને આશ્વિન માસમાં બંને પુસ્તકો છપાઈ ગયાં છે. બંને પુસ્તકમાં જે કાંઇ અશુદ્ધિ રહી હોય તેનો પંડિત પુરૂષો સુધારો કરશો એમ પ્રાર્થું છું. આ પુસ્તકનાં પ્રુફ સુધારવામાં પેથાપુર નિવાસી શા. મોતીલાલ પાનાચંદ તથા પરીખ. રમણિકલાલ ડાહ્યાભાઈ એ બંનેએ અમોને મદદ કરી છે.
ॐ अर्हं महावीर शान्ति:
વિં. સં. ૧૯૮૦ આશ્વિન વિજયાદશમી.
મુ. પેથાપુર.
લે. બુદ્ધિસાગર.